Jyotindra Mehta

Comedy Fantasy

5  

Jyotindra Mehta

Comedy Fantasy

આંગડિયાવાળો અને યમરાજ

આંગડિયાવાળો અને યમરાજ

12 mins
528


જેવા યમરાજ સવારે યમપુરીમાં ડ્યુટી ઉપર પહોંચ્યા, ચિત્રગુપ્તે એક લિસ્ટ થમાવી દીધું.

"આ શું છે!" આશ્ચર્ય સાથે યમરાજે ચિત્રગુપ્તને પુછ્યું.

"મેં આ લિસ્ટ તમારા ડિપાર્ટમેન્ટને આપી હતી પણ તમારા યમદૂતો કામ પુર્ણ કરી શક્યા નથી. એક વ્યક્તિ બાકી રહી ગયો છે અને તમારા બધા દૂતોએ ના પાડી દીધી છે. કે તેને લેવા નહિ જાય. ડિપાર્ટમેન્ટના હેડ તરીકે તમારી જવાબદારી છે તેને લાવવાની." ચિત્રગુપ્તે હાથમાં રહેલી પોતાની પેનથી પીઠ ખંજવાળતા કહ્યું.

પોતાનો ઈન્દ્રના દરબારમાં જઈને મેનકાનો ડાન્સ પ્રોગ્રામ પડી ભાંગતો બચાવવા યમરાજે દલીલ કરી, "તમને ભાન પડે છે આવાં ક્ષુલ્લક કારણ માટે મારા લેવલના માણસને નીચે મોકલવા માગો છો. ભાન પડે છે કાંઈ !"

પોતાની આંગળી નાકમાં નાખતાં ચિત્રગુપ્તે કહ્યું, "આ વાતને સિરિયસલી સમજો, મજાક નથી એક મહેસાણાના માણસને લાવવાનો છે. તમારા યમદૂતો એમાં નાકામ રહ્યા. હવે તમારે પોતે જ જવું પડશે."

મહેસાણા શબ્દ સાંભળીને યમરાજનું હ્રદય ધબકારો ચૂકી ગયું. થોડા વર્ષો પહેલાંનો અનુભવ તે ભૂલ્યા નહોતા. મેનકાનું નૃત્ય ચૂકી ગયાના અફસોસ સાથે યમરાજે પોતાના પાડાને અવાજ આપ્યો. પાડો ધીમી ચાલે યમરાજ પાસે આવીને ઊભો‌ રહ્યો. તેના માથે પ્રેમથી હાથ ફેરવીને યમરાજ બોલ્યા, "ચાલ ભાઈ, ધરતી ઉપર જવાનું છે."

તેમના આ શબ્દ સાથે જ પાડાએ પોતાનું માથું ધુણાવીને યમરાજનો હાથ પોતાના માથેથી ઝટકી દીધો. યમરાજ સમજી ગયા કે હમણાં ઘણા સમયથી ધરતી પર ગયા નથી એનો આ પ્રભાવ છે. તેમણે પ્રેમથી પંપાળતા કહ્યું, “ચિત્રગુપ્તનો ઓર્ડર છે, કામ બાકી રહી ગયું છે એટલે જવું તો પડશે.”

કમને બંનેએ મહેસાણા તરફ પ્રયાણ કર્યું. યમરાજે પોતાના‌ પાશને પંપાળ્યો અને મહેસાણામાં પ્રવેશ કર્યો. તે બંને તે ઘર તરફ જ્યાં તેમનો ટાર્ગેટ હતો. તેમનો ટાર્ગેટ નામે વખતચંદ કડકડિયા પથારીમાં સૂતો હતો.આમ તો શરીરમાં બહુ દમખમ નહિ પણ તેનો અવાજ ભલભલાને પાછા પાડે એવો અને આખી જિંદગી આંગડીયામાં કાઢેલી એટલે બધા પ્રકારના માણસોને મળેલું અને તે અનુભવનું ભાથું તેની સાથે હતું. સાડા પાંચ ફૂટ જેટલી ઉંચાઈ અને નાક એકદમ પોપટ જેવું તીણું. મૂછો એકદમ પાતળી પણ ખૂણેથી તેને વળ આપેલો. આજ સુધી તેમની પત્ની સિવાય કોઈ તેમની મુછ નીચી કરી શક્યું નહોતું. (કોઈને ભ્રમ હોય કે તેની મુછ પત્ની નીચી ન કરી શકે તો સમજો કે એ ફકત ફેન્ટેસી વાર્તાઓ વાંચે છે.) પાછો તેમનો પોતાની ભાષા ઉપર કાબુ જબરો.

