Vishnu Bhaliya

Children Stories Inspirational

1.9  

Vishnu Bhaliya

Children Stories Inspirational

કમાણી

કમાણી

3 mins
339


વજનદાર કુહાડી સટાક દઈને લાકડાં પર પડી. ત્રણેક ઘા તો એ લાકડું ખમી ગયું પણ આ ચોથા ઘાએ તેનો એક કટકો ઊડીને દૂર ફેંકાઈ ગયો. કરસનના મોં પર ગર્વની આછી ઝલક ઊભરી આવી. આજ સવારથી એકધારો મંડ્યો હતો લાકડાં ફાડવા. જોકે એ ઠૂંઠાં જેવા લાકડાંનો ઢગલો તો હજી એટલો જ દેખાતો. ધગધગતો તડકો છેક માથે ચડી આવ્યો, ઉઘાડા ડીલમાં પરસેવાનાં રેલા ઊઠ્યાં, પણ રામ જાણે કેમ, લાકડાં તો ખૂટતાં જ નહોતાં.  તેણે મનમાં હળવો અફસોસ કર્યો : 'સાઈઠ રૂપિયામાં તો ભારી પડી ગયું !' 

કેટલા દિવસની રખડપાટ પછી છેક આજે માંડ માંડ કામ મળેલું. એમાય ભારતીબેને ભાવમાં કેટલી રકઝક કરેલી ? આમતો આટલા બધાં લાકડાં ફાડવાની મજૂરી સો રૂપિયા થાય, પણ સો રૂપિયાની માંગણી છેક સાઠ પર આવી ત્યારે સોદો પત્યો. ઉપરથી વળી ભારતીબેને કેટલું બધું તો સંભળાવેલું : "આ તો તારા છોકરાં પર દયા આવે છે તી ! નહિતર આટલા લાકડાં તો પેલો ખીમજીઆતો પચ્ચાસમાં જ ફાડી આપે." 

"બેન જરી આ ઢગલો તો જોવ ! ઈમાંય પાછા બધી ઠૂંઠાં જીવા છે. હાથ પન છોલાઈ જાયે !" કહેતા ગમગીન લાચારી સાથે કરસને માથે ફાળિયું વીંટ્યું. પહેરણ કાઢી નજીક મૂક્યું અને કુહાડી હાથમાં લઈ લીધેલી.

"સાઠ રૂપિયા એમ કંઈ રેઢા થોડા પઈડાશ ! " જતાં જતાં ભારતીબેને તેને કડવાશથી તડાકાવ્યો હતો. કટાક્ષના રણકા સાથે પાછું ઉમેર્યું : "ઘર હલાવતી હોયને ઈને ખબર હોય.... તારે હુશે.. ? પી પીને પડી રહેવુંશ !" કોઈએ મોં પર જાણે સણસણતો તમાચો ઝીંકી દીધો હોય એમ કરસન સમસમીને રહી ગયેલો. પણ થાય શું ? મૂંગા મોઢે એણે એ ગુસ્સો કુહાડી પર ઠાલવી દીધો.  જોકે એ બધું પથ્થર પર પાણી ! ઉલટાનું ક્ષણભર પછી તેણે સંતોષના ઓડકાર સાથે મનમાં મમળાવ્યું : 'હાલો, આજે હાંજે તો આપણું પીવાનું થઈ જાયે.'

ગામ આખું એને 'કરસન ટાંગ' કહેતું. ચાલતો ત્યારે એક પગ થોડો ખોડંગાતો. હાથમાં રહેલી 'કુહાડી' એનું એક માત્ર આવકનું સાધન. ગામ આખામાં રખડે ત્યારે માંડ એકાદ કામ મળતું. બાયડી બિચારી જેમતેમ કરી ગાડું ગબડાવતી. પણ કરસન તો બિલકુલ બેફિકર. સો રૂપિયા લાવે તો ઘરે માંડ પચ્ચાસ પહોંચે. બીજા પચ્ચાસ ક્યાં જતાં એ છોકરાં પણ સારી રીતે જાણતાં ને બાયડી પણ. ઘરમાં તો બાર હાથનો વાંસ ફરે તોયે કરસનનું ક્યાં કદી દિલ દાઝ્યું છે ! બાયડી બિચારી ઘણીવાર મૂંઝાતી: 'હવે ઈનું કરવું પણ હું ? એના ભેગા ભવાડો કરીને પન ભૂખ ભાંગે એમ ક્યાં છે !'

અત્યારે પણ કરસનનો જીવ વળી વળીને ગામને ઝાંપે જઈ પહોંચતો. સાંજે ત્યાં દારૂ પણ મળી જતો અને દારૂડિયા બે-ચાર દોસ્ત પણ. ગળું સુકાયું. બાકી રહેલાં લાકડાંનાં ઢગલા પર આતુર આંખ માંડી. સામે ભારતીબેનનાં ઘરમાં ત્રાંસી આંખે જોઈ લીધું. એના અધીરા હૈયેથી હોઠે આવ્યું: 'કો'ક દેખાઈ તો, પાણી માંગુ !'

ઘરનો નાનકડો દીકરો ભોંય પડ્યો પડ્યો લેસનમાં મંડાયો હોય એમ લાગ્યું. એનું ડીલ તડકાથી ઊકળી ઊઠ્યું. તેણે થોડીવાર કુહાડી બંધ રાખી, પરસેવો લૂછ્યો. ત્યાં મીઠો રણકો કાને પડ્યો :

"પાણી લ્યો.." કહેતા સાતેક વર્ષનો છોકરો સામે આવી ઊભો. નિશાળેથી આવીને હજી યુનિફૉર્મ પણ બદલાવ્યો નહોતો. કેવો રૂપાળો !  કરસન આખો લોટો ગટગટાવી ગયો. આંખોમાં અમી ઊભરાયાં :'આને કેમ ખબર પડી ગઈ ઓયે કે મને તરી લાગીશ ?'

ઘરમાંથી એક રાડ આવી એટલે છોકરો જલદી દોડી ગયો. કરસનના હૈયામાં ઊભરો આવ્યો :'મારો દીકરો પણ નિશાળના કપડાં પહેરે તો કીવો રૂડો લાગે !' 

મોં પર હળવું સ્મિત ફરક્યું. અને કુહાડી આ વખતે લાકડાં પર પડી ત્યારે એમાં ગજબ જોશ ભર્યો હતો. સળગતો સૂર્ય પણ હવે શાંત થવા આવ્યો, એ સાથે ઢગલો પણ પૂરો થયો. 

"આ... લો, બાએ આ સાઠ રૂપિયા આપ્યા છે." એજ નાનકો પૈસા દેવા માટે આવ્યો. એનું મુલાયમ મોં કરસનને તેના દીકરા જેવું દેખાયું. જાણે આજે વર્ષો પછી એને ઘરે જવાની ઉતાવળ જાગી. કાયા થાકીને લોથ વળી ગયેલી પણ હવે શરીરમાં જાણે નવી ઉર્જા ફૂટી આવી. તે ઘડીભર છોકરાને તાકી રહ્યો. સાઠ રૂપિયાની મુઠ્ઠી વાળી લીધી. કુહાડી ખંભે નાખી અને ચાલી નીકળ્યો. ઉત્સાહમાં ઉપડેલા પગલાં આજે ઝાપા તરફ નહીં, પણ સીધા ઘર તરફ ફંટાઈ ગયા. મુઠ્ઠીમાં રહેલા કમાણીના સાઠ રૂપિયા આજે પહેલીવાર પૂરેપૂરા પત્નીના હાથમાં પડ્યા.


Rate this content
Log in