Mitra Writes

Classics Inspirational

1.0  

Mitra Writes

Classics Inspirational

આકાશની બુલબુલ

આકાશની બુલબુલ

21 mins
21.9K


“અરે બુલબુલ, આવી ગઈ કોલેજથી ! કેવો રહ્યો આજનો દિવસ ?” આંગણામાંથી દિવાનખંડમાં પ્રવેશી રહેલી બુલબુલને જોઈ તેની મમ્મીએ રસોડામાંથી સાદ દેતાં પૂછ્યું. અને રોજની આદત મુજબ યાંત્રિક રીતે જ તેમનો હાથ પાણીનો ગ્લાસ ભરવા દોરાયો. પાણી લઇ તેઓ પોતાની લાડકી દીકરી પાસે પંહોચ્યા, જે આજે થોડીક ચિડાયેલી લાગી રહી હતી. સોફા પર ઘા કરેલ કોલેજ બેગ, વિખરાયેલા વાળ, અને નાક પરનો ગુસ્સો તેની નારાજગીની સાબિતી પૂરતા હતા. અને મમ્મી ધ્વારા અપાતો પાણીનો ગ્લાસ અવગણીને બુલબુલે ગુસ્સામાં આવી જઈ બોલવાનું શરુ કર્યું,

"બસ મમ્મી... બહુ થયું આ બુલબુલ... બુલબુલ...." છેલ્લા વીસ વર્ષથી આ નામ સાંભળીને મારા કાન પાકી ચુક્યા છે ! આજના આધુનિક જમાનામાં મારું આવું ગામઠી નામ... બુલબુલ ! અરે તમારે નામ રાખવું જ હતું તો કંઇક સારું રાખી લેતા... આવું નામ...!? આવા નામ હવે માત્ર ભોજપુરી ફિલ્મોમાં જ સાંભળવા મળે છે... અને પેલું નવું રીમીક્ષ આઈટમ નંબર... ‘નાચ મેરી બુલબુલ...’, કોલેજમાં છોકરાઓ રીતસરનો નાકમાં દમ કરી રાખ્યો છે ! લોફર સાલાઓ...! અને આ કંઇ મારી જોડે પહેલીવારનું નથી... પેલું કેરેક્ટર હતું ને... ‘બુલબુલ પાંડે’ એની પરથી પણ લોકોએ મને ઘણી ખીજવી હતી... એન્ડ નાવ, ઇનફ ઈઝ ઇનફ....! હવે મેં ધારી લીધું છે... આ નામનું ચેપ્ટર કોઈ પણ રીતે પૂરું કરવું જ રહ્યું !" એકધારું બોલતાં તેને હાંફ ચડવા લાગ્યો, અને એ શ્વાસ લેવા રોકાઈ.

“અરે બુલ...” હોઠ સુધી આવેલું દીકરીનું નામ તેના મમ્મીએ તેની નારાજગી જોતાં પાછું ગળી જવું પડ્યું અને સુધારી લેતાં બોલ્યા, “અરે દીકરા, પહેલા પાણી તો પી લે. પછી તારે જે કહેવું હોય એ કહેજે.”

“ના... હવે મારે માત્ર કહેવાનું નથી, કરીને પણ બતાવવાનું છે !”

“શું ?”

“નામબદલી ! બહુ થયું આ ‘બુલબુલ... બુલબુલ’ ! ભલે મારે સરકારી કચેરીઓના ગમે તેટલા ધક્કા ખાવા પડે... પણ હવે તો હું નામ બદલાવીને જ જંપીશ. અને કાલથી જ એની કામગીરી શરુ !” કહેતાં તે લાકડાના દાદર પર પગ પછાડતા પોતાના રૂમમાં ચાલી ગઈ. એવું પણ નહોતું કે બુલબુલે પોતાના નામ અંગે આ વખતે પહેલી જ વાર ફરિયાદ કરી હોય, પણ આ વખતે ફરિયાદ સાથે એ પોતાનો નિર્ણય પણ કરી આવી હતી... જેની મક્કમતા તેના અવાજમાં સાફ વર્તાતી હતી !

અને ત્યાં જ દીવાનખંડ અન્ય એક ઓળખીતા પગરવ સંભળાયા, આ વખતે બુલબુલના પિતા ઓફિસથી પાછા આવ્યા હતા. બુલબુલ માટેનો પ્યાલો તેમને આપતા તેઓ બોલ્યા,

“આકાશ... બુલબુલ કહેતી હતી કે...”

“હા, એ સાંભળ્યું મેં. તમારી વાતચીત ચાલતી હતી ત્યારે હું આંગણામાં જ હતો.” પાણી પી લીધા બાદ તેઓ બોલ્યા.

“પણ આકાશ... આ વખતે તેનો નિર્ણય મક્કમ લાગે છે.” બુલબુલની મમ્મીએ ચિંતામય સ્વરે કહ્યું.

“ભલે રહ્યો. આખરે એને પોતાના નિર્ણયો લેવાનો પૂરો હક છે. એની ઈચ્છા એ મુજબ છે તો કાલે હું જાતે એને એફિડેવિટ કરાવવા લઇ જઈશ.”

“પણ આકાશ, એ નામ... એની સાથેની આપણી યાદગીરી...”

“બુલબુલ પર આપણે આપણી મરજી થોપી તો ન જ શકીએ ! આખરે, હવે આપણી દીકરી મોટી થઇ ગઈ છે !” કહી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

અને બુલબુલના મમ્મી પણ સાંજની રસોઈની ચિંતા કરતા રસોડામાં પ્રવેશી ગયા. કારણકે હાલ ફિલહાલ તો તેમની માટે રસોઈની ચિંતા જ અગ્રેસર હતી. પણ એમનું મન પણ રસોઈમાં ક્યાં લાગી રહ્યું હતું. એ તો એમની દીકરી બુલબુલ પાસે ભટકી રહ્યું હતું, જે હમણાં પોતાના રૂમમાં મોઢું ફુલાવી, બારી પાસે બેસી પુસ્તક વાંચતી હશે. પણ નક્કી, ગુસ્સાની કારણે હજી સુધી એક જ વાક્ય પર અટકી પડી હશે !

અને રસોઈનું કામ અડધું મૂકી તેઓ પોતાના રૂમમાં ગયા અને આકશની નજરોથી બચાવતા, તિજોરી ખોલી, લોકરમાંથી એક ચીજ કાઢી પોતાના સાડીના પાલવમાં સંતાડી, ઉપર બુલબુલના રૂમ તરફ ચાલવા લાગ્યા. અને એમના અનુમાન મુજબ જ બુલબુલ બારી પાસે બેઠી હતી. અને મમ્મીને દરવાજા પર આવેલી જોઈ, મોઢું બગાડી બેઠી. જાણે ઇશારાઓમાં કહેતી હોય કે, ‘મને મનાવવાની કોશિશ પણ ન કરતી... આ વખતે હું નહીં જ માનું.’ અને એ એવું કંઇ બોલે એ પહેલા જ તેની મમ્મી તેની બાજુમાં આવીને બેસી ગઈ, અને સાડીમાં છુપાવેલી એ ચીજ તેના હાથમાં પકડાવી.

“હવે આ શું છે...?” બુલબુલે પૂછ્યું.

“ડાયરી છે.”

“કોની...?”

“એ તો વાંચ્યા બાદ જ ખબર પડેને...!”

“પણ એ મને શું કામ આપે છે? મારે કોઈ ડાયરી નથી વાંચવી !”

“અરે, એક ડાયરીની રીતે ના સહી, એક નવલિકા કે વાર્તા સમજીને વાંચી લેજે !” મમ્મીએ આખરી દાવ નાખતાં કહ્યું. કારણકે તેઓ બખૂબી જાણતા હતા કે વાંચનની ચીજને બુલબુલ ક્યારેય ના કહે જ નહીં. હાથ નીચે જે પુસ્તક આવે એને વાંચ્યે જ ઊંચું મુકવાની એની નાનપણની આદત હતી. અને મમ્મીનો એ દાવ કામ પણ કરી ગયો. બુલબુલ કોઈક વિચારે ચડી ગઈ હોય એમ એ ડાયરીને તગતગી રહી. અને એને એમ જ વિચારોમાં છોડી, મમ્મી હળવેકથી રૂમ બહાર સરકી ગઈ.

થોડી વાર સુધી એ ડાયરીને હાથમાં રમાડ્યે રાખી, બુલબુલ ફરી પોતાના પુસ્તકમાં પરોવાઈ. પણ એ ડાયરીએ તેના મન પર સમગ્રપણે વર્ચસ્વ જમાવી લીધું હતું. ‘મમ્મીને તો લખતા વાંચતા માંડ આવડે છે, અને પપ્પાને તો ડાયરી લખવાની આદત પણ નથી. તો આ ડાયરી બીજા કોની હોઈ શકે...?’ વિચાર કરતાં તેણે પોતાનું પુસ્તક બાજુ પર મૂકી, ડાયરીને વાંચવા માટે હાથમાં લીધી. અને તેના પહેલા જ પાને લખ્યું હતું...

‘હું બુલબુલ...!’ પોતાનું જ નામ વાંચી તે ઘડીભર એ અક્ષરોને જોતી જ રહી. પણ પછી અચાનકથી તેણે બીજો એક તર્ક કર્યો, કે પોતે એક જ બુલબુલ થોડી છે દુનિયામાં !

અને તેણે ફરી આગળ વાંચવાનું શરુ કર્યું....

‘હું બુલબુલ...! ઓળખી મને ? કદાચ ન પણ ઓળખી હોય. અને તે કદાચ એવી આશા પણ ક્યાં રાખી હશે કે હું તને આમ સંપર્ક કરીશ... ડાયરી દ્વારા !

નથી જાણતી કે આજે આ બધું તને શા માટે લખી રહી છું... પણ આજે ફરી વાર તારી સાથે દિલ ખોલીને વાતો કરી લેવી છે... તારી - મારી વાતો. એક આખરી વાર !

યાદ છે તને, જયારે તું મને પહેલી વાર મળ્યો હતો ! હું તો એ ‘બજાર’માં નવી હતી, પણ તું એક અનુભવી ‘ઘરાક’ લાગતો હતો. અને તે પેલી સુંદરીમાસીને – મારા દારૂડિયા બાપે જેની પાસે મને વેચી મારી હતી – વધારે પૈસા આપીને ‘ફ્રેશ’ છોકરીને મળાવવા કહ્યું હતું. અને એ તને મારા રૂમમાં દોરી લાવી હતી. જ્યાં, એક ખૂણામાં હું પોતાના ભરાવદાર અંગોને નાના સ્કર્ટ નીચે છુપાવવા મથી રહી, રડતી બેઠી હતી. અને તે બારણાને અંદરથી બંધ કરી, મારા આંસુઓ પર હાસ્ય વેર્યું હતું. કારણકે એ આંસુ જ તારી માટે સાબિતી હતા કે હું સાચોસાચ ‘ફ્રેશ’ હતી ! પણ કોણ જાણે અચાનક તને શું થયું, અને તું હસવાનું અટકાવી, મારી નજીક આવી મારી લગોલગ બેસી, મારા આંસુ લુછવા લાગ્યો. અને હું તને કરગરતી રહી, ‘પ્લીઝ મને જવા દો... મને અહીંથી બહાર લઇ જાઓ... મારે અહીં નથી રહેવું...’ અને તું મને શાંત પાડતો રહ્યો. અને કેટલાય દિવસ ત્યાં ગોંધાઈ રહ્યા બાદ તારા ખભા થકી મને એક સહારો મળ્યો હતો, જેની પર હું માથું મૂકી ધ્રુસકે ‘ને ધ્રુસકે રડી પડી હતી. અને મારા શાંત થયા બાદ, તે હળવેકથી મારો ચેહરો હડપચીથી સહેજ ઊંચકી મને તસતસતું ચુંબન કર્યું હતું... અને મને આજે પણ એ નથી સમજાતું કે શા માટે મેં ત્યારે તારો વિરોધ પણ નહોતો કર્યો. અને ચુંબન કર્યા બાદ તું મને સમજાવતો હોય એમ બોલ્યો હતો,

“હવે તું રડીશ નહીં. અને અહીંથી ક્યાંય જવાની જીદ પણ કરીશ નહિ. આ જ તારું નસીબ છે એ વાત જેટલી જલ્દી સ્વીકારી લઈશ,એટલું તારા પોતાના માટે સારું રહેશે.” અને હું કંઇ કહું એ પહેલા જ તું ઉભો થઈ દરવાજા સુધી ચાલી ગયો, અને ફરી થોડું રોકાઈને બોલ્યો,

“...આપણી વચ્ચે શું બન્યું એ સુંદરીને કહેવાની જરૂર નથી. એને માત્ર એટલું કહેજે કે તને થોડાક દિવસ આરામ કરવા દે, બાકીનું એ બાઈ જાતે સમજી લેશે. અને હું થોડા દિવસોમાં ફરી તને મળવા આવીશ.”

અને તારા ગયાની થોડી જ ક્ષણોમાં સુંદરી મારા રૂમમાં આવી હતી. અને આવતાની સાથે સળ વિનાની ચાદરને નિહાળતા મુંજાતી રહી – ત્યારે તો તેની એ હરકત નહોતી સમજાઈ, પણ આજે એ બધું જ સમજી શકું છું - પણ પછી હરખાતી બોલી, 

“બુલબુલ, આમ જ લોકોને ‘ખુશ’ રાખીશ તો ઘણી જ આગળ વધીશ ! અને તું પણ કમાલ છોકરી છે, પહેલી જ મુલાકાતમાં ઘરાકને ખોટું નામ કહેવાની આવડત શીખી ગઈ ! પેલો હરખપદુડો તો બહાર નીકળી, કોલર ઊંચા કરતાં કહેતો હતો ‘સુંદરી, આ બુલબુલે તો ઘણી મજા કરાવી !’

“પણ મેં...” હું કંઇક કહું એ પહેલાં જ તેણે મારી વાત કાપી નાખતાં કહ્યું,

“અને હવે તું થોડાક દિવસ આરામ કર. નવું નવું છે ત્યાં સુધી શરમ આવશે... પછી તો એ તારી ‘આવડત’ થઇ જશે ! અને આમ જ વર્તીશ તો પૈસા છાપતી થઇ જઈશ !”, અને એવી ‘સલાહો’ આપી સુંદરી બહાર ચાલી ગઈ, અને હું તારા વિચારોમાં !

તારું આપેલું નામ, બુલબુલ ! જે સાથે તે મારી આગળ પાછળના સમગ્ર અસ્તિત્વને ભૂંસી માર્યા હતા. અને તારા એ એક વાક્ય - ‘બુલબુલે, ઘણી મજા કરાવી’ – એ મને કેટલી સરળતા કરી આપી તેની તને તો ક્યાંથી ખબર હોય ! એ બાદ મને ભરપેટ જમવાનું તો મળતું જ, જોડે જાત જાતના ફળફળાદી અને જ્યુસ પીવા અપાતા. પણ એ બધું મને એમ લાગતું જાણે બકરાને હલાલ કરતા પહેલા ખવડાવીને તગડો કરવામાં આવી રહ્યો હોય ! પણ એ બધા વચ્ચે હું માત્ર તારી ફરી આવવાની રાહ જોવા લાગી હતી. કેમ? શા માટે? એ તો હું આજે પણ નથી જાણતી, અને કદાચ એ વખતે જાણવાની ઈચ્છા પણ નહોતી. બસ તું ફરી મળે એની જ ઇન્તેજારી હતી.

અને થોડાક દિવસોમાં એ વિરહનો પણ અંત આવ્યો, અને સાથે તું આવ્યો ! અને આવતાની સાથે જાણે મારો કોઈ સ્વજન હોય એમ મારા હલહેવાલ પૂછવા માંડ્યો. અને હું માત્ર તને જોતી રહી. નક્કી આપણા બે વચ્ચે કોઈક જુનો ઋણાનુબંધ રહ્યો હશે, અન્યથા આટલી મોટી માયાવી મુંબઈના કમાટીપૂરમાં આપણું મળવું પણ ક્યાંથી શક્ય બન્યું હોત ? અને એ દિવસે પણ તું મને માત્ર મળવા જ આવ્યો હોય એમ જ વર્તયો હતો. બસ દિલ ખોલીને વાતો કર્યે જતો હતો, અને હું તારી એ વાતોમાં ખોવાતી જતી હતી, અને ક્યારેક થોડીક મારી વાતો પણ કહેતી. અને ફરી થોડીક વાતો બાદ તું ચાલી નીકળ્યો. હા, અન્ય એક તસતસતું ચુંબન ચોપડ્યા બાદ !

અને હું એ વ્હેમમાં રહી ગઈ કે મારે અહીં માત્ર વાતો જ કરવાની છે ! પણ ના...! હું ખોટી હતી. બીજા જ દિવસે એક અજાણ્યા પુરુષે આવી, મારા વ્હેમની એ દીવાલને મારી ચીસો વચ્ચે તોડી પાડી !! અને એ વખતે મને સાચવી લેવા માટે પણ કોઈ નહોતું... તું પણ નહીં !

એ ઘટનાના ત્રણ દિવસ બાદ તું ફરી આવ્યો હતો, અને એ વખતે તારું મારો પડી ગયેલો ચેહરો જોઈ માત્ર એટલું પૂછવું કે ‘શું થયું?’ અને એ સાથે હું તૂટી પડી. બે દિવસથી આંખોમાં રોકીને સુકવી નાંખેલા આંસુને મેં ફરી વહેવાનો માર્ગ કરી આપ્યો ! અને મારા એ આંસુ તને મારી સાથે થયેલ ‘કામ’ની મુક ગવાહી આપી રહ્યા હોય એમ તું મને સાચવી લેવા મથતો રહ્યો. જે કામ તું ટાળતો આવ્યો હતો, - શા માટે તેની મને નથી ખબર - એ જ કામ કોઈ અન્યએ પાર પાડ્યું હતું. અને એ ઘટના બાદ હું સમગ્રપણે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠી હતી. અને ખરા અર્થમાં મેં એ નરકમાં મારા ડગ માંડ્યા હતા !

