પોરો
પોરો
પ્રતિક્ષાને પામવા પરેશે કઇ ઓછા ધમ-પછાડા કર્યા નહોતા. પૈસો, મોટર, બંગલો અને વિશાળ વારસાની વારસદાર પ્રતિક્ષા એક ગરીબ મા-બાપનું સંતાન પરેશ, પ્રતિક્ષાનું મન મોહી શક્યો નહીં. પરેશને મનમાં ઠસી ગયું કે તે પ્રતિક્ષાને વાર તહેવારે નાની મોટી ભેટ નહો આપી શકતો તેમજ તેની ગરીબાઈ જ પ્રતિક્ષાને નહીં પામવાનું કારણ હતું. પછી તો સંસાર ચક્રમા પરોવાઇ પરેશે પળમાટે "પોરો" લીધા વગર દોડ્યો ધનના ઢગલા કર્યા. સ્વરુપવાન પત્નિ પણ મેળવી પણ મનમાં તળીયે પડેલી પ્રતિક્ષાની આજે પણ પ્રતિક્ષા કરી રહ્યો હતો. તેને ભુલવા રાતે શરાબ પીધા વગર તે ઉંઘી શક્તો નહીં. માત્ર વીસ વરસના વરસના ગાળામાં અંતે અકાળે વ્રુદ્ધ થઇ ગયેલા આ પરેશની આંતરીક વેદના કોઈ તેના અંતિમ સમય સુધી કોઈ પણ સમજી શક્યા નહીં જ.
પરેશની પીડાનો પાર નહતો, તેણે જાણ્યું કે પ્રતિક્ષાએ લગ્ન કરી લીધા છે. તે વાત જાણી તે જે પુરુષની સાથે પરણી હતી તે પુરુષને જોવા માંગતો હતો. જેથી તે જાણી શકે કે તેના જેવી સ્ત્રીને પામવા પુરુષમાં શું શું હોવું જોઈએ. પ્રતિક્ષાના એ પતિને જોઇને પરેશને ત્યારે જ લાગ્યું કે આ માણસ પ્રતિક્ષાને સાચવી શકશે નહીં.
પરેશનું અનુમાન સાચું ઠર્યું. આખરે વીસ વરસે પ્રતિક્ષાનું લગ્નજીવન પડી ભાગ્યું હતું. તે અબજોપતિ પતિને છોડીને પાછી માવતરના ઘેર પરત આવી. તે વાત મેં જાણી પોતાની ભૂલ સસમજાઈ.. પૈસો અને દોલત કરતાં, પ્રતિક્ષા માટે તેની મહત્વાકાંક્ષા અને જરૂરીયાત પૂરી પાડી શકે તેવો પુરુષની તેને જંખના હતી. પોતે ખોટો હતો, તેનો હવે તેણે આનંદ હતો.
પરેશની પરત આવી એકલી પડેલી પ્રતિક્ષાને પામવાની લાલસા ચરણ સીમાએ હતી. લગન કર્યા પછી પણ પ્રતિક્ષાનું યૌવન અને રૂપ એવાં હતાં કે ફરી પુરુષોના ટોળા તેની આસપાસ ઘુમવા લાગ્યાં હતા. પરંતુ તે ચારિત્ર્યથી જરા પણ શિથિલ નહતી. પૂરુષ પતિ બને પછી કેટલા બધા પરિવર્તનો એનામાં આવી જાય છે તેનો અનુભવ થયા પછી તે હવે છાશ પણ ફુંકીફુંકીને પીતી હતી. .
ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં પરેશના શ્વાસની ધમણ ઠેઠ દરવાજે સંભળાતી હતી. આમ તો તે હજુ તે ચાલીસીમાં હતો, પરંતુ દારૂની લતે તેના ફેફસા ખરાબ થયેલા હોઇ તેની આ હાલત હતી. જાતે કરી ને ખપી જવાની કયા કારણે પરેશે દોટ મૂકી તે કોઇથી કળતું ના હતું ! રિબાઈ રહેલા પરેશને જોઈ, ઉપરવાળો હવે દોરી ખેંચી લે તેની વાત જોવાનો સમય પણ આવી પહોંચ્યો છતાં પણ પરેશનાં જીવને સદગતી થતી નહોતી. એટલે તેના મનમાં રહી ગયેલી મનખા જાણીને પૂરી કરવા કુટુંબીઓ વારંવાર પૂછપરછ કરતા હતાં પણ પરેશને ને પળનોય ઝોબો નહતો વળતો !
કોલેજનો મિત્ર ઉપહાર જ્યારે પ્રતિક્ષાને તેની પથારી સામે તેડી આવ્યો ત્યારે, તેની આંખે ચમકારો આવ્યો, તેનો અશક્ત હાથ ઓશિકે વાળ્યો અને એક સ્કાર્ફ સાથે પાછો વળી પ્રતિક્ષા સામે લંબાયો, મૂક જુબાન કહેતી હતી, પહેરીલે... બહાર પવન વધારે છે.
પ્રતિક્ષાએ સ્કાર્ફ સ્વીકારતા તેની આંખમાંથી ખરી પડેલા આંસુ તેના ચેહરાનો મેકઅપ ધોઈ તેના તેની ઉપર વળેલી કરચલીઓને છતી કરતાંમાં અટવાઈ ગયાં હતાં. અને પરેશે આભારવશ નજર 'ઉપહાર' સામે નાખી, અને આ જન્મનો "પોરો" લીધો.