Vishnu Bhaliya

Inspirational Others Thriller

5.0  

Vishnu Bhaliya

Inspirational Others Thriller

દરિયાના દેશમાં

દરિયાના દેશમાં

7 mins
13.8K


કહેવત- મન હોય તો માળવે જવાય

ક્ષિતિજ પાછળથી કોઈ દરિયાને ઘકેલતું હોય એમ, ઘૂમરી લેતાં ખારાં પાણી ખાડીમાં ચોમેર ફરી વળ્યાં. મહેતાસાહેબ, વર્ગખંડની ઉઘાડી બારીમાંથી આ વીળના ઊભરાતા પાણીને ઘડીભર અપલક તાકી રહ્યા. એ ખારા પાટ પરથી આવતી ખારી ખુશબો બારી પાસે આવીને થંભી જતી. દરરોજની જેમ આજે પણ મહેતાસાહેબે એ વિશાળ દરિયાને આંખોમાં ભરીને માણી લીધો.

પેલો દોડતો દરિયો, પેલા વહેતા વહાણો, પેલા ખડતલ ખારવા અને પેલા મગરૂબ મોજાંઓ. આ બધુ તેને અલગ દુનિયામાં ખેંચી જતું. સાગરખેડુની એ રોમાંચક દુનિયામાં ડૂબકી દઈ બધું જાણવા, મજવાની તેની તાલાવેલી બધા શિક્ષકો જાણતા. અને મોઢું ફેરવી હસતા પણ ખરા ! હજી થોડા દિવસ પહેલાં જ રિસસમાં એક શિક્ષકે તેમને પૂછેલું:

“જયસુખભાઈ, તમે બ્રાહ્મણ છો તેમ છતાં કેમ દરિયા પ્રત્યે આટલો બધો લગાવ છે ?”

“બસ ! દરિયો મનમાં ઘર કરી ગયો છે, અને એકવાર તો એ દરિયાનો રંગ જોવો જ છે.” તેમણે મક્કમતાથી કહેલું.

“મતલબ ! તમારે વહાણમાં બેસીને બહાર જવું છે ?

“હાં, બેશક.” તેમના શબ્દોમાં રહેલી બેફિકરાઈ ગજબ હતી.

“અરે ! જયસુખભાઈ એ આપણું કામ છે ? દરિયો દેખાવે જ સારો લાગે. ક્યારેક ક્લાસરૂમમાં કોઈક ખારવાના દીકરાને પૂછી જોજો...” કહેતા, બધા શિક્ષકો તેમના પર હસી પડેલા.

પણ, પછી તો તેમણે મનમાં વાળેલી ગાંઠ વધારે મજબૂત થઈ. એ વાત એના હૈયામાં એવી તો ઊંડે ઊતરી ગઈ કે પછી સતત વિચારો ભીતર ઘૂમરાતા રહ્યા. એક તો દરિયાને નજીકથી જોવાની અદમ્ય ઇચ્છા અને ઉપરથી પાછું બળતામાં ઘી હોમાયું. ટેબલ ઉપર રાખેલા પાઠ્યપુસ્તક પરની મુઠ્ઠીઓ જોરથી બિડાઈ ગઈ. સ્વરપેટીમાં શબ્દો સળવળીને બળ કરી ઊઠ્યા:

'હવે તો જે થાઉં હોય તે થાય; પણ એકવાર તો દરિયામાં જાવું એટલે જાવું.'

ફરી દિમાગમાં વિચાર ઊછળ્યો: આમેય, હમણાં સ્કૂલ તો સાત દિવસ બંધ જ રહેવાની છે ને ! આ જ મોકો છે. તેમણે ઉત્સાહપૂર્વક બ્લૅકબોર્ડ પર વિદ્યાર્થીઓને લેસન આપી દીધું. ‘છૂટી’ના ટકોરા સાથે છોકરાઓ ધમાચકડી કરતાં દોડી ગયાં. એટલામાં મહેતાસાહેબે એક ખારવાના દીકરાને મોટેથી હાકલ કરી, નજીક બોલાવ્યો. પેલો વિદ્યાર્થી બિચારો હેબતાઈ ગયો.

“હાં, સા’બ.” કહેતા, તે ટેબલે ઊભો રહી ગયો.

“તમારું વહાણ ક્યારે આવવાનું છે ?”

“આજ રાત્યનું.”

“તું રાતે વહાણ આવે ત્યારે ત્યાં જાઈશ ?”

“હા, ના મજા આવેશ..” વિદ્યાર્થી મૂંઝાયો.

”લે આ નંબર. તારા બાપને આપજે. કહેજે, સાહેબે રાતે ખાસ ફોન કરવાનું કહ્યું છે. ભૂલતો નહિ.” તેમણે એક ચબરખીમાં મોબાઈલ નંબર લખી આપ્યા. નાઈટલેમ્પના ઝાંખા અજવાળે તેણે પડખું ફેરવ્યું. ઉપર ઘસાઘસ ફરતો પંખો ઠંડી હવા આપતા હરખાતો હતો. મનમાં ઊંડો વિશ્વાસ હતો: હમણાં ફોન આવશે. તેણે દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર સ્થિર કરી. ઝાંખા પ્રકાશમાં આંખો ઝીણી કરવી પડી. જોયું તો, ગોળાકાર ઘડિયાળનાં કાંટા બેને દસનો સમય બતાવતા હતા. ઓચિંતા સૂમસામ ઓરડાની શાંતિને ભંગ કરતો હોય એમ મોબાઇલ રણકી ઊઠ્યો. તેણે ઉતાવળે મોબાઇલ હાથમાં લીધો. કોઈ અજાણ્યાં નંબર હતા. હૈયું જોરથી ધડકી રહ્યું. અંગે અંગમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

“હલ્લો. કોણ ?” તેમણે કંપતા અવાજે ફોન ઉપાડ્યો.

“હલો... સા’બ ઉં સાગરનો બાપ... બોલુંશ. સાગર કે, તમીવે ફોન કરવાનું કીધુશ.”

“હા. મેં જ કીધું તું. હવે દરિયામાં પાછા ક્યારે જવાના છો ?”

“અમણાં આઘરે છૂટી જાયું સા’બ. કેમ સા’બ ? સાગરવે કંઈ....”

“મારે તમારી સાથે વહાણમાં આવવું હોય તો હમણાં ? તેણે બેધડક પૂછી લીધું. પગમાં આછો કંપ હતો. સામેથી હાસ્ય સંભળાયું. જયસુખના હ્રદયમાં થોડીવાર ફાડ પડી. તેણે ફરી મક્કમતાથી કહ્યુ:

”હું મજાક નથી કરતો... ક્યોની મારે આવવું હોય તો ?”

“અરે ! સા’બ તમારું આ કામનીં. ઓકી ઓકીને લાંબા થઈ જાવ ! અમારે પાછા મૂકવા આવવું પડે. અને અમારી ફિશિંગ પન બગડે.”

ફરી પાછો જાણે કોઈએ સ્વમાન પર ઘા કર્યો હોય એમ તે સમસમી ગયો. બીજી જ ક્ષણે પગ ટટ્ટાર થયા. આંગળી વચ્ચે દબાયેલા મોબાઇલની પકડ તેણે વધું મજબૂત કરી.

“મને કાંઈ નહિ થાઈ. હું ગમે તેમ એક્સજસ કરી લઈશ.”

થોડીવાર બન્ને વચ્ચે રકઝક થતી રહી. જયસુખ તેની દરેક વાત પર અડગ રહ્યો. વાત વાતમાં તે ખારવાના મનમાં પેસી નીકળ્યો. પછી તો તેના શબ્દોમાં રહેલી ખુમારી જાણે ખારવાએ પારખી લીધી હોય એમ તેણે થોડા સંકોચ સાથે ‘હાં’ પાડી.

ઘરમાં બીજુ તો કોઈ હતુ જ નહિ. બસ, એકલવાયો ઇન્સાન હતો. એક ગોદડાનું તેણે જેમ તેમ બિછાનું બનાવી લીધું.

જરૂરી દવાઓ સાથે લેવાનો વિચાર આવ્યો પણ પછી તે માંડી વાળ્યો. મન કાઠું કરીને જાણે પોતાને હિંમત આપતો હોય એમ સ્વગત બબડ્યો: એની કાંઈ જરૂર નથી.. જી થાવાનું હોય એ થાય ત્યાં. જોયું જાએ પછી...

બહાર નીકળતા દરવાજા આગળ તેના પગ અટકી ગયા. ત્યાં એક મૂંઝવતો વિચાર હૈયે ચઢી આવ્યો: ત્યાં હું ખાઈશ શું ! માછલાં સાથે રહી લઈશ પણ ખાવાનું ? સમાધાન જડી ગયું હોય તેમ તે ઉતાવળો રસોડા તરફ ધસી ગયો. બિસ્કિટ, ચેવડો, સૂકો નાસ્તો જે કાંઈ હાથ લાગ્યું તેની મોટી થેલી ભરી લીધી. એકાદ પાણીની બોટલ પણ ટીંગાડી લીધી. જંગ જીતવા જતા જાંબાઝ સૈનિકની ખુમારી તેના અંગ અંગમાં અત્યારે પ્રસરી હતી. રાતના અંધારાં ચીરતું બાઇક છેક જેટી પર આવીને ઊભું રહ્યું. નાકને અકળાવતી હવા થોડીવારમાં માફક આવવા લાગી. તેણે ખારવાની વસાહતમાં ટમટમતા દીવા તરફ દૃષ્ટિ દોડાવી. જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયો હોય એવું લાગી આવ્યું.

તે વહાણમાં ચઢ્યો ત્યારે બધા ખલાસીઓ તેના પર હસી રહ્યા. તે ફિક્કું હસતા હસતા વહાણના ભંડાર તરફ સરકી ગયો. તેણે કાળા સૂમ આકાશમાં એકાદ નજર નાખી. પેલો ચમકતો ધ્રુવનો તારો પણ તેને ચીડવતો હોય એમ હસી રહ્યો હતો. ત્યાં વહાણના સેરા છૂટ્યાં. અને જોતજોતામાં વહાણ ઉછળ-કૂદ કરતું અંધારી ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયું. જયસુખે પોતાના લાવેલા બિછાનામાં સૂવા પ્રયત્ન કર્યો પણ એમ કાંઈ નીંદર આવે ! મહેરામણ પણ આજે ઘેલો થયો હતો તેને પોખવા. ત્યાં એકાએક પેટમાં આંતરડાં યુદ્ધે ચઢ્યાં. ઢગલો વળેલા તારાઓ જાણે માથા સુધી આવી ગયા. ધડી ધડીમાં તો આખું આકાશ તેને ડોલતું

લાગ્યું. અંધારું ઓઢીને સૂતેલા દરિયાને જોતા તો આંખે અંધારાં ફળી વળ્યાં. જીવ તાળવે ચોટી રહ્યો. તે બિછાનામાં અકળાઈ ઊઠ્યો. ઊભો થવા મથામણ કરી પણ પગ અસ્થિર બની, લથડી પડ્યા. એટલીવારમાં તો એક મોટા ઊબકા સાથે તેને ઊલટી ચાલું થઈ ગઈ. ધડીભરમાં તો પેટમાંથી લાલપીળા કોગળા નીકળી ગયા. અને જોતજોતામાં પેટ આખું ખાલી થઈ ગયું. સુકાનીએ એક હાથ વીણા પર ટેકવતા, ગભરાટથી પૂછ્યું: “સા’બ ! ફાવ્યેને ?”

જયસુખે દરિયામાં ઊલટી કરતા ‘હું ઠીક છું’ એવો હાથથી ઇશારો કર્યો.

સથા પર નાનું મોટું કામ કરતા એક ખટપટિયા ખલાસીએ રમતિયાળ સ્વરે રમૂજ કરી:

“માસ્તર સા’બ, આ દરિયો શે હો ! આંયી તો કાળજું કઠણ જોઈએ” બધા જ ખલાસીઓ સાથે ઊછળતાં મોજાં પણ પેટ પકડીને હસી પડ્યાં.

લગભગ બે દિવસ જયસુખ માથા મારતો રહ્યો. શરીર લથડી પડ્યું. બિલકુલ શક્તિ બચી ન હોય એમ તે માઈકાંગલો બની ગયો. લોહી નિચવાઈ ગયેલા કોઈ દર્દી જેમ. બે દિવસ સતત દિશાઓ માથે ફેરફૂદડી રમતી જ રહી. દિમાગ કામ કરતા બંધ થઈ ગયું. ઉપરથી ઊલટી અને ચક્કરથી કાંઈ સૂજતું જ નહોતું. વાતાવરણમાં ફેલાયેલી ધૂંધળાશ અને અકળામણે તેને બેચેન કરી મૂક્યો. જોકે, મનની મક્કમતા હજી એવી જ અડીખમ હતી. ભંડારમાં એકબાજુ ઢગલો થઈ તે ફસડાઈ પડ્યો. પેટ તો સાવ ખાલી ખમ થઈ ગયું’તું. તેણે પોતાનો નાસ્તો ખાવા પ્રયત્ન કર્યો પણ પેટમાં કાંઈ ટકે તો ને ! ખલાસીઓ તેની સાથે મજાક મસ્તી કરતા રહ્યા. અને તે સામે જેમે તેમે ફિક્કું હસતા, ઘૂમરી ખાતો રહ્યો. પડતા, પછડાતા વહાણ સાથે એ પડખાં ફેરવતો રહ્યો પણ

મધદરિયે મીઠી નીંદર માણી શકે એ તો માત્ર ખારવો. ત્રીજા દિવસનો સૂર્ય થોડીક રાહત લઈને આવ્યો. સવારનું વાતાવરણ હવે તેને થોડું ઉત્સાહપ્રેરક જણાયું. શ્વાસમાં ખારાં પાણીની ખુશબો ભળી ગઈ હોય એમ તેને દરિયાઈ દુનિયાનો માહોલ અનુકૂળ આવવા લાગ્યો. તે આસપાસ નજર દોડાવી બધું માણવા લાગી ગયો. ક્યાં એ કાયમની સ્થિર ધરતી અને ક્યાં આ આજનો ડોલતો ડુંગર ! તેને ઘડી ઘડીમાં બધું ગમવા લાગ્યું. વાત વાતમાં ખલાસીઓને કુતૂહલવશ સવાલો પૂછવા લાગી ગયો. એક ખલાસીએ તો કહ્યું પણ ખરું:

“લાગે શે માસ્તર સા’બને હવે જીવ આવ્યો.”