તું ભલે મને સાચવવા મથતો હતો, પણ તારા છુપાવવાના લાખ પ્રયત્નો બાદ પણ મેં તારી આંખોમાં મારા દર્દ થકી આવેલા આંસુ જોયા હતા. અને બસ એ ક્ષણ ! એ ક્ષણથી મેં તને પોતાનો ધારી લીધો હતો ! પણ આપણા સંબંધને શું નામ આપવું એ મને આજે પણ – આ ડાયરી લખી રહી છું એ ક્ષણ સુધી – મૂંજવી જાય છે. પણ અમુક સંબંધ નામના મ્હોતાજ જ ક્યાં હોય છે !

અને એ દિવસે જે થયું એ પછી લગભગ રોજ થતું રહ્યું. ક્યારેક હું રડતી, બુમો પાડતી, દર્દમાં કણસતી, તો ક્યારેક જીવતી લાશ બનીને પડી રહેતી. પણ એ નરકમાં પણ મારા ભાગે ક્યાંક સુખ લખેલું હતું, જે મને તારી સંગતમાં મળતું... તારી વાતો થકી !

મને આજે પણ યાદ છે, આપણી એવી જ એક મુલાકાતમાં મેં જાતે સાડીનો પાલવ સરકાવી નાંખ્યો હતો, અને તે ડઘાઈ જતા પૂછ્યું હતું, “આ શું કરે છે બુલબુલ...?”

અને મેં જવાબ આપ્યો હતો, “હવે આ અંતર રાખવાનો પણ શું અર્થ ? આખરે તને પણ મારી પાસેથી એ જ જોઈતું હશેને, જે માટે બીજા બધા અહીં આવે છે !”

અને એના બદલામાં તે જે જવાબ વાળ્યો હતો એ વિચારતા આજે પણ મને મારી એ હરકત પર લજ્જા થઇ આવે છે... મને - નાનકડી બાળકીને સમજાવતો હોય એમ બોલ્યો હતો, “હા, હું પહેલી વખત તારી પાસે આવ્યો ત્યારે એની માટે જ આવ્યો હતો. અને હું ધારત તો એ જ દિવસે એ મેળવી પણ લેત ! પણ મને તારી પાસેથી બીજું પણ ઘણુંય મળે છે, તું મને સાંભળે છે, હું તારી સામે મારું સમગ્ર અસ્તિત્વ ઉઘાડી શકું છું, અને મારા માટે એટલું જ પુરતું છે. જે વ્યક્તિની વાતનું બહાર કોઈ જ મહત્વ નથી, એની વાતોને તું મન પરોવીને સાંભળતી હોય છે, અને એક સારો શ્રોતા એક એવી ચીજ છે જે મુર્ખમાં મુર્ખ વ્યક્તિને પણ ગમતી હોય છે ! અને કદાચ તને પણ મારી સાથે વાતો કરવી ગમતી હશે...!” કહી તે મારો પાલવ ફરી ખભે મુક્યો હતો. અને એ સાથે જ તેં મારી નજરોમાં એક મૂઠ્ઠીઉંચેરુ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.

અને તું સાચો પણ હતો, મને પણ તારી સાથે દિલ ખોલીને વાતો કરવું ગમતું. કારણકે એ દોજ્જ્ખમાં એક માત્ર તું જ હતો જે મને હવસનું રમકડું ન સમજતા, એક માણસ તરીકે સમજતો હતો.

અને ત્યારબાદ તો આપણી એવી મુલાકાતો નો દોર ચાલતો જ રહ્યો. તું પૈસા ખર્ચીને મારી પાસે આવતો... ફક્ત વાતો કરવા, અને મારી વાતો સાંભળવા. અને પછી વાળ, કપડા અસ્તવ્યસ્ત કરી, ચાદર પર બનાવટી સોડ ઉપસાવી ચાલી નીકળતો. અને મને પણ એ રમત માફક આવી ગઈ હતી. સાચું કહું તો, એ દિવસો મારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ દિવસોમાં સમાવી શકાય તેવા દિવસો હતા. તું મારી પાસે આવતો, મારા ખોળામાં પોતાનું માથું નાંખી, મારા વાળથી રમત કર્યે રાખી વાતો કરતો. ક્યારેક હું તને કોઈક વાત માટે લડી લેતી, ત્યારે હું પોતાને તારી મોટી બહેન તરીકે ક્લ્પ્તી, અને ક્યારેક તું મને તારા વાળમાં આંગળીઓ ફેરવવા કહેતો ત્યારે હું એક સ્ત્રી તરીકે પોતાને માના સ્થાને ક્લ્પ્તી. એક તવાયફને પણ કેટલા રૂપ હોય છે, નહીં !? અને એ સૌથી ઉપર તું મને મારો મિત્ર લાગતો... જેને હું મારા આદિથી અંત સુધીની દરેક વાત અક્ષરસહ સાચેસાચી કહી શકતી. કારણકે તારાથી ખોટું બોલવાનો પણ શો અર્થ !

પણ એક દિવસ તું મારી પાસે આવ્યો ત્યારે ઘણો બદલાયેલો લાગ્યો... તું દારૂ ઢીંચીને આવ્યો હતો. અને મને ભગાવી જવાની, મારી સાથે લગ્ન કરવાની વાતો કરતો બફાટ કરવા માંડ્યો. અને હું એ વાત માની જ નહોતી શકતી કે આ તું પોતે જ કહી રહ્યો હતો, જે મારી સાથેની તેની દરેક વાતમાં મને આડકતરી રીતે પોતાનું નસીબ ગણાવી અહીં જ નિભાવી લેવાની સલાહો આપતો... અને આજે તું પોતે જ મને ભગાવી જવાની વાત ઉચ્ચારી રહ્યો હતો ! શા માટે...? મારી કથની સાંભળ્યા બાદ, મારી પર દયા ખાઈને...? મને બિચારી ધારીને...? હા, ભલે હું ધંધાદારી સ્ત્રી હતી, પણ મને પણ પોતાના સ્વમાન જેવું કંઇક હજી બાકી હતું. અને માટે જ મેં એ દિવસે તને ધક્કા મારીને બહાર કાઢી મુક્ત કહ્યું હતું કે, “એક દારૂડીયાએ મને આ નરકમાં ધકેલી, હવે બીજા જોડે સામે ચાલીને હું અન્ય એક નરક નહીં જ ભોગવું!” મારા આ બોલ તને એ સમયે કેટલા આકરા લાગ્યા હશે, એની તો હું કલ્પના પણ નથી કરી શકતી.. પણ તારા વર્તનમાંનો બદલાવ એ સાફ કહી જતો હતો. માટે જ તો તું બે મહિના સુધી મને દેખવા સુદ્ધાં ન આવ્યો !

પણ અચાનક એક દિવસ આવી ચઢી સીધો જ સુંદરીને મળ્યો... મને ખરીદી જવા માટે !

ખરેખર તું કેટલો બદલાઈ ગયો હતો... તું આ હદ સુધી નીચે ઉતરી આવીશ તેની તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ‘બેશક એક તવાયફ તરીકે હું તારી પત્ની બનવાનું ન જ સ્વીકારતી... પણ તું ! જે સ્ત્રીને બે મહિના પહેલા તારે પત્ની બનાવવી હતી, એને જ તું તારી ‘રખેલ’ બનાવવા સુધીની નીચતા પર ઉતરી આવ્યો...? અરે એના કરતા તો તું મારી પાસે સીધે સીધી માંગણી કરી લેતો !’ આવા જ કંઇક ભળતા વિચારોમાં દોરવાઈ જઈ, મેં તારા જ પૈસા તને મોં પર ફેંકી માર્યા હતા, અને સલાહ આપતા કહ્યું હતું કે, ‘આ બધું કર્યા કરતાં, કોઈ યોગ્ય કન્યા શોધીને પરણી જજે... મુજ તવાયફ પાછળ સમય અને પૈસા બગાડીને કોઈ અર્થ નથી.’ અને એ સાથે દિલને વજ્ર જેવું કઠોર કરી મુકતા કહ્યું હતું કે, ‘... અને આજ પછી મને તારો ચેહરો પણ ન બતાવતો, તને મારી જ કસમ છે !’

પણ આજે - જયારે આ ડાયરી લખી રહી છું ત્યારે – વિચારતાં તારા એ બધા જ પ્રયાસો મારી જ તરફેણમાં લાગે છે. લાગે છે જાણે, તું ખરેખર મારી પર દયા ખાઈને નહી, પણ તું તારા મનથી મને એ દોજ્જ્ખથી દુર લઇ જવા પ્રયત્નો કરતો હતો. અને હું એક અભાગી હતી, જે એવું કંઇક સમજવું તો ઠીક, વિચારી પણ ન શકી ! ખૈર, મારે એ કમાટીપુરા સાથે હજી થોડું લ્હેણું બાકી રહ્યું હશે.

અને એ ઘટના બાદ તો જાણે સમયને પણ પાંખો ફૂટી નીકળી હોય એમ મહિનાઓ, વર્ષો ઉડતા ચાલ્યા. એકાદ વર્ષના ટૂંકા ગાળામાં જ સુંદરીએ તેના વેપાર પર પકડ ગુમાવી, અને એ જ તકનો લાભ લઇ મેં પોતાની ધાક જમાવી ! બેશક હું બીજી સુંદરી બનવા નહોતી જ માંગતી, પણ એ સ્થાન મેળવ્યા બાદ કોઈ નવી બુલબુલને એ નરકમાં આવતા જરૂર બચાવી શકત... માટે જ એ ગંદકીમાં ઉતર્યા બાદ, સંપુર્ણપણે ગંધાઈ જવા સુધી હું તૈયાર હતી ! અને કદાચ કુદરત પણ મારા પક્ષે કામ કરી રહી હતી. થોડા જ મહિનાઓમાં મને એક ગંભીર રોગ હોવાનું નિદાન થયું, અને મેં ‘ધંધો’ બંધ કર્યો. પણ બાકીની બધી જ સ્ત્રીઓ મારી નીચે કામ કરતી એમ કહું તો પણ ખોટું નથી. અને એમ જ બીજા બે વર્ષ વીતી ગયા. જેટલી છોકરીઓ હતી એટલી જ સંખ્યા બરકરાર રાખી... કારણકે કોઈ નવી બુલબુલ આવે એ મને હરગીજ બર્દાશ્ત નહોતું. અને હું તો એ અન્ય સ્ત્રીઓને પણ મુક્ત કરી દેવા માંગતી હતી, પણ એ બધી ‘અમારું નસીબ છે, હવે કુટી લઈશું’ કરીને ત્યાં જ ગુજરાન ચલાવતી. અને એમ પણ બહાર નીકળીને તેમને કામ પણ કોણ આપવાનું હતું... પછી ન ઘરના કે ન ઘાટના જેવો સિનેરિયો થતો.

અને એ બધા સાથે, મારા જીવનમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હતું. પણ એ બધું જ તોફાન પહેલાની શાંતિ પુરવાર થયું... જયારે મારા જીવનમાં એ તોફાન આવ્યું... જયારે તું ફરી એકવખત મારી સામે આવી ચડ્યો !

કેટલો બદલાઈ ચુક્યો હતો તું, લાંબા વાળ, ટૂંકી દાઢી, ભરાવદાર ખભા, ચુસ્ત શરીર... છતાંય એ જ માદક મુસ્કાન ! મારા માટે તો તને ઓળખવું પણ મુશ્કેલ હતું, પણ તેં મને આંખના પલકારામાં ઓળખી પાડી હતી, અને હજી ગઈકાલની રાત જોડે જ વિતાવી હોય એટલી સાહજીકતાથી તેં પૂછ્યું હતું, “કેમ છે બુલબુલ...?” અને તારા એ નશીલા અવાજ પરથી મેં તને ઓળખ્યો હતો, જે અવાજનો મેં રાત દિવસ પોતાના કાનમાં અહેસાસ કર્યો હતો,એ અવાજ કેમનો ભુલાય !

“અરે ! તું...! અહીં ક્યાંથી...?” મેં થોથવાઈ જતાં પૂછ્યું હતું.

“કેમ? એક ‘ઘરાક’ તરીકે ન આવી શકું !?” તું જાણે મને ચકાસી જોતો હોય એમ પૂછ્યું હતું.

“અરે કેમ નહીં? આવો... આવો. બોલો કેવી છોકરી જોઈએ...?” ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરી લઇ, મેં હોદ્દાદારી અવાજે કહ્યું હતું.

અને તેં એ જ સ્વસ્થતાથી કહ્યું હતું, “મારે તું જોઈએ છે, બુલબુલ !” અને થોડી વાર બાદ વાક્ય સુધારી લેતો હોય એમ બોલ્યો હતો, “મારે થોડી વાતો કરવી છે... તો, જઈશું...?”

અને એ ક્ષણે તને ન મળ્યાના પાછલા વર્ષો જાણે મને રીતસરનો ધક્કો મારીને મને તારી સાથે જવા માટે કહી રહ્યા હતા, અને હું પણ કોઈ પણ વિરોધ વિના તને મારા રૂમમાં દોરી ગઈ.

“કેમ ધંધો મંદો ચાલે છે...?” રૂમની ચાદરનું નિરીક્ષણ કરતાં તેં પૂછ્યું હતું... એ પ્રશ્નમાં કટાક્ષ હતો કે મારા માટેની ચિંતા એ તો તને જ ખબર.

“ના... મેં જ મારી તરફથી બંધ કરી દીધું છે!”

“સરસ.”

“બોલ શું લઈશ ? ચા કે કોફી, કે પછી ઠંડુ મંગાવું.”

“કંઈ જ નહીં. અને આપણા વચ્ચે ક્યારથી આ બધી ઔપચારીકતાની જરૂર પડવા માંડી. અને હું માત્ર તારો થોડોક સમય લઈશ.” કહેતાં તે મને પલંગ પર બેસાડી હતી, અને મારા ખોળામાં પોતાનું માથું નાંખી દીધું. અને હું પણ યાંત્રિક રીતે જ તારા વાળમાં હાથ ફેરવવા માંડી, મને યાદ છે, તને માથામાં એમ હાથ ફેરવડાવું કેટલું ગમતું, અને ક્યારેક તો એ માટે તું જીદ પણ કરી લેતો.

“આટલા વર્ષો બાદ મારી યાદ આવી...?” ક્યારનું મનમાં બબડી રહેલી વાક્ય આખરે હોઠ પર આવી ચડ્યું.

“યાદ તો રોજ આવતી. પણ તેં જ ફરમાન કાઢ્યું હતુંને, તને મળવા ન આવવાનું. પણ આજે આખરે તારી એ કસમ એન્ડ ઓલ ફગાવી દઈ તને મળવા આવી જ ગયો, અને હવે રોજ આવતો રહીશ !”

“રોજ કેમ...?”

“તારી સાથે વાતો કરવા...”

“માત્ર વાતો કરવાથી ગુજરાન ન ચાલે. અને વાતો કરવા માટે પૈસા ખર્ચવા ખિસ્સાને પણ ન પરવડે. એક વખત લગ્ન કરી લે, પછી જોડે વાતો કરવા વાળી, અને ‘પ્રેમ’ કરવા વાળી પણ મળી જશે.” મેં ઉદાસ અવાજે કહ્યું હતું.

“લગ્ન...? એ તો ક્યારના કરી લીધા !”

“હેં....! ક્યારે ?” વાળમાં ફરતો હાથ અટકાવી દઈ મેં પૂછ્યું હતું.

“તેં મારી અને સુંદરીની ‘ડીલ’ બગાડી એ પછી. એમ તો ઘરેથી પહેલાથી દબાણ હતું જ, અને કન્યાઓ પણ જોવાતી રહેતી હતી. પણ હું જ ટાળ્યે જતો હતો. કારણ મારું મન તને અહીંથી બહાર કાઢવા પર અટક્યું હતું. હું એ પણ જાણતો હતો કે તું કદાચ મારી સાથે સંસાર ન પણ માંડતી, પણ એ બહાને પણ હું તને અહીંથી બહાર કાઢવા માંગતો હતો. પણ ખૈર... પછી મારે પણ પરણી જવું પડ્યું.”

આંખો સામેનો એ ઈતિહાસ ભૂંસી નાખતાં મેં અન્ય જ પ્રશ્ન કર્યો, “તો લગ્ન બાદ પણ અહીં શા માટે આવવું પડ્યું...? પત્ની ‘ખુશ’ નથી રાખતી...?”

“અરે હોય કંઈ...!? એ ગાંડી તો હદ બહારનો પ્રેમ કરે છે. અલબત્ત એણે જ આજે મને તારી પાસે મોકલ્યો છે !”

“બને જ નહીં ! કોઈ પણ પત્ની તેના પતિને એક તવાયફ પાસે શા માટે મોકલે ?”

અને તેં ખોળામાંથી માથું કાઢી, મારા બંને ગાલ પર હાથ, મૂકી કહ્યું હતું, “એક તવાયફ પાસે નહીં... એક દોસ્ત પાસે ! એ આપણા વિષે બધું જ જાણે છે, મેં લગ્ન પહેલા જ એને મારી બધી વાત કરી દીધી હતી, અને એને મારા અતીત સામે લેશમાત્ર વાંધો નહોતો !”

અને અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ તેં મોબાઈલ હાથમાં લઇ, વોલપેપર પરનો તારો ‘ફેમીલી ફોટો’ બતાવતા કહ્યું હતું,

“જો આ... આ છે મારો નાનકડો પરિવાર.” અને સ્ક્રીન પર હાથ મૂકી મૂકી બોલ્યો હતો, “જો આ હું. લગ્ન બાદ કેટલો બદલાઈ ગયો છું, નહીં? આ મારી પત્ની... અને આ એના હાથમાં જે નાની બેબી છે, એ અમારી દીકરી !”

“અરે વાહ... આ દીકરી તો એની મા કરતાં પણ સુંદર છે...” કહેતાં મેં ફોન હાથમાં લઇ તારી દીકરીના ચેહરા પર આંગળીઓ ફેરવવા માંડી હતી. અને પૂછ્યું હતું, “... શું નામ પાડ્યું છે બેબીનું...!?”

અને તું બોલ્યો હતો, “બુલબુલ...!” ઘડીભર લાગ્યું તેં મને બોલાવી, પણ પછી ખ્યાલ આવ્યો કે તું તારી બેબીનું નામ કહી રહ્યો હતો, ‘બુલબુલ !’ અને એ ક્ષણ...! એ ક્ષણને હું કદાચ ક્યારેય કોઈને શબ્દોમાં વર્ણવીને નહીં કહી શકું. તારા મારા પરના પ્રેમની આનાથી વિશેષ સાબિતી બીજી શું હોઈ શકે, કે તું એક તવાયફ મિત્રની યાદમાં પોતાની ફૂલ જેવી દીકરીનું નામ તેના નામ પરથી રાખી દે !

આંસુ સાથેની આંખો અને હરખ સાથેનું મારું અંતરમન એ ઘડીએ પોકારી ઉઠ્યું હતું, કે ‘જીવ, આનાથી વિશેષ હજી તારે શું પામવું છે?’ અને મેં મનોમન નિર્ધાર કરી લીધો કે હવે હું એ કમાટીપુરા, મારું ત્યાનું આખેઆખું અસ્તિત્વ છોડીને ચાલી જઈશ. હંમેશા માટે... ક્યાંક દુર ! અને એ મુલાકાતને આપણી આખરી મુલાકાત બનાવવાનો મેં નિર્ધાર કરી લીધો.

એ પછી પણ તું વાતો કર્યે જ જતો હતો, વાતો વાતોમાં તેં એમ પણ કહ્યું હતું કે બુલબુલ અને તારી પત્નીને પણ મને મળાવવા લઇ આવીશ... પણ મારું મન તારી વાતોમાં હતું જ ક્યાં? ઘડીભર તો તારી એ નાની બુલબુલને ચૂમી લેવાની પણ લાલચ જાગી, પણ આખરે મન મક્કમ કરી ચાલ્યા જવાનું નક્કી કરી જ નાખ્યું. કારણકે પુરુષના મનને એક તવાયફથી બહેતર દુનિયાની કોઈ પણ સ્ત્રી ન જ સમજી શકે. અને હું નહોતી ઈચ્છતી કે ભવિષ્યમાં પણ મારા થકી તારા પારિવારિક જીવન પર ઉની આંચ સુદ્ધાં આવે !

અને માટે જ, તારા ગયા બાદ થોડાક જ કલાકમાં હું એ જગ્યા છોડી ચાલી નીકળી હતી. ક્યાં જવાની હતી? શું કામ? આગળ શું કરવાની હતી? એવા પાયાના પ્રશ્નોના પણ મારી પાસે કોઈ જવાબ નહોતા. બસ એ સ્થળ, તારા જીવન પરનું મારું લ્હેણું એ દિવસે સમાપ્ત થતું હોવું જોઈએ. પણ છતાંય જો ને, માનવસહજ સ્વભાવથી પ્રેરાઈ, તારી પાસે મારી એક યાદગીરી સ્વરૂપે આ ડાયરી મૂકી જવાની લાલચ ન જ ખાડી શકી. કમસે કમ તને મારી યાદ આવે ત્યારે વાગોળવા માટે કંઇક તો હોવું જોઈએ ને... જેને મેં મનથી સ્વર્સ્વ માની લીધો હતો, એની યાદના નામ પુરતું પણ મારી પાસે વિરહના એ ત્રણ વર્ષોમાં કંઈ જ નહોતું. માટે જ તને આ ડાયરી લખીને પંહોચતી કરું છું. અને એ સાથે તારી પાસેથી એક છેલ્લી અપેક્ષા એ રાખું છું કે, મને ક્યારેય શોધવાની કોશિશ ન કરતો. કારણકે તારી આ દોસ્તે જે નિર્ણય લીધો છે તેની પર સહેજ વિશ્વાસ રાખજે.

તારી એક દોસ્ત તરીકે ભાભીને મારી યાદ આપજે. અને મારી એ નાનકડી બુલબુલને તેની આ બુલબુલ માસીનો ખોબા ભરી ભરીને વ્હાલ આપજે. અને તારા માટે એટલું જ લખીશ, પોતાનું ધ્યાન રાખજે.

લિખિતંગ, 

આકાશની... બુલબુલ.’

અને ડાયરીનું એ અંતિમ વાક્ય વાંચી બુલબુલનું મગજ બહેર મારી ગયું. ‘શું આખી ડાયરી મારા પિતાને – આકાશને – ઉદ્દેશીને લખાઈ હતી?’ અને આ ઉપરાંત પણ અનેક પ્રશ્નો તેના મનમાં આકાર લઇ રહ્યા હતા, ‘શું પપ્પાનું એક તવાયફ જોડે...?’ અને મમ્મી...! એને આ બધી ખબર છે...!? ના, કદાચ એવું પણ બને કે પપ્પાએ તેને અડધી વાત જ કરી હોય, મારે મમ્મીને આ વાંચી સંભળાવવું જોઈએ...!’ અને એ સાથે બુલબુલ ઝાટકા સાથે ઉભી થઇ અને નીચે તરફ ચાલવા માંડી.

ડાયનીંગ ટેબલ સાફ દેખાતું હતું, પણ ત્યાં હજી એક થાળી ઢાંકીને મુકાઇ હતી, અને તેને યાદ આવ્યું કે હજી પોતે જમી નથી. અને કદાચ મમ્મીએ જમવા માટે પણ બોલાવી હતી, પણ પોતે ડાયરીમાં એટલી ખોવાઈ ચુકી હતી કે રાત થયાનો ખ્યાલ તો ન જ આવ્યો, પણ પોતાને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. અને એ બધા કામ વગરના વિચારો ઝાટકી દઈ તે રસોડા તરફ ખેંચાઈ, જ્યાં હમણાં તેના મમ્મી રાતના વાસણો ઉટકી રહ્યા હતા. અને બુલબુલના ચેહરાના ભાવ જાણે વાંચી ગયા હોય એમ બોલ્યા, “તો બુલબુલ... તેં ડાયરી વાંચી લીધી એમ ને..?”

