Jyotindra Mehta

Classics Crime Thriller

4  

Jyotindra Mehta

Classics Crime Thriller

ઓપરેશન ઝીગ

ઓપરેશન ઝીગ

13 mins
378


સમયગાળો : ડિસેમ્બર ૧૯૫૧

સ્થળ : લેબર કેમ્પ, મ્યુનિક


તે છ વ્યક્તિઓ જેલરની ઓફિસમાં બેસીને શ્વાર્ઝટી પી રહ્યા હતા. તેઓ થોડીવાર પહેલાં જ ત્યાં પહોંચ્યા હતા. જેલર ડેરેક તેમની સરભરા કરવામાં કમી રાખવા નહોતો માગતો. બધાએ ઠંડીથી બચવા માટે ઓવરકોટ અને મફલર પહેરેલા હતા.

તેણે કહ્યું,”આપણે જેલનો રાઉન્ડ લઈશું ? મારી જેલમાં ફક્ત બે જ યુદ્ધના કેદી છે એટલે વધુ સમય નહિ લાગે.” તેમાંથી ફક્ત બે જ જણ ઉભા થયા. બાકીના જેલરની ઓફીસના ગરમ વાતાવરણમાં બેસવા માગતા હતા. બહાર કરતાં અહીં વાતાવરણ ઠંડુ હતું. ઉભા થનારામાં એક ડેવિડ મેલ્કીન હતો અને બીજો યોસેફ કોહેન હતો.

ડેરેકે બાકીના ચારેયને ઉદ્દેશીને કહ્યું,”આપ અહીં આરામથી બેસો, અમે થોડીવારમાં જ આવી જઈશું.”

જેલર તેમને એક કોટડી પાસે લઇ ગયો અને કહ્યું,”આને મળો આ છે મેક્સ અમાન, ફ્યુરરના નજીકના ઓફીસરોમાંથી એક. આ નાઝી પાર્ટીનો બિઝનેસ મેનેજર હતો અને નાઝી પબ્લીશીંગ હાઉસનો પ્રમુખ હતો. ફ્યુરરની હાર પછી આની ઉપર કેસ ચાલ્યો અને દસ વર્ષની સજા થઇ છે. અમારે ત્યાં ગુનેગારોને છોડવામાં નથી આવતા.”

“ગુટન મોરગન હેર (શુભ પ્રભાત શ્રીમાન), ઓળખ્યો મને?” યોસેફે મેક્સ અમાનને ઉદ્દેશીને કહ્યું.

મેક્સ અમાનના ચેહરા ઉપર કોઈ જાતના હાવભાવ ન આવ્યા.

પણ જેલર ચોંકી ગયો. તેણે કહ્યું,”જેલમાં રહીને આની યાદશક્તિ ઓછી થઇ ગઈ છે. તે કોઈને ઓળખી નથી શકતો. આપણે બીજા કેદીને મળીશું?”

ડેવિડે ધ્યાનથી જેલરના ચેહરા તરફ જોયું. તે સમજી ગયો કે કંઇક તો ગડબડ છે. આવી ગડબડી શોધવા માટે જ તેને અહીં મોકલવામાં આવ્યો હતો. મેક્સ અમાનને જોઇને લાગતું ન હતું કે તેને કોઈ તકલીફ હોય. તે ઉપરાંત જેલરે હિટલર માટે જે માનવાચક સંબોધન વાપર્યું હતું તે પણ ખટક્યું હતું. જો કે જેલરની જેમ હજી ઘણાબધા હતા જે હિટલરને હીરો માનતા હતા અને ફ્યુરર જેવું માનવાચક સંબોધન તેના માટે વાપરતા. 

બીજા કેદીની મુલાકાત લઈને ઇઝરાયેલથી આવેલ તે પ્રતિનિધિ મંડળે જેલરની રજા લીધી. તેમના ગયા પછી જેલરે હાશકારો અનુભવ્યો.

હોટેલમાં પહોંચ્યા પછી પણ ડેવિડનું વિચારચક્ર તૂટ્યું નહોતું. હજી તેઓ બે દિવસ મ્યુનિકમાં રોકવાના હતા. વાતની ખાતરી કરવા સાંજે તેણે યોસેફ્ને પોતાની રૂમમાં ડ્રીંક માટે આમંત્ર્યો.

થોડા ડ્રીંક પીધા પછી ડેવિડે કહ્યું,”જર્મનીની સરકારે સરસ પગલાં લીધા છે નહિ? આટલા દિવસોમાં જેલમાં બંધ ઘણાબધા નાઝી ઓફિસરોની મુલાકાત આપણે લીધી.”

