Mitra Writes

Romance Inspirational Classics


4  

Mitra Writes

Romance Inspirational Classics


બોસો

બોસો

8 mins 14.5K 8 mins 14.5K

...અને મેં લંડનથી ઇન્ડિયા આવવાની આજની તારીખની છેલ્લી ફ્લાઈટ પકડી. અને એ સાથે જ લંડનને લગભગ હંમેશા માટે પોતાના જીવનમાંથી વિદાય આપી.

‘ખરેખર હંમેશાં માટે ? તો નોરાને ફરી મળવા આવવાના તે જે કોલ દીધા, શું એ બધું જ મિથ્યા ? શું એટલી હદે સ્વાર્થી થઇ જવાનું?’ મારું અંતરમન પોકારી ઉઠ્યું. પણ અંતિમ નિર્ણય કરી ચુક્યો હતો. અને હવે એ કોઈ કાળે ન જ બદલી શકાય, અન્યથા જીવનમાં ક્યારેય સ્થાઈ જ ન થઇ શકાય. થોડી જ વારમાં વિમાને હવામાં ઉડાન ભરી, અને મારા મનમાં પાછળ છૂટી રહેલ લંડનના વિચારોએ !

લંડન ! લગભગ આજથી એક વર્ષ પહેલાં ફરી આવવાનું થયું હતું. એથી પહેલાં પણ બે વર્ષ ભણવા માટે ત્યાં જ ગાળ્યા હતા. પણ એક વર્ષ પહેલાં, ઘરે મમ્મી અને પપ્પા બંનેનું એકી સાથે અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજવાથી મારે થોડાક સમય માટે ભારત પરત ફરવું પડ્યું હતું.

ભારત, જ્યાં મારી મમ્મી હંમેશાં મારી આવવાની રાહ જોતી, અને સાથે લીલા પણ ! લીલા, મારી પત્ની. એકતરફ મારું સ્નાતક થવું, અને બીજી તરફ ઘરેથી મને ચોરીએ બેસાડી દેવું ! ખેર, જો એ દિવસે ચોરીમાં ન બેઠો હોત, તો ક્યારેય લંડન આવવાનું ન બન્યું હોત. કારણકે મારા આગળના આભ્યાસનો બધો ખર્ચ લીલાના પિતાજી – મારા સસરાશ્રી – જ તો ઉઠાવે છે... અને જો એમ ન થાત તો ક્યારેય નોરાને મળવાનું પણ ન જ બન્યું હોત !

નોરા, નોરા, નોરા ! શું એકમાત્ર નોરા જ થોડી હતી આખા લંડનમાં ! તો પછી શા માટે મને એના જ વિચારો આવ્યા કરે છે... શું એને ખોટું કહી હું હંમેશાં માટે દૂર જઈ રહ્યો છું, એટલા માટે ?

આમ તો લંડને મને શું નથી આપ્યું ! ઘરથી, દેશથી દૂર રહેવાનો અનુભવ, એમ કરી પોતાને કંઇક અંશે પરિપક્વ બનાવવાની તક, ઉચ્ચ અભ્યાસ, પાર્ટ ટાઈમના સમયમાં બનવેલા પૈસા, થોડાક અઝીઝ મિત્રો, અને નોરા !

અને નોરાના ફરી વખતના વિચાર સાથે મેં સીટ પર માથું ટેકવી દઈ, આંખો મીંચી દીધી. કારણકે એ હું પણ ખૂબ સારી રીતે જાણું છું કે, ભલે હું કેટકેટલાય પ્રયાસો કેમ ન કરી લઉં, નોરાને મારા મનમાંથી ખસેડવી શક્ય જ નથી !

શું છોકરી હતી... અફલાતુન ! જેટલી સુંદર એટલી જ બોલ્ડ ! અને એના સ્મિત પર તો કોઈ પણ આફરીન પોકારી ઉઠે ! ગોરી, લીસી, માખણ જેવી ચામડી, અને એના એ પરવાળા જેવા હોઠ ! - એના હોઠની યાદ આવતા જ અનાયસે મારી જીભ મારા હોઠ પર ફરી ઉઠી.

આમ એ તો અભ્યાસમાં મારાથી એક વર્ષ આગળ હતી. અને માટે જ મને મદદ કરવાના હેતુથી એક પ્રોફેસરે અમારી ઓળખાણ કરાવી હતી. અને ધીરે ધીરે અમારી દોસ્તી ગાઢ બનતી ચાલી... કંઇક વધારે જ અંશે ગાઢ !