“હવે તો આ દરિયો દોસ્ત બની ગયો ભાઈ” જયસુખે ગર્વથી કહ્યું.

“હારું કે’વાય સા’બ કે બે દિ’માં તમીને ફેર ઊતરી ગયો. !” સાગરના બાપે નવાઈ પામતા કહ્યું.

“મન મજબૂત હોય તો કંઈ અશક્ય નથી ભાઈ.” તોતિંગ મોજાં પર મહાકાય પછડાટ લેતા વહાણનું ઝુલતું પરમાણ પકડતા તે બોલ્યો.

ખલાસીની સાથે સામાન્ય મદદમાં પણ તે હોંશે હોંશે જોડાયો. ખલાસી ખાવા બેસે ત્યારે તેની હારે પોતે પણ પોતાનો નાસ્તો લઈને બેસી જતો. તે નાસ્તો હવે જાણે માનાં પ્રેમાળ હાથનું ભાણું હોય એટલું ભાવતું. સુસવાટા કરતો પવન હવે તેને આહ્લાદક લાગ્યો માંડ્યો. વહાણ તોફાની મોજાંની ટોચ પરથી પછડાટી લઈ નીચે પટકાતું ત્યારે ક્ષણભર પેટમાં ખાડો પડી જતો, અને તે સાથે મોંમાંથી એક જોસીલો ઊહકારો પણ સરી જતો.

જાળમાં ફસાતાં જીવતાં માછલાં તેણે પહેલીવાર જોયાં. ખારવાની અથાક મહેનત અને સાહસવૃતિ જોઈ તે મોંમાં આંગળાં નાખી ગયો. સાંજે તે આથમતા સૂર્યને દરિયામાં ડૂબી જતા જોઈ રોમાંચિત થઈ ગયો. ત્યાં દુશ્મની કાઢવાં પાછળ દોડતાં રાક્ષસી મોજાંની ભયંકરતા તેને ધ્રૂજાવી ગઈ. ક્યારેક તો શ્વાસ અધ્ધર થઈ જતો. લાગતુ: જાણે હમણાં મોતનો પહાડી પંજો પાછળ પડશે. ! તો ક્યારેક મહાકાય મહેરામણના મોટા મોટા મોજાંની ગહનતા તેને સ્પર્શી જતી. પાંચ દિવસની ફિસિંગ પછી વહાણ બંદરમાં લાંગર્યુ. કિનારાના હનુમાન મંદિર પાસે પડેલું તેમનું બાઇક હજી ધ્રૂજતું હોય એમ લાગ્યું. લથડતા પગ હજી સ્થિર જમીન પર અસ્થિર બની જતા હતા. તે છતાં એના મુખ પર પૂર્ણ સંતોષનો ભાવ તરવરતો લાગ્યો. આ સાહસિક અનુભવે તેને ઘણું બધું આપ્યું હતું. જિંદગીભરનું એક યાદગાર સંભારણું તેને મળી ગયું.

“એ... આવજો સા’બ. પાછા કોક દિ’ આવવું હોઈ તો કે’જો.” બધા ખલાસીએ હસતા મોઢે વિદાય આપી. તે ખલાસીની અદાથી બિછાનું બગલમાં લઈ મલકાતા જતો રહ્યો. બીજા દિવસે રિસેસમાં ભેગા થયેલા શિક્ષકોના ચહેરા દંગ હતા. એક બ્રાહ્મણનો દીકરો દરિયાના પેટાળ ઉપર પાંચ દિવસ કાઢી આવ્યો ! તે પણ ખોબા જેવડા વહાણમાં ! અસંભવ જેવું લાગતું હતું. પણ આજ દાખલો નજર સામે મોજૂદ હતો.

એક શિક્ષકે તો સંકોચાતા પૂછી લીધું: “જયસુખભાઈ, તમને ડર નહોતો લાગતો ?”

“અરે ! ડર શેનો વળી ? ‘મન હોય તો માળવે જવાય’ આપણે અત્યાર સુધી વિદ્યાર્થીને આ ભણાવતા જ આવ્યાશ ને !” તે સાથે તેના ચહેરા પર અડગ વિશ્વાસની એક રેખા ઊપસી આવી. વર્ગખંડમાં જતા જયસુખને શિક્ષકગણ સન્માનપૂર્વક અપલક જોતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational