એક અજાણ્યો પત્ર
એક અજાણ્યો પત્ર


"સાંભળો છો?"રસોડામાંથી અવાજ આવ્યો
મોબાઇલમાંથી મોઢું કાઢીને બોલ્યો, "શું કામ હતું ?"
હાથ લૂછતી ડિમ્પલ બહાર આવી અને કહ્યું, "આ દિવાળી ગઈ નવું વરસ ગયું હવે તો તમારું કબાટ સાફ કરી લો, જરા થોડું ગોઠવી લો પુસ્તકો કેટલા અસ્તવ્યસ્ત થઇ ગયા છે."
મેં કહ્યું"હા થોડીવારમાં કરું છું"
મારા હાથમાંથી મોબાઈલ છીનવી લેતા કહ્યું, "આ ડબલાને મુકો અને થોડું કામ કરી લો અઠવાડિયામાં એકજ દિવસ હાથમાં આવો છો બાકી દિવસ તો આજ તો ઓફિસમાં બહુ કામ હતું થાકી ગયા એવા બહાના કાઢો છો ને પાછો મોબાઈલ લઈને જ બેસી જાઓ છો, કહું છું મોબાઈલ મચેડવામાં થાક નથી લાગતો."
મેં કહ્યું"શાંતિ રાખને બાપલા અને આ જો મારી અતિકર્ણ પર કેટલી સરસ કોમેન્ટો આવી છે."
તે માથું હલાવતા બોલી, "હા તો કોમેન્ટ કરનારાઓને કહી દો ઘરની થોડી સાફસફાઈ કરી આપે, ખબર છે મને લેખક બની ગયા છો તે"
મેં કહ્યું, "ઠીક છે હું મારા પુસ્તકોનું કબાટ સાફ કરું છું."પણ કહે છે ને કોઈને આંગળી આપો તો પહોંચું પકડે તેમ પત્નીએ કહ્યું"પુસ્તકોનું કબાટ પછી કરજો પહેલા પેલો ખૂણો સાફ કરી આપો, ઉંદરોએ બહુ ત્રાસ ફેલાવ્યો છે."
મેં નંદીની જેમ માથું હલાવ્યું અને કહ્યું"જેવી આજ્ઞા મહારાણી"
આજે મારી પત્ની બહુ સારા મૂડમાં હતી નહિ તો તે દર રવિવારે મને ઘરમાં સ્વર્ગનો અહેસાસ કરાવતી . સવારે ઉઠીને તેનો ચેહરો જોઈને સમજી જતો કે માર્યા ઠાર આજે ફરી કંઈક ભૂલી ગયો અને તે યાદ ત્યારે જ આવતું જયારે તે યાદ કરાવતી.
બપોર પડી ગઈ ખૂણો સાફ કરતા. મેં પત્ની તરફ જોઈને કહ્યું"આ કેટલા નકામાં ગાભા સાચવી રાખ્યા છે, ફેંકી દે આ બધા"
તેણે કહ્યું, "એમાંથી કંઈ નકામું નથી, આ જે ગાભા છે તે પોતું કરવાના કામમાં આવશે, આ સફેદ ટાઈલ્સો નંખાવી છે ત્યારથી દર મહિને પોતું બદલી દેવું પડે છે"
મેં કહ્યું, "અરે ભાગ્યવાન આપણી પાસે મોપ છે, તે વાપર ને"તેણે તરત પરખાવ્યું.
"હા ખબર છે લખપતિ છો તે."
મેં હાથ જોડ્યા અને કહ્યું, "હવે થોડી ચા પીવડાવ એટલે આગળનું કામ કરું"
એમ કહીને હાથમાં મોબાઈલ લીધો પણ તેની આંખ તરફ જોઈને ચાર્જર તરફ આગળ વધ્યો એટલે તે હસવા લાગી અને કહ્યું"જોઈ લો જોઈ લો કેટલી નોટિફિકેશન આવી તે જોઈ લો."
