Sudha gupta

Comedy Romance

3.6  

Sudha gupta

Comedy Romance

ટોવેલ

ટોવેલ

13 mins
450


છચ્છ... છન્ન....

સવારના સાત વાગ્યે,ચૂલા પર ગોઠવેલી લોખંડની કઢાઈમાં વઘારેલા ભીંડાના શાકનો અવાજ આખા રસોડામાં પ્રસરી રહ્યો હતો. શાક ચમચાથી હલાવતાં હલાવતાં બીજા હાથેથી બારીનો દરવાજો ખોલીને ધુમાડો બહાર કાઢવાનો રસ્તો કર્યો અને પછી ઝડપ ભેરનીચેના ખાનામાંથી લોટ બાંધવાનું વાસણ કાઢ્યું.

ઇન્દુએ લોટ બાંધતાં બાંધતા બે વાર શાક હલાવ્યું અને એક મોટા અવાજે બૂમ પાડી જે રસોડામાંથી સીધી રોનીના બેડરૂમ સુધી સંભળાઈ,

"રોની........."

ઇન્દુનો અવાજ રોનીના કાન સુધી અફળાઇને જાણે પાછો ફરી ગયો. કોઈ અસર ન થઈ. રોની મોંઢા સુધી ધાબળો ખેંચી ફરી સૂઈ ગયો. ધાબળા ઉપરથી બીજી બે ત્રણ બૂમો પસાર થઈને ચાલી ગઈ પણ રોની એજ મુદ્રામાં સૂતો રહ્યો.

ભીંડાનું શાક તૈયાર થઈ ગયું હતું. પરોઠા શેકાઈને તૈયાર ગયા હતા અને પાણીની બોટલ પણ ભરાઈ ગઈ હતી. આખા ઘરમાં પરોઠા શેકવા માટે વપરાયેલા ઘીની સોડમ અને ભીંડાના વઘારની ખુશ્બૂ ફેલાઈ રહી હતી. ઘડિયાળમાં સાત વાગીને વીસ મિનિટ થઈ ગયાં હતાં, પણ રોનીના ઓરડામાં હજુ સુધી કોઈ હલન ચલન ન હતી. ટિફિન બોક્સ અને બોટલ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં હતાં. ઇન્દુ કામમાં વ્યસ્ત હતી. રોજના ક્રમ અનુસાર બા બાપુજી માટે ચાની તપેલી ચૂલા પર મૂકી અને રોની માટે દૂધ ગ્લાસમાં કાઢ્યું.આજે દૂધમાં ગુલાબનું શરબત નાંખવું કે ખસ ખસનું એ પૂછવા માટે ઇન્દુ ઝડપ ભેર રોનીના ઓરડા તરફ દોડી.

"હેય ભગવાન, હજુ સૂતો જ છે ?" તેને ઊંઘતો જોઈને ઇન્દુ અકળાઈ ગઈ.

"રોની સાડા સાત થયા, સ્કુલ નથી જવું કે શું ?" ઇન્દુ એ ગુસ્સામાં તેનો ધાબળો ખેંચ્યો....

"અરે, ચાનું શું થયું ઇન્દુ ? એટલામાં તો બા એ બૂમ પાડી. રોનીને ઊઠાડી બાથરૂમ તરફ ધકેલ્યો અને ઇન્દુ ફટાફટ રસોડામાં જઈને બા બાપુજી માટે ચા બનાવવા લાગી. ચાની ટ્રે બા બાપુજી સામે મૂકી ઇન્દુ છાપું લેવા દરવાજો ખોલે એટલી વારમાં રોનીની બૂમ સંભળાઈ.

"મમ્મી ટો... ઓ... ઓ... ઓ.. વેલ....." ઇન્દુ ટોવેલ લેવા દોડી અને રોનીને આપ્યું. "નહાવા જાય તો ટોવેલ કેમ નથી લઈ જતો ? તેણે છણકા સાથે રોનીને કહ્યું.

ઇન્દુની ઉપર ચઢેલી ભ્રમરો અને ગુસ્સા ભર્યા ભાવ જોઈ રોની બોલ્યો, "સોરી મમ્મી....હવે યાદ રાખીશ"

"સોરી તો તું રોજ બોલે છે બેટા,પણ ટોવેલ ક્યારેય જાતે નથી લઈ જતો." ઇન્દુ એ કટાક્ષ યુક્ત સ્વરમાં રોનીને કહ્યું.

રોની એ ઇન્દુના હાથમાંથી ટોવેલ પોતાની તરફ ખેંચ્યું અને તરત બાથરૂમનો દરવાજો ભીડી લીધો. બાપુજી છાપાનાં પાનાં ફેરવતાં ફેરવતાં ચાની ચુસ્કીઓ લઈ રહ્યાં હતાં. અંદરથી ઇન્દુનો છણકો સાંભળી તેઓ જરા ખોંખારો ખાઈ પોતાના ચશ્માની ફ્રેમ સરખી કરવા લાગ્યા અને ઝૂકેલી ત્રાંસી નજરે બા સામું જોવા લાગ્યા. બા પણ એમની સામે જ જોઈ રહ્યાં હતાં. બાની તટસ્થ અને અડધી બીડેલી બાપુજીને ઘૂરીને જોતી આંખો સ્પષ્ટ કહી રહી હતી કે,

"તમે પણ ક્યાં ટોવેલ લઈને જાઓ છો ? મારે જ આપવું પડે છેને ?"

બાપુજી જાણે સમજી ગયા હોય એમ ચૂપચાપ છાપામાં આંખો ગોઠવી ફરીથી વાંચવામાં વ્યસ્ત થઈ ગયાં. બંને વચ્ચે મૂક સંવાદ ચાલી રહ્યો હતો એટલી વારમાં રોની યુનિફોર્મમાં સજ્જ થઈ, દફતર ભેરવીને દોડતો આવ્યો અને દાદા દાદીને પ્રણામ કરી બોલ્યો. "બાય બાય દાદા....બાય બાય દાદી." અને દરવાજા તરફ દોડી ગયો...

નીકળતી વખતે છેલ્લે...."બાય મમ્મી કહી બંગલાની બહાર રાહ જોઈ રહેલી સ્કુલ રિક્ષામાં ભરાઈ ગયો.

હજુ તો સવારનો એક જ કલાક વિત્યો હતો. રંતુ ઇન્દુ આજ પ્રમાણે લગભગ આખો દિવસ બધાની સેવા ચાકરીમાં ચકરડીની જેમ ભમતી રહેતી. ક્યારેક ચાના કપ,તો ક્યારેક ભોજનની થાળી, ક્યારેક મંદિરના ભોગનો પ્રસાદ ભરેલો થાળ તો ક્યારેક ઈસ્ત્રીનાં કપડાં. ઇન્દુનાં હાથ કોઈપણ સમયે ખાલી મળે જ નહિ. ચમચીથી લઈને ગાદલાં સુધી બધી જ વસ્તુઓ ઇન્દુને પોતાના હાથે બધાને આપવી પડતી.

રસોડામાં બપોરનું ભોજન તૈયાર કરવા માટે કઢાઈઓ ચઢાવેલી હતી. એક તરફનાસ્તો તો બીજી બાજુ ઓફિસનું ટિફિન એમ બંને કામ એક સાથે કરતાં કરતાં ઇન્દુ પોતાની સ્ફૂર્તિનું પરિમાણ આપી રહી હતી અને ઝડપભેર કામ કરી રહી હતી. જો વચ્ચે કોઈ બીજા કામ માટે બૂમ સંભળાય તો તેના શાક સમારવા માટે હાથમાં પકડેલા ચપ્પુ વડે લાકડાના પાટિયા પર અફળાવવાનો અવાજ વધારે ઘેરો થઈને સંભળાતો. ભલે પોતે દરેકની બધી જરૂરિયાતો સમયસર એકલે હાથે પૂરી કરતી, પરંતુ તેને કામના ભારણથી થોડોક ગુસ્સો પણ આવી જતો. ચપ્પુની સાથે સાથે પછી વાસણ મૂકવાનો અવાજ પણ મોટેથી સંભળાવવા લાગતો. બહાર બધાં સમજી જતાં કે હવે થોડીક વાર સુધી કોઈ વસ્તુની માંગણી કરવી નહિ કે ઇન્દુને કોઈ કામ બતાવવું નહિ. નહિતર વાસણોનો મોટેથી સંભળાતો અવાજ છેલ્લે મોઢેથી નિકળવા માંડશે.

ટિફિન તૈયાર થઈ ગયા પછી જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જતી, ત્યારે ફરી પાછી કામની ફરમાઈશો પણ ચાલુ થઈ જતી. અને આ લગભગ રોજનો ક્રમ થઈ ગયો હતો. સવારના સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી ઇન્દુને શ્વાસ લેવાની પણ ફુરસદ મળતી નહીં. ઘડિયાળમાં દસ વાગી રહ્યા હતાં. અત્યાર સુધીમાં ઇન્દુએ રોનીના ટિફિનથી લઈને, બા બાપુજીની ચા,રોનીનાં પપ્પાની ચા,પોતાના સ્નાન,મંદિરમાં ધૂપ દીપ અને આરતી તેમજનાસ્તા અને ટિફિન તૈયાર કરવાના બધાં કામ ઝડપભેર પતાવી દીધાં હતાં. હવે તે થોડો સમય કાઢીમાંડ પોતે ચા પીવા બેઠી જ હતી કે અંદરથી રોનીના પપ્પાની એક મોટી બૂમ સંભળાઈ....

"ઇન્દુ..... ટો...ઓ....ઓ...વેલ..." અને હવે ઇન્દુનો પિત્તો ગયો ! એણે ગુસ્સામાં ચાનો કપ ટેબલ પર પછાડ્યો. પોતાના રૂમમાં પ્રવેશી અને અંદર જતાં જ રાકેશ પર વરસી પડી.

"આ ઘરમાં કોઈને નહાતી વખતે ટોવેલ સાથે લઈ જતાં કેમ નથી આવડતું ? દીકરો તો ઠીક.... બાપ પણ ભૂલકણો" તેણે બરાડીને કહ્યું. "નથી આપતી ટોવેલ જાઓ. જાતે બહાર આવીને લઈ લો. " ઇન્દુ ગુસ્સામાં બરાબર લાલઘૂમ થઈને ગરજી પડી.

"અરે યાર ઇન્દુ આપને જલ્દી, ઠંડી લાગે છે યાર. જલ્દી લાવ તો.."

"આજે તો હું નહિ જ આપું જાઓ, અરે, મારે આખો દિવસ બસ બધાની આગળ પાછળ જ ફરતા રહેવાનું ?" સાત વરસ થયાં આપણા લગ્નને, એક્કેય દિવસ તમે ટોવેલ લઈને ગયા છો ?"

"હેય ભગવાન, ઇન્દુ હવે ગાંડા વેડાના કર, સાત વરસ થયાંને દસ વરસ થયાં. મારે મોડું થાય છે. ટોવેલ આપ જલ્દી કહું છું".

રાકેશે થોડું અકળાઈને ગુસ્સામાં કહ્યું..

રાકેશનો ગુસ્સો જોઈ ઇન્દુને વધારે માઠું લાગ્યું. દરરોજ થોડો ઘણો ગુસ્સો કરી ઇન્દુ આખરે રાકેશને ટોવેલ આપી દેતી. બડબડ કરતી રહેતી પણ બે પાંચ ક્ષણો પછી પીગળી જતી અને ટોવેલ આપી દેતી.આજે કોણ જાણે ઇન્દુનું મગજ કેવું છટક્યું કે તે ટોવેલ આપ્યા વગર જ રૂમમાંથી બહારનીકળી ગઈ. ઇન્દુને જતાં જોઈ રાકેશ અકળાયો. તેણે સપનામાં ય નહોતું વિચાર્યું કે ઇન્દુ પોતાને આમ ઠંડીમાં ઠુંઠવાતો મૂકીને ચાલી જશે. બાથરૂમમાં કોઈ નેપકીન પણ નહોતું. રાત્રે જે ટૂંકો બરમૂડો પહેરીને પોતે સૂતેલો એ પણ બાથરૂમના ખૂણામાં ભીનો થઈને પડ્યો હતો.

હવે ? હવે શું કરવું? એકદમ નિર્વસ્ત્ર હાલતમાં બાથરૂમની બહાર કેવી રીતે આવવું ? ઉપરથી ઇન્દુ રૂમનો દરવાજો પણ ખુલ્લો મૂકીને ગઈ હતી. રાકેશના ગુસ્સાનો પાર ન રહ્યો. પરંતુ બહાર આવવા સિવાય કોઈ ઉપાય પણ નહોતો. રાકેશે બરમૂડો બંને હાથનું સંપૂર્ણ બળ લગાવી બરાબર નિચોવ્યો અને તે જ ભીનો બરમૂડો પહેરી બહાર આવવાનું વિચાર્યું.

પરંતુ ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં ઠંડુગાર કપડું શરીરે અડાડવાની પણ હિમ્મતના ચાલી. અને આખરે રાકેશે બરમૂડો પોતાના શરીરના અગ્રભાવે ગોઠવ્યો,માત્ર પોતાની આબરૂ બચે એ રીતે પોતાના જનનાંગોને છુપાવતો છુપાવતો બાથરૂમમાંથી રૂમ તરફ જવા લાગ્યો. પોતે બાથરૂમમાંથીનીકળી તરત રૂમનો દરવાજો વાસી દેશે અને કબાટમાંથી ટોવેલ લઈ લેશે એમ વિચારીને રાકેશ બહારનીકળ્યો હતો. તે બિલ્લીપગે બાથરૂમમાંથી બહારનીકળીને રૂમનો દરવાજો વાસવા જ જતો હતો,કે એટલી વારમાં એને સામેથી બરખા આવતી નજરે પડી.

"દીદી. જીજાજી ...! ક્યાં છો બધા ?" અને બરખા બૂમો પાડતી પાડતી સીધી રાકેશના રૂમમાં પ્રવેશી. પરંતુ આ શું ? એ જેવી રૂમમાં પ્રવેશવા ગઈ,રાકેશને અર્ધનગ્ન હાલતમાં જોઈ સંકોચાઈને ત્યાંથી તરત પાછી ફરી ગઈ...

રાકેશે દોડીને રૂમનો દરવાજો વાસી લીધો. એ બિચારો છોભીલો પડી ગયો. આ બરખા અચાનક ક્યાંથી આવી ગઈ ?

હેય ભગવાન, એ શું વિચારશે ? આજે રાકેશને ઇન્દુ ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે જાણે એનું ખૂન કરી નાંખે.એના લીધે આજે રાકેશને પોતાની સાળી સામે કેવા ભોંઠા પાડવાનો વારો આવ્યો હતો. એક ટૉવેલ આપવામાં વળી આટલું આળસ ? શું એ એકલી જ ઘરનું કામ કરે છે ? બાકી બધી સ્ત્રીઓ શું પોતપોતાના ઘરે કામ નથી કરતી ? પતિને આમ બીજાની સામે શરમમાં પડતો મૂકીને ચાલી ગઈ ? "આજે તો ઇન્દુ ...તું મારા હાથે મરવાની." રાકેશનો ગુસ્સો સાતમા આસમાને હતો. અને ઉપરથી આ બરખીને પણ હમણાં જ આવવું હતું ? બરાબર એજ ક્ષણે ? કમાલની ટાઇમિંગ છે સાલું! ? બંને બહેનો માથાનો દુખાવો છે. ખરેખર ! રાકેશ મનોમન બબડી રહ્યો હતો અને ગુસ્સામાં કપડાં પોતાના શરીર પર ચડાવી રહ્યો હતો.

બરખા તરત રસોડામાં ઇન્દુ પાસે દોડી ગઈ. કૈં પણ બોલ્યા વગર નજરો ઝુકાવીને રસોડામાં સાઈડ પર પડેલી ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસી ગઈ. ઇન્દુ એ ફરીને જોયું તો બરખા બેસેલી હતી.

"અરે બરખી તું ક્યારે આવી?" ઇન્દુ એ હર્ષ અને આશ્ચર્ય સહિત પૂછ્યું.

"અ... અ.... દીદી બસ હમણાં જ તો આવી. આ મમ્મી એ દાળ ઢોકળી મોકલાવી છે, એ જ આપવા આવી હતી.

અને બરખા દાળ ઢોકળીનો ડબ્બો ડાઇનિંગ ટેબલ પર મૂકીને પુરપાટ ઘરની બહારનીકળી ગઈ.

"અરે....અરે આમ ક્યાં દોડી જાય છે. અરે, બરખા સંભાળ તો ખરી. "અરે ચા..." ઇન્દુનો અવાજ બરખાના કાને પડે એ પહેલાં તો બરખા ગાયબ થઈ ગઈ હતી.

ઇન્દુને અજુગતું લાગ્યું. તેને નવાઈ લાગી. બરખા આમ તરત કેમ ભાગી ગઇ ! નહિતર એ હંમેશા પોતાની દીદી જોડે ત્રણ ચાર કલાક રોકાઈને ગપ્પાં મારીને જ પાછી ફરતી. ઇન્દુને ક્યાં ખબર હતી કે આજે તેના રાકેશને ટોવેલ ન આપવાના સાહસે કેવી ગરબડ કરી દીધી હતી. પોતે તો રસોડામાં આવીને બધું ભૂલી જ ગઈ હતી અને કામે વળગી પડી હતી.એને ક્યાં ખબર હતી કે આજે રાકેશ તેના આ કૃત્યથી કેટલો છોભીલો પડ્યો અને હવે એનું શું.પરિણામ આવવાનું હતું ? જાણે કશું થયું જ ન હોય એમ ઇન્દુ પોતાના રૂમ તરફ જવા લાગી.

"અરે રાકેશ.....નાસ્તો ક્યારનો ડાઇનિંગ ટેબલ પર મુક્યો છે !" ઇન્દુ હજુ કૈં બોલે એટલી વારમાં તો રાકેશ તૈયાર થઈને ઝડપથી રૂમની બહારનીકળી ગયો. એણે દરવાજા પર ઊભેલી ઇન્દુ સામે જોયું સુદ્ધાં પણ નહીં. તે ઇન્દુથી અથડાતાં અથડાતાં બચ્યો. ઇન્દુ તેની પાછળ દોડી અને જેવી તેની નજીક આવી. રાકેશે તેને જરીક ધક્કો મારી પોતાનાથી દૂર કરી દીધી. ઓફિસ બેગ ઉપાડી, શૂઝ પહેરી રાકેશ પોતાની ગાડીની ચાવી લઈને ઝડપથી ઘરની બહારનીકળી ગયો. આ જોઈને ઇન્દુ ખરેખર ડઘાઈ ગઈ. એણે વિચાર્યું પણ ન હતું કે પોતાના નજીવા ગુસ્સાથી રાકેશ આટલો બધો રિસાઈ જશે અને રોષે ભરાશે. નાસ્તો કર્યા વિના જ રાકેશનું આમ ચાલ્યા જવું ઇન્દુને જરાય ન ગમ્યું.તેને ઘણું દુઃખ થયું.

બધો ગુસ્સો ભુલાઈ ગયો. ઇન્દુની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. સાત વર્ષના લગ્નજીવનમાં પહેલી વાર રાકેશનાસ્તો કર્યા વિના ઘરેથી ગયો હતો. ઇન્દુ પહેલાં તો ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ હતી. પરંતુ રાકેશનું આવું વર્તન જોઈ તેનું મન વ્યથિત થઈ ઊઠ્યું. અણગમો તો થયો પરંતુ પતિ આમ રિસાઈ જાય તે ઇન્દુ માટે બિલકુલ સ્વીકાર્ય ન હતું. ભારતીયનારીઓનું આજ તો નબળું પાસું છે. પહેલાં ઢગલો વિષમતાઓ વેઠે, છી પતિ સાથે ઝગડો કરે અને પછી પતિ જરાક રિસાય તો બધાં હથિયાર હેઠાં મૂકીને નમતું જોખવા તૈયાર થઈ જાય.પણ હવે ભારતીય પતિ કઈં માને ? એ હવે પોતાનું પતિપણું બતાવે જ ! અને એવું જ કૈંક રાકેશે પણ કર્યું,જે ઇન્દુને અંતરના ખૂણા સુધી હલાવી ગયું....

***

ઇન્દુની આંખો સોજા ચડીને મોટા બોર જેવી થઈ ગઈ હતી. આખી રાત તેણે લગભગ રડી રડીને કાઢી હતી. સવારના અગિયાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી તેની આંખો વારે ઘડીએ ઊભરાઈ આવતી હતી. રાકેશ ઓફિસેથી ઘરે આવીને સીધો બેડરૂમમાં જઈને સુઈ ગયો હતો. ઇન્દુ એ આખા દિવસમાં તેને કમ સે કમ સાત વાર ફોન કર્યા, પરંતુ દર વખતે મેનેજરે કહ્યું કે શેઠ કામમાં બીઝી છે. આ બધું ઇન્દુ માટે અસહ્ય હતું. તે લગભગ આખી રાત સૂઇ ન શકી અને રડતી જ રહી. રાકેશને ઊઠાડીને સોરી કહેવાનું મન થયું. આટલીનાનકડી વાત માટે પોતાને સવારથી હેરાન કરવા બદલ ઠપકો આપવાનું પણ મન થયું પરંતુ તેની હિમ્મતના ચાલી. તે મનોમન પસ્તાવો કરી રહી હતી. પોતાની કોઈ બહુ મોટી ભૂલ ન હોવા છતાં ,સવારે ઊઠતાંની સાથે જ પોતે રાકેશની માફી માંગી લેશે અને તેને મનાવી લેશે એમ વિચારી તે લગભગ ત્રણ વાગ્યે સૂઇ શકી.

સવારે સાડા છ વાગ્યે એલાર્મ વાગ્યું. એક જ ઘંટડીમાં ઇન્દુ ઊઠી ગઈ. રડવાના કારણે તેની આંખો તો સૂજી જ ગઈ હતી. પરંતુ તેનું શરીર પણ નબળાઈ અનુભવી રહ્યું હતું.છતાં તે તરત પથારીમાંથી ઊભી થઈ ગઈ. રોજની જેમ જ રોની માટે ટિફિન તૈયાર કર્યું, તેને સ્કૂલ મોકલ્યો, બા બાપુજી માટે ચા બનાવીને આપી દીધી. અને હવે તે રાકેશ માટે ચા બનાવી રહી હતી. એણે વિચારી રાખ્યું હતું કે પોતે સરસ મજાની ચા લઈને રાકેશ પાસે જશે, પ્રેમથી તેને ઉઠાડશે અને પછી છાતી સરસી વળગી પડશે. રાકેશ તરત જ માની જશે અને પોતાની અકળામણનો પણ જલ્દીથી અંત આવી જશે. તે ચાની ટ્રે લઈને બેડરૂમમાં પહોંચી.

અરે ! પણ આ શું ?રાકેશ તો પથારીમાં હતો જ નહીં ? ઇન્દુને ફાળ પડી. રાકેશ ગુસ્સામાં ક્યાંક ચાલ્યો તો નથી ગયો ? તે દોડીને બહાર આવી. દીવાનખંડમાં બા બાપુજી ચા પીતાં હતાં. ઇન્દુને આમ તેમ દોડતી જોઈ બા એ પૂછ્યું. "અરે,શું થયું? રોનીની રિક્ષા છૂટી ગઈ કે શું ?"

હવે આખી ઘટના બા બાપુજીને ક્યાં ખબર હતી. અને એમને કહેવું પણ શું ! ઇન્દુ એ બહાનું બનાવીને કહ્યું,

"કૈં નહીં બા,એ તો ગેસ પર દૂધ ઉભરાઈ ગયું,એટલે ગેસ બંધ કરવા આવી." બા સામે બહાનું બનાવી એણે હાશકારો અનુભવ્યો. "પણ રાકેશ ગયો ક્યાં ?" ઇન્દુ પાછી મૂંઝાઈ. દરવાજા બહાર જઈને જોયું. બુટ અને ગાડી બંને પોતાની જગ્યાએ જ હતાં. ઇન્દુ વધારે મૂંઝાઈ. રાકેશને શોધવા નજરો આમ તેમ દોડવા લાગી. દરવાજા પર જ બાવરીની જેમ ઊભેલી ઇન્દુને જોઈ ઘરમાં પ્રવેશતી કામવાળી શાંતા બાઈ બોલી. "અગ્ગ બાઈ.....કાય ઝાલા ? રોની કુઠે ગેલાય કા ?

"ના....શાંતા બાઈ...એ તો સ્કુલ ગયો" ઇન્દુ એનીરસ જવાબ આપ્યો.

"તુમ્હી ખૂપ ચિંતેત દિસતાં....કાય ઝાલા મેમસાબ ?"

"અરે કૈં નહીં શાંતા, તું જા અંદર કામ કરવામાંડ." ઇન્દુ એ શાંતાને જરા મોટા સ્વરે કહ્યું.

શાંતા થોડું મોઢું મચકોડી અંદર ચાલી ગઈ. ઇન્દુની વિહ્વળ નજરો રાકેશને ગોતી રહી હતી. એનું હૃદય બમણાં ધબકારા મારી રહ્યું હતું. ક્યાં ગયો હશે રાકેશ આમ સવારના પહોરમાં આટલીનાની અમથી વાતનો આટલો ગુસ્સો હોય ? ઇન્દુ રડમસ થઈને રાકેશ પર મનોમન ગુસ્સો ઠાલવવા લાગી. પછી એને અચાનક ફોન કરવાનો વિચાર આવ્યો,

તે ફોન લેવા અંદર તરફ વળવા લાગી કે એટલી જ વારમાં અંદરથી જોરથી બૂમનો અવાજ સંભળાયો.

"ટો.....ઓ ..ઓ...ઓ..વેલ...."

ઇન્દુની આંખો પહોળી થઇ ગઇ. એ અવાજ રાકેશનો હતો. ઇન્દુના આખા શરીરમાં જાણે પચાસ વોલ્ટનો વિજળીનો ઝાટકો લાગ્યો હોય એમ તે તરત ચમકી પડી.એની વ્યાકુળ આંખો અને મનમાં એક ઝબકાર થયો.અંદરથી ટોવેલ માટેની બૂમ સાંભળીને ઇન્દુને બધું સારાવાનું થવાની આશા બંધાણી. "એટલે રાકેશ ક્યાંય ગયા નથી. એ તો ઘરમાં જ છે. હું તો અમસ્તી જ હેરાન થતી હતી."એ હરખાઈ. નાહવા ગયા છે....જો મને ટોવેલ આપવા માટે બોલાવે છે. કેવા નટખટ છે. નામ પણ ન લીધું મારુ. સીધું..... ટો....વેલ ?

આ હમણાં આવીને બતાવું તમને. કેટલી હેરાન કરી મને ?અરે નાના....હવે ગુસ્સો નહીં. હવે તો પ્રેમથી ટોવેલ આપીશ."

ઇન્દુ મન મનમાં જ બબડી રહી હતી અને રૂમ તરફ દોડી રહી હતી. અને પછી "એ આવી" એણે પણ જોરથી બૂમ પાડી. મનમાં વિચારોની ગડમથલ સાથે. હરખાતી હરખાતી ઇન્દુ પોતાના રૂમની તરફ ભાગી.મનોમન ભગવાનનો પાડ માનતી હોય એમ ગળામાં પહેરેલા માતાજીના લોકેટને માથેલગાડી એ રૂમમાં પ્રવેશી.

પરંતુ આ શું ? ઇન્દુ જેવી રૂમમાં પ્રવેશી, અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટેલી જ રહી ગઈ.આ શું જોયું મેં ? રાકેશ .....આમ.... આમ પરાયી સ્ત્રી જોડે ? આવું કરવાનું હોય ? મેં માત્ર એક વાર ટોવેલ ન આપ્યું એમાં રાકેશે આવી હીનતા દેખાડી ? પોતાના રૂમમાં સાફ સફાઈ કરી રહેલી શાંતા બાઈને રાકેશ પ્રેમ ભર્યા સ્વરે કહી રહ્યો હતો. '"શાંતા જરા ટોવેલ આપને"

અને એ પણ સામે ઊભેલી પત્ની ઇન્દુની સમક્ષ જ! શાંતા તરત બોલી, "હાઉ સાહેબ....આનતે આતાચ (હા સાહેબ,હમણાં લાવી) રાકેશે સામે ઊભેલી ઇન્દુ સામે ત્રાંસી નજરે જોયું. અને પછી થોડુંક હસ્યો. તેની નજરમાં લુચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી.

ઇન્દુનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. ગુસ્સાથી એના હોઠ ફફડી રહયાં હતાં.હાથની મુઠ્ઠીઓ બંધ થઈને મૂષ્ટિ પ્રહાર કરવા માટે તૈયાર થઈ રહી હતી. તેણે અડધી આંખો મીંચીને,દાંત પીસીને ગુસ્સાથી રાકેશ સામે જોયું ?

"પત્ની હોવા છતાં,આમ પરાયી સ્ત્રી પાસે ટોવેલ મંગતાં શરમ નથી આવતી ?" તે મનમાં બબડી.

"લેવ સાહિબ." શાંતા હાથમાં ટોવેલ લઈને મટકાતી મટકાતી બાથરૂમ તરફ આગળ વધી અને રાકેશને ટોવલ આપવા માટે પોતાનો હાથ લંબાવ્યો. જાણે મેનકા વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરીને હરખાય એમ શાંતા મલકાઈ રહી હતી. આ જોઈ ઇન્દુ વધારે વિફરી અને.....ઓ...... ટોવેલ વાળી.... આઈ મોટી ટોવેલ આપવા વાળી. ચલ ભાગ અહીંથી." ઇન્દુ એ રાડ પાડીને કહ્યું.

શાંતા ડઘાઈ ગઈ તે તરત ઇન્દુ સામે જોવા લાગી. એ જાતે પાછળ હટે એટલી વારમાં તો ઇન્દુ એ તેના હાથમાંથી ટોવેલ ઝૂંટવી લીધું અને તેને દૂર હડસેલી દીધી. ઇન્દુ એ પોતે બાથરૂમમાં જઈ, અંદરથી સાંકળ લગાવી અને પછી ટોવેલ રાકેશની છાતી પર જોરથી ફેંકયું.

"શરમ નથી આવતી પરાયી સ્ત્રી પાસે ટોવેલ માંગતાં ? હું મરી ગઈ હતી ? ખબરદાર છે જો મારા સિવાય કોઈની પાસે આમ ટોવેલમાંગ્યું છે તો,સમજ્યા ? ઇન્દુ એ અત્યંત રોષે ભરાઈને રાકેશને ત્યાંજ ખખડાવી નાંખ્યો અને પછી તેની સામે રડવા લાગી. ઇન્દુને રડતી જોઈ,રાકેશે તેને તરત બાથમાં ભરી લીધી અને પછી પ્રેમથી ગળે વળગાડીને ધીરેથી કાનમાં બોલ્યો,

"બોલહવે ટોવેલ આપવામાં નખરા કરીશ ?"

ઇન્દુ રાકેશની લુચ્ચાઈ સમજી ગઈ .પરંતુ હવે તેનું મન પતિ સાથે ઝગડો કરવા માટે નહિ, તેનો પ્રેમ પામવા માટે તડપી રહ્યું હતું. રાકેશની બહોપાશમાં સમાઈને ઇન્દુ હળવેકથી બોલી, "ના" પણ તું પણ મારા સિવાય કોઈ બીજા પાસે ટોવેલ માંગીશ ?" તેણે રાકેશના કાન પાસે પોતાના હોઠ લઈ જઈ ઉન્માદ ભર્યાં શબ્દોમાં પૂછ્યું.

રાકેશે તેને વધુ જોરથી જકડી અને ધીરેથી એના કાનમાં કહ્યું, "ના,ક્યારેય નહી"

અને બંને વચ્ચે છેલ્લા ચોવીસ કલાકથી ચાલી રહેલું "ટોવેલ યુદ્ધ" જાણે જળરતિક્રિડામાં ફેરવાઈ ગયું. એટલી જ વારમાં દીવાન ખંડમાંથી બાનો અવાજ સંભળાયો.

"અરે.... ઇન્દુ ..." બાની બૂમ સાંભળી તરત જ રાકેશે શરીર લૂછયું, ટોવેલ લપેટીને તે બાથરૂમનો દરવાજો ખોલી બહારનીકળ્યો. "બા.... ઇન્દુ નહાવા ગઈ છે...હમણાં આવે છે, કંઈ કામ હતું ?રાકેશે બાને પૂછ્યું

"ના દીકરા....એ તો ઇન્દુ જરાક ચિંતામાં આમતેમ ફરતી હતીને, એટલે પૂછ્યું.અને અંદરથી એનો મોટેથી બોલવાનો કંઇક અવાજ પણ સંભળાતો હતો ? બધું બરાબર તો છેને બેટા ?

"હા હા બધું બરાબર છે બા,તું ચિંતાના કર ! હું કપડાં પહેરીને આવું છું હં બા."બાની ચિંતા દૂર કરી રાકેશ જેવો પોતાના રૂમમાં પ્રવેશ્યો, કે તરત બાથરૂમમાં ભીંજાયેલા કપડે ઊભેલી ઇન્દુ એ તેને પ્રેમથી કહ્યું.....

"ટો.... ઓ.. ઓ..વેલ.... પ્લીઝ....."અને બંને જણા ખડખડાટ હસી પડ્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Comedy