STORYMIRROR

Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

અંદાજ - એ - લગ્ન

અંદાજ - એ - લગ્ન

10 mins
498

હવે આમા લગ્નનો અંદાજ શું હોય વળી....પણ કોઈકવાર લગ્નની ગતિવિધિઓ ચાલતી હોય ત્યારે કંઇક એવું નજરે ચડી જાય કે આવા ચિત્ર વિચિત્ર શિર્ષકો આપવા પડે. લગ્નસરાની ઋતુઓ ચાલે છે, એટલે ઠેર ઠેર પાર્ટી પ્લોટો હર્યા ભર્યા લાગવાના જ. એમાં પણ પાછા વિદેશી પંખીઓ આ જ મહિના મા આવે એટલે ઘડિયાં અને હડિયા લગ્નમાં કોઈ ફરક જ ના લાગે. અને જેના લગ્ન થવાના હોય તે વાંઢો કે વાંઢી એક પાંજરામાંથી કૂદી ને બીજા પાંજરામાં કેદ થવા ઉત્સુક હોય. હવે આ લોકોને કોણ સમજાવે કે તું જ્યાં છે ત્યાંજ બરાબર છે....અને હવે તો પાછું નવું નીકળ્યું છે કે બરાબર ૧૦-૧૨ દિવસ બાકી રહ્યા હોય એટલે અચાનક તેમના મા ઉત્સુકતા અને અધીરાઈ નો અતિરેક થવા માંડે, એટલે મુખ - પુસ્તક (ફેસબૂક) ઉપર ત્રાસ ફેલાવા માંડે કે "10 ડેઝ ટુ ગો", "9 ડેઝ ટુ ગો"....વગેરે વગેરે. હવે આટલું અધીરાઈપણું ભણતી વખતે પરીક્ષાઓ આવતી ત્યારે પણ નહોતું બતાવ્યું...પણ લગ્નવાંછુક યુવક કે યુવતી એ ભૂલી જાય છે કે આ તો બહુ મોટી પરીક્ષા હોય છે જે લગભગ આખી જિંદગી ચાલે છે. અને હજી આનાથી અટકતા હોય તો બરાબર છે, પણ પછી લગ્ન પહેલાનું ફોટો શૂટ કરાવવા માટે વ્યાવસાયિક ફોટોગ્રાફરને રોકવાનો. પેલો પૈસા ખંખેરવા માટે જાતજાતના સ્થળો નક્કી કરે, તે ફોટો શૂટ ને લગતા કપડાં, જૂતા, મેકઅપ વગેરે વગેરે તો કરાવવું જ પડે. એક બીજાની પાછળ દોડતા ફોટા, સાઇકલ ચલાવતા ફોટા, મોતિયો ઉતરાવ્યા પછી જેવા કાળા ચશ્મા પહેરવા પડે એવા ચશ્મા પહેરી ને, છોકરો પોતે કમરે થી વળી ને છોકરીનો એક હાથ પોતાના હાથમાં અને છોકરીનો ખભો બીજા હાથ ઉપર ટેકવી ને ફોટો પડાવવા નો અને એમાં જો છોકરીનું વજન ૭૫-૮૦ કિલો હોય તો છોકરા ને આજીવન હાથ અને કમર રહી ગયા ના દાખલા પણ છે (દાખલા વિશે બહુ પૂછપરછ કરવી નહીં). મારા લગ્ન થયાં ત્યારે આવી કોઈ ભાંજગડ હતી નહીં એટલે મારો ખભો અને હાથ હજી પણ સુરક્ષિત છે......ખેર, મૂળ મુદ્દા ઉપર આવી જાઉં...!

મારા નજીક ના સગા ને ત્યાં લગ્નમાં રાજકોટ જવાનું થયું. એટલે હું અને મારા પત્ની લગ્ન ને આગલે દિવસે રાજકોટ પહોંચી ગયા હતા. અમે મોસાળ પક્ષ તરફથી ગયા હતા એટલે જેવા ઉતારે પહોંચ્યા કે ત્યાં હાજર રહેલ હરખપદુડી મહિલાઓ મોટે મોટેથી રાગડા તાણવા લાગી "અમ્ ઘેર મોસાળીયા ભલે પધાર્યા....ફલાણા બેન ના"...હવે આમા અમને એ ખબર ના પડી કે તે મહિલાઓ અમને આવકાર આપતી હતી કે ખખડાવતી હતી....આઘાતજનક મુખમુદ્રા સાથે હું અને મારા શ્રીમતીજી આ બધો ખેલ જોઈ રહ્યા. માંડ માંડ પેલી મહિલાઓ ટાઢી પડી અને અમે પણ એ ક્ષણિક આઘાત મા થી બહાર આવ્યા.....કેમ છો કેમ નહીં નો તોપમારો ચાલ્યો. આ બધા ગોળાઓ ઝીલતા ઝીલતા લગભગ કલાક નીકળી ગયો. જે કન્યાના લગ્ન હતા તે મારી પિતરાઈ બહેન થતી હતી. થોડા મોડી ઉંમરે લગ્ન થયાં હતાં એટલે તે સૌથી વધારે ઉત્સુક હતી, અને સ્વાભાવિક છે. બીજા બધા સગાઓ પણ મળ્યા. કુટુંબ મા પણ ઘણા વખતે પ્રસંગ આવ્યો હતો એટલે સહુ કોઈ ઉત્સાહિત હતા. ત્યાંજ મને પાછળ થી કોઈ એ જોરદાર ધબ્બો માર્યો, અને એ ધબ્બો એટલો જોરદાર હતો કે હું બે ડગલાં ઠેબે ચડી ગયો. હવે આમા દુર્ઘટના એ થઈ કે મારી સામે જ મારા શ્રીમતીજી ઊભા હતા અને જેવો ધબ્બો પડ્યો કે મારું નાક જોરથી શ્રીમતીજી ના નાક સાથે ટકરાયું. કાળો ચિત્કાર નીકળી ગયો મોઢાંમાંથી. શ્રીમતીજીના નાકનો પરચો આટલા વર્ષે પહેલી વાર થયો. આટલું પથ્થરીયું નાક પહેલી વાર જોયું મેં. ખેર.....થોડો સ્વસ્થ થયો અને પાછળ વળીને જોયું તો એક સંબંધી હતા, જે ઘણા વર્ષે મળ્યા હતા. મને ખૂબ અફસોસ થયો કે આટલા વર્ષો સુધી હું કેમ નહોતો મળ્યો ? જો નિયમિત મળતો રહેતો હોત તો આજે આ ધબ્બાનો હુમલો હું ટાળી શક્યો હોત. રાત્રિ ભોજન ને ન્યાય આપી ને બીજા સગા સંબંધીઓ સાથે હું વિવેક ખાતર બેઠો. થોડો થાકેલો હતો એટલે આંખે દોઢ કિલો રીંગણા તોળાતા હતાં. આમ તેમ ની મજાક મસ્તી થઈ રહી હતી. કન્યા સાથે અમુક લોકો કારણ વગરની અને પાયાવિહોણી મજાક કરતા હોય છે.....આવું મેં અનેક વાર ઘણા લગ્નોમાં જોયું છે. એ બધું પત્યું એટલે હું પણ ઊભો થઇ ને એમને ફાળવેલ ઓરડામા સુવા જતો રહ્યો. હવે ત્યાં બીજી ઉપાધિ રાહ જોઈ ને જ ઊભી હતી. વાત એમ હતી કે ઓરડો હતો મોટો, એટલે તેમાં લગભગ ૮-૧૦ પલંગ મૂકેલા હતા. અમુક મહેમાનો તો ક્યારના આવી ને સુઈ ગયા હતા. મારી એક તકલીફ એવી છે કે જ્યાં સુધી બરફ ના પડે ત્યાં સુધી મારે પંખો તો ફેરવો જોઈએ. હવે ઓરડો હતો મોટો અને પંખા હતા ફક્ત અને ફક્ત બે, અને તે પણ બંધ. જે મહેમાનો સૂતા હતા તે લોકો તો ગોદડા લપેટી ને એવી રીતે સૂઈ ગયા હતા જાણે બહાર માઈનસ ૨ ડિગ્રી ઠંડી હોય. મારો જે પલંગ હતો તે છેક છેવાડે હતો અને પંખા હતા વચ્ચે. તો પણ હિંમત કરી ને પંખા ની સ્વીચ તો પાડી, તો જાણે પંખાની ઊંઘમાં ખલેલ પાડી હોય અને એ કોપાયમાન થયો હોય તેમ જોર જોર થી અવાજ કરતો સીધો ૪ ઉપર ફરવા માંડ્યો, એટલે મેં તેને થોડો ધીમો કરવા માટે કોશિશ કરી તો પંખો થઈ ગયો સાવ બંધ....એટલે મેં ફરી પાછી કોશિશ કરી જોઈ પરંતુ વ્યર્થ. પંખા ની પિન એક જ ક્રમાંક ઉપર ચોંટેલી હતી. મેં ફરી પાછી સ્વીચ પાડી અને પંખો ફરી પાછો થયો કોપાયમાન....પંખા ની ઠંડી હવા અને તેના અવાજ ને કારણે એક મહેમાન જે ટૂંટિયું વાળી ને સૂતા હતા તે આંખો ચોળતા ચોળતા ઊભા થયા અને મારી સમક્ષ એવી રીતે જોયું જાણે કે હું તેમનો સગો સાળો હોઉં (આ વાક્ય વાંચી ને ગોરધન ઓ એ મન મા હસી લેવું). હું પણ બેબાકળો થઈ ગયો હતો. હવે આમા સૂવું કેમ ? જીવનની ગંભીર સમસ્યા નું નિર્માણ થઇ ચૂક્યું હતું. ત્યાંજ પવનપુત્ર હનુમાન દાદા મારી વહારે આવ્યા હોય તેમ બીજા એક મહેમાન હતા તેમણે મને કહ્યું કે બાજુના ઓરડામાં પંખો બરાબર ચાલે છે એટલે હું ત્યાં જઈ ને સુઈ ગયો. મારા શ્રીમતીજી બીજા ઓરડા મા હતા, એટલે તેમને તો કોઈ વાંધો નહોતો....ચાલો, રાત તો પૂર્ણ થઈ આમ ને આમ.

બીજે દિવસે લગ્ન હતાં એટલે થોડા વહેલા ઊઠીને પ્રાતઃ કર્મ પતાવી ને તૈયાર થઈ ગયા. જાન લગભગ ૧૧ વાગે આવવાની હતી એટલે તે પહેલાં જ બીજી બધી વિધિ પતાવી ને જાનના સ્વાગતની તૈયારીમાં લાગવાનું હતું. હું ગઈકાલથી નિરીક્ષણ કરી રહ્યો હતો કે એક ભાઈ પોતાના ખભે થેલો લટકાવી ને આમથી તેમ રઘવાયા ઢોરની માફક દોડા દોડ કરતા હતા. તેમનો ચહેરો જોઈને સ્પષ્ટ થતું હતું કે જેટલી ચિંતા કન્યાની માં કે કન્યા ને નહોતી, તેનાથી અનેક ગણી ચિંતા પેલા ભાઈ ને હતી. આમ તો અમારા ઓળખીતા જ હતા, એટલે મેં તેમને બોલાવવાની કોશિશ કરી.....તો જવાબ મા ફક્ત બે હાથ આમતેમ ફેરવી, માથું વિચિત્ર રીતે ધુણાવી ને અને ખભે લટકેલો થેલો જાણે તેમની તલવાર હોય તેમ ઉલાળી ને મને ઈશારાથી જણાવ્યું કે "હમણાં નહીં...પછી". અને હું પણ સમસમી ને ઊભો રહી ગયો. મને વિચાર આવ્યો કે ખબર નહીં પેલા થેલા મા શું હશે? થોડી વાર પછી ખબર પડી કે એ મોટા થેલા મા ફક્ત મોબાઈલ હતો....લ્યો બોલો.... ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. પણ તમે જોજો....કોઈ પણ લગ્ન મા એક તો વ્યક્તિ એવી હોય જ કે જે આખા લગ્ન નો ભાર પોતાના માથે વિના કારણે અને આમંત્રણે લઈ ને ફરતો હોય, ફુવા મોઢું ફુલાવી ને ફરતા હોય અને બનેવી ભારેખમ મુખમુદ્રા ધારણ કરી ને ફરતા હોય. ચાલો આગળ વધીએ......પહેરામણીનો પ્રસંગ આવ્યો..... ઢોલ નગારાં વગાડતા વગાડતા જાનૈયાઓ આવી પહોંચ્યા. હવે મઝાની વાત એ થઈ કે આગળ જે બધી સ્ત્રીઓ પહેરામણી ના થાળ લઈ ને આવી રહી હતી તે બધી ઓ કાળા ગોગલ્સ મા..... અરે....આનો શું મતલબ? મેં ઘણા બધા તર્ક લગાવી જોયા પણ એકેય કામે ના લાગ્યા....પહેરામણી અને કાળા ગોગલ્સ નો શો સંબંધ એ કોઈ વાંચક ને ખબર પડે તો જણાવવા નમ્ર વિનંતી. હું આ બધો તાલ જોયે રાખતો હતો. આપ લે નો પ્રસંગ પત્યો ના પત્યો ત્યાં બપોર ના જમણ નો પોકાર પડ્યો. લગ્ન આમ તો સાંજ ના હતાં, પણ જાન સવારે આવી ચૂકી હતી એટલે તેમને ભોજન આપવું પડે. હવે પંગતની પ્રથા નાબૂદ થઈ ગઈ છે એટલે બુફે (ભૂખે) જમણ હતું, પણ આયોજકો એ અમુક ખુરશી ટેબલ રાખ્યા હતા, એટલે જે લોકો ને શરમ નેવે મૂકી ને ઠુંસ્વું હોય તો તે ટેબલ ઉપર બેસી ને ઠુંસી શકે. જાત જાતના વ્યંજનો હતાં. હું પણ શરમાતો શરમાતો એક જગ્યા શોધી ને પોતાની પ્લેટ લઈને ઊભો રહી ગયો...(ટેબલ ઉપર ના બેઠો નહીંતર વાચકો ને એમ થાત કે મારે પણ ઠુંસવું હશે). હું અડધે પહોંચ્યો હોઈશ ત્યાં દૂર ના એક ટેબલ ઉપર હોંકારા પડકારા સંભળાયા.....હું કુતૂહલવશ ત્યાં ગયો. એક ભાઈ, જે જાનમાં આવ્યા હતા તે ટેબલ ઉપર બેઠા હતા અને બીજા એક ભાઈ, જે કન્યા પક્ષે એટલે કે અમારે પક્ષે હતા તે હાથમાં પ્લેટ લઈ ને ઊભા હતા. પ્લેટ મા લગભગ ૩૦-૪૦ ડ્રાય ફ્રુટ બરફી ના મોટા કહી શકાય એવા ચગદા હતા અને જે ભાઈ બેઠા હતા તેમના મોઢાં મા ઓરી રહ્યા હતા....સ્વાભાવિક રીતે મને થયું કે આ તો આગ્રહ કરતા હશે, પણ પછી તો જેમ જેમ વખત જવા માંડ્યો તેમ તેમ પેલા ભાઈ જાન વાળા ભાઈ ના મોઢાં મા ચગદા મૂકી રહ્યા હતા....એક, બે, ત્રણ, ચાર.....એમ એમ કરતાં લગભગ ૨૦ તો મારી સામે જ પેલા ભાઈ ખાઈ ગયા. હું અહોવૈચિત્રમની મુખ મુદ્રામા આ ઘટના નિહાળી રહ્યો. મારું મોઢું ખુલ્લું રહી ગયું....અમારા નાગરોમાં આગ્રહનું ચલણ ખરું અને મારા વડીલો મારફત સાંભળ્યું પણ છે કે આગ્રહ કરે ત્યારે કન્યાનો પિતા હાથ જોડી ને ઊભો રહે કે.....હવે બસ કરો બાપલા, બીજા પણ જમવાના બાકી છે...! હું જોઈ શક્તો હતો કે જે ભાઈ આ બધું આરોગી રહ્યા હતા તેનું વજન માંડ ૬૦-૬૫ કિલો નું જ હશે....તો પછી બીજો વિચાર એ પણ આવ્યો કે આ બધું ક્યાં જતું હશે ? મારું તાર્કિક મગજ દોડવા લાગ્યું. મને થયું કે આ ભાઈ જમ્યા પછી જે "જગ્યા" એ પોતાની સ્થાપના કરશે ત્યાંથી ઊઠીને લગ્ન સમયે પહોંચી શકશે કે કેમ ? એવું પણ નથી કે પેલા ભાઈ ના પેટની ભીતર કોઈ યંત્ર મૂક્યું હોય અને તે આ બધી મીઠાઈઓ પચાવી દેતું હોય....આયાત હોય ત્યાં નિકાસ પણ હોય જ.......ખેર, ઘણો જુગુપ્સા પ્રેરક વિચાર હતો. હવે આ બધી ધમાચકડી ચાલતી હતી ત્યાં એક દુર્ઘટના ઘટી ગઈ....જે ભાઈ બરફી ખવડાવી રહ્યા હતા, તેમના હાથમાંથી એક મોટું ચગદુ છટકી ને ટેબલ ઉપર બેઠેલા ભાઈ ની પ્લેટમાં પડ્યું. હવે પડ્યું તો પડ્યું પરંતુ પડ્યા ભેગુ તાંડવ મચાવી દીધું. એ ચગદું સીધું પ્લેટ મા મુકેલ કઢીની વાટકીમાં જઈ ને બેઠું. કઢી આ હુમલા માટે તૈયાર નહોતી, એટલે તેણે પણ બમણા જોશ થી વળતો પ્રહાર કરતી હોય તેમ વાટકીમાંથી ઉછાળો માર્યો. અને જેવો ઉછાળો માર્યો એટલે કઢી ના મોટા મોટા છાંટા પેલા ભાઈ ની રેશમી કાળા રંગની શેરવાની ઉપર ઉડ્યા.....હો...હો.... અરે... અરે....ના પોકાર બન્ને પક્ષે પડ્યા. પેલા ભાઈનું મોઢું ખસિયાણુ થઈ ગયું. તેમની શેરવાની ઉપર નવી જ ડિઝાઈન થઈ ગઈ.....બરફી બાજુ ઉપર મૂકી ને એ ઊભા થઈ ગયા....આગ્રહ આગ્રહ ને ઠેકાણે રહી ગયો અને શરૂ થઈ સાફ સફાઈ....પણ કઢી જિદ્દી હતી.... તેણે બરફી ઉપર નો ગુસ્સો શેરવાની ઉપર કાઢ્યો....દહીં અને કોથમીર તો નીકળી ગયા પરંતુ કઢી તેની છાપ છોડી ને જ રહી.....હું પણ આ ઘટનાનો મુક સાક્ષી બની બેઠો. જે ભાઈ આગ્રહ કરતા હતા તે પણ છોભાઈ ગયા, અને ત્યાંથી ધીમેથી ખસકી ગયા. અને આમ બપોરનું દુર્ઘટનાગ્રસ્ત જમણ પત્યું.

