Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Jyotindra Mehta

Abstract Horror Thriller

4  

Jyotindra Mehta

Abstract Horror Thriller

ચક્રવ્યૂહ

ચક્રવ્યૂહ

9 mins
124


રાત્રે મારી આંખ ખુલી ત્યારે હું પરસેવે રેબઝેબ હતો મને ખબર નહોતી પડતી કે જોયું તે સ્વપ્ન હતું કે આભાસ? હું ફરી જોયેલું સ્વપ્ન યાદ કરવા લાગ્યો. બહાર મુસળધાર વરસાદ શરુ હતો. મેં રૂમની લાઈટ ઓન કરી અને બારી પાસે જઈને ઊભો રહ્યો. બહારથી દેડકાઓનો આનંદી સ્વર સંભળાઈ રહ્યો હતો. વચ્ચે જ શિયાળવાનો રડવાનો અવાજ વાતાવરણને બિહામણું બનાવી રહ્યો હતો. અચાનક નજીકથી ફૂતરાના જોરથી ભસવાનો અવાજ આવ્યો અને મારું હૃદય ધબકારો ચૂકી ગયું.

      મેં શ્વાસ શાંત કર્યા અને ઘડિયાળ તરફ નજર કરી. ઘડિયાળ દર્શાવી રહ્યું હતું કે ચાર વાગી રહ્યા છે. હું ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચ્યો અને ત્યાં મુકેલા સિગારેટના પાકીટમાંથી સિગરેટ કાઢી અને મોર અને પાઘડીના ચિન્હ્વાળા લાઈટર વડે સળગાવી. અરીસા સામે નજર કરતાં મારા હાથમાંથી સિગારેટ પડી ગઈ. હું હેબતાઈ ગયો, કારણ અરીસામાં હું નહોતો. અરીસામાં માથે પાઘડી અને હીરાજડિત મોતીઓની માળા પહેરેલ કોઈ રાજવી હતો. પાણીદાર આંખો, આંકડીયાળી મૂછો. મેં મારા ચહેરા પર હાથ ફેરવ્યો પણ મને મારા ચેહરા ઉપર મુછોનો આભાસ ન થયો. મેં માથા પર હાથ ફેરવ્યો પણ પાઘડીને બદલે મારા વાંકડિયા વાળને સ્પર્શ થયો.

      મારા મુખમાંથી સહજ જ પ્રશ્ન નીકળી ગયો,”તમે કોણ છો?”

      મને ખબર નહોતી પડી રહી કે હું અરીસા સામે ઊભો હતો કે કોઈ રાજવી સામે.

      તે હસવા લાગ્યો તેણે કહ્યું,”તે મહત્વનું નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે તું કોણ છે?”

      મને ખબર નહોતી કે આ કેવો જવાબ છે. તેણે જવાબ આપવાને બદલે પ્રતિપ્રશ્ન કર્યો હતો.

      હું આ અનુભવથી ડરી તો ગયો હતો છતાં થોડી બહાદુરી દેખાડી અને પૂછ્યું,” કોણ છું હું?”

      તેણે અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું,” જીવનભર લોકો પોતાને ઓળખી શકતા નથી અને તને તેનો જવાબ એમ જ જોઈએ છે? પોતાના પ્રશ્નોના જવાબ શોધવા પડે છે, આંખુ જીવન હોમી દેવું પડે છે.”

      આ સાવ અળવીતરો જવાબ હતો. હવે મનમાંથી ડર દૂર થવા લાગ્યો અને તેનું સ્થાન ગુસ્સો લેવા લાગ્યો હતો. મેં કહ્યું,” તમે મારા ઘરમાં છો અને મને જ ઉલટસુલટ જવાબ આપી રહ્યા છો.”

      ન જાણે કેમ તે વ્યક્તિ માટે મારા જીભેથી તુંકારો ન નીકળ્યો.

      તેણે કહ્યું,” તું અને હું જુદા નથી. તું મારું ભવિષ્ય છે અને હું તારો ભૂતકાળ.”

      “ હું તો તમને ઓળખતો પણ નથી.”

