Jyotindra Mehta

Drama Horror Fantasy

4  

Jyotindra Mehta

Drama Horror Fantasy

અખંડ સિદ્ધિ

અખંડ સિદ્ધિ

10 mins
333


આજે કાળી ચૌદસનો દિવસ હતો અને રજા હોવાને લીધે રઘુ બજારમાં ફરવા નીકળ્યો હતો. તેના ખિસ્સામાં કૂલ મળીને ત્રણસો રૂપિયા પડ્યા હતા. આમ તો ગઈકાલે જ તેની કંપની તરફથી બે હજારનું બોનસ મળ્યું હતું, પણ તેણે પાળેલા શોખ એટલા મોંઘા હતા કે રાત્રે જ પંદરસો રૂપિયા દારૂ પાછળ અને જમવા પાછળ બસો રૂપિયા ઉડાડી દીધા હતા. ગઈકાલે વીશીમાં જમવા જ ગયો ન હતો. જમવા ગયો હોત તો આંટી પૈસા માગી લેત અને પછી દારૂ ક્યાંથી પી શકાત.

રઘુ હવે કોઈ ખર્ચ કરવા માગતો ન હતો તેથી તે હાથ પાછળ બાંધીને આરામથી બજારની દુકાનોને જોઈ રહ્યો હતો. તેને ઈચ્છા થઈ આવતી કે ખિસ્સામાં પૈસા હોય અને તે દિલ ખોલીને ખર્ચ કરે, પણ તે કંપનીમાં ચોકીદાર હતો અને ઓછા પગારમાં ચલાવવું પડતું. વાણીજ્યનો સ્નાતક રઘુ આમ તો સારા ઘરનું સંતાન હતો, પણ યુવાનીમાં ખરાબ મિત્રોની સંગતે ચડી ગયો. તેના પિતા ચીમનલાલ શિક્ષક હતા અને તેમણે તેને વારવાની કોશિશ કરી, પણ તે પાછો ન વળ્યો. દીકરો લગ્ન પછી સુધરશે એ ન્યાયે તેની માતાએ લગ્ન કરાવ્યાં.

લગ્ન થયાં ત્યાં સુધીમાં રાઘવ ઉર્ફ રઘુ વિકૃત થઈ ચૂક્યો હતો અને થોડા જ સમયમાં તેની પત્ની તેને છોડીને પિતૃગૃહે પાછી ફરી. પુત્રનાં કુકર્મોથી પિતા ચીમનલાલનું હૃદય ભાંગી ગયું અને તેમને જીવલેણ બીમારી વળગી. તેમના સિધાવ્યા પછી બે વર્ષમાં તેની માતાનું પણ મૃત્યુ થઈ ગયું. કરજમાં ડૂબેલા રઘુએ ઘર વેચી દીધું અને શહેરને છેવાડે આવેલી ચાલીમાં એક ઘર ભાડે લીધું. પંદર વર્ષ થઈ ગયાં હતાં પત્નીને છોડીને અને આટલાં વર્ષોમાં રઘુ કોઈ પણ નોકરીમાં ઠરીઠામ ન થયો. દર વર્ષે તે નોકરી બદલતો રહેતો અથવા કહો કે તેને કાઢી મૂકવામાં આવતો અને તે બીજી જગ્યાએ નોકરીએ લાગતો. વોચમેન તરીકે તે બે વર્ષથી ટક્યો હતો તેનું કારણ એ હતું કે તેનો કોઈ સ્ત્રી કર્મચારી સાથે સીધો સંબંધ આવતો ન હતો. તેનો સુપરવાઈઝરે તેને નાઈટશિફ્ટ આપી હતી. તે પહેલાંની નોકરીઓમાં સ્ત્રીઓને ખરાબ નજરથી જોવા કે હાથ પકડવા કે કોઈ અણછાજતી વાત કરવા માટે કાઢી મૂકવામાં આવતો.

રઘુએ એક જગ્યાએ ઊભા રહી સિગરેટ સળગાવી તે જ સમયે પાછળથી એક અવાજ આવ્યો, “લઈ લો આ જબરદસ્ત પુસ્તક ! જીવનમાં ઝડપથી બદલાવ જોઈએ છે તો આ પુસ્તક ખરીદો. ઓ સાહેબ, આ પુસ્તક ખરીદશો ?”

રઘુનું ધ્યાન તે તરફ ન હતું, પણ એક હાથનો સ્પર્શ તેના પગને થયો અને તે ચમક્યો. તેણે પાછળની તરફ જોયું તો એક કિશોર જમીન ઉપર પુસ્તકોનો પથારો ફેલાવીને જમીન ઉપર બેસેલો હતો. તેણે રઘુ તરફ જોઈને સ્મિત કર્યું અને લાલ અને કાળા રંગના દાંત બહાર દેખાઈ આવ્યા. તેણે કહ્યું, “આ પુસ્તક ખરીદવું છે સાહેબ ? છેલ્લી પ્રત બચી છે. ફક્ત ત્રણસો રૂપિયામાં કિસ્મત બદલાઈ જશે. તમે આ હાથમાં લઈને જોઈ લો.” તેણે બાળક તરફ નજર કરી, તેને ચહેરો જાણીતો લાગ્યો. તેને ક્યાંક જોયો હોય એવું લાગ્યું. તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાં જોયો તે યાદ ન આવ્યું.

રઘુને ત્યાંથી નીકળી જવાની ઈચ્છા થઈ, પણ ન જાણે કેમ તેના પગ જડાઈ ગયા અને તેણે તે કિશોરના હાથમાંથી પુસ્તક લઈ લીધું. રઘુએ પુસ્તકના કવર તરફ જોયું તો નામ બરાબર વંચાયું નહીં એટલે તેણે ખોલીને જોયું. પાનાં પીળાશ પકડેલાં હતાં. પુસ્તકનું નામ હતું અખંડ સિદ્ધિ - પ્રેતો બધી ઈચ્છા પૂર્ણ કરશે. લેખક તરીકે કોઈનું નામ ન હતું. કોઈ અજ્ઞાત કારણસર તેનો હાથ ખિસ્સામાં ગયો અને તેણે બચેલા છેલ્લા ત્રણસો રૂપિયા કાઢ્યા અને તે કિશોરને આપી દીધા.

તે કિશોરે પૈસા હાથમાં લીધા અને તરત પુસ્તકો સમેટીને એક દિશામાં આગળ વધી ગયો. કોઈ ખર્ચ નથી કરવાનો એવો નિશ્ચય કરીને નીકળેલો રઘુ પોતાની બધી રકમ ગુમાવી ચૂક્યો હતો. તે કિશોરને જતો જોઈ રહ્યો, પછી તેણે પુસ્તકનું પહેલું પાનું ખોલ્યું. તેમાં કોઈ મંત્ર લખેલો હતો, તે મંત્રની ઉપર ઈચ્છા સિદ્ધિ મંત્ર એવું લખ્યું હતું. તે મનોમન પોતાની મૂર્ખતા ઉપર હસ્યો અને તે પુસ્તક બંધ કરવા પહેલાં મંત્ર મનમાં વાંચ્યો. તે હજી બે ડગલાં આગળ વધ્યો તે જ સમયે એક વ્યક્તિ તેની સાથે ટકરાઈ. તેના હાથમાં એક થેલો હતો. તે વ્યક્તિએ થેલો રઘુના હાથમાં પકડાવ્યો અને ધીમેથી કાનમાં કહ્યું, “ભાઈ, આ થેલો પકડી લે હું થોડી જ વારમાં પોલીસથી પીછો છોડાવીને આવું છું.”

રઘુ હા કે ના કહે તે પહેલાં તે વ્યક્તિ દૂર જતી રહી. રઘુની નજર રોડ ઉપર આવીને ઊભી રહેલ પોલીસની ગાડી ઉપર પડી અને તે મનોમન કાંપી ઉઠ્યો, પણ પોલીસ ચારેતરફ નજર ફેરવીને દૂર નીકળી ગઈ. અડધા કલાકમાં તે વ્યક્તિ પાછી આવી અને તેણે રઘુના હાથમાંથી થેલો લઈ લીધો. તે વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી એક બંડલ કાઢ્યું અને રઘુના હાથમાં આપ્યું. હજી રઘુ રકમ તરફ નજર કરે તે પહેલાં તે વ્યક્તિ ગાયબ થઈ ગઈ. તે ક્યાં અલોપ થઈ ગઈ તેની રઘુને ખબર ન પડી. તેના હાથમાં નોટનું બંડલ હતું અને સામે બજાર હતી. તે થોડીવાર સુધી વિચાર કરતો રહ્યો, કદાચ તે મંત્રનો પ્રતાપ હતો. મનોમન પુસ્તકનો આભાર માનીને તેણે ખરીદી શરુ કરી.

