નામ
નામ
વીતેલા જમાનામાં હેરિટેજ સિટી અમદાવાદ શહેરની એક જાણીતી પોળ. પોળની વચ્ચોવચ એક ચોકઠું, એટલે ખુલ્લી ચોરસ જગ્યા. દિવસભર બાળકોને રમવાનું સ્થળ અને સમી સાંજે યુવાનો માટે મળવાનું, હસવાનું અને મજાક-મસ્તી કરવાનું સ્થાન. મકાનોના ઓટલાઓ ઉપર બહેનોની મંડળીઓ જામે. પોળમાં રહેતાં બધાંના હિસાબ-કિતાબ રજૂ થાય ક્યારેક કૂથલી પણ ખરી. સુખ-દુઃખ પણ વહેંચાય. પણ બધ્ધુજ નિર્દોષ ભાવે કપટ રહિત, પોળમાં આવેલા મુખીના આવાસના સૌથી મોટા અને મોકાના ઓટલા પર ટીનએજ છોકરાઓની મંડળી જામે, આવતી-જતી પોળવાળીઓના નામ પાડવામાં આવે, દરેકની લાક્ષણિકતા જોઈને એનું નામકરણ કરવામાં આવે. પછી એની ઉપર રમૂજોના માળ ચણવામાં આવે. આ બધું ભોળા ભાવે અવિરત ચાલતું રહે.
આજથી પચાસેક વર્ષ પહેલાં મનોરંજન માટે ટીવી, કમ્પ્યૂટર કે સ્માર્ટ ફોન્સ ન હતા, અને રેડિયો શ્રીમંતની નિશાની હતી. એટલે સામાન્ય જન માટે મનોરંજન મેળવવા માટેના આવા જ નાનાં નાનાં સ્ત્રોત હતા. આવી જ એક સાંજ હતી. ઓટલા પર તોફાની મિત્રોની ટોળી બેઠી હતી. રમણ, ઈન્દુ, ચમન, મગન, જીવણ,ચંદુ, ગંગારામ, બાબુલાલ, જયંતી અને કરસન રોજ સાંજ પડે અને પોળના ચોકઠે બેસી રસ્તે આવતાં-જતાં લોકોની ખીલ્લી ઉડાવતા રહેતા હતા. પચાસ વર્ષના બંસીભાઈની રતન પોળમાં સાડીની દુકાન હતી, પણ એમના એકવડા શરીરની લાંબી ડોક પરથી આ તોફાની ટોળકીએ એમનું નામ બંસી, બગલો પાડી દીધું હતું. એવા જ એક કેડેથી વળેલા નારણભાઈ, નાવડી હતા. તો છેડે રહેતા ભાનુભાઈનું નામ ભૂંગળી પાડ્યું હતું. તો લાંબા વાળ વાળી સવિતા સાવરણી, તો નવીસવી પરણીને આવેલી શરદની જાડી બૈરી માલતી મનોરમા કહેવાતી હતી. આ બધાં નામ પાડવામાં સિંહફાળો ચંદુનો હતો. એનું ભેજું નટખટ હતું. ચન્દ્રવદન પળવારમાં કોઈ સ્ત્રી કે પુરુષની ખાસિયત પારખી લેતો હતો અને જે તે પાત્રના ચહેરાની એક લાક્ષણિકતા પકડી લેતો અને કોઈએક નામ એના મોંઢામાંથી નીકળતું હતું. જે ચંદુ તેને ઘેર પહોચે તે પહેલા તેણે પાડેલું નામ જ પોળના ઘરેઘરમાં પ્રસરી જતું હતું.
એક દિવસે પણ એવો જ મજાક-મસ્તીનો માહોલ જામ્યો હતો. બરાબર એ સમયે બહારથી એક પંદર-સોળ વર્ષનો છોકરો ધીમી ચાલે આવતો દેખાયો. મગને ચંદુને કોણી મારીને કહ્યું, 'આ નવું કાર્ટૂન આવ્યું છે, તેનું નામ પાડવાનું બાકી છે.' બધાંને ખબર હતી કે છોકરાનું સાચું નામ ફુલચંદ હતું. સાત-આઠ દિવસ પહેલાં જ ફુલચંદનો પરિવાર એ પોળમાં રહેવા માટે આવ્યો હતો. કનુકાકાના મકાનમાં એક રૂમ ભાડે રાખીને એ લોકો રહેતાં હતાં. અત્યંત ગરીબ સ્થિતિ હતી, પણ ફુલચંદનું નવું નામકરણ કરવાનું બાકી હતું. ચંદુ પળ ભર એકાગ્ર બનીને ફુલચંદને નીરખી રહ્યો. દુબળો અને પાતળો, દાદાના ડંગોરા જેવાડો ટૂંકો અને કાળો, કોઈ પણ છેડેથી જોવો ન ગમે તેવ ફુલચંદને શું નામ આપવું ? એનામાં કંઈક સારું કહી શકાય એવું એક જ પાસું હતું. એનું મોં ગોળાકાર હતું પણ આ ઉપરાંત સોનામાં સુગંઘ એમ તેના શ્યામ રંગના ચહેરા પર શીતળાના ડાઘ પથરાયેલા હતા. આવા છોકરાને શું નામ આપવું ? ત્યાં જ ચંદુની નજર તેની પાછળ ચાલ્યા આવતા વેણીકાકા પર પડી. વેણીકાકા પોળના જ રહેવાસી હતા. રસોઈયાનું કામ કરતા હતા અને ફૂલવડીના કારીગર. એમના ખભા પર હંમેશા ફુલવડી તળવાનો ઝારો રહેલો હતો. લાંબો પાતળો હાથો, ઉપરના છેડા પર આવેલો નાનો લોખંડનો ગોળ કાળો થાળો, એમાં તેલ નિતરવા માટે પાડવામાં આવેલા ગોળ-ગોળ કાણાં. ચંદુના દિમાગમાં ઝબકારો થયો. એ બોલી ગયો, 'ફુલવડીનો ઝારો'
તોફાની ટોળકીમાં હસાહસ થઈ પડી. કેવું ચોક્કસ નામ ? વેણીકાકાના ઝારાને જો વસ્ત્રો પહેરાવી દેવામાં આવે તો એવું જ લાગે કે જાણે નાનો ફુલચંદ ઊભો છે ! ફુલચંદ જેવો ચોકઠેથી પસાર થાય એટલે ટોળીમાંથી કોઈ અચૂક બોલતું – ફૂલવડી જાય – કે, 'ઝારો જઈ રહ્યો છે'.
સ્વમાની ફુલચંદ તેની ગરદનને ઝટકો મારીને પોળની ટોળકીને પૂછતો, 'કોને ઝારો કહો છો ?' ત્યારે ટોળકી કહેતી, 'તને કોઈ નથી કહેતું. આ વેણીકાકાના હાથમાં ઝારો છે. એને જોઈને કહ્યું હતું '. ફુલચંદે પાછળ જોયું. પછી એ ચૂપચાપ ઘર તરફ ચાલી ગયો. પાછળ એની પીઠ ઉપર પ્રચંડ હાસ્યનો કોરસ ધ્વનિ અથડાયો. બીજા દિવસથી તો ફુલચંદ માટે ઘરની બહાર નીકળવું અઘરું થઈ પડ્યું. જેટલી વાર એ પોળમાંથી પસાર થાય એટલી વાર ક્યાંકથી ને ક્યાંકથી દેખાયા વગરનો અવાજ સંભળાય. 'ઝારો જાય છે... ફુલવડીનો માસૂમ ફુલચંદ અત્યંત સંવેદનશીલ છોકરો હતો. ગરીબ માતાનો દીકરો હતો, પણ ભારે સ્વમાની. એના માટે આ પ્રકારની ભદ્દી મજાક સહન કરવી અશક્ય હતી. એક મહિનામાં જ એ તેની માતા સાથે ઘર ખાલી કરીને બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા. આ વાતને ત્રીસ વર્ષ વીતી ગયાં. તોફાની ટોળકીના તમામ સભ્યો પોતપોતાની જિંદગીમાં થાળે પડી ગયા. એ બધામાં ચંદુ સૌથી શેતાની દિમાગ ધરાવતો હતો. એ ખટપટ સાથે ભણીગણીને સરકારી એંજિનીયર બન્યો, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. હવે પોળનું મકાન એના સામાજિક મોભા પ્રમાણે નાનું પડતું હતું. તેને શહેરમાં આવેલા સરકારી વિસ્તારમાં બંગલો મળ્યો અને ત્યાં રહેવા ગયો. વીતેલા સમયની ઝીણી-ઝીણી વિગતો ભૂલાતી ગઈ, પણ મોટી-મોટી જાડી ઘટનાઓ એને યાદ રહી ગઈ હતી. હાલનો મોભો અને પોળનાં તોફાનો યાદ કરી-કરીને એ ક્યારેક હસી પડતો હતો.
એક દિવસ એની છોકરીને મોડી રાત્રિએ પાર્ટીએથી પાછા વળતાં અકસ્માત થયો અને ગંભીર રીતે ઘાયલ થઈ. ચંદુ તાબડતોબ તેને લઈ સિવિલ હોસ્પિટલ ગયો. ઑ પી ડી માં જવાબદાર અધિકારીને મળીને એણે તાત્કાલિક ઈલાજ માટે વિનંતી કરી. અધિકારીએ પોતાની લાચારી જાહેર કરી દીધી, 'આઈ એમ સોરી. કોઈ ડોક્ટર નથી અને પોલીસ કેસ નોધયા વગર હોસ્પિટલમાં એડમિટ નહીં કરી શકાય, નિયમ એટલે નિયમ. તમારી વાત સાચી હોવા છતાં તમારે પહેલા પોલીસ નોંધ કરાવીજ પડશે. આ સિવાય કેસ એડ્મિટ કરવાની સત્તા મારી પાસે નથી.' ' તો એવી સત્તા કોની પાસે છે ?' ચંદુએ પૂછ્યું. પેલા અધિકારીએ હોસ્પિટલના ક્વાટરની દિશામાં આંગળી ચીંધી, 'ત્યાં અમારા મેડિકલ ઓફિસર રહે છે. એમને મળીને રજૂઆત કરી શકો છો.'. હું ડિન સાહેબને ફોન કરી રહી છું તમે સાહેબને મળી રજૂઆત કરો.
ચંદુ એ ક્વાટરનાં બારણાં પર લગાવેલી નેમપ્લેટ વાંચી. ડોક્ટર ફાલ્ગુન પટેલ. (એમડી – એમ એસ) એને ધ્રૂજતા હાથે બેલ દબાવ્યો, અને ચોકીદારને પોતાનું કાર્ડ આપીને કહ્યું, 'સાહેબને કહો કે મારે ફક્ત બે મિનિટ માટે મળવું છે.' ચંદુને એક પળ એક વરસ જેવી લાગતી હતી, ત્યાં ચોકીદારે અંદર જવા ઈશારો કર્યો. ચંદુએ અંદર જઈને સાહેબના ટેબલની સામે રાખેલી મુલાકાતીની ખુરશીમાં બેસી ગયો અને પોતાની છોકરીની તાકીદની સારવારની રજૂઆત કરવા લાગ્યો. વાત કરતાં કરતાં એની આંખો સાહેબની પર્સનાલિટીને નીરખી રહી હતી. જાજરમાન વ્યક્તિત્વ હતું. સપ્રમાણ ભરાવદાર શરીર. કિંમતી પરંતુ સુરુચિપૂર્ણ ઓવર કોટ. આકર્ષક આધુનિક હેરસ્ટાઈલ અને તેજસ્વી આંખો. ચહેરો અલબત્ત થોડો શ્યામ હતો, પણ એના પર બૌદ્ધિકતાનું તેજ પથરાયેલું હતું. બંને ગાલ પર આછા એવા શીતળાના ડાઘ દેખાતા હતા, પણ એ સાવ ઝાંખા થઈ ગયા હતા. ચંદુનું શેતાની દિમાગ કંઈક યાદ કરવા મથી રહ્યું હતું. અચાનક તાળો મળી ગયો. આ તો ફુલચંદ હતો.
ચંદુએ શેતાની કોરાણે રાખી એણે પૂરી વિનમ્રતાથી પૂછ્યું, 'એક્સક્યુઝ મી, સાહેબ. હું તમને પૂછી શકું કે તમારું સાચું નામ ફુલચંદભાઈ હતું કે ફાલ્ગુનભાઈ ?' સાહેબ, 'તમને ઓળખાણ પડતાં આટલી વાર લાગી ? હું તો જોતાવેંત સમજી ગયો કે તમે એ જ ચન્દ્રવદન છો. જેણે મારી જિંદગી બદલી નાંખી હતી. તમે મને ફૂલવડીનો ઝારો કહીને એ વાતનું ભાન કરાવી આપ્યું હતું કે મારા જેવા બાપ વગરના કાળા અને કદરૂપા છોકરા માટે આ જગતમાં સ્વમાનપૂર્વક જીવવાનો ફક્ત એક જ રસ્તો હતો. ભણીગણીને ઉચ્ચ સ્થાન પર પહોંચવાનો. મેં પૂરાં દસ વર્ષ મહેનત કરી અને આજે હું આ સ્થાન પર પહોચ્યો છું. ચન્દ્રવદન ભાઈ ! બોલો ભાઈ હવે હું આવડી રાતે સારવારની "મના" કરું કે ડોકટરનું "નામ" તમારો કેસ એટેંડ કરવા એલોટ કરું ( સૂચવું ), ચન્દ્રવદનજી તમને શું વધારે ગમશે ?'
ડોક્ટરનું કથન સાંભળી, ચન્દ્રવદનને ચિંતામાં સરી જતાં જોઈ, ડોક્ટર ફાલ્ગુન ઊભા થયા અને ચન્દ્રવદનને ખભે હાથ રાખી બોલ્યા, યાર તારી છોકરી તે મારી છોકરી નહીં ? દોસ્તીમાં થોડી મજાક મને પણ કરી લેવા દે .... તું મારાં ક્વાટરે પહોંચે તે પહેલા તારી દીકરીને તાકીદની સારવાર માટેની સૂચના મે નર્સને ફોન ઉપર ઓલ રેડી આપી દીધી હતી.
ભલે વસંત આવતી હોય પાનખર જોઈને,
હસતો હોય છે માનવી કેટલુય રોઈ રોઈને.
સાચો પ્રેમ દાખવવા, આ ફૂલવડી આજે ભૂલી ગયો ભૂતકાળ તને જોઈને...!