મેં મનોમન વિચાર્યું હાશ મેડમનો મૂડ આજે સારો છે, હા પણ આજે સાફસફાઈ કરાવી રહ્યો છું તો મૂડ કેમ સારો ન હોય.
ચા પીને હું મારા પુસ્તકોના કબાટ પાસે ગયો. ઉપરના ભાગમાં બધા ધાર્મિક પુસ્તકો હતા જેનો સૌથી વધુ ઉપયોગ મારી સ્વર્ગસ્થ મમ્મીએ કરેલો અને તેમાંથી ઘણા બધા મેં વાંચ્યા છે પણ હજી વાંચવાનું બાકી છે . હશે મેં કપડાથી ઝાટકીને તે ફરી ગોઠવ્યા. તે પછી વચ્ચેના ભાગ તરફ વળ્યો જ્યાં સફારી મેગેઝીન અને હમણાં થોડા સમયથી ખરીદ કરેલા નવા પુસ્તકો હતા. સૌથી નીચે મારા પ્રિય ગુજરાતી પુસ્તકોનો ખજાનો હતો જેમાં મારા નાનાના ઘરેથી લાવેલું પુસ્તક "રૂપ"મુખ્ય હતું. "ઓસ મહીં આ તરતી ધૂપ એટલે તારું ચડતું રૂપ" હું તે ત્યાં જ બેસીને વાંચવા લાગ્યો અને થોડીવાર માટે ખોવાઈ ગયો. બધી સાફસફાઈ થઇ ગયા પછી મારુ ધ્યાન એક ખાના પર પડ્યું જે મેં હમણાંથી ખોલ્યું નહોતું.
તે ખોલતાંજ મારા હાથ ખજાનો લાગ્યો, મને યાદ નહોતું કે આ બે થેલીઓ મેં અહીં મૂકી છે. એક થેલીમાં હતા મારા પપ્પા દ્વારા મારી મમ્મીને લખાયેલા પત્રો જે તેમણે મુંબઈથી ગામડે મારી મમ્મીને લખ્યા હતા અને બીજી થેલીમાં મેં મારી પત્નીને સગાઇ પછી લખેલા પત્રો હતા. મારા પપ્પાએ લખેલા અંતર્દેશીય પત્રો પર હાથ ફેરવ્યા તેમાં મને તેમની હાજરી જણાતી હતી, હું તે ફરી વાંચવા લાગ્યો અને આંખના ખૂણા ભીના થઇ ગયા .
તે પછી હું મારા પોતાના હાથે લખાયેલા પત્રો વાંચવા લાગ્યો, મારા પિતાના અને મારા લખાણમાં બહુ સામ્ય હતું (ઓ ભાઈ, પ્રેમપત્ર લખવાનું બાપાનો શીખવાડે) છતાંય એ લખનાર અજાણ્યો લાગ્યો ન જાણે કેમ હું તેને ખોઈ બેઠો છું, તેના લખાણમાં કેટલી માસુમિયત હતી અને આજે શું મારી પત્નીને આ રીતનો પત્ર લખી શકું. કદાચ તે કોઈ બીજો જ હતો થોડો અણઘડ, થોડો માસુમ, થોડો ડરપોક. હું તે પત્ર પર હાથ ફેરવીને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો.
એટલામાં મને પાછળથી ડૂસકાંનો અવાજ સંભળાયો. તે અજાણ્યાને ઓળખવાના ચક્કરમાં ભૂલી ગયો કે મારી પત્ની પાછળ આવીને બેસી ગઈ હતી અને મારા પિતાએ મમ્મીને લખેલો પત્ર વાંચી રહી હતી.
મેં તેના આસું લૂછ્યાં અને કહ્યું ગાંડી આ તો સૌથી સારામાં સારી યાદો છે આપણી પાસે, અને વાચીં રડાય નહિ. ચાલ તૈયાર થઇ જા આઈસક્રીમ ખાવા જઈએ . એમ કહીને બંને થેલીઓ ફરી અંદર મૂકી અને હું તે અજાણ્યા વ્યક્તિને ફરી ખાનામાં પુરીને બહાર આવ્યો.