એની સાથેની દરેક મુલાકાત મને આજે પણ યાદ છે, અને એ રાત પણ ! અમે જોડે મુવી જોવાનો અને પછી સાથે ડીનર લેવાનો પ્લાન બનાવ્યો હતો. અને ડીનર બાદ હું એને એના ઘર સુધી મૂકવા ગયો. અને પછી...! એ વધારે ડ્રંક હતી કે હું, એ કહેવું જરા મુશ્કેલ છે. પણ નશામાં પણ માણસ એ જ કરતો હોય છે જે એણે ક્યારેક કરવા ધાર્યું હોય, કે પછી કરવા માંગતો હોય !

અમે સોફા પર તદ્દન લગોલગ હતાં... એકબીજાના ગરમ શ્વાસ એકમેકમાં ભળી જાય એટલા નજીક ! અને એણે આવેગમાં આવી એના હોઠ મારા હોઠ સાથે ચાંપી દીધા ! અને એમ તો મારે એ ક્ષણે એની સાથે જ એકરસ થઇ જવું જોઈતું હતું, પણ કોણ જાણે કેમ મને ત્યારે લીલાની યાદ આવી !

‘આઘા ખસો... આ આખો દિવસ બીડીઓ ફૂંક્યા કરો છો તે, મોઢું કેવુંક ગંધાય છે.’ એકવખત મેં લીલાના અધરો પર મારા અધર ચાંપવાના પ્રયાસ કર્યા હતા ત્યારે તેણે આવું જ કંઇક કહ્યું હતું. આમ તો સાવ ભોળી, મમ્મીની સામે તો સાવ મીંદડી ! પણ મારી સાથે અંગત વર્તનમાં આમ સાવ મુંફફ્ટ !

‘નોરા, આઈ હેવ સ્મોક્ડ !’ મેં એની સાથે સાથ પુરાવતા કહ્યું હતું. લંડન આવ્યા બાદ બીડીઓની જગ્યા વિલાયતી સિગારેટે લઇ લીધી હતી. પણ નોરાને ક્યાં કોઈ ફેર પડી જ રહ્યો હતો. એ તો એકાદ ક્ષણ માટે અટકી અને બોલી, ‘આઈ લાઈક ધેટ સ્મોકી ફ્રેગ્રેન્સ !’ અને ફરી એ જ ક્રિયા !

એના ચુંબનના આવેશમાં આવી જઈ  મેં પણ એના ગાલ પર બોસો લેતાં લેતાં, બટકું ભરીને લાલ ચકામું કરી આપ્યું. અને એની સુંવાળી ત્વચા પર કીડીએ ચટાકો ભર્યો હોય એમ એણે તીણી ચીસ નાંખી અને હાથથી ગાલ પસવારતા રહી બોલી, ‘બી જેન્ટલ. વી આર હ્યુમનસ, નોટ એનીમલ્સ !’ અને મને ફરી લીલા યાદ આવી. જયારે એ આવેશમાં આવી જતી ત્યારે મારા ગાલ પર બોસો લેતા લેતા બટકું ભરી નાસી છૂટતી !

પણ આ તો નોરા હતી, લીલા નહીં ! અને ખોટું શું કામ કહું, મેં પણ એના પરવાળા જેવા હોઠ મનભરીને ચાખ્યા હતા... અને પછી... હું અને લીલા... નોરા અને હું... પાત્રો અલગ, ઘટના એ જ !

અને એ મુલાકાત બાદ તો અમારા સંબંધો પૂર્ણપણે ખીલતા રહ્યા. એ દિવસ પછી એક સાંજ એવી નહોતી જે અમે બંનેએ સાથે ન ગાળી હોય ! અને એવું પણ નહોતું કે મેં લીલાની હાજરી વિષે એનાથી કંઈ પણ છુપાવ્યું હોય. ઉપરથી લીલા વિષે જાણીને એણે એના માટેની ખુશી બતાવી હતી, કે લીલા ખૂબ નસીબદાર છે જેને મારા જેવો પતિ મળ્યો છે !

પણ શું ખરેખર ? ‘મારા જેવો’ પતિ ? એ પણ ભોળી લીલાને !

ક્યારેક હું ઊંડા વિચારોમાં પણ ગર્ત થઇ જતો, કે મારા અને નોરાના સંબંધોનું પરિણામ શું ? અને એથી પણ વિશેષ, એના અસ્તિત્વનું કારણ કયું ? શું લીલાની ગેરહાજરી કે નોરાનું મારા તરફનું આકર્ષણ... કે પછી માત્ર શારીરિક ભૂખ !

પણ ખેર, જે પણ હોય... હવે એ બધું જ ભૂતકાળ છે. અને હું મારા નિર્ણયમાં અડગ છું ! હવે માત્ર કારકિર્દી તરફ લક્ષ્ય છે અને લીલા તરફ પ્રેમ !

અને આજે ઘરે પહોંચતાંની સાથે લીલા સામે બધું કબુલ કરી લેવું છે. જાણું છું, કદાચ એની માટે અઘરું થઇ પડશે. પણ એ મને માફ પણ કરી દેશે એ પણ હું બખૂબી જાણું છું. અને એ વાત તો જગજાહેર છે, ભૂતકાળમાં પણ જયારે જયારે પુરુષોએ ઘર બહાર પોતાની નજર દોડાવી છે ત્યારે ત્યારે તેની ઘરેથી, તેની સાથે નિભાવી લેવામાં આવ્યું છે. અને લીલા પણ નિભાવી લેશે... અને એણે નિભાવવું રહ્યું. અને હવે તો એમ પણ હું એ ભૂતકાળ પર ધૂળ નાંખી ચુક્યો છું, પછી મારો એને દગો દેવાનો પ્રશ્ન જ ક્યાં છે ?

લીલા અને નોરા સમાન બે જુદી જુદી ધરીઓને જોડતી એક ક્ષીતીજ સમાન હું, તેમના વિચારોમાં એટલા વખત સુધી અટવાયા કર્યો કે ક્યારેક ફ્લાઈટની મુસાફરીના કંટાળાજનક લાગતા કલાકો આ વખતે પાંખ લગાવી ઉડી ચાલ્યા !

અમદાવાદ ઉતરી, થોડોક આરામ કરવાની ઈચ્છાનું મન મારી તરત નવસારી જવા બસ પકડી. આમ તો નવસારી બાદ પણ ગામ સુધી પહોંચતા બીજો અડધો કલાક નીકળી જવાનો હતો. અને હવે લીલાનો આટલો વિરહ તો મારે સહવો જ રહ્યો.

આખરે મેં મારા ઘરના ઉંબરે પગ મૂક્યો અને પોતાની માટીને મન ભરીને શ્વસી ! હા, એક ખોટ જરૂર સાલી, દરવખતે મમ્મી ઉંબરે આરતીની થાળી સાથે હરખાતી ઊભી હોય... અને આજે પણ એ આરતીની ગેરહાજરી જ વર્તાઈ હોત, જો લીલાએ આરતી વગર મને અંદર લેવાની જીદ ન કરી હોત !

કેટલી ભોળી છે મારી લીલા. એને કીધા વગર આવી પહોંચ્યો, છતાં ન કોઈ રિસામણા, કે ન કોઈ ફરિયાદ... માત્ર મારા આવ્યાનો હરખ !

મને નાહીને ફ્રેશ થઇ જવાનું કહી, ‘ભૂખ લાગી હશેને કાંઈ...’ કહેતાં પોતે તાબડતોબ રસોઈ બનાવવામાં જોતરાઈ. અને એયને ઘડીભરમાં તો એના હાથે ટીપેલા રોટલા, કઢી, અને ખીચડી તૈયાર ! કેટકેટલાય દિવસો બાદ ઘરની રસોઈ મનભરીને માણી... અને સાથે લીલાને પણ !

હું ખાવા બેસતો ત્યારે એ પણ સામે બેસતી અને પગના અંગુઠાથી ભોંય ખોતરતી નીચું જોઈ રહેતી. એ ક્રમ એણે આજે પણ જાળવ્યો હતો.

‘મારી ગેરહાજરીમાં તો તું સરસ ખીલી છો ને !’ એના શરીરમાં આવેલા થોડાક બદલાવ જોતાં મેં ટીખ્ખડ કરી. અને એ સાંભળી એને ઝાંય લાગી હોય એમ કંઇક તિરસ્કારથી મને જોઈ રહી. મને સમજાયું નહીં કે હું ક્યાં કશું ખોટું બોલી ગયો. અલબત્ત લંડનમાં રહીને મારું શરીર પણ કંઇક બદલાયું જ હતું ને !

રસોઈ આટોપ્યા બાદ, હું પલંગમાં આડો પડ્યો. અને લીલા મુખવાસનો ડબ્બો લઈને આવી. અને એ ટેબલ પર મુકીને પાછી ફરતી જ હતી કે મેં એને હાથ પકડી રોકી લીધી. ઘડીભર અમારી નજર મળી અને એ શરમાતી નીચું જોઈ ગઈ. મેં તો એને મારા અને નોરા વિષે જણાવવા રોકી હતી, પણ કદાચ એણે કંઇક ભળતું જ ધારી લીધું !

એ હળવેકથી મને વળગી પડી, અને અનાયસે મારો હાથ પણ એની પીઠ પર જઈ પહોંચ્યો. એક લયમાં ચાલતા શ્વાસ, ફરતા હાથ, અને વધતી જતી ભીંસ થકી અમારા વચ્ચે મુક સંવાદ ચાલતો રહ્યો. અને થોડીકવારે એ ધીરેથી મારી બાહુપાશમાંથી છૂટી અને એડીએ ઉંચી થઇ તદ્દન લગોલગ આવી. હવે એની હરકતનો મને થોડો ઘણો અંદાજ તો હતો જ... ફરી એ જ બોસો લેવો અને જોડે બટકું ભરીને ભાગી જવું ! અને એ જ અપેક્ષા સાથે મેં અજાણ બનતાનું નાટક કરતાં આંખો મીંચી.

પણ આ શું ? લીલાએ તો મારા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા...! એના નાદાન બોસાની જગ્યા, આ આવેશી ચુંબને કઈ રીતે લઇ લીધી !?

‘આ શું લીલા !?’ કહેતાં મેં એને એક ઝાટકા સાથે અલગ કરી, અને એ આઘાત પામતી હોય એમ નીચું જોઈ ગઈ.

‘કેમ હવે તને બીડીની ગંધ નથી આવતી ?’ મેં થોડાક લાડભર્યા સ્વરે કહ્યું.

‘ના. ‘હવે’ તો ગમે છે.’ કહેતાં એ શરમાઈ ગઈ.

‘લીલા, પ્લીઝ મારી વાત સાંભળ. મારે તને કંઇક ઘણું જ અગત્યનું કહેવાનું છે.’ મેં એને ખભેથી પકડીને કહ્યું. લગભગ એક અડધી જ ક્ષણ વીતી હશે, પણ કેટકેટલાય વિચારો મારા મનમાં વીજળીની ઝડપે દોડી ગયા. શું લીલા મારી વાતમાં વિશ્વાસ મુકશે ? શું એ સમજી શકશે કે મારો એ સંબંધ માત્ર શારીરિક ભૂખને કારણે ઉદ્ભવ્યો હતો ? શું એ બે ધરીઓ સાથે જોડાયેલા મુજ ક્ષીતીજને એ સ્વીકારી શકશે ? ક્યાં એ મારો સાથ છોડીને તો નહીં ચાલી જાય ને ?

એની નજર કંઇક વિચિત્ર રીતે મારા તરફ મંડાયેલી હતી. અને હું કંઇક કહું એ પહેલાં જ એ બોલી ઉઠી, ‘તમારે જે કહેવું હોય એ પછી કહેજો. પહેલા મારે જે કહેવું છે એ કહી દેવા દો...’ કહેતાં એ સહેજ અટકી અને પોતે કંઇક ગંભીર ગુનો કર્યો હોય એમ નીચું જોઈ ગઈ... અને જયારે એણે આંખ ઉઠાવી ત્યારે એની આંખોની નરમાશનું સ્થાન મસમોટાં આંસુઓએ લઇ લીધું હતું. અને એના એ આંસુઓનું કારણ પૂછું એ પહેલાં જ એ મને વળગી પડી, અને એને શાંત પાડવા વ્હાલથી મારો હાથ એની પીઠ પર ફરતો રહ્યો.

અને થોડીક ક્ષણો એમ જ વીત્યા બાદ એણે વાતનો ફોડ પાડતા ઊંડો નિશ્વાસ નાખતાં કહ્યું, ‘મને માફ કરી દેજો..., હું તમારી ગુનેગાર છું... તમારી ગેરહાજરીમાં મેં કોઈ અન્ય સાથે...’ અને એના આટલા સમયથી ગળે બાઝેલો ડૂમો ધ્રુસકા બની પોતાનો રસ્તો કરી ગયો.

પણ આ શું, અને એની પીઠ પર ફરતો મારો હાથ એકાએક અટકી કેમ ગયો !?


Rate this content
Log in

More gujarati story from Mitra Writes

Similar gujarati story from Romance