નશામાં યોસેફે કહ્યું,”આજની મુલાકાત પછી મને શંકા થવા લાગી છે કે આપણે પહેલાં જે જેલોની મુલાકાત લીધી તે બધા સાચા નાઝી ઓફિસરો હતા કે નહિ?”

ડેવિડે કહ્યું,”હું સમજ્યો નહિ આપ શું કહેવા માગો છો?”

યોસેફે કહ્યું,”જેલમાં આપણે જે મેક્સ અમાનને મળ્યા તે અસલી નહિ પણ તેનો હમશકલ હતો. સાચા મેક્સ અમાનને હું અંગત રીતે ઓળખાતો હતો, હું તેની પડોશમાં જ રહેતો હતો.”

ડેવિડે કહ્યું,”અરે ! તો તમે તે વખતે કેમ બોલ્યા નહિ?”

યોસેફે કહ્યું,”તે જેલર મેક્સ અમાનનો સગો છે, તેનું પૂર્ણ નામ ડેરેક અમાન છે, એટલે ત્યાં કંઈ બોલી શકાય તેમ નહોતું. ટોર્ચર કોને કહેવાય તે તમે સમજી નહિ શકો. આ જર્મન લોકો બહુ ભયંકર હોય છે. તે ઉપરાંત મારા આ કહેવાથી માંડ થઇ રહેલા એગ્રીમેન્ટની વાત ઘોંચમાં પડી શકે. સંબંધી સુધારવાની કોશિશમાં અડચણો ઉભી થઇ ગઈ હોત.”

ડેવિડ તેની વાતનો મતલબ સમજી રહ્યો હતો. યોસેફની જર્મનીમાં ઘણીબધી પ્રોપર્ટી હતી અને એગ્રીમેન્ટ ન થાય તો તે છોડવી પડે.

યોસેફે આગળ કહ્યું,”તે ઉપરાંત મેક્સ અમાન પ્રત્યક્ષ રીતે હોલોકાસ્ટમાં સામેલ નહોતો તેથી હોબાળો મચાવવામાં અર્થ નહોતો.”

હોલોકાસ્ટ શબ્દ સાંભળીને ડેવિડના રુંવાડા ઉભા થઇ ગયા અને આંખો લાલ થઇ ગઈ પણ તેણે પોતાને શાંત કરતાં પૂછ્યું,”આ મેક્સ અમાન વિષે વધારે સાંભળવામાં નથી આવ્યું. કોણ છે તે?” ડેવિડને ખરેખર મેક્સ અમાન વિષે જાણકારી નહોતી, તેણે જેટલી પણ ફાઈલ નાઝી ઓફિસરોની વાંચી હતી તેમાં તેનું નામ નહોતું

યોસેફે કહ્યું,”મેક્સ અમાન પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન હિટલર જે કંપનીમાં હતો, તે જ કંપનીમાં ફિલ્ડ વેબેલ હતો અને તે વખતે તેણે આયર્ન ક્રોસ સેકંડ ક્લાસ પણ મળ્યો હતો. પહેલા વિશ્વયુદ્ધ બાદ તે હિટલરના નાઝી પક્ષમા જોડાયો અને હિટલરે તેને નાઝી પક્ષનો બિઝનેસ મેનેજર નીમ્યો. થોડા જ સમયમાં પોતાની કાબેલિયત પર તે નાઝી પક્ષના પબ્લીશીંગ હાઉસ ‘એહેર વેર્લે’નો પ્રમુખ બન્યો. હિટલરની આત્મકથાનું ‘મૈન કામ્ફ’ નામ પણ તેણે જ આપ્યું. તે પહેલાં હિટલરે તેનું નામ ‘ફોર એન્ડ હાફ યર અગેઈન્સ્ટ લાઈઝ, સ્ટુપીડીટી એન્ડ કાવર્ડી’ એમ હતું. ત્યારબાદ તે હિટલરના અંગત વર્તુળમાં પહોંચી ગયો હતો. તે પુસ્તક દ્વારા તે પોતે પણ અમીર બન્યો અને હિટલરની પણ અમીર બનાવ્યો. તે ક્યાંય હોલોકાસ્ટમાં સામેલ નહોતો. તેથી મારી વિનંતી છે કે તમે પણ વાત આગળ ન વધારતા.”

ડેવિડે કહ્યું,”સંબંધો સુધારવા માટે ક્યારેક થોડી બાંધછોડ કરવી પડે.” એમ કહીને ચર્ચા પર પૂર્ણવિરામ લાવી દીધું. પણ તેના મગજમાં બીજા વિચારો આકાર લઇ રહ્યા હતા.

ઇઝરાયેલનું આ પ્રતિનિધિ મંડળ પશ્ચિમ જર્મનીના ચાન્સેલર ‘કોન્રાડ એડેનોવા’ ના આમંત્રણ ઉપર પશ્ચિમ જર્મનીની મુલાકાતે આવ્યું હતું. તેમને રીપારાશન એગ્રીમેન્ટ વિષે ચર્ચા કરવા અને તેમનો મત જાણવા માટે બોલાવ્યા હતા.

તેઓ વિશ્વ સમક્ષ જર્મનીની છબી સાફ કરવા માટે તત્પર હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે યહુદીઓ સાથે જે અન્યાય થયો હતો, તેનું વળતર આપવા માગતા હતા. જે યહુદીઓ પોતાની સંપત્તિ જર્મનીમાં છોડીને ગયા હતા તેમને તેમની સંપત્તિની સોંપણી કરવા માટે આ એગ્રીમેન્ટ ઉપયોગી થવાનું હતું. પણ તેને ઓપ આપવા પહેલાં યહુદીઓ શું વિચારે છે અને શું કરવું જોઈએ તેની ચર્ચા કરવા તે પ્રતિનિધિમંડળને બોલાવ્યું હતું.

હિટલર અને તેના ઓફિસરોએ યહુદીઓ ઉપર કાળો કેર વર્તાવ્યો હતો. લગભગ સાઈઠ લાખ જેટલા યહુદીઓને ૧૯૪૧ થી ૧૯૪૫ દરમ્યાન મારી નાંખ્યા હતા અને તે માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી હતી અને અનેક યહુદીઓ તેમની બર્બરતાનો શિકાર થયા હતા.

ચાન્સેલર તેમના દેશના નામે થયેલા ગુનાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા અને સામે છેડે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન ગુરિયન પણ આ ઈચ્છતા હતા. તેમનું કહેવું હતું,”મર્ડરરર્સ ડુ નોટ બીકમ હએર્સ. (હત્યારાઓ વારસદાર ન બનો.)”

કુલ છ મેમ્બર હતા તે પ્રતિનિધિમંડળના. એક મંત્રી હતા, ત્રણ સરકારી અધિકારી અને બે ‘યહૂદી પીડિતો’ સંસ્થાના મેમ્બર હતા. તેમણે પર ઘણો સમય હિટલરના અત્યાચારી કેમ્પમાં સમય વિતાવ્યો હતો.

બીજી તરફ મોસાદના નિયામક રુવેન શિલોહ ચિંતામાં હતા. કોન્રાડ એડેનોવા માલમિલકતની ચુકવણીમાં સહકાર આપવા તૈયાર હતા પણ હિટલર જે ઓફિસરો દેશ છોડીને ભાગી ગયા હતા તેમને પકડવામાં બહુ અસરકારક મદદ કરી રહ્યા નહોતા. તે તપાસનો દેખાડો કરી રહ્યા હતા. પાછલા બે વરસથી મોસાદના જાસૂસો તેમને શોધવા જમીન આસમાન એક કરી રહ્યા હતા.

પશ્ચિમ જર્મનીના ઊંચા હોદેદારોમાં ઘણાખરા હિટલરને દેશભક્ત અને હીરો માનતા હતા, તે પણ તપાસ આડેનું એક નડતર હતું. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન ગુરિયન દ્વારા જયારે યુદ્ધના ગુનેગારોને પકડવાની વાત કરવામાં આવી ત્યારે કોન્રાડ એડેનોવાએ તેમને જવાબ વાળ્યો કે બહુ ઓછા ઓફિસરો ભાગી શક્યા છે, બાકીના ઓફિસરો ઉપર કામ ચલાવીને તેમને ઉચિત સજા કરવામાં આવી છે. પણ સત્ય એ હતું કે હિટલરના પહેલી હરોળના ઘણા બધા ઓફિસરો દેશ છોડીને ભાગવામાં સફળ રહ્યા હતા. જતાં પહેલાં પોતાની ઓળખ આપી શકે તે બધા પુરાવા પણ નષ્ટ કરીને ગયા હતા અને નવી ઓળખ સાથે નવા દેશમાં પહોંચી ગયા હતા.

જર્મનીમાં સાચી પરિસ્થિતિ શું છે તે જાણવા માટે રુવેન શિલોહે પોતાનો એક જાસુસ તે પ્રતિનિધિમંડળમાં મોકલ્યો હતો. ડેવિડ મેલ્કીન એ એક ચાલક જાસુસ હતો, તે તેનું કામ સુપેરે જાણતો હતો. એક મહિનાના રોકાણ દરમ્યાન તે પ્રતિનિધિમંડળ સજા પામેલા નાઝી ઓફિસરોની પણ મુલાકાત લેવાનું હતું. ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવા માટે જ ચાન્સેલરે આ ગોઠવણ કરી હતી.

ડેવિડ મેલ્કીન પોણા છ ફૂટ ઉંચો સાધારણ ચેહરાનો સ્વામી હતો પણ તેની આંખો એકદમ તેજસ્વી. તે તેના ભાઈ અને ભાભી સાથે પોલેન્ડમાં રહેતો હતો પણ બીજા વિશ્વયુદ્ધે બધું ખતમ કરી દીધું. તેના ભાઈ અને ભાભીને જર્મન મિલેટરી કેમ્પમાં લઈ ગયા હતા એટલું જ યાદ હતું. તે જેમ તેમ કરીને બચી ગયો હતો. તેને બચાવનાર એક યહૂદી હતો. ઈઝરાયેલની સ્થાપના બાદ તે અહીં આવી ગયો હતો. પહેલાં મિલેટરીમાં જોડાયો અને પછી તેની ક્ષમતા જોઇને તેને શીન બેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. બાદમાં રુવેન શિલોહની નજર તેના પર પડી અને તેને મોસાદમાં જોડાવાનું કહ્યું.

 તેનો આ સાધારણ ચેહરો તેને બહુ ઉપયોગી પડતો બધી જગ્યાએ ભળી જવામાં. તે ઉપરાંત તે વેશાંતર કરવામાં માહેર હતો. તેની એનાલીસીસ કરવાની ક્ષમતા અદ્ભુત હતી. શીન બેટમાં તે સામાન્ય ડીટેકટીવ હતો પણ ગુનાશોધનમાં તેની માસ્ટરી હતી. જ્યાં બાકી બધા નિષ્ફળ રહ્યા હતા ત્યાં પણ તે સફળ રહ્યો હતો.

તે જ કારણસર જયારે ઇઝરાયેલથી પશ્ચિમ જર્મની પ્રતિનિધિ મંડળમાં કોઈ જાસુસ મોકલવાની વાત થઇ ત્યારે રુવેન શિલોહે ડેવિડનું નામ આપ્યું.    

મ્યુનિકમાં રોકાણ બે દિવસનું જ હતું અને બે દિવસમાં ઘણાબધા કામ કરવાના હતા. ડેવિડે પોતાનું સમગ્ર ધ્યાન જેલર ડેરેક અમાન તરફ ફેરવ્યું હતું.

ઇઝરાયેલ પહોંચ્યા પછી તેણે મોસાદના નિયામક રુવેન શિલોહને મળીને પોતાનો રીપોર્ટ સોંપ્યો. પાછલા પંદર દિવસમાં તેણે મેક્સ અમાનના ભૂતકાળ વિષે ઘણી ખણખોદ કરી હતી. તેણે રેકોર્ડમાંના ફિંગર પ્રિન્ટ મેળવ્યા હતા, તે ઉપરાંત મ્યુનિક પોસ્ટઓફિસમાંથી માહિતી મેળવી હતી કે જેલર ડેરેક અમાન ક્યારેક સ્વીત્ઝર્લેન્ડના ઝુરિકમાં કોઈની સાથે પત્ર વ્યવહાર કરે છે. તે જાણી ન શક્યો કે તે કોને પત્ર મોકલે છે અને કયા એડ્રેસ ઉપર મોકલે છે. વધુ માહિતી મેળવવા જાય તો નુકસાન થઇ શકે તેમ હોવાથી તેણે તે પ્રયત્નો પડતા મુક્યા. તે એ નિષ્કર્ષ પર આવ્યો હતો કે મેક્સ અમાન સ્વીત્ઝર્લેન્ડમાં હોવાની શક્યતા હતી.

મેક્સ અમાનનું નામ સાંભળીને રુવેન શિલોહ સતર્ક થઇ ગયા. તેના માટે આ નામ નવું ન હતું. તેમણે બંધ થઇ ગયેલી ફાઈલ ફરી મંગાવી. મેક્સ અમાનનો હોલોકાસ્ટમાં પ્રત્યક્ષ હાથ ન હતો પણ તેણે ડેઈલી ન્યુઝપેપરમાં તેણે જે લેખ લખ્યા હતા, તેની કલમ ભયંકર રીતે તેજાબી હતી. તેના લીધી યહુદીઓ વિરુદ્ધ વાતાવરણ જામ્યું હતું. તે હોલોકાસ્ટ માટે પરોક્ષ રીતે જવાબદાર તો હતો જ.

તે ફાઈલમાંની માહિતી વાંચીને રુવેન શિલોહે ફક્ત એટલું જ કહ્યું,”શું જર્મની આપણી સાથે મજાક કરી રહ્યું છે? આ કેસની પૂર્ણ તપાસ કરવી જ પડશે.”

રુવેન શિલોહ ઊંડા વિચારોમાં સરી પડ્યા.

સ્વીત્ઝર્લેન્ડ પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તટસ્થ રહ્યું હતું અને સ્વતંત્ર ઇઝરાયેલને સમર્થન આપનારા દેશોમાં તે સામેલ હતું. ૧૯૪૯થી તેમની એમ્બેસી તેલ અવિવમાં હતી. તેમની મદદ માગી શકાય એમ હતી પણ તે પહેલાં સાબિત કરવું પડે કે જેલમાં છે તે મેક્સ અમાન નકલી છે. તે ઉપરાંત કોઈ પણ તટસ્થ દેશ સ્વીકારે નહિ કે ભાગેડુ યુદ્ધગુનેગાર તેમના દેશમાં રહી રહ્યો છે. તેથી ગુપ્તતાથી બધા પુરાવા મેળવવા પડે અને પછી જ વાત કરવી જોઈએ.

રુવેન શિલોહે પ્રધાનમંત્રી બેન ગુરીયનની મુલાકાત લીધી અને કેસને લગતી બધી વિગતો આપી. દુરદ્રષ્ટા બેન ગુરિયન પહેલાં જર્મનીની આ છેતરપીંડીથી ગુસ્સે થયા પણ પછી શાંત મગજથી વિચાર કરીને કહ્યું,”ગુપ્ત રીતે પૂર્ણ જાણકારી મેળવી લો પછી જ આપણે કોઈ પગલું લઈશું.”

ત્યારબાદ રુવેન શિલોહે આ કેસ સામે લાવનાર ડેવિડ મેલ્કીનને સ્વીત્ઝર્લેન્ડ મોકલવાનું નક્કી કર્યું અને તેને સ્વીત્ઝર્લેન્ડના રાજદૂતના સચિવ તરીકે ત્યાં મોકલ્યો. બર્ન પહોંચીને ડેવિડ થોડા દિવસ શાંત રહ્યો.

પંદર દિવસ પછી ડેવિડ ઝુરિકની મુલાકાતે ગયો અને સ્વીત્ઝર્લેન્ડમાં રહેતા મોસાદના જાસૂસ શોન અને એરિયલને નવા કામની સોંપણી કરી. છદ્મ નામ સાથે ઝુરિકમાં રહી રહેલા મેક્સ અમાનને શોધવાનું મિશન સોપ્યું. તેમની પાસે બે જ કલુ હતા. પહેલો કલુ હતો તેને જર્મનીથી કોઈ વખત પત્ર આવે છે અને બીજો હતો તેનો ડાબો હાથ નકામો છે. તેનો એક ફોટો મળ્યો હતો પણ તેમાં તે યુવા દેખાઈ રહ્યો હતો, એટલે તેના આધારે શોધખોળ કરવી પણ થોડી મુશ્કેલ હતી. 

શોન અને એરીયલે શરૂઆત પોસ્ટઓફીસથી કરી પણ તેમની બધી કોશિશો નાકામ રહી. ત્યાં કામ કરનાર એકમાત્ર યહૂદી કર્મચારીની બદલી બે મહિના પહેલા જ બીજે થઇ ગઈ હતી. અંદરની માહિતી મળવી મુશ્કેલ થઇ ગઈ હતી તેથી તેમણે પોતાનું ધ્યાન બીજા કલુ તરફ ફેરવ્યું. જેનો હાથ નકામો હોય એવા વ્યક્તિની શોધખોળ આદરી. પાંચ લાખની વસ્તીવાળા શહેરમાં આ કામ પણ મુશ્કેલ હતું કારણ ઠંડા પ્રદેશ એવા ઝુરીકમાં બધા લાંબો ઓવરકોટ પહેરતા હતા તેથી હાથ તરફ ધ્યાન આપવું મુશ્કેલ બને. એક મહિનાની મહેનત પછી પણ તેમને કોઈ બાતમી ન મળી. નિરાશા તેમને ઘેરી વળી.

તે જ સમયે તેમના નસીબ આડેથી પાંદડું હટ્યું હોય તેમ પોસ્ટઓફિસમાં કામ કરતો યહૂદી કર્મચારી તેમને ઝુરીકમાં દેખાયો. શોને તેને મળીને પોતાની ઓળખાણ એક યહૂદી તરીકે આપી અને પોતાની કોમ ખાતર મદદ માગી. તેણે પોસ્ટ ઓફિસમાંથી માહિતી કાઢી કે હાન્સ સ્નાયડર નામના વ્યક્તિને કોઈ વખત જર્મનીમાંથી પત્ર આવે છે.

