Kalpesh Patel

Drama Tragedy

4.9  

Kalpesh Patel

Drama Tragedy

કમાલ

કમાલ

6 mins
460


ખુલ્લી આંખો બંધ રાખીને મનની આંખોથી જોવાની વાત.

ઈકબાલ, મસ્જિદના ઓટલે બેઠો હતો; ત્યાં જ તેને તેના બાળપણના મિત્રો ઈશ્વર અને ઈલિયાસ સાથે મેળાપ થઈ ગયો. તાજેતરનાં કોમી રમખાણના પગલે સતત કરફ્યુને લીધે આ લોકો મહિના પછી પહેલી વાર મળ્યા. ઈશ્વર એક કાબેલ રસૌયો, ઈલિયાસ એક નીવડેલો લેડીઝ દરજી જ્યારે ઈકબાલની વાત જ ન્યારી, “સબ બંદરકા વેપારી”, સુથારી કામ પણ કરે, સિલાઈ અને ઈલેક્ટ્રિકનું કામ વખત આવે કોઈ પણ વિષય ઉપર વિવેચન પણ કરી શકે. તે જ્યારે કંઈ ન કરે ત્યારે કોઈ ને કોઈ “કમાલ” તો જરૂર કરે જેથી, સતત સૌને મદદ કરવા તત્પર રહેતો અને સૌની નિરાશાઓમાં આશા જતાવી ખડખડાટ હસાવે.

ઈકબાલ દેખાવે સામાન્ય પણ તે બહુમુખી પ્રતિભા ધર્વતો હોવાથી આવડતે સૌથી સ્માર્ટ હતો. પ્રાથમિક સ્કૂલકાળ દરમ્યાન ભલભલાના છક્કા છોડાવી દરેક પ્રતિયોગીતામાં અચૂક જીતતો. ઈકબાલ ઈશ્વર અને ઈલિયાસની ત્રિપુટીમાં એ હજુય કુંવારો પણ સુખી હતો. ત્રણેયના ધર્મમાં વિવિધતામાં એક અતૂટ મિત્રતા હતી તથા એકબીજા પ્રત્યે ભારોભાર દયાભાવ સાથે આદર પણ એટલો જ હતો.

ઈકબાલ તેના શાળા જીવનના આ બંને ગાઢ મિત્રોને આર્થિક તેમજ માનસિક મદદ કરવા હંમેશા તત્પર રહેતો. ત્રણે જણા આ મસ્જિદના ઓટલે ભેગા થઈ દુ:ખની વાતોની આપલે કરી ગામના પાદરે પોતપોતાની દહાડી માટે છૂટા પડતાં હતા. ઘણા સમયે મળેલા હોઈ, અઢળક વાતો કરી. હાલમાં અશાંત પરિસ્થિતિને લઈને છૂટક કરફ્યુ મુક્તિ દરમ્યાન કોઈને પૂરતું કામ મળતું નહતું, ઈશ્વરની બહેન અંબાને છેલ્લા દિવસો જતાં હતા, ગયા વર્ષે તેની બહેનના લગનનો ખર્ચ આવેલ હોવાથી તેના હાથ ઉપર ખાસ કોઈ બચત નહતી અને તેથી તે ચિંતામાં હતો. ઈલિયાસ અને ઈકબાલે મદદ કરવાનો કોલ આપ્યો અને એમ નક્કી થયું કે, ઈશ્વરની બહેનની સુવાવડ પતે પછી ગામ છોડી કોઈ મોટા શહેરમાં રૂમ રાખી સાથે રહેવું અને કામ રોજગાર સેટ કરવો.