એક કલાક સુધી તે ખરીદી કરતો રહ્યો, તે છતાં તેની પાસે પૈસા બચી ગયા હતા. તેના દીદાર એક કલાકમાં બદલાઈ ગયા હતા, હવે તેણે ઘસાઈ ગયેલી જીન્સ, ચોળાઈ ગયેલી ટીશર્ટ અને ચપ્પલને બદલે એક સરસ જીન્સ, સફેદ શર્ટ, આંખો ઉપર ગોગલ અને પગમાં સ્પોર્ટ શુઝ પેહેરેલા હતા. હાથમાં નવો મોબાઈલ હતો. તેણે પોતાના હાથમાં પકડી રાખેલ ‘અખંડ સિદ્ધિ’ પુસ્તક તરફ જોયું અને ઘરે જવા નીકળ્યો. આજે તે વીશીવાળી આંટીને બાકીની રકમ ચૂકવવાનો હતો.

હજી તે પોતાની ખોલી પાસે પહોંચ્યો ત્યાં જ તેની નજર બાજુવાળી ભાભી ઉપર પડી. તેણે પોતાના હોઠ ઉપર જીભ ફેરવી અને લોલુપ નજરે તેની તરફ જોયું ત્યારબાદ ખોલીમાં પ્રવેશી ગયો. તેણે અંદર આવીને પુસ્તક ખોલીને તે મંત્ર વાંચ્યો. થોડી જ વારમાં તેની ખોલીનો દરવાજો ખૂલ્યો અને તે ભાભી અંદર આવી. પાંચ વર્ષથી ભૂખ્યા વરુ જેવો રઘુ તેની ઉપર તૂટી પડ્યો. વેશ્યા વ્યવસાય કરતી સ્ત્રીઓએ પણ રઘુને તેમના વાડામાં આવવાની ના પાડી દીધી હતી.

સાંજે આંખ ખુલી ત્યારે તે ભાભી ત્યાં ન હતી. હવે તો આખી જિંદગી આનંદ જ આનંદ એમ વિચારીને તેણે પોતાનું મોઢું ધોયું અને કપડાં પહેરીને ફરી પુસ્તક હાથમાં લીધું. તે પુસ્તક વાંચવા માંડ્યો. તેણે મંત્ર નીચે લખેલી સૂચના વાંચી. આ મંત્ર ફક્ત બે વાર જ કામ કરશે. તેનો ત્રીજી વાર ઉપયોગ કરવા માટે તંત્રસાધના કરવી પડશે. તે તંત્રસાધના આગળના પાને લખેલી છે. જો તમે આ પાનું ફેરવશો અને તંત્રસાધના વાંચશો તો તે કરવી ફરજીયાત છે, જો નહિ કરો તો રીબાઈ રીબાઈને મૃત્યુ પામશો.

રઘુ વિચારમાં પડી ગયો તે તંત્રસાધના કરવી કે ન કરવી. આજે જે આનંદ કર્યો તે રોજ કરવો હોય તો આટલું તો કરવું જ પડશે. આમ પણ તે જે જીવન જીવી રહ્યો છે તે નરક જેવું જ છે.

તેણે નિશ્ચય કરીને આગળનું પાનું ખોલ્યું. તેની ઉપર વિધિ લખેલી હતી અને તેની ઉપર તે વિધિ કરવા માટે લાગનારી વસ્તુઓ લખેલી હતી. કંકુ, હળદર, ચોખા, અડદ જેવી રોજ ઉપયોગમાં આવનારી વસ્તુઓ હતી અને સાથે જ એક કાળો દોરો પણ લઈ જવાનો હતો. બીજા પાને પ્રાથમિક વિધિ હતી અને તેની નીચે સૂચના હતી કે મુખ્ય વિધિ ત્રીજા પાના ઉપર હતી જે તેણે સ્મશાનમાં પ્રાથમિક વિધિ પૂર્ણ થયા પછી જ વાંચવાની હતી.

તેણે ખિસ્સામાં જોયું તો ખાસ્સી રકમ બચેલી હતી. બાર વાગે તે પહેલાં તેણે સ્મશાનમાં પહોંચવાનું હતું. તેણે બધી વસ્તુઓ ખરીદી અને શહેરના છેવાડે આવેલ સ્મશાનમાં પહોંચ્યો. પુસ્તકમાં નિર્દેશ આપ્યા પ્રમાણે રાત્રે ભોજન વિધિ પૂર્ણ થયા પછી જ કરવાનું હતું એટલે તે રાત્રે જમવા વીશી ઉપર ન ગયો. તેને કકડીને ભૂખ લાગી હતી, પણ આગળનું જીવન સુધારવા માટે તે ભૂખ્યો રહ્યો.

સ્મશાનના દ્વાર ઉપર તેણે ચોકીદારને જોયો એટલે તે અંદર જવાને બદલે પાછળની તરફ જવા લાગ્યો. ચારેતરફ સુનકાર હતો, ધીમેથી થતો ખખડાટ પણ હૃદય બેસાડી દેવા માટે પુરતો હતો, પણ રઘુએ આજે જોયેલા ચમત્કારે તેને હિંમત પૂરી પાડી હતી. તેના મનમાં કોઈ જાતનો ભય ન હતો. રઘુ સ્મશાનમાં સામેથી જવાને બદલે પાછળની દીવાલ ઉપરથી કુદીને અંદર ગયો. મોબાઈલની લાઈટને સહારે તે બેસવા યોગ્ય જગ્યા શોધવા લાગ્યો. પુસ્તકમાં લખ્યાં પ્રમાણે તેણે એક જગ્યા શોધી લીધી અને ત્યાં થોડી સાફસફાઈ કરીને ત્યાં બેસી ગયો. પ્રાથમિક વિધિમાં લખ્યા પ્રમાણે તેણે પોતાનાં બધાં જ વસ્ત્રો કાઢી નાખ્યાં અને ચિતાની ભસ્મ સમગ્ર શરીર ઉપર લગાવી દીધી. પ્રાથમિક વિધિના જે મંત્રો લખ્યા હતા તેનો પાઠ કર્યો અને પછી ધડકતા હૃદયે તેણે આગળનું પાનું ખોલ્યું.

એક મડદાની વ્યવસ્થા કરવાની હતી. તેને ખબર ન પડી કે શું કરવું ? તે જ સમયે તેના કાનમાં અવાજ પડ્યો, “બાજુની જમીન ખોદ, તારું કામ થઈ જશે.” તેણે આજુબાજુ નજર કરી, પણ કોઈ દેખાયું નહિ. તેની નજર નજીકમાં મુકેલા પાવડા અને કોદાળી ઉપર પડી. તેણે જમીન ખોદવાની શરૂઆત કરી.

અંદર સાવ નાનું કંકાલ નીકળ્યું. કોઈ નાના બાળકનું કે ભ્રુણનું હોવું જોઈએ એમ વિચારીને બહાર કાઢ્યું. પુસ્તકમાં લખ્યા પ્રમાણે તેણે તે ખોપડી હાથમાં લીધી અને બાકીના હાડકાં પોતે જ્યાં બેઠો હતો, ત્યાં પાથર્યાં. તે હાડકાંઓ ઉપર બેસીને મંત્ર બોલવા લાગ્યો. તેની વિધિ પૂર્ણ થવા આવી હતી. બહુ વિચિત્ર મંત્રો તે પુસ્તકમાં લખ્યા હતા. અઘરા મંત્રોને તેણે બહુ ધીમે ધીમે અને સાવચેતીથી વાંચ્યા.

તેના કાનમાં અવાજ આવ્યો, “હવે તે નાની ખોપડીમાં ખીચડી બનાવ.” તેણે પુસ્તકમાં નજર કરી તો તેમાં પણ એવું જ લખ્યું હતું. તેણે ફરી ચારે તરફ નજર ફેરવી, પણ ત્યાં કોઈ ન હતું. તે અવાજ સાંભળીને તેના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેના મનમાં ઈચ્છા થઈ આવી કે એ ત્યાંથી ભાગી જાય, પણ તે ભાગી ન શક્યો.

તેણે તુવેર દાળ અને ચોખા ખોપડીમાં કાઢ્યા, તેમાં પાણી નાખીને તે ખોપડીને સામે પ્રગટાવેલા અગ્નિ ઉપર મૂકી. થોડીવાર પછી તેણે ખોપડી ઉપાડી અને તેમાં મસાલા વગરની ફીકી ખીચડી તૈયાર થઈ ગઈ હતી તેને પોતાના મોઢામાં મૂકી. એ સાથે જ તેની આંખો સામેનું દ્રશ્ય બદલાઈ ગયું. તેની સામે અસંખ્ય વ્યક્તિઓ ઊભી હતી, જેમનાં અંગો કપાયેલાં હતાં. તે સમજી ગયો કે તે બધાં પ્રેત છે.

રઘુને સમજી ગયો કે તેની સાધના પૂર્ણ થઈ ગઈ છે, પણ તેની નજર પ્રેતોના ચહેરા ઉપર પડતાં જ તેના હોશ ઊડી ગયા. બધાં પ્રેતો તેની સામે ખૂંખાર નજરે જોઈ રહ્યાં હતાં. પુસ્તકમાં લખ્યા પ્રમાણે તેમણે તેની સેવામાં નતમસ્તક રહેવાનું હતું. બધાં જ પ્રેતો પોતાની જગ્યાએ સ્થિર હતાં, પણ તેમની આંખોમાં ક્રોધની જ્વાળા હતી. રઘુને તેમનું કોઈ નુકસાન કર્યાનું યાદ ન હતું. રઘુને લાગ્યું કે બધાં હમણાં જ તેની ઉપર તૂટી પડશે, પણ એવું કંઈ ન થયું એટલે તેનામાં થોડી હિંમત આવી.

“કોણ છો તમે ?” રઘુએ કહ્યું, પણ તેને પોતાનો સ્વર બોદો લાગ્યો.

“તે બધા મારા સેવકો છે અને હું છું પ્રેતનગરીનો રાજા.” રઘુને દૂરથી અવાજ આવ્યો.

તે અવાજ સંભળાતાં જ બધાં પ્રેતો પોતાના ઘૂંટણ ઉપર બેસી ગયાં.

રઘુ અવાજની દિશામાં આગળ વધ્યો. થોડો આગળ વધ્યો ત્યાં એક કપાયેલા થડ ઉપર તે કિશોર બેસેલો હતો, જેણે તેને પુસ્તક વેચ્યું હતું. રઘુનો જીવ થાળે પડ્યો. તેણે કહ્યું, “તું અહીં કેવી રીતે ? આ જગ્યા ભયાનક છે, ચાલ આપણે અહીંથી જતા રહીએ.” હવે રઘુ ત્યાં એક ક્ષણ પણ રોકવા તૈયાર ન હતો.

અચાનક તે કિશોરનો ચહેરો બદલાઈ ગયો અને સામે કંકાલ હતું અને તે ભયંકર રીતે હસી રહ્યું હતું. તેનાં હલી રહેલ હાડકાંઓમાંથી કર્કશ અવાજ આવ્યો, “હું ક્યાં જઈશ ! આ જ મારું ઘર છે. તારું પ્રેતલોકમાં સ્વાગત છે, હવે તું પણ અહીં જ રહેવાનો છે. મારી મા પણ એવું જ ઈચ્છતી હતી કે તું મરી જાય.”

રઘુના ચહેરા ઉપર ગભરાટ સાથે જ વિસ્મય તરી આવ્યું. તેણે હિંમત કરીને પૂછ્યું, “મેં તારું કે તારી માતાનું કંઈ બગાડ્યું નથી તો હું મરી જાઉ એવું શું કામ ઈચ્છે છે ?”

તે કંકાલનું રૂપાંતર ફરી કિશોરમાં થઈ ગયું અને તેના મોઢેથી ફરી કર્કશ અવાજ નીકળ્યો, “તેં મારું શું બગાડ્યું એ જાણવા ઈચ્છે છે ? તને ખબર છે હું કોણ છું અને મારો ચહેરો તને જાણીતો લાગે છે ?”

એટલું કહીને આગ્નેય નેત્રે તે કિશોરે રઘુ તરફ જોયું અને રઘુ ધ્રુજી ઉઠ્યો.

કિશોરે આગળ કહ્યું, “આ ચહેરો તારા કિશોરવયનો ચહેરો છે. હું તારો જ પુત્ર છું, જે જીવલોકમાં મોટો થવાને બદલે પ્રેતલોકમાં મોટો થયો. તને ખબર છે કે હું મારી માતાના પેટમાં હતો અને તારી વિકૃતિને લીધે હું જન્મું તે પહેલાં જ મારું મૃત્યુ થઈ ગયું. હું ભ્રુણ હતો ત્યારે જ અહીં દટાઈ ગયો. મેં ઈશ્વર પાસે મોક્ષ માંગ્યો, પણ મને મોક્ષ ન મળ્યો કારણ મારા ભાગ્યમાં જીવન લખાયું હતું. હું અહીં પ્રેતલોકમાં જ મોટો થયો અને બદલા માટે તડપતો રહ્યો. દરેક જાતની પ્રેતવિદ્યા શીખ્યો, પણ છેલ્લો મનુષ્યને દેખાવાની વિદ્યા શીખવામાં મારે ઘણો સમય ગયો. મેં ઈશ્વર પાસેથી જાણી લીધું છે કે તારું જીવન પણ લાંબુ છે. હવે હું તને મારી નાખીશ અને તું અહીં પ્રેતલોકમાં શ્રાપિત જીવન ભોગવીશ.” એટલું કહીને તે કિશોર અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

રઘુ કાંપી ઉઠ્યો. તેણે સ્મશાનના મુખ્યદ્વાર તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ તેના પગ જડાઈ ગયા હતા. તેણે હાથમાં રહેલ પુસ્તકનાં પાનાં ફેરવ્યાં એટલે ફરી તેને કિશોરનો અવાજ સંભળાયો, “મેં લખેલા આ માયાવી પુસ્તકમાં મારાથી બચવાનો કોઈ મંત્ર નહીં મળે. આ જો.” એટલું કહીને આંગળીનો ઈશારો કર્યો એટલે પુસ્તક સળગી ગયું અને હવે રઘુના હાથમાં ફક્ત રાખ હતી.

તે કિશોર હજી બોલી જ રહ્યો હતો, “તેં પહેલો મંત્ર વાંચ્યો હતો તે માયા જગતમાં પ્રવેશવાનો મંત્ર હતો અને તે પછી તને જે પૈસા મળ્યા અને જે વસ્તુઓ ખરીદી અને પેલી ભાભી સાથે જે આનંદ ભોગવ્યો તે મારી માયાનો ભાગ હતો, તે ફક્ત તું અનુભવી રહ્યો હતો. તને અહીં સુધી લાવવા માટે જ મેં આ બધું તંત્ર રચ્યું હતું. થોડા સમય પહેલાં તું જે મંત્રો બોલ્યો તે બધા પ્રેતલોકમાં પ્રવેશવા માટેની વિનવણીના મંત્રો હતા. પ્રેતોના રાજા તરીકે હું તારી વિનંતીનો સ્વીકાર કરું છું અને તારું પ્રેતલોકમાં સ્વાગત કરું છું.” એટલું કહીને પોતાનો હાથ આગળ વધાર્યો જે રઘુના ગળામાં વીંટળાઈ વળ્યો.

રઘુનું શરીર હવામાં બે ફૂટ ઊંચું થઈ ગયું. રઘુનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તે તડપવા લાગ્યો. થોડી જ વારમાં તેનો મૃતદેહ નીચે પડ્યો હતો.

ભસ્મચિતા લગાવેલ રઘુના નિર્વસ્ત્ર દેહની બાજુમાં મેલું જીન્સ, ચોળાયેલ ટીશર્ટ અને જૂનાં ચંપલો પડ્યાં હતાં. જીન્સના ખિસ્સામાં ત્રણસો રૂપિયા સુરક્ષિત હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama