પૌરાણિક
પૌરાણિક
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ભરાતો કોળિયાકનો મેળો બહુજ જાણીતો છે.જે ભાદરવી અમાસને દિવસે ભરાય છે.એનું ધાર્મિક મહત્વ પણ છે. મહાભારતનાં યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા. કોળિયાકનાં સમુદ્ર કિનારે એમણે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરીને વેદોક્ત વિધિથી પુજા કરી હતી. જેનાથી યુદ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી એમને મુક્તિ મળી હતી અને તેઓ નિષ્કલંક થયા હતા, તેથી જ આ મહાદેવ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી ઓટના સમયે જ તેના દર્શન થાય છે. અહીં દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે અને ભાદરવી અમાસે મેળો યોજાય છે. આ દિવસે નિષ્કલંક મહાદેવનાં મંદિરે ભાવનગરના મહારાજાના હસ્તે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું ત્યારે પાંડવો બહુજ દુખી થઈ ગયા હતા. પોતાનાં જ સગાઓને મારી નાખવાનું તેમણે પાપ કર્યું હતું તેથી એમનો આત્મા એમને ડંખતો હતો. એમણે ભગવાન શ્રી કૃષ્ણને આ સમસ્યાનો ઉકેલ લાવવાની વિનંતી કરી હતી. ભગવાને એમને એક કાળી ગાય અને એક કાળો ધ્વજ આપીને કહ્યું હતું કે આ ધ્વજ સાથે રાખીને આ ગાયની પાછળ જવ
ું. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થાય ત્યારે એમ સમજજો કે તમને માફી મળી ગઈ છે.પ ણ સાથે એમ પણ કહ્યું હતું કે પછી તમારે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું પડશે.હવે જ્યારે તેઓ ફરતા ફરતા કોળિયાકનાં દરિયા કિનારે પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈ ગયો.
પાંચેય ભાઈઓએ ત્યાં જ શિવની પુજા કરવાનું નક્કી કર્યું. એમની સામે જ પાંચ સ્વયંભૂ લિંગ પ્રગટ થયા અને પાંડવો એમની પુજા કરીને નિષ્કલંક થયા હતા. આ પુજા પાંડવોએ ભાદરવાની અમાસની રાત્રે કરી હતી તેથી દર વર્ષે ભાદરવી અમાસે અહીં મેળો ભરાય છે.
આ સ્થળ દરિયાની વચ્ચે આવેલું છે. ભરતી વખતે પાણીમાં ડૂબી જાય છે.દિવસના અમુક કલાક પુરતું જ ત્યાં સુધી જઈ શકાય છે જ્યારે ઓટ હોય ત્યારે ભક્તો છેક ત્યાં પગે ચાલીને જઈ શકે છે. એવું પણ કહેવાય છે કે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય માટે અહીં અસ્થિ પધરાવાય છે. સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે પણ અહીં ચડાવેલી ધજા એમજ ફરકતી રહે છે.એને કે શિવલીંગ ને કે દરેક શિવલીંગની સામે બિરાજેલા નંદીને પણ કદી નુકશાન થયું નથી. બસ આ છે અહીંની કથા.
દીપિકા ચાવડા “ તાપસી. “