મોટા શહેરોમાં બેસુમાર નવી વસાહતો સ્થપાઈ હોવાથી, કામનો જરૂર મેળ પડશે અને કોઈ ને કોઈ સમૃદ્ધિનો મારગ જરૂર નીકળશે. ઈક્બાલ આ અંગે સહમત ન હતો. તેના મતે એક તો નવો વિસ્તાર અને નવા માણસો અને ઉપરાંત ઘરના માણસોથી દૂર રહેવાનું, એના કરતાં ઘર આંગણે જે મળે તેમાં સંતોષ માણવો. પરંતુ ઈશ્વર અને ઈલિયાસ એમની વાત ઉપર અડગ હોવાથી વચલો રસ્તો કાઢતા ઈકબાલે સૂચવ્યું કે નવા પારકા મલકમાં નવું કામ કરવા માટે થોડા દિવસ થોભી શાંતિ થાય ત્યાં સુધી રાહ જોવી અને “ઈદ” પછી કઈક કરીશું ! – ભલે વતનનું ગામ છોડવું પડે ; પણ ત્રણેય સાથે રહેવાની મઝા મળશે ! એ આશાએ ઈકબાલ કચવાતા મને બંને મિત્રોને વારાફરતી ભેટી “ખુદા-હાફિઝ” કહી છૂટો પડ્યો.

લશ્કરની નિયમિત કવાયતો અને સામાજિક સંથાકીય પ્રયાસો ને પ્રતાપે પુનઃ શાંતિ ઝપટેભે સ્થપાતી જતી હતી. ગુરુવારે સવારે, ઈશ્વરની બહેનને દવાખાને દાખલ કરવી પડી, અંબાની પ્રસૂતિ ધાર્યા કરતાં જટિલ નીકળી. જેટલું તીવ્ર એનું દરદ હતું એટલી ઝડપી એની પ્રગતિ ન હતી. ગર્ભાશયનું મુખ ખૂલવાની પ્રક્રિયા ખૂબ મંદ હતી. એને ખાસ પ્રકારના ઈન્જેકશનો આપવાં જરૂરી હતાં. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખ્યું અને ઈશ્વરને કહ્યું, આ ઈન્જેકશનો બહારના મેડિકલ સ્ટોરમાંથી લઈ આવે. એ મોંઘા છે, પણ જરૂરી છે…’ ઈશ્વરે તેની સાઈકલ દવાવાળાને ત્યાં ગિરવી મૂકી અને દસ જ મિનિટમાં જરૂરી ઈન્જેકશનોની વ્યવસ્થા થઈ ગઈ. અંબાની સુવાવડની પ્રક્રિયામાં થોડીક ઝડપ આવી. સાંજ પડી ગઈ. પરંતુ અંબાની પરેશાનીઓ વધી રહી હતી. એનાં પેટમાં રહેલા બાળકના હૃદયના ધબકારા પણ અનિયમિત થતા જતા હતા.

શુક્રવારે સવારે ડોકટરે ઈશ્વરને બોલાવી કહ્યું,તારી બહેનનું સીઝેરીઅન કરવું પડશે. હું કહું ત્યાં, તું એક આ કાગળમાં અંગૂઠો મારી આપ એટલે હું ઓપરેશનની તૈયારી શરૂ કરું.’

ઈશ્વરની આંખોમાં ચિંતાના વાદળો ઊમટયા, ‘મારી આ નાજુક બહેનનું પેટ ચીરવું પડશે, સાયેબ ? મોટું ઓપરેશન કરવું પડશે ? અઠવાડિયા સુધી આંઈ દવાખાનામાં રોકાવું પડશે ?’ એની આંખોમાં ચિંતાઓનું પૂર ઉમટી રહ્યું હતું. એમાં બહેન પ્રત્યેનો પ્રેમ તો ખરો, પરંતુ એના કરતાં વધું તો અર્થકારણ હતું. એના સવાલોના એક-એક શબ્દમાંથી રૂપિયા ક્યાંથી લાવીશ ? તેનો રણકાર ખરતો હતો. આમ દરદીઓની માફક તેની પણ એ જ ‘સાધારણ’ સમસ્યા હતી. એની પાસે પીડા હતી, પણ પૈસો ન હતો.

ઈશ્વરે મન કાઠું કરીને અંગુઠો મારી આપ્યો, અને ડોકટરને પૈસા ચૂકવવાની હૈયાધારણા આપી, તેના મિત્રો ઈલિયાસ અને ઈકબાલ પાસે મદદ માટે જવાનો નિર્ણય કરી લીધો,તે ઈલિયાસને લઈ,શુક્રવારની બપોરે ગામની મસ્જિદને ઓટલે આવી ગયા. પણ બપોરનો દોઢ થવા આવ્યો,જુમાની નમાજ પૂરી થઈ અને આખી મસ્જિદ ખાલી થઈ છતાંય ઈક્બાલનો કશો પતો હતો નહીં. તેની ઓરડીએ સાઈકલ લઈ બંને ગયા અને તપાસ કરી તો ખબર પડી કે, મિયાં તો વહેલી સવારેજ તેનું એક્ટિવા લઈ ઓરડીએથી બાહર નીકળી ગયો હતો.

“આ ઈકબાલ તો “કમાલ” કિસમ નો બિરાદર છે ! કદી પરિસ્થિતિની ગંભીરતાને સમજતો જ નથી, તે મારી મુસીબતને નજર અંદાજ કરતો લાગે છે, મારો હારો મિયો ખરે સમયે મને નોંધારો છોડી, હાથતાળી આપી ગયો ગયો, ઈશ્વરે ઈલિયસને કહ્યું,” આ ભાંજગડમાં બપોરના ચાર વાગી ગયા અને બંને ખિન્ન હૃદયે પાછા મસ્જિદે ગયા, કદાચ બિરાદર મળે તે આશાએ અને મસ્જિદના ઓટલે બેઠા, ત્યાં આ લોકોને જોતાં, મસ્જિદના મૌલવીએ એક કવર ઈશ્વરને સુપરત કરતાં જણાવ્યુ કે ઈકબાલ તો ગઈકાલે સવારે કોઈ જરૂરી કામે શહેરમાં ગયો છે. અને તમારી જોડીમાંથી કોઈ આવે તેને આ દસ હજાર રૂપિયા આપવા એવું કહી ગયો છે, કહેતા કવર તેઓને આપ્યું. રુપિયાનું કવર જોતાં બંનેને પોતાની ઉપર શરમ આવી, નાહકના ઈકબાલ માટે ઘસાતું બોલી પાપમાં પડ્યા, ચાલો મળશું ત્યારે માફી માંગીશું એવો વિચાર કરી, મસ્જિદથી બંને સીધા હોસ્પિટલ પહોચ્યા..

‘સાયેબ, બધું બરાબર છે ને ! ઈશ્વર અને ઈકબાલે હોસ્પિટલ પહોચી ડોક્ટરને લાગતું પૂછી લીધું,તમે મને વચન આલ્યું હતું કે મારી બહેનને કંઈ નહીં થાય !’

‘હા, કીધું તો હતું...... પરંતુ ભગવાનની મરજી પ્રમાણે, તારી બહેનને કંઈક તો થયું છે !’

‘શું ? શું થયું છે…?’ ઈશ્વરે આવેશમાં આવી ને પૂછ્યું 

‘દીકરો !’

ડોકટરે તેમના ચહેરા પરની બનાવટી ગંભીરતા ખંખેરીને સમાચાર આપ્યા. એ સાથે જ ઉનાળાની બપોર આષાઢી સાંજમાં ફેરવાઈ ગઈ. છેલ્લા છત્રીસ કલાકમાં એ ક્ષણે પહેલી વાર ઈશ્વરના ચહેરા ઉપર ખુશીનાં ગુલાબો ખીલી ઉઠ્યા, અને ઈલિયાસે તેને મામા બન્યાની વધાઈ આપી.ચોથે દિવસે અંબાને હોસ્પિટલથી રજા મળી.

એક પખવાડિયું પસાર થઈ ગયું. ઈશ્વર તેની બહેનના સાસરિયાં અને દૈનિક કામના ચક્કરમાં હતો, એવું જ કઈ ઈલિયસ સાથે હતું તે પણ તેના ઘેર મહેમાનની સરભરમાં હતો. અને રહી વાત ઈકબાલની, બંને મિત્રો તેને મળી માફી અને તેનો આભાર માનવા ઉત્સુક હતા, તો આ સમય દારમ્યાન બિરદાર ગાયબ હતા, તેનો અતો પતો નહતો. આજે આ વરસની ઈદ અને શુક્રવારનો સંયોગ હતો, બંને મિત્રોએ વિચાર્યું ઈકબાલ આજે જરૂર ઈબાદત કરવા મસ્જિદે મળશે જ, આ વિચારે ઈશ્વરે સેવ બનાવી અને ઈલિયાસે ખીર બનાવી બંને સવારે મસ્જિદે ગયા, ત્યાં ઈકબાલ તો ન મળ્યો પરંતુ એક લાંબી લચક ગાડી લઈ ડ્રાઈવર તેમની રાહ જોતો ઊભો હતો. પહોચતા વેત સમાચાર આપ્યા કે ઈકબાલની હાલત સારી નથી, તેની તબિયત નાજુક છે અને તે શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યોતિ મીલના માલિક તનુમલ શેઠે તેઓને તેડી લેવા આ ગાડી મોકલી છે. બંને મિત્રોએ ઝપાટે ઘેર સમાચાર મોકલી આવેલ ગાડીમાં બેસી ઈકબાલને મળવા રવાના થયા.

હોસ્પિટલમાં તેઓ પહોચ્યા ત્યાં સુધીમાં ઈકબાલનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું.અંતિમ વિધિ વખતે મિત્રોને ખબર પડી કે ઈકબાલે તેની એક કિડની તનુમલ શેઠના એકને એક દીકરાને બચાવા આપી હતી, તનુમલ શેઠની સાથે ઈકબાલની દફન વિધિ પતાવી ઈશ્વર અને ઈકબાલ જ્યારે સૂમસામ કબ્રસ્તાનનો દરવાજો બંધ થતો જોઈ મિત્રની યાદમાં વ્યથિત થતાં હતા ત્યારે, તેઓને માટે સમૃદ્ધિનો દરવાજો ખૂલી ચૂક્યો હતો તેનાથી બેખબર હતા.

શેઠ તનુમલ બંને મિત્રોને પોતાની કોઠીએ આદર સહ તેડી ગયા. તેમના તરફથી ઈકબાલે તેમના દીકરાનું જીવન બચાવવા આપેલ કિડનીની રકમ,ઈકબાલ બંને મિત્રોને નામે નોમિનેટ કરી ગયેલો હતો જે તે બંનેને મળવાની હતી. ઉપરાંત તનુમલ શેઠે પોતાનો દીકરો બચી ગયો તે ખુશાલીમાં,બંનેને પોતાની કંપનીમાં કાયમી નોકરીએ રાખી દીધા હતા અને એટલે કંપની કોલોનીમાં બંનેને રહેવા માટે સરસ આવાસ મળવાના હતા.

શેઠની મહેમાનગતિમાં કોઈ કમી નહતી, પણ બંનેના મન ઉપર ઈકબાલના “આભારનો ભાર” ખમાતો નહતો. ભારે હૃદયે વિચારતા હતા મારા હારા ઈક્બાલ મિયાએ તો ભારે “કમાલ” કરી ! 

દરેક સમયની જેમ આ વેળાએ પણ તેણે ઊલટું કર્યું, “ઈદી” લેવાને બદલે આપી ગયો. બીજા માટે સદા જીવતો ઈકબાલ આ વખતે હંમેશ માટે હાથતાળી આપી બંને મિત્રોના જીવનમાં વસંત લહેરાવી અમર થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Drama