પણ અમુક સવાલ જવાબ ન આપવા માટે જ પૂછાતા હોય છે, કારણકે સામે વાળાના સવાલમાં જ આપણો જવાબ રહેલો હોય છે ! અને બુલબુલ પોતાના મનમાં ઉઠતાં સવાલોનો સામે મારો ચલાવે એ પહેલા જ તેના મમ્મીએ તેને ખભેથી પકડતાં કહ્યું,

“તારે મને કંઈ જ કહેવા, પૂછવાની જરૂર નથી, કારણકે મને બધી જ ખબર છે. બેશક મને વાંચતા થોડું ઓછું આવડે છે, પણ તારા પપ્પાના મનની સચ્ચાઈ ન વાંચી શકું એટલી પણ અભણ નથી ! ખુદ તારા પપ્પાએ આ આખી ડાયરી મને સામે બેસાડી, વાંચી સંભળાવી છે !”

“પણ તને... તને કોઈ વાંધો નથી...?”

“અરે વાંધો ! એ શું કામ વળી ? અમુક સંબંધો શરીરના સંબંધોથી પરે હોય છે ! જ્યાં બે મનનું શુદ્ધ મિલન હોય ત્યાં વાંધો ઉઠાવનાર હું કોણ !?”

“તો પછી તમારે લોકોએ ‘તેમને’ શોધવાની તસ્દી લેવા જોઈતી હતી. ચાલો આપણે તેમને શોધવા જઈએ, એ હમણાં પણ ક્યાંક નજીકમાં જ હશે.” જાણે બુલબુલ હમણાં જ એ ડાયરી મુકીને ગઈ હોય એવા વ્હેમમાં તે બોલી.

“અરે દીકરા, આ કંઈ આજકાલની વાત થોડી છે... આજથી સત્તર વર્ષ પહેલાની આ વાત છે. અને જયારે બુલબુલ પોતે એમ કહી ગઈ હોય કે, એના નિર્ણય પર વિશ્વાસ રાખી એને શોધવાના પ્રયાસ ન કરવામાં આવે, ત્યારે અમે બંને પણ એની ઈચ્છાનું માન રાખવાથી વિશેષ શું કરી શકવાના હતાં !”

મમ્મીની વાત સાંભળી બુલબુલ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ, અને જેમ પાણીની જળકુકડી શ્વાસ લેવા સપાટી પર આવે એમ તેના વિચારોમાંથી એકાદ પ્રશ્ન તેને વળી પાછી વર્તમાનની સપાટી પર લઇ આવતા, “તો મારા નામ પાછળનું કારણ આ છે...!” તે સ્વગત જ બોલી. અને મમ્મીએ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું,

“દીકરા, કેટલાક નામ આપણી જિંદગીમાં એવા વણાઈ જાય છે કે જો એક દિવસ પર તેનો ઉલ્લેખ ન થાય તો દિવસમાં કંઇક અધુરપ અનુભવાય છે. અને માટે જ અમે બંનેએ તારું નામ ‘બુલબુલ’ રાખ્યું હતું. આ ડાયરી હું તને કદાચ ક્યારેય વાંચવા પણ ન આપતી... પણ હવે તું મોટી થઇ ચુકી છે દીકરા. હવે તું તારા નિર્ણયો જાતે લઇ શકે છે. અને મને વિશ્વાસ છે, તું જે કોઈ પણ નિર્ણય લઈશ એ યોગ્ય જ હશે.”, અને તેને ડાયનીંગ ટેબલ તરફ દોરી જતા કહ્યું, “ચાલ, હવે જમી લે, અને વહેલી સુઈ જા. નહીંતર મોડું થશે, વળી સવારે તારે કોલેજ પણ તો જવાનું છે.”, અને એ સાથે બુલબુલને જમવા બેસાડી તેઓએ એ ડાયરી લઇ, પોતાના લોકરમાં જેમ હતી તેમ મૂકી દીધી.

“બુલબુલ... ચાલ જલ્દીથી તૈયાર થઇ જા. મોડું થાય છે...” પપ્પના અવાજ સાથે બુલબુલની આંખ ખુલી, અને પાછળથી એ જ અવાજમાં બીજા શબ્દો દોરાયા, “...અને જોડે જોડે આજે તારું એફિડેવિટનું કામ પણ પતાવી આવીએ...!”

અને એ સાથે તે પલંગમાં સફાળી બેઠી થઇ, અને આળસ મરડતાં દાદર પર આવી ઉભી રહ્યી, અને બોલી, “પપ્પા, મેં મારો વિચાર બદલી નાંખ્યો છે. લોકોને જે કહેવું હોય એ કહે, હું મારું નામ ‘બુલબુલ’ જ રહેવા દઈશ.” કહેતાં એ દાદર ઉતરતી નીચે આવવા માંડી.

“અરે તને રાતોરાત શું થઇ જાય છે...? ચાલ હવે જલ્દી કર... આજે તો એ કામ પતાવી જ લઈએ... નહિતર, વળી એક મહિનો, માંડ વીતશે અને તું ફરી એ જ વાતે ઘર આખુ માથે લઈશ.”

“અરે કહ્યુંને મેં... મારે નામ નથી બદલાવવું... તમે શા માટે જીદ કરો છો. મારું નામ, મારી મરજી !” કહેતાં તેણે મીઠો ગુસ્સો બતાવ્યો, અને હળવેકથી પપ્પાને બાથ ભરી લઇ, પોતાની આંખને ખૂણે આવેલ આંસુ છુપાવતાં બોલી, “આકાશની બુલબુલ, હંમેશા આકાશની જ રહેશે...!”

અને તેના પિતા હજી પણ આશ્ચર્યમાં ઉભા હતા, કે આ બધું આખરે થઇ શું રહ્યું છે ! અને ત્યાં જ તેમની પત્નીએ રસોડામાંથી ટહુકો કરતાં કહ્યું, “આકાશ, આપણી બુલબુલ હવે ખરા અર્થમાં મોટી થઇ ગઈ છે, હોં !”


Rate this content
Log in

Similar gujarati story from Classics