વિજ્ઞાન કથા
વિજ્ઞાન કથા
આરાધના પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવવાનો હતો. દરેક વિદ્યાર્થીને પોતાનાં વર્ગમાં એક પ્રયોગાત્મક વાત કરવાની હતી જેની ઉપરથી બાળકો પોતાના ઘરે પોતાની જાતે એ પ્રયોગ કરી શકે. મનન ઘરે આ વિષય ઉપર શું કરવું એના વિશે વિચારતો હતો. એના પપ્પાએ એને પુછ્યું કે "બેટા શું વિચારે છે ? ચાલ આપણે બહાર બગીચામાં ફૂલ છોડને પાણી પીવડાવીને આવીએ." બેઉ બગીચામાં ગયા.
સુંદર મજાનાં ફૂલ ખીલેલા હતા. એ ફૂલો ઉપર રંગબેરંગી પતંગિયા ઉડાઉડ કરતાં હતાં. મનને એના પિતાને પુછ્યું કે "પપ્પા આ પતંગિયા કેવી રીતે બને ?" પપ્પાએ તેને કહ્યું કે "તે બહુ સરસ સવાલ કર્યો છે. જો હું તને એના વિશે એક વાત કહું."
એકવાર એક માણસના હાથમાં પતંગિયાનો કોશેટો આવ્યો. પર્યાવરણ તેમજ પશુ-પક્ષીઓના પ્રેમી હોવાથી તેમણે કોશેટાને સુરક્ષિત સ્થળે મૂક્યો. એક દિવસ તેમાં નાનું કાણું થયું અને એક પતંગિયું એ કાણામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યું. પેલા ભાઈ તો કુદરતની આ કરામત કલાકો સુધી જોઈ જ રહ્યા ! પતંગિયું કલાકો સુધી મથ્યું, પરંતુ કોશેટામાંથી બહાર ન નીકળી શક્યું.
થોડા કલાકો પછી તેનું માથું પણ દેખાતું બંધ થઈ ગયું. પેલા ભાઈને દયા આવી. તેણે નાનકડી કાતરથી કોશેટાનો બાકીનો ભાગ કાપી કાઢ્યો. પતંગિયું બહાર તો આવી ગયું , પરંતુ તેનું શરીર સૂઝી ગયું હતું અને પાંખો સાવ જ સંકોચાઈ ગઈ હતી. પેલા ભાઈ સતત પતંગિયાની સામે જ બ
ેઠા. એમને આશા હતી કે પાંખો મોટી અને મજબૂત થશે અને પતંગિયું ઊડવા માટે સક્ષમ થશે. એકવાર પાંખો મોટી થશે એટલે ફૂલેલું શરીર નાનું લાગશે, પાંખો શરીરનું વજન ઉઠાવી શકશે અને પતંગિયું ઊડવા લાગશે. દિવસો વીત્યા, પતંગિયું જીવી તો ગયું પરંતુ ક્યારેય ઊડ્યું જ નહીં. આખી જિંદગી નાની નાની પાંખો અને સૂઝેલા શરીર સાથે જમીન પર ઘસડાતું રહ્યું.
પેલા દયાળુ ભાઈને આ બનાવે વિચારતા કરી મૂક્યા. પોતાની ઉતાવળને કારણે તેમણે પતંગિયાને કોશેટોમાંથી વગર મહેનતે બહાર નીકળવાનો માર્ગ તો કરી આપ્યો, પરંતુ આને કારણે તેનાં શરીરમાંથી પાંખો તરફ જતું એક પ્રવાહી રોકાઈ ગયું. પતંગિયાએ જાતે જ મહેનત કરી હોત તો તેના શરીરમાંથી પ્રવાહી પાંખો સુધી પહોંચી ગયું હોત અને પાંખો મજબૂત થઈ હોત. પાંખો મજબૂત હોય તો જ તે ઊડી શકે. આમ આખી પ્રક્રિયા આપમેળે જ થાય તો જ પતંગિયું કોશેટોમાંથી બહાર નીકળીને પોતાની જાતે ઉડી શકે.
મનન તો રાજી રાજી થઈ ગયો. એને જે પ્રયોગાત્મક વાત વર્ગમાં કરવાની હતી એ મળી ગઈ હતી. બીજે દિવસે એણે શાળામાં જઈને પતંગિયાનાં સર્જનની વાત સુંદર રીતે કરી. સૌથી સરસ વાર્તા કહેવા બદલ એનું સન્માન કરવામાં આવ્યું.
આપણે પણ આ વાર્તા પરથીબોધ લઈશું કે બાળકોની પાંખો મજબૂત થવા દેવા માટે એમને પોતાના કામ પોતાની જાતે કરવા દેવા જોઈએ. તો જ બાળકો પોતાની પાંખોથી ઉડતા શીખશે.