Jyotindra Mehta

Drama Fantasy

4  

Jyotindra Mehta

Drama Fantasy

કોફી હાઉસ

કોફી હાઉસ

3 mins
405


તે પોતાના ટેબલ ઉપર બેસીને તેણીની રાહ જોઈ રહ્યો હતો. તેણે દીવાલ ઉપરની ઘડિયાળ તરફ નજર કરી. ન જાણે તેને એમ લાગી રહ્યું હતું કે સમય સ્થિર થઇ ગયો કે શું ? તેણે બારીની બહાર નજર કરી. અનેક લોકો તે કોફી હાઉસની સામેથી પસાર થઇ રહ્યાં હતાં. કેટલાક લોકો અંદર આવતાં હતાં અને પોતાની પસંદના વ્યંજનનો આનંદ લઈને તૃપ્ત થતાં અને આગળ વધી જતાં.

વેઈટર ફરી તેની સામે આવીને ઉભો રહ્યો, પણ તેણે તેની સામે જોયા વગર હાથના ઇશારાથી ત્યાંથી જતા રહેવા કહ્યું. તે વેઈટરે કાઉન્ટર ઉપર બેસેલા વૃદ્ધ મેનેજર તરફ જોયું એટલે તેણે પોતાની આંખના ઇશારાથી નવી આવેલ બીજી વ્યક્તિ તરફ જવા કહ્યું. આવનાર વ્યક્તિ વેઈટરને પોતાના પસંદગીની વાનગીનો ઓર્ડર લખાવવા લાગ્યો.

તેનું ધ્યાન અન્ય કોઈ વ્યક્તિ ઉપર ન હતું, તેની નજરો કાચની બારીની બહારના મુખ્ય રસ્તા ઉપર હતી. રખે એક ક્ષણ પણ નજર હટે અને તે પસાર થઇ જાય તો ? તેને લાગ્યું કે તે ત્યાં બેસીને ત્યાંથી પસાર થનાર દરેક વ્યક્તિ ઉપર નજર રાખી શકે છે, પણ તેણે આવું ધારીને ભૂલ કરી હતી. તેણી આ પહેલાં ચાર વખત પસાર થઇ ગઈ હતી અને તે તેની રાહમાં અહીં જ ખોડાયેલો હતો. તે ટેબલ ઉપર ઘણા સમયથી તે એકલો જ બેઠેલો હતો, તેને તેણી વગર આગળ વધવું ન હતું અને નિર્મોહી એવી તેણી ક્યારનીય આગળ વધી ગઈ હતી.

કાઉન્ટર ઉપર બેસેલ વૃદ્ધને હવે તેની દયા આવવા લાગી હતી. તે પહેલીવાર પોતાની જગ્યા ઉપરથી ઉભો થયો અને તેની પાસે આવીને બેસી ગયો. તેણે કહ્યું, “પુત્ર, આ કોફી હાઉસની વ્યવસ્થા આગળ જનારની વાનગીની ક્ષુધા પૂર્ણ કરવા માટે છે, પણ તારી ક્ષુધા તો અનન્ય છે. હવે તારે આગળ વધવું જોઈએ. શક્ય છે આગળ કદાચ તેણી તારી રાહ જોતી કોઈ વૃક્ષ પાસે કે તળાવ પાસે ઉભી હોય. તારે લીધે અનેક વ્યક્તિઓની સેવા હું કરી શકતો નથી.”

“હું અહીં ઘણા સમયથી છું અને ઘણા લોકો સાથે વાત કરું છું અને મને ખબર છે કે આ છેલ્લો વિસામો છે, અહીંથી આગળ કાંઈ નથી. મારે ભલે જન્મોજન્મ પ્રતીક્ષા કરવી પડે હું તૈયાર છું, પણ તેણી વગર આગળ નહિ વધું.” તેનો જવાબ સાંભળીને તે વૃદ્ધે નિરાશામાં માથું ધુણાવ્યું અને પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગયો.

થોડા સમય બાદ તે વૃદ્ધ બહારની તરફ ગયો અને ઝડપથી ત્યાંથી પસાર થઇ રહેલ એક યુવતી તરફ આગળ વધ્યો. ટેબલ ઉપર બેઠેલ તે વૃદ્ધને બહાર જતાં જોઈ રહ્યો. તેને ખબર ન પડી કે વૃદ્ધ કોઈ તરફ ગયો. વૃદ્ધ કોઈની સાથે વાત કરી રહ્યો હતો, પણ તેની સામે કોઈ નહોતું તે જોઇને તેને આશ્ચર્ય થયું.

તે વૃદ્ધે યુવતીને પૂછ્યું, “તું તેની સાથે કેમ આવી રીતે વર્તે છે ? તે ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યો છે. તેની ક્ષુધા અનન્ય છે. એ તને સાચા મનથી ચાહે છે, શું તું તેને ચાહતી નથી ? તેને તડપતાં મેં જોયો છે.”

તેણીએ કહ્યું, “મારી રાહમાં તમારા કોફી હાઉસમાં બેઠેલ આજે કદાચ તમને દયામણો લાગતો હશે, પણ તે દયાને પાત્ર નથી, તેણે મારું જીવન દુષ્કર કર્યું હતું. આત્મારૂપે આજે તેનો પ્રેમ પવિત્ર લાગતો હશે, પણ દૈહિક રૂપે તેણે મારું શોષણ જ કર્યું હતું. મેં જ તેને અહીં પહોંચાડ્યો છે. હું અહીંથી ઘણીવાર પસાર થઇ છું, પણ તે મને ક્યારેય જોઈ નહિ શકે કારણ હું એવું ઇચ્છતી નથી. અમારું મિલન થવું શક્ય નથી કારણ હું કોઈ બીજાને સાત જન્મનો વાયદો આપી ચૂકી છું.”

અંદર આવેલ વૃદ્ધ તેની સામે જોઇને મ્લાન હસ્યો એટલે તેણે કહ્યું, “હજી તેણીનાં ત્રણ જન્મ બાકી છે, પછી તેણી મને જરૂર દેખાશે અને કદાચ મારો ઈન્તેજાર એ મારા પાપનું પ્રાયશ્ચિત છે.”


Rate this content
Log in

Similar gujarati story from Drama