Natvar Pandya

Abstract Comedy Drama

3  

Natvar Pandya

Abstract Comedy Drama

ખોવાયા છે નેતાશ્રી !

ખોવાયા છે નેતાશ્રી !

5 mins
14.6K


નેતાઓ જબરા હોય છે, તેઓ નેતા બન્યા પછી યાને સરકારી રીતે ચૂંટાયા પછી આપણી નજર સામે જ ખોવાઈ જવાનો એવો કસબ ધરાવે છે કે, તમને જ્યાં સુધી બીજી ચૂંટણી ન આવે ત્યાં સુધી દેખાય જ નહિ! ખરેખર મિસ્ટર ઇન્ડિયા તો આ નેતા જ કહેવાય મિસ્ટર ઇન્ડિયા તો ખરા જ. મોગામ્બો પણ તેઓ જ છે. એવા નેતાઓ ખોવાય તો શોધવા કેમ? અહીં આપેલી વિગતો પ્રમાણે જો તમે શોધી શકો જણાવજો.

કેટલીક ચીજ ખોવાય ત્યારે લોકોને વસવસો થાય છે. તેને શોધવા પુન:પ્રાપ્ત કરવા લોકો ફાંફા મારે છે. જયારે કેટલીક ચીજો ખોવાય છે. ગુમ થઇ જાય છે ત્યારે લોકો તેની શોધાશોધ નથી કરતાં. આ બધુંજ જે તે ચીજની ઉપયોગીતા પર આધારિત છે. કંઈક એજ રીતે ચૂંટાયા પછી આપણા વિસ્તારમાંથી જે તે નેતા, જનતાનાં તારણહાર લગભગ ખોવાઈ જાય છે, આમ છતાં લાખો લોકોએ ગુમાવેલી ચીજની શોધખોળ ચલાવતા નથી, કદાચ 'લોકો ખાતર માથે દીવો’ કરવામાં નહિ માનતા હોય. વળી, એ ચીજમાં વિશિષ્ટતા એ છે કે (જો કે એમાં તો ઘણી વિશિષ્ટતાઓ છે.) પાંચ એ આપોઆપ મળી આવે છે એટલે કે પુન: પ્રાપ્ત થાય છે અને ફરી એકવાર મંચ પરથી લોકોને કહે છે કે...

‘તુમ મુઝે ભૂલ ભી જાઓ તો યે હક હૈ મેને તો મહોબ્બત કિ હૈ.’

અલબત્ત મહોબ્બત જરૂર કરી છે, પણ મન સાથે મન સિવાય એમને કોઈ મતલબ હોતો નથી. આ રીતે લોકો તેને ઓળખી જાય છે. પણ સામે ઘાટે ઘાટનાં પાણી પીને બેઠા હોય છે. એટલે દરવર્ષે ‘નઈ ઉમંગે નઈ કહાની’ લઈને આવે છે. એ લોકોને પણ ખ્યાલ છે કે બધુંજ ભૂલી જાય છે. એટલે ફરીથી નવી કહાની કામ કરી જાય છે. એ રીતે માનો કે કોઈ ખોવાયેલાં ધારાસભ્યશ્રી માટે જાહેરાત આપવામાં આવે તે કેવી હોય તે વિશે જરા... આછેરી ઝલક.

ખોવાયાં છે અમારા વિસ્તારનાં આમ જનતાનાં સેવક. પ્રજા વત્સલ નેતાશ્રી ‘લક્ષ્મીપ્રસાદ રોકડિયા’ કહેતાં જોકે કેટલાંક ‘હસવ ઉ’ જરા આગળનાં અક્ષરમાં લગાડી તેમનાં નામ થકી જ તેમનો ટૂંકો પરિચય આપી દેતા. એમનામાં જરા ‘નાંણા વગરનો નાથિયો’ કહેવત મુજબ ફેરફાર થયો પણ અટક તો એ જ હતી. કેટલાંક લોકો નામ જેવાં ગુણ હોય છે પણ અહીં લખુમા અટક જેવાં ગુણ વધારે હતાં. આમ અટક પરથી તેમનાં અટકચાળાનો અણસાર આવી જ પણ ચૂંટાયા પછી તેમણે તેમનું નામ લક્ષ્મીપ્રસાદ કરી નાખ્યું. જે ઉચિત હતું. કારણકે ત્યાર બાદ તેમને લક્ષ્મીનો પ્રસાદ લેવામાં રસ ન હતો. તેમનો વ્યવહાર ‘આજે રોકડાં ઉધાર કાલે’ વાળો હતો. આમ તો મૂળ અટક ‘લાંધણીયા’ હતી.

