પંથુભાના પરાક્રમ
પંથુભાના પરાક્રમ


પથુંભાના પરાક્રમ !
ગોધો અને ગોધો ધૂળની ડમરી ઉડાડતાં આવી રહ્યાં છે, જે આગળ દોડી રહ્યો છે એ ગોધો એટલે ગોરધન નામનો પોણા પાંચ ફૂટ ઊંચો (કે નીચો ?) અને ગોળ મટોળ શરીરનો માલિક. એણે ઢીંચણ સુધીની ખાસ વાડીએ જઈને પહેરવાની ચડ્ડી અને એ ચડ્ડી ઢંકાઈ જાય એવડું ઢીંચણની ઢાંકણી પર જેનું છેલ્લું બટન આવે, એટલું લાં..આં... આં... બું..ઉ..પહેરણ પહેર્યું છે. એ પહેરણે ભૂતકાળમાં અનેક શરીરો ઢાંકેલા હતા, કાળઝાળ ગરમીમાં , વરસતા વરસાદમાં અને કડકડતી ટાઢ સામે કેમ ટકવું એનો બહોળો અનુભવ ધરાવતું એ પહેરણ એના દરેક ગાજના બટનને સાચવી શક્યું નહોતું. ઉપરથી ત્રણ અને નીચેના બે ગાજ એમના પ્રિય બટનોને ગુમાવીને વિધવાનું જીવન જીવી રહ્યાં હતાં !! ગોધાનું ગોળાકાર પેટ, વધેલા જે બે બટન પહેરણને શરીર ફરતે વીંટાઈ રહેવામાં મદદ કરી રહ્યાં હતા એની ઉપર અંદરથી દબાણ કરી રહ્યું હતું. પણ એ બે બટન, પોતાની ઉપર આખા પહેરણનો અધાર હોવાની જવાબદારી સમજીને ગાજમાં પરાણે પરોવાઈ રહ્યા હતાં.
ગોધાના હાથમાં એની કરતાં બે ફૂટ લાંબી લાકડી હતી અને પગમાં હવા ઉજાસવાળા ચામડાના જોડા પણ પરાણે વળગી રહ્યાં હતાં. ગોધાના પગ જોડામાં હતા કે જોડા પગમાં હતા એ કહી આપે એવું ગામમાં કોઈ નહોતું. કારણ કે આગળના ભાગમાંથી પગનો અંગુઠો એની આંગળીઓ સાથે મનમેળ નહી હોવાથી બહાર મોઢું કાઢીને કાંકરા અને પણકાઓ સાથે માથાકૂટમાં પડીને લોહી કાઢી ચુક્યો હતો. એનું જોઈને ગોધાના પગની ટચલી આંગળી અને એની પડોશણ પણ અંદર બહુ ગરમી થાય છે એવું બહાનું કાઢીને જોડાની આગળની ગોળાઈમાં બારી પાડીને એમાંથી મોઢા બહાર રાખતી હતી. એ જોડાંની વર્ષો જૂની વાદ્યરી બીજે ક્યાંય વેકેન્સી નહીં હોવાથી ગોધાના આ જોડાને એના પગ પકડી રાખવાની જૂની, વગર પગારની નોકરી ખેંચી રહી હતી.
અત્યારે આપણો આ માનવ ગોધો, ગળોટિયું ખાઈ ન જવાય એની તકેદારી રાખીને ગામ તરફ દોડયે આવતો હતો. એના હાથમાં પેલી જે લાકડી હતી એનો ઉપયોગ એની પાછળ જે ગોધો ચાર પગે આવી રહ્યો હતો એની ઉપર કરવાનું આ પરિણામ હતું !
આપણાં માસૂમ ગોધાની પાછળ પડેલો એ ગોધો એટલે આખી સીમમાં ગમે તેના ખેતરમાં ગમે ત્યારે ઘૂસીને ચરવા માંડતો કાબરો ખૂંટિયો !
લીલાછમ્મ ખેતરોમાં ઘૂસીને ખાવામાં એનો જોટો જડતો નહીં. જેના ખેતરમાં એ ઘૂસે એના પાકનું આવી બને ! લાકડીઓ એના બરડા પર પછડાઈ પછડાઈને તૂટી જતી પણ એ એની જગ્યાએથી ડગલું પણ ખસતો નહીં. આ કાબરો સાંઢ આજે ગોધાના લીલા રજકાનો સોથ વાળી રહયો હતો. (રજકો એ પશુઓ માટે ખાસ ઉગાડવામાં આવતી વનસ્પતી છે જે તમામ ઢોરને ખૂબ જ પસંદ હોય છે સૌરાષ્ટ્રમાં એને ગદબ પણ કહે છે.)
ખરા બપોરે કૂવા પરની ઓરડીમાં રોંઢો (સૌરાષ્ટ્રમાં સવારના બ્રેકફાસ્ટને શિરામણ, બપોરના લંચને રોંઢો અને રાત્રીના સપરને વાળું કહેવામાં આવે છે.) કરીને ગોધાએ વાડીમાં નજર કરી તો, પૂછડું બરડા પર મૂકીને આરામથી રજકાનો આસ્વાદ માણી રહેલો કાબરો ગોધાને દ્રષ્ટિગોચર થયો !
"મારો હાળો, ચયાંથી ગુંડાણો..! રજકાનો હોથ વાળી દેશે..." એમ બબડીને ગોધાએ પેલી ડાંગ લઈને દોટ મૂકી. ગોધાએ તો રોંઢો કરીને પેટ ભરી લીધું હતું પણ કાબરાનું પેટ ભરાયું નહોતું. ગોધાએ મહાકાય કાબરાને પોતાના રજકામાંથી ખદેડવા હાંકોટા પાડ્યાં. દૂરથી પથ્થર અને ઢેફાના ઘા પણ કર્યા. કારણ કે ડાંગનો પ્રહાર કરવા જરૂરી હિંમત અને બળ ગોધો ધરાવતો નહોતો. પણ એવા હાંકોટા અને પથ્થરના ઘા થી ડરીને પોતાનું ભોજન છોડી દે તો તો એ કાબરાનું નામ લાજે ને ! એણે એકવાર ખલેલ પાડનાર માનવ જંતુની સામે તુચ્છકારની દ્રષ્ટિએ જોયું અને ફરી ચરવા માંડ્યું. પોતાનું આ હળાહળ અપમાન આપણો ગોધો સાંખી શક્યો નહીં. લાકડીના એક છેડે એણે અણીદાર ખીલી લગાવી હતી. જે આવા માથાભારે ઢોરને ઘોંચવામાં ઠીક રહેતી. હાંકોટા અને પથ્થરથી જે કામ ન થયું એ આ અણીથી થયું. પાછળથી ગોધાએ કાબરાને પેલી અણીદાર ખીલીનું ઇન્જેક્શન ઘોંચ્યું. અને કાબરાનો પિત્તો છટક્યો. બેઠી દડીનો ગોળ મટોળ માણસ એને ભોજન ઉપરથી તગેડી રહયો હતો..
પૂછડું અને આગળના બે પગ ઊંચા કરીને કાબરાએ યુ ટર્ન લીધો. અને કાબરો પાછળ ફરીને ગોધાને પોતાના શિંગડાનો સ્વાદ ચખાડવા ધસ્યો..
વિકરાળ સાંઢને વીફરેલો જોઈને ગોધાએ ગામના માર્ગે ટોપ ગિયરમાં ગાડી મારી મૂકી. પણ કાબરો લાકડીઓનો માર સહન કરી લેતો પણ આણે તો ખીલી ઘોદાવી'તી !
એટલે એક ગોથાનો હકદાર તો ગોધો બનતો જ હતો !!
બેઉ ગોધા ગામના ધુળીયે રસ્તે માર પછાડ(ખૂબ ઝડપથી દોડતા) આવી રહ્યા હતા અને ધૂળની ડમરી ઉડી રહી હતી. ગોધાએ પહેરેલા જોડા એના પગને ડંખી રહ્યાં હતાં પણ પાછળ જે ગોથું આવી રહ્યું હતું એનાથી બચવું જરૂરી હતું...
*****
પથુંભા એટલે ગામમાં કંઇક કંઇક ગણાય એવી હસ્તી ! એમની જુવાનીમાં એમણે આવા ઘણા આખલાઓને જમીનદોસ્ત કર્યા હોવાનું એ પોતે ધોળી થઈ ગયેલી મૂછોને વળ ચડાવી ચડાવીને કહેતાં.
એકવાર ગામના ચોરે બેઠેલા અને વાતમાંથી વાત નીકળેલી....
"તે દી હું મારી વીજળી(ઘોડી)ને લઈને હાલ્યો આવું..અને તડકો કે મારું કામ ! આમ જોવો મકાઈના દાણાનો ઘા કરોને તો ધાણી થઈ જાય હો..અને મારો હાળો એક હાંઢ બરોબર મારગમાં આડો ઉભેલો. મારી વીજળી તો ઠેકવા હાટુ ઝાડ થઈ (આગળના પગ ઉંચા કરે તે) અને આંખના પલકારામાં તો ખૂંટિયાને ઠેકતી'કને ઉપડી હો ! પણ મારું હાહરુ ઇ ખુટિયું કપાતરનું મારી વીજળીની વાંહે થિયું હો..પણ હું કોણ ? પથુંભા ! ઇમ હું બીવ ?? હું ? હું બીવ ? વાતમાં શું માલ છે... તે શું ઘોડીનું સોકડું ખેહીને રાખી ઉભી. અને ઉતર્યો હેઠો ! ઓલ્યું ખુટિયું ધોડ્યું આવતું'તું..ઇના બે'ય શિંઘડા પકડીને ઉલાળ્યું...અને ઘા કરીને નાખી દીધું વાડયમાં..હે..હે...હે.."
સાંભળનારાના મોં ખુલ્લા રહી ગયા. પથુંભાએ ભારે કરી !! મૂછોને વળ ચડાવીને આંકડા પર હાથ ફેરવતા એ શ્રોતાગણને તાકી રહયા. એ વખતે આપણો ગોધો ત્યાં હાજર હતો એને પથુંભાનું આ પરાક્રમ ગળે ઉતર્યું નહીં.
"થોડું'ક માપ રાખો તો હંકવી લેવી..આ બવ મોંઘું પડે એમ છે.. પથુંભા.. તમારી ઘોડી ખૂંટિયાને ઠેકી ગઈ, ઈને બદલે પડખેથી નીકળી ગઈ ઇમ રાખો..અને ઓલ્યું ખુંટિયું ખાલી વાંહે દોડ્યું પણ તમને આંબી નો હકયું.. આટલો ફેરફાર અમે સવ માંગવી છઈ.. આટલી અમથી મે'રબાની કરો..આપણે બધા ગામના જ છીએ.."ગોધાએ ગણતરી કરીને પથુંભાએ ગબડાવેલો ગોળો રોકવાની કોશિશ કરી..
પથુંભા જેનું નામ ! ગોધાને આંખો કાઢીને જ ખખડાવી નાખ્યો.
"અટલે શું અમે ટાઢા પોરના હાંકીએ છઈએ લ્યા ગોધિયા ? તન હજી ખબર્ય નથ તાઅર...પુછ આ ઠાકરશી ડોહા ને..મારી જુવાનીમાં હું ચેવો બળુંકો હતો ! પાંસ પાંસ મણની ઘઉંની ગુણીયું હું બેય બગલમાં દબાવીન દહ દહ ગાઉ ધોડ્યો જાતો'તો..ચીમ નો બોલ્યા અલ્યા ઠાકરશી ડોહા..?"
હવે ચોરે બેઠેલા ડોસાઓમાં આ ઠાકરશી ડોહો વરસો પહેલા કાન ગુમાવી ચુકેલો. અને એ પાછો એમ સમજતો કે એને પૂછવામાં આવતા મોટા ભાગના સવાલોના જવાબમાં હા પાડવામાં જ ફાયદો છે ! એટલે મોટેભાગે એ ડોક હકારમાં જ હલાવતો અને પથુંભાની વાતમાં ના પાડીને ક્યારેક ચૂસવા મળતા બીડીના ઠુંઠાની સહાય શું કામ ગુમાવવી !! એટલે દસ મણ ઘઉં બન્ને બગલમાં દબાવીને દસ ગાઉં સુધી પથુંભાને દોડતા જવા દેવામાં ઠાકરશી ડોસાએ મત્તું મારી આપ્યું.એમાં ક્યાં એના પગ દુઃખવાના હતા ? ફરી વાર સાંભળનારા સૌ કોઈ અહોભાવથી મૂછોને વળ દઈ રહેલા પથુંભાને અધખુલ્લાં મોં એ તાકી રહયાં !!
*****
નગીનદાસ દરજીના દીકરાના લગનમાં પથુંભા જમવા પધાર્યા છે. મહેમાનો અને ગામની નોતર ( ગામમાંથી આમંત્રિત લોકો) પંગત પડવાની રાહ જોઇને શેરીમાં ડેલીના ઓટલે બેઠા છે. પથુંભાએ એમની જુવાનીના પરાક્રમોની ગાથા (!) હાંકવા માંડી છે. એમાં નગીનદાસનો ભાઈ દુલો બોલ્યો, "તે હેં પથુંભા, તમે આટલા બધા બળુંકા હતા તે ખોરાક'ય એવડો હશે ને !"
"લે...લે..ખોરાકમાં તો હોય બે'ક રોટલા અને ડુંગળી બુંગળી... પથુંભાને ચ્યાં કોઈ દી ભેંસ હતી ? ઇ તો ઇમના હાડ જ એવા તે મરસુ ને રોટલો ખાય, તોય ભાય બળ કરી. જાય...."કોઈકે પથુંભાની આર્થિક સ્થિતીનો ચિતાર આપ્યો.
"હવે ટાયલીના થાવમાં..હું એકલો એક ડોલ લાડવા (એક ડોલમાં 30 થી 35 લાડવા રાખીશું ?) ઉભો ગળી જાતો..અને મગજની ચોકી એકલો ઉસેડી લેતો. મારી સામો કોઈ હાલી નો હકે શું ?" પથુંભાએ મૂછે હાથ નાંખતા કહ્યું.
"હા, હો મને ખબર સે..મેં નજરો નજર જોયેલું. આપડા ગામના કોક કણબીને નયાં આ પથુંભા ડોલ લાડવા ગળી ગ્યા'તા ઇ મને હાંભરે..અને હજી'ય પથુંભા ધારે તો અડધી ડોલ તો રમતાં રમતાં ગળી જાય..તમે ભાળો ઇમ..."
નગીનદાસના ઇર્ષાળુએ પથુંભાને પાનો ચડાવ્યો.
"ઇ તો સોટ્યા હોય તો ભૂકો કાઢી નાખે હો...કોણ કે'વાય પથુંભા..." બીજાએ એક આંટો ટાઈટ કર્યો.
"હવે તો ઉંમર..." પથુંભાને ક્યાંક આજ લાડવા ખાવા પડશે એવી બીક લાગી. પણ આજ તો પથુંભાના પારખાં કરી જ લેવાનું જ પેલાઓએ નક્કી કરેલું. પંગતમાં પથુંભાને ખુબ તાણ કરી કરીને (આગ્રહ કરીને) દસ લાડવા એમના મોમાં ઠુસવામાં આવ્યા. લાડવાનું અડધિયું મોં માં ડુસાવીને ગળે ઉતારવા પથુંભા દાળનો ઘૂંટડો ભરતા. ખાઈને ઢમ ઢોલ થયેલા પથુંભા માંડ માંડ ઉભા થઈને ઘેર પહોંચ્યા. કલાક માંડ વીતી હશે ત્યાં જ પેટમાં ધમાલ મચી. દાળ સાથે ભળેલા લાડવા જઠરમાં થઈને મોટા આંતરડામાં પહોંચીને ધમાલ મચાવવા લાગ્યા.પથુંભાના પેટની હવા, બહારની હવા સાથે હળવે હળવે, ચિત્ર વિચિત્ર એનાઉન્સમેન્ટ કરીને ભળવા માંડી. મોટા મગજને ગરબડનાં સંદેશા તાત્કાલિક પહોંચાડવામાં પથુંભાનું ચેતાતંત્ર કામે લાગ્યું. બપોરની મીઠી નીંદરડી છોડીને હડપ લઈને પથુંભા ડબલુ લઈને ગામના પાદરે આવેલી વાડીએ જવા ઉતાવળે પગે ઉપડ્યા ! પેટમાંથી નગીનદાસના લાડવા જલ્દી બહાર આવવા દેકારો કરી રહ્યા હતાં !
હવે એ સમયમાં ગામડાઓમાં કોઈના ઘેર ટોયલેટ હતા નહીં. એટલે લોકો બહાર જ જતાં. અને એટલે જ આ શૌચક્રિયાને "બહાર જવા જવું છે" એમ કહેવાતું. ઘણા લોકો પાણીનું ડબલું લઈ જતા એટલે ડબલે જવા, અને ઘણાં લોકો પાણી કળશમાં લઈ જતા એટલે કળશે જવા જવું છે એમ પણ કહેવાતું. કોઈને ઝાડા થઈ ગયા હોય તો કળશ્યો થઈ ગયો છે એમ પણ લોકબોલીમાં બોલાતું.
પથુંભા ડબલું લઈને ભાગી રહ્યા હતાં, એમાં તે દિવસે, ચોરા પર બેસીને પથુંભાના ભડાકા સાંભળીને એમનો ફેન (?) બની ગયેલો ઘૂઘલો ભરવાડ સામો મળ્યો.
"એ..રામ.. રામ...પથુંભા... બાકી તમે ભારે બળુકાં હો.." કહીને એ પથુંભાની સામો ઉભો રહયો.
"એ..રામ." પથુંભાએ પરાણે જવાબ આપ્યો. અને ચાલવા માંડ્યા. પણ ઘુઘાને પથુંભા લાડવા સામે લડી રહ્યાં છે એ થોડી ખબર હોય ? એ તો ભૂતકાળમાં આખા આખલાને ઉપાડીને વાડમાં ફેંકી દેનાર આ મહાન યોદ્ધાના પરાક્રમોની વાતો સાંભળીને અને રૂબરૂ એમના દર્શન પામીને ધન્ય ધન્ય થઈ ગયો હતો. એણે પથુંભાનો નવરો હાથ પકડ્યો.(એક હાથમાં પાણીનું ડબલું નહોતું ?)
"તેં..એં... એં...હું ઈમ પુસું સું કે તમે ઇ ખૂંટિયાને સિંઘડેથી પકડીને ઉલાળ્યો તે..ઈના સિંઘડા ભાંગી નો જ્યાં ? કંઈ સિંઘડા આખા આખલાનો ભાર ઝીલે ? મને થોડુંક ગળે નો ઉતરિયું......"
"હવે ઇ તો વખત વખતની વાતું..." પથુંભાએ પગની આંટી મારીને અંદરના દબાણને દાબી રાખતાં કહ્યું અને ચાલવા પગ ઉપાડ્યો.
"પણ ઇમ સિંઘડા પકડીને આખો આખલો..." ઘુઘો ઘુંચવાતો હતો.
"તું અતાર મને જાવા દે..ભાઈ શાબ..ઇ આખલો નોતો.. બકરું હતું બકરું બસ ? આમ એક બાજુ ખસ અને મને વયો જાવા દે ભલો થઈને...." પથુંભાના પેટમાંથી નગીનદાસના લાડવા બોલ્યા !!
"પણ બકરું કંઈ ઘોડી વાંહે ઘોડે ખરું ? બકરા હાટુ તમે ઘોડી ઉપરથી હેઠા ઉતર્યા ? ઇ મને ગળે નો ઉતરીયું..." હજુ ઘુઘો પથુંભાનો
હાથ મુકતો નહોતો.
" હાળા ગોલકીના... હાથ મુકય ને..તારા ગળે નો ઉતરે તો કંઈ નઈ.. મને મુક નકર મને હમણે આયાં ને આયાં ઉતરી જાય ઇમ સે..."પથુંભા ઘૂઘલાને ધક્કો મારીને ભાગ્યા.
ઘૂઘલો નવાઈ પામ્યો. પથુંભા દોડી રહ્યાં છે કે ઉતાવળા ભાગી રહ્યાં છે એ નક્કી નહોતું થાતું, "ગબકાં મારે સે ગબકાં, કાંઈ અવાથી આખલા ઉંસા થાતા હોય ? હાલી જ નીકળ્યા સે.." ઘુઘો તરત જ અનફેન થઈને પોતાની લાકડી જમીન સાથે પછાડતો ચાલ્યો ગયો !!
વાડીને રસ્તે ખૂબ ઝડપથી એમના લક્ષ સ્થાન પર પહોંચવા જઈ રહેલા પથુંભાને ધૂળની ડમરી ઊડતી દેખાઈ. એ ધૂળના ગોટામાં ઢીંચણ સુધીનું પહેરણ પહેરીને અને હાથમાં લાકડી લઈને એક જુવાન દોડ્યો આવે છે..પાછળ કોક મોટું ઢોર.. અરે..આ તો ઓલ્યો કાબરો ખૂંટ.હાથીના મદનીયા જેવો આખલો...
" પથુંભા..આ..આ...ધોડજો..... ખુંટીયો મારી વાંહે થ્યો સે..બસાવો.. બસાવો.....બસાવો...એ...પથુંભા... આ...આ.." ગોધાએ પથુંભાને જોઈને મદદ માટે પોકાર કર્યો. પથુંભાને જોઈને ગોધાના જીવમાં જીવ આવ્યો. આખલાનો ઘા કરી દેવામાં સ્પેશિયાલિસ્ટ પથુંભા જો હતા. !!
પણ પથુંભાની અત્યારની આંતરિક સ્થિતિનો ખ્યાલ ગોધાને કે કાબરા ગોધાને ન જ હોયને ! પથુંભા કંઈ સમજે એ પહેલાં તો બન્ને લશ્કર આંબી ગયા. બહાર ગોધો, કાબરો અને અંદર નગીનદાસના દસ લાડવા...!!
કાબરાનું જે ગોથું ગોધાની પાછળ લાગવા માટે ઊંચું પૂછડું લઈને આવતું હતું એ પથુંભાના પેટમાં વાગ્યું. ગોધો પોતાને બચાવવાની બુમ પાડીને રસ્તાની એક બાજુ ભેખડ ઉપર ચડી ગયો. અને કાબરાની ઝપટમાં આવી ગયા પથુંભા !!
ડબલુ ત્યાં શહીદ થયું. કાબરાના શિંગડામાં પથુંભા ચડી ગયા. અને ઉલળીને વાડની પાછળ પડ્યા. યોગાનું યોગ જે જગ્યાએ પથુંભા પડ્યા એ જ જગ્યા એમનું લક્ષ સ્થાન હતું. કાબરાએ વરસો પહેલાનો બદલો તો લઈ લીધો. પણ પથુંભાએ લાડવાના જ્યુસનો તમામ સ્ટોક કાબરાના માથા પર ખાલી કર્યો હતો !
*****
પોતાની ઘાત પથુંભાએ એમના ઉપર લઈ લીધી એટલે ગોધો વંટોળીયાની જેમ આખા ગામમાં ફરી વળ્યો, '' એલા ભાઈ ધોડજો...પથુંભાને ઓલ્યા કાબરાએ ઊલાળ્યા સે, એ..એ..એ..ધોડજો ભાયો.. વાડમાં પથુંભા તયણ કટકા થઈને પડ્યા સે.
અડધા કલાકમાં આખું ગામ પથુંભાની વ્હારે ચડ્યું. લાકડીઓ લઈને જુવાનો કાબરાને ગોતવા નીકળ્યા. આજ હવે એની ખેર નથી. મોં આડા કપડાના ડૂચા મારીને પથુંભાને વાડમાંથી બહાર કાઢવામાં આવ્યા.
"ઓ..ય...ઓ..ય..મરી જ્યો...હાળા ખૂંટીયાની જાત...વે'ર લીધા વગર નો રે..હો...મેં ઈના બાપને આ જ વાડ માં ફગાવી દીધો'તો હો...જનાવરને'ય હાંભરણ
(યાદશક્તિ) હોય હો...માળે બદલો લીધો હો..આજ ઇની જુવાની સે..તે દી હું જુવાન હતો..." પથુંભા
બબડતા હતા.એ સાંભળીને એમના એક નાતીલાએ મોં પરથી રૂમાલ હટાવીને વડછકું કર્યું, "હવે મૂંગા મરો ને મૂંગા.. આ તમારું ડોહું થેપાડું ભરી મૂક્યું સે તે ગંધથી અમારા માથા ફાટી જાય સે..અને તમને તમારી બા'દૂરી હાંભરે સે ?
એટલા બધા બા'દૂર (બહાદુર) હતા તો આ રોકી કિમ નો હકયા ? હવે ભાઈશા'બ હવે જો કાંઈ બોલ્યા સો તો આંય કણે (અહીંયા) જ મૂકીને હાલતા થઈ જાશું.."
પથુંભાના શરીર પર બે ડોલ પાણી નાંખીને એમને થઈ શકે એટલા સાફ કર્યા. વાડના થોરિયાના કાંટા એમના કપડાં સોંસરવા શરીરમાં ભોંકાયા હતા ! બન્ને પગમાં ફેક્ચર થઈ ગયું હતું અને પેલા લાડવા હજુ હેઠા બેસતાં નહોતા. દવાખાને પહોંચતા સુધીમાં તો રિક્ષામાં લાડવાના રેલા ચાલ્યા હતાં એટલે રિક્ષાવાળાએ ભાડું પણ ડબ્બલ લીધું !!
ડોક્ટરને કઈ દવા પહેલા કરવી એ ન સમજાયું ! આખરે પહેલા ઝાડા બંધની દવા આપીને બન્ને પગનું ઓપરેશન કરવામાં આવ્યું.
દવાખાને ખબર કાઢવાવાળા સમાતા નથી. નગીનદાસ લગ્નના વધેલા લાડવા લઈને પોતાના દોસ્તની ખબર કાઢવા આવ્યો. લાડવા જોઈને પથુંભાનો મિજાજ ગયો, "અલ્યા તું પાછો લાડવા લઈને આવ્યો ? હાળા નાતરાળ.. તારા આ લાડવાએ જ મારી આ દશા કરી છે ! "
"હશે, પથુંભા હશે..પણ ઈમાં મારો શો વાંક ગનો ? તમે તણ લાડવાના ગરાગ કે'વાવ અને નો ભાળ્યું હોય ઇમ દહ દહ ઝાપટી જાવ તો કળશ્યો જ થઈ જાય ને ! ખાણું પારકું હતું, પેટ તો પારકું ન્હોતું ને ? લીમીટ રખાય લીમીટ ! ઉભા ગળે કોક નાના માણહાનું ગળી જ જાવ સો ! તે ઉપરવાળો કંઇ કોઈને લાકડી લઈને મારવા નથી આવતો..
કોકના વરા (પ્રસંગ) બગાડી નાખો એવા સો તમે ! ઇ તો હારુ થાજો નાથા મોહનનું, તે મોટરસાઇકલ લઈને તાબડતોબ બે મણ લાડવા લઈ આવ્યો. નકર મારી તો આબરૂ ધૂળમાં મલેત હા...'' નગીનદાસ પોતાનું વક્તવ્ય પૂરું કરીને હાંફતો હાંફતો લાડવાની કોથળીને પથુંભાના મોઢા પર ઘા કરીને જતો રહ્યો!!
વાત એમ બની હતી કે પથુંભાને દસ લાડવા પેલા નગીનદાસના ઇર્ષાળુઓએ તાણ કરીને(ખૂબ જ આગ્રહ કરીને) ખવડાવ્યા અને એ લોકોએ પણ સામ સામી તાણ કરીને લાડવા ખૂટવાડી દીધા ! હજુ બે પંગત જમવાની બાકી હતી. અને લાડવા ખૂટી ગયા.અને નગીનદાસને તાત્કાલિક બે મણ લાડવાનો ઓર્ડર આપવો પડ્યો. અને એ માટે એણે પથુંભાને જવાબદાર ગણ્યા !!
આજે છ મહિના પછી પથુંભા લાકડાની ઘોડીના ટેકે ટેકે ચોરા પર બેસવા આવી જાય છે. અને ગોધો તો શું નાનકડું વાછડું નીકળે તો પણ પગ ઓટલા ઉપર લઈ લે છે.
"હવે ભઈ જનાવર હારે શેના વેર ! ઇ ઢોર સે, હું કાંય થોડો ઢોર છવ ? બાકી મારી જુવાનીમાં તો વાત જ અલગ હતી, ચીમ નો બોલ્યો અલ્યા ઠાકરશી ? "
બેઉ કાને બહેરો ઠાકરશી માથું હકારમાં હલાવીને બોલે છે.
"હા, હા ટાંટિયા તો ભાંગી ગ્યા તંયે હેઠા બેહવું જ પડે ને ! લાકડાની તો લાકડાની ઘોડી તો કેવાય જ ને
પથુંભા !!"
અને ગોધા સહિતના બધા જુવાનડા ખખડી પડે છે !!