Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Abid Khanusia

Drama Romance Tragedy


1.9  

Abid Khanusia

Drama Romance Tragedy


કિરણ ઉજાસનું

કિરણ ઉજાસનું

20 mins 722 20 mins 722

ગુલાબી રંગના સલવાર કમીજ પર કસુંબલ રંગનો દુપટ્ટો ઓઢી મેઘના ધર્મશાલા શહેરમાં પ્રવાસીઓની ભીડ ચિરતી ચિરતી લગભગ બજારના બીજા છેડે પહોંચવા આવી હતી. સુરજ આથમી રહ્યો હતો. હજુ હવામાં ઉકળાટ હતો. જૂન મહિનો અડધો થવા આવ્યો હતો. આકાશમાં વાદળ બંધાતા હતા પરંતુ વરસાદ આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. સાંજ હળવે પગલે તેના આગમનની છડી પોકારી રહી હતી. ભીડમાંથી બહાર નીકળી એટલે મેઘનાને હવાની ઠંડી લહેરખીઓનો સ્પર્શ વર્તાયો. પ્રસ્વેદથી ભીંજાએલ શરીર પર ભેજ વાળી હવાના હળવા થપેટા શરીરમાં ઠંડક પ્રસરાવતા હતા. તે થોડીવાર આંખો બંધ કરી ઠંડી હવાને માણતી માણતી આગળ વધતી રહી. એકાએક તેની સાથે કોઈ અથડાયુ એટલે તેની આંખો ખૂલી ગઈ. તેને ટકરાનાર ત્રિસેક વર્ષના યુવાનને બે હાથમાં પ્લાસ્ટીકની થેલીઓમાં કરિયાણાની અને બીજી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈ ઉભેલો તેણે જોયો. તેને લાગ્યું કે વાંક તેનો પોતાનો જ હતો. તેણે આંખો બંધ રાખી ચાલવું જોઈતું ન હતું. પેલા યુવાને તેના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલી સહિત હાથ ઊંચો કરી પોતાના મોઢામાં દાંતો વચ્ચે દબાવી રાખેલ કોઈ કાગળ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કરતાં દબાએલા આવાજે મેઘનાને “સૉરી” કહ્યું. મેઘનાએ “ ઇટ્સ ઑલ રાઇટ “ કહ્યું. તે દરમ્યાન યુવાનના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલી ફાટી ગઈ એટલે તેમાં ભરેલી ચીજ વસ્તુઓ વેરાઈ રોડ પર ફેલાઈ ગઈ. યુવાન બીજા હાથમાં રહેલી થેલી બાજુ પર મૂકી વેરાએલી ચીજ વસ્તુઓ એકઠી કરવા લાગ્યો. આ બાજુ ટ્રાફિક ઓછો હતો તેમ છતાં કોઈને અડચણ ન પડે તે માટે તે ખૂબ ત્વરાથી વસ્તુઓ એકઠી કરવા લાગ્યો. મેઘના પણ પેલા યુવાને મદદ કરવા દૂર જઈને પડેલી ચીજ વસ્તુઓ એકઠી કરવા લાગી. એકઠી કરેલી વસ્તુઓમાં દવાની ગોળીઓનું એક પેકેટ પણ હતું. મેઘનાએ ટેબલેટનું નામ વાંચ્યું. તે ડિપ્રેશન દૂર કરવા માટે વપરાતી ટેબલેટ્સ હતી. 


મેઘના બાજુની એક દુકાનમાં જઇ એક ખાલી પ્લાસ્ટિકની થેલી લઈ આવી અને એકઠી કરેલી વસ્તુઓ તેમાં ગોઠવવા લાગી. તેણે ટેબલેટ્સનું પેકેટ સૌથી ઉપર મુક્યું અને થેલી યુવાનના હાથમાં થમાવતાં બોલી “ તમારે ડિપ્રેશનની ગોળીઓ લેવી પડે છે ?” પેલા યુવાને એક નિસાસો નાખી કહ્યું “ ના, એ મારા પુત્ર માટે છે. “ 

મેઘના “એટલી નાની ઉમરમાં ડિપ્રેશન ...? “ બાય ધ વે, મારુ નામ મેઘના છે.” 

યુવાન બોલ્યો “ મારુ નામ મયુર છે. મારો પુત્ર એક દુર્ઘટનાનો શિકાર થયો હતો જેના કારણે તે માનસિક સમતોલન ગુમાવી બેઠો હતો. દવાઓથી હવે તેનું માનસિક સમતોલન સારું થઈ ગયું છે પરંતુ તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો છે. ડોક્ટરે તેને આ દવા લખી આપી છે અને કહે છે કે ઘણા વર્ષો સુધી આ દવાનું નિયમિત સેવન કરવું પડશે ત્યારે ફાયદો થશે. 

મેઘના “ જો આપને વાંધો ન હોય તો હું આપના પુત્રને મળવા માગું છુંં.”

મયુર “ આપ ડોક્ટર છો ? “

મેઘના “ ના હું ડૉક્ટર નથી.....” પળેક પછી તે શબ્દો ગોઠવી બોલી હું “નાના બાળકોના કુમળા માનસ પર થતી સામાજિક અસરો” વિષય પર એક શોધ નિબંધ લખી રહી છુંં. હું આપના પુત્રને મળી તેના મગજને વાંચવાનો પ્રયત્ન કરવા ઈચ્છુંં છુંં. 

મયુર “ ઓ.કે., નો પ્રોબ્લેમ, પણ મારી આપને વિનંતી છે મારા પુત્ર આર્યનને કોઈ માનસીક શોક લાગે તેવી કોઈ વાત કે તેવા કોઈ પ્રશ્નો ન પૂછતાં, પ્લીઝ”

મેઘના “ ઓ.કે., ડન”


મયુર અને મેઘના આગળ ચાલ્યા. થોડાક પગલાં ચાલી મેઘનાએ મયુર પાસેથી એક થેલી પોતાના હાથમાં લઇ લીધી. મયુરે કોઈ વાંધો ન લીધો.

લગભગ અંધારું થવા આવ્યું ત્યારે તેઓ ઢોળાવ ઉતરી એક સામાન્ય દેખાતી વસ્તીમાં પ્રવેશ્યા. રસ્તા પર ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા હતા. નગરપાલિકા આ વિસ્તારમાં સફાઈ માટે કોઈ ધ્યાન આપતી ન હતી તે બાબત સ્પષ્ટ પણે ધ્યાને આવતી હતી. રસ્તામાં એક પાનના ગલ્લા પરથી મેઘનાએ થોડીક ચોકલેટ, પીપરમીંટ અને બિસ્કીટ જેવી વસ્તુઓ ખરીદી.


મયુર અને મેઘના સિંગલ બેડરૂમ, કિચન અને હૉલ ધરાવતા નાના ઘરમાં પ્રવેશ્યા. ઘરમાં પ્રવેશી મયુરે લાઈટ ઓન કરી અને મેઘનાને “ આવો “ કહી આવકાર આપ્યો અને સોફા પર બેસવા ઈશારો કર્યો. ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી. લાઈટ થઇ તેમ છતાં પલંગમાં સૂતેલા આર્યને આંખો ન ખોલી. મયુર મેઘના માટે પાણી લાવવા રસોડામાં ગયો એટલે મેઘના સીધી આર્યનના કૉટ પર બેસી ગઈ અને હળવેથી આર્યનના માથામાં હાથ ફેરવવા લાગી. કોઈ મૃદુ હાથ પોતાના માથામાં ફરતો જોઈ આર્યન થોડોક સળવળ્યો. તેણે પાસું બદલી આંખો ખોલી. સામે કોઈ અજાણી યુવતીને જોઈ પહેલાં થોડો શરમાયો પછી હળવેથી પોતાના ચહેરા પર હાસ્ય લાવી કઇં પણ બોલ્યા સિવાય ચૂપચાપ તેણે ફરીથી તેની આંખો બંધ કરી દીધી. 


મયુરે ધરેલો પાણીનો પ્યાલો લઇ મેઘના સોફા પર જઈ બેસી ગઈ. પાણી પી તેણે લાવેલી ચોકલેટ, પિપરમિંટ અને બિસ્કિટ આર્યનના કૉટ પાસે પડેલ ટીપોઈ પર મૂક્યા અને મયુરને પૂછ્યું “ જો આપને વાંધો ન હોય તો આર્યન સાથે શી દુર્ઘટના થઇ હતી તે હું જાણવા માંગુ છુંં.” 


એક લાંબો શ્વાસ ખેંચી મયુર બોલ્યો. “ શર્મિલા મારી ચિત્રકલાની દીવાની હતી. તે પોતે જેટલી સુંદર હતી તેનાથી વધારે સુંદર વાયોલિનવાદક હતી. હું તે વખતે મારુ કિસ્મત અજમાવવા મુંબઈ રહેતો હતો. મારી અને શર્મિલાની મુલાકાત મુંબઈની આર્ટ ગેલેરીમાં થઇ હતી. તેને મારા ચિત્રો ગમ્યા હતા. તેણે મારા ચિત્રોના ખુબ વખાણ કર્યા અને મને તેનું પોતાનું એક પોર્ટરેટ બનાવી આપવા વિનંતી કરી. મેં કહ્યું પોર્ટરેટ બનાવવામાં ઘણા દિવસો લાગશે અને ઓછામાં ઓછા વીસ દિવસ સુધી રોજ છ થી આઠ કલાક મારા સ્ટુડિયોમાં મારી સમક્ષ બેસી રહેવું પડશે. તેણે મારી શરત સ્વીકારી લીધી.


થોડાક દિવસોમાં તે મારા સ્ટુડીઓમાં પોતાનું પોર્ટરેટ બનાવવા તેનું વાયોલિન લઇ આવી પહોંચી. તે એક સારી મોડેલ પુરવાર થઇ. વીસ દિવસના બદલે પંદર દિવસમાં તેનું પોર્ટરેટ તૈયાર થઈ ગયું. તે પોતાનું ચિત્ર જોઈ એકદમ ખુશ થઈ ગઈ અને ભાવુક થઈ મને તેના ગળે લગાડી એક કીસ કરી લીધી. ત્યાર પછી અમારી મુલાકાતો વધી ગઈ. તે મને ચાહવા લાગી હતી. શર્મિલા મુંબઈના એક પ્રખ્યાત મ્યુજીકલ ગ્રૂપ સાથે જોડાએલી હતી. તેમનું ગ્રૂપ વિદેશ જવાની તૈયારી કરતું હતું ત્યારે શર્મિલા મારી પાસે આવી અને બોલી “ મયુર આઈ લવ યુ, હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છુંં છુંં. હું મારી વિદેશની ટ્રીપ પૂરી કરી એક મહિના પછી પાછી આવું એટલે આપણે લગ્ન કરી લઈશું. તું બધી તૈયારી કરી રાખજે. “ 


“ મારે લગ્ન માટે કોઈ ઝાઝી તૈયારી કરવાની ન હતી. હું આ વિશ્વમાં એકલો હતો. ખૂબ થોડા મિત્રો હતા. સામે પક્ષે શર્મિલાને પણ માતા પિતા ન હતા. તેણે તેની મોટી બહેન સાથે રહી અભ્યાસ કર્યો હતો. તેના જીજાજી કેન્દ્ર સરકારમાં સરકારી અધિકારી હતા. તેમની આખા દેશમાં કોઈ પણ જગ્યાએ બદલી થતી રહેતી હતી. તે વખતે તેમનું પોસ્ટિંગ મુંબઈમાં હતું. લગ્નની તૈયારી કરવામાં શર્મિલાની બહેને મને મદદ કરી હતી. શર્મિલા વિદેશથી પાછી ફરી એટલે અમે થોડાક મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. બે વર્ષ ખૂબ આનંદથી પસાર થઈ ગયા. અમારા જીવનમાં આર્યનનું આગમન થયું. આનંદ બેવડાઈ ગયો. આર્યન બે વર્ષનો થયો ત્યારે અમે સિમલા, કુલુ મનાલી ફરવા ગયા. સિમલાની ઠંડી હવાઓમાં શર્મિલા રોજ તેના વાયોલિન પર ખૂબ મીઠી મીઠી ધૂન વગાડતી રહેતી હતી. નાનો આર્યન તેની મમ્મીનું વાયોલિનવાદન સાંભળી ખૂબ ખુશ થતો અને શર્મિલા પાસેથી વાયોલિન ખેંચી શર્મિલાની નકલ કરતો હોય તેમ વાયોલિનના નેકની સ્ટ્રિંગ્સ પર બો ફેરવી વાયોલિન વગાડવાની કોશિશ કરતો પરંતુ તેમાં સફળતા ન મળતાં રડી પડતો. અમે આર્યન માટે એક નાનકડું વાયોલિન ખરીદ કરી તેને રમવા આપ્યું.” 


“પ્રવાસેથી અમે પછા ફર્યા તેના થોડા સમય પછી શર્મિલાએ મને કહ્યું કે તે તેના ગ્રૂપ સાથે છ મહિના માટે ફરીથી વિદેશમાં પર્ફોર્મન્સ આપવા જવા માગે છે. મે તેને આર્યનની નાની ઉંમરને ધ્યાને રાખી વિદેશ પ્રવાસમાં ન જોડાવાની સલાહ આપી પરંતુ તે ન માની અને આર્યનને મારા હવાલે કરી તે વિદેશ જવા રવાના થઈ ગઈ. હું નાના આર્યનને સાચવવા અસમર્થ હતો તેથી મે મુંબઈ છોડી કુદરતી સૌંદર્યથી ભરપૂર આ શહેરમાં વસવાનું નક્કી કર્યું. મેં આર્યનની દેખભાળ રાખવા માટે એક આયા રાખી. આર્યનની આયા મિસ જેસિકા આધેડ વયની અને ખૂબ ભલી બાઈ હતી. આર્યન તેમની દેખરેખમાં ઉછેર પામવા લાગ્યો. શર્મિલાના ગ્રૂપને વિદેશમાં નવા નવા કોંટ્રેક્ટ મળતા હતા એટલે તેમની ટ્રીપ લંબાતી ગઈ. શર્મિલા અવારનવાર ફોન દ્વારા આર્યનના સમાચાર મેળવતી રહેતી હતી. હું તેને આર્યનના હિત ખાતર તેનો વિદેશ પ્રવાસ ટૂંકાવી ઘરે પરત આવી જવા વિનવણીઓ કરતો રહ્યો પરંતુ તે ખૂબ મહત્વકાંક્ષી હોવાથી સ્વદેશ પરત ફરવા તૈયાર ન હતી.” 


“શર્મિલાનું વિદેશનું રોકાણ લગભગ ત્રણ વર્ષ સુધી લંબાયું. આર્યન પાંચ વર્ષનો થવા આવ્યો હતો. તેને મેં સ્કૂલમાં દાખલ કર્યો હતો. ભણવાની સાથો સાથ તે સંગીત પણ શિખતો હતો. તેને તેની મમ્મીની જેમ વાયોલિનવાદનમાં ખૂબ રસ હતો. તે ખૂબ સરસ રીતે વાયોલિન વગાડતો હતો. વાયોલિનની બો ફેરવતાં ફેરવતાં તે આંખો મીંચી રસતરબોળ થઈ જતો હતો. હું આર્યનના વાયોલિન વગાડતા ફોટા અને વિડીયો શર્મિલાને મોકલતો. તે તેનાથી ખુશ થતી હતી. એકાએક થોડાક સમય પછી તેના ફોન આવતા બંધ થઈ ગયા. તેણે તેનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો. શર્મિલા બીઝી હશે તેમ માની હું મન મનાવતો રહ્યો. તેના ફોન આવવા બંધ થયાને લગભગ છ એક માસ પછી મને જાણવા મળ્યું કે શર્મિલાનું ગ્રૂપ વિદેશથી પરત આવી ગયું છે અને શર્મિલા તેના ગ્રૂપ ઓર્ગેનાઇઝર સાથે તેના ઘરે રહે છે. મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. શર્મિલાનું આ પગલું મારી સમજથી પર હતું.” 


“ હું એક દિવસે શર્મિલાના સમાચાર જાણવા તેની મોટી બહેનના ઘરે દેહરાદૂન ગયો. મને ત્યાંથી જાણવા મળ્યું કે શર્મિલા માઈકલ સાથે મુંબઈમાં રહે છે. શર્મિલાની બહેન અને બનેવીને શર્મિલાનું આ પગલુ ગમ્યું ન હતું. તેમણે શર્મિલાને પોતાના પુત્રના હિત અને ભવિષ્ય માટે માઈકલનો સાથ છોડી મારી માફી માગી મારી સાથે રહેવા આવી જવા સમજાવવાની ખૂબ કોશીશો કરી હતી પરંતુ શર્મિલા કદાચ માઈકલની ધન દોલત પાછળ આંધળી થઈ ગઈ હતી. હું શર્મિલાની બહેન પાસેથી તેનું સરનામું અને મોબાઈલ નંબર મેળવી ઘરે આવ્યો. મે શર્મિલાનો ફોન પર સંપર્ક સાધવા ઘણી કોશિશ કરી પરંતુ તે મારા ફોન એટેન્ડ કરતી ન હતી. મારા અવાર નવાર ફોન કરવાથી તેણે મારો નંબર બ્લોક કરી નાખ્યો. હું આર્યન ને લઈ શર્મિલાને રૂબરૂ મળવા મુંબઈ ગયો. મારે શર્મિલા પાસેથી તેણે અમને શા માટે તરછોડ્યા હતા તેટલું જ જાણવું હતું. ” 


“માઈકલનો બંગલો ખૂબ વિશાળ હતો. ગેટ પર ચોકીદારને પૂછતાં ખબર પડી કે માઈકલ તેના સ્ટુડિયો પર ગયો હતો અને શર્મિલા ઘરમાં હતી. મે ચોકીદારને શર્મિલાને મળવા જવા માટે દરવાજો ખોલવા વિનતિ કરી પરંતુ મેં આગાઉથી એપોઇંમેંટ મેળવી ન હોવાથી તે મને બંગલામાં જવા દેવા તૈયાર ન હતો. મે ખૂબ કાકલૂદી કરી આર્યન તેને મળવા માગે છે તેવો સંદેશો આપવા જણાવ્યુ. ચોકીદારને મારા પર દયા આવી એટ્લે તેણે ફોન પર શર્મિલાનો સંપર્ક કરી આર્યન મળવા માગે છે તેવા સમાચાર આપ્યા. ચોકીદાર થોડીવાર શર્મિલાને ટેલિફોન પર સાંભળતો રહ્યો. ચોકીદારે મારુ નામ પૂછી શર્મિલાને જણાવ્યુ. શર્મિલાએ અમને મળવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. નિરાશ થઈ અમે થોડીવાર ત્યાં ઊભા રહ્યા. ચોકીદાર અમારી મુઝવણ સમજી ગયો હતો. તેણે કહ્યું “ સાહેબ મેડમે આપને મુલાકાત આપવાની સ્પષ્ટ ના પાડી છે તેથી હું આપને બંગલામાં જવા નહીં દઉં મને માફ કરજો અને મહેરબાની કરી અહીથી ચાલ્યા જાઓ નહિતર મારી નોકરી જશે.”


“ ચોકીદારની વાત સાંભળી આર્યન રડવા લાગ્યો. આર્યન તેની વાયોલિન લઈને આવ્યો હતો. તે પોતાની મમ્મીને પોતે તૈયાર કરેલી કેટલીક મીઠી ધૂનો સંભળાવવા માગતો હતો. તેની મમ્મી મારો સાથ છોડી પરાયા પુરુષની સોડમાં ભરાણી છે તે વાત હજુ તે સમજતો ન હતો. તેને એમ હતું કે તેની મમ્મી કોઈ પ્રોગ્રામ માટે અહી આવી છે.” 


“ અમે ધીમા પગલે ત્યાંથી ચાલવા માંડ્યા. લગભગ પચાસ ડગલાં જેટલું ચાલ્યા હતા ત્યાં ચોકીદારની બૂમ સંભળાઈ તે બોલ્યો “ સર, મેડમ આપને અંદર બોલાવે છે” આર્યન રડતાં રડતાં હસી પડ્યો. ચોકીદારે દરવાજો ખોલી અમોને ઈજ્જતભેર પ્રવેશ કરાવ્યો. માઈકલનો બંગલો ખૂબ વિશાળ અને અધ્યતન હતો. બંગલાની સામે અરબી સમુદ્ર ઘૂઘવતો હતો. દરિયા પરથી આવતી ભેજયુક્ત હવા બંગલાના વિશાળ બગીચામાં ઉભેલા રંગ બેરંગી છોડવાઓને હળવા ધક્કાથી હલાવતી હતી. આર્યન ફૂલછોડ જોઈ ખુશ થઈ ગયો અને મને પૂછ્યું “ ડેડી, આ મમ્મી નો બંગલો છે ? “ મે હકારમાં માથું હલાવ્યું એટ્લે તે બોલ્યો “ તો પછી આપણે હવે અહિયાં રહીશું એમ ને ? “ મે કોઈ જવાબ ન આપ્યો. મારી નજર બાલ્કનીમાં ઊભેલી શર્મિલા પર પડી. તેનો ખૂબ કિમતી પહેરવેશ અને આભૂષણોથી લદાએલો દેહ તેની સમૃધ્ધિની ચાડી ખાતા હતા. તેનું શરીર પહેલાં કરતાં પણ વધારે સ્લિમ દેખાતું હતું પરંતુ તેના ચહેરા પર પહેલાં જેવી ચંચળતા કે સ્નિઘનતા ન હતી. તે ચિંતામાં સુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. તે ભાવહીન ચહેરે અમોને જોઈ રહી હતી. તેના દિમાગમાં કોઈ મોટું માનસિક યુધ્ધ ચાલતું હોય તેવું હું અનુભવી શક્યો હતો.”


“ જ્યારે બંગલાનો દરવાજો ખૂલ્યો ત્યારે તે વિશાળ દીવાનખંડમાં ઊભી હતી. તેનો ચહેરો સુકકો અને ભાવહીન હતો. આર્યન “ મમ્મી...મમ્મી..” કહેતો તેને મળવા દોડ્યો પરંતુ તેણે આર્યનને તેના ગળે પણ ન લગાડ્યો. જાણે તે તેનો પુત્ર જ ન હોય તેવું તેણે રુક્ષ વર્તન કર્યું. આર્યન અને હું ડઘાઈ ગયા. તેણે અમને બેસવાનો વિવેક પણ ન કર્યો. એક દમ રુક્ષ સ્વરે તે બોલી “ મયુર આઈ.એમ. સોરી “ મે કાયમી રીતે માઈકલ સાથે રહેવાનુ નક્કી કરી દીધું છે. મને તેનું કારણ ના પૂછતા. આર્યનને સાચવજો અને ફરીથી મને મળવાનો પ્રયત્ન ન કરતા “ આટલું બોલી તે લથડતી ચાલે લાલ મખમલથી મઢેલી સીડીના પગથીયા ચઢી બેડ રૂમ તરફ ગઈ. આર્યને તેના વાયોલિન પર એક મધુર ધૂન વગાડી. શર્મિલાએ એક પળ...હા ફક્ત એક પળ માટે તેની ગરદન ફેરવી આર્યન પર નજર નાખી અને દોડતી બેડરૂમમાં દાખલ થઈ ગઈ. “ મારા કરતાં આર્યન વધારે ડઘાઈ ગયો. અમે દરવાજા તરફ જવા ફર્યા ત્યારે માઈકલ દરવાજામાં ઊભો હતો. મને અને આર્યનને જોઈ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે એકદમ ગુસ્સાથી બરાડી ઉઠ્યો “ તમને બંગલામાં કોણે આવવા દીધા ? “ આર્યન બોલ્યો “ અંકલ પ્લીઝ મને એક વાર મારી મમ્મીને મળવાદો ને ... મારે તેને મારી વાયોલિન પર કેટલીક ધૂનો સંભળાવવી છે. હું પણ તેના જેવુ સરસ વાયોલિન વગાડુ છુંં...” માઈકલે કઇં પણ બોલ્યા સિવાય આર્યન પાસેથી વાયોલિન ઝૂંટવી લઈ પોર્ચમાં ફેંકી દીધું. આર્યનની વાયોલિન તૂટી ગઈ. તેણે રડતાં રડતાં તૂટેલી વાયોલિનના ટૂકડા એકઠા કર્યા. મે હળવેથી તેને ઊભો કર્યો. તે હીબકે ચઢ્યો હતો. અમે બંગલાની બહાર આવી ગયા. મે એક વાર બંગલા તરફ નજર નાખી. મને આશા હતી કે આર્યનને જોવા શર્મિલા જરૂર બાલ્કનીમાં ડોકાશે પરંતુ મારી આશા ઠગારી નીકળી.”


"મુંબઈથી પરત આવતા હતા ત્યારે ટ્રેનમાં જ આર્યનને ખૂબ તાવ ચઢ્યો હતો. તે “મમ્મી.... મમ્મી....” કહી લવરી કરતો હતો. હું મારો હાથ રૂમાલ પલાળી પલાળી આખી રાત તેના માથા પર પાણીના પોતા મૂકતો રહ્યો. મોડી રાત્રે તે ઊંઘી ગયો પરંતુ તે ઊંઘમાં અવાર નવાર હિબકાં ભરતો હતો.

ઘરે આવી મે આર્યનને દવાખાને દાખલ કર્યો. વધારે પડતા તાવ અને માનસિક આઘાતના કારણે તેના નાના મગજ પર સોજો આવી ગયો હતો. તેણે માનસિક સમતોલન ગુમાવ્યું હતું. છ માસની સતત સારવાર પછી તેના નાના મગજ પરનો સોજો ઉતરી ગયો પરંતુ ત્યારથી તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો છે. તેનું ભણવાનું બગડે છે. પરંતુ હું લાચાર છુંં. ડૉક્ટરોના અભિપ્રાય મુજબ તેને હૂંફ અને પ્રેમની જરૂરિયાત છે. હું મારાથી આપી શકાય તેટલો પ્રેમ આપવાનો પ્રયત્ન કરું છુંં. કદાચ આર્યન તેની માતાનો પ્રેમ ઝંખે છે માટે મારા પ્રેમનો પ્રતિસાદ તે પાડતો નથી. 


" આર્યનની બીમારીના કારણે હું મારી કેરિયર પર વિશેષ ધ્યાન આપી શકતો નથી. આર્થિક સંકળામણના કારણે મારે મારુ ઘર અને સ્ટુડિયો વેચી કાઢવા પડ્યા છે અને આ સામાન્ય વસ્તીમાં નાનું ઘર લઈ રહું છું. હું હવે સ્ટુડીઓના બદલે ઘરે કામ કરું છું.” 


મયુરની દર્દ ભરેલી વાત સાંભળી મેઘના ખૂબ દુ:ખી થઈ. ખાસું અંધારું થયું હતું. આર્યન પોતાની પથારીમાં બેઠો થયો. તેને ભૂખ લાગી હોય તેમ લાગતું હતું. તે ચૂપચાપ બાજુની ટીપોય પર પડેલા બિસ્કિટનું પેકેટ ખોલી તેમાંથી બિસ્કિટ લઈ ખાતો રહ્યો. મેઘના અને મયુર આર્યનને બિસ્કુટ ખાતા જોઈ રહ્યા. તેણે બિસ્કુટ ખાવાનું બંધ કર્યું એટલે મેઘના ઊભી થઈ રસોડામાંથી એક ગ્લાસ પાણી લઈ આવી આર્યનને આપ્યું. તેણે મેઘના સામે જોઈ થોડુક હાસ્ય વેરી પાણી પીધું. મેઘનાએ ચોકલેટનું પેકેટ ખોલી આર્યન સામે ધર્યું. આર્યન કઈ પણ બોલ્યા વિના તેમાંથી એક ચોકલેટ લઈ ચગળવા લાગ્યો. મેઘના થોડી વાર સુધી આર્યન પાસે બેસી પ્રેમથી તેની પીઠ પર અને માથામાં હાથ ફેરવતી રહી. થોડી વાર પછી આર્યન પાછો પથારીમાં સૂઈ ગયો.


મેઘના બોલી “ મયુર, શર્મિલાએ શા માટે તમારાથી જુદાઇ ધારણ કરી હતી તમે તેનું કારણ જાણવાનો ફરી પ્રયત્ન કર્યો હતો ?”

મયુર બોલ્યું “ ના, તેના રૂક્ષ વ્યવહારે અને આર્યનની માંદગીના કારણે મેં શર્મિલાને મારા સ્મૃતિપટ પરથી હમેશાં માટે ભૂંસી નાખી છે.

મેઘના “તમને લાગે છે તે મજબૂર હશે ..?” 

મયુર “ ના તે મને મજબૂર નહી પરંતુ મગરૂર લાગી હતી “


મેઘનાએ વિષય બદલી મયુરને પૂછ્યું “ રસોઈ કોણ બનાવે છે.”

મયુર “ રોજ તો હું જાતે બનાવું છું પરંતુ આજે મોડુ થઈ ગયું છે એટલે પાર્સલ મંગાવી લઇશ.”


મેઘનાએ આર્યનને પથારીમાંથી બેઠો કરી હોટલમાં જમવા આવવા વિષે પૂછ્યું. આર્યને માથું હલાવી ના પાડી અને પાછો સૂઈ ગયો. મેઘનાની આંખોમાં આંસુ આવી ગયા. તે આર્યનના માથે હાથ ફેરવી મયુરને “બાય...” કહી ભરાએલી આંખે ઘરની બહાર નીકળી ગઈ.


બીજા દિવસે બપોરે મેઘના મયુરના ઘરે પહોંચી ત્યારે મયુર કોઈ ચિત્ર દોરવામાં તલ્લીન હતો. દરવાજો નોક કરી તે અધખુલા દરવાજને હળવો ધક્કો મારી ઘરમાં દાખલ થઈ. તેના હાથમાં જમવાનું પાર્સલ હતું. મયુરે મેઘનાની ફરી મુલાકાત થશે તેવું વિચાર્યું ન હતું એટલે મેઘનાને પોતાના દરવાજે જોઈ આશ્ચર્ય થયું. તેણે હસીને આવકાર આપ્યો. આર્યન સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યો. તેના શરીર પર ફક્ત ટુવાલ હતો. મેઘનાને જોઈ તે શરમાઈ ગયો. મેઘના ઊભી થઈ આર્યનને પોતાના બાહુપાશમાં લીધો અને તેને કપડાં પહેરવામાં મદદ કરી. મયુરને લાગ્યું કે આર્યન ઘણા લાંબા સમય પછી આજે થોડોક નોર્મલ હતો. મેઘના જમવાનું પાર્સલ તોડી થાળીમાં વાનગીઓ મૂકી પોતાના હાથે આર્યનને જમાડવા લાગી. પહેલાં તો આર્યન આનાકાની કરવા લાગ્યો પરંતુ મેઘનાના આગ્રહના કારણે તે તેના હાથથી જમતો રહ્યો. જમ્યા પછી પાછો તે પથારીમાં સુવા જતો હતો પરંતુ મેઘનાએ તેને તેમ કરતાં રોક્યો અને તેની સાથે વાતો કરવા લાગી. વાતો કરતાં કરતાં મેઘનાએ તેની અને મયુરની થાળી તૈયાર કરી. મયુર બોલ્યો “ મે રસોઈ કરી છે “ મેઘના બોલ્યા વિના મયુરે તૈયાર કરેલી રસોઈ પણ લાવી અને તેમની થાળીઓમાં તે વાનગીઓ પણ મૂકી. બંનેએ ચૂપચાપ જમવાનું શરૂ કર્યું. આર્યન મેઘના પાસે બેસી તેમને જમતાં જોઈ રહ્યો હતો.  


મેઘના “ મયુર તમારી રસોઈ પણ સ્વાદિષ્ટ છે “  

મયુર “ હા મને હવે સારી રસોઈ બનાવતાં આવડી ગયું છે “ 

જમવાનું પૂરું કર્યા પછી મયુર બોલ્યો “ મેઘના આર્યનને આજે ઘણા સમય પછી આટલી વાર સુધી બેસી રહેલો જોવું છું. તમારો ખૂબ ખૂબ આભાર “ મેઘનાએ કાંઇ જવાબ આપવાના બદલે વાસણો એકઠા કરી ચોકડીમાં મૂક્યા.  

મેઘનાએ આર્યન પાસે આવી કહ્યું “ આર્યન ચાલ નજીકમાં એક આંટો મારી આવીએ “ તે આર્યનને ના પાડવાનો મોકો આપ્યા વિના ત્વરાથી આર્યનનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગઈ. ખાસા દોઢ એક કલાક પછી બંને પાછા આવ્યા ત્યારે આર્યનના હાથમાં નવું વાયોલિન હતું. આર્યને વાયોલિનનું કવર ખોલી વાયોલિનને બહાર કાઢી તેના ખભા પર ગોઠવ્યું અને આંખો બંધ કરી સ્ટ્રિંગ્સ પર બો ફેરવી. રૂમ મધુર ધૂનના અવાજથી ભરાઈ ગયો. મેઘનાના ચહેરા પર સફળતાનું હાસ્ય હતું જ્યારે મયુરની આંખોમાં હર્ષના આંસુ. મેઘના મોડી રાત સુધી રોકાઈ અને આર્યન સાથે વાર્તાલાપ કરતી રહી.


મેઘના રોજ બપોરે આર્યન પાસે આવી જતી અને સાંજ સુધી રોકાતી હતી. લગભગ એક મહિના જેવો સમય પસાર થઈ ગયો. આર્યન લગભગ નોર્મલ થઈ ગયો હતો. ડોક્ટરે આર્યનની દવા બંધ કરાવી દીધી હતી. મયુરે આગામી શૈક્ષણિક વર્ષથી આર્યનનું ભણવાનું ફરી શરૂ કરવાનું વિચાર્યું. આટલા સહવાસ પછી પણ મયુર મેઘના વિષે કશું જાણતો ન હતો. વચ્ચે એક બે વાર તેણે મેઘના વિષે જાણવાની કોશિશ કરી ત્યારે મેઘનાએ વાત ટાળી દીધી હતી. મયુરે આજે મેઘના વિષે પૂરી જાણકારી મેળવી લેવાનું નક્કી કર્યું હતું. 


મયુરે આજે સાંજે કોઈ સારી હોટલમાં ડિનર લેવાનું નક્કી કર્યું હતું. શહેરની મધ્યમાં આવેલી હોટલમાં એક ખૂણાનું ટેબલ પસંદ કરી સૌ બેઠા. હોટલમાં હળવું સંગીત વાગતું હતું. આર્યન તે સંગીત સાંભળવામાં તલ્લીન થયો એટલે મયુરે મેઘનાને કહ્યું “ મેઘના તમે મારા પુત્રના જીવનમાં સંજીવની થઈને આવ્યા છો. હું તમારૂ ઋણ કેવી રીતે અદા કરીશ તે સમજી શકતો નથી. પ્લીઝ.... મને તમારા વિષે જણાવો. તમે કોણ છો, ક્યાના છો, તમારા કુટુંબમાં કોણ કોણ છે વિગેરે બધુજ મારે જાણવું છે “


મેઘના “ ઓ.કે. મયુર, આર્યનને સાજો કરવાનું મારુ મિશન લગભગ સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. હવે અહિયાં મારી વધારે હાજરીની જરૂરિયાત જણાતી નથી એટલે આજે હું તમારી સમક્ષ બધો જ ઘટસ્ફોટ કરીશ. મેઘના એ જે ઘટસ્ફોટ કર્યો તે આ મુજબ હતો.


મેઘનાના માતા પિતા જીવતા ન હતા. કુટુંબમાં તે અને તેનો ભાઈ એમ બે જણ જ હતા. તેનો ભાઈ તેનાથી મોટો હતો અને પરણેલો હતો. તેને એક દીકરો હતો. તેમનો મુંબઈમાં ગારમેન્ટનો કારોબાર હતો. તેમનું કુટુંબ આધુનિક વિચારો ધરાવતું હતું. મેઘનાને સ્વતંત્ર રીતે પોતાની જિંદગી જીવવાની છૂટ હતી. તે મુંબઈમાં માઈકલના સંગીત ગ્રૂપ સાથે જોડાએલી હતી. મેઘના ગિટારવાદક હતી. માઈકલ તેમના ગ્રૂપ માટે દેશમાં અને વિદેશમાં પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતો હતો. તે એક નંબરનો લંપટ અને ઐયાશ હતો. ખૂબસૂરત યુવતીઓ તેની નબળાઈ હતી. તે શરૂઆતથી શર્મિલાને ચાહતો હતો પરંતુ શર્મિલા મયુરને ચાહવા માંડી અને તેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ તે માઈકલને ગમ્યું ન હતું. તેણે શર્મિલા સાથે બદલો લેવાનું નક્કી કર્યું. માઈકલે શર્મિલાની ફીમાં ખૂબ વધારો કરી દીધો અને તેને તેની સાથે વિદેશ પ્રવાસમાં જોડાવવા લલચાવી. તેને જ્યાર સુધી કોઈ મોકો ન મળ્યો ત્યાર સુધી તેણે વિદેશ પ્રવાસ લંબાવ્યા રાખ્યો. આખરે તેણે ઈટાલીમાં તેમના ગ્રૂપના શો નું આયોજન કર્યું જે શો વિદેશની આ ટુરનો સૌથી છેલ્લો હતો. ઈટાલીમાં માઈકલનો એક મિત્ર હતો જેની પાસે નાની ક્રૂજ હતી જે તે ભાડે આપતો હતો. શો પૂરો થયા પછી સ્વદેશ પરત આવવામાં હજુ પંદર દિવસની વાર હતી. સૌ પોત પોતાની રીતે રજાઓ માણી રહ્યા હતા. એક રાત્રે માઈકલે તેના મિત્રની ક્રૂજ ભાડે કરી દરીયામાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને તે બહાને શર્મિલા અને બીજા ત્રણ ચાર અંગત મિત્રોને લઈ તેઓ રાત્રે દરીયામાં પહોચ્યા. માઈકલે સોફ્ટડ્રિંકમાં નશીલી દવા પીવડાવી શર્મિલા સાથે રેપ કર્યો અને તેની ફિલ્મ બનાવી લીધી અને તે ફિલ્મ મયુરને મોકલી આપવાની ધમકી આપી રોજ રાત્રે શર્મિલાના શરીર સાથે મનમાની કરતો રહ્યો. તે શર્મિલાને મયુર અને આર્યનને છોડી તેની સાથે લીવ ઇન રિલેશનમા રહેવા દબાણ કરવા લાગ્યો. શર્મિલાએ પોલીસ કેસ કરવાની ધમકી આપી પરંતુ માઈકલ એમ ગાંજયો જાય તેવો ન હતો. તેણે હવે મયુર અને આર્યનનું ખૂન કરાવી દેવાની ધમકી આપવા માંડી. શર્મિલા ડરી ગઈ. તે દરમ્યાન વિદેશમાં શર્મિલા માંદી પડી. તેણે ડોકટરની સલાહ મુજબ કેટલાક રિપોર્ટ કરાવ્યા. શર્મિલા એચ.આઈ.વી. પોઝિટિવ થઈ હતી. તે સમજી ગઈ કે માઈકલના સહવાસના કારણે તે એચ.આઈ.વી. ગ્રસ્ત થઈ છે. તેણે આ વાત સૌથી છૂપાવી રાખી અને મયુર અને આર્યનના સુખી જીવન ખાતર પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દીધું.


શર્મિલાએ સ્વદેશ પરત આવી માઈકલ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેણે માઈકલને તેની સાથે લગ્ન કરી લેવાની ફરજ પાડી. શર્મિલાએ ગ્રૂપમાં પર્ફોર્મન્સ આપવાનું બંધ કરી દીધુ. માઈકલ લોકોને પોતાના ગ્રૂપના કલાકાર દર્શાવી ગેરકાયદે વિદેશમાં લઈ જતો હતો તે વાત શર્મિલાના ધ્યાને આવી.

માઈકલ નવા વિદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો. આ વખતે વિદેશ પ્રવાસ દરમ્યાન તે મેઘનાને પોતાની જાળમાં ફસાવવાનો છે તેવી વિગતો તેણે માઈકલના તેના ગ્રૂપના અન્ય સાથીઓ સાથે થતાં ખાનગી વાર્તાલાપમાંથી તારવી. શર્મિલાએ મેઘનાની ખાનગી મુલાકાત લઈ તેના સાથે થયેલ દુર્વ્યવહાર અને તેને લીધે પોતે એચ.આઈ.વી. ગ્રસ્ત થયેલ હોવાનું જણાવ્યુ અને માઈકલ તેને પણ પોતાની જાળમાં ફસાવી તેની સાથે દુર્વ્યવહાર કરવાનું આયોજન કરી રહયો હોવાનું જણાવી તેને વિદેશ પ્રવાસ ન કરવા ચેતવી. મેઘનાએ શર્મિલાની સલાહ માની પોતાનું નામ વિદેશ પ્રવાસમાંથી કમી કરાવી દીધું. માઈકલની ઇમિગ્રેશન ખાતામાં વગ હતી તેથી માઈકલે મેઘનાના વિદેશ વિઝાનો ઉપયોગ કરી બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ જવા ઉત્સુક એક યુવતીને ખૂબ મોટી રકમ વસૂલ કરી મેઘનાની જગ્યાએ પોતાના ગ્રૂપમાં ગોઠવી દીધી. આ વાત શર્મિલાના ધ્યાને આવી. તેણે વિદેશ મંત્રાલયને માઈકલના કરતૂતની વિગતવાર લેખિત જાણ કરી. વિદેશ મંત્રાલયે વોચ ગોઠવી. માઈકલ પકડાઈ ગયો અને તેને જેલમાં પુરવામાં આવ્યો. શર્મિલા તે દિવસે ખૂબ ખુશ થઈ.


જેલમાં મળતા અપૌષ્ટિક ખોરાકના કારણે માઈકલ બીમાર પડ્યો. સારવાર દરમ્યાન તેને એઇડ્સ છે તેવું નિદાન થયું. માઈકલ પોતે એઇડ્સનો રોગી છે તેવી તેને પહેલી વાર જાણકારી થઈ. તે આ આઘાત સહન ન કરી શક્યો. તેણે જેલમાં આપઘાત કરી લીધો. શર્મિલા તે દિવસે બેવળી ખુશ થઈ. તેને થયું તેણે માઈકલ સાથે બદલો લઈ લીધો છે. માઈકલની તમામ મિલકતની તે વારસદાર થઈ. તેને માઈકલની સંપત્તિમાં કોઈ દિલચષ્પી ન હતી. તેણે માઈકલની તમામ સંપત્તિ વેચી તેનું એક ટ્રષ્ટ રચ્યું. મેઘનાને તે ટ્રષ્ટની ટ્રષ્ટિ નીમી. મેઘનાએ સહર્ષ તે જવાબદારી સ્વીકારી લીધી. તે સંપત્તિથી ગરીબો માટે કલ્યાણકારી અને ભલાઈના કામો શરૂ કર્યા. 


શર્મિલાને જ્યારે તેની મોટી બહેન મારફતે ખબર પડી કે આર્યન માનસિક રોગનો શિકાર થયો છે ત્યારે તેણે મેઘનાને આર્યન પાસે જઇ તેને સાજો થવામાં મદદ કરવા વિનંતી કરી. મેઘના ધર્મશાલા આવી. થોડોક સમય ખાનગીમાં મયુરની દિનચર્યાનો અભ્યાસ કર્યો અને એક દિવસે જાણી જોઈ તે મયુરને ટકરાઇ અને તેની સાથે સબંધ વધાર્યો. જ્યારે શર્મિલાને જાણ થઈ કે આર્યન સાજો થઈ રહ્યો છે ત્યારે તેને ખૂબ સંતોષ થયો. તેણે મેઘનાને જણાવ્યુ કે હવે તે ખૂબ થાકી જાય છે, સતત બીમાર રહે છે માટે તે લાંબુ જીવશે નહીં તેથી તે સાધ્વી થઈ બાકીનું જીવન જીવવા માગે છે માટે તે કોઈ અજ્ઞાત સ્થળે ચાલી જશે. તેણે મેઘના ને કહ્યું “ મેઘના હું મારુ સરનામું તને આપતી નથી પરંતુ જ્યારે મને જરૂર જણાશે ત્યારે હું જરૂર તારો સંપર્ક કરીશ. આર્યનને સાજો થવામાં તે જે મદદ કરી છે તે માટે હું આજીવન તારી આભારી રહીશ.” 


મેઘનાએ પોતાની વાત પૂરી કરી ત્યારે આર્યન અને મયુરની આંખોમાં આંસુ હતા. એઇડ્સ વિષે આર્યનને કોઈ માહિતી ન હતી પરંતુ તેની મમ્મી કોઈ ગંભીર રોગમાં સપડાઈ છે તેવું તે સમજી શક્યો હતો. સૌ ડિનર લઈ છૂટા પડ્યા.

મેઘના બીજા દિવસે પોતાની ગિટાર લઈ આર્યન પાસે હાજર થઈ. તેણે અને આર્યને એક બીજાના વાજિંત્રો પર જુગલબંદી કરી. મયુર મેઘનાની કળા પર ફીદા થઈ ગયો.


શર્મિલા મુંબઈ છોડી ચાલી ગઈ હતી. તેના કોઈ સમાચાર ન હતા. મેઘનાએ આર્યનને એક સંગીત ગ્રૂપ સાથે જોડ્યો. લગભગ એક વર્ષ સુધી આર્યન સંગીત શિખતો રહ્યો. આર્યન ભણવાની સાથે સાથે સંગીત ગ્રૂપમાં પરફોર્મ પણ કરતો થયો હતો. આર્યનની વાયોલિનવાદનની કલા જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ જતાં હતા. મેઘના અને મયુરે આર્યનનો સોલો વાયોલિનવાદનનો શો યોજવાનું નક્કી કર્યું. મેઘનાએ સાથોસાથ મયુરના ચિત્રોનું પણ પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. 


આર્યનના શોના થોડા દિવસો પહેલાં શર્મિલાએ મેઘનાનો ફોન પર સંપર્ક કર્યો. તેણે કહ્યું હવે તેનું શરીર સાવ કંતાઈ ગયું છે. તેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ક્ષીણ થઈ ગઈ છે તેથી હવે તે ઝાઝું જીવશે નહીં. તેણે બદ્રીનાથ નજીકના એક સ્થળનું સરનામું આપી મેઘનાને એક વાર મળી જવા વિનંતી કરી. મેઘનાએ આર્યનના શો પછી મયુર અને આર્યનને લઈ ચોક્કસ આવી જશે તેવો સંદેશો કહ્યો. આર્યનનો શો યોજાવાના સમાચાર જાણી તે ખૂબ ખુશ થઈ. તેને પોતાના દીકરા પર ગર્વ થયો. શર્મિલાએ મેઘનાને કહ્યું “ બદ્રીનાથ ધર્મશાલાથી બહુ દૂર નથી હું તેટલો પ્રવાસ કરી આર્યનનો શો જોવા જરૂર આવીશ પણ આ વાત મયુર અને આર્યનથી છૂપી રાખજે” મેઘનાએ તેમ કરવાનું વચન આપ્યું. 


સવારે આર્ટ ગેલેરીમાં મયુરના ચિત્રોનું પ્રદર્શન અને સાંજે ટાઉનહોલમાં આર્યનનો શો ગોઠવાયો હતો. મયુરના ચિત્રોના પ્રદર્શનમાં ઘણા સુંદર અને મોડર્ન આર્ટના ચિત્રો ખૂબ ઊંચી કિમતે વેચાયા હતા તેથી મયુર ખૂબ ખુશ હતો. સાંજે આર્યનના સંગીતને માણવા માટે આખો ટાઉનહોલ ભરચક થઈ ગયો હતો. મેઘના આર્યનને જુગલબંદીમાં સાથ આપવા ગિટાર સાથે સ્ટેજ પર હાજર હતી. આર્યને વાયોલિન પર ખૂબ સુંદર ગીતો રેલાવ્યા. એક પ્રેક્ષકની ફરમાઇશ પર તેણે અંતમાં હિન્દી ફિલ્મ “શોર” નું મશહૂર ગીત “ એક પ્યાર કા નગમા હૈ ....” ગીત રજૂ કર્યું.  આ ગીત પૂરું થયું એટલે તમામ પ્રેક્ષકોએ ઊભા થઈ આર્યનને તાળીઓથી વધાવી લીધો. હજુ તાળીઓનો ગડગડાટ ચાલુ હતો ત્યારે ટાઉનહોલમાં કઈક ગળગણાટ શરૂ થયો. કોઈ વૃધ્ધ બાઈ ટાઉનહોલમાં પડી ગઈ હતી. લોકો ટોળે વળ્યા હતા. શોર બકોર સાંભળી મેઘના તે તરફ ગઈ. તેણે શર્મિલાને ઓળખી. મેઘનાએ બૂમ પાડી આર્યન અને મયુરને તાત્કાલિક તે તરફ આવી જવા કહ્યું. આર્યન અને મયુર શર્મિલાની જોઈ અવાક થઈ ગયા. 


મયુરે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. શર્મિલા પોતાના કૃશ થઈ ગયેલા દેહને માંડ માંડ ઊંચો કરી આર્યનને પોતાના ખોળામાં બેસાડી તેના માથે હાથ ફેરવ્યો અને મયુરનો હાથ પકડી “ મયુર મને માફ કરી દેજો ! “ કહ્યું. શર્મિલાએ મેઘનાનો હાથ મયુરના હાથમાં મૂક્યો અને હાંફતા હાંફતા બોલી “ મેઘના તું મયુર સાથે જીવન જોડી મારા આર્યનની મા બની તેમના જીવનમાં ખુશીઓનો ઉજાશ ભરી દેજે. મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી મારી સદગતિ આપજે. “ શર્મિલાની છાતી ધમણની માફક ઊંચી નીચી થતી હતી. મયુર શર્મિલાના શરીરને પોતાના ખોળામાં મૂકી તેના માથે પોતાનો હાથ પ્રસરાવી રહ્યો હતો. 


ટાઉનહૉલ બહાર એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ તે સાથે જ મયુરના ખોળામાં સૂતેલી શર્મિલાએ સંતોષ સાથે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. મયુર અને મેઘનાની આંખોમાં શર્મિલાની જુદાઈના આંસુ વહેતા રહ્યા અને ટાઉનહોલમાં આર્યનના રુદનના અવાજો પડઘાતા રહ્યા. 


Rate this content
Log in

More gujarati story from Abid Khanusia

Similar gujarati story from Drama