સ્વપ્ન
સ્વપ્ન
રોજ રોજ મનોજ રાત પડેને ઘરની બહાર પોતાની ગાડી લઈનેનીકળી પડતો. પોતે ઘરમાં એકલો જ હતો. એક સારી કંપનીમાં મેનેજરનો હોદ્દો હતો, એટલે પૈસે ટકે પણ સુખી હતો. બસ ખોટ હતી તો એક પરિવારની. એનું કોઈ નહોતું આ જગતમાં. એને એક એવી વ્યક્તિની જરૂર હતી જેને એ પ્રેમ કરી શકે અને જે એને પ્રેમ આપી શકે. એની સાથે એનીજ કંપનીમાં પણ ઘણી સારાં ઘરની છોકરીઓ, સ્ત્રીઓ નોકરી કરતી હતી. ઘણી વાર એમાંથી ઘણાં એ એની નજીક જવાનાં પ્રયત્ન પણ કરી જોયાં. પણ મનોજ એ બધાથી પર હતો. એને એવા લફરાંમાં પડવું જ નહોતું. એને તો જીવનસાથીની તલાશ હતી, નહીં કે ટાઈમપાસ કરીને મોજશોખ કરાવનાર સ્ત્રીની !
એકવાર એનો જ એક મિત્ર એને એક રેડ એરિયામાં લઈ ગયો. અને ત્યાંની દુનિયાથી પરિચિત કરવા માટે અંદર પણ લઈ ગયો. મનોજ માટે તો આ એક અચરજ પમાડે એવી જ ઘટના હતી. પણ એને પણ આ દુનિયામાં જીવતી સ્ત્રીઓ વિશે જાણવાની ઈચ્છા થઈ ગઈ. અને મનોજ એનાં મિત્રની સાથે રાત્રે ત્યાં પહોંચી ગયો. જાતજાતની છોકરીઓ સુંદર મેકઅપ અને આકર્ષિત થાય એવા કપડાં પહેરીને ઊભી હતી. એમાં પણ એક છોકરી સાવ સાદગીવાળીને નમ આંખોમાં આંસુને છુપાવીને ઊભી હતી. મનોજનું ધ્યાન એનાં ઉપર ઠર્યું. અને એ એની સાથે જવા તૈયાર થયો.
અંદર ગયા પછી એ છોકરી એ પોતાનું નામ કવિતા છે એમ કહીને મનોજને પોતાની જાત સોંપી દેવાની તૈયારી કરવા લાગી. પણ મનોજે એને તરતજ અટકાવી દીધી. અને કહ્યું કે "હું અહીં મારી વાસના સંતોષવા નથી આવ્યો. હું અહીંની છોકરીઓની મનોવ્યથા જાણવા માટે આવ્યો છું. હું તમને પૈસા પૂરા આપીશ પણ તમને સ્પશૅ પણ નહીં કરું, એટલે તમે નિશ્ચિંત રહીને મને તમારી બધી વાત કરો."
કવિતાને વિશ્વાસ આવ્યો મનોજ ઉપર અને પછી પોતાની કથની કહી. પોતે ન
ેપાળથી અહીં પોતાનાં ગામનાં લોકો સાથે સ્વેટર વેચવા આવી હતી. નેપાળમાં થયેલાં ધરતીકંપમાં એનો આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. ને એ પોતે કાટમાળમાં બેભાન હાલતે પડેલી મળી આવી હતી. સમય જતાં એ સાજી થઈ પણ ઘરબાર નહીં એટલે ક્યાં જાય ? એવામાં એનાં જ ગામનાં એક પરિવારે એને પોતાની સાથે રાખી લીધી અને પછી ગરમ કપડાંનો વ્યવસાય કરતાં હોવાથી એને લઈને મુંબઈ જેવા મોટાં શહેરમાં આવ્યા. અને અહીં આવીને એ લોકોએ તેને અહીં વેચી દીધી છે અને હવે ત્યારથીજ એ અહીં પરાણે, અનિચ્છાએ પણ આ ધંધો કરવા મજબૂર બની છે.
મનોજને એની વાતમાં સચ્ચાઈ લાગી. એને કવિતા પસંદ આવી ગઈ. એણે વિચાર્યું કે જો હું કવિતા સાથે લગ્ન કરીશ તો એ અહીંથી છૂટશે, બીજું કે એને પણ એક પ્રેમ કરતો પતિ મળશે. અને અમે અમારો પરિવાર બનાવીશું. બેઉનું દુનિયામાં કોઇ જ નહોતું એટલે કોઈની રજા લેવી પડે એમ નહોતું. અને મનોજે કવિતાની પાસે પોતાનાં મનની વાત કરી, અને પોતે એની સાથે લગ્ન કરવા માગે છે એમ કીધું.
કવિતા બે ઘડી તો મનોજની સામે જ જોઈ રહી ! એને આ ઘડી જાણે સપનાં જેવી લાગી રહી હતી .પોતે વિચારી જ નહોતી શકતી કે શું કરવું ? અંતે મનોજની વાત પર ભરોસો કરીને કવિતા પણ મનોજ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ. એ પણ આ નર્કની જિંદગીથી બહાર નીકળવા માંગતી હતી. અને બેઉએ મંદિર જઈને લગ્ન કરી લીધાં. અને એક વકીલ પાસે જઈને કાયદેસર નોંધણી કરાવીને મનોજે કવિતાને પોતાની પત્ની બનાવી. હવે કવિતા એ નર્કની જિંદગીમાંથી બહાર આવી ગઈ હતી.
રોજ રોજની કાળી અંધારી રાત જેવી જિંદગી જીવતી કવિતાના જીવનમાં મનોજે પ્રેમ રૂપી સોનાનો સૂરજ ઉગાડી દીધો. અને કવિતા હવે રોજ ઉગતા સૂરજની શાખે મનોજની ચરણરજ માથે ચડાવીને પોતાનાં જીવનનાં સૂરજને વંદન કરે છે.