સફળતા
સફળતા
નિષ્ફળતામાંથી જ સફળતાનું ઝરણું પ્રગટે છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો સકારાત્મક વિચારધારા જોઈએ. ધીરજ રાખી મહેનત કરવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. જે માણસ અકળાય છે, હતાશ થાય છે તે ક્યારેય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. કોઇએ લખ્યું છે કે,
"છે કઠણ માર્ગો ઘણાં, વિશ્વાસ તો પણ છે અટલ.
સંકટોને જોઈ હિંમત, હારનારો હું નથી,
છે હૃદયમાં રોશની એ, બોલવાને ના કરી,
પારકાં તેજે પ્રકાશેલો, સિતારો હું નથી."
જે માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ છે, શ્રધ્ધા છે, સફળતા પ્રાપ્ત કરવાની જેને ધૂન સવાર થઈ હોય છે એવા માણસો જીવનમાં કદી પાછા પડતાં નથી.
સફળતા મેળવવા માટે ક્યારેય નિષ્ફળતાથી ડરવું નહીં પણ નિષ્ફળતાને જ સફળતાનું પગથિયું બનાવીને આગળ વધવું જોઈએ. આપણે વીજળીના શોધક આલ્વા એડિસનને યાદ કરીએ તો એમણે કેટલી ધગશથી પ્રયોગો કર્યા હતા. અનેકવાર નિષ
્ફળતા મળવા છતાં પણ ક્યારેય ડગ્યા નહોતાં. મિત્રો પણ એમનો સાથ દેવા જ્યારે તૈયાર નહોતા ત્યારે એમણે મિત્રોને કહ્યું હતું કે આપણે જેમ જેમ નિષ્ફળ જઈએ છીએ તેમ તેમ સફળતા નજીક આવતી જાય છે અને એમનો આ જ આત્મવિશ્વાસ એક દિવસ એમનાં જીવનમાં સોનેરી સૂરજ બનીને આવ્યો અને એમની અથાગ મહેનતે વીજળીની શોધ કરીને સાબિત કરી બતાવ્યું કે જીવનમાં સફળતા મેળવવી હોય તો હંમેશા સકારાત્મક વિચારો જ રાખવા જોઈએ.
ધીરજ રાખી મહેનત કરવાથી સફળતા જરૂર મળે છે. નિષ્ફળતાથી હતાશ થવાને બદલે સફળતા ક્યાંથી મળશે ? એનાં રસ્તાઓ શોધો. વારંવાર શોધતાં રહો તો જરૂર સફળતા તમારા કદમ ચૂમશે. ટૂંકમાં એટલું નક્કી જ છે કે નિષ્ફળતા જ સફળતાનાં શિખરે પહોંચાડે છે. નિષ્ફળતામાંથી જ સફળતાનું ઝરણું પ્રગટે છે. પરંતુ એ માટે ધીરજ, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચારધારા અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરવાનો અભિગમ રાખવો જોઈએ.