Vishnu Bhaliya

Classics Inspirational Tragedy

5.0  

Vishnu Bhaliya

Classics Inspirational Tragedy

દરિયાદિલી

દરિયાદિલી

9 mins
21.4K


ખીમજીએ સુરધાનમાં લાકડા તો મુક્યાં પણ સળગતા ન હતા. હજી હમણાં જ એક ઈર્ષાળુ મોજાંએ લાકડા ભીંજવી નાંખ્યા હતાં. તેણે મહામહેનતે લાકડાઓ સળગાવાનો પ્રયત્ન કર્યો. કેરોસીનની એક પિચકારી તે લાકડા પર કરી. ભીંજાયેલા હાથે તેમાં સળગતી દીવાસળી ફેંકી, ત્યાં ભડકો થયો ન થયો ને ઓલવાઈ ગયો. જેમ તેમ કરી તેણે ચાની કીટલી ચડાવી. વહેતા પવનને હથેળી વડે રોકવા વ્યર્થ કોશિશ પણ કરી જોઈ. પણ ભીંજાયેલા લાકડા કોઈ હિસાબે સળગતા ન હતાં. ધુમાડો ઊઠ્યો. તે આંખમાં પેસી જતાં થોડી બળતરા પણ થઈ. તે અથાગપણે ચા ઉકાળવા મથામણ કરતો રહ્યો. મોજાંની એકાદ પછડાટથી વહાણ ધ્રૂજ્યું. એવામાં ચાની કીટલી તેણે માંડ માંડ પડતી બચાવી. તે જોરદાર વાછટની થપાટથી થોડો ઘણો સળગેલો અગ્નિ પણ ફરી બૂઝાઈ જતો લાગ્યો. ત્યાં ફરી એક રાક્ષસી મોજાંના પ્રહારથી વહાણના ભંડરામાં ખારા પાણીની રેલમછેલ થઈ ગઈ.

“ખીમાઆતા હવે જલ્દી કરો હો ! જોવ તો ખરી બધાં ટાઈઢના થથરેશ !” વહાણનું સુકાન સંભાળતા મનુએ ઠંડા પવનના સીસકારા સહન કરતાં કરતાં ભંડારી ખીમજીને ચેતવ્યો.

“હાં, હાં, અમણાં આઘરે ઉકાળી જાયે દીકરા.” ખીમજીએ ધુમાડાથી અંજાયેલી આંખો ચોળતા કહ્યું.

“ખીમાઆતા હજી કેટલીવાર ? જોવ તો ખરી આ આંગળાં પણ ઠરી ગીયાં.” સથા પર બુમલા માછલીના ઢગલામાં કામ કરી રહેલાં છ ખાલાસીમાંથી કાળીદાસે રમતિયાળ અવાજે બૂમ પાડી.

“અરે ! આ બની ગઈ મારા વાલા.” ખીમજી આતાએ વળતો જવાબ આપ્યો.

“ખીમાઆતા સુરધાનમાં તાપવા તો નથી બેસી ગીયાને ?” બીજા એક ખલાસીએ હસતા હસતા મીઠો કટાક્ષ કર્યો.

ખીમજી આતા મનમાં થોડું મલકાયા. કડકડતી ઠંડીમાં તેમની થીજી ગયેલી નસોમાં થોડો ગરમાટો આવ્યો. કરચલી વાળો વૃદ્ધ ચહેરો થોડો ખીલી ઊઠ્યો. ઊકળતી ચાની વરાળને તેઓ ઘડીભર તાકતા રહ્યાં. ત્યાં ભૂતકાળની દીવા જેવી યાદોમાં તેઓ સહેજે સરી પડ્યા.

આમતો ખીમજી આતાએ દરિયાના ખારાપટ પર બત્રીસ વરસ નિચોવી નાંખ્યા હતાં. કંઇક તૂફાનો અને ભયાનક વાવાઝોડના સામી છાતીએ પ્રહારો જીલ્યા હતા. પણ, જિંદગીના તે દિવસો અલગ હતા. તરવરતી જુવાની ત્યારે રોમે રોમમાં ઝનૂન બની ઊછળકૂદ કરતી.

કાનાભાઈએ જ્યારે પાનેરા દર્શન કરવા જવાની માનતા કરેલી ત્યારે તેમને ખુદને ક્યાં ખબર હતી કે, વરદાન રૂપે માતાજી એક તરવરીયા યુવાન સાથે ભેટો કરાવશે. વલસાડના દરિયા કિનારે રખડતા ખીમજીને ત્યારે, કાનાભાઈ પરિવાર સાથે મળેલા. અજાણ્યા મુલાકાતીની જેમ મળેલા કાનાભાઈ પછી તો અંગત મિત્ર બની ગયા. સંબંધનો છોડ ખીલ્યો અને મહેક પ્રસરતી રહી. પછી ખીમજી પણ ક્યારેક ક્યારેક જાફરાબાદ આવતો થયો હતો. ક્યાં જાફરાબાદ અને ક્યાં વલસાડ ? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સામ સામે કિનારો અને વચ્ચે ખંભાતનો અખાત. તેમ છતાં ખીમજી વરસમાં એકાદવાર અચૂક જાફરાબાદ આવતો. દરિયો તો તે વલસાડમાં પણ ખેડતો. તે છ્તાં જાફરાબાદી રીતભાત અને આવક તેને વધુ માફક આવી. આમેય ત્યાં વલસાડમાં તેની આર્થિક સ્થિતિ ખુબ જ નાજુક હતી. ઓછામાં પૂરું દારૂની લત. એટલે કાનાભાઈના આગ્રહને વશ થઈને તે માછીમારીનો ધંધો કરવા દર વર્ષે જાફરાબાદ આવી જતો. એક પત્ની, બે બાળકો અને બાપદાદાની છેલ્લી નિશાની સમું એક ખોરડું. બસ, બીજું પોતાનું કહી સકાય એવુ કંઈ હતું જ નહિ. પછી તો જાફરાબાદનું વાતાવરણ, દરિયો અને ધંધો વલસાડ કરતાં તેને વધારે કોઠે પડી ગયો હતો. ચોમાસે દરિયાઈ સીઝન પૂરી થતી ત્યારે જે કંઈ આર્થિક કમાણી મળે તે લઈને વલસાડ ચાલ્યો જતો. કાનાભાઈ દર વખતે તેને એની કમાણી કરતાં થોડા ઘણાં રૂપિયા વધારે આપી ખુશ કરતાં.

આમેય, કાનાભાઇ માટે ખીમજીના પગલાં શુકનિયાળ સાબિત થયાં. આજે એક નાનકડી બોટમાંથી કાનાભાઈ ત્રણ મોટા મોટા વહાણોના માલિક થઈ ગયાં હતાં. એક સમયે બન્ને મિત્રો એક જ વહાણમાં માછીમારી કરવા જતા. બન્નેની બહાદુરીને પડકારતા વિશાળ મહેરામણના તોતિંગ મોજાંઓ ઘણીવાર સમસમીને રહી ગયા હતા. બન્ને દરિયાને કેટલીયે વાર પડકારીને બચી ગયા હતા. પછી તો ઢળતી ઉમરે કાનાભાઈએ દરિયે જવાનું બંધ કર્યું. દોસ્તના દીકરાઓ મોટા થયા અને વહાણો સંભાળતા પણ થઈ ગયા. દરિયાઈ નિવૃત્તિ પછી કાનાભાઈએ તેને મનાવ્યો હતો.

“ખીમજી, હવે તું પણ દરિયો છોડી દે ભાઈ. ન્યાં ગામમાં કંઈ નાનોમૂનો ધંધો કરી લીજે.”

“અત્યાર હુધી આપણે ભેગો જ ધંધો કયરો અને હવે તું નહિ આવે તોય હાલશે, ઈમાં હું ફેર પડ્શે ? અને મનુ દીકરો હવે તારા કરતે વધારે હોંશિયાર થઈ ગ્યોસ. ઈટલે કંઈ વાંધો નહિ આવે. મે આટલી જિંદગી તો આયાં કાઢી નાંખી. અને આમ પણ મારે તો વા’ણમાં રોટલા જ કરીને દેવાના છે ને !”

ખીમજી દોસ્તનો સાથ અને દરિયાની માયા છોડવા તૈયાર ન હતો.. અંતરના ઊંડા ખૂણામાં સળવળતો જીવ કોચવાયો પણ ખરો ! ત્યારે દૂર ગામમાં દયનીય હાલતમાં જીવતો પરિવાર નજર સમક્ષ અંકિત થઈ આવ્યો હતો. દીકરીના તો જેમ કરી લગ્ન ઉકલાવી દીધા. દીકરો પણ હવે જુવાન થયો હતો. જે હજી દરિયાના પાઠ ભણવા મથી રહ્યો હતો. અડોશ-પડોશમાં નોકરાણીની જેમ કામ કરતી ભલીભોળી પત્નીનો મુંઝાયેલો ચહેરો પણ તેને ધંધો છોડી દેતા રોકી રાખતો હતો.

દર વરસે સતત આઠ મહિના સુધી તે ઘરથી વિખુટો પડી જાફરાબાદ આવી જતો. વરસાદના આગમન સમયે જ્યારે અહીં ધંધો પૂરો થતો ત્યારે જ પછી ગામ પાછો જતો. ક્યારેક ઘરની ખૂબ યાદ આવી જતી. જ્યારે હૈયામાં ખૂબ ઊભરો આવી જતો, ત્યારે દબાયેલા આંસુઓ એકાએક બહાર આવી જતા અને આંખો ભીની કરી જતા. પછી તો વાર તહેવારે જીવ ત્યાં અને ખોળિયું અહીં પડ્યું હોય એવો ભાવ થઈ આવતો.

“ખીમાઆતા હવે કેમ છે ? ચા પાકી કે નહિ ?” ફરી વહાણના મોરામાંથી કાળીદાસની બૂમ આવી.

એકાએક માનસપટ પરથી ભૂતકાળનો પડદો ખસી ગયો. તે તંદ્રામાંથી ઓચિંતો જાગ્યો. તેમણે ઉતાવળે ખૂણામાંથી પ્યાલા એકઠા કર્યા. જેમતેમ પડેલા નાકા વગરના પ્યાલા તેણે એક ખૂમચામાં એકઠા કરી લીધા. વિશાળકાય મોજાંની પછડાટથી વહાણ ઓચિંતું ઊછળ્યું ત્યાં તો ચાનો ખૂમચો એક તરફ નમ્યો. તેમણે ચીવટપૂર્વક ચાને ઢોળાતા બચાવી. ઠંડીનો એકાદ ફૂંફારો વીંઝાયો ત્યાં ખલાસીના ગાલોમાં શીત લહેર વેદના જગાડી ગઈ.

પરોઢિયું થવાને હજી વાર હતી. અનંત દરિયાના પેટાળ પર એકલું અટુલું વહાણ સિવાય બધું સુમસામ હતું. વહાણના એક ખૂણે ગર્વથી લહેરાતા તિરંગાનો ફડફડાટ સ્પષ્ટ સંભળાતો હતો. વહાણ મોજાંની પછડાટથી નીચે પટકાતું ત્યારે થતી સાગરની ગર્જના ખલાસીઓના હૈયા ધ્રૂજાવી જતી. ખીમજીએ બધાને ચા આપી. ગરમાગરમ ચાના ઘૂંટડા ભરતા ખલાસી હમેશની જેમ ખીમજી આતાની મસ્તીમાં લાગ્યા.

“ચા ઈટલે ચા હો ! ખીમાઆતા. બાકી, કહેવું પડે.” કાળીદાસે ચાની ચુશકી લેતા કહ્યું.

વહાણનું સુકાન રામ ભરોસે છોડી મોરા આગળ આવી ગયેલો સુકાની મનુ ખીમજી આતાને ખાલી પ્યાલો અંબાવતા બોલ્યો.

“આતા, હાચવ જો હો ! આજ વાવડો વધારે છે. અને હવે તમારી ઉંમર થઈ ગઈ છે.” થોડીવાર પછી સ્વગત બોલતો હોય તેમ ધીમે બબડ્યો: “આવતાં વરસે બંધાતા નહિ. ઘરે આરામ કરો હવે.”

“કાયા હાલે ત્યાં લગી તો ધંધો કરવો પડેને માર દીકરા. ઘરે દિ’ થોડા જાય. અને તમી બધીને તો ખબર જ છે, કે ધંધો મૂકી દેઉ તો ખાઉં હું ?” ખીમજી આતાનો અવાજ થોડો ગળગળો બન્યો. કંઠ જરાક રૂંધાતો હોય એમ લાગ્યું. એટલામાં કોઈ ચીકણી માછલી ઉપર પગ પડી જતાં તેઓ એકાએક ગબડી પડ્યા. હલક ડોલક થતા વહાણમાં સંતુલન જાળવવું આમેય થોડું કઠીન હોય છે. નિરાધાર બની તેઓ ઓચિંતા હવામાં ઊછળ્યાં. દાઢીએથી છોલાતા, ઘસડાતા અને અધ્ધર શ્વાસે ગૂંગળાતા તેઓ વહાણના પેરસા સાથે અથડાતા સીધા જ દરિયામાં ખાબક્યા. ચાના કપ ભરવા હાથમાં રાખેલો ખાલી ખૂમચો પણ તે સાથે પાણીમાં ફંગોળાઈ ગયો. એક કારમી ચીસ તેમના મોમાંથી નીકળી ન નીકળી ત્યાં તો દરિયાનો પ્રચંડ પ્રવાહ ખીમજી આતાને દૂર તાણી ગયો. કાળીદાસે જોતજોતામાં અધીરાઈથી બૂમ પાડી.

“આતા... હંભાળજો...”

તે સાથે જ તેણે આંખો મીંચીને દરિયામાં છલાંગ લગાવી દીધી. પળભરમાં વાતાવરણ તંગ બની ગયું. મનુએ પણ દોરડાનો છેડો પકડી એક બહાદુર લીડરની અદાથી હિંમતભેર ડૂબકી લગાવી. બીજા એક ખલાસીએ કાળીદાસ તરફ દોરડાનો હાંકલો ફેંક્યો. મો-સુઝણું થવા આવ્યું હતું. પણ અંધારું હજી કાળું સામ્રાજ્ય ફેલાવી ડોળા કાઢી રહ્યું હતું. વહાણના પાટિયાં ખલાસીની અફરાતફરીથી થરથર ધ્રૂજી ઊઠ્યાં. રવજી ઝડપભેર કેબીનમાંથી બત્તી લઈ આવ્યો. હાથબત્તીનો પીળો શેરડો મોજાંના ઊંચાનીચા થતા પ્રવાહ પર ફરી વળ્યો.

ખીમજી આતા અધ્ધર શ્વાસે વલખાં મારી રહ્યા હતાં. દૂબળું શરીર પ્રચંડ મોજાંની થપાટો ક્યાં સુધી સહન કરી શકે ? તેણે મરણિયા બની હાથપગની મથામણ ચાલુ રાખી. માથા પછાડતો દરિયો જાણે આતા ખીમજીને ભરખી જવાના મૂડમાં હોય તેમ વધારે ઝનૂની બનવા લાગ્યો. ખારા પાણીના ઘૂંટડા અનાયાસે મોમાં ભરાઈ જતા હતા. છાતીના પાટિયાં ભીંસાયા. શ્વાસ ફુલાઈ ગયો. વૃદ્ધ હદય પળભરમાં હાંફી ગયું. અસહાયતા ચોતરફથી ઘેરી વળી. જીવનમાં હમણાં અંધારપટ છવાઈ જશે, એવો ડર દિમાગ પર હાવી થઈ ગયો. કમજોર શરીર હવે જવાબ દઈ ગયું. અને બચીકૂચી હિંમત પણ ખૂટી જવા આવી. મોજાંઓને જાણે મજા આવતી હોય એમ મસ્તીભર્યા મૂડમાં માથાની ઉપરથી પસાર થવા લાગ્યા.

