Vishnu Bhaliya

Drama Thriller Tragedy


4.5  

Vishnu Bhaliya

Drama Thriller Tragedy


ખારા પાણીનું ખમીર

ખારા પાણીનું ખમીર

11 mins 7.5K 11 mins 7.5K

ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલાં સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય એમ ઉતાવળા ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટો હમણાં વીળના પાણીથી એકાએક મોટો લાગવા માંડ્યો. દૂર દૂર પશ્ચિમમાં સ્થિત કામનાથ મંદિરના શિખર પરથી સરકતો લાલચટક સૂર્ય પોતાના ઘર તરફ જતો દેખાયો. પવન ડરીને સૂન બની, છૂપાઈ જવા લાગ્યો. સામે કિનારે ડાઘુઓ ચિતાની આસપાસ ગમગીન બની બેઠા હતા, જ્યારે આ કિનારે દરિયાના પાણીમાં અડધે સુધી ડૂબેલા વહાણને અસંખ્ય ખારવાઓ એક સાથે ઉપર ખેંચી રહ્યા. ગોઠણભર પાણીમાં કતારબંધ બીડાયેલી તેમની મુઠ્ઠીઓ રાક્ષસી બળ કરતી હતી.

પાણીથી ભરાયેલું વહાણ ધીરે ધીરે ઉપર ચઢતું જોઈ તેમનો જુસ્સો વધી જતો. આમતેમ આંટોફેરો કરતા બીજા ખારવાઓ પણ હોંશે હોંશે મદદમાં જોડાઈ જવા લાગ્યા. સામેના વાતાવરણમાં ગમગીન ભીનાશ તો આ તરફ કસાયેલા કાંડાનો અનેરો ઉત્સાહ અને વચ્ચે ખાડી પર વહેતી ખારી ખુશ્બૂ!

મારા પગમાં પણ જોશ ઊમટ્યું. બૂમલાની કાઠીમાં કેટલીક ખારવણો વહાણને જોવા ટોળે વળી હતી. તેમનાં ચહેરા પરનાં શૂન્યવત્ ભાવ અત્યારે દરિયાનું કાળજું કંપાવી જવા લાગ્યા. જોર અજમાવતો એક વૃદ્ધ ખારવો, મોટા સાદે રસ્સો પકડી અવાજ દેતો હતો:

“એ.... હેલામ... હે. હેલે..... માલિક... જુમસાં...”

અને, વળતા “હેલેસાં... હેલેસાં...” ના પડકારા સાથે ખેંચતા રસ્સાથી વહાણ બે ડગલા ઉપર આવી ગયું.

“કિંનું વા’ણ શે આ?” મેં કુતૂહલ દાખવતા મિત્ર રાજેશને પૂછ્યું.

“સાત-આઠ દિ’ પે’લા નો’તું ડૂબી ગયું ! લખમવાળાનું? ઈ શે આ.” રાજેશે કહ્યું.

મને નવાઈ લાગી: આટલા દિવસની મહેનત પછી પણ વહાણને બંદરમાં લઈ આવ્યા ખરા! ચોમેર ઊઠતા હોકારા-પડકારા વચ્ચે મેં જરા ઊંચા અવાજમાં રાજેશને પૂછ્યું:

“હારું કે’વાય નીં! આટલા દિ’ પછી પન વા’ણને લઈ આવ્યા તી.”

“અલા... આપણા ખારવા મૂકે નીં... ખાલી ખબર હોય ને કે વા’ણ કાંશે, તો ગમે એમ કરીને લઈ આવે!” રાજેશના શબ્દોમાં ખુમારી ભરી હતી. થોડીવાર અટકીને તે ફરી ભાવહીન અવાજે બોલ્યો:

“પછી કદાચ વા’ણની જ મરજી ન હોય તો ઈ બંદર હુધી પૂગે નીં.” તે વહાણ ખેંચતા ખારવાને જોતા બોલતો હતો.

“એટલે?” મને તેનું છેલ્લું વાક્ય થોડું રહસ્યમય લાગ્યું એટલે અધીરાઈથી પૂછ્યું.

તેણે દૂર ખાડી તરફ આંગળી ચીંધતા કહ્યું: જો, હામે... ઓલી હોડી જાય. ઈમાં ઓલો રાવોઆતો દેખાઈશ? ડોહાં જેવો...”

