પાંખ વિનાનું પંખી
પાંખ વિનાનું પંખી


દિવ્યાએ ધીરેકથી ધરતી પર પગ મૂક્યો. આગળથી થોડો અવાજ આવ્યો એટલે કાન સ્થિર કર્યા, પણ પછી છોડી દીધું. નિર્દોષ હાસ્ય સાથે. 'શું વાત થતી હતી ?' એ પળોજણમાં પડ્યાં વગર. આમતેમ ડોક મરડીને એકલી જ આગળ વધી, વિરુદ્ધ દિશામાં. કાર્તિક ઉતાવળો દોડી આવ્યો દિવ્યા પાસે. લાલ સાડી થોડી પગ નીચે વીંટાઈ ગઈ કે શું ? આજ પહેલીવાર જ પહેરી હતી ને ! કદાચ એટલે જ. જોકે દિવ્યા પડતાં પડતાં માંડ બચી. કાર્તિક કહેવા જતો હતો:"સંભાળજે ! " વળી પાછું કોને ખબર શું થયું ! તે ચૂપ જ રહ્યો. ગાડી સડસડાટ ચાલી ગઈ. ઘૂળ હવામાં ઉડાડતી. ગોટેગોટા ઊઠ્યાં એની પાછળ. બન્નેના શ્વાસમાં પણ અટવાઈ ગઈ એ સૂકી ઘૂળ. દિવ્યા સમજી ગઈ, જોયા વિના જ. મનોમન હરખાઈ પણ ખરી:'અમને આંગણે ઊતારીને ડ્રાઇવર ચાલ્યો ગયો હશે. ગાડી પાર્ક કરવા.'
ટેક્સી એકાએક રફુચક્કર થઈ ગઈ. કાર્તિકે કાંઈક સલાહ પણ આપેલી પેલા ગાડી ચલાવનારને. તે ઇરાદાપૂર્વક મરક મરક મોં કરતો જતો રહ્યો. અનાયાસે દિવ્યાએ હાથ સેંથા પર ફેરવી જોયો. લાગણીભર્યો. સૂકા પાંદડા પગે કચડાયાં. અને તેણે પાછી અટકળ બાંધી: 'બગીચાનાં પાંદડાં ઘર સુધી ચાલ્યાં આવ્યાં હશે. આંગણું કોઈએ સાફ કર્યું નથી લાગતું !'
બે વૃક્ષો મકાન પર ઢળી પડેલાં. એમ જ કહો, સંકોચથી લચી પડેલાં. બહાર ઊભા ઊભા કોને જોવાનું બધું ? એમને જ તો. આમેય આવું દૃશ્ય કેટલીયવાર જોયું જ હતું ને ! એટલે જ ઘર પર, નહીં... નહીં... મકાન પર નમી પડેલાં.
કાર્તિકે પ્રેમથી હાથ ઝાલ્યો. હા, પ્રેમથી જ તો. દિવ્યાનાં મુખ પર ભપકદાર તેજ ઝલકયું, ને કાર્તિકના મોં પર હાસ્ય. તે મંત્રમુગ્ધ બન્યો. આજે દિવ્યા લાગતી જ હતી એવી. જાણે ઇંદ્રની કોઈ અપ્સરા દુલ્હન બની ન હોય. ચાલતાં તે દિવ્યાને તાકતો જ રહ્યો. તે દિવ્યા જોઈ ન શકી. તે ચાલતી જ રહી. જાણે ડગલાં ગણી ગણીને માંડતી ન હોય એમ.
ઘરનો દરવાજો ખુલ્લો જ હતો એવું લાગ્યું એને. ખુલવાનો અવાજ નહોતો આવ્યો. વ્યર્થ જ વિચારી જોયું: 'નોકરને અગાવથી ખબર પડી ગઈ હશે કે, વહુ આવે છે. એટલે કદાચ પહેલેથી...'
પ્રથમ પગલું ઘરમાં માંડ્યું. ઉમળકાભેર. સપના... અરમાનો... મુરાદ.. હવે પુરા થશે. કાર્તિક હજી જોતો હતો દિવ્યાને. એકીટશે. સતત. અને ફરી ક્ષણિક હાસ્ય તેના મોં પર ફરક્યું. પહેલાં જેવું જ.
"હવે મારી વર્ષોની એકલતા તૂટશે દિવ્યા. " કહેતા, કાર્તિકે નવવધૂને ઊંચકી લીધી. ઉમંગમાં, જોશમાં, આવેશમાં.
"ચાલ તને બંગલામાં ફેરવી દઉં" કાર્તિક દિવ્યાને પરાણે તાણી ગયો. પરંતુ હળવે હળવે.
"જો, આ રૂમ મહેમાનો માટે છે." દિવ્યાની ડોકી ઊંચી થઈ. પાછું થોડુંક ચાલ્યા, ધીમેથી. બીજા બે ચાર આંટા લીધા. દરવાજે પહોંચ્યા. "જો, આ મોટો ખંડ છે"
દિવ્યાનાં પગ થાકી ગયાં. કાંડુ પણ. ત્યાં વળી પાછો કાર્તિક એક તરફ ઢસડી ગયો. "આ આખાય બંગલાનું આ રહ્યું રસોડું. ને એની બાજુમાં સ્ટોરરૂમ."
દિવ્યા સ્વમાનભેર હસી. તેને જોઈ કાર્તિક પણ.
"બધા રૂમમાં લાદી એક સરખી જ નાખી લાગેશ ?" દિવ્યાએ અમસ્તો સવાલ કર્યો.
કાર્તિકે એકદમ પાછળ જોયું. રસોડામાં એક પુરુષ કાંઈક કામ કરતો હતો કદાચ. તે ઉત્તરમાં સાંકેતિક હસ્યો, એટલે તે પણ હસતાં બોલ્યો : "હા ! એક સરખી જ છે '!"
"લાદી, બધી જ બહુ ઠંડી છે !" સરકતી સાડી દિવ્યાએ સરખી કરી, હાથ છોડાવીને.
સૂરજ ધીરેધીરે ઢળી રહ્યો હતો રાત માથે. અંધારું હવે બધે ફરી વળશે. અજવાળું દટાઈ જશે એની નીચે. અને એ જ મધરાતે નજીકમાં ક્યાંક ઘુવડ ગર્જ્યો. દિવ્યા ચોંકી. ને કાર્તિકની આંખો ચમકી. ત્યાં, એ મકાનની દીવાલ પરથી સરકતી એક ગરોળી ચપળતાપૂર્વક બેધ્યાન માખી પર ઝપટી. અને એ મગરૂર ગરોળીએ પળમાં મીઠો ઓડકાર લઈ લીધો.
ચીમળાયેલ પથારી દિવ્યા ભણી તાકી રહેલી સવારે. કેટલીય વાર સુધી. કોને ખબર કેમ !
રાતે જ એને પ્રશ્ન થયેલો. બેસતાંવેંત. એકલીએ મનમાં મમળાવ્યુંય ખરું :'પલંગની જગ્યાએ આ નાનો ખાટલો કેમ હશે ? આવડા મોટા બંગલામાં પલંગ તો કેવો મસ્ત હોય !'
કાર્તિકે પણ રાતે વાત ફેરવી નાખેલી. "મને પલંગ પર ફાવતું નથી."
સવારે ઊઠી ત્યારે ચપ્પલ ન જડ્યાં. ખાટલા નીચે. આમતેમ પગ હલાવી ફાંફાં માળ્યાં. 'ખૂબ અંદર પેસી ગયા હશે' એવું માની લીધું. બેસી રહી એમને એમ. ડાબી તરફથી આવતો કોઈ ઝાંખો અવાજ કાને પડ્યો. કાન સરવાં કર્યા. કદાચ કોઈ વાત થતી હતી. તે નિર્દોષતાથી હસી:'હશે કોઈ ! બાજુના રૂમમાં.'
"લો, મેડમજી ચા. " એક પગરવ પાસે આવ્યો. ચાનો કપ હાથમાં પકડાવ્યો. અવાજનો રણકો તો યુવાન લાગ્યો. રૂપાળો ચહેરો ત્યાં ઊભેલો. દિવ્યાની સામે.
"ક્યારથી કામ કરે છે ?" દિવ્યા ગર્વથી પૂછી રહી.
"જી.... સાહેબે મને..." વાક્ય અટવાતું હતું ત્યાં કાર્તિક સફાળો વચ્ચે કુદી પડ્યો. પેલા પુરુષ સાથે આંખ મેળવી. ફરી પાછું એ જ હાસ્ય. તરત કહ્યું.
"આજે રામુકાકા નથી આવ્યા એટલે બદલામાં દીકરાને મોકલ્યો છે એમણે."
"ઓહ ! એમ છે એમને." મહારાણીની અદામાં એ હળવું ટહુકી. પછી વધારે પડતું લાગ્યું હોય એમ મોંની રેખા ઢીલી કરી ગઈ.
ભોજન પણ બિલકુલ હોટલ જેવું સ્વાદિષ્ટ લાગ્યું. તે થોડુંક જમેલી સવારે. એકલી એકલી પાછી ગર્વથી વધારે ફુલાતી. પેલો નોકર બધું જ લાવી આપતો. તરત. તે પાણી માટે પણ માત્ર હાકલ દેતી, અને હાજર.
"નોકરી પર જાઉં છું" કહીને કાર્તિક તો નીકળી ગયેલો, દૂર રાખેલી પોતાની મોટરસાઇકલ લઈને. ધૂળિયું વાતાવરણ પાછળ છોડી, સીધા જ શહેરના લીસા રસ્તે. ઉતાવળે પોતાની કોલેજ તરફ. આજે મોડું થઈ ગયું છે એવો ડર તો હતો જ મનમાં. અને એ સિવાય એક અગોચર ડર દિલના દરવાજે ટકોરા દઈ રહેલો. ટક ! ટક ! ટક !
ચાલુ રસ્તે ઓચિંતા ફોન પણ કરી જોયો ઘરે. પેલા નોકરે વાત કરેલી. દિવ્યા વિશે થોડી પૂછપરછ કરી જોઈ. પછી કોણ જાણે કાનમાં શું ફૂંક મારી, તે પછી નોકર પણ ક્યાંક નીકળી ગયેલો. બપોર સુધી.
દિવ્યા એકલી વિચારે ચઢી:'બિચારા ! મારા સાસુ-સસરા હોત તો હું પણ એની સેવા કરત... !' એ અટકી, પેલો વિચાર પણ એ સાથે જ અટકી ગયો. સમજો, હૈયામાં ધરબાઈ ગયો. અને એક ભારે નિસાસો બહાર નીકળ્યો:'ભગવાનનો પણ શું વાંક કાઢું હવે ? ઘણાં એવાં જીવ છે જ ને ધરતી પર ! ખાલી હું એકલી... ' શ્વાસ થોડો હળવો કર્યો.
'આટલાં મોટા ઘરનો દીકરો. મારા જેવી ગરીબ, અનાથની અને એમાંય પાછી.... !' ક્ષણભર ગળું ઝલાયું. 'અરે ! નાનકડા ગામડાની દીકરીને પરણે એ પણ કુદરતની જ કરામતને !' ખાટલા પરથી ઊભી થઈ તેણે આસપાસ આંટો માર્યો. એ જ ઠંડી ઠંડી લાદી હતી. અને પાછો એ જ ખાટલો પકડી લીધો. માંડ માંડ. અંદાજે. બેસતાં સ્વગત ગણગણી: 'કાર્તિકની રીતસરની રહેમ કે'વાય મારા ઉપર.'
પણ ! હમણાં દિવ્યાની હાકલથી કોઈ જવાબ કેમ નહોતું દેતું ? તે મૂંઝાઈ. જાણે રૂમમાં ઘેરી સ્તબ્ધતા ફરી વળેલી. ફરી તેણે ત્રણ-ચાર બૂમ મારી. પણ પરિણામ શૂન્ય !
ત્યાં બપોરે દરવાજો ખખડ્યો. ઊઘડ્યો. પેટમાં ફાળ પડી. અને બીજી જ પળે પ્રેમના ઊભરાયેલાં ઘડામાંથી નીકળ્યો હોય એવો કાર્તિકનો અવાજ રણક્યો : "દિવ્યા ? કેમ છે ?"
હાશકારો થયો દિવ્યાને. તે એકાએક ઊભી થઈ ગઈ જગ્યા પર. ચાલી આવી કાર્તિકના સ્વર તરફ. કદાચ ઘણુંબધું પૂછવું હતું... ત્યાં કાર્તિક સામે દોડી આવ્યો, બાથમાં જકડી લીધી. અને તે ખોવાઈ ગઈ અનંત પ્રેમના આગોશમાં. ઊભો થયેલો ઊભરો પાછો બેસી ગયો.. પેલો નોકર એક તરફ સરકી ગયો. કાર્તિકે એ તરફ જોયું પણ. હમણાં એકસાથે જ બંને આવેલાં. એક જ મોટરસાઇકલ પર.
સાંજ પડવા આવી હતી હવે. ધોળો દિવસ પૂરો થયો. ફરી એ જ અંધકાર પ્રકાશને વીંધી જશે. આસ્તે રહીને... હમણાં એ તેજસ્વી અજવાળું પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે. અને જોતજોતામાં પાછો પેલો કાળો અંધકાર ગઈ કાલ જેમ જ હાવી થઈ જશે. તૂટી પડશે !
કાર્તિક સાથે પેલો નોકર પણ હવે જાણે આતુરતાથી રાહ જોતો હતો, રાતની. તે અકળાતો: 'ક્યારે સૂર્ય આથમે ? ક્યારે અંધારું થાય ? ક્યારે 'એનો' સમય આવે !' તે રસોડાની દિવાલેથી દિવ્યા અને કાર્તિકની જોડીને જોઈ રહેલો, માણી રહેલો. એકાદવાર તો કાર્તિકની નજર પણ તેના તરફ પડી ગઈ હતી. પણ માત્ર ફિક્કું, નહિ ખંધુ હાસ્ય. પેલો આડું જોઈ ગયેલો.
"કાર્તિક ! તમને હું જ કેમ ગમી લગન માટે ? તમને ખબર હતી કે હું... મારી બંને... " દિવ્યાનાં હોઠ પર કાર્તિકની આંગળી ચંપાઈ ગઈ.
"બસ ! એ માટે જ !" કાર્તિક ઊભો થઈ ગયો છે, દિવ્યાને એ અનુભૂતિ થઈ. તેના ચહેરા પર ઊપસેલા ભાવ તે નીરખી ન શકી. અંધારું ફરી વળેલું.
"હવે પહેલા જેવું નથી. સમય બદલી ગયો છે, દિવ્યા !" અવાજ થોડો દૂરથી આવ્યો. દિવ્યાને ક્ષણિક વ્યંગાર્થ જેવું લાગ્યું આ વાક્ય. પણ, તે ચૂપ રહી...
દરવાજો 'ફટાક' કરતા બંધ થયો. દિવ્યાનું દિલ ધડક્યું. ક્ષણભરમાં એક ઓળો નજીક આવ્યાનો તેને ભાસ થયો. મકાન પર લચી પડેલાં પેલાં બે વૃક્ષો આંખો બંધ કરી ગયાં. અને પછી રજનીનો રંગ ધીરેધીરે ઊતરતો ગયો.
દિવ્યાને એકાદવાર લાગ્યું પણ હતું:'કાર્તિકનું શરીર એક જ દિ'માં એટલું પડી કેમ ગયું હશે ? હજી ગઈ રાતે તો....!' તેણે કમકમાટીભર્યા વહેમને આંચકા સાથે ધક્કો દઈ દીધો :'નહિ... નહિ... એવું થોડું હોય ! મારો પતિ જ છે... '
જોકે, અવાજ પણ નહોતો નીકળી શક્યો. અને તે સહન કરતી જ ગઈ... કાર્તિક પણ ક્યાં કંઈ બોલતો હતો ! એકાદ પળ તો થયું :'ધક્કો થઈ દઉં..'
ત્યાં, આંશિક પગરવનો આભાસ થયેલો. બસ ! તે ફફડી હતી. એ જ ઘડીએ કાર્તિક છેક કાનમાં બોલેલો:" ઓહ ! દિવ્યા.. " અને, પછી તે સમાતી ગઈ... પીગળતી ગઈ... લૂંટાતી ગઈ... કાળા સૂમ અંધારાંમાં, અંદરના અને બહારના. એના જ માનેલા મોટા બંગલામાં.
સુરજનાં કિરણો જંગલનાં સૂમ મારી ગયેલાં વૃક્ષો પર પડ્યાં ત્યારે માંડ જરાક અજવાળું ફૂટ્યું. રાતે વીંઝાયેલાં ફૂંકારથી ખળભળી ઊઠેલાં કેટલાંય પાંદડા જાતે ખરી પડેલાં. તે પોતાને જાણે હવે ખુશકિસ્મત માની રહેલાં.
સવાર આવી. પણ, ઝંખવાતી ઝંખવાતી. કાર્તિક તો ચાલ્યો ગયો'તો. દરવાજો બંધ કરીને, વહેલી સવારે જ પેલા સાથે. મકાન, વૃક્ષો, અને હવા એકદમ શાંત, મૌન છે બધાં. દિવ્યાને પણ એવું જ લાગ્યું. પણ કોણ જાણે કેમ ? એ કેટલીયવાર સુધી ન સમજાયું. બહાર સૂર્ય ચમકારે ચડ્યો ને છતાંય એને તો અંધારું ! એ જ ઘોર અંધકાર.
હાથ લાંબો કરી હાકલ કરી જોઈ: " કાર્તિક ? કાર્તિક ?"
એકાદ બે ડગલાં ચાલી. ઘણો વખત વીત્યો પણ પત્યુત્તર ન જ આવ્યો. મકાનમાં ભેંકાર મૌન =ને દિવ્યનાં દેહમાં અજંપો. દરવાજો ન જડ્યો... ન ખુલ્યો.. બસ ! પળોપળ અંધારું વધતું જ ગયું. ...વધતું જ ગયું.
હાકલ હવે ચીસ બની, ને અંતે ગમખ્વારી ચિત્કારમાં ફેરવાઈ. પણ ફરી દરવાજો ન જ ખુલ્યો. મકાન પર લચી પડેલા પેલાં બે વૃક્ષ કાળજું કઠણ કરી ગયાં.. દર વખતની જેમ.