યમરાજને જોતાં જ તે બોલ્યો, "અલ્યા ઘોડીના, મારા ઘરમો ચોંથી આયો અન આ પાડાન શુ વિચારીન લાયો."

"વત્સ, તારો સમય આ ધરા ઉપર પુર્ણ થઈ ગયો છે એટલે તારા આત્માને યમસદન લઈ જવા આવ્યો છું." સામાન્ય ભાષામાં વાત કરી શકવા સક્ષમ યમરાજે પોતાનો પ્રભાવ પાડવા અઘરી ભાષા વાપરી.

"એ ધરાવાળી, ગુજરાતી આવડતી હોય તો ગુજરાતીમોં બોલ. આ ચ્યોંય શો કરવા જ્યો તો, તે આવો કપડોં પેરીન આયો. જો ઉધારી પાશી માગવા આયો હોય તો પૈશા પાસા નઈ મળ. જા થતું હોય એ કરી લે."

ઉધાર શબ્દ સાંભળીને યમરાજ પિત્તો ગયો. તેમણે કહ્યુ, "તને કંઈ ભાન પડે છે! હું સ્વયં યમરાજ છું અને તારો જીવ લેવા આવ્યો છું."

"હેડતી થા ઓયથી, યમરાજવાળી ના ભાળી હોય તો. તારો ટેણીયોં આયા તો કાલ, ઈમણે તન કીધું નહી આ વખાબાપા વિશે ! મી પુશ્યુ તું ઈમન મન લઈ જશો તો ચોં રાખશો તો કઈ ક એ તો ચિત્રગુપ્ત જોણ, અમન કશું ખબર ના હોય. અવ મન તું થોડો હુશિયાર લાગ સ એટલ પુસુ સુ, આ તમાર ફાય નક્કી કરવાની સત્તા ય ના હોય તો શેના યમદૂત ન શેના યમરાજ! અલ્યા તમાર કરત તો અમાર ઓગડિયાવાળા ફાય વધાર સત્તા હોય."

યમરાજને તેની વાતમાં રસ પડવા લાગ્યો એટલે પાશ ફેંકવા પહેલાં તેની સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું આમ પણ મેનકાનું નૃત્ય તો પુરું થઈ ગયું હશે! પણ આ ભાઈ થોડા જ્ઞાની લાગે છે. જાણી તો લઉં કહેવા શું માગે છે એટલે ચહેરા ઉપર ભોળપણના ભાવ લાવીને કહ્યું,"મહાશય, હું સમજ્યો નહીં ?"

"મારું નોમ વખતચંદ સ, મહેશ નઈ. હા, હું શું કેતો તો અવ તમે તો કાલ ટેણીયો આયો તો ઈમના બોસ લાગો સો. અવ મન કો તમે મન ચોં લઈ જશો?"

 "હું તમને યમપુરીમાં લઈ જઈશ."

"પશી શું કરશો?"

"પછી ચિત્રગુપ્ત તમારો ચોપડો જોઈને નક્કી કરશે કે તમને સ્વર્ગમાં લઈ જવાના કે નર્કમાં. ત્યારબાદ અમારા યમદૂતો તમને ત્યાં મુકી આવશે."

"તે આ ચિત્રગુપ્ત રયો એ તમારો મેનેજર સ?"

"મેનેજર એટલે?"

"અમાર ઓગડિયામો ચેવું હોય ક એક મેનેજર હોય એ નક્કી કર ક ચિયુ પાર્સલ ચોં પોચાડવાનુ. એટલ મૂળ કો ન.. ક ચિત્રગુપ્ત તમારો બોસ."

