Natvar Pandya

Abstract Drama Tragedy

2  

Natvar Pandya

Abstract Drama Tragedy

ચહેરો: વાંચવા જેવી કિતાબ

ચહેરો: વાંચવા જેવી કિતાબ

5 mins
7.8K


પેલું ગીત યાદ હશે, ‘જબભી જિ ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ એક ચહેરે પે કઈ ચહેરે લગાતે હૈ લોગ.’ અહીં જે ચહેરાની વાત છે તે પણ મુખવટા પહેર્યા વિનાનાં ચહેરાની જ વાત છે. માણસ પોતાનાં ચહેરા પર અનેક ભાવો લાવી શકે છે તમને ખબર જ ન પડે કે તેની અંદર શું ચાલી રહ્યું છે. એટલે શું છે કે, કિતાબ તો જે છપાયેલું હોય તે વંચાવે પણ ચહેરો વાંચતા શીખવું બહુ અઘરું છે. ભલભલા તેમાં થાપ ખાઈ જાય. ન માનો તો આં વાચો.એમાં એવાં ન સમજાતાં ચહેરા વિશે થોડી સમજ પાડવામાં આવી છે. તમે એ વાંચવું શરૂ કરો, અમે તમારો ચહેરો વાંચીશું.

રાત્રે બે વાગ્યે મેં અને મારા મિત્રએ એક માણસને તેના ઘરમાં હસતો હસતો ચા પિતા જોયો. જેવો ચા પીને બહાર નીકળ્યો ત્યારે તેનું મોઢું દર્શનીય રહ્યું ન હતું. એટલે કે ચડી ગયું હતું. એટલે બગડેલું હતું. મેં મિત્રને પૂછ્યું ‘આમનું મોઢું બગડવાનું કારણ શું?’ મિત્રે કહ્યું, ‘ચા માટેનું દૂધ બગડી ગયું હશે.’

‘ના, એ તો હસતો હસતો ચા પીતો હતો.’

‘તો પછી એની પત્નીએ વડચકું ભર્યું હશે.’

‘તેની પત્ની તો ઊંઘે છે. ઊંઘતા ઊંઘતા વડચકું ભારે એવી પત્નીને ક્યાંય જોઈ નથી!’

‘તો પછી ચા પીધા પછી મોઘવારીનો વિચાર આવ્યો હશે. અને રાત્રે બે વાગ્યે આ રીતે દૂધ, ચા, ખાંડ બગાડવા બદલ તેમાં ચહેરો બગડ્યો હશે. મિત્ર બોલ્યો.

મેં કહ્યું, ‘એમ પણ નથી.’

‘તો પછી છે શું? તું બતાવ.’ મિત્રે મોઢું બગાડીને કહ્યું. અંતે મારે કહેવું પડ્યું કે અત્યારે તેની પાસે બીડી ખલાસ થઇ ગઈ છે. બીડી નથી અને આવડાં નાનકડાં ગામમાં રાત્રે બે વાગ્યે કોઈ દુકાન ખુલ્લી હોય નહિ. તેના માટે તો ચા અને બીડી શોભે. એ જ રીતે એકલી ચા નકામી, બીડીનો ટેકો તો જોઈએ જ. તેથી તેનું મોઢું બગડીને ડાચું થઇ ગયું છે.

‘તે કેવી રીતે જાણ્યું?’ મિત્રે પૂછ્યું.

‘ચહેરો વાંચીને!’

ત્યારે મિત્ર આશ્ચર્યચકિત થઈને બોલ્યો, ‘લોકોનાં ચહેરા વાંચવાનું તું કઈ નિશાળમાં ભણ્યો?’

મનુષ્યનો ચહેરો જ એક કિતાબ છે, વાંચવા જેવી. ચહેરાથી આગળ વધીને છેક દિલ સુધી પૂછ્યા-ગાંઠ્યા વગર પહોંચી જનારા વળી દિલને જ એક કિતાબ સમજે છે અને રસપૂર્વક વાંચે છે. (બીજાની)

જગજીતસિંઘે ગાયેલી ગઝલમાં પણ કંઈક આવું જ કહ્યું છે... ‘દિલ સે બહેતર કોઈ કિતાબ નહિ.’ આમ ચહેરો પણ એક કિતાબ છે, પુસ્તક છે. જો વાંચવામાં રસ પડે તો (એટલે તો પુસ્તક મેળામાં પણ કેટલાંક લોકો દિલની કિતાબ વાંચવા જોવા મળ્યા હતા.) જો ચહેરાઓ વાંચવાની કોશિશ કરશો તો તેમાંથી ગહન બાબતો જાણવાં મળશે. કોઈનો ચહેરો વાંચીએ અને તે સાવ નંખાઈ ગયેલો લાગે ત્યારે આપણે વિચારીએ કે તે શા માટે ઉદાસ હશે? સૌ પ્રથમ તો એવો વિચાર આવે કે તે કોઈ ભગ્નહૃદયી આત્મા છે અને પ્રેમમાં તેનું ધોવાણ થયું લાગે છે. પણ જો ચહેરો વાંચવાનું લાંબો અનુભવ ધરાવતા હશે તો ખ્યાલ આવશે કે તેનું પ્રેમમાં નહિ પણ શેરબજારમાં ધોવાણ થયું છે. કારણ કે આપણે ત્યાં ઘણાં લોકો એવાં છે કે જેમને એક માત્ર શેરબજાર જ ખુશ કે ઉદાસ બનાવી શકે છે. તેથી કેટલાંક ચહેરાઓ જ ખુદ બજાર બની ચુક્યા હોય છે. તેથી બજારમાં થતી વધઘટ સીધી જ ટીવી અને છાપાની જેમ જ તેના ચહેરા પર પણ વાંચવા મળે છે. ઘેર બાળકો અને પત્નીના ચહેરાને તે વાંચી શકતો નથી કારણ કે લાગણીની લીપી વાંચવાની તેને ક્યારેય કોશિશ કરી હોતી નથી. વળી કેટલાંક ચહેરાઓ પર કાયમી ધોરણે ઉદાસી છવાયેલી હોય છે અને એની સાઈડ ઇફેક્ટ આજુબાજુવાળા સૌને થાય છે. આવાં લોકોનાં ચહેરાં એક કરૂણ નવલકથા જેવો હોય છે. એટલે તેને વાંચનાર પણ સરવાળે ગમગીન થઇ જાય છે. ભલભલી મોજ શોખ સભાઓને શોકસભામાં ફેરવી નાખવાની ક્ષમતા તે ધરાવે છે. તેમની ઉદાસી માટે કોઈ કારણ હોતું નથી. ઉદાસી એમનાં માટે ગોડ ગીફ્ટ હોય છે. અને તે ગીફ્ટ તેમના તરફથી સૌને મળે છે. કેટલાંક ચહેરાઓને દુરથી વાંચતા તે ખુશખુશાલ જણાય છે. પણ એકદમ તેમની નજીક જઈ બિલોરી દ્રષ્ટિથી વાંચીએ તો ખુશ દેખાતા ચહેરા પર ખરેખર ખુશી જણાતી નથી. આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? ખુશીનાં ખેલ બતાવવા ચહેરા પર ખરેખર ખુશી કેમ નથી? તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરતા સમજાય છે કે ખરેખર દિલથી ખુશ થયેલો નથી. પણ પુસ્તક મેળામાંથી ખરીદેલું પુસ્તક ‘ખુશ રહેવાના દસ સચોટ ઉપાયો.’ વાંચીને તેમાંના પહેલાં સચોટ ઉપાય તરીકે તે ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આમ પુસ્તકનો નશો તેના ચહેરા પર સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. આજ કાલ આવાં તરત જ નશો ચડે, કીક લાગે તેવા પુસ્તકો ઘણા મળે છે અને તેના પરિણામો ચહેરા પર વાંચવા મળે છે.

કેટલાંક ચહેરાઓ વિશેષાંકો જેવાં હોય છે. જેમાં હંમેશા કંઈક વિશેષ ભાવો વાંચવા મળે છે. પણ જેમ વિવિધ પ્રકારનાં વિશેષાંકોથી આકર્ષાઈને વાંચીએ તો ખબર પડે કે આમાં વિશેષ જેવું કશું નથી. પરંતુ જે શેષ બચ્યું હોય છે તે બધું એકઠું કરી તેની ભેળ બનાવી વિશેષાંક તરીકે ચહેરાઓમાં કોઈ વિશેષતાં હોતી નથી. તેમની સાથે માંડીને વાત કરીએ તો પણ બધાની જેમ મોંઘવારી અને મંદીના પાટે ચડી જાય છે.

કેટલાંક ચહેરાઓ હંમેશ ગૂંચવાયેલા, મૂંઝાયેલા લાગે છે. તેમના ચહેરા પર મૂંઝવણનાં ભાવો વાંચને વાચક પોતે મૂંઝાઈ જાય કે આ ભાઈને શાની મૂંઝવણ હશે? ‘જગતમાં દુઃખ છે તો દુઃખનો ઉપાય છે’ એવું ભગવાન બુદ્ધે કહ્યું છે. તેથી તેની મૂંઝવણનો ઉપાય બતાવીને આપણે પણ પરમાર્થ કરવા પ્રેરાઈએ છીએ. પણ મહામહેનતે તેનું મોં ખોલાવ્યા પછી જાણવા મળે છે કે તેની મૂંઝવણ તો સામાન્ય છે, પણ હરતા ફરતાં તજજ્ઞોએ તેના જે ઉપાયો બતાવ્યા છે તેમાંથી કયો ઉપાય અજમાવવો એજ તેની સૌથી મોટી મૂંઝવણ છે. જે તેના ચહેરા પર અલગ રીતે વાંચી શકાતી નથી. આવી મૂંઝવણનો વધુ એક સચોટ ઉપાય બતાવીને આપણે તેની મૂંઝવણમાં યથાશક્તિ વધારો કરીએ છીએ.

કેટલાંક ચહેરા પર શિયાળાની કાતિલ ઠંડીમાં પણ આપણે ઉકળાટનાં ભાવો વાંચી શકીએ છીએ. આવા ચહેરા જરા ખીજયેલો અને ગરમ દેખાય છે. આમ છતાં તેની નજીક રહેનારની ઠંડી તે દૂર કરી શકતો નથી. પણ તેમનો ઉકળાટ ઘરનાં સભ્યોને રઘવાયા કરી મૂકે છે. તેથી ઘરમાં બધા રાહ જોતા હોય છે કે તેઓશ્રી વહેલી તકે ઓફિસે કે કામધંધે જવાં માટે વિદાય લે. તો સારું ક્યારેક તેનો ઉકળાટ સામે પત્ની કકળાટ કરે છે ત્યારે ઉકળાટ ઔર વધે છે. પછી તો તેના પર ચાની તપેલી મુકો તો ચા બનવી શકાય એવો ઉકળાટ હોય છે. પણ ‘ઉકળાટ શાંત પાડવા આઠ અનોખા ઉપાયો’ એવું પુસ્તક હજુ સુધી જોવામાં આવ્યું નથી.

જયારે કેટલાંક ચહેરા ખૂબ ગંભીર હોય છે. ફોન કંપનીની જાહેરાતોનાં પાટિયાની જેમ તેમના ચહેરા પર ગમે તેટલે દુરથી અને ગમે તે સ્થળ ગંભીરતા વાંચી શકાય છે. અગાઉ પણ લખી ચુક્યો છું કે ‘ગંભીરતા એ ચહેરા પર નહિ પણ કાર્યમાં બનાવવાની ચીજ છે. એવાં જાતકનાં ચહેરા પર ગંભીરતાની ગઝલો વાંચીને આપણા હૈયામાં ઉઠેલી હઝલ વરાળ બનીને ઉઠી જાય છે.તેઓ ગમે તે પ્રસંગે ગંભીરતાને અકબંધ રાખી શકે છે. તેમની ગંભીરતા અનબ્રેકેબલ હોય છે.

તેઓ હાસ્યનાં કાર્યક્રમો પણ ગંભીરતાથી સાંભળે છે એમ નહિ પણ કાર્યક્રમ દરમિયાન ગંભીરતાને જાળવી રાખે છે. હાસ્ય લેખક કે કલાકાર તેનું કામ કરે છે. પોતાનાં વક્તવ્યોમાં પણ તેઓ ગંભીર બોધ કરે છે. તેમનાં બોધ પછી આખી સભાનાં ચહેરા પર ગંભીરતા વાંચવા મળે છે. પણ તેમાં કેટલાંક લોકો મૂછમાં કે હોઠમાં હસતા હોય છે. ખરેખર તો એ ભાવો વાંચવા જેવાં હોય છે. જો વાંચતા આવડે તો! અને ફિલ્મવાળા ભલામણ કરે છે કે ‘દિલકો દેખો ચહેરા ન દેખો...’આપણે શું કાંઈ એક્સ-રે મશીન છીએ!


Rate this content
Log in

Similar gujarati story from Abstract