સાંજના લગ્ન હતાં. વરઘોડો (ગાડી) આવી ગયો. પાર્ટી પ્લોટ ના દરવાજે વરરાજા ના મિત્રો અને તેના સગાં વ્હાલા ઓ ટાંટિયા તૂટી જાય એવું નૃત્ય કરી કરી ને થાક્યા. વરરાજા પિંખવાનો (પોંખવાનો) પ્રસંગ આવ્યો. હવે એવું હોય છે કે વરરાજા ઉંબરા ઉપર પાન ખાધેલા મોઢાં સાથે ઊભો રહે અને કન્યા અતિશય ધીરા પગલે માંડ માંડ ચાલતી કહો કે ધક્કા મારી ને આવે....હાથમાં ફૂલના હાર સમો ગળા પટ્ટો હોય, અને પછી ત્યાં આવે એટલે બન્ને પક્ષ ના લોકો વરરાજા અને કન્યા ને ઉપાડી ને છત સુધી લઈ જાય અને પછી જેના મા ગજું હોય તે ગળા પટ્ટો એક બીજા ના ગળા મા ફેંકે (ફેંક્યો જ કહેવાય). હવે આ પ્રસંગ મા પણ એક હાસ્યાસ્પદ દુર્ઘટના સર્જાઈ ગઈ. વરરાજાના મિત્રો હરખપદુડા થઈ ને પેલા થનારા ગોરધન ને તેના ટાંટિયાથી ઊંચક્યો, પરંતુ એમાં એવું થયું કે આ પ્રક્રિયા દરમિયાન વરરાજા એ જે સુટ પહેર્યો હતો તેનું પેન્ટ અધ્ધર ચડી ગયું. આ ઘટના ને લીધે વરરાજા પોતે અને તેના મિત્રો છોભીલા પડી ગયા. એટલે વરરાજા નો ઉઘાડો પગ ઢાંકવા માટે જે એક મિત્ર એ વરરાજા ને પકડ્યો હતો તેણે તેનો હાથ છુટ્ટો મૂકી દીધો અને વરરાજાનું પેન્ટ સરખું કરવાનો પ્રયત્ન કર્યો. પણ થયું એવું કે આ પ્રક્રિયા દરમિયાન પેલા મિત્રથી વરરાજાનો પગ છટકી ગયો અને વરરાજા અચાનક બીજી બાજુ એ નમી પડ્યા. તેને લીધે થયું એવું કે એક બાજુ નો પગ અચાનક ઘૂંટણ થી અધ્ધર થઈ ગયો. આને લીધે વરરાજાના શરીરનું દબાણ પેન્ટ ઉપર આવી ગયું અને...... ચ ર રર રર......પેન્ટ એ શરણાગતિ સ્વીકારી લીધી....વરરાજા નો વરઘોડો ખરા અર્થમાં નીકળ્યો. ત્યાં હાજર સહુ કોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા. વરરાજા ને તરત જ નીચે ઉતારી ને તેમની પોંખવાની વિધિ પૂર્ણ કરી.....પાર્ટી પ્લોટ ના એક અલાયદા ઓરડામાં વરરાજા ને લઈ જવામાં આવ્યા અને તાત્કાલિક કોઈક બીજી વ્યવસ્થા કરીને તેમનું પેન્ટ બદલાવી દેવામાં આવ્યું. 

તે પછીની વિધિઓ તો બધી સામાન્ય જ રહી. હાટકેશ દાદાની કૃપાથી બીજી કોઈ દુર્ઘટના ઘટી નહીં. કન્યા પણ પધરાવી દીધી અને તે સાથે વરરાજા પણ વધેરાઈ ગયો. અમે પણ વર કન્યા ને શુભેચ્છા પાઠવી, સ્વાદિષ્ટ ભોજન ને ન્યાય આપી ને પરબારા ત્યાંથી વડોદરા પરત.


Rate this content
Log in

Similar gujarati story from Comedy