Sudha gupta

Inspirational

4  

Sudha gupta

Inspirational

ગેન્દી

ગેન્દી

3 mins
374


અવાજમાં કંપન હતું. જીભ થોથવાઈ રહી હતી. મરણપથારીએ પડેલી સિત્તેર વરસની ગેન્દી કઈંક બોલવાની કોશિશ કરી રહી હતી પરંતુ ઑક્સિજન માસ્ક અવરોધ ઊભો કરી રહ્યો હતો. તેની જીદ્દ જોઈને લાગતું હતું કે તે બાળક જેવી બુદ્ધિ ધરાવતી હતી. એવું નહોતું કે વૃદ્ધત્વમાં તેનું મગજ બગડ્યું હતું, જન્મજાત અક્કલ વિહોણી હતી ગેન્દી.

"બા,.... ઓ બા...."

"હં...?"

"આ સોંય નિકળી જાય... લોહી નિકળે...આમ ગાંડાવેડાનો કરાય."

ધ્રુજતા હાથે નસોમાં ખોપેલી સોંય કાઢી નાંખવા મથી રહેલી ગેન્દીને દીકરાએ ટકોર કરી.

ઘેન અને દવાઓની આડઅસરથી ભાન નહોતું. બેહોશીની હાલતમાં પણ તે ડ્રિપની પાઈપ શોધી રહી હતી. પરંતુ અશક્ત હાથની પહોંચથી બહાર અડધી બિડેલી આંખોની બારીમાંથી ધૂંધળી દેખાતી ટોટીની આકૃતિ તેના હાથે ચડતી નહોતી.

રોમતો .....ગેન્દીનો એકનો એક દીકરો તેની પડખે જ ઊભો હતો. હવામાં પાઈપ ફંફોસતો હાથ એકદમથી શાંત થઈ ગયો .બેચેનીથી બંધ છતાં આમતેમ ફરતી આંખની કીકીઓ સ્થિર થઈ ગઈ.

"નંદિનીને સુવાવડ થવાની છે. તેને વાછરડું આવે પછી જવાનું મેલી દઈશ. કોઈ દી પાદરે નહીં જાઉં બેટા, હાલ જવા દે મને."

કરચલી વાળા ઘરડા મોંઢે ગેન્દીએ દીકરાને ભૂતકાળમાં વચન આપતાં કહ્યું હતું. "બધી ગાવડીઓની ચાકરી કરવાનો તેં ઠેકો ઉપાડ્યો છે ? ગામમાં કોઈ બીજું તો નથ જતું પાદરે...ગાવડીઓ હાટુ ? આ ઉંમરે તારે હું જરૂર છે જાવાની ? કોઈ દિ પડી ભાંગીશ તો કોણ તારું ભીનું સાફ કરશે ? તને અક્કલ બક્કલ છે કે નઈ ?" રોમતો લાલ પીળો થઈ ઉઠતો. તેના ગુસ્સાથી ડોશી થોડું ઘણું બીતી.

હુરર..... હાટ.... હુર્ર......હા..... ટ...કરતી એક ભયંકર ગર્જના ગાયોની પાછળ દોડી રહી હતી. હાથમાં મોટ્ટું દાતરડું હતું અને રાતીચોળ આંખો કોઈપણ ગાયને નિશાન બનાવવા આમતેમ ભમી રહી હતી. હો.....હો.....કરીને ભાંભરતી ગાયો જીવ બચાવવા ચારે બાજુ દોટ મૂકી રહી હતી. ધૂળની ડમરીઓની ધૂંધમાં જાણે ખોવાઈ રહી હતી. હમણાં કોઈ બચાવવા આવશે. હમણાં આ જીવલેણ દાતરડાને ખેંચીને કોઈ દૂર ફેંકી દેશે અને ફરી એક ગાય બલી ચઢતાં બચી જશે તેવી આશામાં બધી ગાવડીઓ ગાંડીતૂર થઈ દાંતરડાની વિરોધી દિશામાં દોડી રહી હતી.

ગામના પાદરે બનેલા વાડામાં રહેતી બધી ગાયો આસપાસના મેદાનમાં ચરવા જતી ત્યારે સંધ્યા ટાણે કાતિલ હુમલો થતો. અને તે હુમલાને ખાળવા એક છપ્પનની છાતી ધરાવતી ગાંડી બાઈ આવી ચડતી. તારણહાર ગેન્દી આખરે આવી પહોંચી. પરંતુ અશક્ત શરીરમાં પરાણે જોમ ભરીને જીવનદાતા બની ઉદ્ભવતું ગેન્દીનું હાડપિંજર જેવું ડીલ આજે દાતરડાની દિશા સમજવામાં થાપ ખાઈ ગયું. ઘા એટલો ઘાતક નિવડ્યો કે ગેન્દી હોસ્પિટલના આઈ.સી. યુ ભેગી થઈ ગઈ. નર્યું ગાંડપણ...

પાછલાં વીસ વરસથી ગાયોના રક્ષણની જાણે ટેક લીધી હોય તેમ સામી છાતીએ આ ભડ બાઈ દોડી આવતી અને એકલે હાથે જલ્લાદોનો સામનો કરતી. કતલખાનાઓમાં ગાયો વઢાય એ ગેન્દીને જરાય મંજૂર નહોતું. આખા ગામમાં ભલે તે એકલી જ, પણ ચરતી ગાયો પાછળ અચાનક ધસી આવતાં જાલીમોનો સામનો કરવા દરરોજ સમયસર પહોંચી જતી. દાતરડાના વાર સામે દાતરડું ધરે અને ગાય બચીને છટકી જાય.

"દાતરડું કોઈ દી તારી ગરદન વધેરી નાંખશે. જોજે તું.." રોમતો દરરોજ બાને વઢતો. પણ ગાંડી ગેન્દી સમજતી જ નહોતી.

"રોમતા....બેટા સંધ્યા થઈ.... ગાયો ચરવા નેકળી હશે....આ ટોટી કાઢી નાંખને..."

સ્થિર થતા હાથથી ટોટી સામે ઈશારો કરતાં ગેન્દીએ ધ્રુજતા અવાજે કહ્યું. ખરેખર અક્કલ વિહોણી હતી. જન્મજાત ગાંડી ડોશી ગેન્દી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational