આઝાદી
આઝાદી
ખરેખર સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે ? આપણાં દેશને આઝાદ થયે આજે 74 વર્ષ થયા છે. સાત સાત દાયકાનાં વહાણા વીતવા છતાંય આજની પેઢીનાં લોકોને સ્વતંત્રતાની સાચી સમજણ નથી. દેશ આગળ વધે છે, વિજ્ઞાને પ્રગતિ કરી છે પણ હજુપણ એક પેઢી એવી છે કે જેને સ્વતંત્રતા જોઈએ છે પણ તે લોકો શું માંગે છે, શું ઈચ્છે છે એની જ સમજણ નથી !
પહેલાં નું ભારત અંગ્રેજોનું ગુલામ હતું. આજે પણ આજ પરિસ્થિતિ છે, ફર્ક એટલો જ છે કે ત્યારે અંગ્રેજોના ગુલામ હતા ને આજે નેતાઓના ગુલામ છે. પહેલાં અંગ્રેજોનો આદેશ માનતા હતા અને આજે આ ભ્રષ્ટાચારી નેતાઓના ગુલામ બની બેઠા છે. દરેક નાગરિક સ્વતંત્ર ભારતમાં રહેછે છતાંય આઝાદી ઝંખે છે. આપણા દેશમાં ગરીબોની વસ્તી તરફ એક નજર કરીએ તો ખબર પડશે કે લાખો લોકોને બે ટંકનું ભોજન પણ નસીબ નથી, રહેવા ઘર નથી,પહેરવા કપડાં નથી. આ લોકોને આમાંથી આઝાદી જોઈએ છે. આ રોજની પીડામાંથી મુક્ત થવું છે. પણ. .. શું. ...આ શક્ય બની શકશે ?
આપણો દેશ ઊંચી ઊડાન ભરીને ચંદ્ર, મંગળ ઉપર અવકાશયાન મોકલીને ઐતિહાસિક સિદ્ધિ મેળવીને વિશ્વમાં નામ ઊંચું કરી શકે છે પણ બિહાર કે આસામ જેવા રાજ્યોમાથી ગરીબી કે ભૂખમરો દૂર નથી કરી શકતો. જ્યાં પ્રજા પાસે દવા કરાવવા માટે પણ પૈસા નથી એટલે સારવારના અભાવે લાખો મૃત્યુ પામે છે. લોકોને આમાંથી આઝાદી જોઈએ છે.
જે દેશમાં આતંકવાદ નો ભય સતત ઝળુંબી રહેતો હોય એવા પ્રદેશોના લોકો આ આતંકવાદમાથી સ્વતંત્રતા ઝંખે છે. જ્યાં ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવીને ઉચ્ચ અધિકારીઓ જ પોતાના પરિવાર માટે કૌભાંડો કરતાં ખચકાતા નથી ને જનતાનાં જ પૈસા લૂંટી લે છે, કોઈપણ કામ કરી આપવાનાં રીતસર બેફામ રીતે પૈસાની લ
ેતીદેતીનીગોઠવણ સરકારી ઓફિસોમાં અધિકારીઓની જોહુકમી હેઠળ બધું આયોજન સુયોજિત રીતે ગોઠવાઈ જાય છે. પ્રજાને આવી ગોઠવણોમાંથી મુક્તિ જોઈએ છે.
માત્ર રાજકારણની જ ગંદકી નથી, પણ દેશમાં સ્વચ્છતા ની પણ એટલી જ જરૂર છે. લોકોને ગમેત્યાં થૂંકવામાં જરાય શરમ નથી. પાન- મસાલા ખાઈને રોડ ઉપર પણ ગમેત્યાં, ચાર રસ્તે કે લીફ્ટમાં કે પછી ચાલુ વાહને પણ આજુબાજુ જોયા વગર ગમે ત્યાં પાનની પિચકારી મારીને ગંદકી કરતાં પણ અચકાતા નથી. આવા વ્યસનનાં આદતથી ટેવાયેલા લોકોની મનોવૃત્તિ ને બદલવાની જરૂર છે. આવી માનસિકતામાથી પણ મુક્તિ ઈચ્છે છે લોકો.
પૈસાના જોરે અને ઓળખાણ ની દાદાગીરીથી લોકો ઉપર રોફ જમાવતા લોકો બેફામ વાહન ચલાવે છે, અકસ્માત કરીને ભાગે છે, પછી મોટામાથાની ઓળખાણ બતાવી ને પૈસાના જોરે છટકી જાય છે. અને આવાજ લોકોને ભ્રષ્ટ નેતાઓ પોતાના વોટ માટે નોટના ગુલામ બનીને ગુનેગારોને છાવરે છે. કુમળી વયની દીકરીઓ ઉપર થતા બળાત્કારો ને અટકાવી ને એવા નરાધમોને છાવરવાની બદલે સજા આપવી જોઈએ. વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતાં યુવાનોની માનસિકતા બદલવાની જરૂર છે.
જ્યાં સુધી માનવી “ હું “ પણામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સાચા અર્થમાં સ્વતંત્રતા નહીં જ મેળવી શકે. કારણકે જ્યાં સુધી તે પોતાનાં જ હિત માટે જીવશે ત્યાં સુધી સમાજનું કે દેશનું હિત નહીં જ કરી શકે. માટે હવે આજનાં માનવે સ્વચ્છંદતાને છોડીને સંયમ, મર્યાદા, નિયમો, પરંપરાઓ અને સંસ્કાર ને જાળવતી સ્વતંત્રતા મેળવવાની જરૂર છે.
આપણી રાષ્ટ્રીય ધરોહરોની જાળવણી અને જતન કરીએ, સ્વચ્છતા જાળવીએ, દરેકને સન્માન આપીએ, માતા, બહેન, દીકરી કે સમગ્ર સ્ત્રી જાતિનું સન્માન કરીએ તો જ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીશું.