દરિયાનો દીકરો
દરિયાનો દીકરો


‘સરરર... સરરર...’ કરતી ડોલ હાથને છોલતી, કૂવામાં ફંગોળાઈ ગઈ.
સાંભળેલા શબ્દોથી મણીનાં કાનમાં કમકમાં છૂટ્યાં.
“મણી, હાલ જટ. તારા ધણીનું વા’ણ ડૂબી ગયુંશ, મા’ણા વાતુ કરેશ!” ફરીવાર એ જ રાડ આવી.
તેણે ગાંડા જેમ આંધળી દોટ મૂકી. જોયું તો ઘર માણસોથી ઊભરતું હતું. દિલાસા.. કકળાટ... અને માતમ વચ્ચે ઊની હાય ઊઠી રહેલી. તે મોંમાં ડૂમો લઈ દરિયે દોડી. વહાણો જાડા રાંઢવા લઈ ઉતાવળા ક્ષિતિજોમાં અદૃશ્ય થતા દેખાયા. ઝણઝણાટીથી તેની કાયા કંપી ઊઠી. ફસડાઈ પડતા ખારવણોએ તેને ઝાલી લીધી.
“દેવા...!” તેનો ચિત્કાર, રુઆબભેર અફળાતા મોજાંમાં દફન થઈ ગયો.
બીજી જ ક્ષણે તે બેભાન બની ગઈ. તેને જાળવતી બાયુંના પેટમાં ફાડ પડી: 'આ
પેટમાં રે’લા ગરભને કાં’ક વાગી ન જાય !’
હજી એકાદ વર્ષ પહેલા એના લગ્ન થયા ત્યારે ગામ આખું તેણે માથે લીધેલું. સુખનો દરિયો ક્ષણિક ઠલવાયો. પણ, કોને ખબર હતી; એ દરિયો જ ભરથારને ભરખી જશે !
વરસો વિત્યા, ન દેવો આવ્યો, ન વહાણ. રડીને આંખો સૂકાઈ. દેવો લોકોની નજરમાંથી હવે ભૂસાતો ગયો. મણીની પાપણો પર પછી જાણે પહાડનું વજન પડ્યું !
“મા, હું વા’ણે જાઉંશ. રાતે વે’લા છૂટવાનું થાયે.” દીકરાનો અવાજ આવ્યો.
મણી ઝબકી ગઈ. ભૂતકાળના ઓળા સંકેલાયને હૈયામાં ફરી ધરબાઈ ગયા. ખારી હવા તેની કરચલીવાળી આંખોને ફફડાવતી ચાલી ગઈ. તે રૂંધાયેલા કંઠે બોલી:
''આ, નારિયેળ ને અગરબતી લેતો જા. તારા બાપના નામે દરિયામાં વધેરી દીજે''