કાળીદાસ અને મનુએ દરિયામાં છલાંગ લગાવી છે, તે ખીમજીએ જોયું હતું. તેણે બૂમાબૂમ કરી સંકેત આપવા પ્રયત્ન કર્યો. વેગીલો પ્રવાહ જોતજોતામાં તેમને દૂર તાણી ગયો. કાળીદાસે સ્ફૂર્તિથી ખીમજી આતા સુધી પહોંચવા જોર લગાવ્યું. એકાએક થાકીને લોથ વળી ગયેલા ખીમજી આતાના શરીરને કાળીદાસે પકડી લીધું. દુર્બળ બની રહેલા પગમાં હવે થોડું ચેતન આવ્યું. કાળીદાસે તેમને બાથમાં લઈ તરવાનો પ્રયાસ કર્યો. આક્ર્મક મોજાંઓ એ સામે પ્રહારો કર્યા. ત્યાં સુકાની મનુ દોરડું લઈ પાસે આવી ગયો.

“મારા દીકરા !” ખીમજી આતાના રૂંધાયેલા શ્વાસમાંથી માંડ થોડા તુટક તુટક શબ્દો નીકળ્યા.

“ડરતાં નહિ આતા, તમીને કંઈ નહિ થાય. ધરપત રાખજો.” દોરડાનો એક છેડો હાથ વડે મજબૂતાઈથી ખેંચતા કાળીદાસે ખીમજી આતાને ઢંઢોળ્યા.

ઠંડાગાર પાણીમાં તરફડીયા મારવાથી તેમનું શરીર અકડાવા લાગ્યું હતું. વહેલી સવારના ઠંડા ઠંડા પવનના સુસવાટાઓએ ખીમજી આતાના ગાત્રો શિથિલ કરી નાખ્યા હતા. બોખા મોમાં વધેલા થોડા દાંત અસહ્ય ઠંડીને લીધે સતત કાકડી રહ્યાં હતા. પડીકે બંધાયેલો જીવ ફફડી ઊઠ્યો હતો. આખું શરીર થરથર ધ્રૂજતું હતું.

વહાણમાં દોડાદોડી કરી રહેલા અન્ય ખલાસીઓના જીવ પણ અધ્ધર લટકતા હતા. દરિયાની ઊંચીનીચી થતી વિશાળકાય લહેરો પર ત્રણેય જણાંના માથા ક્યારેક દેખાતા ન દેખાતા ત્યાં મોજાંઓ ફરી વળતા હતા. દોરડું એકાએક ખડું થયું. બધાએ પૂરી તાકાતથી જોર લગાવ્યું. મનુ અને કાળીદાસે ખીમજી આતાને જીવના જોખમે પણ બચાવવા આકાશ પાતાળ એક કરી દીધા. રાક્ષસી મોજાંઓની થપાટો ઝીલતા ત્રણેય જણાં માંડ માંડ વહાણની નજીક પહોંચ્યા. ત્યાં ફરી એક રાક્ષસી મોજાંએ દુશ્મની કાઢવા પ્રચંડ પ્રહાર કર્યો. કાળીદાસે તે સાથે ખીમજી આતાને બાથમાં ભીડી લીધા. અણધાર્યો ઊછળતો તે વહાણના પાટિયાં સાથે પટકાયો. બહાર ઊપસી આવેલો એકાદ ખીલો તેના લમણામાં ઘાવ કરી ગયો. થોડીવાર તો આંખે તમ્મર આવી ગયા. મુખમાંથી એક કારમો ચિત્કાર સરી પડ્યો.

ખીમજી આતાને વહાણના ભંડારમાં સુવાડવામાં આવ્યા. લબુક લબુક થતાં દરેક ખલાસીના જીવને થોડીક ટાઢક વળી. એક મોટી હોનારત થતાં થતાં બચી હતી. ખીમજી આતાના શરીર પર ગરમ ધાબળો ઓઢાડી દેવામાં આવ્યો. શરીરમાં થોડીક ગરમીનો એહસાસ થયો. વાતાવરણ થોડું હળવું બન્યું. દૂર ક્ષિતિજ પર હવે સૂર્ય ડોકયા કરતો હોય તેમ પ્રકાશનો સોનેરી શેરડો ફૂટ્યો.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં અને જેઠ મહિનાની બીજના આગમન સાથે સીઝન પૂરી થઈ. બંદરના બધા જ વહાણને કતારબંધ ઉપર ગોઠવી દેવામાં આવ્યા. વહાણના ખલાસીઓ છૂટા થયા.

“ખીમજી, લે. આ તારી કમાણીના રૂપિયા, અરધીયામાં નાંખી દે. તારું બિસાનું ધોઈ કાઢ્યું છે, ઈ લેતો જા. ને ભાભીને કીજે પાનેરા આવ્યું તો ઘરે જરૂર આવશું.”

આજે છેલ્લીવાર ખીમજીને બસ સુધી વળાવા આવેલાં કાનાભાઈએ તેના ઘરડા મિત્રના ખભા પર હાથ મુકતા કહ્યું, બંનેના હૈયા ભાવવિભોર બન્યા. હૃદયની ઊર્મિઓ નિરંકુશ બની છલકી રહી. સ્નેહ નીતરતી આંખે બંને એકબીજાને ભેટી પડ્યા.

પૂલ પરથી પસાર થતી એસટી બસમાંથી ખીમજી આતાએ બારી પાસે બેઠા બેઠા દરિયાની ખાડીને એકાદ ક્ષણ આંખોમાં ભરી લીધી. હૈયું આજે થોડું ભારેખમ થયું હતું. તેણે સીટમાં જ પડ્યા પડ્યા આંખો મીંચી દીધી. ત્યાં ઘરની દયનીય સ્થિતિ યાદ આવતા માનસપટમાં વ્યથા ભરાઈ આવી. છેલ્લા બત્રીસ વરસ મિત્રતાને ભાવે દોસ્તે જે કાંઈ હાથમાં ધાર્યું તે લઈ એના વહાણમાં ધંધો કરતો રહ્યો. કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી. અને આમેય કાનાભાઈએ દોસ્તની કમાણી કરતાં હંમેશા વધારે જ આપ્યું હતું. કદી બોલવા જેવો વખત જ નહોતો આવવા દીધો. આટલા વરસથી ચાલી રહેલું ચિત્રપટ જાણે પૂરું થયું હોય તેમ ખાલીપો મનને ઘેરી વળ્યો. જીવન આખું દોસ્ત સાથે દરિયાના ખોળે વિતાવી નાખ્યું હતું. તે છતાં સુખનો સુરજ ન જ ઊગ્યો ! પરિવાર માટે કાંઈ ન કરી સકવાનો અફસોસ આજ દિલને કોરી ખાતો હતો.

વલસાડ આવ્યુ. લથડતા પગલે ખીમજી આતા બસમાંથી ઊતર્યા. જાણે છેલ્લા બત્રીસ વરસનો થાક આજે એકસાથે લાગ્યો હોય તેમ તે મનથી ભાંગી પડ્યો હતો. સામે લારી પર શેરડીનો રસ વેચતા કોઈ જાણીતા ચહેરા સામે તે ફિક્કું હસ્યો. ત્યાંથી સીધો જ તેણે ઘર તરફનો રસ્તો પકડ્યો. ગલીમાં વળાંક લેતા તેના પગ અટક્યા. પળભર તે મૂંઝાયો. ગલી તો એ જ હતી. અડોશ પડોશમાં ઊભેલા મકાનો પણ હુબહુ એ જ હતા. પણ પોતાનું નાનકડું ખોરડું ક્યાં ? તે સ્તબ્ધ થઈ ગયો. પોતાની વારસાગત જમીન પર ઊભેલું આ પરાયું મકાન કોનું હતું ? તેનું મગજ બહેર મારી ગયું. તેના નાનકડા ખોરડાની જ્ગ્યાએ બે માળનું, સરસ રંગરોગન કરેલ ઈમારત જેવું મકાન ચણાઈ ગયું હતું. તેણે આસપાસ નજર દોડાવી. કોઈ દેખાયું નહિ. ચિંતા વધુ ઘેરી બની: ‘કોણે પૂછવું ? ક્યાં જવું ?’ દિમાગ પર ઊપરા-ઊપરી પ્રશ્નોના હથોડા પડતાં હતાં. ત્યાં એકાએક દૃશ્ય જોઈ તેની આંખો દંગ બની ગઈ. તેની ચીથરેહાલ રહેતી પત્ની, સાફ ધોયેલી સાડી પહેરી બજાર જતી દેખાઈ. તે જોતાવેંત આશ્ચર્ય ચકિત થઈ ગયો. પળભર તો તે ઓળખી જ ન શક્યો. તેની પત્ની તે નવા બનેલા મકાનમાંથી બહાર આવી હતી. તે જોઈ તેને વધારે નવાઈ લાગી. કોઈ અજાણ્યા મુસાફર જેમ સામે ઊભેલા તેના પતિને તે તરત ઓળખી ગઈ. હૈયામાં સંવેદનાનો સૂર ઉઠ્યો. તે એકાદ ક્ષણ નીતરતી આંખે પતિને જોતી રહી. હૈયામાં હરખનો ઊભરો ઠલવાયો. આંખોના ખૂણા ભીંના થયા અને હોઠોથી મીઠો ફફડાટ થયો.

“અરે ! આવી ગ્યા તમે ?” તે દોડી. “લાવો બિછાનું” હાથમાંથી ઉમળકાભેર બિછાનું લઈ લેતા તે ખીલી ઊઠી. માથાના વાળ પર હવે સફેદી આવી ગઈ હતી.

“આ મકાન ! આપણું ક્યાં ગયું ? આ કોણે ચણાવ્યું ?” ખીમજીના મગજમાં ચાલતી ગડમથલથી તેના ચહેરાની રેખાઓ ખેંચાઈને તંગ બનતી હતી.

“ઈ આપણું છે નવું મકાન. તમારી કમાણીનું.” પત્ની ઉત્સહમાં હતી.

“મારી કમાણી ! ઈ વળી કઈ કમાણી ?” અચંબા સાથે ખીમજીનો વૃધ્ધ ચહેરો વધારે તંગ બન્યો. મગજ હજી ચકરાવે ચડ્યુ હતું.  

“તમારી અત્યાર હુધીની કમાણીના જે રૂપિયા તમારા ભાઈબંધના ઘરે જમાં થ’યાંતા, ઈમાંથી એમણે આ નવું ઘર બનાવી દીધું.” પત્નીના અવાજમાં ભારોભાર ગર્વ ઊભરાતો હતો.

“કોણે કિધું એમ” ખીમજી નવાઈ પામ્યો.

”બીજુ કોણ ! તમારા ઈ જાફરાબાદના ભાઈબંધે વળી” પત્ની હરખાણી.

વાત સાંભળતા વેંત એકાએક ખીમાજીનું હદય ભેદાયું. ધ્રૂજારી વીજળી વેગે અંગે અંગમાં ચક્કર મારી ગઈ. તેનું મન આંધળું થઈ ઊઠ્યું. પ્રશ્ન હથોડો બની માથા પર વીંઝાયો: ‘ક્યાં રૂપિયા ?’ મન સાક્ષી પૂરતું હતું: ‘મારી કમાણીના તો બધાં જ રૂપિયા, ઈ મારા હાથમાં મૂકી દેતો. ઊલટાનો થોડા વધારે પૈસા આપી મને ખુશ કરતો. તો પછી આ રૂપિયા !’ તેણે ઊંડો શ્વાસ લીધો. દોસ્તનો ચહેરો સ્મૃતિપટમાં ખડો થયો. તે દોસ્તની ભાવના સમજી ગયો. મનમાં અજીબ નિરાંત વળી. ત્યાં આંખના ખૂણેથી આંસુના બે બૂંદ હળવે હળવે રસ્તો કરી ગાલ પર પથરાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Classics