હરામખોર
હરામખોર
“સટાક “ એ અવાજ ઘરમાં ચારે તરફ ગુંજ્યો. જો કે ઘર પણ નાનું જ હતું. એક રૂમ અને એક રસોડું. આ અવાજ હતો નાના બાળકને પડેલી થપ્પડનો. આ નિત્યક્રમ હતો એ ઘરમાં તે બાળક દરરોજ ઘરમાં માર ખાતું તેના ફૂવાના હાથે.
રમો રેલ્વેમાં ગેંગમેન તરીકે કામ કરતો હતો અને રેલ્વે કવાર્ટરમાં રહેતો હતો. એક તો નાનું ઘર ઉપરાંત વધારાની જવાબદારી સાળાના દીકરાની. રમો સમસમી ઉઠ્યો હતો જયારે તેની પત્ની કાન્તાએ વિનંતી કરી, “ સુરાના રાજુડાને આપડી પાસે રાખવો પડહે, તેની નવી મા બો ખરાબ સે.”
રમાએ જવાબદારીથી બચવાની કોશિશ કરી પણ અંતે તેણે હાર માની લીધી અને કહ્યું,” સુરાનો સ્વભાવ ખારો સે, પસી તમારા વચ્ચે કોઈ બબાલ થાય તો મુને ન કેતી.”
થોડા સમય તો બધું બરાબર ચાલ્યું પણ રાજુ નાસમજ હતો અને કોઈને કોઈ રીતે ઉત્પાત મચાવતો. શરૂઆતમાં કંઈ ન કહ્યું પણ એક દિવસ તેના નાના છોકરાને રાજુને લીધે માથામાં વાગી ગયું અને રમાનો પોતાના પરનો તાબો છૂટી ગયો અને રાજુને થપ્પડ ઝીંકી દીધી. તે દિવસ બાદ રાજુ રોજ માર ખાવા લાગ્યો.
“ સાલા હરામી, જીવન ઝેર કરી નાયખું સે મારું, તારી ટીચરો કંઈ ગાંડી સે રોજ તારી ફરિયાદ કરવા.” એમ કહીને રમાએ રાજુને થપ્પડ મારી દીધી. રોજની આ રામાયણથી કંટાળેલી કાન્તા પણ પોતાનો ક્રોધ રાજુ પર ઉતારતી.
આમને આમ બે વરસ નીકળી ગયા પણ રાજુને પડતી માર ઓછી ન થઈ. રમો દિવસમાં એક દિવસ રાજુને ગાળાગાળી કરીને માર ન મારે ત્યાં સુધી રમાનો દિવસ પૂરો ન થતો.
“ એય કૂતરા, આયા આવ.” થોડી પીને આવેલા રમાએ રાજુને નજીક બોલાવ્યો અને ખિસ્સામાંથી ચોકલેટ કાઢીને આપી અને જોરજોરથી હસવા લાગ્યો.
રાજુનો બાપ રંગીન સ્વભાવનો હતો. રાજુની માથી ધરાયા પછી તેને કાઢી મૂકી અને બીજા લગન કર્યા, ત્યારબાદ રાજુની કમબખ્તી શરુ થઇ. નવી માએ તેનું જીવતર ઝેર કરી દીધું હતું, જે કાન્તા જોઈ ન શકી અને પોતાના સાથે લઈ આવી.
રમાને ઘણીવાર રાજુની દયા આવતી અને સવારે ઘરેથી નીકળતી વખતે નક્કી કરતો કે તે તેને નહિ મારે પણ સાંજે જયારે ઘરે આવતો ત્યારે રાજુના કાંડની ખબર પડતી અને સવારનો નિર્ણય ફેરવાઈ જતો અને બોલી ઉઠતો,” સાલા હરામખોર, કાં ગિયો?”
એક દિવસ સમાચાર આવ્યા કે સુરાએ રાજુની નવી માને ભગાડી દીધી અને ત્રીજી બાયડી લાવ્યો છે. સુરો નવી બાયડી સાથે રાજુને લેવા આવ્યો હતો. તે આવ્યો તે વખતે રમો ઘરે ન હતો. સાંજે તે આવ્યો ત્યારે કાન્તાએ રાજુને જબરદસ્તીથી તૈયાર કરી રાખ્યો હતો. કાન્તાએ પાણી આપતા કહ્યું,” રાજુને લેવા સુરો આયવો સે, મેં રાજુને મોકલી દવ સુ એટલે ઘરમાં શાંતિ.”
કાન્તાની વાત સાંભળીને રમો ફાટી પડ્યો,” મારો સોકરો રાજુડો કેથે બી ની જાવાનો, આયા મારી પાહે જ રેવાનો. નવી મા બે દા’ડા હારું રાખહે, પસી મારવાનું ચાલુ કરી લાખહે તો પાસી લેવા જાહે. એ હરામખોરને ક્યાંય બી નઈ જવા દેવ” એમ કહીને રાજુને પોતાની પાસે ખેંચી લીધો અને ખીસામાંથી ચોકલેટ કાઢીને આપી અને રાજુ હસતા મુખે રમાને વળગી પડ્યો.