      “ક્યાંથી ઓળખે ! તારી બુદ્ધિ અને તારી વિચારશક્તિ તારા સ્થૂળ શરીર સાથે જોડાએલી છે, જ્યારે મને આવી કોઈ સીમા નડતી નથી. હું વિશાળ પણ છું અને સુક્ષ્મ પણ છું, શૂન્ય પણ છું અને અનંત પણ છું. સ્થૂળ પણ છું અને ચલિત પણ છું.”

      તેણે પોતાની વાતો પર ગૂઢતાનો અંચળો ઓઢાડી રાખ્યો હતો.

      હું પોતે માનસશાસ્ત્રી હતો પણ તેની વાતો મારી સમજની પરે હતી.

      આટલીવારમાં એટલું સમજી ગયો હતો કે અરીસામાં જે કોઈ છે તે મને કોઈ નુકસાન નહિ પહોચાડે. તેથી હવે હું વધુ છૂટછાટ લેવા લાગ્યો અને કહ્યું,” તમે હજી મને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છો. જે કહેવું હોય તે સ્પષ્ટ કહો.”

      એમ કહી મેં બીજી સિગારેટ સળગાવી. પહેલી સિગરેટ નીચે પાડીને ક્યારનીય બુઝાઈ ગઈ હતી. હું જ્યારે સિગરેટ સળગાવી રહ્યો હતો ત્યારે મેં તેની આંખોમાં દ્વેષ જોયો પણ તે તરફ ધ્યાન આપવાને બદલે પૂર્ણ મનોયોગથી સિગરેટ પીવા લાગ્યો. લાઈટર મેં થોડા સમય પહેલાં ઓકશનમાંથી ખરીદ્યું હતું. મને પ્રાચીન વસ્તુઓ ભેગી કરવાનો શોખ હતો અને ઘરમાં ઠેર ઠેર તે વસ્તુઓ વપરાશમાં હતા. જે ડ્રેસિંગ ટેબલના અરીસામાં તે દેખાઈ રહ્યો હતો તે પણ મેં બે વર્ષ પહેલાં એક ઓકશનમાં ખરીદ્યું હતું. તે કોઈ જુનાગઢના રાજવીનું હતું. મેં નામ યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો પણ હું યાદ ન કરી શક્યો.

      તેણે કહ્યું,” પોતાના પ્રશ્નોના જવાબો પોતે જ શોધવા પડે છે. તું કોણ છે તે પ્રશ્નનો જવાબ પણ તારે જ શોધવાનો છે અને હું કોણ છું તેનો પણ. પ્રયત્ન કરી જો કદાચ તને જવાબ મળે!”

      હું કંઈ કહું તે પહેલાં તે અરીસામાંથી અદ્રશ્ય થઇ ગયો અને હવે અરીસામાં તેના બદલે મારું પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું હતું. હું પહેલીવાર અરીસામાં સિગરેટ પીતાં પોતાને જોઈ રહ્યો હતો અને તે દ્રશ્ય મને પોતાને ન ગમ્યું. સાધારણ રીતે જે દ્રશ્ય ફિલ્મોમાં સ્ટાઈલીશ લાગતું હતું, તે વાસ્તવિકતામાં વિકૃત લાગી રહ્યું હતું. મેં સિગરેટ એશટ્રેમાં બુઝાવી અને સિગરેટનું પાકીટ કચરાપેટીમાં નાખી દીધું. લાઈટર ફેકવા માટે ઉઠાવ્યું પણ મારું ધ્યાન તેના ઉપર અંકિત કરેલી પાઘડી ઉપર ગયું અને હું વિચારમાં પડી ગયો. અરીસામાંના વ્યક્તિએ એવી જ પાઘડી પહેરેલી હતી.

      મેં લાઈટરને ક્લિક કર્યું અને અચાનક એક ભડકો થયો અને તેની જ્વાળા મારા ચહેરા તરફ ધસી આવી.

      અચાનક મારી આંખ ખુલી અને હું મંદ પ્રકાશ ફેલાવી રહેલા નાઈટ બલ્બ તરફ જોઈ રહ્યો. કેવું વિચિત્ર સ્વપ્ન હતું? મેં જીવનમાં ક્યારેય સિગરેટને સ્પર્શ નહોતો કર્યો અને કોઈ દિવસ લાઈટર ખરીદ્યું નહોતું. હા ! તે ડ્રેસિંગ ટેબલ મારા બેડરૂમની શોભા વધારી રહ્યું હતું. હું પથારીમાંથી નીકળીને બારી પાસે આવીને ઊભો રહ્યો.

        બહાર અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. દેડકાઓ શોર મચાવી રહ્યા હતા. મારી બારીની બહાર ગ્રીલ મુકેલી હતી તેના કુંડામાં મની પ્લાન્ટના પત્તાઓ ઉપર વાંછટ પડતી અને તે ભેગું થઈને પાણીની થોડી ધાર થઇ રહી હતી તે હું ત્રાટક નજરે જોઈ રહ્યો, અચાનક ક્યાંકથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. ક્યાંકથી શિયાળના રડવાનો અવાજ આવી રહ્યો હતો. અદ્દલ થોડા સમય પહેલાં જોયેલા સપનાની જેમ. હું ધીમે ધીમે ડ્રેસિંગ ટેબલ પાસે આવ્યો કે કદાચ અરીસામાં તે રાજવી દેખાય. મેં નજીક જઈને ધડકતા હૃદયે અરીસામાં જોયું પણ તેમાં મારું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. હું ધીમેથી પોતાની ઉપર હસ્યો. સ્વપ્નમાં તો કોઈ પણ વાત શક્ય હોય પણ હકીકતમાં એવું નથી થતું.

      એક માનસશાસ્ત્રી તરીકે હું જાણતો હતો કે ઘણી વખત જે હકીકતમાં શક્ય નથી હોતું તેને વ્યક્તિ સ્વપ્નરૂપે જુએ છે અને એક આભાસી દુનિયામાં જીવે છે. મારી પાસે કન્સલટ કરવા ઘણાબધા પેશન્ટ આવતા હોય છે અને જુદી જુદી ઘટનાઓ વર્ણવે છે કદાચ આ ઘટના પણ કોઈ વ્યક્તિએ વર્ણવી હશે. હું વર્ણવેલી ઘટના કે પેશન્ટને યાદ કરવા લાગ્યો પણ યાદ ન આવ્યું.

      ડ્રેસિંગ ટેબલ કોનું હતું તે યાદ કરવા લાગ્યો પણ યાદ કરવાની જરૂર ન પડી કારણ હું મારા મિત્રો અને પરિચિતોને હજારોવાર કહી ચૂક્યો હતો કે આ ડ્રેસિંગ ટેબલ જુનાગઢના નવાબ મોહમ્મદ હમીદ ખાનજી બીજાનું હતું. હું આશ્ચર્યમાં પડી ગયો કે સ્વપ્નમાં આ વાત કેમ યાદ ન આવી?

      મેં મહાપ્રયત્ને પોતાને ઊંઘને હવાલે કર્યો.

      બીજા દિવસે નિયત સમયે હું ઊઠી ગયો અને મારા નિત્યનિયમ કાર્યોમાં પરોવાઈ ગયો. બપોરે અખબારની એક નાની જાહેરાત ઉપર ધ્યાન ગયું. બે દિવસ પછી રાજવીઓની યાદગીરીઓનું ઓક્શન હતું. પ્રાચીન વસ્તુઓનું પ્રેમી મારું મન આનંદથી ઝૂમી ઉઠ્યું. મેં તેમાંથી એડ્રેસ મારા મોબાઈલની નોટમાં કોપી કરી લીધું અને બે દિવસ પછીનું સવારનું અલાર્મ મૂકી દીધું જેથી કદાચ બીજા કોઈ કામમાં ભૂલી જાઉં તો મોબાઈલ યાદ દેવડાવી દે. હું મારી ઘણીબધી અપોઈન્ટમેન્ટ મોબાઈલમાં જ નોંધતો.

      રાત્રે જમીને પથારીમાં આડા પડ્યા પછી હું ગઈકાલ રાતના સપનાં વિશે યાદ કરવા લાગ્યો. આજે દિવસભરના વ્યસ્ત કાર્યક્રમમાં હું તે વિશે વિચારી શક્યો નહોતો. પણ થાકને લીધે તરત ઊંઘ આવી ગઈ.