“હમમમ...” મેં હોડીમાં દેખાતા એક વૃદ્ધ તરફ જોતા માથું હલાવ્યું.

“ઈને એકવાર મળી લે, બધી હમજાઈ જાહે.” તે થોડો ગંભીર લાગ્યો.

“કેમ? ઈની હારે હું થીયું’તું?” મારી ઉત્સુકતા ખૂબ વધી ગઈ.

રાવોઆતો નાનકડી હોડીમાં થોડા જાળ લઈ એકલો દરિયે જતો દેખાયો. તેની વૃદ્ધ નજર બંદરમાં પરત લાવેલા વહાણ પર મંડાઈ હતી. એક હાથમાં હોડીનું સુકાન અને બીજા હાથે બીડી ફૂંકતો તે પસાર થઈ ગયો. તે જે રીતે વહાણને જોતો હતો એ શુન્યહ્રદયના ભાવ હું સમજી ન શક્યો. રાજેશ મારા સવાલનો જવાબ આપ્યા વગર દોડીને ખારા પાણીમાં વહાણ ખેંચતા ખારવા સાથે ભળી ગયો. હું સંકોચ સાથે તેમના જોશીલા શબ્દો સાંભળતો રહ્યો.

“એ... હેલામ હે. હેલે માલિક... જુમસાં.”

અને, કાંડાની તાકાત જાણે મોંમાંથી નીકળી હોય એમ ખલાસી ગરજી ઊઠતા:

“હેલેસાં... હેલેસાં...”

હું, જાતે ખારવો. પણ મોટે ભાગે બહાર ‘હોસ્ટેલ’માં જ રહેતો. રજાઓમાં ગામમાં આવતો ત્યારે જૂના મિત્રો મળતા, દરિયો દેખાતો, ખલાસી, વહાણ, મચ્છી, દોરડા આ બધું પછી થોડા દિવસોમાં જ પોતાનું લાગવા માંડતું. ગમે તેમ તોય ખારવાનું ખૂન ખરું ને!

રાજેશ મારા કરતા ઉંમરમાં પાંચેક વર્ષ મોટો. દરિયામાં જતો ખલાસી તરીકે. મને હંમેશા તેની દરિયાઈ વાતો સાંભળવાની તાલાવેલી જાગતી. અત્યારે પણ તેની વાત મનમાં ઘૂમરાતી હતી: “ઈને એકવાર મળી લીજે, બધી હમજાઈ જાહે!”

તેની એ વાતમાં જરૂર એવું ‘કંઈક’ હતું જે મનને ખેંચતું રહ્યું. આમતો રાવાઆતાને હું પહેલીવાર જ જોતો હતો. તેમના વિશે ખાસ કાંઈ સાંભળેલું પણ નહિ. તે છતાં મેં નિરધાર કરી લીધો: તેમને એકવાર મળવું તો છે જ. એવું કંઈ એમની પાસેથી જાણવું હતું જેનો સંબંધ આ ડૂબેલા વહાણ સાથે અથવા એવી ઘટના સાથે સામ્યતા ધરાવતો હતો.

સવારે ઊઠ્યો ત્યારે સૂર્યના સોનેરી કિરણો મોજાંઓ પર ચમકતાં હતાં. હું ચાલી નીકળ્યો. મારા પગ એક ફાટેલા તૂટેલા ઝૂપડાં જેવા ઘર આગળ થંભી ગયા. સામે રાવોઆતો ફાટેલી જાળ સીવતો દેખાયો. ખારા પાણીનો કોઈ ખવીસ બેઠો હોય એવું પહેલી નજરમાં લાગ્યું. હાડમહેનતથી કસાયેલું ખડતલ શરીર હવે થોડું કમજોર લાગ્યું. વૃદ્ધાવસ્થાના ચિહ્નો તો ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તાડ જેવો ઊંચો, ખારા પાણીના સતત સહવાસથી ભૂખરા બનેલા વાળ વધીને માથામાં વિખરાઈ ગયા હતા. આછી દાઢીથી ચહેરો ભરાયેલો લાગી રહ્યો. આંખ નીચે વળેલા કાળા કૂંડાળા, લલાટની કરચલીઓ નીચે લચી પડેલા પોપચાં અને સીસમ જેવો કાળો ડિબાંગ વાન.

