Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Mariyam Dhupli

Comedy Inspirational Thriller


4.7  

Mariyam Dhupli

Comedy Inspirational Thriller


સુવર્ણકાળ

સુવર્ણકાળ

3 mins 1.4K 3 mins 1.4K

બાંકડા ઉપર બેસી એણે હાશકારો લીધો. બાળકો રમતના મેદાન ઉપર છૂટેલા ઘોડા માફક દોડી ગયા . સવારથી શરૂ થયેલી દોડધામ જાણે હમણાં થોડા સમય માટે શમી હતી . ફરીથી ઘરે પહોંચી હજી રાત્રિનું ભોજન તૈયાર કરવાનું હતું અને ટીવીનું રિમોટ બળજબરીએ ખેંચી બન્નેને પથારી ઉપર ચઢાવવાના હતા . 


દિવસ તો ઢળવા આવ્યો હતો પણ એનો દિવસ હજી ઢળતા ઢળતા ત્રણ કલાક માટે વધુ ખેંચાવાનો હતો . વેકેશન તો ફક્ત બાળકોનું હતું . પોતાના માટે તો એજ દિનચર્યા અને ઘરમાં રહેતા બાળકો ગુણાકાર કરીને વધારતા એક પછી એક કાર્યો . પતિની નિયમિત ઓફિસ અને એમનો સમય સાચવવાની ફરજ વળી જૂદી .


અઠવાડિયામાં ક્યારેક બહાર જઈ વિતાવવા મળતા કેટલાક કલાકો અને આ રમતગમતના મેદાન ઉપર ગાળવા મળતી કેટલીક રાહતની શ્વાસો . જોકે એ કલાકો દરમિયાન પણ બાળકોની કાળજી અને દેખરેખ તો રાખવીજ રહી . નહિતર ભૂલથી એકાદ મિનિટ ધ્યાન હટે નહીં કે દુર્ઘટના જાણે તૈયારજ બેઠી હોય . 


થાકેલા મન જોડે એણે બાંકડા ઉપર ગોઠવાયેલી અન્ય સ્ત્રી તરફ નજર કરી . એક માતાજ કદાચ અન્ય માતાની પરિસ્થિતિ સમજી શકે એ આશાએ એણે પોતાના મનની વાત એ અજાણી સ્ત્રી તરફ હવામાં વહેતી કરી .


" આ વેકેશન શા માટે આવતું હશે ? "


એના શબ્દો થકી અજાણી સ્ત્રીના ચ્હેરા ઉપર વ્યંગ સભર હળવું હાસ્ય ફરી વળ્યું .


" હવે બે અઠવાડિયાજ બાકી રહ્યા છે . થોડી હજુ ધીરજ. " અજાણી સ્ત્રીના શબ્દો થકી પ્રોત્સાહન મળતા હૈયું વધુ છતું થયું .


" શાળાએ જતા હોય ત્યારે દરરોજ ડબ્બામાં જમવાનું પરત થાય અને ઘરમાં હોય ત્યારે દર એકાદ કલાકે ભૂખ ઉપડે . એક કામ પૂરું થતું ન હોય ત્યાં નવુજ કોઈ કામ વધાર્યું હોય . રસોઈ બનાવતા બનાવતા એમના ઝગડાઓ સાંભળવાના એ જુદા . શાળામાં હોય ત્યારે જે કાર્ય ત્રીસ મિનિટમાં પૂરું થતું હોય એજ કાર્ય કરતા વેકેશનમાં બે કલાક નીકળી જાય . ઘરની સાફસફાઈ એ ગાળા દરમ્યાન તદ્દન નિરર્થક . કાર્ટુનના અવાજો અને સંગીતથી કાન દુઃખે એ પાછું અલગ . ટીવી નિહાળવું, ઊંઘ કાઢવી અને શાંતિથી જપીને બેસવું એક સ્વપ્ન બની રહી જાય . બસ હવે બહુ થયું . હવે તો શાળા ક્યારે શરૂ થશે એની એક એક મિનિટ રાહ જોવાની અને તારીખ ઉપર ચોકડીઓ બનાવવાની . " 


અજાણી સ્ત્રી ખડખડાટ હસી પડી .

કદાચ એની હાલત પણ પોતાના જેવીજ હશે . 


" ચિંતા ન કરો . બાળકો મોટા થતા સમય નથી લાગતો . એક વાર મોટા થઇ જાય પછી પોતાના મિત્રો , ત્યાર બાદ પરિવારમાં એવા પરોવાઇ જશે ,ત્યારે આ બધો સમય ખુબજ યાદ આવશે , સુવર્ણકાળ સમો. માતૃત્વની લાગણી ભલે આજીવન સાથે રહેતી હોય પણ માતૃત્વની આ દોડધામ અને થાકનો લ્હાવો આજીવન ન મળશે . "


ધીરે રહી એ અજાણી સ્ત્રી બાંકડો છોડી ઉભી થઇ .

એક પુરુષ જોડે પહોંચેલ બાળકને જોઈ એના ચ્હેરા ઉપર તૃપ્ત સંતોષ છવાઈ ગયો . પોતાના પતિ અને બાળક જોડે એ અત્યંત હળવા અને પ્રફુલ્લિત હાવભાવો જોડે મેદાનની બહાર તરફની દિશામાં આગળ વધી રહી .

બાંકડા ઉપરથી ફાંટી આંખે એ નજર સામેનું દ્રશ્ય નિહાળી રહી .

શરીર અને મનનો બધોજ થાક એજ ઘડીએ અદ્રશ્ય થઇ ગયો .


શાળા ક્યારે શરૂ થશે ,એ વાતથી અજાણી સ્ત્રીના માતૃત્વને કશો ફરક પડવાનો ન હતો એ વાતનો પુરાવો આપતી પોતાના માનસિક વિકલાંગ બાળકનો હાથ ગર્વ સભર થામી એ નિરાંતે આગળ વધી રહી હતી .


આ સુવર્ણકાળ એને માટે આજીવન હતો . માતૃત્વનો થાક અને દોડાદોડી નો લ્હાવો પણ ......Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Comedy