વિશિષ્ટ વ્યક્તિ
વિશિષ્ટ વ્યક્તિ
આજે દેશના રાષ્ટ્રપતિ, યુપીએના ચેર પર્સન, લોકસભાના અધ્યક્ષ, લોકસભામાં વિપક્ષના નેતા, ગુજરાતના રાજ્યપાલ, જેવા પદો પર નારીઓની બોલબાલા થઈ ગઈ છે. પરંતુ અમદાવાદમાં આ પ્રવાહની શરૂઆત બહુ વહેલી થઈ ગઈ હતી. સન 1618 માં જહાંગીરના બેગમ નૂરજહાં અમદાવાદની મહિલા શાસક હતી. આ પૂર્વે કોઈપણ મહિલાએ અમદાવાદ ઉપર રાજ્યધિકાર ભોગવ્યો ન હતો.
કાળુપુર વિસ્તારમાં એક લત્તો આજે પણ " ટંકશાળ "તરીકે ઓળખાય છે. જ્યાં એક પોળનું નામ પણ "ટંકશાળની પોળ" છે. એવું કહેવાય છે કે ત્યાં મોગલ બાદશાહ જહાંગીરના સમયની ટંકશાળ હતી. બાદશાહ જહાંગીરે ત્યાં નવી ટંકશાળ કરી હતી કે જૂની ને સમરાવી હતી એની કોઈ વિગતો હાલમાં જોવા મળતી નથી. આજે તો આ ટંકશાળ ક્યાં અને કેવી હશે એની પણ કોઈને માહિતી નથી. અમદાવાદની આ ટંકશાળમાંથી જહાંગીરના બેગમ નૂરજહાંનો એક સિક્કો બહાર પડ્યો હતો જે મુજબ નૂરજહાં અમદાવાદની મહિલા શાસક હતી. કેમ કે આ પૂર્વે કોઈપણ મહિલાએ અમદાવાદ ઉપર રાજ્ય અધિકાર ભોગવ્યો ન હતો. આથી નૂરજહાંને આપણે અમદાવાદના ચોક્કસ સર્વપ્રથમ મહિલા ગવર્નર તરીકે ઓળખાવી શકીએ. આ એકમાત્ર સોનાના સિક્કાને કારણે અમદાવાદની ટંકશાળનું ઐતિહાસિક મહત્વ વધી જાય છે.
એ સમયે એક ભવ્ય ચતુષ્કોણીય કિલ્લો મુગલ શૈલીથી બંધાયેલો હતો. એના દરવાજાને કમાનો હતી અને ત્યાં ચોકીદારો બેસતા હતા. તેમની બિલકુલ નજીક એક હિન્દુ મંદિર હતું. એ મંદિરના સ્થાપક શામળદાસ હતા. તેઓ આ ટંકશાળના અધિકાર
ી હતા. તેમની દેખરેખ હેઠળ પાડવામાં આવતા સિક્કા આજે પણ "શામળશાહી રૂપિયા" તરીકે જાણીતા છે. જહાંગીરની બેગમ નૂરજહાં ગુજરાત સરકાર પર થોડાક સમય માટે હકુમત ધરાવતી હતી. તેના નામે અમદાવાદની ટંકશાળમાંથી ચાંદીના રૂપિયા પડવા લાગ્યા અને તે ચલણી બન્યા હતા એ સમયે બહાર પાડેલા સિક્કા પરનું લખાણ નીચે મુજબ હતું, "બ હુકમે શાહે જહાંગીર યાફ્ત સદ જેવર, બનામે નૂરજહાં બાદશાહ બેગમ ઝર "
પંક્તિનો અર્થ :--
બાદશાહ જહાંગીરના હુકમથી સોનુ અર્થાત નાણું નૂરજહાં બાદશાહ બેગમ નું નામ એના પર અંકિત થવાથી શોભે થયું.
આ પ્રકારનો બેગમ નૂરજહાં ના નામ વાળો અમદાવાદ ટંકશાળાનો સોનાનો સિક્કો માત્ર હિજરી સંવત ૧૦૩૭નો પ્રાપ્ત થયો છે, જોકે જહાંગીરના અમદાવાદ ટંકશાળાના અનેક સિક્કાઓ પ્રાપ્ત થયા છે.
વર્ષો સુધી આ ટંકશાળ ચાલુ રહી હતી. એ સમયના સિક્કા પાડવાના બીબા આજે પણ પ્રાપ્ત થાય છે. હાલમાં ટંકશાળની આસપાસ સોના ચાંદીના કસબના કારીગરો તેમના કારખાના સાથે ધંધો કરે છે. જેમને સરકારે નજીવા ભાડાથી ધંધા માટે જગ્યા ફાળવી છે. જહાંગીરના સમયથી ટંકશાળ ધીરે ધીરે નાશ પામતી ગઈ . પરંતુ અમદાવાદના પ્રથમ મહિલા ગવર્નર નૂરજહાં ની સત્તાનો પણ અંત જાગીરના પછી અલ્પ સમયમાં થવા લાગ્યો. જાગીરના અવસાન પછી નૂરજહાંના નામવાળા બધા જ ચલણો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, પણ એક સિક્કો અમદાવાદના ઇતિહાસની સંસ્મરણીય ઘટનાની સાક્ષી પુરવા માટે ઘણો છે.