      ચાર વાગે હું પરસેવેથી રેબઝેબ થઇ ગયો હતો અને મારી ઊંઘ ઉડી ગઈ હતી. મેં ગઈકાલનું સ્વપ્ન ફરી જોયું હતું. હવે મારા માટે આ સપનું રહસ્ય બની ગયું હતું. આજે મેં પ્રયત્ન કર્યો પણ ઊંઘી ન શક્યો. સવાર સુધી હું પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરતો રહ્યો. બીજા દિવસની સવારની અપોઈન્ટમેન્ટ કેન્સલ કરી અને સ્વપ્ન વિશેના પુસ્તકોમાં મારા સ્વપ્નનો જવાબ શોધવા લાગ્યો. મેં સિગારેટને હાથ નહોતો લગાડ્યો તો સિગરેટ પીતાં કેવી રીતે જોતો હતો. સ્વપ્નનું રહસ્ય મારા મનમાં ઘૂંટાતું રહ્યું. એક બે કેસેસ જોઇને હું ઘરે નીકળી ગયો. હું ફરીવાર તે સ્વપ્ન જોવા માગતો હતો તેથી વહેલાં જમી લીધું અને પથારીભેગો થયો પણ મોડી રાત સીધી સૂઈ ન શક્યો.

      અચાનક આંખ ખુલી અને ઊભો થઈને બારી પાસે પહોંચ્યો. આજે વરસાદ પડીને બંધ થઇ ગયો હતો અને બહાર કોઈ જાતના અવાજો થઇ રહ્યા ન હતા. મેં ચિકોટી ખણી જોઈ. જાગું છું કે સ્વપ્નમાં છું. થોડું દર્દ થયું, મેં ડ્રેસિંગટેબલ તરફ નજર કરી તો ત્યાં સિગરેટનું પાકીટ અને લાઈટર પડેલા હતા.

      ત્યાં નજીક જઈને અરીસામાં જોયું તો અંદર હું જ હતો. અજાણતામાં મારો હાથ પાકીટ તરફ ગયો અને લાઈટર લઈને મેં સિગરેટ સળગાવી અને અરીસામાં જોયું તો અંદર તે મારી સામે જોઇને સ્મિત કરી રહ્યો હતો પણ આજે મારા હાથમાંથી સિગરેટ ન પડી. મેં એશટ્રેમાં રાખ ઝાટકીને પૂછ્યું,” બોલો તમારે આજે શું કહેવું છે?”

      “ તારી સ્વીકાર કરવાની ક્ષમતા વધી છે. સારું છે ! હું તું છું અને તું હું.”

      “ ના, એવું કંઈ નથી તમે ફક્ત એક ભ્રમ છો.”

      “ સ્વીકારની ક્ષમતા વધી છે પણ કલ્પનાશક્તિ તો એટલી જ છે. તારી અંદર મારી એક અસ્તિત્વ છે અને એનો પરચો આવતીકાલે મળશે.”

      એટલું કહીને તે અદ્રશ્ય થઇ ગયો અને મેં ધીમેથી બીજી સિગરેટ સળગાવવા લાઈટર સળગાવ્યું અને તેની જ્વાળા મારા ચેહરા પર ધસી આવી અને હું જાગી ગયો. મારા માટે ઘણાબધા પ્રશ્નો ઊભાં થઇ ગયા હતા. હવે હું વિચાર કરવા લાગ્યો કે અત્યારે હું જાગ્યો છું તે સાચે જ જાગ્યો છું કે સ્વપ્નમાં જાગ્યો છું. મેં ચિકોટી ખણી અને ફરી એટલું જ દર્દ થયું. ઉભા થઈને ડ્રેસિંગ ટેબલ તરફ જોયું તો ત્યાં કંઈ નહોતું.

      હું ખુલ્લો આંખે પથારીમાં પડ્યો રહ્યો ન તો મને સમયનું ભાન હતું ન સ્થળનું. બારીમાંથી અંદરની તરફ આવતા સૂરજનાં કિરણોએ જણાવ્યું કે સવાર પડી ગઈ છે એટલે હું પથારીમાંથી ઊભો થયો. ત્રણ રાતથી આવતા સપનાએ મને ઝંઝોડી નાખ્યો હતો. અત્યારે હું જાગી રહ્યો છું કે સ્વપ્નમાં તે જાણવા મેં ડ્રેસિંગ ટેબલ તરફ નજર કરી અને સિગરેટ અને લાઈટરની ગેરહાજરીથી આશ્વસ્ત થયો કે હું જાગી રહ્યો છું.

      નિત્યક્રમ પતાવ્યું ત્યાં મોબાઈલમાં નોટ્સની અલાર્મ વાગ્યું અને ઓક્શનનું નોટીફીકેશન આવ્યું. ઈચ્છા ઓછી હતી છતાં ઓકશનમાં જવા તૈયાર થયો. હોલમાં ખાસ ભીડ નહોતી. હું મારા ખાસ મિત્ર દીપક સાથે અહીં આવ્યો હતો. મેં તેને મારા સ્વપ્નની વાત કરી તો તેણે હસી કાઢી અને કહ્યું તારે બ્રેકની જરૂર છે. તું રોજ જેમને મળે છે તે બધા મનોરોગી હોય છે અને તેમની અસર તને હવે જણાવા લાગી છે એટલે સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢ અને ક્યાંક ફરવા જા અને હવે તારી ઉમર પણ થઇ ગઈ છે. ત્રીસીએ પહોંચીને પણ એકલો જ છે. લગ્ન કરશે એટલે બીજું કોઈ તને ડરાવી નહિ શકે.

      ઓક્શનની વસ્તુઓનું લીસ્ટ અમને આપવામાં આવ્યું. હું મારી નજર તે લીસ્ટ પર ફેરવવા લાગ્યો અને એક વસ્તુ પર મારી નજર ચોંટી ગઈ. સોનાનું લાઈટર, લીસ્ટ મારા હાથમાંથી પડી ગઈ. મેં દીપકને તે વસ્તુ બતાવી.

      તેણે કહ્યું,” રાજાઓની વસ્તુઓ છે એટલે સોનાની જ હોવાની. ગમે તો ખરીદી લેજે. સિગારેટ ન પીતો હોય તો કંઈ નહિ શોબાજી માટે તો ઘરમાં રાખી જ શકશે.”

      ઓક્શન શરુ થયા પછી હું ફક્ત લાઈટરની રાહ જોતો હતો. અંતે તેનો પણ વારો આવ્યો અને તે મેં ખરીદી લીધું. તેના માટે કોઈ બીજાએ બોલી પણ લગાવી ન હતી. ઓક્શન પૂર્ણ થયા પછી ઓર્ગનાઈઝરને તેની મહત્તા વિશે પૂછ્યું.

      તેણે કહ્યું,” આ જામનગરના જામસાહેબના નાનાભાઈ વાપરતા હતા અને તેમનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું.”

      તે લાઈટર સાચવીને ખિસ્સામાં મુકીને ઘર તરફ પાછો ફર્યો. આજે હવે ક્યાંય જવાની ઈચ્છા ન હતી. ઘરે આવીને લેપટોપમાં મેં જામસાહેબ એમ ટાઈપ કર્યું તો તેમાં એક આખું લીસ્ટ આવ્યું. મેં એક્ઝેક્ટ કયા જામસાહેબ એમ તો પૂછ્યું જ નહોતું. મેં લાઈટર તરફ ધ્યાનથી જોયું તો તેના પર પાઘડી અને મોરનું ચિન્હ જોયું. મેં લાઈટર ક્લિક કર્યું તો અચાનક મોટી જ્વાળા ભડકી અને મારી આંખ ખુલી ગઈ.

      હું પરસેવે રેબઝેબ હતો. હું કોઈક ચક્રવ્યૂહમાં અટવાઈ ગયો હતો. શું સ્વપ્ન શું હકીકત ભૂલી ચુક્યો હતો. જાગી રહ્યો છું કે સુઈ રહ્યો છું તેની ખબર નથી પડી રહી.

      ફક્ત ક્યારેક ઇન્જેક્શન ભોકાવાની પીડા થાય છે. હું રાહ જોઈ રહ્યો છું તે અરીસાની અંદરના રાજવીની. ક્યારેક તે લાઈટર પણ દેખાઈ જાય છે અને સિગરેટ પીવાનું મન થઇ જાય છે.

      ક્યારેક હસી પણ લઉં છું અને ક્યારેક રડવા લાગુ છું. હું શૂન્ય પણ છું અને અનંત પણ છું, હું સ્થૂળ પણ છું અને ચલિત પણ છું.

સમાપ્ત   


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Abstract