તેનું એડ્રેસ મેળવીને તેઓ હાન્સ સ્નાયડરના ઘર પાસે પહોંચ્યા. અંતિમ નિર્ણય પર આવ્યા પહેલાં પૂર્ણ ખાતરી કરવાની હતી. તેમણે બીજા દિવસથી વેશ બદલીને રેકી કરવાનું શરુ કર્યું. તેમણે જાણકારી મેળવી કે હાન્સ સ્નાયડરની ટાઉન હોલ પાસે એક નાની દુકાન હતી અને તે પોતે બેનહોફટ્રેસના મકાન નંબર બી- ૧૩૨ માં રહેતો હતો. મકાન પણ એકદમ સાધારણ હતું. તે ઘરેથી દુકાન સુધી ચાલતો જતો અને સાંજે દુકાન બંધ કરીને ચાલતો જ ઘરે જતો. તેને ઘરે આવતાં જતાં લગભગ અડધો કલાક લાગતો. તેનો પીછો કરીને ખબર પડતી ન હતી કે તેનો ડાબો હાથ નકામો છે કે બરાબર કામ કરે છે.

તે જાણકારી મેળવવા એરિયલ દુકાનમાં એક વસ્તુ ખરીદવા ગયો. સામાન્ય કિરાણાની દુકાન હતી. તેણે થોડું ચીઝ અને થોડા બટાટા ખરીદ કર્યા અને પૈસા લેતી વખતે એરીયલના ધ્યાનમાં આવ્યું કે ડાબો હાથ નીચે ઝૂલી રહ્યો હતો. તેણે આપેલી નોટ એરીયલે ખીસ્સાભેગી કરી અને બહાર આવીને તેના ઉપર પોતાની આંગળીઓની છાપ ન આવે એવી રીતે કવર કરી.

પચાસ ટકા કન્ફર્મ થઇ ગયું હતું કે હાન્સ સ્નાયડર જ મેક્સ અમાન છે. તેની દુકાનની સામેની એક દુકાન હતી જ્યાં પૂછપરછને બહાને શોન એક બેગ લઈને ઉભો રહ્યો જેની અંદર કેમેરા હતો. તેણે આવતા જતાં હાન્સ સ્નાયડરના ફોટા પાડી લીધા. તે ફોટોગ્રાફ અને હાન્સ સ્નાયડરની આંગળીઓની છાપવાળી નોટ શોને બર્નના દુતાવાસમાં કામ કરી રહેલા ડેવિડને મોકલી દીધા. શોન અને એરીયલે હવે રાહ જોવાની હતી ડેવિડના જવાબની. તેમણે ઝુરીકની બહાર ફાર્મહાઉસનું મકાન ભાડે રાખેલું હતું. કદાચ હાન્સ સ્નાયડરનું અપહરણ કરવું પડે તે હેતુથી એકાંતનું સ્થળ નક્કી કર્યું હતું.

આ તરફ ડેવિડે મળેલા બંને સબૂતો તપાસી જોયા. મેક્સ અમાન અને હાન્સ સ્નાયડરના અને મેક્સ અમાનના ફોટોમાં સમાનતા ઓછી હતી પણ આંગળીઓની છાપ મેક્સ અમાનની આંગળીઓની છાપ સાથે મેળ ખાતી હતી.

ડેવિડે ફક્ત બે જ શબ્દોનો સંદેશો ઇઝરાયેલ મોકલ્યો “ઇટ્સ હિમ.’

ડેવિડનો સંદેશો મળતાં જ રુવેન શિલોહે પ્રધાનમંત્રી બેન ગુરિયન સાથે મંત્રણા ગોઠવી. જેમાં તેમના વિદેશમંત્રી મોશે શેરેટ પણ હાજર હતા. બેન ગુરિયન મેક્સ અમાનને પકડીને દેશની જનતા સામે ઉભો કરવા માગતા હતા. પણ મોશે શેરેટનો મત જુદો હતો.

શાંત અને ઠંડા મગજના મોશે શેરેટે કહ્યું,”તે આપણો ગુનેગાર ખરો પણ એટલો મોટો નહિ કે આપણે સ્વીત્ઝર્લેન્ડ સાથે સંબંધ બગાડીએ. એના કરતાં તેને ત્યાં જ ખતમ કરાવી દઈએ. એના વિષે ગાઈવગાડીને કહેવાની પણ જરૂર નથી. હજી જે મોટા માથા નથી મળ્યા તેમની ખોજ ચલાવવી જોઈ. એડોલ્ફ આઇકમાન હજી પણ ક્યાંય નજરે ચડ્યો નથી. જો આપણે મેક્સ અમાન વિષે જાહેર કરીશું તો તેઓ સતર્ક થઇ જશે કે મોસાદ નાઝી ઓફિસરોને શોધી રહ્યું છે.”

બેન ગુરિયન માની ગયા અને તેમણે મેક્સ અમાનને પકડવાને બદલે સીધો ખતમ કરવાનો ઓર્ડર આપ્યો. 

થોડા દિવસ પછી તેને વળતો સંદેશો મળ્યો “એન્ડ્સ.” તે શબ્દનો અર્થ એક જ નીકળતો હતો કે તેનું ડેથ વોરંટ નીકળી ચુક્યું હતી. પણ અહીં આ કામ કરવું સહેલું નહોતું. સ્વીત્ઝર્લેન્ડ એક શાંત દેશ હતો અને અહીંની પોલીસની ગતિવિધિ ડેવિડ જાણી ચુક્યો હતો. તે ઉપરાંત ફેડરલ એજન્સીની નજર પણ આવી અચાનક ઘટનાઓ પર રહેતી હતી. ખૂન એવી રીતે થવું જોઈએ કે તેનું મૃત્યુ સામાન્ય રીતે થયી હોય એ રીતે લાગે.

ડેવિડ ઝુરિક આવીને શોન અને એરિયલને મળ્યો અને તેમને ડેથ વોરંટ બજાવવાનું છે તે વિષે કહ્યું. એરિયલ કેમિસ્ટ હતો. તેણે કહ્યું,”હું એક ઝેર વિષે જાણું છું જે શરીરમાં ગયા પછી બહુ ધીમે અસર કરે છે પણ છે એકદમ અસરદાર. મૃત્યુ એવી રીતે થાય છે જાણે માણસ બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો.”

ડેવિડે પૂછ્યું,”એવું કયું ઝેર છે?”

એરીયલે કહ્યું,”રાઈસિન. આ ઝેર એરંડાના બીજમાંથી કે તેની ડાળખીમાંથી પણ તારવી શકાય. એક વ્યક્તિને મારવા માટે બહુ વધારે જરૂર પણ નથી પચાસથી સો માઈક્રોગ્રામ પણ બહુ થઇ ગયું.”

ડેવિડે પૂછ્યું,”શું તું રાઈસિન તારવી શકીશ?”

એરીયલે કહ્યું,”તારવી શકાશે પણ અઠવાડિયા જેટલો સમય લાગશે.”

ડેવિડે કહ્યું,”ઠીક છે, તો તું રાઈસિનની તૈયારી કર અને ત્યાં સુધીમાં હું બાકીની વ્યવસ્થા કરું છું. આપણા ઓપરેશનનું નામ છે ઓપરેશન ઝીગ.”

ત્યારબાદ ડેવિડે એક છત્રી લીધી અને તેની નીચેના ભાગને ઘસીને અણીદાર બનાવ્યો અને તેની અંદર એક પોલાણ કરી દીધું અને એક નાની મેકેનીઝમ બનાવી જેનાથી તેમાંથી રાઈસિન ઇન્જેક્ટ થઇ શકે.

હવે મુખ્ય કામ હતું કે એવો સ્પોટ શોધવાનો જ્યાં તેના શરીરમાં રાઈસિન ઇન્જેક્ટ કરી શકાય. શોને તેના દરેક ડગલાની ગણતરી કરી હતી. તે રોજ દુકાનેથી ચાલતો ઘરે જતો અને તેમાં તેને વીસ મિનીટ લાગતી હતી. શોને જેટલા દિવસ તેનું નિરીક્ષણ કર્યું હતું તેમાં તેની ચાલવાની ઝડપ સરખી જ હતી.

શોને કહ્યું,”તે મુખ્ય રસ્તાથી ઘર તરફ જવા સ્ટ્રીટમાં જયારે વળે છે, તે એકદમ યોગ્ય સ્થળ છે. સાત વાગે ત્યાં બહુ અવરજવર નથી હોતી.”