મને એકાએક આટલો નજીક આવી ગયેલો જોઈ તેઓ ક્ષણભર ઝંખવાણા પડી ગયા. મેં ચહેરા પર મંદ સ્મિત કરતા કહ્યું: “હું તમારી હારે થોડીક વાત કરી શકું?”

“હાં, હાં. જરૂર દીકરા. આ પા આવીજા.” કહેતા, તેમણે કાન પાસે ખોસેલી બીડી સળગાવી એક બે દમ ખેંચી કાઢ્યા.

“હાં, બોલ દીકરા. હું કામ શે? ઓલા, રામજી ટંડેલનો દીકરો શે ને?”

મેં માથું નમાવીને ‘હાં’ પાડી. દૂર દૂર ખડકાયેલા રેતીના ઢૂવાઓમાંથી ઉડતી ડમરીઓ હવા સાથે ભળીને વસાહત તરફ ધસી જવા લાગી. ક્ષણભર ખાલીપો છવાયો. હું મનોમન થોડી ગડમથલ વચ્ચે અટવાયો: વાત કેમ શરૂ કરવી? શું પૂછું? મારા ધબકારા મને સ્પષ્ટ સંભળાયા. ત્યાં પડેલા જાળના ઢગલા પર બેસતાં, મેં ઊંડો શ્વાસ લીધો અને પૂછી નાખ્યું.

“કાલે સાંજે લખમવાળાનું વા’ણ ચઢાવતા’તા તવાર તમી ના, હોડીમાંથી જોતા’તા... તો મારા દોસ્તારે કીધું કે તમારી હારે પણ ઈવું જ કીક બન્યું’તુ. પે’લા...”

એકાએક તેમના ચહેરાની કરચલીઓમાં લોહી ઊપસી આવ્યું. માથામાં સણકા ઊઠ્યા. ઊંડી ઊતરી ગયેલી આંખો ફફડાટ કરી રહી. બીજી જ ક્ષણે તેઓ ગંભીર બની ગયા. તેમની એ વૃદ્ધ આંખોમાં જાણે આખો દરિયો સમાણો હોય એમ મને ધડીભર લાગી આવ્યું. મારી ભીતર પણ ખાલીપો છવાયો. પછી થયું: મેં કાંઈક ઊંધું તો નથી પૂછી લીધુંને!

મારી સ્કુલે હોઉં ત્યારે હું મોટેભાગે શુદ્ધ ઉચ્ચાર કરતો, પણ ગામમાં આવું ત્યારે અમારી બોલી, અમારા શબ્દો, તેનો વિશિષ્ટ લહેકો, લઢણ વગેરે છૂટથી અપનાવી લેતો. એક રીતે અંદરથી આનંદ આવતો, પોતાપણું લાગતું.

“તો, તારે મારા જીવતરની જૂની વાતું જાણવીશ એમને?” તેમના કસાયેલા કંઠમાંથી પડઘો ઊઠ્યો. તેમા હૂંફ, વાત્સલ્ય અને સંવેદના ભરી હતી.

મારી બિલકુલ સામે જ કિનારે ભીની રેતીમાં પડેલી તેમની નાનકડી હોડી સરકતી રેતી સાથે ધીરેધીરે ડોલતી જણાઈ. તેમની નજર સમક્ષ એક પછી એક ચિત્રો સજીવ થઈને ઊપસી આવ્યા હોય એમ તેઓ ભીતરના ભેંકાર ખાલીપા વચ્ચે સૂન બની ગયા. ફાટેલી જાળ પર ફરતો હાથ અનાયાસે અટકી ગયો. દૂર ખડકો પાછળ અથડાતાં મહેરામણનાં મોજાંઓ પણ અત્યારે મૌન બની ગયાં.

તેમણે ફરી એક બીડી સળગાવી. ધુમાડાના ગોટેગોટા દિલ દઝાડતા આકાશમાર્ગે જતા રહ્યા. ઊંડો દમ લેતા અચાનક તેઓ બોલ્યા:

“આ હામે ઓલો... લખમવાળાનો બંગલો દેખાઈશ ને? જીનું ડૂબેલું વા’ણ અમણાં કોરમાં લાવ્યાશ!” કહેતા, તેમણે એકવાર મારા સામે જોયું. એ અવાજમાં જુસ્સાદાર સ્વમાન ભર્યું હતું. હું એકદમ સતેજ થઈ ગયો.

“હાં! ઈનું હું થયું’તું.” મારી અધીરાઈ એકદમ વધી ગઈ.

“ઈ જગ્યામાં પે’લા અમારો માંડવો પડતો.” તેમનાથી એક નિસાસો નખાઈ ગયો.

“બંદર આખામાં જવાર માલની તંગી હોય તવાર, નાં અમારી કાઠી બૂમલાની ભરી હોય! બાયું થાકી જાય વગરાવી વગરાવીને. મારા બાપની બંદર આખામાં આબરૂ પન ઈવી જ! ગામ આંખુ ઈનું માને. કો’કને નવું વા’ણ બનાવું હોય કે વા’ણમાં કંઈ વાંધો હોય તો મા’ણા ઈ ખોરડે તગડીને આવતા. મારો બાપ દરિયાના પાણીનો રંગ પારખીને કહી દેતો કે માલ પડીએ કે નીં. અરે! વાવડો નીકળે ઈના પરથી તાગ કાઢી દેય કે તૂફાન આવિયે કે નીં. અતારે તો આ બધી સાધનુ આવી ગીંયા. નીંતર અમીએ જે ધંધો કરીયોશને એવું આ નવી પેઢી કરી પન નીં હીખે!” ગળું ઝલાઈ ગયું હોય એમ તેઓ બોલતા અટકી ગયા. હળવો ખોખારો તેમણે ખાઈ લીધો.

હું રસપૂર્વક તેમની વાત સાંભળતો રહ્યો. તેમના ભવ્ય ભૂતકાળનો આજના વર્તમાન સાથે જરા સરખો પણ મેળ નહોતો બેસતો. મારા રોમે રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. સવાલો મારા લમણાંમાં ઝીંકાયા: એક સમયનો આટલો સમૃદ્ધ અને સક્ષમ પરિવાર આજે કેમ કંગાળ બની ગયો હશે? એવું તો શું થયું હશે?”

સામે ઊભેલું તેમનું ઝૂપડું પણ સાવ નિર્જન ભાસતું હતું. અંદર કોઈ સ્ત્રી હોય એવા કોઈ પણ સંકેત મને ન મળ્યા. કદાચ તેમની પત્ની મૃત્યુ પામી હશે એમ વિચારી મેં મન વાળ્યું. આમેય રાવાઆતાની ઉંમર હવે સિત્તેરક વટાવી ચૂકી હશે. હું, ત્યાં આસપાસ સુકવેલી માછલીની નમકીન ગંધ નાકમાં ભરતો રહ્યો.

તેમની આંખો થોડી નમ બની હોવાથી તેઓ પળભર મોઢું ફેરવી ગયા. ક્ષણભર હું કાંઈ ન બોલ્યો. ફાટેલી જાળ પર તેમના આંગળા ફરતા રહ્યા અને જાળ સંધાતી ગઈ. પવનના એકાદ ફૂંકારાથી સ્તબ્ધતા ભેદાઈ. મેં તેમના જીર્ણ અને મેલાદાટ કપડાને તાકતા ધીમેથી પૂછ્યું:

“તમારે તવાર જે વા’ણ હતું, ઈ હવે કાં ગયું ગયું? ડૂબી ગયું કે?”

શરીરમાં જાણે હજારો શૂળ એકસાથે ભોંકાયા હોય એવી વેદનાથી તેમની કાયા કંપતી મેં જોઈ. એકાદ હળવા આંચકા સાથે તેમણે મને માપી લીધો. તે નજરમાં દર્દ ઘૂંટાતું મને લાગ્યું. ત્યાં દરિયાનો કિનારો શોધતા આવેલા વીળના મોજાંઓ પેલી હોડીને થપાટો મારીને જતાં રહ્યાં.

“દરિયાનીને ખારવાની લડાઈ તો દીકરા હાઈલાસ કરે! ઈમાં કો’ક દિ’ ખારવો જીતે ને કો’ક દિ’ આ દરિયો....” કહેતા, તેમણે સામે છાતી કાઢીને સૂતેલા સાગર તરફ ગર્વથી ઇશારો કર્યો.

તેમના શબ્દોમાં રહેલી ગંભીરતાએ મને હલબલાવી મૂક્યો. તેમના અગોચર ભૂતકાળની મને કલ્પના આવી ગઈ હોવાથી મારાથી નિસાસો નખાઈ ગયો.

“ઈ માંડવાની જગ્યા તમીએ લખમવાળાને વેચી નાખી કે?” સર્વત્ર મૌન.

મારો સવાલ તેમણે સાંભળ્યો ખરો પણ ઉત્તર ન હોય એમ સૂન બની બેસી રહ્યા. મને વિચાર આવ્યો: ક્યાંક હું એમને વધારે દુ:ખી તો નથી કરી રહ્યોને!

હું વધારે કાંઈ પૂછું તે પહેલાં જ તેમના રૂંધાયેલા કંઠમાંથી રુક્ષ અવાજ મારા કાને અથડાયો. એકાએક મેં સાવધાન થઈ કાન સરવા કરી લીધા.

“તારી જટલી ઉંમરે મેં પે’લીવાર દરિયે પગ દીધો’તો. મારા બાપ હાઈરે. અમારા જ વા’ણમાં. ઈ વા’ણમાં લઈ જાતો તવાર મારી મારીને બધું હીખવાડતો. કો’ક દિ’ તો પાણીમાં પન ફેંકી દેતો...” બોલતા જાણે બાળક બની ગયો હોય એમ નિર્દોષ હાસ્યની મૃદુ રેખાઓ એ વૃદ્ધ ચહેરા પર ઊપસી આવી.

“દરિયાપીરે આપ્યું’તું પન ઘણું. મારા બાપના ગીંયા પછી લોકું મારી પન એવી જ ઇજ્જત કરતા. દરિયામાં જાં મારી જરૂર પડે તાં હું એક હાકલમાં તગડી જાતો. પછી જી થાવાનું હોઈ ઈ થાઈ.... ઘણાંય ખલાઈ ને વા’ણને મેં ડૂબતા બચાવ્યા’તા. પન.....!” આગળના શબ્દો ગળામાં અટવાઈ ગયા હોય એમ તેમના ગળે શોષ બાઝી ગયો. એકાદ ક્ષણ દરિયાને તાકતા તેઓ શાંત થયા. ઊંડો શ્વાસ લીધો. ત્યાં ફરી તેમણે વાતનો દોર હાથમાં લઈ લીધો.

“ઈ વા’ણ પછી નાનું પડવાથી મેં લખમવાળાને વેંચીને નવું બનાવી લીધું. ઈ વા’ણ કરતાં ઘણું મોટું. નામ પન ઈ જ રાખ્યું’તું: ગંગાતીર્થ. મારા બાપદાદાનું ઈ વા’ણ હતું અટલે છોડતા મન નો’તું થાતું. પન ગમે એમ મનને મનાવી લીધું. ત્રીસેક વરસ થયા ઓયે લગભગ... પન પછી કોણ જાણે કેમ દરિયોપીર રૂઠતો ગયો. અને પછી એક દિ’....” તેઓ બોલતા ગયા. આ “ અને પછી એક દિ’...” શબ્દો ગળામાંથી જાણે ઘૂંટાતા ઘૂંટાતા નીકળ્યા હોય એમ ભારેખમ મને લાગ્યા. ભૂતકાળનો એ દિવસ અત્યારે આંખ સામે ભજવાતો હોય એમ તેઓ ગળગળા થઈ પીગળી રહ્યા. લાગણીના દરિયામાં ઊભરો ચઢી આવ્યો.

“તે દિ’ મારો દીકરો સુકાને બેઠો’તો. હું કેબિનમાં સૂતો’તો. ખલાઈ પન બધી થાકીને જેમે તેમ પડ્યા’તા... પન ઓચિંતા એક જોરદાર અવાજથી મારી આંખ્યું ઊઘડી ગઈ. જોયું તો, મારો જીવ ઊંચો થઈ ગયો ને મનમાં મોટી ફાળ પડી ગઈ. એક જૂના જગડિયા હારે અમારું વા’ણ ભટકાઈ ગયું’તું. પડખાંમાં મોટું ગાબડું નીકળી ગ્યું. હાંફળાફાંફળા અમે બધી તગડા તગડી થઈ ગયા. ઘડીઘડીમાં તો વા’ણ પાણીનું ભરાઈ ગયું. જીના હાથમાં જી આવ્યું ઈ લઈ બધાં ખલાયું દરિયામાં ઠેકી ગયા. વા’ણ ભટકતાવેંત મારો દીકરો દરિયામાં ઘા થઈ ગયો’તો. મેં ઘણી રડ્યું નાખી પન ઈનો કંઈ અવાજ આવ્યો નીં. અમી બધી ટીટા પકડી દરિયામા તણાતા રહ્યા. મેં વા’ણને ગાળિયા નાખીને બોયાં બાંધી દીધા’તા. અમારી દેખતા જ ઈ વા’ણ હોમાઈ ગયુ. દીકરાને હાકલું મારી મારીને મારું ગળું ઝલાઈ ગયું, પન ઈનું કંઈ નામનિશાન મળ્યું નીં. તી પછી કોઈ દિ’ મને ઈનું મોઢું જોવા ન મલ્યું. હું અભાગ્યો તવાર બચી ગયો ને મારા જવાનજોધ દીકરાને દરિયો ભરખી ગયો... !”

તેમણે એક ગરમ નિ:શ્વાસ છોડ્યો. શ્વાસ ભારે થઈ ગયો. અશક્ત થઈ તેઓ બેઠા બેઠા જ જાળના ડૂચા પર ફસડાઈ પડ્યા. મારું હૈયું પણ ભરાઈ આવ્યું. હું કંઈ બોલી ન શક્યો. મન આંધળું થઈ ગયું એમ બેબાકળો બની ગયો. પેલી તેમની નાનકડી હોડી કિનારે વીળના ઊભરાતા પાણીમાં તરતી થઈ ગઈ હતી. કિનારે બાંધેલો સેરો છોડાવી જાણે ખુલ્લા દરિયામાં દોડવા મથામણ કરી રહી. એટલીવારમાં તો એક વિચાર મારું અંગ અંગ તડપાવી ગયો: એકનો એક જવાનજોધ દીકરો નજર હામે હાલ્યો ગયો! કેવો કરુણ વખત હશે ઈ? આ બુઢ્ઢા બાપ ઉપર કેવી વીતી હશે તવાર!

ભીના થયેલા આંખોના ખૂણા લૂછતા મેં તેમને જોયા. જેણે દરિયાના પેટાળ પર અનેક જિંદગી બચાવી હતી એના જ દીકરાની જિંદગી દરિયામાં તણાઈ ગઈ! થોડીવાર ફરી ભેંકાર મૌન પથરાયું. બૂમલાથી ભરેલી કાઠી નીચે બગલાઓ, જીવડા શોધવા જમીન ખોતરતા રહ્યા. મને તેમના પર પણ થોડી દયા આવી ગઈ. મેં મારું ધ્યાન એકાએક ત્યાં પાછું વાળી ગળગળા અવાજે ધીમેથી પૂછ્યું:

“ઈ વા’ણનું પછી હું થયું?”

"હું દીકરાના આઘાતમાં ઘણાં દિ’ ભાંગી પડ્યો. આપણાં મા’ણાએ વા’ણને લાવવા ઘણી મે’નત કરી. સેરા બાંધીને લાવતા’તા પન!" તેમણે ગળામાંથી બહાર નીકળવા મથતા ડૂમાને સિફતથી અંદર ધકેલી દીધો. ત્યાં અવાજ આવ્યો:

“કાં ભગવાનની મરજી નીં, કાં ઈ વા’ણની મરજી નીં! ઘણીવાર સેરા તૂટી ગયા. પછી તો મેં પન ઘણી મે’નત કરી વા’ણને લાવવાની. દરિયાના તળિયે જઈને સેરા પાછા બાંધ્યા, તોય કંઈ વળ્યું નીં. જટલા થાતા’તા ઈ બધા અખતરા કરી કાઢ્યા. કેમે કરી ઈ વા’ણ બંદરમાં આવવા રાજી જ થીયું નીં. જાડા જાડા રાંઢવા ઈવે તોડાવી નાખ્યા. પછી તો મારો જીવ પન ખાટો થઈ ગયો...! બસ, પછી તો ઈ વા’ણની મરજી જ નથી એમ માની નાં જ છેલ્લા પરણામ કરી લીધા.” તેમણે અધ્ધર ચોટાડેલો શ્વાસ હેંઠો મૂક્યો. હળવો શ્વાસ ગળામાં ભર્યો.

“દીકરાના મોતથી રિબાઈને ઈની મા પન એક વરહમાં જતી રહી. હું ધંધા વગરનો થઈ ગયો. કુટુંબકબીલો આસ્તે આસ્તે છેટો પડતો ગયો. માંડવાની જગ્યા પન હાથમાંથી ગઈ...! અને હવે રખડતા ભિખારી જીવો થઈ ગયોશ. બધી જણા થોડા વરહમાં ભૂલી ગયા, પન ગમે તેમ તોય આ દરિયાએ હજી ટકાવી રાખ્યોશ. દીકરો ડૂબ્યો તવાર આ દરિયાને ઘણો જાકારો આપ્યો’તો. પન પછી થીયું: ખારવાનો દીકરો ધરતીમાં પોઢે ઈના કરતા દરિયાના ખોળે પોઢે ઈનાથી બીજું રૂડું હું? હવે તો દીકરાને ઈવે પેટમાં હમાવી લીધો એમ મને પન હમાવી લે ઈની વાર જોઈને બેઠોશ. અતારે આ નાનકડી હોડી શે ને આ દરિયો શે, જીમાં રખડીને હજી પેટ પૂરતું પાડી લેઉંશ..... બસ, હવે તો ઝાઝું કેવા જીવું કઈ નથી.” તેમણે છેલ્લો નિસાસો નાખી દીધો. પરાણે ફિક્કુ હસી ગયા. તે હાસ્ય પાછળ રહેલી પીડા, લાચારી અને ગમગીનતાનો મેં સ્પષ્ટ અહેસાસ કર્યો.

હું આશ્વાસનના બે બોલ કહેવા જેટલો પણ મજબૂત નહોતો રહ્યો. એક પળ તેમને ભેટી પડવાનું મન થઈ આવ્યું. તેમણે વેઠેલી લાચારી પથ્થરને પણ પીગળાવી દે તેવી હતી. તે છતાં દરિયા પ્રત્યે આટલી લાગણી કોઈ કેવી રીતે રાખી શકે! જેનો દિકરો દરિયામાં સમાયો હતો અને આજે તે ખુદ પણ દરિયામાં જ સમાવવાના અભરખા સેવી રહ્યો છે. તેઓ ચુપચાપ ધીમું હસતા ઝૂપડામાં જતા રહ્યા. હું એ દરિયાના માણસને જોતો રહ્યો.

ભારે પગે વિદાય લેતા હું સીધો ખાડી કિનારે પહોંચી ગયો. વીળના પાણીની રાહ જોઈને બેઠેલા ખારવાઓ વહાણને હજી વધારે ઉપર ખેંચવામાં લાગ્યા હતા. હું પણ મારા નવા કપડાની ચિંતા કર્યા વગર ખારા પણીમાં ઊતરી ગયો. બે હાથે રસ્સાને મજબૂત પકડ્યો. રાવાઆતાના એ જૂના મૂળ વહાણ તરફ મેં દૃષ્ટિ સ્થિર કરી. એક અજબ અદાથી એનો મોરો બે વહેંત ઊંચો લાગ્યો. આજે તો એ વહાણ સમારકામને લીધે નવા જેવું લાગતું. મારી બાજુમાં જ રસ્સો ખેંચતા લખમવાળાને પણ મેં એકપળ નખશિખ જોઈ લીધો. ત્યાં રુઆબભેર આવતાં મોજાંઓ કિનારે આવી શરમથી વિલાઈ જતા. રાવાઆતાનું આખું જીવન અત્યારે આંખ સામે ભજવાયું હોય એમ મેં હાથની મુઠ્ઠીઓ મજબૂત કરી. બીજી જ ક્ષણે વૃદ્ધ ખારવાના ગળામાંથી અવાજ સર્યો.

“એ... હેલામ હે, હેલે માલિક... જુમસાં”

અને, વળતા “હેલેસાં... હેલેસાં...” ના પડકારા સાથે વહાણ બે ડગલા ઉપર આવી ગયું.


Rate this content
Log in

More gujarati story from Vishnu Bhaliya

Similar gujarati story from Drama