યમરાજ સમસમી ઉઠ્યા, “હું યમપુરીનો રાજા છું અને ચિત્રગુપ્ત મારો સચિવ, હું કહું એ પ્રમાણે જ એ કરે. એના આદેશ પ્રમાણે હું નથી કરતો." જો કે છેલ્લું વાક્ય ઉચ્ચારતી વખતે તેમને પોતાનો સ્વર બોદો લાગ્યો.

"અલ્યા તું જુઠ્ઠુ બોલ્યો, આખી જિંદગી મી ઓગડિયામોં કાઢી મન ખબર પડી જાય, કુણ હાચુ બોલ અન કુણ જુઠ્ઠુ. હાચુ કે જે! તારો ટેણીયો ફેલ જ્યો એટલ ચિત્રગુપ્તે તને મોકલ્યો એટલ તું આયો ન?"

પોતાના યમદૂતોનું વારંવારનું અપમાન તેમને કઠ્યુ પણ વખતચંદ સાચું કહી રહ્યો હતો.

"અવ પોતાન ચ્યોયનો રાજા ના કેતો તું, અમારા ઓગડિયુ લઈ જનારા સોકરા જેવો જ સ. ખાલીખોટો ફોકો ના મારે. તારા હાથમો કોય નહી, તારા હાથમોં સત્તા હોય એ દાળ મારા ફાય આવજે."

“તારી વાત મને ઠીક લાગી રહી છે વત્સ, હવે હું તને મારું મુખદર્શન ત્યારે જ કરાવીશ જ્યારે મારા હાથમાં પૂર્ણ સત્તા હશે.”

“એય મુખદર્શનવાળી, ઉભી રે! એક કોમ કર મન હંગાથ લઇ જા. તું ઓમ ખાલી દેખાય જ સ હુશિયાર પણ મગજમોં અક્કલનો સોટો ય નહિ લાગતો. મારા વગર જયે તો તન કોમ પરથી કાઢી મેલશે. પશી આ પાડન ખવરાવવા દોણા ય નઈ મળ.”

યમરાજના પાડાને જાણે વાત સમજાઈ ગઈ હોય એમ તેણે પોતાનું માથું યમરાજની પીઠ સાથે ભટકાવ્યું.

“અલ્યા ભૈશાબ, આ પાડન પેલા બાર કાઢો. ઘરમોં કોક નુક્શોન કરી નોખશે.”

યમરાજે તેની વાત માની પાડાને બહાર જવાનો ઈશારો કર્યો.

જેવો પાડો બહાર ગયો વખતચંદે ધીમેથી કહ્યું, “ચેટલા વરહથી ઓન વાપરો સો ?”

“યુગો યુગોથી આ જ મારું વાહન છે.”

“ઓય મોણહો બળદગાડામોંથી મર્સિડીમોં આઈ જ્યા અન તમે ઇકણના ઇકણ! ભલી થાય તારી.”

તેના દરેક વાત સાથે યમરાજ લજ્જિત અને ક્રોધિત થઇ રહ્યા હતા. અંતે તેમણે પાસ ફેંક્યો અને વખતચંદનો આત્મા તેમની સાથે થઇ ગયો. બહાર આવીને તેમણે પાડાને પલાણ્યો. વખતચંદે પાછળ સાંકડમુંકડ બેસીને પોતાની જગ્યા બનાવી.

“આ થોડું હેડવાનું રાખતા હો તો, શરીર ચેટલું ભારે થઇ જ્યું સ.”

તેની વાત સંભાળીને યમરાજ થોડા આગળ ખસ્યા અને વખતચંદ માટે જગ્યા બનાવી. યમસદન જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ચિત્રગુપ્તની સત્તા પોતાના હાથમાં લઇ લેવી. હવે યમદૂતો પ્રાણ હરીને આવશે અને તેને ક્યાં મોકલવું તે હું નક્કી કરીશ. જ્યાં સુધી સત્તા ન મળે ત્યાં સુધી હડતાલ. બીજી તરફ વખતચંદની જીભ અવિરત શરુ હતી.

“આ તમન અપસરાઓનો ડાન્સ જોવા મલ? ક પશી એ ખાલી ઇન્દ્ર ફાય જ નાચ ? મી ઓભળ્યુ સ ક મેનકા બઉ રૂપાળી સ અને પાશી નખરાળી ય સ. એ બધું હાચ્ચું ક પશી બધું હબંગ?”

“સત્ય છે, વત્સ.” પોતાની શુદ્ધ ભાષાનું પુંછડું ન છોડતાં યમરાજે કહ્યું.

“તે એ ડાન્સ તમારી યમપુરીમોં થાય ક ખાલી ઇન્દ્રના દરબારમોં?”

“ફક્ત ઇન્દ્રના દરબારમાં અપ્સરાઓના નૃત્યનો કાર્યક્રમ આયોજિત થતો હોય છે.”

“લે ઈમોય તમન લબડતા રાખ્યા ! એટલ ડાન્સ જોવા તમાર છેક ઇકણ જવું પડ !” વખતચંદના દરેક વાક્ય પછી યમરાજનો ચહેરો મુરઝાઈ રહ્યો હતો. તેમની પાસે હવે વખતચંદ સાથે વાદવિવાદ કરવાનું મનોબળ રહ્યું નહોતું એટલે તે ચુપ થઇ ગયા.

“આ ઇકણ પોચત ચેટલી વાર થશે?”

“અલ્યા ભઈ, શોન્તી રાખ ન.” યમરાજે ગુસ્સે થઈને છણકો કર્યો.

“લે તે મુઢું બંધ કરું, માર ચેટલા ટકા. તું તાર પશી લડી લેજે.”

અંતે પ્રવાસ પૂર્ણ થયો અને યમરાજે છુટકારાનો શ્વાસ લીધો. યમરાજે વખતચંદને યમપુરીમાં ઉતાર્યો અને ત્યાં એક આસન ઉપર બેસવા કહ્યું અને પોતે પાડાને પાર્ક કરવા બહાર ગયા. બહાર જતી વખતે તે હળવાશ અનુભવી રહ્યા હતા. વખતચંદે બોલી બોલીને તેમનું માથું પકવી દીધું હતું. જો કે તે વાતો કરી હતી એ પણ એટલી જ સત્ય હતી એ તે જાણતા હતા.

વખતચંદ ચારે તરફ જોઈ રહ્યો. તેને મજા પડી રહી હતી. થોડીવારમાં એક યમદૂત તેને બોલાવવા આવ્યો એટલે વખતચંદે તેની તરફ જોઇને કહ્યું, “અલ્યા ટેણી, તું ઓય નોકરી કર સ.”

યમદૂતને ખબર ન પડી કે શું પ્રતિભાવ આપવો. તેણે ફક્ત તેને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો. તે જ્યારે પહોંચ્યો ત્યારે યમરાજ એક સિંહાસન ઉપર વિરાજમાન હતા અને બાજુમાં તેમની ગદા પડેલી હતી. થોડા નીચે ચિત્રગુપ્ત એક બાજોઠ ઉપર બેસેલા હતા અને એક મેજ ઉપર ચોપડો મુકેલો હતો, જેમાં ઝીણી આંખે તે જોઈ રહ્યા હતા.

“બેતાળો કાઢયા હોય તો ! આવું ઝીણી ઓંખે જોવું ના પડ.”

ચિત્રગુપ્ત તેની વાત સમજી ગયા, તેમણે તેની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, “હમમમ, તારો ચોપડો જ જોઈ રહ્યો હતો. તારા ખાતામાં પુણ્ય તો છે પણ પાપ પણ એટલાં જ બોલે છે એટલે પહેલાં તારે એ ભોગવવા પડશે અને તારે નર્કના ત્રીજા દરવાજે જવું પડશે. એય કોણ છે ત્યાં?”

અચાનક એક મોટો અવાજ સંભળાયો. ચિત્રગુપ્તે ડરીને પાછળ જોયું તો યમરાજના હાથમાં ગદા હતી જે તેમણે જમીન ઉપર મુકેલી હતી. તેમણે પડકાર ફેંકતા કહ્યું,”ચિત્રગુપ્ત, વખતચંદ નર્કમાં નહીં પહેલાં સ્વર્ગમાં જશે. તે પહેલાં તેના પુણ્ય ભોગવવા પડશે અને તેનાં કરેલાં પાપ હું માફ કરું છું એટલે તે હવે સ્વર્ગ ભોગવીને ફરી પુર્થ્વી ઉપર જન્મ લેશે.”

ચિત્રગુપ્તે ચોપડો બંધ કરતાં કહ્યું, “પ્રભુ, મારું કામ મને કરવા દો, આપ તેમાં દખલ ન દો. આપનું કર્મ જીવનું હરણ કરવાનું છે તો એ જ કરો.”

“એય કર્મવાળી, બંધ થાય સ ક નઈ, આ ગદા જોઈ સ. ચોપડો મુકીન હેડતી થા.” અચાનક યમરાજ મહેસાણાના માણસના અવતારમાં આવી ગયા અને ગદા લઈને ચિત્રગુપ્ત તરફ આગળ વધ્યા.

ચિત્રગુપ્તે વખતચંદ તરફ જોયું અને ઝડપથી ઉઠીને ચોપડો લઈને દોડવા લાગ્યા અને યમરાજ તેની પાછળ ચોપડો આપતો જા કહીને પાછળ દોડવા લાગ્યા પણ તે પકડી શકે તે પહેલાં જ ચિત્રગુપ્ત અદ્રશ્ય થઇ ગયા. પાછળથી હસતાં હસતાં આ દ્રશ્ય વખતચંદ જોઈ રહ્યો હતો. ગદા પછાડતાં યમરાજ પાછા આવ્યા અને કહ્યું, “જોયો આપણો ચમત્કાર. હવે ઇન્દ્રનો વારો ચાલ મારી સાથે.” એટલું કહીને સીટી મારી એટલે એમનો પાડો તરત હાજર થયો.

યમરાજ વખતચંદને સાથે લઈને ઇન્દ્રના દરબારમાં આવ્યા અને પાડા પર બેસીને જ ત્યાં પ્રવેશ કર્યો. આજ સુધી તે પાડાને પ્રવેશદ્વારની બહાર જ મુકીને આવતાં. યમરાજ ત્યાં પ્રવેશ્યા તે સમયે ચિત્રગુપ્ત ઇન્દ્ર સામે ફરિયાદ કરી રહ્યો હતો.

"ચાડિયો થવા પેલથી જ ઓય આઈ જ્યો સ? પેલા મારો ચોપડો લાય.” યમરાજે પડકાર ફેંકતા કહ્યું.

“યમરાજ, આ કેવી ભાષામાં વાત કરો છો?” ઇન્દ્રે યમરાજ સામે જોઇને કહ્યું.

“દેવરાજ, હું હવે આ ચિત્રગુપ્તથી કંટાળી ગયો છું. આ નચાવે એમ કેટલા દિવસ નાચવાનું. હું યમપુરીનો રાજા અને મારું કોઈ સ્વામાન નહિ. તેને લાગે ત્યારે મને કહી દે કે જાઓ પૃથ્વીલોક અને આ જીવને લઇ આવો અને પેલા જીવને અને સજા પણ એ જ આપે. એ મારો સાચી છે કે બોસ એ ખબર નથી પડતી! તે ઉપરાંત મારી હજી એક ફરિયાદ છે. હવે મેનકા એક દિવસ તમારા દરબારમાં નૃત્ય કરશે અને એક દિવસ મારા દરબારમાં. બધો લહાવો તમે એકલા જ લો એ કેવી રીતે ચાલે. હું પણ સૂર્યપુત્ર છું, મારું માન જળવાવું જોઈએ.”

તે જ સમયે નારાયણ નારાયણ એવો અવાજ ત્યાં ગુંજ્યો અને દેવર્ષિ નારદમુનિનો ઇન્દ્રના દરબારમાં પ્રવેશ થયો. ‘કલહ !!!” તેમણે આ શબ્દો મનોમન ઉચ્ચાર્યા અને યમરાજની પાછળ આવીને વખતચંદની બાજુમાં આવીને ઉભા રહી ગયા. ઇન્દ્રની સ્થિતિ કાપો તો લોહી ન નીકળી એવી થઇ ગઈ. કલહપ્રિય નારદમુનિનું ત્યાં આવવું એટલે ઘર્ષણ વધવાનાં સંકેત હતા. નારદે અંદરથી રાજી થતાં પોતાના હાથમાં રહેલા કરતાલ ખખડાવ્યાં અને પૂછ્યું, “નારાયણ, નારાયણ! યમરાજ આજે આટલા બધા ક્રોધિત કેમ છો ? આજ સુધી તો આપને આટલા ક્રુદ્ધ નથી જોયા. શું ઇન્દ્રદેવ પાસેથી કોઈ ભૂલ થઇ ગઈ?”

યમરાજ કોઈ જવાબ આપે તે પહેલાં વખતચંદ બોલી ઉઠ્યો, “ઓહો નારદમુનિ ! મારા આરાધ્યદેવ ! પાય લાગુ બાપજી.” એમ કહીને તે તરત નારદમુનિના ચરણોમાં ઝૂક્યો.

“આ ધરતીવાસી તમ સ્વર્ગલોકનિવાસી કરતાં વધુ સંસ્કારી છે.” પોતાને આરાધ્યદેવ કહેનારો પહેલો મનુષ્ય જોઇને નારદમુનિ અંદરખાને રાજી થઇ ગયા હતા.

“બાપજી, આ પોતાના મોણહોનું મોન નહિ રાખતા, એ તમારું શું મોન રાખવાના હતા.”

“સત્યવચન છે તારું મનુષ્ય, હું જાણું છું કે ઇન્દ્ર ઘમંડી છે. પણ તેં તારો પરિચય ન આપ્યો !”

“બાપજી, હું વખતચંદ.”

“તો વખતચંદ, તું મને કહે કે શું થયું છે અને યમરાજ કેમ ક્રુદ્ધ છે ?”

ઇન્દ્ર બોલવા જતા હતા પણ દેવર્ષીએ પોતાનો હાથ ઉંચો કર્યો એટલે તે શાંત થઇ ગયા.

“બાપજી, આ યમરાજ બાપડા ચેટલા વરહથી ઈમનું કોમ બરાબર કર સ. કોઈ દાડ ભૂલચૂક કરી નહિ. આ એક કિસ્સો ઓભ્ળ્યો તો સાવિત્રી અને સત્યવોનનો. બાકી કોઈ દાડ એ ચુક્યા નહિ. અમાર ઇકણ અમે ઈમન ધરમરાજ કઈન બોલાઈએ. ઈમન ન્યાના દેવતા કઈએ. પણ એ તો બધી વાતો જ ખોટી. આ તો ઈમના હંગાથ વાત કરી તાણ ખબર પડી ક ઈમન તો ન્યા કરવાનો આવતો જ નહિ. એ બાપડા અમારા ઓગડીયાવાળા જેવું કોમ કર સ. ખાલી ઇકણથી જીવ ઓય લાબ્બાનો અન સરગ ક નરકમોં પોચાડવાનો. હાચો ન્યાનો દેવતા તો ચિત્રગુપ્ત સ.”

“આ તો ખરેખર અન્યાય કહેવાય. અમે આ દ્રષ્ટિકોણથી વિચાર જ નહોતો કર્યો. છતાં હું હજી એક પ્રશ્ન પૂછવા ચાહીશ કે આ ચિત્રમાં ઇન્દ્રદેવ ક્યાંથી આવે.” પોતાનું નામ કથામાં ન આવતું જોઇને ખુશ થઇ રહેલા ઇન્દ્રદેવનો ચહેરો મુરઝાઈ ગયો.

“ખાલી એટલો જ અન્યા નહિ થયો બાપડા યમરાજ હંગાથ. અવ તમે કો આ ચેટલું બધું કોમ કર સ, એટલ મનોરંજનની જરૂર કુન હોય. આ હળી ભાગીન ટુકડો ય નહિ કરતા એ ઇન્દ્ર ન ક આ કોમ કરીન તૂટી જતા યમરાજ ન. પાસું યમરાજ કઈ ઓય આબા ઇન્દ્રની પરમીશન લેવી પડ. ભોડાની પરમીશન! કોમ કર આ બધા અને જલસા આ એકલા કર. આ ચોનો ન્યા?”

“નારાયણ, નારાયણ! વખતચંદ તું તો મારો માનસપુત્ર છે. તારો અનાખો દ્રષ્ટિકોણ મને ગમ્યો. આટલાં વર્ષમાં યમરાજ સાથે કેટલો બધો અન્યાય થયો. આજે તેં યમરાજની જ નહીં મારી પણ આંખો ખોલી દીધી. હું લોકકલ્યાણ માટે યુગો યુગોથી બધે ફરું છું અને મારા પોતાના ઘરમાં જ અંધકાર છે. હે ઇન્દ્રદેવ આપ તત્પરતાથી પોતાના આસનનો ત્યાગ કરો. આ સિંહાસનના હકદાર તો યમરાજ છે. જો આપ એવું નહિ કરો તો હું યમરાજને આપની ઉપર ગદાથી પ્રહાર કરવાની રજા આપી દઈશ. આપ જાણો છો યમરાજ કેટલા શક્તિશાળી છે, તેમની શક્તિઓની કોઈ સીમા નથી.”

“હાચી વાત કરી બાપજી! આ યમરાજ હોમ ઇન્દ્ર તો મગતરું સ.”   


ઇન્દ્રના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે કહ્યું, “યમરાજ ભલે શક્તિશાળી હશે પણ મારા કરતાં બધું શક્તિ નથી તેમની પાસે. તે ફક્ત ગદા ઉપાડી જાણે છે પણ હું દરેક પ્રકારની યુદ્ધવિદ્યા જાણું છું. હું દેવોનો રાજા ગણાઉં છું શું એ વાત આપ બધા ભૂલી ગયા. યમ જો ધર્મરાજ હોય તો ધર્મનું કામ કરે, સુરા અને સુંદરી એમને ન મળે. તમને લાગે છે કે આવા ભયંકર અને કૃષ્ણવર્ણી દેહના સ્વામી યમ સામે અપ્સરાઓ નૃત્ય કરશે? આની સામે નૃત્ય કરવા દાનવીઓને બોલાવવી પડશે.”

યમરાજ પોતાનું નામ રાજના ઉચ્ચાર વગર ઇન્દ્રદેવે લીધું તે ન ગમ્યું અને તેમના શરીરના રંગની મજાક ઉડાવી એટલે તે ગદા લઈને આગળ વધ્યા અને ઇન્દ્ર પોતાનું અમોઘ શસ્ત્ર વજ્ર લઈને આગળ વધ્યા.

નારદમુનિ વખતચંદના ખભે હાથ મુકીને આનંદથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ઇન્દ્રના દરબારમાં બે શસ્ત્રો ટકરાઈ રહ્યા હતા અને બધે તણખા ઉડી રહ્યા હતા. અપ્સરાઓ ડરીને એક ખૂણામાં ભરાઈ ગઈ હતી.

“અલ્યા બધા ઉભા રો. મારી વાત ઓભળી લો પશી બાઝ્વું હોય તો બાઝજો.”

યમરાજ અને ઇન્દ્ર ઉભા રહી ગયા.

ઇન્દ્રદરબારના દરવાજે એક વ્યક્તિ ચિત્રગુપ્ત સાથે ઉભો હતો. તેને જોઇને વખતચંદના ચહેરાનું નૂર ઉડી ગયું.

ઇન્દ્રે પૂછ્યું, “કોણ છે તું?”

“હું વનેચંદ આ વખતનો બાપ. અલ્યા ! તમારા બધામોં બુદ્ધિનો સોટો નહિ ? કુની વાતમોં આઈ જ્યા! આ વખો નેનપણથી અળવીતરો. એ ચિત્રગુપ્ત, આ યમરાજન તારો ચોપડી બતાય. એ ચોપડામોં જોવો આ વખાના નોમે પાપ સ એ બધો બીજોન બઝાડવાના. મારો સોકરો સ ન મી તો નેનો હતો તાણનો ઈનો લક્ષણો જોઈ લીધા તા. અવ જે મોણહ માટ નારદમુનિ આરાધ્યદેવ હોય ઈનું શું કેવું! ”

યમરાજ તે ચોપડામાં જોઈ રહ્યા હતા. જેમ જેમ તે વાંચી રહ્યા હતા, તેમ તેમ તે શાંત થઇ રહ્યા હતા. તે ચોપડો ચિત્રગુપ્તના હાથમાં આપીને તેમણે કહ્યું, “આપની વાત સાચી છે, છતાં તેનાથી મને થતો અન્યાય ઓછો નથી થઇ જતો!”

વનેચંદ ઉકળી ઉઠ્યા, “અલ્યા શનો અન્યા, તું રાજા સ ક કારકુન. તું કોય બધોના જીવ લેવા જતો નહિ એ બહુ તો તારો ટેણીયો કર. એ આવ એટલ તું દર વખતે ચોપડો ખોલીન ગણતરી કરતો બેહે. આ ચિત્રગુપ્ત તો તારો શેક્રેટરી કેવાય, એ બધી ગણતરી કર અને તન કે પશી તું ન્યા કરી હક. અવ તાર ચોપડા વોચવામોં ટાઈમ પાશ કરવો સ?”

વનેચંદની વાત યમરાજના મગજમાં ઉતરી રહી હતી.

નારદમુનિ ચિત્ર પલટાતા જોઇને બોલ્યા, “નારાયણ, નારાયણ, આપના તર્ક ગળે ઉતરે એવા છે પણ એક વાત હું જરૂર કહીશ કે ઇન્દ્રદેવ તરફથી અન્યાય જરૂર થઇ રહ્યો છે.”

“અલ્યા નારદ, કોક તો શરમ કર! આ યમરાજ હડતાલ પડી દેશે તો ત્યો શું થશે?” પછી યમરાજ તરફ ફરીને કહ્યું, “યમરાજ, નેચ મંદિરમોં તમારી મૂર્તિ હોય સ બીજા દેવતાઓની મૂર્તિ હોય સ પણ તમે ચ્યોય ઓભળ્યુ ક આ ઇન્દ્રનું મંદિર સ. જે મોણાહ આખો વખત દારૂ પીન બૈરોનાં ડાન્સ જોતો બેહી રે ઈનું મંદિર ચોથી હોય. એ ખાલી દેખાડવાનો રાજા. તમે તો બધાના મનના રાજા. પશી પબ્લિકમોં તમારી બીક ખરી. ઇન્દ્ર ન કોય કુતરું ય નહિ પુસતું.”

વનેચંદની વાત સાંભળીને યમરાજનો ચહેરો ખીલી ઉઠ્યો. પણ ઇન્દ્રદેવનો ચહેરો ઉતરી ગયો હતો. વનેચંદે તેમની તરફ આંખ મીચકારી.

યમરાજે તરત બધા સામે જોઇને કહ્યું, “મને મારા અભદ્ર વર્તન માટે ક્ષમા કરશો. હું ફરીથી યમપુરી તરફ પ્રયાણ કરું છું. ચિત્રગુપ્ત આ પામર જીવને લઈને આપ આગળ જાઓ.”

સંતુષ્ટ થઈને યમ પોતાના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા. નિરાશવદને વખતચંદ ચિત્રગુપ્ત સાથે નીકળ્યો.

વનેચંદ ઇન્દ્ર તરફ ગયા અને તેના ખભે હાથ મારીને કહ્યું, “તોડી પાડ્યો ન સોકરાનો દાવ! અવ હેડ થોડી લાય એક પાલામોં અને એય સોડીયો રાહ શું જોઈ રઈ સો ? નાચવા મંડો.”


Rate this content
Log in

Similar gujarati story from Comedy