તારીખ નક્કી થઇ ૨૫ જુન ૧૯૫૨. એરિયલ કામ ચાલે એટલું રાઈસિન તારવી ચુક્યો હતો. આજે સાંજે મેક્સ અમાનનું ડેથ વોરંટ બજાવવાનું હતું. ડેવિડ સાંજે ફાર્મહાઉસથી નીકળતા પહેલાં યાહવેહને યાદ કર્યા. નિશ્ચિત સ્થળે તેમણે સમયસર પહોચવાનું હતું. ન તો વહેલા ન તો મોડા. વહેલા પહોંચીને ત્યાં વધારે સમય ઉભા રહે તો કોઈને શંકા જઈ શકે. તે સ્ટ્રીટના નાકે પહોંચ્યો અને ત્યાં પહોંચીને ઉભા રહીને સિગરેટ સળગાવી. તેના હાથમાં એક છત્રી હતી જે બહુ સંભાળીને પકડી હતી. શોન અને એરિયલ થોડે દુર કારમાં ડેવિડના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ડેવિડની નજર ઘડિયાળ તરફ હતી. એક એક સેકંડ કીંમતી હતો. તેના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. રોજ મેક્સ અમાન ઉર્ફ હાન્સ સ્નાયડર સાત વાગે તે સ્થળે પહોચતો હતો પણ આજે સાત વાગીને દસ મિનીટ થઇ ગઈ હતી અને તેનો કોઈ અતોપતો ન હતો. ડેવિડ વિચારવા લાગ્યો કે આ કામ આવતીકાલે કરીશ પણ તે જ સમયે દુરથી તેને મેક્સ અમાન આવતો દેખાયો અને તેની આંખોમાં ચમક આવી ગઈ. લાખો યહુદીઓના અને તેના પરિવારના હોલોકાસ્ટમાં પરોક્ષ ભૂમિકા ભજવનાર ખલનાયક, જે જર્મન સરકારની આંખમાં ધૂળ નાખીને કે તેમની મિલીભગતથી બીજા દેશમાં આવીને વસી ગયો હતો.

ડેવિડે પોતાના શ્વાસ સરખા કર્યા અને તેની સામે જવા લાગ્યો. જેવો મેક્સ અમાન નજીક પહોંચ્યો, તેણે પોતાની છત્રીનો પાછળની ભાગ તેના બુટમાં ખોસી દીધો. ઘડીના છઠા ભાગમાં તેણે અંદર સાચવેલું રાઈસિન ઇન્જેક્ટ કરી દીધું. છત્રીના અણીદાર ભાગે મેક્સ અમાનના બુટમાં નાનુ કાણું કરી દીધું હતું અને તેના દ્વારા બધું જ રાઈસિન શરીરમાં પ્રવેશી ગયું.

ડેવિડે તરત માફી માગતા અંદાજમાં કહ્યું,”ડીઝોલે મુસ્ત્યુર”(સોરી સર) અને ત્યાંથી ઝડપથી આગળ વધી ગયો. સામાન્ય અકસ્માત સમજીને મેક્સ અમાન પોતાના ઘર તરફ આગળ વધ્યો જ્યાં તેનો પરિવાર તેની રાહ જોઈ રહ્યો હતો.

ડેવિડ અને એરીયલે તે રાત્રે જ ઝુરિક છોડી દીધું. ડેવિડ બર્ન નીકળી ગયો અને એરિયલ થાઉન ગયો, જ્યાં તે તેના પરિવાર સાથે રહેતો. ફકત શોન ઝુરીકમાં રોકાયો હતો, ઓપરેશન સફળ રહ્યું કે નહિ તે જાણવા માટે.

ચાર દિવસ પછી તેને સમાચાર જાણવા મળ્યા કે બીમારીને લીધે હાન્સ સ્નાયડરનું મૃત્યુ થઇ ગયું હતું. તે સ્મશાનની બહાર ઉભો રહ્યો. તેણે જોયું કે માંડ દસ લોકો જ તેની અંત્યેષ્ટિમાં હાજર હતા. શોનના ચેહર પર સંતોષ હતો. હિટલરના અંતરંગ વર્તુળનો એક નાઝી ઓફિસર તેની પાસે પહોંચી ગયો હતો.

તેણે ડેવિડને સમાચાર મોકલી દીધા કે ઓપરેશન સફળ રહ્યું છે ઝીગ એટલે કે બકરો ખતમ થઇ ગયો છે. છ મહિના પછી ડેવિડ ફરીથી ઇઝરાયેલ પાછો ફર્યો જ્યાં ઇઝરાયેલ સરકારે મેડલ આપીને તેનું બહુમાન કર્યું. 

અસલી મેક્સ અમાનના મૃત્યુ પછી નકલી મેક્સ અમાનને ૧૯૫૩ માં જેલમાંથી છોડી દેવામાં આવ્યો અને તેને વહેલા છોડવાનું કોઈ આધારભૂત કારણ પણ આપવામાં ન આવ્યું. અને ૧૯૫૭માં નકલી મેક્સ અમાનનું પણ મૃત્યુ થઇ ગયું.

મોસાદે પાર પડેલું આ મિશન ’ઓપરેશન ઝીગ’ ક્યારેય બહાર ન આવ્યું.

સમાપ્ત  


Rate this content
Log in

Similar gujarati story from Classics