પૌરાણિક
પૌરાણિક
મિત્રો ઘણીબધી પરંપરા એવી હોય છે કે આપણે સૌ પેઢી દર પેઢી એને અનુસરીને રહેતા હોઈએ છીએ. પરંતુ એની પાછળનું ચોક્કસ કારણ કે પછી એનું હાર્દ જાણતાં નથી હોતાં. ક્યારેક કોઈ આપણને પૂછે કે તમે આમ કેમ કર્યું ? તો આપણો જવાબ હશે કે આતો અમારાં ઘરમાં વર્ષોથી ચાલ્યું આવે છે. મારા સાસુ, એનાં સાસુ અને એનાં પણ સાસુએ આ બધું કર્યું છે એટલે આ તો પરંપરા છે એટલે કરવું જોઈએ. પેઢી દર પેઢી સાસુનો વારસો વહુ સંભાળે છે અને દીકરો એનાં દાદા, પર દાદાનો વારસો સંભાળે છે. સારી વાત છે કે આટલું પણ કરે તો છે ને ! પરંતુ જો એનું હાર્દ કે એની સત્યતાને પણ જાણતાં હોઈએ તો આપણે પણ આપણાં સંતાનોને એની સાચી માહિતી આપીને પરંપરાને જાળવી શકીશું.
હું રોજ સવારે નાહીને પૂજા પાઠ કરું છું. પછી સૂર્યને અર્ધ્ય આપું છું. પછી તુલસી ક્યારે દીવો કરીને એને પણ પાણી પાઉં છું. આ બધું રોજ મારી પૌત્રી જોતી હોય છે. બાળમાનસનું તો એવું કે એને આપણે જે કરીએ તે કરવું જ હોય. દિતિ મારી પૌત્રી. એ પણ આ બધું કરે. છ વર્ષની કુમળી વયને કારણે એને બીજી પરંપરાની સમજ ના હોય. પણ દિતિ એટલી બધી હોંશિયાર અને વાચાળ છે કે આટલી નાની વયમાં પણ એ બધું ધ્યાનથી નિરીક્ષણ કરે અને પછી ના સમજાય એ પૂછે પણ ખરી. અને જ્યાં સુધી હું એને સમજાવીને બધી વાત કરું નહીં ત્યાં સુધી એ મને શાંતિથી બેસવા જ ના દે !
ગઈકાલે એણે મને સવાલ કર્યો કે દાદી તમે તુલસીની જ પૂજા કેમ કરો છો ? બીજા કુંડામાં ગલગોટાનો છોડ છે એની પૂજા કરોને ! ત્યારે મેં એને તુલસીની પૂજા શા માટે કરાય ? એની વાત કરી. જે આજે આપ સૌને પણ કહું છું. <
/p>
તુલસીનો છોડ એ અત્યંત પવિત્ર ગણાય છે. કારણકે તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે. આથી જ તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે. જો આપણે સુખી અને સંતોષી જીવન જીવવા માંગતા હોય તો તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીના આયુર્વેદમાં પણ ઘણાં ઉપયોગ બતાવવામાં આવ્યા છે. એનાં પાન કે માંજર ખાવાથી શરદીમાં ઘણી રાહત થાય છે.
આપણા પૂર્વજોએ શરૂ કરેલી તુલસીપૂજાની પરંપરા એ ખરેખર વાતાવરણને શુદ્ધ કરે છે. એની સુવાસથી જીવજંતુઓ દૂર રહે છે. અને ખાસ વાત તો એ છે કે તુલસીનાં છોડ શુદ્ધ પ્રાણવાયુ બહાર કાઢે છે જે આરોગ્ય માટે લાભદાયી છે. આથી જ ભારતીય સંસ્કૃતિ મુજબ દરેકનાં ઘર આંગણમાં તુલસીનો ક્યારો તો હોય જ છે.
તુલસીનો બીજો અર્થ છે તુલના કે સરખામણી. તુલસીની સરખામણી કદી ના થઈ શકે. તે સ્વયં શુદ્ધિકર હોવાથી એનો ઉપયોગ એકવાર કર્યા પછી પણ ફરી ફરી કરી શકાય છે. ભગવાનને ભોજનથાળ ધરાવીએ એમાં પણ તુલસીપત્ર મૂકીએ છીએ. માણસનાં મૃત્યુ સમયે પણ એનાં મુખમાં તુલસીપત્ર મૂકવામાં આવે છે. જેથી તેની ગતિ સારી થાય. વિષ્ણુપ્રિયા હોવાથી વિષ્ણુનાં જુદાં જુદાં અવતારોની પૂજા વખતે પણ ખાસ તુલસીપત્ર ધરવામાં આવે છે.
“ જેનાં મૂળમાં સઘળાં તીર્થ રહેલાં છે
જેની ટોચે સર્વ દેવતાઓનો વાસ છે
જેનાં મધ્યમાં સઘળાં વેદ રહે છે
એ તુલસીને હું વંદન કરું છું. ”
મારી દિતિ તો નાની છે એટલે એને તો એની ઉંમર પ્રમાણે સમજણ આપી હતી પણ આજે એની જ એ વાતે મને આ લેખ લખવાની પ્રેરણા આપી છે જે આપની સમક્ષ રજૂ કર્યો છે.