Jyotindra Mehta

Inspirational

4  

Jyotindra Mehta

Inspirational

મજબૂરી

મજબૂરી

8 mins
242


હું અંધારી ઝુંપડીમાં ટૂંટિયું વાળીને બેસી રહ્યો હતો. બલ્બનો ઝાંખો પ્રકાશ મારા ચેહરાના હાવભાવ વાંચવામાં અક્ષમ હતો. સામે બેસેલી રફિયા પણ તે જ વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અંતે હારીને તે મારી નજીક આવી અને મારા વાળમાં હાથ ફેરવીને પૂછ્યું, “બદરુ, શું થયું ? શું આજે કોઈની સાથે ઝગડો થયો ? ના , ઝગડો તો તું કોઈની સાથે કરતો નથી તો શું કોઈએ કઈ કહ્યું ? અને જો કોઈએ કઈ કહ્યું હોય અને અને તું ઉદાસ હોય તો ભૂલી જજે, ખુદ્દારી ગરીબો માટે કોઈ માયને નથી રાખતી.”

 

હું તેને કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો, આમેય તેને મારી અડધીપડધી હકીકતજ ખબર હતી. આજે મારી બદકિસ્મતીએ એવા મોડ પર લાવીને ઉભો કરી દીધો હતો કે આ તરફ ખાઈ અને બીજી તરફ કુંઓ હતો. રફિયાએ પોતાના પ્રયસો પડતા મુક્યા અને કહ્યું, “અત્યારે શાંતિથી સુઈ જ સવારે વાત કરીશું.”

તેણે ખૂણામાં બે કોથળા સીવીને બનાવેલી પથારી પાથરી અને તેમાં મને સુવડાવીને બાજુમાં લંબાવ્યું. મને નાહરક્ત જોઇને તે પડખું ફેરવીને સુઈ ગઈ અને હું તેની અડધી ખુલ્લી પીઠ તરફ તાકી રહ્યો. તેની પીઠ પણ જાણે મારા પર અંગારા વરસાવી રહી હતી. મારાથી તે તાપ સહન ન થતા મેં મારી નજર આછો પ્રકાશ ફેલાવી રહેલા બલ્બ તરફ નજર કરી અને હું અતીતમાં સરી પડ્યો.

છ વર્ષ પહેલા...

બાંગ્લાદેશનું અમુઆ નામનું નાનકડું ગામ અને તેમાં રહેતા એક ગરીબ ખેતમજૂરનું છઠું સંતાન. મોટાભાગનું ગામ ગરીબીથી ઘેરાયેલું હતું અને અમારું ઘર તો માશાઅલ્લાહ. કોઈ દિવસ એક ટાઈમ કે અડધા ભૂખ્યા રહેવાનો અમારા ઘરનો નિયમ બની ગયો હતો. કોઈ દિવસ ભૂખ્યા પણ સુવું પડતું. પણ હું નાનપણથી આ ભૂખથી પરિચિત હતો એ મારું અંદરની તરફ નીકળી ગયેલું પેટ અને ગાલની અંદર પડતા ખાડા બતાવી આપતા હતા. કોઈ દિવસ કોઈના ઘરેથી વાસી રોટી માગી લાવતો પણ એક દિવસ અબ્બુને ખબર પડી અને એટલી પીટાઈ થઇ કે મેં ફરી આવું ન કરવાના સોગંધ ખાધા.

 મારાથી મોટા ત્રણ ભાઈ હતા જે ઘર છોડીને ભાગી ગયા હતા પણ હું નાનો હતો અને સકીના અને ફરઝાનાની જવાબદારી એકલા અબ્બુ પર છોડીને જઈ શકવાની સ્થિતિમાં ન હતો, પણ ખરાબ કિસ્મતે તે કામ પણ કરી દીધું. એક દિવસ સકીના નારાજ થઈને ફરઝાનાને લઈને ઘર છોડીને નીકળી ગઈ અને તે ઘટનાને અબ્બુએ મન પર લઇ લીધી અને તે અલ્લાહને પ્યારા થઇ ગયા. તેમના અને સકીનાના ગયા પછી અમ્મી પાગલ થઇ ગઈ. તેને હસ્પતાલ લઇ જવાના ટાકા ન હતા એટલે તેને પીરબાબાની દરગાહ પાસે મુકીને આંખમાં કમાવાનું સપનું લઈને ગામ છોડ્યું. હવે તે ગામમાં મારા માટે કઈ બચ્યું ન હતું. મેં પણ મારા ભાઈઓની જેમ ઇન્ડિયા જઈને રોજીરોટી કમાવવાનું નક્કી કર્યું.

હજી તો હું ૧૭ વરસનો હતો અને ગામ છોડીને ઢાકા આવી ગયો. ગામમાંથી એક દોસ્ત પાસેથી એક એજન્ટનું સરનામું મળ્યું હતું જે બહુ સસ્તામાં ઇન્ડિયાની બોર્ડર પાર કરવતો હતો. હું ઢાકા જઈને જબ્બારભાઈને મળ્યો. તેને જયારે ઇન્ડિયાની બોર્ડર પાર કરાવવાની વાત કરી ત્યારે તેણે મને કહ્યું,“બદરુ , બોર્ડર પાર એમજ નથી કરાતી ઘણા બધાને ખયારાત કરવી પડે છે એના માટે કઇ નહિ તો ૧૫૦૦૦ ટાકા જોઇશે.” હું વિનવવા લાગ્યો કે તે મને ઇન્ડિયા મોકલી દે હું પાછા આવીને વધારે ટાકા આપીશ.

 પણ જબ્બારભાઈ ધંધાધારી હતો . તેણે કહ્યું, “દેખો બદરુ, જે એક વાર બોર્ડર પાર કરે તે વાપસ નથી આવતો પણ તને એક શર્ત પર ઇન્ડિયા પહોચાડીશ. તારે મારા માટે ૬ મહિના કામ કરવાનું પછી હું તને બોર્ડર પાર કરાવી દઈશ અને તને ઇન્ડિયામાં કામ પણ અપાવીશ. ત્યાં સુધી તારી રોટીની જિમ્મેદારી મારી.” મારા માટે બીજો કોઈ રસ્તો નહોતો. અને ૬ મહિના સુધી દાલરોટીની વ્યવસ્થા તો થઇ ગઈ હતી.

ત્રીજે દિવસે મને એક થેલો આપવામાં આવ્યો અને કહ્યું “આ થેલો તારે બારીસાલ પહોચાડવાનો છે.આમાં હશીશ છે, જે તારે સહીસલામત હમિદબોંધુના હાથમાં આપવાની છે.” તે વખતે મને પોતાના પર નફરત થઇ આવી હતી પણ મારે ઇન્ડિયા જવું હતું તેથી હું તૈયાર થઇ ગયો. મેં એક કોથળાનો ઇંતજામ કર્યો અને એમાં તે થેલો મૂકી દીધો અને બસઅડ્ડા પર જઈને બસની છત પર બેસી ગયો. મારો દેખાવ એક મજદૂર જેવો હતો એટલે મને કોઈએ કંઈ પૂછ્યું નહિ અને હું આરામથી બારીસાલ પહોચી ગયો. થોડા ટાકા પણ બચી ગયા હતા.

હમીદભાઈએ મને શાબાશી આપી અને તે પછી છ મહિના સુધી હું બારીસાલ, તુંગી અને કોમીલીયાના ફેરા કરતો રહ્યો. ૭ મહિના સુધી તો કોઈએ મને ઇન્ડિયા પહોચાડવાનું નામ ન દીધું એટલે મેં જબ્બારભાઈને યાદ દેવડાવ્યું એટલે તેમણે કહ્યું,“ ઇંતજામ થઇ રહ્યો છે આવતા મહીને તને બોર્ડર પાર કરાવી દઈશ અને હું એક ખત આપીશ જે તારે બશીરબોંધુને આપવાનો, તે તારો રહેવાનો ઇંતજામ કરી દેશે.”

ત્યાંથી બે મહિનાની રઝળપાટ પછી હું મુંબ્રા પહોંચ્યો. ત્યાં બશીરભાઈને મળ્યો. તેમણે મારી રહેવાની વ્યવસ્થા નુરજહાં આપાના નામેથી ઓળખાતી ઔરતની ઝુંપડપટ્ટીમાં કરી હતી. જયારે મારી પહેચાન નુરજહાં સાથે કરાવી. તે ચાળીસી પાર કરેલી બાઈ હતી પણ બહુ જ સુંદર અને એટલી જ ખતરનાક. તેણે મને જોઇને કહ્યું, “ઔર એક બંગાલી, સુન ઇદર શાંતિ સે રેહને કા ઝગડા નઈ કરને કા, ઔર બંગાલી ટોન મેં બાત નઈ કરના.” તે આમ તો ખતરનાક હતી પણ બસ્તીવાળા માટે બહુ સારી હતી બધાનું બહુ ધ્યાન રાખતી. પણ જો કોઈ તેની સામે આંખ પણ ઉંચી કરે તો તેની આંખ નોચી લેતી. બસ્તીમાં બધા તેને બડી આપા કહેતા.

બશીરભાઈને કામનું પૂછ્યું તો કહ્યું, “મિયાં, તું જે કામમાં ઉસ્તાદ છે તે કામ અહી પણ મળી રહેશે.” ૬ મહિના લાગલગાટ હેરાફેરીનો ધંધો કર્યો એક બે વાર પોલીસના હાથમાં આવતા બચી ગયો એટલે મને થોડો ડર પણ લાગવા લાગ્યો એટલે મેં નુરજહાં આપાને વાત કરી તો તેણે બશીરભાઈને બોલાવીને કહી દીધું “યે લડકા અભી તુમ્હારા કોઈ કામ નહિ કરેગા, ઇસે પરેશાન મત કરના.” ખબર નહિ શું પીઠબળ હતું તેની પાછળ કે બશીરભાઈ આસાનીથી માની ગયા.પાછળથી ખબર પડી કે આપાનો મોટો ભાઈ બહુ ખતરનાક ગેન્ગસ્ટર છે.

હું હવે ભંગારનું કામ કરવા લાગ્યો પૈસા ઓછા મળતા પણ દાલરોટી નીકળી જતી. નુરજહાં આપા પછી બીજી એક સુંદર બાઈ જોઈ જે આપા જેવીજ ખતરનાક, રફિયા. તેને જોઇને મારું દિલ તેના પર આવી ગયું. હવે હું શાદી કરવા લાયક જવાન થઇ ગયો હતો. તે પણ ભંગાર જમા કરવાનું કામ કરતી હતી. તેને પણ હું પસંદ પડી ગયો હતો.

અમારા નિકાહ થઇ ગયા અને તે મારી સાથે રહેવા આવી ગઈ. ઘણીવાર વિચાર કરતો કે જિંદગીએ કેવો મોડ લઇ લીધો છે. ક્યાં હું ઘરે રાત્રે ભૂખ્યો સુઈ જતો અને ક્યાં આ જીંદગી. છતાં કોઈવાર એવો વિચાર આવતો કે લાવ થોડો ટાઈમ પાછી હેરાફેરી શરુ કરું અને રફિયાને દાગીનાથી લાદી દઉં. અત્યારે તો બે ટાઈમ રોટી મળતી પણ એ વખતે તો રોજ રાત્રે વિદેશી દારૂ પણ પીતો. ગોટ્યા, દગડુ અને રફીક તે વખતના મારા સાથીદારો. કામ છૂટી ગયું અને સાથીદારોનો સાથ પણ છૂટી ગયો. એક વખત મેં રફિયાને કહ્યું પણ. તે વખતે તેણે મને સોગંધ આપી અને કહ્યું, “હરામની કમાઈથી હરામી બની જવાય, તેની મને જરૂરત નથી.”

પણ ગઈકાલે રાતે એવી ભયાનક ઘટના બની કે હું ભંવરમાં ફસાઈ ગયો. મોડેથી હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે બસ્તીની બહાર ઉભેલી મારુતિ વાન પર નજર પડી. હું બસ્તીમાં આગળ વધ્યો અને આપાની ઝુંપડીમાંથી મને ધીમા ધીમા અવાજો આવી રહ્યા હતા, હું સતર્ક થઇ ગયો અને આગળ વધ્યો. એક જગ્યાએ કાણું હતું તેમાંથી અંદરની તરફ જોયું અને હું ધ્રુજી ગયો. અંદર ચાર હટ્ટાકટ્ટા પહેલવાનો ઉભા હતા અને એક વ્યક્તિ નુરજહાં પર હતો, તે દ્રશ્ય જોઇને મારા રુંવાડા ઉભા થઇ ગયા અંદર દોડીને આપાને બચાવવાની ઈચ્છા થઇ આવી, એમ થયું કે અંદર જઈને તેમનો સામનો કરું પણ તેમને હું ઓળખતો હતો તે બહુ જાલિમ ગુંડા હતા અને તેમના હથિયાર જોઇને મારી હિંમત પડી ભાંગી. છેલ્લે તેઓ આપાના ગળા પર ચાકુ ફેરવીને બહાર નીકળ્યા. હું ઝુંપડીની પાછળ લપાઈ ગયો. હું બધાને ઓળખાતો હતો તેઓ પક્યાભાઈના ગુંડાઓ હતા. તેમાંથી એક કહી રહ્યો હતો, “ સાલી XXXXXX ને પક્યાભાઈશી પંગા ઘેતલા.” મારી હિંમત ન ચાલી કે હું નુરજહાં પાસે જાઉં. યા અલ્લાહ કેટલી બેદર્દી દેખાડી આ શૈતાનોએ. અડધો કલાક ત્યાજ બેસી રહ્યો પછી મારી ઝુંપડીમાં આવી ગયો.

 અચાનક મેં આંખ ખોલી અને અને રફિયા તરફ જોયું અને વિચારવા લાગ્યો હવે મારે શું કરવું જોઈએ. શું હું પોલીસ પાસે જાઉં ? પણ મારું તો રેશન કાર્ડ હજી બન્યું નથી જો પોલીસ પૂછશે તો શું કહીશ ? કાલે સવારે તો બધાને ખબર પડી જશે અને પછી પોલીસ આવશે અને બધાની પુછતાછ કરશે. હું અત્યારે પોલીસ પાસે જઈશ તો પણ તેઓ પકડશે અને અત્યારે નહિ જાઉં તો પણ આવતીકાલે સવારે પકડાઈ જઈશ. આપાની સૌથી નજીકની ઝુંપડી અમારીજ છે. જો અહીંથી ક્યાંક ફરાર થઇ જઈશ તો બચી જઈશ હા એ જ સારો માર્ગ છે અને જો ગવાહી આપવા જઈશ અને પક્યાભાઈને ખબર પડશે તો પણ તે મને નહિ છોડે.

બાજુમાં સુઈ રહેલી રફિયાને ઢંઢોળીને જગાડી અને તેને કહ્યું, “રફિયા , ચલ જલ્દી આપણે અહીંથી નીકળી જવું પડશે.” આંખ ચોળી રહેલી રફિયાએ મારી સામે જોઈને કહ્યું “ શું થયું બદરુ ? ક્યાં જવું પડશે ?” મેં કહ્યું,“ આપાનું મર્ડર થઇ ગયું છે સવારે પોલીસ આવશે અને બધાને ચેક કરશે એટલે તેમને ખબર પડી જશે કે હું બાંગ્લાદેશી છું, એટલે મને અહીંથી કાઢી મુકશે. મારું રેશનકાર્ડ પણ બન્યું નથી હજી.” રફિયા હજી સુધી વાત સમજવાનો પ્રયત્ન કરી રહી હતી , તે મારા ઉખડેલા શ્વાસ જોઇને દુર પડેલી પાણીની બોટલ ઉપાડી અને મને આપીને કહ્યું, “પહેલા પાણી પી અને બધી વાત કર.” હું જાણે જન્મોજનમનો તરસ્યો હોઉં એમ આખી બોટલ ગટગટાવી ગયો અને પછી રફિયાને બનેલી ઘટના વિશે વાત કરી. તે શાંતિથી બધી વાત સાંભળી રહી.

પછી અચાનક મને એક થપ્પડ મારી દીધી અને કહ્યું,“સાલા, નામર્દ કેવો ઇન્સાન છે તું. જે નુરજહાં આપાએ તને સહારો આપ્યો, કામ આપ્યું, તને હેરાફેરીના ધંધામાંથી બહાર કાઢ્યો તેના માટે લડી પણ ન શક્યો. લડવાનું તો દુર રહ્યું તેને ઇન્સાફ અપાવવા પોલીસમાં બયાન આપવાની વાત આવી ત્યાં તું ભાગવાની વાત કરે છે.શેના માટે ખાલી બે વક્તની રોટી માટે. સાલા, એક વાર કોઈ કુતરાને રોટી ખવડાવો તો તે પણ વફાદારી દેખાડે છે.”

મારી આંખમાં આસું હતા મેં કહ્યું, “રફિયા તું આટલું બધું એના માટે બોલે છે કારણ તે ભૂખ જોઈ જ નથી ગરીબી જોઈ નથી, રાત્રે ભૂખ્યા પેટે સુતા કેવું લાગે છે તે તું નહિ સમઝે, તું જ્યાં ઉછરી તે યતીમખાનામાં બે વક્તની રોટી મળી જતી હતી એટલે તું આટલું બધું બોલે છે. જિલ્લતભરેલી જીંદગી શું હોય છે તે તું શું જાણે ?હું મજબૂર છું.”

રફિયાએ કહ્યું, “તને શું લાગે છે યતીમખાનામાં કોઈ ભૂખ્યું નથી સુતું, ત્યાં કોઈ જુલમ નથી થતો. અવાજ ઉઠાવવા માટેના નિશાન મારી પીઠ પર તે જોયા છે, મેં પણ ગરીબી જોઈ છે પણ હું તારી જેમ બુઝદિલ નથી. અહીંથી બીજી જગ્યાએ જઈને બચી જઈશ પણ રોજ સવારે આયનામાં પોતાને કેવી રીતે જોઈ શકીશ, અરે એટલો તો કાબિલ બની ગયો છે કે બે વક્તની રોટી તું ત્યાં પણ કમાઈ શકીશ. હું તારી સાથે ત્યાં આવીશ. પોતાની કમજોરીને મજબુરીનું નામ ન આપીશ. હેરાફેરીનો ધંધો છોડવામાં તને કોઈ મજબૂરી નથી નડી તો અહી પણ નહિ નડે. આપણે ત્યાં જઈને ફરી નવી શરૂઆત કરીશું.”

તેની વાતમાં દમ હતો હું તેના ચેહરા તરફ જોઈ રહ્યો હતો. ગરીબીએ મારા અવાજ ઉઠાવવાની તાકાતને છીનવી લીધી હતી. જે વખતે સકીના ઘર છોડી રહી હતી તે વખતે મેં અવાજ ઉઠાવ્યો હોત તો આજે અબ્બુ જીવતા હોત અને હું અહી નિરાશ્રિતની જેમ જિંદગી ન ગુજારતો હોત. કેટલી સુલઝી વાત કરી હતી રફિયાએ. મેં મારો ફેંસલો લઇ લીધો હતો. તેને કહ્યું, “ઠીક છે રફિયા, જો તું મારો સાથ આપવા તૈયાર છે તો હું લડવા તૈયાર છું, ભલે મારે અહિયાથી જવું પડે પણ હું આપા માટે લડીશ” તે મને વળગી પડી અને મને ચુંબનોથી નવડાવી દીધો.

અમે બંને મારી ઝુંપડીમાંથી બહાર નીકળ્યા પોલીસ સ્ટેશન જવા.Rate this content
Log in

Similar gujarati story from Inspirational