દેવલોકના વાયરસનો આતંક
દેવલોકના વાયરસનો આતંક
વિષ્ણુભગવાન શેષનાગ ઉપર આરામ ફરમાવી રહ્યા છે. ત્યાં જ અવાજ આવે છે.
"નારાયણ, નારાયણ ! પ્રણામ પ્રભુ." નારદજી હાથ જોડી પ્રભુને પ્રણામ કરે છે.
પ્રભુ આંખો બંધ રાખીને, મંદ મંદ મુસ્કાન સાથે નારદજી ને કહે છે " આવો નારદ ! આજના શું સમાચાર લાવ્યા છો?"
"પ્રભુ, સમાચારમાં તો બીજા કોઈ ખાસ સમાચાર નથી મળ્યા. બધું રાબેતા મુજબ ચાલે છે." આમ જણાવી નારદજી ત્યાંથી અદ્રશ્ય થઇ જાય છે અને પ્રભુ ફરીથી આરામ ફરમાવે છે. આ ઘટનાના થોડા દિવસો પછી પ્રભુ નારદજીને યાદ કરે છે.
"નારદ, ઓ નારદ ! જલ્દી થી મારી સમક્ષ પ્રગટ થાઓ."
"નારાયણ! નારાયણ! શું વાત છે પ્રભુ ? મને આટલો જલ્દી કેમ યાદ કર્યો ? આપ આટલા બેચેન શા માટે છો ? કંઈ દુવિધા હોય તો મને કહો. હું એનો ઉકેલ લાવવાનો જરૂર પ્રયાસ કરીશ." નારદજી બે હાથ જોડી ચિંતાતુર ઉભા રહ્યા.
"નારદજી, આ પૃથ્વીવાસીઓને કંઈ તકલીફ થઇ છે ?"
"ના પ્રભુ! મારા ધ્યાનમાં તો નથી આવ્યું ક્યાંય ?"
"નારદજી, હમણાં હમણાં તમે તમારું કામ બરાબર નથી કરી રહ્યા. તમારું ધ્યાન ક્યાં હોય છે આજ કાલ ?"
"માફ કરજો પ્રભુ, પણ ખરેખર, મને આ બાબત કશી જ જાણકારી પ્રાપ્ત નથી. પણ થયું છે શું પ્રભુ ?"
“નારદજી, હમણાં હમણાં મારા મંદિરોમાં ભક્તો મારા દર્શને આવતાજ નથી. મારા મંદિરો એકદમ સુનકાર થઇ ગયા છે. “
"પ્રભુ, કદાચિત હમણાં ગરમીનો પારો ઉપર ચડ્યો છે એટલે લોકો બહાર નહિ નીકળતા હોય. પણ ઘરમાં તો ભક્તિ કરતા જ હશે."
"નારદજી, જો એવું હોત તો હું તમને અહીં બોલાવત જ નહિ ને ? વાત કંઈક બીજી છે. ગરમીનો પારો તો મે મહિનામાં સૌથી વધારે હોય છે. આ બધું તો માર્ચ મહિનાથી ચાલી રહ્યું છે. તમે અત્યારેજ પૃથ્વી ઉપર જાઓ અને મને જલ્દીથી અપડૅટ કરો. અને આ યમદૂત ક્યાં છે ? મેં એને જન્મ મરણાંકનો હિસાબ લઈને મારી પાસે બોલાવ્યા હતા. જાઓ, ચિત્રગુપ્ત અને યમદૂતને મારી પાસે મોકલો."
"જેવી તમારી આજ્ઞા પ્રભુ, નારાયણ, નારાયણ !" આમ કહી નારદજી અદ્રશ્ય થઇ જાય છે.
બે દિવસ પછી નારદજી પ્રભુ સામે પ્રગટ થાય છે. પ્રભુ દ્વારપાળને બૂમ મારી બોલાવે છે.
"દ્વારપાળ, આ વિચિત્ર પ્રાણી કોણ છે ? અને નારદની જેમ કેમ બોલે છે ? આને અહીંથી બહાર કાઢો."
"અરે, અરે, પ્રભુ! હું નારદ જ છું. તમે મને ભૂલી ગયા ?"
પ્રભુ નારદજી તરફ ધ્યાનથી જોવે છે. પગથી માથા સુધીનો ઢંકાયેલો સફેદ કલરના વસ્ત્રો. ફક્ત આંખો જ જોઈ શકાય છે અને એમાં પણ ચશ્માં લાગેલા છે. હાથમાં પહેરેલા મોજા અને પગમાં પહેરેલા બુટ.
"અરે, આ શું વેશ ધારણ કર્યો છે, નારદ ? આમાં તો તમારું મોઢું પણ નથી દેખાતું તો તમને ઓળખું કેવીરીતે ?"
આ વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાં જ દાસી પ્રભુમાટે ફળોનો થાળ લઈને આવે છે પરંતુ નારદજી ને આવા વિચિત્ર અને ભયાનક વેશમાં જોઈ ને ડરી જાય છે. ડરના કારણે એના હાથમાંથી થાળ પડી જાય છે અને એથી વધુ ડરીને ભાગી જાય છે.
"જોયું તમે નારદ ? તમારી આ વિચિત્ર વેશભૂષાથી લોકો કેટલા ડરી જાય છે ? જલ્દી થી હવે આ વેશ ઉતારો અને તમારા સ્વરૂપમાં આવી જાઓ."
"અવશ્ય પ્રભુ. પરંતુ એ પહેલા તમે આ સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરી લો તથા આ માસ્ક અને હાથ ના મોજા પહેરી લો. એ પછી જ હું મારા વિચિત્ર વસ્ત્રો દૂર કરું."
"નારદ ! આ બધું શું માંડ્યું છે તમે? તમને મેં પૃથ્વી ઉપર મારા ભક્તોની ખબર લેવા મોકલ્યા હતા, નહિ કે આવું વિચિત્ર વર્તન શીખવા !"
"અરે પ્રભુ! હું સમજી ગયો છું પણ આ વસ્ત્રો આજકાલ પૃથ્વી ઉપર પ્રવેશવા માટે અનિવાર્ય બની ગયા છે. આ વસ્ત્રો ને PPE -Personal protective equipment કહેવાય છે. હવે ચાલો, પહેલા માસ્ક પહેરી લો પછી નિરાંતે તમને પૃથ્વીનો ચિતાર આપું."
પ્રભુ પણ હાથ સેનિટાઇઝ કરી, હાથના મોજા પહેરી, માસ્ક પહેરી લે છે.
"હવે તો ખુશ ને નારદ ! હવે જલ્દી મને જણાવો કે આ બધું શું ચાલે છે ?"
"પ્રભુ, શું કહું તમને ? પૃથ્વીવાસીઓ આજકાલ એક વાયરસથી પરેશાન થઇ ગયા છે. એ વાયરસનું નામ છે નોવેલ કોરોના અથવા તો કોવીડ-૧૯ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વાયરસે પૃથ્વી ઉપર બહુ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વાયરસ એટલો ખતરનાક અને ચેપી છે કે મનુષ્ય-મનુષ્યના માત્ર સંપર્કમાં આવવાથી પણ ચેપ ફેલાય છે અને જો કોઈ મનુષ્ય ગંભીર બીમારીઓ સામે લડી રહ્યો હોય તો તો એનું મૃત્યુ પણ સંભવી શકે છે. મનુષ્ય હજી સુધી આની કોઈ દવા કે રસી શોધી શક્યો નથી. એ જ કારણોથી આ વાયરસે અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મનુષ્યોની મુખ્ય સમસ્યા એનો ફેલાવો કેવી રીતે રોકવો એજ છે. આ વાયરસ પૃથ્વી ઉપર ખુબજ ઝડપથી ફેલાય રહ્યો છે અને પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે.
આ વાયરસના ફેલાવાને રોકવામાટે પૃથ્વી ઉપરના મોટાભાગના દેશો લોકડાઉન થઇ ગયા છે. આ લોકડાઉન દરમિયાન બધાને પોત-પોતાના ઘરોમાંજ રહેવાની કડક સૂચના મળેલ છે. જે લોકો આ નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને કડક સજા મળે છે. એટલે આજકાલ બધા લોકો ઘરમાં પુરાઈ ગયા છે. પ્રભુ, આ જ કારણથી આજકાલ આપના ભક્તો મંદિરમાં આવી શકતા નથી. બધા વ્યાપાર, દુકાનો, બગીચાઓ, ફરવાના સ્થળો, બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વાયરસ ના પ્રકોપે તો તમામ મંદિરો પણ બંધ કરી દેવાયા છે. હવે તમે જ કહો, તમારા ભક્તો તમારા દર્શન કરવા કેવી રીતે આવે ?"
"અરેરેરે ! નારદ, આ તો ગજબ થઇ ગયું ? પણ પૃથ્વીના મહાજ્ઞાની મનુષ્યો પાસે કોઈ ઈલાજ નથી આ વાયરસ નો ? મનુષ્ય આમ તો બહુ ડંફાસ મારતો હોય છે કે હું આમ કરી શકું છું, હું તેમ કરી શકું છું. વિજ્ઞાનના માધ્યમ થી અભિમાન કરતો હોય છે કે પૃથ્વીનો કંટ્રોલ એના હાથ માં જ છે. ચંદ્ર, મંગળ ઉપર પહોંચવાવાળો મનુષ્ય આજે એટલો લાચાર બની ગયો છે કે ઘરની બહાર નીકળતા પણ ડરે છે ?"
"પ્રભુ, પ્રભુ!! આ સમય નથી મનુષ્યો ઉપર કટાક્ષ કરવાનો. એ બિચારા તો બહુ પ્રયાસો કરી રહ્યા છે આ કોરોના વાયરસથી મુક્તિ મેળવવામાટે. પણ..."
"પણ શું નારદ ?"
"પણ પ્રભુ, લાગે છે કે આ વાયરસ પણ એકતા...કપૂરની સિરિયલો જોઈને આવ્યો છે."
"એવું શા માટે કહો છો નારદ ?"
"તો શું પ્રભુ ? આ વાયરસ અત્યાર સુધીમાં સાત સાત વખત પોતાના સ્વરૂપ બદલી ચુક્યો છે. હવે તમે જ વિચારો મનુષ્ય અત્યારે કેવી મુશ્કેલીઓથી ઘેરાયેલો હશે ?"
"એ બધી વાત સાચી પણ નારદ આજ કાલ આ મનુષ્ય મને બિલકુલ યાદ જ નથી કરતો એવું લાગે છે. અત્યારે તો એની પાસે સમય જ સમય છે."
"પ્રભુ એવું તમને લાગે છે."
"એટલે ? નારદ, તમે ફરી પાછો મનુષ્યોનો પક્ષ લો છો ? લાગે છે કે પૃથ્વી ઉપર કાયમીના ધોરણે તમારી ટ્રાન્સફર કરવી પડશે."
"અરે ના, ના પ્રભુ. આમ ગુસ્સે ન થાઓ. પ્રભુ, જો ખરેખર તમારે મનુષ્યોની તકલીફ જાણવી હોય તો..."
"તો શું નારદ ? ડર્યા વિના જણાવો...."
"તો પ્રભુ, તમારે પૃથ્વી ઉપર જવું પડશે અને એ પણ મનુષ્ય અવતારમાં. મનુષ્ય અવતારમાં જ તમે જાણી શકશો કે આ વાયરસથી મનુષ્યો ને કેટલી તકલીફ પડે છે ?"
"ઠીક છે નારદ, હું વિચારીશ આ બાબતે. પણ આ ચિત્રગુપ્ત અને યમદૂતને શું થયું છે ? એમને બોલાવ્યા તો પણ કેમ આવ્યા નથી ?"
"પ્રભુ, એ લોકો હાલ કવોરેન્ટીનમાં છે ?"
"શું ? શું કહ્યું ? કવોરેન્ટીન ? કેમ, એ લોકો ને શું થયું છે ?"
"પ્રભુ, વાત જાણે કે એમ છે કે આ બધી વસ્તુઓની શરૂઆત એમનાથી જ થઇ છે."
"નારદ, શું તમે હવે મને બધી વાત જણાવવાનું કષ્ટ કરશો ?"
"પ્રભુ, તમે તો જાણો જ છો કે બ્રહ્માજી એ ચિત્રગુપ્ત અને યમદૂતને એક બોટલ આપી હતી જે તમને સહીસલામત પહોંચાડવાની હતી."
"હા તો, એ બોટલ નું શું છે નારદ ?"
"શાંત પ્રભુ શાંત. હું આપને એજ જણાવી રહ્યો છું. હા, તો ચિત્રગુપ્ત અને યમદૂત એ બોટલ લઈને તમારી પાસે આવી જ રહ્યા હતા કે એમની વચ્ચે એક મનુષ્યના મૃત્યુના સમયને લઈને શરત લાગી ગઈ. એ શરતની રમતમાંને રમતમાં એ લોકો પૃથ્વી ઉપર ગયા અને ઉત્સાહમાં એમના હાથમાંથી એ બોટલ પડી ગઈ અને ફૂટી ગઈ. એમાંથી જે નીકળ્યું એ જ આ નોવેલ કોરોના કે કોવીડ-૧૯ જે કહો એ. આ ઘટના ઘટ્યા બાદ યમદૂત અને ચિત્રગુપ્ત પાછા તો આવી ગયા પરંતુ ઘટના સ્થળથી ખુબ જ નજીક હોવાથી યમદૂતના પાડા સહીત એ બંને અત્યારે કોવીડ-૧૯ પોઝિટિવ બની ગયા છે. અત્યારે પાડો તથા એ બંને કવોરેન્ટીનમાં છે અને બ્રહ્માજીની દેખ રેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે."
"તો નારદ, અત્યારે પૃથ્વી ઉપરના જન્મ-મૃત્યુના હિસાબ કોણ જોવે છે ?"
"પ્રભુ, એ જવાબદારી યમદૂતે પોતાના આસિસ્ટન્ટને સોંપી છે. જે બધી માહિતી યમદૂત સુધી પહોંચાડે છે."
"અચ્છા, અચ્છા તો યમદૂત અને ચિત્રગુપ્તને વર્ક ફ્રોમ હોમ મળેલ છે એમ ને ?"
"હા પ્રભુ. અત્યારે તો એમને વર્ક ફ્રોમ હોમ છે. પણ મને એક વાત સમજાણી નહિ."
"શું નારદ ?"
"પ્રભુ, તમને બ્રહ્માજી એ જણાવ્યું ન હતું આ વાયરસ વિશે ?"
"નારદ, બ્રહ્માજી એ મને જણાવ્યું હતું કે એક બોટલ મોકલું છું તમને એ તમારી પાસે સાચવીને રાખજો. યોગ્ય સમય આવ્યે વાત કરીશું. એ પછી હજુ સુધી એ યોગ્ય સમય આવ્યોજ નથી અને અમારે કોઈ વાત થઇ નથી. એવું તો ઘણું બધું બ્રહ્માજી એ મારી પાસે સલામત રાખ્યું છે."
"બરાબર પ્રભુ, સમજી ગયો. નારાયણ, નારાયણ !"
આમ કહી નારદજી અદ્રશ્ય થઇ જાય છે.
પ્રભુ ગંભીર મુદ્રા ધારણ કરી નારદજી ની વાતો ઉપર વિચારમગ્ન હતા ત્યાં જ લક્ષ્મીજી આવ્યા.
"પ્રણામ પ્રભુ, શું વાત છે ? આજે તમે કેમ ગંભીર લાગો છો ? દાસીએ જણાવ્યું કે અહીં કોઈ વિચિત્ર પ્રાણી આવ્યું છે ? ક્યાં છે એ પ્રાણી ?"
"આવો લક્ષ્મીજી, શું કહું તમને ? એ વિચિત્ર પ્રાણી બીજું કોઈ નહિ પણ નારદ હતા."
પ્રભુ લક્ષ્મીજીને બધી જ વાત કરે છે અને ફરી વિચારમગ્ન થઇ જાય છે.
લક્ષ્મીજી બોલ્યા, "અરે પ્રભુ , આ તો ગંભીર સમસ્યા છે. પણ તમે આટલા ચિંતિત શા માટે છો ? જો તમારી ઈચ્છા હોય તો આપણે બંને પૃથ્વી ઉપર જઈએ અને ત્યાં થોડો સમય રહીએ. અહીં તો તમારી પાસે મારા માટે સમય જ નથી તો એ બહાને તમે મારી સાથે પણ સમય વિતાવશો. જેમ પૃથ્વી વાસીઓ વેકેશન માણે છે એમ આપણે પણ એક નાનકડું વેકેશન તો લઇ જ શકીએ."
"પ્રિયે, વાત તો તમે સાચી કરી. તો ચાલો આપણે આજે જ જઈએ છીએ."
આમ કહી પ્રભુ અને લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વી ઉપર રહેવા માટે અમદાવાદ ઉપર પસંદગી ઉતારે છે. અમદાવાદના કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રભુ પોતાની દિવ્ય શક્તિઓથી અતિ સુંદર, સગવડતાઓથી સજ્જ ઘર, સુંદર ગાડી પ્રકટ કરે છે. પ્રભુ અને લક્ષ્મીજી જેવા ઘરમાં પ્રવેશે છે ત્યાં જ નારદજી પ્રગટ થાય છે.
"નારાયણ, નારાયણ!!! આ શું કરી રહ્યા છો પ્રભુ ?"
"કેમ ? તમે જ તો કહ્યું હતું કે મનુષ્યોની તકલીફ જાણવી હોય તો પૃથ્વી ઉપર મનુષ્ય બનીને જાઓ અને ત્યાં રહો. તો બસ હું અને લક્ષ્મીજી આવી ગયા."
"પ્રભુ, એ વાત તો બરાબર છે. પરંતુ જો તમે મનુષ્ય બન્યા હોય તો તમારે અહીં તમારી દિવ્ય શક્તિઓ વિના જ જીવવું જોઈએ તો જ તમને મનુષ્યોની તકલીફ ની અનુભૂતિ થશે. મનુષ્યો પાસે તો દિવ્ય શક્તિઓ નથી ને?"
"નારદ, તમે પણ હદ કરો છો. પરંતુ એક રીતે તો તમારી વાત પણ સાચી છે. ચાલો હું મારી દિવ્ય શક્તિઓનો પ્રયોગ અત્યંત આવશ્યક હશે ત્યારે જ કરીશ. બસ !!!"
ત્યાં જ લક્ષ્મીજી બોલે છે" નારદ, એક કામ કરો ને! મને અહીં ૨-૩ દાસીઓ શોધી આપો જેથી કરીને મારુ કામ થોડું આસાન રહે."
"માતે, હું ચોક્કસથી કરી આપત પરંતુ અત્યારના પૃથ્વી ઉપરના સંજોગો પ્રમાણે એ શક્ય નથી. કેમ કે બધાને ઘરમાંજ રહેવાનું છે. તો દાસીઓને પણ આજ નિયમ લાગે છે. એટલે એ કાર્ય સંભવ નથી. માફ કરશો માતે, પરંતુ અહીં તો તમારે જ બધું કરવું પડશે."
"અરે પ્રભુ, આ તો મોટી દુવિધા થઇ ગઈ. ચાલો ત્યારે, પડ્યા એવા દેવાશે." એમ કહી લક્ષ્મીજી રસોડા તરફ પ્રયાણ કરે છે.
"પ્રભુ, તમારી આજ્ઞા હોય તો હું જાઉં ? નારાયણ, નારાયણ !" એમ કહી નારદજી અદ્રશ્ય થાય છે.
એક અઠવાડિયા પછી પ્રભુ શેષનાગ ઉપર આરામ મુદ્રામાં હોય છે ત્યાં જ નારદજી પ્રગટ થાય છે.
"નારાયણ, નારાયણ ! પ્રભુ, કેવો રહ્યો આપનો પૃથ્વી ઉપરનો અનુભવ ?"
"નારદ, તમારી વાત સાચી હતી. મનુષ્ય ખરેખર દુવિધા ભોગવી રહ્યો છે અને મારી ભક્તિ માટે એને સમય નથી એ તથ્ય મેં સ્વીકારી લીધું છે."
"અરે પ્રભુ, અચાનકથી તમે મનુષ્યની તરફેણ કેમ કરો છો ? જરા વિસ્તારથી કહો."
"નારદ, વાત ન પૂછો. તમારા ગયા પછી અમે અમારી દિવ્ય શક્તિઓ વિનાજ પૃથ્વી ઉપર રહેવું એવું નક્કી તો કરી લીધું હતું પરંતુ એ નિર્ણય અમને બહુ ભારી પડી ગયો. જોશમાંને જોશમાં મોટો બંગલો તો બનાવી લીધો પણ નારદ એ બંગલાને સાફ રાખવામાં, દરરોજ કચરાંપોતાં કરવામાં, ફળિયું ધોવામાં તો મારી પીઠમાં સણકા ઉપડી ગયા."
"અરેરે પ્રભુ, આ બધા કાર્યો તમે કરતા હતા ?"
"હાસ્તો વળી, લક્ષ્મીજી તો રસોઈ બનાવતા હતા ને! એ એકલા કેટલું કામ કરી શકે એટલે હું એમને મદદ કરતો હતો. ઘરની સાફ સફાઈ પતે પછી રસોડામાં પણ મારે મદદ કરવી પડતી હતી."
"કેમ પ્રભુ ?"
"અહીં તો મને ૩૨ જાતના પકવાન, ૫૬ ભોગ આરોગવાની આદત છે જયારે પૃથ્વી ઉપર હું જમવા બેઠો તો બસ ખાલી શાક,દાળ અને રોટલી જ મળ્યા. મેં લક્ષ્મીજીને પૂછ્યું તો એ કોપાયમાન થઇ ગયા કે મારાથી તો આટલું પણ નથી થતું. જમી લો શાંતિથી. જેમ તેમ સ્વાદ જોયા વિનાજ ભોજન કર્યું."
"એ પછી નારદ તમે આવ્યા હતા અને પૃથ્વી ઉપર વપરાતું ઉપકરણ, 'મોબાઈલ' લક્ષ્મીજીને આપી ગયા હતા. એ દિવસે તમે એને જે ભયાનક જ્ઞાન આપ્યું એનો બદલો વારવાનો તો બાકી છે તમારી સાથે નારદ !"
"અરેરે પ્રભુ? મારી સાથે શા માટે? મેં એવું તો શું કર્યું હતું?"
"શું કર્યું હતું? અરે તમે તો દુશ્મનના હાથમાં અણુબોમ્બ આપવાનું કામ કર્યું હતું."
"અણુબોમ્બ ?"
"હા, નારદ, હા અણુબોમ્બ. એ મોબાઈલ કોઈ અણુબોમ્બથી કંઈ ઓછો ન હતો. લક્ષ્મીજી આખો દિવસ પેલું શું ? હા જો, યુ ટ્યુબ. એ યુ ટ્યુબ ઉપર આવતી નવી નવી વાનગીઓ જોયા રાખે અને પછી મારી પાસે રસોડામાં એ બનાવડાવે. બનાવવા સુઘી તો ઠીક હતું. જ્યાં સુધી ઘરમાં બધો સમાન હતો ત્યાં સુધી તો બનાવ્યું પણ તમને ખબર છે નારદ ! એક દિવસ હું થોડી ઘણી વસ્તુઓ લેવા બહાર નીકળ્યો. મને એમ હતું કે હું તો ખુદ ભગવાન છું મારે માસ્કની શું જરૂર છે? એમ વિચારી માસ્ક પહેર્યા વિનાજ બહાર નીકળો તો પોલીસે મને પકડી લીધો. મેં એમને સમજાવવાના બહુ પ્રયાસ કર્યા પરંતુ એમણે મારી એક વાત ન માની. એ લોકો એ મને ડંડા મારવાના શરુ કર્યા. આખરે મેં મારી કરેલી ભૂલની માફી માંગી તો એમને થોડી દયા આવી અને મારી પાસે ૩૦ ઉઠકબેઠક કરાવી, બોલ !
