જીવન સંગીની
જીવન સંગીની


''સાહેબ,આ મહિને વધારાના પાંચેક હજારની જરૂર હતી,સગવડ થશે માલિક ?" અટકાતાં-ખચકાતાં જગદીશભાઈ એ સાહેબને પૂછ્યું."ટીનાની શાળાની ફિસ હજુ બાકી છે, નહિંતર....''
વાક્ય પૂરું થાય એ પહેલાં સાહેબ ઊભા થઇને ઉતાવળભેર દરવાજા તરફ ચાલતાં થયાં."સાંજે વાત, જગદીશભાઈ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં જાઉં છું"કહીને તેઓનીકળી ગયાં.
હાથ માં ફાઈલોનો થોકડો પકડેલી મુદ્રામાં એક ઉદાસ આકૃતિ શૂન્યમનસ્ક થઇ ઊભી રહી ગઈ અને સામે પડેલી સાહેબની ખુરશીને અનિમેષ તાકવા લાગી,વિચારવા લાગી,ક્યાંક ખોવાઈ ગઈ.
"સાંભળો છો ટીનાના પપ્પા ? કહું છું થોડીક વ્યવસ્થા થાય તો ઘરવખરી ભરવાની છે. અનાજ, ઘી, તેલ,મસાલા બધું પતી ગ્યું છે. માજીને મળવા આવતા મહેમાનોનો ઘસારો વધારે હતો. આ મહિને એટલે વપરાશ પણ વધુ થયો. ત્રણ દિવસથી માજી દવાઓ માટે બૂમો પાડે છે."શાક સામારતાં સામારતાં રીનાબેન બોલ્યે જતાં હતાં.
"ફ્રિજ નું તો કૈં નહિ, પછીથી રીપેર થશે તો ચાલશે, પણ આજે દવા નહિ લાવી આપું તો નકામાં ખિજવાશે." અને હા સારું યાદ આવ્યું,આ ટીનાની ફીસ પણ બાકી છે,એનુંય જોજો જરા.મેડમ રોજ બોલે છે,અને એ પણ બોલે જને. આજે સત્તર તારીખ થઇ, કેટલા દિવસ ચૂપ રહેશે ? એમને પણ સામે પ્રિન્સિપાલને જવાબ આપવો પડતો હશેને ! ત્યાં તો ટીનાડી કૈં બોલતી નથી પણ ઘરે આવીને મને રાડો પાડે છે, આજે તો પરાણે સ્કૂલે મોકલી છે મેં એને. "સાંભળો તો ખરા, ક્યાં ચાલ્યાં તમે ? અરેનાસ્તો તો.......,સાંભળો....તો..''
સવારે પોતેનાસ્તો કર્યા વગર ઘરેથી નીકળી ગયાં હતાં. ખુરશીને તાકતી જગદીશભાઈની નજર સમક્ષ આખુંય દ્રશ્ય ફરીથી ભજવાઈ રહ્યું હતું. પૈસાની ખેંચ તો રહેતી જ હતી. ઉપરથી પત્નીની વાતો જગદીશભાઈને અકળાવી રહી હતી. શરીર માત્ર ઊભું હતું,મગજ તો બીજે જ ક્યાંય પરોવાયેલું હતું.
"ચાલો સાહેબ,જરા ખસો, સફાઈ કરવાની છે" રમણ કાકા એ ઝાડૂ હલાવતાં હલાવતાં જગદીશભાઈની ધ્યાનમગ્ન મુદ્રાને ભંગ કરતાં કહ્યું.
"સામે કોઈ નથી, મોટા સાહેબ તો ક્યારનાંય નિકળી ગયાં." કરચલીઓ વાળો વૃદ્ધ હાથ જગદીશભાઈને ખભે મૂકી જરાક હલાવીને રમણ કાકા બોલ્યા,
"ઓ સાહેબ શું થયું ? ક્યાં ખોવાયા છો ? આજે ચા પીવાની રહી ગઈ કે શું ? બોલો તો લાવી આપું તમારા માટે." જરદાથી લાલ બે હોઠ વચ્ચે પોતાના વાંકા-ચૂકા દાંત કાઢી રમણ કાકા હસવા લાગ્યા.
જગદીશભાઈને ભાન આવ્યું.સજાગ થયા. "અરેનાના કાકા એવું કૈં નથી, એ તો કાલે ઊંઘ નહોતી આવી બરોબર એટલે...." અને તેઓ ધીમે પગલે ઓફિસમાંથી બહારનીકળી ગયા.
"હવે શું ખબર સાહેબ ક્યારે પાછા આવશે ?એમનું ક્યાં ઠેકાણું જ હોય છે ? રાહ જોયા વગર છૂટકોય નથી હવે. બીજે ક્યાંથી સગવડ કરું ? આજે પૈસા નહિ મળે તો ખૂબ તકલીફ થઇ જશે. શું કરું ?"
સતત ગડમથલ ચાલી રહી હતી. જગદીશભાઈ પોતાની કેબીનમાં જઈને બેઠા. ચિંતાતુર મગજ કામ કરવા માટે તૈયાર નહતું. છતાં તેઓ ફાઈલો કાઢીને બેઠાં.
"કેમ છો,જગાભાઈ ? મજામાં ?" સામેની કેબીનથી રૂપેશભાઈએ હાલ ચાલ પૂછ્યાં.
હળવા સ્મિત સાથે માત્ર ઔપચારિકતા પૂરી કરી હોય તે રીતે માથું હલાવી જગદીશભાઈએ આછો પ્રતિસાદ આપ્યો અને પાછા પોતાના વિચારોમાં ખોવાઈ ગયાં.
"દર મહિને હવે તંગી વધતી જ જાય છે. આ પ્રમાણે કેટલાં દિવસ ખેંચીશ ?"જરાક માથું ઉપર કરી તેઓ મનોમંથન કરવા લાગ્યા.
"પણ માત્ર મને જ કેમ ઓછું પડે છે, બાકી લોકોને કેમ તંગી નથી પડતી ? મોંઘવારી થોડી મારા માટે જ વધ્યે રાખે છે ? આ રૂપેશનો પગારેય મારા જેટલો જ તો છે, તોયે મેં એને ક્યારેય ચિંતામાં નથી જોયો. હંમેશા હસતો-મલકાતો જ રહે છે. એનાં ય બૈરાં-છોકરાં તો છેજને, નથી એવું થોડું છે ! કરકસરિયોય નથી લાગતો.હંમેશા ટીપ-ટોપ દેખાય છે. બાપ-દાદા મિલ્કતે નથી મૂકી ગયા કે એમના પૈસે મોજ કરતો હોય. તો પછી કેવી રીતે એની ગાડી પુરપાટ દોડે છે ? અહીં તો મહિનો પૂરો થવા આવે એટલે મોઢામાં કોળિયોય નથી મૂકાતો. પગારની તારીખ જ દેખાતી હોય સામે ! હશે....એનું બૈરું હશે હિસાબ નું પાક્કું. ઘરની સ્ત્રી જો કરકસરપૂર્વક અને જવાબદારીથી મહિનો સાંભળી લે તો પતિને ક્યાં વધારે માથાકૂટ કરવાની જરૂર પડે ? છૂટ્ટા હાથવાળું પનારે પડે તો સાહેબની સામે રોદણાં રોવાનો જ વારો આવેને બીજું શું થાય ! હશે,...જેવાં મારા નસીબ." નસીબ નો વાંક કાઢતા કાઢતા પાછા તેઓ કામ માં ધ્યાન આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
સાંજ પડી.ઘડિયાળ સામું નજર કરી. કલાકો સુધી વાંકાવળીને કામ કર્યા બાદ શરીર થાકયું. હળવા થવા માટે બધા આમ તેમ ગપ્પાં મારવા માંડ્યા. જગદીશભાઈની એક નજર ઘડિયાળ પર અને એક નજર દરવાજા પર હતી. સાતના ટકોરા પડયાં. હજુ સુધી સાહેબ આવ્યાં નહિ. મન અંદરથી અકળાયું. અને અચાનક દરવાજો ખૂલ્યો.મોટા સાહેબ ધસમસતા અંદર આવ્યા અને સડસડાટ પોતાની ઓફિસમાં ચાલ્યા ગયા. જગદીશભાઈને જરાક ટાઢક વળી. અત્યાર સુધી જે આડેધડ વિચારો આવી રહ્યા હતાં તે થોડી હદે શાંત થયાં અને તેમની નજર સાહેબની ઓફિસના દરવાજા પર જઈને ચોંટી. આંખોની સાથે કાન પણ સજાગ થયાં અને જેની કલાકોથી રાહ જોવાઇ રહી હતી તે અવાજ સંભળાયો.
"જગદીશભાઈ..."
"જી સાહેબ..."
જગદીશભાઈ તરત ઊભા થયા.તેમનું પાતળું શરીર ક્ષણ ભરમાં સાવધાન થઇ ગયું અને લગભગ દોડતા દોડતા તેઓ સાહેબની ઓફિસમાં ગયા. એટલીજ વારમાં સાહેબનો ટેબલ પર પડેલો મોબાઈલ ફોન વાગ્યો. ડોક હલાવીને, હાથથી ઈશારો કરી, ઊભા રહેવાનું કહી સાહેબ વાતોમાં મશગૂલ થઇ ગયાં. પંદર મિનિટ રાહ જોયા પછી ફોન મૂકાયો. સાહેબના બોલવાની આતુરતાથી રાહ જોઈ રહેલા જગદીશભાઈ ટટ્ટાર ઊભા હતા. આંગળીઓને આંગળીઓમાં પરોવી અદબભેર સાહેબ સામે થોડી વાર જોઈ રહ્યા અને પછી બોલ્યા,
"જી સાહેબ..."
"અરે , હા...જગદીશભાઈ..... આંખો થોડીક આશાથી ચમકી અને સાહેબને ટીકી ટીકીને જોતી ગરદન ત્વરિત ઉર્ધ્વ દિશા માં ઉઠી."કાલે સવારે તમે જરા વહેલા ઓફિસે પહોંચી જજો. ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના શેઠ આવવાના છે.હું આવું એ પહેલાં જરા સફાઈ અનેનાસ્તા પાણીની વ્યવસ્થા જોઈ લેજો."
"જી
સાહેબ".
"પેલા નવરંગ રોડવેઝને માલ મોકલાવી દીધો ? બે દિવ માં ડીલીવરી આપવાની હતીને !"
"હા સાહેબ મોકલાવી દીધો.."
"ઓકે.....ગુડ....!"
"સાહેબ...,પેલું...."
ફરીથી મોબાઈલ ફોન વાગ્યો.....ટ્રીન..ટ્રીન....ટ્રીન....ટ્રીન.. સાહેબે ફોન ઉપાડ્યો....
"યસ,આઈ વિલ બી ધેર ઈન ટેન મિનિટ્સ ઓન્લી" આઈ વોઝ બીઝી હોલ ડે ટુડે, ડોન્ટ વરી .....જસ્ટ કમિંગ"
"જગદીશભાઈ કાલે જલ્દી આવવાનું ભૂલતા નહિ. મારે હમણાં એક અર્જન્ટ કામ છે. હુંનીકળું છું. તમે સાંભળી લેજો." ફોન ખિસ્સા માં મૂકી સાહેબ ઊભા થઇ ચાલવા મંડ્યા.
"પણ સાહેબ".......
"સી યુ ટુમોરો...આઈ એમ સોરી જગદીશભાઈ..... હેવ ટુ ગો નાઉ ! દરવાજાની બહારથી અવાજ આવ્યો...!
સાહેબ ફરી અદ્રશ્ય થઇ ગયાં. થોડી આશા હતી તેની ઉપર પણ પાણી ફરી વળ્યાં. જેમ સમુદ્રના મોજાં ઉપર ઉલાળો મારે અને ક્ષણવારમાં જ પાછાં જમીન ભણી સમાઈને શાંત થઇ જાય, તેમ જગદીશભાઈના હૃદયમાં ઉઠેલો ઉમળકો ઘડી વારમાં જ નિરાશાથી તળિયે દટાઈ ગયો.
"ઘરે જઈને શું જવાબ આપીશ ? હજુ તો મહિનો પૂરો થવામાં બાર દિવસ બાકી છે. ત્યાં સુધી કેમ કરીને નભશે ?"
પોતાની જ અથા-વ્યથામાં ગૂંચવાયેલા બિચારા ભલા માણસને આજ ઘર પર્યંત પહોંચવામાં બમણો સમય લાગ્યો. પત્ની અને દીકરીની પ્રશ્નાર્થક નજરો અને હતાશ ચહેરાં ઘર ભણી જવા માટે જાણે અદ્રશ્ય રૂપે તેમને અવરોધવા લાગ્યાં.
ખાલી હાથ અને ખાલી મગજ સાથે જગદીશભાઈ ઘરમાં દાખલ થયાં. ચૂપચાપ કપડાં બદલીને પથારીમાં ઝુકાવી દીધું. આંખો મીંચી. પરંતુ ફરી સવારવાળા કોયડાને ઉકેલવા માટે તેમની અવિરત વિચાર પ્રક્રિયા એ એજ વિષયવસ્તુ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું,અને રૂપેશને તેમની સમક્ષ લાવીને ખડો કરી દીધો.
"આખરે એની પાસે એવો તે કેવો ગુરુમંત્ર છે જે મારી પાસે નથી ? હજુ તો કોયડા નો 'ક' સમજાય,એટલીવારમાં પત્ની એ આવીને બૂમ પાડી, "તમે આમ જ જમ્યા વિના કાં સુઇ ગયાં ? સવારે ય ચા-નાસ્તો એમજ પડી મેલ્યાં. તમને આ થયું શું છે ?
અમારી કૈંક તો ચિંતા કરો, અને હા પેલી ફીસનું કઇં..."
વાક્ય પૂરું થાય તે પહેલાં પ્રિયતમનો પિત્તો ગયો. બિચારી રીનાબેન પર જગદીશભાઈ કાળા-ડિબાંગ વાદળોની જેમ પોતાની ક્રોધાગ્નિ વરસાવવા લાગ્યાં, "અરે ,હજુ તો માણસ ઘરમાં પગ મેલે, એકાદ નિરાંતનો શ્વાસ લે એ પહેલાં તો તમ તમારાં પોથાં ખોલીને બેસી જાવ છો. ખબર છે ખરચ પૂરો નથી પડતો, પણ આમ પતિની છાતી પર ચઢી જવાને બદલે, થોડોક હાથ ખેંચ્યો હોત તો સારું નહોતું ? પણ અહીં તો વિવેક વાપરવાને બદલે બસ લાગ જ જુવો છો કે કેવી રીતે સામેવાળાને પૂરો કરીનાંખવો ?"
રીના બેન આશ્ચર્યથી પતિ સામે જોઈ રહયાં. આંખોમાંથી અશ્રુધારા વહીનીકળી. તેઓ કૈં બોલે એ પહેલાં તો જગદીશભાઈ રોષ ભેર ઘરની બહાર ચાલવા માંડયાં.
"આજે તો બસ મારે રહેવું જ નથી અહીંયા,પાછો પગ જ નથી મેલવો ઘર માં."
તીવ્ર ગતિથી ચાલતા અને ગુસ્સામાં લાબોલાબ પતિની પાછળ રીનાબેન ભાન ભૂલીને દોડયાં. પગમાં પથ્થર અથડાતાં પડતાં- પડતાં પોતાને સાંભળીને પાછાં દોડયાં, "મારી ભૂલ થઇ ગઈ, હવે કૈં નહિ બોલું. તમને આવુંના શોભે,પાછા ચાલો,
ભૂલ થઇ ગઈ મારી, ટીનાના પપ્પા પાછા આવો."
રડતી અને કરગરતી પત્નીની જરા પણ પરવા કર્યા વિના, તેને પાછળ મૂકી, જગદીશભાઈ આવેશભેર વેગપૂર્વક નીકળી ગયાં. "જીવવું મુશ્કેલ કરી દીધું છે મારું, ચાલતા ચાલતા જગદીશભાઈ બબડી રહ્યા હતાં. "બાકી બૈરાં પોતાના પતિઓને કેવાં શાનથી રાખે છે ! બે દહાડા ઘરે નહિ જાઉં,આપમેળે અક્કલ ઠેકાણે પડશે." ધૂન માંને રોષમાં એ પણ ભાન ન રહ્યું કે પોતે રસ્તાની વચ્ચોવચ ચાલી રહ્યા હતાં.પાછળથી એક મોટરકાર હોર્ન પર હોર્ન વગાડી રહી હતી...
"પોં....પોં....પોં.....પોં.....પોં....
હોર્નની તેમના ભગ્ન મન અને મગજ પર જરાય અસરના થઇ. આખરે મોટરવાળો બબડતો-બબડતો બહારનીકળ્યો અને તેમનો હાથ પકડી પોતાની તરફ ફેરવી સારો એવો ઉપદેશ આપવા માંડ્યો.
"માફ કરજો,પોતાની ધૂનમાં હતો,કૈં સંભળાયું નહિ." જગદીશભાઈ એ પેલા મોટરવાળાની સામે જોયું.પાછળ વળીને જોયું. બે હાથ જોડી માફી માંગવા લાગ્યા. અને અચાનક તે માણસ જગદીશભાઈનો હાથ છોડી ફટાફટ ગાડીમાં બેસી ઝડપભેર હંકારી ગયો. જગદીશભાઈ કૈં સમજે એ પહેલાં પેલો માણસ ગાયબ થઇ ગયો.
જગદીશભાઈની આંખો પહોળી થઇ ગઈ.તેમણે જે જોયું હતું તે અવિશ્વસનીય હતું.
"મોટા સાહેબ કેમ ઉતાવળે ઝડપભેર મોટરમાં ગોઠવાઈ ગયાં અને ચાલ્યાં ગયાં ? તેમનું વર્તન અજુગતું હતું. જાણે કંઈ છુપાવવાનો પ્રયાસ હતો. તેઓ ડરી કેમ ગયાં હતાં મને જોઈને ?
જગદીશભાઈ સાહેબના અનપેક્ષિત વર્તન વિષે વધુ વિચારે એટલામાં તેમનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. મગજમાં તીવ્ર ગતિથી કૈંક યાદ આવ્યું. આંખો અચંભા અને આશંકાથી પહોળી થઇ ગઈ. તમ્મર ખાતા શરીરનેનીચે ફસડાઈ પડવાનું મન થયું. પરસેવાથી રેબઝેબ, ફાટેલી આંખો અને કાંપતા સ્વરે મોઢેથી શબ્દો નિકળ્યાં..
"આ શું જોયું મેં ? ભાવનાભાભી ? ગાડીમાં સાહેબની સાથે તો ભાવનાભાભી હતાં. રૂપેશનાં પત્ની ?
પરિસ્થિતિ સમજવામાં જગદીશભાઈને વાર ના લાગી અને રૂપેશના ઠાઠ-બાઠ પાછળના કારણને સમજવામાં પણ. પરંતુ અત્યારે તેના ઠાઠ પ્રત્યેની ઈર્ષ્યા કે સુગ કરતાં જગદીશભાઈને પોતાની પત્ની પર કરેલા ક્રોધનો પશ્ચાતાપ વધારે થઇ રહ્યો હતો. તેમનાથી ડૂસકું ભરાઈ ગયું. મેં મારી રીનાને કેટલી હેરાન કરી ? મારે નથી જોઈતી એવી શાન, જે શાન પત્ની પોતાની આબરૂ વધેરીને આપે. હું બીજા લોકોને જોઈને ભટકી ગયો હતો. તેઓ દોડતા દોડતા અને અશ્રુ વહેતી આંખે ઘરે પહોંચ્યા.
આંગણે જ ઊભેલી અને રડતી પત્નીને જોઈ. તેને બાથમાં ભરી લીધી. અનેનાના બાળકની જેમ રડવા લાગ્યાં.
ડૂસકું ભરતાં પત્ની બોલી, "મેં તો અમસ્તું જ યાદ અપાવ્યું હતું, આપને કે ટીનાની ફીસ બાકી છે, તમે તો..."
જગદીશભાઈએ એના મોઢા પર હાથ મૂકી એને ચૂપ કરી,છાતી સરસી ચાંપી અને કહ્યું,"ભૂલ થઇ ગઈ, મારી જીવનસંગીની !"