Jyotindra Mehta

Drama Crime Thriller

4  

Jyotindra Mehta

Drama Crime Thriller

સમાધિ

સમાધિ

11 mins
337


યુવરાજે ધીમેથી પોતાની આંખો બંધ કરી. પદ્માસનની મુદ્રામાં તેનો અંગુઠો અને તર્જની જોડાયેલાં હતાં. થોડી જ વારમાં તે ધ્યાનમાં સરી પડ્યો. ધ્યાનમાં સરી પડવું એ તેના માટે નવું ન હતું. તે ઘણી વખત આ રીતે ધ્યાનમાં જતો અને કલાકો સુધી સ્થિર રહેતો. જ્યારે સમાધિમાંથી બહાર આવતો ત્યારે તે ફરી ઊર્જાસભર બની જતો.

યુવરાજ કોઈ યોગી ન હતો. તે એક મલ્ટીનેશનલ કંપનીનો સી.ઈ.ઓ. હતો. આઈ. આઈ. એમ. માંથી એમ. બી. એ. કરીને તેણે એક કંપનીમાં મેનેજર તરીકે પોતાની કોર્પોરેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાળીસ સુધી પહોંચતા તે પોતાની મહેનતથી મલ્ટીનેશનલ કંપનીમાં ભારતની બ્રાંચનો સી.ઈ.ઓ. બની ગયો હતો.

પોતાને ચુસ્તદુરુસ્ત રાખવા તેણે ટીવી ઉપર આવતા યોગના કાર્યક્રમો જોઈને યોગ કરવા લાગ્યો. તેણે યોગનું શિક્ષણ કોઈની પાસે લેવું મુનાસીબ ન માન્યું અને જાતે જ ટીવી ઉપર કાર્યક્રમ જોઈને કે પુસ્તકો વાંચીને શીખવા લાગ્યો.

શરૂઆતમાં ફક્ત આસનો કરતો પછી ધ્યાનના પ્રકારો વાંચીને ધ્યાન ધરવાનું શરુ કર્યું. છ મહિનામાં તેને પરિણામ મળી ગયું. તે ધ્યાનમાં સરી પડતો ત્યારે તેને ખબર ન રહેતી કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે. જો કે યુવરાજને તેનાથી નિસ્બત પણ ન હતી. તેના માટે ફક્ત પરિણામ મહત્વનું હતું. તે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી એકદમ ઊર્જાવાન બની જતો અને ઓફિસમાં દરેક કામના નિર્ણયો ઝડપથી આપી શકતો. ગંભીરમાં ગંભીર સમસ્યાનું નિવારણ આસાનીથી લાવી દેતો. તે ઘણાબધાં મેગેઝીનોના કવરપેજની શોભા વધારી ચૂક્યો હતો. જો કે તેણે પોતાના યોગાભ્યાસ અને ધ્યાનની વાત આજ સુધી કોઈને જણાવી નહોતી. તે મનોમન પોરસાતો કે જે કામ યોગીઓ માટે પણ બહુ મુશ્કેલ હતું તે આસાનીથી કરી લેતો. તેણે ધ્યાન અને સમાધિ વિષે બહુ વાંચન કર્યું હતું. ગુરુ વગર જ સાધનામાં આટલો આગળ આવ્યો હતો તેનો તેને ગર્વ હતો. ‘ગુરુ વગર જ્ઞાન નહિ’ ની ઉક્તિ તેણે ખોટી પાડી હતી.

વહેલી સવારે પાંચ વાગે પોતાની બનાવેલી સ્પેશીયલ રૂમમાં યોગાભ્યાસ કરતો.

****

છતાં આજના ધ્યાનમાં કંઈક અદ્ભુત હતું. યોગ અને ધ્યાનનું ઔપચારિક શિક્ષણ લીધું ન હોવાથી તેને ખબર ન રહી કે તે સમાધિના અજાણ્યા ખંડમાં પ્રવેશી રહ્યો છે અને તે સમાધિની ભૂલભુલામણીમાં પ્રવેશી રહ્યો હતો.