આ બધું કરીને હું ઘરે ગયો તો લક્ષ્મીજી મારી રાહ જોઈને જ બેઠા હતા. ક્યાં હતા'થી શરુ કરીને સવાલો ચાલુ કર્યા બાપ રે બાપ ! હું તો થાકી ગયો. એ પછી લક્ષ્મીજી બનાવેલા લિસ્ટ પ્રમાણે વસ્તુઓ મેળવીને મુકતા હતા ત્યાં જ એમણે બૂમ પાડી. હું તો ડરી ગયો કે હવે શું થયું ? એક તો ઉઠક બેઠકના કારણે મારા પગમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો અને એમાં લક્ષ્મીજી જલ્દી આવો જલ્દી આવો એવી બૂમો મારતા હતા. માંડ માંડ હું રસોડામાં ગયો. ત્યાં તો લક્ષ્મીજી રીતસર મારી ઉપર તાડુક્યા કે એક તો તમે મોડું કર્યું અને એમાં પણ કેપ્સિકમ ભૂલી ગયા ? હવે હું સંજીવ કપૂરની વાનગી કેવીરીતે બનાવીશ ? એક કામ તમે સરખું ન કરો ભાઈસાબ ! હવે પાછા જાઓ અને કેપ્સિકમ લેતા આવો. બોલો ! હું કંઈ સુપરમેન થોડી છું કે ઉડી ને જાઉં અને પોલીસ ને ન દેખાઉં. એ દિવસે તો એમને માંડ માંડ સમજાવ્યા."
"અરેરેરે પ્રભુ ! મને તો તમારી દયા આવી ગઈ. આવું હતું તો મને બોલાવાય ને."
"અરે નારદ શું બોલવું તમને ? ઘરનું કામ કરી કરીને લક્ષ્મીજી એનો બધો ગુસ્સો મારી ઉપરજ ઉતારતા. એ એની જગ્યા એ સાચા પણ હતા. આપણને એવું લાગે કે સ્ત્રીઓને ઘરમાં શું કામ હોય છે પણ નારદ હવે સમજાણું કે સ્ત્રીઓને કેટલું કામ હોય છે ? એ પછી મેં મારી અડોશ પાડોશમાં તપાસ કરી કે 'શું મારીજ હાલત આવી છે?' 'બીજા લોકો કેવું અનુભવે છે ?'
તપાસના અંતે મને ખબર પડી કે મારી હાલત કરતા પણ બીજા લોકોની હાલત વધુ ખરાબ છે. હું ખોટો હતો એ બાબતે કે મનુષ્ય તો હવે ઘરમાંજ છે અને આરામ જ ફરમાવે છે. સ્ત્રીઓ રસોઈ અને ઘરકામમાં વ્યસ્ત છે. પુરુષો એમને મદદ કરવામાં વ્યસ્ત છે. દાદા-દાદીઓ રામાયણ, મહાભારત અને એમના જમાનાની સિરિયલ જોવામાં વ્યસ્ત છે. બાળકો રમવામાં, ઓનલાઇન ક્લાસીસમાં વ્યસ્ત છે. આ બધામાંથી જો ટાઈમ વધે તો સગા-વહાલાઓને ફોને કરવામાં વ્યસ્ત છે.
નારદ, આમાં મનુષ્ય પાસે મારી ભક્તિ કરવાનો સમયજ નથી અને હવે એ બાબતે મને કોઈ ફરિયાદ પણ નથી."
"જોયું પ્રભુ, આપણને બીજાની તકલીફ ત્યારે જ સમજાય જયારે આપણે એની જગ્યાએ હોય. પણ પ્રભુ, હવે તો તમે પણ માનો છો ને કે મનુષ્યોને આ વાયરસ થી અત્યંત તકલીફ પડી રહી છે. હવે તમે જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકો એમ છો. પ્રભુ, કૃપા કરી મનુષ્યોને આ મહામારીમાંથી મુક્તિ અપાવો."
"નારદ, એ મારા હાથની વાત નથી."
"અરે પ્રભુ, એવું કેમ બોલો છો તમે ?"
"હા નારદ, જો ઘટતી ઘટનાઓ નું સંપૂર્ણ સંચાલન મારા હાથમાં હોત તો તો દ્રૌપદીના વસ્ત્ર હરણથી લઈને મહાભારતના યુદ્ધ જેવી અનેક ઘટનાઓ બનીજ ન હોત. જે કાળે જે જે થવાનું લખ્યું છે એ તો થઇ નેજ રહેશે."
"પરંતુ પ્રભુ, તમે જ તો કહ્યું હતું ને કે આ વાયરસની માહિતી તમને બ્રહ્માજી એ આપી ન હતી એ ગૂંચ હજી સુધી ઉકેલાઈ નથી."
"હા નારદ, મેં બ્રહ્માજી સાથે આ બાબતે ચર્ચા કરી લીધી છે. હકીકતમાં તો આ વાયરસ હજી ૧૦ વર્ષ પછી પૃથ્વી ઉપર મુકવાનો હતો પરંતુ ચિત્રગુપ્ત અને યમદૂતની ગંભીર ભૂલના કારણે અત્યારે પૃથ્વી ઉપર આવી ગયો."
"પ્રભુ, કેમ ૧૦ વર્ષ પછી?"
"હા નારદ, ૧૦ વર્ષ પછી આ પૃથ્વીની દશા વધુ ખરાબ થવાની હતી. ચારેબાજુ પ્રદુષણ જ પ્રદુષણ fફેલાઈ જવાનું હતું. અત્યંત આધુનિક ઉપકરણોના કારણે મનુષ્ય પરિવાર સાથે રહેવા છતાં પણ એકલો થઇ જવાનો હતો અને એવું તો બીજું ઘણું બધું.
પૃથ્વી ઉપર અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ ૧૦ વર્ષ પછી આવી હોય તો પ્રદુષણ ઓછું થઇ જાત, મનુષ્યને પરિવારની કિંમત સમજાય. મનુષ્ય હંમેશા જે પરિસ્થિતિમાં હોય છે એમાં એ રડ્યા જ કરતો હોય છે. લોકડાઉનની પરિસ્થિતિમાં એને પોતાની વાસ્તવિક પરિસ્થિતિની કિંમત સમજાત.
૧૦ વર્ષ પછી પૃથ્વી ઉપર બધા દેશો કોઈને કોઈ બાબતે પોતે ચડિયાતા છે એમ સાબિત કરી યુદ્ધ કરવા સાથે પૃથ્વીનો વિનાશ કરવા માટે તૈયાર જ હશે. આ વાયરસના પરિણામે અનેકતામાં એકતા એ મંત્રનો મર્મ સમજી આ વાયરસ સામે એક થઈને જેમ અત્યારે એકબીજાની મદદ કરી રહ્યા છે એમ કરતા હોત.
આમ આવા ઘણા બધા કારણોથી ૧૦ વર્ષ પછી આ વાયરસ પૃથ્વી ઉપર મોકલવાનો હતો.
તમે જયારે અત્યંત ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાઓ ત્યારે જ તમને સારા સમયની કદર શકે છે. પૃથ્વી ઉપર અત્યારે તો સમય સારો જ ચાલી રહ્યો હતો એટલે અત્યારે તો વાયરસ મોકલવાનો ન હતો."
"પરંતુ પ્રભુ, હવે પૃથ્વી વાસીઓ ઉપર થોડી કૃપા કરો અને એમને આ વાયરસથી મુક્તિ આપો."
"નારદ, મેં તમને કહ્યું ને કે દરેક વસ્તુ મારા હાથ માં નથી હોતી. આ વાયરસ એટલે કે પ્રોબ્લેમ તો બ્રહ્માજી એ શોધી કાઢ્યું પણ એનું સોલ્યૂશન બાકી છે. કેમ કે આ વાયરસને પૃથ્વી ઉપર પહોંચવાને ૧૦ વર્ષનો સમય બાકી હતો. પરંતુ નારદ, સમય ને સમય નું કામ કરવા દો. મને ખાતરી છે કે મનુષ્ય આનો ઉપાય ચોક્કસ શોધી કાઢશે."
"નારાયણ, નારાયણ! આમ કહી નારદ અદ્રશ્ય થઇ જાય છે અને પ્રભુ ધ્યાનમાં લીન થઇ જાય છે.