Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Natvar Pandya

Comedy Drama Inspirational

4  

Natvar Pandya

Comedy Drama Inspirational

ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણ

ધોતિયું ધારણ કરવાનાં ધારા-ધોરણ

8 mins
15K


એક સુંદર યુવતી બસમાં ચડતી હતી. બરાબર તેની પાછળનાં પગથિયે ધોતિયું પહેરેલા એક વડીલ પણ બસમાં ચડતાં હતાં. એકાએક વડીલે બૂમ પાડી, “બહેન, હવે તમે જો એક ડગલું પણ આગળ વધશો તો ન થવાની થશે !” યુવતીએ ફરીથી પગથીયું ચડવા પગ ઉપાડ્યો. વડીલે ફરીથી બુલંદ સ્વરે બૂમ પાડી, એ જ ચેતવણી આપી. યુવતી અટકી ગઈ અને ખીજાઈને બોલી, “હું આગળ પગલું ભરું તેમાં તમને શો વાંધો છે, ક્યારનાં બૂમો શું પાડો છો! હું તો આ ચાલી.”

ત્યારે વડીલે ખુલાસો કર્યો કે, “બહેન, મારું ધોતિયું તમારાં સેન્ડલમાં ભરાઈ ગયું છે. હવે તમે આગળ વધશો તો હું શુકદેવજી સ્વરૂપ થઈ જઈશ!.”

ટૂંકમાં ધોતિયું પહેરનારે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે ધોતિયું ક્યાંય ભરાઈ ન જાય અથવા પોતે ક્યાંય ભેરવાઈ ન જાય. નરવસ્ત્રોની દુનિયામાં ધોતીયાએ વરસો સુધી એકચક્રી શાસન કર્યું છે. કારણ કે ધોતિયું કોઈપણ સંજોગોમાં સાનુકુળ વસ્ત્ર છે. આમ છતાં ધોતિયાની મોનોપોલી તૂટી રહી છે. આ વાત પેલાં રોકડિયા ગીતોમાં પણ વ્યક્ત થાયછે કે, “મારે પેન્ટવાળાને પૈણવું’તું, ધોતિયવાળો ગમતો નથી.” જોકે, હવે એનાથી આગળ વધેલા ગીતોમાં એમ પણ ગવાય છે કે, “મારે 4G વાળાને પૈણવું’તું, 2G વાળો ગમતો નથી.” જો કે હવે તો યુવાન પાસે 3G હોય કે 4G પણ પૈણાવવા માટે તો દીકરીનાં બાપને જ આજીજી કરવી પડે છે.

ખેર...આપણા દેશમાં વૈદિક યુગથી માંડીને છેક બ્રિટીશશાસન સુધી ધોતિયાની બોલબાલા રહી છે. કારણ કે, ધોતિયાને ખરીદીને ધારણકારો ત્યાં સુધીમાં વચ્ચે ક્યાંય દરજી આવતો નથી. ધોતિયું ફેક્ટરીથી ડાયરેકટ શરીર સુધી આવી જાય છે. દિવાળી વખતે અન્ય કપડાંની ખરીદી બહુ વહેલી કરવી પડે છે પણ ધોતિયું તો તમે દિવાળીની રાતે ખરીદીને પહેરી શકો છો. વળી, આજ સુધીમાં રેમન્ડ, દિગ્જામ કે, ઓન્લી વિમલ જેવા બ્રાન્ડેડ ધોતિયા બજારમાં આવ્યા નથી. વળી પાર્ટીવેર ધોતિયું કે, ફોર્મલ ધોતિયું એવા કોઈ પ્રકાર નથી. આમ ધોતિયું ફોર્મલ છે અને નોર્મલ પણ છે.

ધોતિયામાં ક્યાંય વચ્ચે દરજી ન આવતો હોવાથી જ એ પહેરવું મુશ્કેલ છે. ત્યારે જ આપણને દરજીનું મૂલ્ય સમજાય. કારણ કે, નવોદિત ધોતિયા ધારકો માટે ધોતિયું પહેરવું જ નહિ પરંતુ સાચવવું પણ અઘરું છે. તેથી જ કોઈ વ્યક્તિએ જયારે પ્રસંગોપાત ધોતિયું પહેરવાનો વખત આવે છે ત્યારે, જે રીતે આર્યનારી પોતાનાં ચારિત્ર્યનું જતન કરે છે એ રીતે ધોતિય ધારક ધોતિયાનું જતન કરે છે. નહીં તો ગમે ત્યારે ધોતિયાનું પતન થઈ શકે છે. કારણ કે, ધોતિયું પહેરો ત્યારે પરિસ્થિતિ એકદમ પ્રવાહી હોય છે. તેથી જ પ્રસંગોપાત ધોતિયું પહેરનારનો એક હાથ તો હંમેશા ધોતિયાને ધોરણસરની સ્થિતમાં રાખવામાં જ રોકાયેલો હોય છે. કારણ કે વખત આવ્યે સામી છાતીએ લડવા જવું સહેલું છે પણ ધોતિયું પહેરી સામા પવને ચાલવું બહું અઘરું છે. પવન સુસવાટાં મારતો હોય અને જાતકે ધોતિયું પહેરીને સામા પવને ચાલવું જ પડે તેમ હોય ત્યારે જાતકની સ્થિતિ ‘ચૂંદડી ઓઢું ઓઢું ને ઉડી જાય’ જેવી હોય છે.

કહેવાય છે કે ‘કફન મેં જેબ નહિ હોતી ઓર ધોતી મેં ચેઈન નહિ હોતી.’ જોકે એ જ સૌથી મોટી સમસ્યા છે. ધોતિયામાં ચેઈન નથી હોતી. કારણ કે કફન તો માણસે એક વાર જ ઓઢવાનું હોય છે. વળી ઓઢ્યા પછી પણ તેને સરખું જાળવવાની જવાબદારી ઓઢનારની નથી હોતી. પણ ધોતિયામાં તો સંપૂર્ણ જવાબદારી ધોતિયધારકની હોય છે. કહેવાય છે કે, ‘ગોર-મહારાજ લગ્ન તો કરાવી દે પણ સંસાર ન ચલાવી દે.’ એવું ધોતિયમાં છે. ગોર-મહારાજ ધોતિયું પહેરાવી દે પણ ધોતિયા પર કાબુ રાખવાની સંપૂર્ણ જવાબદારી ધોતિયાધારકની હોય છે. એમાં શાસકપક્ષ પોતાની નિષ્ફળતા વિરોધ પક્ષ પર ઢોળે એવું થઈ શકતું નથી. કેટલીક વાર સ્થિતિ એવી થાય છે કે ધોતિયા પર કાબૂ રાખવામાં જ જાતક બેકાબૂ બની જાય છે. કાયમી ધોરણે ધોતિયું પહેરતાં હોવ તો વાંધો ન આવે, પણ ક્યારેક પ્રસંગોપાત ધોતિયું ધારણ કરવાનું હોય છે એટલે જ બધી બબાલ થાય છે. કહેવાય છે કે ભારતમાં બાદશાહને હાથી પર બેસાડવામાં આવ્યો અને હાથીને ચલાવવાં મહાવત બેઠો. મહાવતે જેવો હાથીને ચાલતો કર્યો કે તરત બાદશાહે કહ્યું કે, ”લાવ હાથીને હું જ ચલાવું.” ત્યારે મહાવતે કહ્યું, “હાથી કેમ ચલાવવો તે તમને ન આવડે, એ તો અમે મહાવત જ ચલાવી શકીએ.” આ સાંભળી બાદશાહ તરત હાથી પરથી નીચે ઉતરીને બોલ્યો., “જે પ્રાણીને હું મારી મરજી મુજબ ન ચલાવી શકતો હોવ તેના પર હું કદાપી સવારી નહિ કરું.’ પણ ધોતિયા બાબતે આપણે એવું કહી શકતા નથી કે “જે વસ્ત્ર હું જાતે પહેરી શકતો ન હોવ તે વસ્ત્ર હું કદાપી ધારણ નહિ કરું.” પ્રસંગ આવ્યે એ તો પહેરવું જ પડે છે. કોઈ વિધિ, હોમ-હવન, યજ્ઞ, શ્રાદ્ધ કે નારાયણ બલી જેવા પ્રસંગોએ જાતકે ધોતિયું પહેરવું જ પડે છે. કેટલીક વાર તો પુરોહિત્જીનાં કહેવા મુજબ યજમાને જયારે પિતૃદોષનિવારણ વિધિ વખતે ધોતિયું પહેરવું પડે છે. તેમાં પિતૃઓનું ટેન્શન તો દૂર થવું હોય ત્યારે થાય, પણ જ્યાં સુધી વિધિ ચાલે ત્યાં સુધી યજમાનને ધોતિયાનું ટેન્શન ભારોભાર રહે છે.

આજ સુધી પ્રસંગોપાત ધોતિયું પહેરનાર કોઈ એવો ધોતિયાં ધારક તમે નહિ જોયો હોય કે તેને એવો ગળા સુધી વિશ્વાસ હોય કે, આ ધોતિયું પહેર્યા પછી સાંજ સુધી ટકી રહેશે. જેમ અપક્ષોની ટેકે ટકેલી સરકારને સતત ટેન્શન હોય છે કે આપણી સરકાર ગમે ત્યારે ભાંગી પડશે. એ જ રીતે પ્રસંગોપાત ધોતિયું પહેરનારને સતત એ ટેન્શન રહે છે કે આ ધોતિયું ગમે ત્યારે દગો દેશે. ભલે જાતકનું ધોતિયું ઢીલું ન હોય છતાં તેનો જીવ તો ધોતિયે જ ચોંટ્યો હોય છે. જયારે ‘ધોતિયે’ ઢીલાં એવા ગુરૂઓ, બાપુઓ, સ્વામીઓને ધોતિયાનું ટેન્શન લેશમાત્ર હોતું નથી. જયારે કોઈ વિધિ ઉભા ઉભા કરવાની હોય અને ગોર-મહારાજ કહે કે, “હવે તમારા બંને હાથ જોડી રાખો અને હું કહું ત્યાં સુધી જોડેલા જ રાખજો!” ત્યારે જાતક હાથ જોડતાં પહેલાં બંને હાથ વડે ધોતિયાની સ્થિતિ ફરી એક વાર મજબૂત કરી લે છે. જયારે જયારે તે આમ ધોતિયા પર હાથ નાખે છે. ત્યારે ત્યારે તેને “કંઈક ગરબડ થઇ છે એવો ભાસ થાય છે.. કેટલીક વાર ધોતિયું સ્થાનભ્રષ્ટ થઈ નીચે ઉતરી ગયું હોય એવું લાગે છે. એટલે તે ગોર-મહારાજની આજ્ઞા મુજબ હાથ જોડતાં પહેલાં ધોતિયાને જરા ઉપર ખેંચી મૂળ સ્થાને લાવે છે. કેટલીક વાર ધોતિયાની ગાંઠને જરા કસીને ફરીથી ટાઈટ કરી લે છે. આમ ધોતિયાનું પણ તબલા જેવું હોય છે. જેમ કોઈ કાર્યક્રમમાં એકાદ કલાક સંગીતનો કાર્યક્રમ ચાલ્યાં પછી વચ્ચે થોડો રેસ્ટ આવે એટલે તરત જ તબલાવાદકને થાય છે કે તબલું જરા ઉતરી ગયું છે. એટલે તેની ચારે બાજુ ટકોરા મારીને તબલું ચડાવે- એવું જ ધોતિયાનું છે. દર અડધા કલાકે ધોતિયાં ધારક ધોતિયાને ધોરણસરની સ્થિતિમાં રાખવાનાં પ્રયત્નો કરતો રહે છે.

નવાં જાતક માટે ધોતિયાનું સૌથી મોટું ભયસ્થાન છે ધોતિયાની ગાંઠ! કેમેય કરીને તેને ધોતિયાની ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી અને જ્યાં સુધી ગાંઠ પર શ્રધ્ધા બેસતી નથી ત્યાં સુધી, ભગવાનમાં પણ શ્રધ્ધા બેસતી નથી. કારણ કે તેનો જીવ ગાંઠે જ વળગેલો હોય છે. તેને થાય છે કે પ્રિયતમા સાથે બબ્બે ત્રણ ત્રણ વરસ સુધી બંધાયેલી પ્રેમની ગાંઠ પણ છૂટી જાય છે, સગા-સંબંધીઓ સાથેની વરસો સુધી સંબંધોની જૂની ગાંઠ પણ છૂટી જાય છે. તો આ ધોતિયાની ગાંઠનો શો ભરોસો! એટલે જ, તે વારંવાર ગાંઠની વફાદારીને ચકાસતો રહે છે. જાતક આટલેથી જ અટકતો નથી. ધારો કે, ધોતિયાધારી યજમાને આખો દિવસ હવનમાં હાજરાહજૂર રહેવાનું હોય ત્યારે તેમાં બપોરે ફરાળ માટે રીસેસ પડે અને તે ફરાળ માટે રસોડામાં જાય ત્યારે ફરી એક વાર પેલી ગાંઠને આખે આખી છોડી તેને વધુ ટાઈટ બાંધી નિર્ભય બની જાય છે. પણ આ નિર્ભયતા ઝાઝું ટકતી નથી. કેટલાક જાતકો આવા રીસેસ ટાઇમ દરમિયાન ખુદ ગોર-મહારાજને બોલાવીને ધોતિયાધારણની વિધિ ફરીથી એકડે એકથી કરાવે છે. અને ધોતિયાને પોતાની જરૂરિયાત મુજબ ઢીલું કે ટાઈટ કરાવે છે.

પ્રસંગોપાત ધોતિયું પહેરવાનું થાય ત્યારે તેને પહેરાવનારની જરૂર પડે છે. આવો ધોતિયું પહેરાવનાર એવો હોવો જોઈએ કે જેના પર જાતકને અપાર શ્રદ્ધા હોય. વળી ધોતિયું પહેરાવનાર પોતાના કાર્ય પ્રત્યે પૂરે પૂરો ગંભીર હોવો જોઈએ, નહિ તો તેના માઠા પરિણામો ધોતિયું પહેરનારે ભોગવવા પડે છે. એમ તો પ્રસંગોપાત ટાઈ પહેરવાની, કોઈ પણ પ્રસંગે સાફો બાંધવાની જરૂર પડે ત્યારે તજજ્ઞોની જરૂર પડે છે. આપણને જાતે ટાઈ બાંધતા કે સાફો બાંધતા ફાવતું નથી. આમ છતાં તેમાં બહુ ટેન્શન હોતું નથી. ધારોકે સાફાનો કર્તા પોતાના કાર્ય પ્રત્યે પૂરેપૂરો ગંભીર ન હોય તો બહુ બહુ તો માથા પરથી સાફો પડી જાય કે ડોકમાંથી ટાઈ નીકળી જાય. તેથી લોકો કદાચ થોડું ઘણું હસે. પણ જો ધોતિયામાં આવું થાય તો ફજેતો થઈ જાય. તેથી જે કંઈ પણ થોડી ઘણી આબરૂ બચી હોય તેના પણ કાંકરા થઈ જાય. જોકે, ધોતિયાની દુર્ઘટનાને આબરૂ સાથે કઈ લેવા દેવા નથી. આમ છતાં લોકોએ તેને આબરૂ સાથે જોડીને તેની ગંભીરતા વધારી દીધી છે. આ દુર્ઘટના નજરો નજર નિહાળનાર લોકો કદાચ એવું બોલે કે આ સાલો પોતાનું ધોતિયું સાચવી શકતો નથી એ સંસાર કઈ રીતે સાચવશે.

કોઈ દુકાને આપણે શાલ ખરીદવા જઈએ ત્યારે દુકાનવાળો આપણને પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે કોઈને ઓઢાડવાની છે. તેમાં પણ ટોપી જેવું છે. જેમ ટોપી પહેરવાની અને પહેરાવવાની જુદી જુદી હોય છે, એ રીતે ઓઢાડવાની શાલ ઘણી સસ્તી, આછી અને વધુ ચમકદાર હોય છે. એ જ રીતે દુકાને ધોતિયું ખરીદવા જઈએ ત્યારે દુકાનદાર પૂછે છે કે તમારે પોતાના માટે જોઈએ છે કે ગોર-મહારાજને આપવાનું છે. આપને કહીએ ગોર-મહારાજને આપવાનું છે. તો એ ધોતિયું પ્રમાણ માં સસ્તું અને કંઇક અંશે પારદર્શક હોય છે. તેથી આવું ધોતિયું પહેરી જાતકે સવાર સાંજ સૂર્યપ્રકાશમાં ઉભા રહેવું હિતાવહ નથી.

કેટલાક વિધિ વિધાન વખતે ધોતીયાભેર નદીમાં સ્નાન કરવાનું હોય છે. ત્યારે પણ જાતકની કસોટી થાય છે. કારણ કે, ધોતિયાને પાણી અને પવન સાથે બહુ બનતું નથી. જો એ વખતે પાણીમાં ઉભા રહીને બંને હાથે પૂજા કરવાની હોય અને એકય હાથ નવરો ન હોય ત્યારે ધોતિયું પોતાની નૈતિક ફરજ ચુકીને પાણીની સપાટી પર તરવા લાગે છે. અલબત તેને જાતક સાથે સાવ છુટાછેડા લીધા હોતાં નથી. પણ અહી ધોતિયું રિસાઈ ને પિયર ચાલી ગયેલી પત્ની જેવી ભૂમિકામાં હોય છે. તે જાતક સાથે બંધાયેલું હોવા છતાં જાતકથી ઘણું દૂર હોય છે. આ રીતે તે દૂર રહીને જ પત્નીની જેમ પોતાનું મુલ્ય સમજાવે છે. અનુભવી લોકો પાણીમાં ઉતરતાની સાથે જ ધોતિયાને બે પગ વચ્ચે દબાવી દેતા હોય છે. એટલે થોડી વાર પછી ધોતિયું બળવો કરવાનું છોડી ને શરણે થઈ જાય છે. પણ નવોદિત જાતકો સામે ધોતિયું અચૂક બળવો પોકારે છે. અને બંને હાથ પૂજામાં રોકાયેલા હોય ત્યારે વ્યક્તિ મનોમન ‘મારી પત રાખો ગિરધારી એવું ગાવા લાગે છે.’

બીજી બાજું ગમે તેવો પવન ફૂંકાતો હોય છતાં ધોતિયું ધારણ કરી બંને હાથ વડે તમાકું ચોળતા-ચોળતા કોઈ કર્મકાંડી ભૂદેવ ઝડપથી ઉપરાંત મક્કમ ગતિએ પગલા ભરી રહ્યા હોય ત્યારે તે બ્રાહ્મણ પણ આપણને માન થઈ આવે છે. આમ તો પુરૂષોએ કોઈ વસ્ત્ર પહેર્યા પછી કઈ રીતે ઉઠવું, બેસવું તેની તાલીમ લેવી પડતી નથી. પણ નવોદિત ધોતિયાં ધારકો માટે આવી તાલીમ જરૂરી છે. કારણ કે, જાહેર જનતાનાં હિતમાં ધોતિયાધારકે ધોતિયું ધારણ કરવાનાં અમુક ધારા-ધોરણો પાળવા જરૂરી બને છે.


Rate this content
Log in

More gujarati story from Natvar Pandya

Similar gujarati story from Comedy