આંખો બંધ કરી તેની પાંચ મિનિટ સુધી તેને પોતાના હૃદયનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને ત્યારબાદ બધે સુનકાર છવાઈ ગયો. અચાનક તેના કાનમાં અવાજ ગુંજવા લાગ્યો. આવો અવાજ તેણે પહેલીવાર સાંભળ્યો હતો. તેણે જોયું કે તે એક દરવાજા આગળ પ્રગટ થયો હતો અને તે અવાજ દરવાજા પાછળથી આવી રહ્યો હતો. તેણે દરવાજા ઉપર ટકોરા મારવા પોતાનો હાથ આગળ કર્યો, પણ ટકોરા પડવાને બદલે તેનો હાથ દરવાજાની પાર જતો રહ્યો. તેણે પોતાનો હાથ ખેચ્યો અને હાથ તપાસી જોયો. તે પોતાનો હાથ અનુભવી શકતો હતો. તેણે આગળ વધવાનું નક્કી કર્યું. તે જેવો આગળ વધ્યો તે દરવાજાની આરપાર જતો રહ્યો. સામે જે દ્રશ્ય હતું તે જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. તેને લાગ્યું કે તે કોઈ પૌરાણિક સિરિયલનું શુટિંગ જોઈ રહ્યો છે.

****  

 તે કોઈ રાજદરબારમાં ઊભો હતો અને માથે મણીવાળો એક મુગટ પહેરીને એક મહાકાય વ્યક્તિ અટ્ટહાસ્ય કરી રહી હતી. તેની સામે એક નાનો બાળક ચહેરા ઉપર સૌમ્ય ભાવ સાથે શાંતિથી ઊભો હતો.

અટ્ટહાસ્ય પૂર્ણ થયા પછી તે વ્યક્તિએ પોતાની આંખો મોટી કરી અને કહ્યું, “પુત્ર પ્રહલાદ, વર્તમાનમાં વિષ્ણુનો અવતાર હું જ છું. તારે મારું પૂજન અને મારું નામસ્મરણ કરવું જોઈએ. હું તારી સેવાથી પ્રસન્ન થઈશ તો તને યુવરાજ ઘોષિત કરીશ.”

પ્રહલાદે સ્મિત સાથે કહ્યું, “તાત, આપ સ્વયં સારી રીતે જાણો છો કે આપ વિષ્ણુનો અવતાર નથી. પ્રભુ નારાયણ તો પરમ કૃપાળુ પરમેશ્વર છે, આપ તેમની રજ પણ નથી,. તમે સંપૂર્ણ ધારા ઉપર હાહાકાર મચાવ્યો છે અને દરેક જગ્યાએ વિનાશ નોતર્યો છે. આપ જો નારાયણ હોત તો સર્વ લોકોના મનમાં અભયનો જન્મ થયો હોત અને દરેક જગ્યાએ શાંતિ સ્થાપિત થઈ હોત.”

દૈત્યરાજ હિરણ્યકશ્યપનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો. તેના દરબારમાં તેની સામે બોલવાની કોઈની હિંમત નહોતી, પણ તેનો પુત્ર પ્રહલાદ હંમેશાં તેના વિરોધમાં સ્વર ઉઠાવતો હતો. તેના દરબારમાં દરેક વ્યક્તિએ માની લીધું હતું કે તે વિષ્ણુનો અવતાર છે. તે સ્વયમઘોષિત વિષ્ણુ હતો. તેણે અનેક રજાઓને હરાવ્યા હતા અને તે વિશાળ પ્રદેશનો સ્વામી હતો.

યુવરાજ દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેને ડર લાગ્યો કે હમણાં કોઈ તેને જોઈ જશે અને પકડી લેશે, પણ કોઈ તેની તરફ જોઈ રહ્યું નહોતું જે વિષે તેને આશ્ચર્ય થવા લાગ્યું. જો કે સામે ચાલી રહેલ હાઈ વોલ્ટેજ ડ્રામામાં રસ પડ્યો. આ વિશેની કથા તેણે પુસ્તકોમાં વાંચી હતી.

પ્રહલાદ દરબારમાંથી બહારની તરફ પ્રયાણ કર્યું. તેના ગયા પછી થોડીવારમાં એક સુંદર યુવતી ત્યાં પ્રવેશી. તેને દરબારમાં આવેલી જોઈને હિરણ્યકશ્યપનો ચહેરો ખીલી ઉઠ્યો. તે પોતાના આસન ઉપરથી ઊભો થયો અને કહ્યું, “આવ બહેન હોળીકા, તારું સ્વાગત છે. ઘણા સમય પછી આવી. હમણાથી તારી વ્યસ્તતાઓ વધી ગઈ છે.”

તે ધીમે ડગલે સ્મિત સાથે આગળ આવી એટલે હિરણ્યકશ્યપે તેને પોતાના આસન ઉપર નજીક બેસાડી અને પરિચારિકાને ઈશારો કર્યો. પરિચારિકા ઝડપથી એક ચાંદીનું પવાલું લઈને આગળ આવી. તેણે પોતાનું મસ્તક ઝુકાવીને બહુ જ આદર સાથે તે ચાંદીનું પવાલું હોળીકા સામે ધર્યું અને કહ્યું, “આ ધરા ઉપરની સૌથી સ્વાદિષ્ટ મદિરા આપને ગ્રહણ કરવાની વિનંતી કરું છું.”

ચહેરા ઉપર થોડા ઘમંડ અને વિનમ્રતાના મિશ્ર ભાવ લાવીને હોળીકાએ તે પવાલું ગ્રહણ કર્યું અને તેનો આસ્વાદ લઈને પોતાનું મસ્તક હલાવ્યું એટલે તે પરિચારિકાના ચહેરા ઉપર સ્મિત અને સંતોષ આવી ગયાં.

“તો બહેન મને જણાવ હમણાથી ક્યાં હતી ?” હિરણ્યકશ્યપે હોળીકાને પૂછ્યું.

“હું તપ કરવા ગઈ હતી અને તે દ્વારા મને આ વસ્ત્ર મળ્યું છે, જે ઓઢ્યા પછી અગ્નિ પણ મને બાળી ન શકે.”

તેના આ શબ્દો સાંભળીને હિરણ્યકશ્યપની આંખોમાં ચમક આવી. પ્રહલાદ પોતાની હદ વટાવી ચૂક્યો હતો. તે ત્યાં રહીને પણ હિરણ્યકશ્યપને બદલે વિષ્ણુની પૂજા કરતો. હિરણ્યકશ્યપે હોળીકાને કહ્યું, “તું પ્રહલાદ સાથે અગ્નિમાં પ્રવેશ કર, પછી જોઉં કે વિષ્ણુ કેવી રીતે રક્ષા કરશે.”

હિરણ્યકશ્યપના કહેવાથી સેવકોએ મોટી ચિતા સજાવી અને હોળીકા પ્રહલાદને ખોળામાં બેસાડીને ચિતા ઉપર બેઠી અને ચિતાને અગ્નિ આપવા કહ્યું.

વિષ્ણુનું સ્મરણ કરીને પ્રહલાદે પોતાની આંખો બંધ કરી. બધાંના આશ્ચર્ય વચ્ચે હોળીકાએ ઓઢેલું વસ્ત્ર પ્રહલાદ ફરતે વીંટળાઈ વળ્યું અને હોળીકા તે ચિતામાં સળગી ગઈ.

****

યુવરાજ હજી તે દ્રશ્ય જોઈ રહ્યો હતો અને ત્યાં જ તેને લાગ્યું કે તેને કોઈક ખેંચી રહ્યું છે. તેની આંખો ખુલી ગઈ અને તે પોતાની રૂમમાં હતો. તેની નજર પોતે સ્પેશિયલી ડિઝાઈન કરેલી રૂમમાં ફરી વળી. તે સમાધિમાંથી બહાર આવી ગયો હતો. ચારેય દીવાલો જુદા જુદા રંગે રંગાયેલી હતી. તે રંગો જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

તેણે ધ્યાનમાં જોયેલ દ્રશ્ય જોઈને તે વિચારમાં પડી ગયો હતો. તે રૂમમાંથી બહાર નીકળ્યો. તેના બહાર નીકળતાં જ તેની પત્ની માધવીએ ઘરની નોકરાણીને અવાજ આપ્યો અને કહ્યું, “લીલા, સાહેબનો નાસ્તો ટેબલ ઉપર તૈયાર કરી દે, હમણાં જ તે નહાઈને આવશે.”

થોડીવાર પછી યુવરાજ તૈયાર થઈને આવ્યો અને નાસ્તો કરીને બહાર નીકળ્યો અને લીલાએ પેક કરેલું ટિફિન લઈને બહાર નીકળ્યો. વ્યસ્ત દિનચર્યા છતાં તેણે જોયેલ દ્રશ્યો તેની આંખ સામે દિવસભર ફરતાં રહ્યાં.

સાંજે તેણે હિરણ્યકશ્યપ અને પ્રહલાદ વિશેની માહિતી ગૂગલ ઉપર સર્ચ કરી છતાં બહુ ઉપયુક્ત માહિતી ન મળી. જે માહિતી મળી તે નાનપણમાં વાર્તા રૂપે વાંચેલી હતી.

****

બીજે દિવસે સવારે ફરી ધ્યાનમાં હતો ત્યારે બહારના અવાજો બંધ થયા અને આગલા દિવસ કરતા જુદા અવાજો આવવા લાગ્યા. મંદ મંદ સ્વર તેના કાનમાં પડ્યો અને ધીમે ધીમે તેનો અવાજ વધવા માંડ્યો અને તે ઊંડે ઊંડે જવા લાગ્યો. કોઈ વાજિંત્રનો સ્વર તેના કાનમાં પડી રહ્યો હતો. દર થોડા સમય પછી તે સ્વર બદલાઈ રહ્યો હતો, પણ આજે તેની સામે કોઈ દરવાજો પ્રગટ થયો ન હતો. તે કોઈ ઊંડી ખીણમાં હતો. ચારે તરફ ઘોર અંધકાર હતો. અચાનક તેને પ્રકાશનું એક બિંદુ દેખાયું અને તે પ્રકાશ વધવા લાગ્યો. નાદ અને પ્રકાશ બંને વધવા લાગ્યા.

એક મોટું બિંદુ તેની સામે આવ્યું જેમાંથી વિચિત્ર સ્વર નીકળવા લાગ્યો. થોડીવાર પછી જાણે તે બિંદુ તેને કહી રહ્યું હતું “તારે તે વસ્ત્ર મેળવવાનું છે. એક ટાપુ છે જ્યાં આ વસ્ત્ર પડ્યું છે. ગઈકાલે તે વસ્ત્રને જોયું હતું, તે મેં જ તને દેખાડ્યું હતું. તે વસ્ત્ર દૈત્યરાજ પ્રહલાદ પાસે હતું અને યુગો પછી આફ્રિકાના કબીલામાં હતું અને પછી યુરોપની ડાકણો પાસે પહોંચ્યું અને અંતે એક મહાત્માએ તે મેળવીને ટાપુ ઉપર છુપાવ્યું છે. હું તે ટાપુ ઉપર અત્યારે તને અદેહે લઈ જાઉં છું, પણ તે લાવવા સદેહે જવું પડશે.”

તે સાથે જ તેની આંખ સામેનું દ્રશ્ય બદલાઈ ગયું અને તે એક ટાપુ ઉપર હતો. સામે અફાટ જળરાશીવાળો સમુદ્ર ઘૂઘવી રહ્યો હતો અને પાછળ સહેલાણીઓ કિનારે આરામખુરસીઓ ગોઠવીને સૂર્યસ્નાન કરી રહ્યા હતા. તેણે કિનારે રહેલ હોટેલનું નામ વાંચ્યું અને તે સાથે જ તેની આંખ ખુલી ગઈ. આંખો ખુલ્યા પછી તે વિચારવા લાગ્યો કે કોણ છે જેણે તેને કોઈ કામ કરવાનો આદેશ આપ્યો ? શા માટે તે કોઈ વસ્ત્રની પાછળ જશે ? તેની નજર સામે ગઈકાલે હોળીકાના શરીરે વીંટાળેલું રેશમી અને મુલાયમ વસ્ત્ર તરવરી ઉઠ્યું. 

તેને સમુદ્રકિનારે જોયેલ હોટેલનું નામ યાદ હતું. તેણે ગૂગલ ઉપર નામ સર્ચ કર્યું, જુદા જુદા ફોટો ચેક કરીને તે તારણ ઉપર આવ્યો કે તેણે સમાધિમાં જોયેલ ટાપુ સામોઆ હતો. તે ફરી ઊંડા વિચારમાં સરી પડ્યો. શા માટે તેને આદેશ આપવામાં આવ્યો ? શું એ શક્ય છે કે વાર્તાઓમાં વાંચેલી ઓઢણી કે વસ્ત્ર એ ખરેખર અસ્તિત્વમાં છે ? તે મળવાથી શું થશે ?

તે મળવાથી શું થશે એવો પ્રશ્ન મનમાં થવા સાથે જ તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તેનો અભ્યાસ કરીને તેની કંપનીના વૈજ્ઞાનિકો અગ્નિથી સંપૂર્ણ સુરક્ષિત સુટ બનાવી શકશે. તેની કંપની વીસમા નંબરથી પ્રથમ નંબરે પહોંચી જશે.

તે ફટાફટ તૈયાર થયો અને ઓફિસનો બહાર પહોંચ્યો. રસ્તામાં તેણે સામોઆ ટાપુ ઉપર કઈ ફ્લાઈટ અને કેવી રીતે જવાય તે વિશેની માહિતી લેવાની સુચના પોતાના સેક્રેટરીને આપી દીધી.

તેણે પોતાની પીઠ મર્સિડીઝ બેન્ઝની સીટ ઉપર ટેકવી અને આંખો બંધ કરી. હજી એક કલાક લાગવાનો હતો ઓફિસ પહોંચવામાં. તેણે આંખો બંધ કરી અને પાંચ જ મિનિટમાં તેની આંખ સામેનું દ્રશ્ય બદલાઈ ગયું.

તે ટાપુ ઉપર હતો અને સામે સમુદ્ર ઘૂઘવી રહ્યો હતો. તે હોટેલ તરફ આગળ વધ્યો અને તે જ સમયે તેના કાનમાં અવાજ ગુંજ્યો “તારે ડાબી બાજુએ જવાનું છે.”

તે વળી ગયો અને લગભગ પાંચસો મીટર દૂર ચાલ્યા પછી ફરી સુચના તેના કાનમાં ગુંજી “જ્યાં ઊભો છે ત્યાંથી જમણી તરફ વળી જા અને થોડે દૂર ચાલ્યા પછી એક નાની ઝુંપડી આવશે. તેની અંદર તે વસ્ત્ર લટકેલું છે. તે તારે બહુ ઝડપથી ખેંચવું પડશે. તે ખીંટી કદાચ લડવાની પ્રયત્ન કરશે, પણ તારે ખીંટીને ઉખાડવી પડશે જો તે લડવાનો પ્રયત્ન કરે તો તારી પાસે રહેલ શસ્ત્રનો ઉપયોગ કરજે.”

તે ઝડપથી આગળ વધ્યો અને એક ઝુંપડી દ્રશ્યમાન થઈ. તે અંદર પ્રવેશ્યો અને સામે વસ્ત્ર દેખાયું. તેણે તે વસ્ત્ર હાથમાં લઈ લીધું, પણ તે જ સાથે ખીંટીએ વસ્ત્ર પોતાની તરફ ખેંચ્યું. તેણે પોતાનો હાથ ખીંટી ઉપર મુક્યો તે સાથે જ ખીંટીની ચીસનો અવાજ તેના કાનમાં પડ્યો. ખીંટીએ તે વસ્ત્ર ખેંચવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે વસ્ત્ર ખીંટીએ પકડી રાખ્યું તો તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો તેના હાથમાં એક છરો આવ્યો. તેણે છરો ખીંટી ઉપર મારવાનું શરૂ કર્યું. તે વસ્ત્ર ફાટી ગયું અને તેના હાથમાં આવી ગયું, પણ તે જ સમયે બે ભીમકાય વ્યક્તિઓએ પાછળથી આવીને તેને પકડી લીધો અને તેને જમીન ઉપર પછાડ્યો.

***

તે પછડાટ સાથે યુવરાજની આંખ ખુલી ગઈ. તે પોતાની સેક્રેટરી કીર્તિની કેબીનમાં હતો સામે કીર્તિની લાશ પડી હતી અને પાછળની તરફ સિક્યુરીટી ગાર્ડ ઉભા હતા.

“જલ્દી પોલીસને ફોન કરો, યુવરાજ સરે કીર્તિ મેડમનું ખૂન કરી દીધું છે.” એક સિક્યુરીટી ગાર્ડે પોતાના વોકીટોકીમાં કહ્યું.

યુવરાજ જમીન ઉપર બેસીને વિચારી રહ્યો હતો કે તે તો ધ્યાનમાં હતો અને સામોઆ ટાપુ ઉપર એક ઝુંપડીમાં હતો અને અચાનક અહીં કેવી રીતે પહોંચી ગયો ? આ છરો તો ઘરના કબાટમાં રહેતો, કદાચ કોઈ લુંટારા ત્રાટકે તો બચાવ માટે રાખ્યો હતો, તે ખિસ્સામાં કેવી રીતે આવી ગયો ?

તેણે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો, પણ તેના ગળામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તેને સિક્યુરીટી ગાર્ડોએ તેની કેબિનમાં બંધ કરી દીધો. થોડા સમય પછી પોલીસ આવી અને તેને અરેસ્ટ કરવામાં આવ્યો અને તેના ગુનાની સાબિતી માટે સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યું.

યુવરાજ હજી અસમંજસમાં હતો કે આવું કેવી રીતે બની ગયું હતું.

****

એક નાના ઘરમાં લીલા બેઠી હતી અને હસી રહી હતી. તેની સામે મુકેલી તસ્વીર સામે જોઈને કહ્યું, “નીલા, તારો બદલો લેવાઈ ગયો છે. તારા બંને ગુનેગારોને તેમના ગુનાની સજા મળી ગઈ છે. એક તો યમસદન પહોંચી ગઈ છે અને બીજા પાસે જ ખૂન કરાવ્યું. પાછલા એક વર્ષથી મારા હૈયામાં સળગતી હોળી આજે શાંત થઈ છે.”

તેની નજર સામે કોમામાં રહેલી બહેન નીલાનો ચહેરો તરવરી ઉઠ્યો.

***

દસ વર્ષ પહેલાં 

યુવરાજ કંપનીમાં મેનેજર તરીકે જોડાયેલ પોતાના હસમુખા સ્વભાવને લીધે સ્ત્રી કર્મચારીઓમાં બહુ ચર્ચિત હતો. કામ કરનારી યુવતીઓ તેનાથી આકર્ષિત હતી અને તે લગભગ બધી જ યુવતીઓ સાથે ફલર્ટ કરતો, ફક્ત નીલા તેમાં અપવાદ હતી. નીલા તેની સાથે વાત તો કરતી, પણ ફક્ત કામ પુરતી. તેણે એક નિશ્ચિત દૂરી બનાવી રાખી હતી, જેને લીધે યુવરાજનો અહં ઘવાયો.