આ નેતાશ્રી જેઓ ચૂંટાયા પહેલા પાનનાં ગલ્લે, બસ સ્ટેશને, જિલ્લા પંચાયતે અનેકવાર મળી જતાં. આપણી એમને મળનારી ઈચ્છા ન હોવા છતાં ચાની લારી પર તેઓ જાતે ચાનો ઓર્ડર આપતાં અને છેલ્લે પૈસા બીજો કોઈ ચૂકવતો. આવા ચપળ, ચાલક, ઉત્સાહી પણ સરવાળે જડ વિચાર શક્તિ ધરાવતાં નેતાશ્રી છેલ્લા ચાર-ચાર વરસથી ગાયબ છે. રૂબરૂ તો ઠીક પણ હવે તો લોકોને સ્વપ્નમાં પણ નથી દેખાતાં. આમ થવાનું કારણ તેમના વચનો માનવામાં આવે છે. કારણકે અહીં ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ મુજબ વચનો જ ગયા છે.’ વળી પ્રાણ ગયાં છે તો તે બીજાના! તેમણે ચૂંટણી અગાઉ લોકોને એકાદ બે નહિ ‘બહુ-વચનો’ આપ્યા છે. જેમાંથી ભાગ્યેજ એકાદ બે પુરા થયાં છે. અન્ય કોઈ મુદ્દા તેઓ વચન-વિવેકી દેખાતા નથી. વળી બાકી રહેલાં વચનોમાંથી મોટા ભાગનાં તો જનતા ભૂલી ગઈ છે તેમ છતાં તેમણે એ વાત ગભરાવે છે કે આપણે ભાષણોમાં છુટા મોંએ જે વચનોની વર્ષા કરી હતી તે વચનો પ્રજા યાદ કરશે તો કરવું શું?

ચૂંટણી પહેલાં તેઓ લોકોને ઝુકી ઝુકીને સલામો કરતાં આમ સલામ કરવાની તેમની આદત એટલી બધી વકરી ગયેલી કે ઉત્સાહમાં તેમણે એક રખડતાં આખલાને અને બે ગધેડાંને પણ સલામ કરેલી કહેવાય છે કે તેની ગધેડા પર બહુ જબરી અસર થયેલી. વળી તેઓ પોતાને પ્રજાનાં સેવક તરીકે ઓળખાવતાં. વળી સેવક પહેલાં ‘અદનો’ એવું વિશેષ વાપરતાં. જનતાને તેઓ ફક્ત ‘જનતા’ નહિ પણ ‘જનતા જનાર્દન’ કહેતાં તેમણે આપેલાં વચનોથી પ્રેરાઈને એક મતદાતા છેક તેમણે મળવાં પાટનગર ગયેલો અને તેમણે આપેલું વચન યાદ કરાવ્યું ત્યારે, તેમણે મતદાતાને કડવાં વચનો કહી તેના પર પગરખાંનો છુટ્ટો ઘા કરેલો. આવા ગુમ થયેલાં નેતાશ્રીની વિશેષ વિગતો આ પ્રમાણે છે.

(૧) સ્વરૂપ, કદ અને આકાર:- પદાર્થની દ્રષ્ટિએ જોતાં તેમનું સ્વરૂપ ધન છે. પણ રાજકારણમાં તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે ગમે ત્યારે દિવાલ ઠેકી જાય. તેમને દુરથી જોતાં તેમાં માનવ-આકારનો ભાસ થાય. પણ આમ જુઓ તો એકદમ નિરાકાર! એટલે કે શીંગાડે ખાંડો ને પૂછડે બાંડો’ (કોઈ રીતે પકડાય નહિ) શારીરિક ઊંચાઈ લગભગ છ ફૂટ, પણ માનસિક ઊંચાઈ વ્યસ્ત પ્રમાણમાં, શરીર ભરાવદાર અને જાડું, ચામડી પણ જાડી, વળી શરીર અને બુદ્ધિ બંને સરખાં, વળી ટુંકી ગરદન, બાંડયાં કાન, વાન શ્યામ, રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિની જેમ માથાં ઉપર છુટ્ટા છવાયા વાળ. ઉપલાં જડબામાં આગળનાં ચાર દાંત જાહેર જનતાનાં લાભાર્થે મોં ની બહાર દેખાય એવા લાંબા દેખાડવાના અને ચાવવાના બંને જુદા, વળી દંત પંક્તિઓ એકદમ અછાંદસ ભગવાનનાં પોતાનાં આ સર્જન પર ખુદ ભગવાનનેય ભરોસો ન બેસે એવું અદ્દભુત સર્જન.

(૨) ખાસિયતો અને લક્ષણો: અહીં નેતાજીશ્રી નાં જે લક્ષણો વર્ણવવામાં આવ્યાં છે તે એકદમ વિશિષ્ટ પ્રકારનાં હોવાથી તેને અપલક્ષણો તરીકે પણ નોંધી શકાયાં. શારીરિક રીતે તેઓ દસમાં દેખાય એવાં મોમાં પાન ચાવવાની કાયમી ટેવવાળા. ચાવવાની ટેવ પાનથી લઈને ‘પાન ખાયે સૈયા હમારો’ ગીત વાગતું હોય તો બંધ કરવું પડે. વળી ‘સૈયા’ ની જગ્યાએ ‘ભૈયા’ શબ્દ મુકો તો વાસ્તવિકતાની વધારે નજીક લાગે. જાહેરમાં ભાષણ કરતા કરતા વાંસો ખંજવાળવાની ટેવ અને વાંસો પીઠ ખંજવાળતી વખતે તેમની મુખમુદ્રા અમાનુષ સ્વરૂપ ધારણ કરે. ભાષણ વખતે તેમણે સમય અને વિષય બંને જણાવી દેવામાં આવ્યાં હોવાં છતાં તેઓ વિસ્મુક્ત થઇ સમયની સરહદો ઓળંગી જાય છે. આ રીતે એમનાં ધારદાર વક્તવ્ય વળે તેમના વિરોધીઓને અને શ્રોતાઓને ઘાયલ કરી દે છે.

(૩) વ્યવસાય: લગભગ અનિશ્ચિત! પોતાનો મુખ્ય કે ગૌણ વ્યવસાય કયો છે તેનાથી પુરેપુરા અજાણ. આમ વ્યવસાય બાબતે પણ તેમની પરિસ્થિતિ એકદમ પ્રવાહી. હા, કોઇપણ વ્યવસાયમાં તેઓ લક્ષ્મીપ્રસાદ રોકડિયા છે, આ સિવાય તેમનાં વ્યવસાય વિશે કેટલીક ધારણાઓ બાંધી શકાય જેમ કે..

(૪) ધારણાઓ: સાવ નવરાશનાં સમયમાં ‘ગાંધી ચિંધ્યા રહે’ કોઇપણ મુદ્દે ઉપવાસ આંદોલન જગાવવું અને ધરણા કરવાં ગમે તેવા સુમેળ ભર્યા વાતાવરણને પણ ડહોળી નાખવું. શક્ય એટલાં સન્માન સમારોહ અને ઉદગાટનોમાં હાજરી આપવી. સરકારી કામનાં કોન્ટ્રાક્ટ લેવાં અથવા મળતીયાઓને અપાવવાં અને જો યોગ્ય વ્યક્તિને અપાયા હોય તો તે છટકાવવાં અને ભવિષ્યમાં આવી પડનારાં આક્ષેપો સામે અગાઉથી જ રદિયા તૈયાર કરવા.

ઉપરોક્ત ખાસિયતો, કદ, આકાર, સ્વરૂપ અને વ્યવસાય ધરાવનારાં અમારાં વિસ્તારનાં નેતાશ્રી લક્ષ્મીપ્રસાદ રોકડિયા છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ પણે ગાયબ છે. ટીવી કે છાપાઓમાં ક્યારેક તેમનું નામ સંભળાય છે, આમ છતાં તે ચોક્કસ પણે ક્યાં છે તે જનતા જાણી શકી નહિ. આવા નેતાશ્રીને શોધવામાં રસ ધરાવનાર પાર્ટીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. વહેલાં તે પહેલાંનાં ધોરણે તેમને શોધી કાઢવાનાં છે. આ શોધ પણ ભવિષ્યમાં એક મહાન શોધ તરીકે સ્થાન મળી શકે એવી શક્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract