પૌરાણિક
પૌરાણિક
જગતમાં જેની ખ્યાતિ સત્યવાદી રાજા તરીકે ફેલાયેલી છે એવા સૂર્યવંશી રાજા હરિશ્ચંદ્ર ની પત્ની છું હું.પોતાના વચનને ખાતર પ્રાણ પણ ધરી દેનાર રાજાની પત્ની હોવાનો મને ગર્વ છે.
એકવાર એક જંગલમાં મારા પતિ શિકાર માટે ગયા હતા અને માર્ગ ભૂલી ગયા. રસ્તે જતાં એમને એક બ્રાહ્મણ મળ્યા.એમને માર્ગ પુછતાં એમણે માર્ગ બતાવ્યો અને રાજાજીએ એમને દક્ષિણા માગવાનું કહ્યું તો એમણે પોતાની બદલે પોતાના હમણાં જ પરણેલા દીકરા માટે દક્ષિણા માગવાની વાત કરી અને રાજા સંમત થતાં એ બ્રાહ્મણે આખુંય રાજપાટ માગી લીધું.કેવું કપટ કર્યું એણે ? પરંતુ હરિશ્ચંદ્ર વચનના પાક્કા હતા એમણે તો પળનોય વિલંબ કર્યા વગર રાજપાટ એને સોંપી દીધો.પરંતુ વિધિની વક્રતા તો હવે જોવા મળી ! પેલા બ્રાહ્મણે કહ્યું કે , “ મારી દક્ષિણા તો બાકી છે ! “એમ કહીને હતું એ સોનું પણ માંગી લીધું , અને વચનથી બંધાયેલા રાજાએ પળનોય વિલંબ કર્યા વગર એ પણ આપી દીધું.
મારા પતિ ને આજે એ જ ચિંતા સતાવતી હતી કે બધું જ દક્ષિણામાં આપી દીધું છે હવે મારો દીકરો રોહિત જે રાજમહેલમાં જ રહેવા માટે ટેવાયેલો છે એ હવે જંગલમાં કેવીરીતે જીવી શકશે ? છતાંય અમે ત્રણેય બધું જ છોડીને સાદા વસ્ત્રો પહેરીને જંગલમાં જવા નીકળી પડ્યા. હવે હરિશ્ચંદ્રને ચિંતા હતી અઢી ભાર સોનું લાવવાની ! હું અને રોહિત ક્યારેય આમ મહેલની બહાર નીકળ્યા જ નહોતા એટલે જંગલમાં ચાલવું પણ કઠિન હતું.નાના રોહિતનાં પગમાં કાંટો વાગે તો મારા હૈયામાં જાણે એની પીડા ઊઠતી હતી ! મને ઠોકર વાગે તો હરિશ્ચંદ્ર મોઢામાંથી આહ નીકળી જતી. રસ્તામાં ખાવાપીવાનું પણ ઘણી વાર નહોતું મળતું.નાનો રોહિત પણ કેટલો બધો સમજદાર હતો ! ત્યારે ખબર પડી જ્યારે એ અમને હિંમત આપીને કહેતો હતો કે “અરે હમણાં કાશીનો રસ્તો આવશે ને એટલે બધું મટી જશે.”
રાજા આ બધું જોઈને વારંવાર ભગવાનને ફરિયાદ પણ કરતા હતા કે આવું કેમ થાય છે ? આ જગત આખું પથ્થર જેવું કેમ હશે ?શું ઈશ્વર જેવું કોઈ હશે જ નહીં ? આમ જ સમય પસાર થતા અમે છેવટે એક દિવસ કાશી પહોંચી ગયા. પાસે પૈસા નહોતા અને અઢીભાર સોનું બ્રાહ્મણને દક્ષિણામાં આપવાની પૂરેપૂરી ચિંતા ! એટલે અમે ત્રણેય અમને વેચવા ઊભા રહી ગયા. એક સૂર્યવંશી રાજા આજે પોતાની જાતને વેચવા ઊભા હતા એ કેવી કરુણતા ! એક નાનો દીકરો પોતાનાં પિતાની સહાય માટે પોતાની જાતને વેચી દેવા તૈયાર થયો એ એક પિતા કેવીરીતે જોઈ શકે ? એક મા નું હૈયું કેવું ચિરાતું હશે ? પણ વિધિની વક્રતાએ ક્ષણ
વારમાં જ રાજામાંથી રંક બનેલા રાજાને કેવો મજબૂર કરી દીધો કે એનો આખો પરિવાર પોતાની જાતને વેચવા માટે ઊભો છે !
એટલામાં જ એક માણસે મને અને રોહિતને ખરીદી લીધા.અઢીભાર સોના માટે વેચાયેલા અમને એ પણ ખબર નહોતી કે હવે અમારું શું થશે ? ક્યારે અમારા આ દિવસો પૂરા થશે ને ફરીથી ક્યારે અમારો પરિવાર એક થશે ? અમે મા દીકરો જેનાં ઘરે ગયા ત્યાંની શેઠાણી ખૂબજ નિર્દય હતી.એ અમારી પાસે અનહદ કામ કરાવતી ને બદલામાં વધ્યું ઘટ્યું ખાવાનું આપે ખાવા માટે. રાજરાણી હોવા છતાંય હું કશું બોલી જ નહોતી શકતી.
એક દિવસ શેઠાણીએ રોહિતને ફૂલ લેવા માટે મોકલ્યો.ઘણો સમય થયો પણ રોહિત ના આવ્યો કે ના એના સમાચાર આવ્યા ! મારી ચિંતા વધતી ગઈ. એટલામાં જ એક સંદેશો આવ્યો કે રોહિતને સાપે દંશ દીધો છે અને એનું મૃત્યુ થયું છે. મારું મન તો એ માનવા જ તૈયાર નહોતું પણ એ જ સચ્ચાઈ હતી ! મારા લાડકવાયાનું મૃત શરીર મારી સામે હતું ! હવે હું મારા પતિને શું જવાબ આપીશ ? કેવીરીતે એમનો સામનો કરીશ ? એમ વિચારતી રોહિતનાં શરીરને ઊંચકીને સ્મશાન તરફ નીકળી પડી. જે દીકરાને પગમાં કાંટો વાગતો તોય એને તેડી નહોતી શકતી એ જ મા આજે એ દીકરાનાં મૃત શરીરનો ભાર કેવીરીતે ઉપાડી શકી હશે ?
જ્યારે સ્મશાનમાં પહોંચી તો મારી આંખો પર મને વિશ્વાસ જ નહોતો આવ્યો ! ના ના આ હરિશ્ચંદ્ર ના હોય ! મારો ભ્રમ હશે.એમ વિચારી હું એમની નજીક ગઈ તો એમણે મને કહ્યું , “ તારામતી …આ બધું શું છે ?” મારાથી કશું ના બોલી શકાયું.છતાંય તૂટક તૂટક બધી વાત કરી. ત્યાં તો ચાંડાળે હરિશ્ચંદ્રને આજ્ઞા કરી કે આ સ્ત્રી નો વધ કરો.સ્ત્રી હત્યા એ તો બહુ મોટું પાપ કહેવાય એવું સમજાવવા છતાંય એ ના માન્યો ને હરિશ્ચંદ્ર આગળ મેં માથું ઢાળી દઈને કહ્યું કે , “ હે ઈશ્વર ! મને દરેક જન્મમાં હરિશ્ચંદ્ર જ પતિ તરીકે અને રોહિત પુત્ર તરીકે આપજો”.
આ શું ? જ્યાં હરિશ્ચંદ્ર ખડગ ઉપાડે છે મને મારવા માટે ને ત્યાંજ આકાશમાં વીજળીના ગડગડાટ સાથે એટ આકાશવાણી થઈ ,” રાજા હરિશ્ચંદ્ર ! તું ખરેખર સત્યવાદી છે. દરેક પરીક્ષામાં તું ઉત્તીર્ણ થયો છે.” એમ બોલતાં જ જેમણે આ લીલા રચેલી એ વિશ્વામિત્ર પ્રગટ થયા અને રોહિતને સજીવન કર્યો.હરિશ્ચંદ્રના સત્ય ને જાણવા માટે જ એમણે બ્રાહ્મણનું રૂપ લીધું હતું.આજે હવે એ દુ:ખનાં દિવસો પૂરા થયા, અમારું રાજ્ય પાછું મળી ગયું.
રાજા હરિશ્ચંદ્ર નાં સત્યનાં નિયમને પાળતાં પાળતાં જ બાકીનું જીવન અમે સુખેથી વિતાવ્યું.