ઘણો સમય પ્રયત્ન કર્યા પછી પણ જ્યારે નીલાએ દાદ ન દીધી તો તેણે એક પ્લાન બનાવ્યો અને તે માટે તેને મદદ તેની સહકર્મચારી કીર્તિએ મદદ કરી. હોળીના તહેવારની ઉજવણીનું બહાનું કરીને તેને એક ફાર્મહાઉસમાં બોલાવી અને દૂધમાં માદક પીણું ભેળવીને પીવડાવી દીધું. બધાં ગયા પછી યુવરાજે બેહોશ નીલાના શરીરને ભોગવ્યું.

જો કે યુવરાજ જાણતો ન હતો કે તેણે વધુ પ્રમાણમાં માદક દ્રવ્ય ભેળવી દીધું હતું, જેને લીધે નીલા કોમામાં સરી પડી હતી. જ્યારે તેની બેહોશી ન તૂટી એટલે યુવરાજ તેને એક સુમસામ જગ્યાએ મુકીને આવ્યો અને એવો દેખાવ કર્યો કે હોળી રમીને નીલા ત્યાંથી જતી રહી હતી.

નવ વર્ષ સુધી તે કોમામાં રહ્યા પછી તે ભાનમાં આવી ત્યારે તેને વર્ષોથી સાંભળનાર લીલાને છેલ્લે જે દ્રશ્ય જોયું હતું તે કહ્યું. બાકીનો તાળો લીલાએ મેળવી લીધો.

લીલાએ જાણકારી મેળવી કે યુવરાજ હવે બહુ મોટી આસામી બની ગયો હતો, તેથી લીલાએ નોકરાણી તરીકે તેના ઘરમાં પ્રવેશ મેળવ્યો અને પોતાના સારા સ્વભાવથી બધાનું મન જીતી લીધું. ચા-નાસ્તો અને રસોઈની જવાબદારી તેને મળી ગઈ.

લીલાએ જુદી જુદી ડ્રગ્સની જાણકારી મેળવી અને જે ફક્ત થોડા સમય માટે અસર કરે તેની ઉપર પસંદગી ઉતારી. રોજ યોગાભ્યાસની વાત કરીને યુવરાજને યોગમાં રસ લેતો કર્યો અને યોગ કરે તે પહેલાં દૂધમાં તે ડ્રગ્સ ભેળવીને આપવાનું શરુ કર્યું. તે ડ્રગ્સને લીધે તેને લાગતું કે તે એકદમ ઊર્જાવાન બની રહ્યો છે. લીલાએ થોડો થોડો ડોઝ વધાર્યો જેને લીધે યુવરાજને ભ્રમ થવા લાગ્યો.

લીલા પોતે પણ એક સાધક હતી અને તેણે યુવરાજના મગજ સાથે અનુસંધાન કરી લીધું. યુવરાજના કમજોર બની મગજે તરત પ્રવેશ આપી દીધો, યુવરાજના મગજમાં દેખાતું પ્રકાશબિંદુ તે બની ગઈ હતી.

હિરણ્યકશ્યપ અને પ્રહલાદનું દ્રશ્ય પણ તેણે જ રચ્યું હતું અને સામોઆ ટાપુનું દ્રશ્ય. ઓફિસમાં જતાં પહેલાં યુવરાજને તેનો છરો સાથે લઈ લેવાનો આદેશ પણ લીલાએ તે સમાધિમાં હતો ત્યારે જ આપી દીધો હતો.

****

લીલાએ એક મીણબત્તી નીલાના ફોટો આગળ સળગાવી અને તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama