ઝેરીલું ઋણ
ઝેરીલું ઋણ
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમા આવેલ "તક્ષશિલા" હવેલી આગળ આજે સવારથી હકડેઠઠ ભીડ જામી હતી. પોલીસની બે ત્રણ વાન, એમ્બ્યુલન્સ અને નામી અખબારના પત્રકારો પણ પોતાનો કેમેરો લઈ ને ઊભા હતા. જે લોકો બંગલા આગળ નહોતા ઊભા તે લોકો પોતપોતાના મકાનની અગાશીમાં ઊભા રહીને આ ઘટનાનું અવલોકન કરી રહ્યા હતા. વાત જાણે એમ હતી કે "તક્ષશિલા" હવેલીમાં રહેતા કુંદનલાલ શર્મા, જે ખૂબ જ નામી ઉધોગપતિ હતા, અને મારવાડી સમાજમાં પણ સારી એવી શાખ ધરાવતા હતા તે આજે તેમની હવેલીના શયનખંડમાં મૃતપાય અવસ્થામાં મળી આવ્યા હતા. લોકોની ભીડ જામી રહી હતી. તેમના ઉદ્યોગ વર્તુળમાં પણ આ વાત વાયુવેગે પ્રસરી ચૂકી હતી. કોઈ માની નહોતું શકતું કે કુંદનલાલ શર્મા હવે તેમની વચ્ચે નથી રહ્યા. શોક ની કાલિમા પથરાઈ ગઈ હતી. ભીડમાં લોકો અંદર અંદર ગણગણાટ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના પી. આઈ. શેખર કુમાવત તેમની પોલીસ ટુકડી સાથે કુંદનલાલના શયનખંડમાં પહોંચી ચૂકી હતી. કુંદનલાલ શર્માનો મૃતદેહ તેમના મહાકાય પલંગ ઉપર પડ્યો હતો. તેમના મોઢાંમાંથી સફેદ ફીણ નીકળી નેથીજી ચૂક્યું હતું....છત તરફ જડેલી તેમની નિશ્ચેતન આંખો તે વાતની ચાડી ખાઈ રહી હતી કે મૃત્યુ વેળા એ કુંદનલાલ ખૂબ જ પીડાજનક સ્થિતિમાંથી પસાર થયા હશે. ઈન્સ્પેક્ટર શેખર ત્યાંની વસ્તુઓ ઉપર ઝીણવટ પૂર્વક નજર નાખી રહ્યા હતા. પોલીસની એક ટુકડી ત્યાં રાખેલી વસ્તુઓ જેવી કે કાચનો ગ્લાસ, તેમના ચશ્મા, તેમની દવાઓ, તેમનો મોબાઈલ, તથા ત્યાં પડેલ દરેક નાની વસ્તુઓ ને ઝીણવટથી અલગ અલગ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી રહ્યા હતા. ઓરડા ના એક ખૂણે કુંદનલાલ ની એક ની એક દીકરી કિયારા હૈયાફાટ આક્રંદ કરી રહી હતી. બીજી બધી સ્ત્રીઓ તેને સાંત્વના આપવાની નિરર્થક કોશિશ કરી રહી હતી. કિયારાની એક પાંચ વર્ષ ની દીકરી પણ હતી જે ત્યાં અબૂધ અવસ્થામાં બેઠી હતી. શું થઈ રહ્યું હતું તેની તેને કોઈ સમજણ જ નહોતી. કુંદનલાલ આમ તો આ વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષથી જ રહેવા આવ્યા હતા. પરંતુ તેમની ધંધાકીય શાખ ને કારણે તે આ વિસ્તારમાં એક પ્રખ્યાત વ્યક્તિ હતા. કુંદનલાલના મૃતદેહ નજીક એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જે ખૂબ જ અસ્પષ્ટ અક્ષરોમાં લખેલી એ ચિઠ્ઠી ઉપરથી સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે કુંદનલાલ એ સ્વયં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઓરડાની અંદર પોલીસ ટુકડી એ લાલ રંગની પટ્ટીની આડશ ઊભી કરી દીધી હતી જેથી કોઈ પણ વ્યક્તિ તે પલંગની નજીક ના જઈ શકે. તસ્વિરકાર ત્યાંની તસ્વીર લઈ રહ્યા હતા. આત્મહત્યા હતી એટલે પોલીસ કેસ તો હતો જ તદુપરાંત કુંદનલાલ શર્મા જેવા ઉધોગપતિ નું મૃત્યુ થયું હતું એટલે હાઈ પ્રોફાઈલ કેસ થઈ ગયો હતો. મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાની તૈયારીઓ થઈ ચૂકી હતી, અને આ તરફ ઈન્સ્પેક્ટર શેખર કિયારા તરફ વળ્યા અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી.
ઈ. શેખર: કિયારા બેન, સૌ પ્રથમ તો ખૂબ જ દુઃખ ની લાગણી થઈ રહી છે. પણ અમારે પણ અમારી ફરજ નિભાવવી પડતી હોય છે, તો મારા અમુક સવાલો ના જવાબ શાંતિથી આપશો.....તમને ક્યારે આ ઘટનાની જાણ થઈ ?
કિયારા: (ડૂસકાં સાથે, અને મહામહેનતે) હું....હું સવારે ૭ વાગ્યે ઊઠી અને જોયું તો પપ્પા ના ઓરડાનો દરવાજો વાસેલો હતો. મને થોડી નવાઈ લાગી કારણ કે પપ્પા ને વર્ષો જૂનો નિયમ છે કે તે સવારે ૬ વાગ્યે ઊઠી ને મોર્નિંગ વોક લેવા જતા હોય છે એટલે તેમના ઓરડાનો દરવાજો ઉઘડેલો જ હોય છે....(આંખો ચોળતા ચોળતા) મને થયું કે કદાચ આજે નહીં ગયા હોય એટલે હું રસોડામાં આવી.....બે દિવસથી અમારા ઘરના નોકર ઈશ્વર કાકા તેમને ગામ ગયા છે એટલે મારે જ ચા બનાવવાની હતી. મને થયું કે પપ્પા હમણાં ઉઠશે તો તે પહેલાં ચા બનાવી લઉં......(થોડો શ્વાસ લઈ ને બાજુ ના ટેબલ ઉપર પડેલ પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભરીને), અડધો કલાક થયો તો પણ ઓરડાનો દરવાજો ના ઉઘડ્યો એટલે મને થોડી આશંકા થઈ કે પપ્પાની તબિયત તો સારી છે ને, એવું વિચારી ને હું દરવાજા આગળ આવી ને દરવાજો ખટખટાવ્યૉ, પણ અંદરથી કોઈ પ્રતિભાવ ના આવ્યો એટલે મારી શંકા થોડી વધુ પ્રબળ થઈ.....મને કશુંક અજુગતું થયું હોય એવું લાગ્યું.....એટલે મેં અમારા ચોકીદાર ને બૂમ પાડી અને દરવાજો ખોલવામાં મદદ કરવા માટે કહ્યું.....ચોકીદાર આવ્યો અને મહામહેનતે બારણું ઉઘાડ્યું તો.....(અને મોઢે હાથ દબાવી ને ડૂસકાં ને રોકવાની કોશિશ કરતાં), પપ્પા ને આ અવસ્થામાં જોયા.....(અને તે ફરી પાછી આક્રંદ કરવા લાગી)
ઈ. શેખર: છેલ્લા એક અઠવાડિયામાં તમને તેમની કોઈ વર્તણૂકમાં ફેરફાર કે તેમની એવી કોઈ વાત કે તેમને કોઈનો ફોન આવ્યો હોય જેનાથી તે પોતે અસ્વસ્થ થઈ ગયા હોય.....એવું કશું યાદ છે તેમને ? જુઓ કિયારા બેન, આપની નાની જાણકારી પણ ઘણી ઉપયોગી થઈ પડશે એ જાણવા માટે કે આત્મહત્યાનું સાચું કારણ શું હતું ? જે થવાનું હતું એ તો થઈ ચૂક્યું છે જે હવે આપ બદલી નહીં શકો....તો તમને જે યાદ હોય તે સવિસ્તાર પૂર્વક જણાવો.
કિયારા: ઈન્સ્પેક્ટર સાહેબ, ગઈકાલે રાત્રે ૯ વાગ્યે અમે જમી લીધું હતું, ત્યારે તો રાબેતા મુજબની વાતો થઈ હતી....એવો કોઈ તણાવ પણ નહોતો દેખાતો તેમના ચહેરા ઉપર....મારી દીકરી ચાર્મી સાથે થોડી વાર રમ્યા પણ ખરા...(અને આંખો થોડી જીણી કરી ને કશુંક યાદ કરવાની કોશિશ મા) હા, મને એટલું યાદ છે કે ત્રણેક દિવસ પહેલાં મારા કાકાનો દીકરો અર્ણવ આવ્યો હતો, જે થોડો આવેશમાં પણ હતો, અને....
ઈ. શેખર: (અધવચ્ચેથી કિયારા ને અટકાવી ને) કુંદનલાલ શર્માના ભાઈનો દીકરો ? શું તેમને આ ઘટનાની જાણ નથી કરી ?
કિયારા: હા, મારા સગા કાકાનો દીકરો અર્ણવ.....તેમને સવારે જ જાણ કરી દીધી છે, પણ હજી આવ્યા નથી.....કદાચ.....
ઈ. શેખર: (વાત ને અધવચ્ચેથી કાપતાં) એ તમારો અંગત પ્રશ્ન છે, મારી ફરજમાં આવે છે કે આ ઘટના ને લગતી પૂછપરછ કરવી, અને....
કિયારા: (તરત જ પોતાનો હાથ ઊંચો કરી ને) સાહેબ, હું તમને એજ કહેવા જતી હતી કે અર્ણવ જ્યારે આવ્યો ત્યારે પપ્પાના ઓરડામાં કંઈક મોટે અવાજે વાતો થઈ રહી હતી....અર્ણવ અને પપ્પા, બન્ને જણા જોર જોરથી વાતો કરી રહ્યા હતા, મને લાગ્યું કે કદાચ કોઈક વાતે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે...!
કિયારા એ પોતાની વાત પૂર્ણ કરી. ઈ. શેખર કોઈક વિચારમાં પડી ગયા અને પછી કોઈક વાતનો તાળો મળ્યો હોય તેમ સહસા જ પૂછી લીધું.
ઈ. શેખર: મને એક વાત કહો કે શું આપના પપ્પા અને તેમના ભાઈ કે અર્ણવ સાથે કોઈ ધંધાકીય સંબંધો હતા ?
કિયારા: હા.....તેઓ ધંધામાં ભાગીદાર હતા, પણ અત્યાર સુધી એવું કઈં થયું નહોતું જેમ કે ઝગડો કે બોલાચાલી.....પણ જે હોય તે, આજે મારા પપ્પા.......(અને ફરી પાછું જોરથી ડૂસકું મૂકાઈ ગયું, અને થોડી સ્વસ્થ થઈ ને) હું હજી પણ માની નથી શકતી કે પપ્પા આવું કોઈ પગલું ભરે....તે ઘણા જ હિંમતવાળા હતા....ખબર નહીં શું થયું હશે ?
ઈ. શેખર: કિયારા બેન, શું એક અંગત પ્રશ્ન પૂછું ? આ આપની દીકરી છે તો આપના પતિ કેમ દેખાતા નથી ?
કિયારા: (એક ઊંડા નિશ્વાસ સાથે) તે હવે જીવિત નથી, એટલે જ હું પપ્પા સાથે રહેતી હતી. મારા મમ્મીને ગુજરી ગયા ૨૦ વર્ષ થઈ ગયા ત્યારથી પપ્પા એકલા જ હતા. મારા પતિનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.....(આંખમાં અશ્રુઓની ઝાલર બાજી ગઈ હતી)
આ તરફ કુંદનલાલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ક્યારનો લઈ ગયા હતા....હવેલીમાં સગા વહાલા આવવાના શરૂ થઈ ગયા હતા. જે લોકો આવતા હતા તે કિયારા ને સધિયારો આપી રહ્યા હતા. લોકો ના માનવામાં નહોતું આવતું કે કુંદનલાલ આવું પગલું કેવી રીતે ભરી શકે. કિયારાનું હૈયાફાટ રુદન ત્યાં હાજર દરેક લોકોની આંખમાં આંસુનો પગરવ કરી ગયું હતું. કિયારા આજે સાવ અનાથ થઈ ચૂકી હતી. તેની અબૂધ બાળકી ને આ સઘળી ઘટના ની કોઈ સમજ નહોતી પડતી એટલે તે પણ આ બધો તમાશો તેની નિર્દોષ આંખે નિહાળી રહી હતી. બપોર સુધી કુંદનલાલનો મૃતદેહ પરત ઘરે આવી ચુક્યો હતો. અંતિમયાત્રાની સર્વ તૈયારીઓ થઈ ચૂકી હતી. કિયારા આજે કોઈનાથી રોકી નહોતી રોકાતી. ત્યાં હાજર સ્ત્રી વર્ગ અંદર અંદર વાતો કરતા હતા કે ઈશ્વર એ સૌ પ્રથમ તેની માતા, બાદમાં તેનો પતિ અને આજે તેનો એકનો એક સહારો, તેના પિતા પણ છીનવી લીધા. અને જ્યારે કુંદનલાલની નનામી ઊઠી ત્યારે તો જે કરુણ દૃશ્ય હતું તેનાથી દરેક જણ હૃદયથી હચમચી ગયા હતા. ખેર....સાંજ પડી અને "તક્ષશિલા" હવેલી આજથી ભેંકાર ભાસવા લાગી હતી. અંધકારનો ઓળો રસ્તા ઉપર અને તે હવેલી ઉપર પડી ચૂક્યો હતો. અમુક કલાકોમાં પ્રભાતના કિરણો તો ફરી પાછા તેના પ્રકાશ પુંજથી ધરતી ઉપર બિરાજશે, પરંતુ "તક્ષશિલા" હવેલી હંમેશ ને માટે અંધકારના ઓળા હેઠળ ગરકાવ થઈ ચૂકી હતી.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ના એક નાના ઓરડામાં ઈ. શેખર તેની રિવોલવિંગ ખુરશીમાં બેસીને ખુરશીની સાથોસાથ ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા. છત ઉપરનો ધીમી ગતી એ ફરતો પંખો વાતાવરણની નિસ્તભ્ધતામાં ઓર વધારો કરી રહ્યો હતો. મોઢાંમાં ઢાંકણા વગરની પેન રાખી ને છત તરફ જોઈ રહેલા ઈ. શેખર ના મગજમાં કંઈક બીજા જ વિચારો ચાલી રહ્યા હતા. ત્યાંજ તેમના વિચારોની હેલી ને રોક આપી તેની ટુકડી ના હવાલદાર પાટીલ એ..
હ. પાટીલ: સાહેબ, શું વિચારમાં છો ? રાત્રી ના ૧૨ વાગ્યા છે અને તમે હજી અહીં જ છો....ચા માટે કહી દઉં ? (પાટીલ આજ્ઞાની રાહ જોતી મુદ્રામાં)
ઈ. શેખર: અરે હા, પાટીલ....ચા કહી દો ને અને તમારા લોકોની પણ કહી દેજો...(એક ઊંડો શ્વાસ લીધો ઈ. શેખર એ)....પાટીલ, પેલી ફાઈલ આપો ને....કુંદનલાલ શર્મા આત્મહત્યા કેસની.....મારે જોવી છે, એક વાર જોઈ લઉં પછી ઘરે જાઉં..
હ. પાટીલ: (એક સમજાવટ ભરી નજરથી) સાહેબ, હવે એ કેસમાં શું બાકી રહ્યું છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આવી જ ગયો છે ને....આપે આ ફાઈલ નહીં નહીં તો પણ ત્રણેક વખત મંગાવી હશે.
ઈ. શેખર: (છત તરફ નજર રાખી ને એકદમ નમ્રતાથી) પાટીલ, તમારી વાત સાચી, પણ ખબર નહીં કેમ પણ મારું મન નથી માનતું કે આવું કંઈક થયું હોવું જોઈએ. તમે સમજો, પાટીલ....કુંદનલાલ જમાના ના ખાધેલ અને એક ધંધાદારી વ્યક્તિ હતા.....એક સફળ ઉધોગપતિ પણ હતા અને તે આવું પગલું ભરે ? તમારો અનુભવ શું કહે છે ?
હવાલદાર પાટીલ ની ઉંમર સહેજે ૫૫ ની આસપાસ હશે અને તે નિવૃત્તિ ના આરે પણ હતા તેથી પોલીસ વર્તુળમાં પણ તેને લોકો આદરથી જોતા હતા. ઈ. શેખર તેનાથી લગભગ ૨૦ વર્ષ નાના હશે એટલે તે પણ તેને આદરપૂર્વક જોતા હતા, અને એટલે જ હવાલદાર પાટીલ ના પૂછાયેલ સવાલ ઉપર તેમણે ખૂબ જ સરળતા અને સભ્યતાથી પોતાની પ્રતિક્રિયા આપી.
હ. પાટીલ: સાહેબ, ઘટનાના દિવસે આપણે તેમની હવેલી એ ગયા ત્યારે મને તો ત્યાં કઈં ઊડીને આંખે વળગે એવું લાગ્યું નહોતું. મારી પણ આંખો આ બધી ઘટનાઓની અનુભવી છે....એટલે કહું છું, પરંતુ આપને કેમ એવું લાગી રહ્યું છે ?
ઈ. શેખર: (તેની પારદર્શક આંખો ને ઝીણી કરી ને કોઈ વાતનો તાગ મેળવવો હોય તે રીતે) પાટીલ, આપણે એક વાર કિયારા બેનના કાકાનો દીકરો અર્ણવ સાથે વાત કરવી પડશે. હજી તો આપણે આ કિસ્સાની એક જ બાજુ જોઈ છે.
હ. પાટીલ: (આજ્ઞા નું સમર્થન કરતી મુદ્રા મા) ભલે સાહેબ, કાલે સવારે જ સંદેશો મોકલી દઉં છું..!
ઈ. શેખર એ તેમને ત્યાંથી જવાનો ઈશારો કર્યો અને ટેબલ ઉપર કાચ ના ગ્લાસ ને ગરમ કરી રહેલી ચા ને ન્યાય આપી ને પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા. જીપ તૈયાર જ ઊભી હતી. આગળ ની સીટ ઉપર બેસતાં પહેલાં રાત્રીમાં હાજર રહેલ પોલીસકર્મીઓને જરૂરી સૂચનાઓ આપી ને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.
બીજા દિવસ ની સવાર ના બરાબર ૧૦ ના ટકોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં સફેદ રંગની ચકચકીત મર્સિડિઝ ગાડી ઊભી રહી અને તેમાંથી અર્ણવ શર્મા ઉતર્યા. ત્યાં હાજર રહેલ પોલીસકર્મી સીધો જ તેમને ઈન્સ્પેક્ટર શેખર ના ઓરડામાં દોરી ગયો. ઈ. શેખર એ તેમને પોતાની સમક્ષ રાખેલી ખુરશી ઉપર બેસવાનો નિર્દેશ કર્યો.
ઈ. શેખર: આવો મી. અર્ણવ, માફ કરશો તમને તાત્કાલિક બોલાવવા પડ્યા છે, પરંતુ અમુક સવાલો ના જવાબ તમે જ આપી શકશો એટલે તમને બોલાવ્યા છે....
અર્ણવ: ઈન્સ્પેક્ટર સાહેબ, જ્યાં સુધી મારી યાદશક્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી મને યાદ છે કે કાકાનો કેસ તો આત્મહત્યાનો હતો.....તો હવે આ પૂછપરછ કેમ ?
અર્ણવ એ થોડો અણગમો વ્યક્ત કર્યો, પરંતુ તે ભૂલી ગયો હતો કે પોલીસ સ્ટેશનમાં ગમા કે અણગમાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો જ્યારે પોલીસ કોઈ કેસ ઉપર કામ કરતી હોય છે.....અર્ણવ થોડો ઉતાવળમાં હોય એમ લાગ્યું ઈ. શેખર ને, પરંતુ તેની ઉતાવળ કે અણગમા ને નજર અંદાજ કરીને લાગલો જ પ્રશ્ન કર્યો.
ઈ. શેખર: મી. અર્ણવ, આપના અને કુંદનલાલ ના ધંધાકીય સંબંધો કેવા હતા ? મને જણાવવામાં આવ્યું છે કે ત્રણ - ચાર દિવસ પહેલાં તમે "તક્ષશિલા" હવેલી એ ગયા હતા અને ત્યાં કોઈક બાબત ઉપર ગરમ ચર્ચા પણ થઈ હતી.....તો એ શેને લગતી હતી ?
અર્ણવ: (આંખો થોડી વધુ પહોળી કરી ને) ઈન્સ્પેક્ટર સાહેબ, ધંધા બાબત એક જાણકારી આપવાની હતી અને અમુક તેને લગતી ચર્ચા કરવાની હતી..... બસ....એટલા માટે જ ગયો હતો. રહી વાત ગરમ ચર્ચાની, તો એમાં એવું છે સાહેબ કે મોટો ધંધો લઈ ને બેઠા હોઈએ તો કોઈક વાર અવાજ ઊંચો નીચો પણ થાય, એમાં કોઈ નવાઈ નથી....આવું તો અનેક વાર થયું છે, બાકી એક કાકા તરીકે તેમને હું પિતાતુલ્ય ગણતો હતો.
ઈ. શેખર: મી. અર્ણવ, આપની વાત સમજી શકું છું.....પરંતુ એવું છે ને કે આપનું કુટુંબ નામી કુટુંબ છે એટલે નાની બાબત પણ મોટી જ થઈ જતી હોય છે, અને અમે રહ્યા પોલીસ વાળા.....એટલે સ્વાભાવિક છે કે અમુક કિસ્સા ઓમાં પૂછપરછ કરવી જ પડે....પણ ભવિષ્યમાં જો કોઈ બાબતની જાણકારી જોઈતી હશે તો........(થોડું અટકી ને અને આંખોની ભ્રમરને સૂચક રીતે ઊંચી કરી ને) આપે ફરી પાછી તકલીફ લેવી પડશે......અત્યારે તો આટલું જ....આપ જઈ શકો છો (અને નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને) આભાર આપનો...!
અર્ણવ પણ ઉતાવળમાં જ હતો એટલે આ ઔપચારિકતા પૂર્ણ કરી ને સડસડાટ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. ઈન્સ્પેક્ટર શેખર ફરી પાછો વિચાર ના વમળમાં ગરકાવ થઈ ગયો....તેના ટેબલ ઉપર પેન ધીરે ધીરે ઠોકી ને કોઈક તારણ ઉપર આવવાની કોશિશ કરી રહ્યો હતો.....અને ત્યાં જ,
ઈ. શેખર: અરે પાટીલ, જરા અંદર આવો જલ્દી....!
હવાલદાર પાટીલ ત્વરિત ગતિ એ અંદર આવી ગયા અને આગલા નિર્દેશની રાહમાં પોતાની આંખો ઈ. શેખર તરફ ટેકવી રાખી.
ઈ. શેખર: પાટીલ, જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે આપણે કુંદનલાલના શયનખંડમાંથી અમુક વસ્તુઓ લીધી છે. તે જરા લઈ આવો ને.......(હ. પાટીલ તરફ સૂચક નજર કરી ને)
હ. પાટીલ: સાહેબ, શું હું પૂછી શકું કે તે વસ્તુઓની અત્યારે કેમ જરૂર પડી ? હવે શું ઉપયોગમાં આવશે એ ચીજ વસ્તુઓ ? (હ. પાટીલ આશ્ચર્યચકિત આંખોથી ઈ. શેખર સમક્ષ જોઈ રહ્યા)
ઈ. શેખર: (થોડા ઊંચા અવાજ સાથે) પાટીલ, અત્યારે કોઈ સવાલ જવાબ નહીં.....મેં જે માગ્યું છે તે લઈ ને ઝટ આવો....!
પાટીલ પણ કોઈ વધુ દલીલ નહીં કરતાં અંદર ના ઓરડામાં જઈ ને તરત હાથમાં અમુક કોથળીઓ સાથે પરત આવી ગયા, અને ઈન્સ્પેક્ટર શેખર સમક્ષ ટેબલ ઉપર મૂકી દીધી.....ઈન્સ્પેક્ટર શેખર એક પછી એક કોથળી જોવા લાગ્યા અને ત્યાં ઊડીને આંખે વળગે એવી એક કોથળી ઉપર નજર પડી.....તેમાં આશરે ૧૫ - ૨૦ દાંત ખોતરણીઓ હતી. તેમણે તે બધી ખોતરણીઓ બહાર કાઢી અને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યા. તેમણે જોયું કે ૫ - ૬ ખોતરણીઓ એવી હતી જેનો રંગ બીજી બધી કરતાં અલગ હતો. ઈ. શેખર એ એક ખોતરણી હાથમાં લીધી અને થોડી વધુ નજીકથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યા, પણ ત્યાં તો કોઈ તીવ્ર વાસ તેમને તે ખોતરણીમાંથી આવી.... તેમણે તરત જ પાછી મૂકી દીધી. તેમણે બીજી ખોતરણી ઉપાડી ને નાકની નજીક લીધી તો તેમાંથી પણ તેવી જ તીવ્ર વાસ આવી રહી હતી...અને તેના પોલીસ દિમાગમાં એક ઝબકારો થયો. તેમણે તરત જ પાટીલ ને બૂમ પાડી.....
ઈ. શેખર: પાટીલ.....જલ્દી અંદર આવો.....
અવાજ સાંભળી ને હવાલદાર પાટીલ સહસા જ અંદર આવી ગયા....
હ. પાટીલ: શું થયું સાહેબ ? બધું બરાબર તો છે ને ? (એક આશંકા ભરી દૃષ્ટિથી ઈ. શેખર સમક્ષ જોઈ રહ્યા)
ઈ. શેખર: (પોતાનું માથું હળવેથી ઊંચું કરી ને દરવાજા તરફ જોતાં જોતાં) પાટીલ, બરાબર નથી લાગતું....કાલે સવારે એક કામ કરજો....આ દાંત ખોતરણી ને ફોરેન્સિક લેબમાં મોકલાવી દેજો અને તાકીદ કરજો કે તેનો રિપોર્ટ તરત જ આપે.....અને હા....આ વાત આ ઓરડા ની બહાર ના જવી જોઈએ....બાકીની વાત કાલે..!
આટલું કહી ને ઈન્સ્પેક્ટર શેખર સડસડાટ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ને જીપમાં બેસી ને રવાના થઈ ગયા....આ બાજુ હવાલદાર પાટીલ કોઈક આશંકા ભરી દૃષ્ટિથી દરવાજા તરફ નજર માંડી ને જોઈ રહ્યા હતા....કંઈક તો નવાજૂની નક્કી છે.....આજે ઈન્સ્પેક્ટર શેખર ના ઓરડાનો પંખો પણ એક ગતિ પકડી ને ફરી રહ્યો હતો.
બીજા દિવસની સવાર અને પછી બપોર સુધીમાં તો ફોરેન્સિક લેબમાંથી રિપોર્ટ આવી ચૂક્યો હતો.....રિપોર્ટ ઈન્સ્પેક્ટર શેખરના હાથમાં હતો...પંખાની હવાથી તે રિપોર્ટ ફરફરી રહ્યો હતો.....ઈન્સ્પેક્ટર શેખરનો ચહેરો એકદમ તંગ મુદ્રામાં હતો.....આંખો વિસ્ફારિત થઈ ચૂકી હતી. રિપોર્ટ દર્શાવી રહ્યો હતો કે જે ખોતરણી પરીક્ષણ માટે મોકલી હતી તેના ઉપર ઉંદર મારવાની દવા લગાવેલી હતી..... તેમણે પાટીલ ને બૂમ પાડી ને અંદર બોલાવ્યા.
ઈ. શેખર: પાટીલ, આપણે "તક્ષશિલા" હવેલી એ જવું પડશે...અમુક જાણકારી લેવાની છે.....ચાલો...!
હવાલદાર પાટીલ પણ આજ્ઞાની રાહ જ જોતા હતા.....તરત જ જીપમાં બેસી ને હવેલી તરફ રવાના થઈ ગયા.
"તક્ષશિલા" હવેલી ના બેઠક ખંડ ના એક સોફા ઉપર ઈ. શેખર અને હ. પાટીલ બેઠા હતા, જ્યારે તેમની સામેની બાજુના સોફા ઉપર કિયારા તેની બાળકી સાથે બેઠી હતી.
કિયારા: ઈન્સ્પેક્ટર સાહેબ, કેમ આવવું થયું ? બધું ઠીક તો છે ને ? (થોડી આશંકા સાથે)
ઈ. શેખર: (એકદમ તોળી ને) કિયારા બેન, થોડી વધુ જાણકારી જોઈતી હતી એટલે આવવું પડ્યું, માફ કરશો, તમને તાકીદ નહોતી કરી, પણ વાત જ એવી હતી એટલે......મને એક વાત કહો કે સ્વ. કુંદનલાલ ને કોઈ ટેવ ખરી જેની તમને જ જાણ હોય..
કિયારા: (થોડો વિચાર કરી ને) એવી તો કોઈ ટેવ પપ્પા ને નહોતી, પણ હા, તેમને દાંત ખોતરવાની એક નજીવી કહેવાય એવી ટેવ હતી.....બાકી તો એવું કશું નહોતું.....પણ ઈન્સ્પેક્ટર સાહેબ, આ પ્રશ્નનો શું મતલબ છે ?
અને હવે વારો હતો ઈન્સ્પેક્ટર શેખરનો......તેઓ પોતાની જગ્યા ઉપરથી ઊભા થયા અને....
ઈ. શેખર: પાટીલ, પોલીસ સ્ટેશન ફોન કરીને તરત જ મહિલા કોન્સ્ટેબલને તાકીદે બોલાવો.... આપણે કિયારા બેનને આ કિસ્સાને લગતી વધુ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવા પડશે.....
હવાલદાર પાટીલ તો આભા જ થઈ ગયા....શું થઈ રહ્યું હતું તેની તેમને કોઈ ગડ જ નહોતી બેસતી.... તેમણે તરત જ ફોન કરી ને મહિલા કોન્સ્ટેબલ ને "તક્ષશિલા" હવેલી એ બોલાવી લીધા. થોડીવારમાં પોલીસની વાન આવી અને કિયારાને વાનમાં બેસાડી દીધી. કિયારા એ થોડો પ્રતિકાર કરવાની કોશિશ કરી પરંતુ નિરર્થક......આજુબાજુ ના બંગલાઓમાંથી પણ લોકો કુતૂહલવશ આ આખો તમાશો નિહાળી રહ્યા હતા. થોડી જ વારમાં આંખો કાફલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો.
ઈન્સ્પેક્ટર શેખર ના ઓરડામાં કિયારા અને તેની સામે ઈન્સ્પેક્ટર બેઠા હતા. કિયારાની બાજુમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ બેઠી હતી.
ઈ. શેખર: કિયારા બેન, જરા પણ વખત બગાડ્યા વગર સાચે સાચું કહી દો કે તમારા પપ્પાની હત્યા શું કામ કરી ?
ઈન્સ્પેક્ટર શેખરનો આ પ્રશ્ન એક હજાર મણ ના હથોડા જેવો હતો. ત્યાં હાજર હવાલદાર પાટીલ અને મહિલા કોન્સ્ટેબલ તો સમજી જ ના શક્યા કે ઈન્સ્પેક્ટર સાહેબ શું બોલી રહ્યા છે....તેમના મોઢાં અવાચક્તાની હદ પાર કરી ગયા હતા......સર્વત્ર સૂનકાર.....એક છત ઉપરનો પંખો તેની અવાચક્તાની સાક્ષી પૂરતો હોય તેમ ખડ.....ખડ.....ખડ.....અવાજ કરી રહ્યો હતો.
કિયારા: (એકદમ ગભરાટભર્યા સ્વરે) ઈન્સ્પેક્ટર સાહેબ...... આ... આ....આપ શું બોલી રહ્યા છો ? હું.. હું તેમની દીકરી છું.....શું કોઈ દીકરી તેના બાપની હત્યા કરી શકે ? તમે તમારો અને મારો....બન્નેનો વખત બગાડી રહ્યા છો....મને જવા દો....(કિયારા એ ઊભા થવાની ચેષ્ટા કરી, પણ મહિલા કોન્સ્ટેબલ એ તેને બળજબરીથી બેસાડી દીધી)
ઈ. શેખર: કિયારા બેન....(બેસવાનો ઈશારો કરતાં) ઉતાવળ નહીં કરો....હજી તો ઘણું બાકી છે....સાંભળો આખો ઘટનાક્રમ હવે.....કિયારા બેન, એક આપ જ સ્વ. કુંદનલાલની આ નજીવી ટેવ વિશે જાણતા હતા....ઘટના ને દિવસે તમારા ઘરના નોકરને પણ રજા આપી દીધી હતી.....એટલે કોઈ ને શંકા ના આવે. તેમની દાંત ખોતરણીની જુડીમાંથી અમુક ને ઝેરમાં ઝબોળીને મૂકી દીધી......તમને ખબર હતી કે જમ્યા પછી કુંદનલાલ દાંત ખોતરતા હોય છે અને થયું પણ એવું જ....કુંદનલાલ એ દાંત ખોતરવા માટે એક ખોતરણી કાઢી ને પોતાના દાંતમાં ભરાવી અને તેના ઉપર લાગેલું ઝેર ધીરે ધીરે તેમના શરીરમાં પ્રસરવા લાગ્યું અને સવાર પડતાં પડતાં.....કુંદનલાલ (ઈન્સ્પેક્ટર શેખર એ આભ તરફ આંગળીનો ઈશારો કરીને), સમજી ગયા ? અને તેમની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો તમે......બોલો કિયારા બેન, કંઈ કહેવું છે તમારે ? તમારી પાસે હવે તમારો ગુનો કબૂલવા સીવાય બીજો કોઈ વિકલ્પ નથી. બોલો કિયારા બેન બોલો...જલ્દી બોલો....વખત તમારી પાસે પણ નથી અને મારી પાસે પણ નથી (ઈન્સ્પેક્ટર શેખર હવે જોરથી તાડુક્યો)...બોલો.......(ત્રાડ પાડી ઉઠ્યો ઈન્સ્પેક્ટર શેખર)
કિયારા: (જોરથી રડતાં રડતાં અને ટેબલ ઉપર હાથ પછાડી ને) હા....હા....હા....હા..... મેં જ હત્યા કરી છે મારા પપ્પાની..... અરે પપ્પા શેના ? એ નરાધમની......હા ......હા....એક નરાધમની.....!
હવે ચમકવાનો વારો સહુનો હતો....તેમના પપ્પા ને નરાધમ શું કામ કહે છે આ કિયારા ?
ઈ. શેખર: (થોડા આશ્ચર્ય ના ભાવ સાથે) કિયારા બેન.....આ તમે શું કહો છો ? એ તો તમારા પિતા હતા.....તમારે એમની હત્યા કરવાની શું જરૂર પડી ?
કિયારા: (ડૂસકાં સાથે) એ હકીકતમાં નરાધમ જ હતો.....સમાજની દૃષ્ટિ એ તે મારો બાપ જરૂર હતો, પણ તેને બાપ કહેતાં પણ મને શરમ આવે છે.....તે નરાધમ એ મને કોઈ દિવસ તેની દીકરી ગણી જ નહોતી.... મેં તમને અસત્ય જ કહ્યું હતું કે મારા પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.....પરંતુ હકીકત તો એ છે કે હું અપરિણીત છું.
ઈ. શેખર: (થોડા ત્રસ્ત ભાવ સાથે) શું કહ્યું તમે ? તમે અપરિણીત છો ? તો...તો....પછી પેલી બાળકી, જેને તમે તમારી દીકરી કહો છો તે કોણ છે ?
કિયારા: (પોતાની આંખો લૂછતાં લૂછતાં) સાહેબ, તે મારી જ દીકરી છે પરંતુ તેમાં બીજા કોઈનો નહીં પણ એ નરાધમનો જ હાથ છે....(જોર જોરથી રડી ને).....મારી દીકરીમાં પેલા નરાધમનું જ લોહી છે......મારી મા ના ગુજરી ગયા પછી મારા જ બાપે મારી ઉપર તેની ગંદી નજર ઠેરવી હતી. મારું અતિશય જાતીય શોષણ થયું હતું જેના ફળસ્વરૂપે મારી દીકરીનો જન્મ થયો હતો. દુનિયાની નજરમાં એ નરાધમ એક ઉમદા વ્યક્તિ હતો પરંતુ હકીકત તેનાથી ઘણી વેગળી હતી. ઈન્સ્પેક્ટર સાહેબ, મને કોઈ જ અફસોસ નથી કે મેં મારા કહેવાતા બાપની હત્યા કરી છે. મને સજા ભોગવવાનો કોઈ જ અફસોસ નથી.....મારે ન્યાય પણ નથી જોઈતો.. મેં તો મારી અંદર વહી રહેલા તે નરાધમના લોહીરૂપી ઝેરનું ઋણ ચૂકવી દીધું છે.......મારી ધરપકડ કરી શકો છો.
પોલીસ સ્ટેશનની અંદરના ઓરડાનું વાતાવરણ અકલ્પ્ય રીતે ભારેખમ થઈ ગયું હતું. સહુ કોઈના મોઢાં ઉપર એક અજબ પ્રકારનો વિષાદ છવાયેલો હતો. ખબર નહોતી પડતી કે એક ગુનેગારને પકડવાની ખુશી હતી કે એક નરાધમના હાથે પિંખાયેલી તેની સગી દીકરીને સજા આપવાનું દુઃખ હતું..ઓરડાનો પંખો તેની સાક્ષી પૂરી રહ્યો હતો.....ખડ....ખડ......ખડ.....ખડ..