એક જૂઠ છુપાવવા
એક જૂઠ છુપાવવા


"આ રહ્યો કેમેરા. રીલ ધોવડાવી પ્રવાસના બધાજ ફોટો ભેગા કરી, પ્રવાસનો અહેવાલ તૈયાર થઇ ૧૫ તારીખ સુધી મારા હાથમાં હોવો જોઈએ. આ પૈસા સાથે રાખજો."
મને અને ભૌતિકને તો જાણે લોટરી લાગી. પંચાલ સરે મારી અને ભૌતિકની પસંદગી પોતાના કાર્ય માટે અને પ્રવાસ અહેવાલ તૈયાર કરવાની મહત્વની જવાબદારી માટે કરી હતી, એ વિચારે જ અમે બન્ને ગર્વ અને સ્વાભિમાનમાં રચીપચી રહ્યા. એ કઈ નાની સુની વાત ન હતી. વાત આજથી પંદર વર્ષ પહેલાની છે એટલે ઘણી બધી બાબતો અને સાધનોની વાતો નવાઈ ઉપજાવશે. જેમકે કેમેરાની રીલ અને ફોટો પણ વસ્ત્રો જેમ ધોઈ શકાય? હા, પણ ત્યારે આમ મોબાઈલ -કમ કેમેરા એક આધુનિક ભવિષ્યની આગાહી સમા હતા, જે આપણા દેશમાં પણ શીઘ્ર આવી શકવાની અફવાઓ ફેલાવી રહ્યા હતા અને આજે જુઓ એ અફવાઓ હકીકત બની આપણા બધાના ખિસ્સાઓમાં આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની કેવી રાજ કરે છે !
પંચાલ સાહેબ એટલે અમારી બી.એડ. કોલેજના સૌથી હોનહાર અને શિક્ષકોના અગ્રણી નેતા. કોલેજની દરેક ઈતર પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા અને જવાબદારી એમના અનુભવી અને બુદ્ધિમય ખભાઓ ઉપર જ ઉઠાવાતી. અંગ્રેજી અને ગુજરાતી, પ્રાદેશિક અને વિદેશી બન્ને ભાષો ઉપરની એમની પકડ અને ઊંડા જ્ઞાનથી એમનું વ્યક્તિત્વ જેટલું દેશી એટલુંજ આધુનિક દિપતું. દરેક વિદ્યાર્થીના મન ઉપર એમના વ્યક્તિત્વની છાપ ઊંડે સુધી છપાઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓ માટે તો પંચાલ સાહેબ જીવન -આદર્શ અને જીવન -પ્રેરણાની સાક્ષાત મૂર્તિ હતા. હું અને ભૌતિક પણ એ બધામાનાં એક.
એમના અનુભવી વ્યક્તિત્વની વધુ નજીક રહી વધુ શીખવા, વધુ જાણવાં અને નવું નવું જ્ઞાન ગ્રહણ કરી ચરિત્રના ઘડતરને લાભ આપવા માટે હું અને ભૌતિક મોટે ભાગે કેમ્પસ ઉપર એમની અડખે પડખેજ ફરતા રહેતા. એમનો પડ્યો બોલ ઝીલવા સદા તત્પર અને હંમેશા પ્રાપ્ય. પરંતુ કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પણ પડે. કોઈ પણ માનવ જીવન સંપૂર્ણ તો નજ હોય. પંચાલ સાહેબ જેટલા જ્ઞાની અને અનુભવી એટલાજ કડક અને ચુસ્ત શિસ્તના આગ્રહી. આળસ, બેદરકારી, લાપરવાહી એમનું શિસ્તબદ્ધ વ્યક્તિત્વ સહેજે સહી શકતું નહીં. નીતિનિયમો અને સમયપાલનથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે તો પંચાલ સાહેબ જીવતા જાગતા હિટલર જ હતા. જયારે એમનો ક્રોધનો જ્વાળામુખી ફાટે ત્યારે કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોનું સ્ટાફરૂમ પણ થોડું ઘણું ધ્રુજી જ ઉઠતું.
પંચાલ સાહેબે સોંપેલું કાર્ય જેટલું ગર્વ ઉપજાવી રહ્યું હતું એટલું જ મનને ડરાવી પણ રહ્યું હતું. વર્ષોના તપ પછી કોઈ ઋષિમુનિ ને ઈશ્વરે સાક્ષાત દર્શન આપી કોઈ ફરજપૂર્તિ સોંપી હોય એવા ઉત્સાહ, જોમ અને ધ્યાન જોડે એક હાથમાં કેમેરો અને બીજા હાથમાં પૈસા થામી હું ભૌતિક જોડે શહેરના સૌથી જાણીતા અને પ્રખ્યાત ફોટો સ્ટુડિયોમાં હાજર થયો.
બહુ ભીડ તો ન હતી. છતાં મુખ્ય કાઉન્ટર ઉપર કશો ઓહાપો મચી રહ્યો હતો. હું અને ભૌતિક મુખ્ય કાઉન્ટર ઉપરની નોટંકી નિહાળતા દુકાનના એક અન્ય કાઉન્ટર ઉપર કેમેરો સોંપી રહ્યા. દુકાનનો આખો સ્ટાફ પોતપોતાની ફરજપૂર્તિ જોડે એ નોટંકીને પણ ધ્યાનથી અનુસરી રહ્યો હતો. માલિકની સિંહ જેવી ગર્જનાથી મારા અને ભૌતિકના હૃદયના ધબકાર બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. બે નાનકડા ઉંદરો જાણે ડરીને એકબીજાની આંખોમાં નિહાળી રહ્યા હોય એમ હું અને ભૌતિક એકબીજાને તાકતા કાઉન્ટર ઉપરના એ સિંહને સાંભળી રહ્યા હતા.
"રસીદ વિનાતો ફોટા મળશે જ નહીં."
"પણ સાહેબ હું જાતે આવ્યો હતો. આપ સ્ટાફને પૂછી શકો છો."
"મારા નિર્ણયો હું જાતે લઉં છું. મારો સ્ટાફ નહીં."
"પણ એક રસીદ ન હોય એમાં આટલો બધો ઓહાપો..."
"પોતાની આળસ અને બેદરકારીને જરા નિયંત્રણમાં રાખી હોત તો આ ઓહાપો ઊઠતજ નહીં."
"જરા સંભાળીને વાત કરો. આપ જાણતા નથી હું કોણ છું!"
"આપ કોઈ પણ હોવ, મારા માટે તો ફક્ત એક ગ્રાહક જ છો. નિયમ તો બધા માટે એક સરખો જ. રસીદ આપો ને ફોટા લઇ લો."
"તો હવે એક ખોવાયેલી રસીદ માટે હું પુલીસમાં જાણ કરું?"
"એ તમારે જોવાનું. રસીદ ખોવી નાખતા પહેલા વિચાર્યું હોત તો."
"જોઈ લઈશ તમને, છોડીશ નહીં."
"ચોક્કસ હું અહીં જ બેઠો છું, કાઉન્ટર પર. તમારી રાહ જોઇશ."
સિંહની ત્રાડ પરાકાષ્ઠાએ પહોંચી. દુકાનનું બારણું જોરથી ધકેલાયું અને આખરે ગ્રાહકે હારીને વિદાય લીધી.
અમારી રીલ કેમેરામાંથી નીકળી ચુકી હતી. કેમેરો હાથમાં આવ્યો અને મારો પૈસા વાળો હાથ આગળ લંબાયો.
"મુખ્ય કાઉન્ટર ઉપર ...."
સ્ટાફની માહિતીથી દોરવાતા હું અને ભૌતિક હિંમત ભેગી કરતા મુખ્ય કાઉન્ટર ઉપરના સિંહ નજીક પહોંચ્યા. પૈસા ચૂકવી રહેલ મારા હાથમાં સૂક્ષ્મ ધ્રુજારી હું અનુભવી રહ્યો. અતિ ઝડપે મારા હાથના પૈસા ખેંચી સિંહની કલમ અમારી રસીદ તૈયાર કરી રહી. હજી પણ ક્રોધ શમ્યો ન હોય એ રીતે ગરમ શબ્દો વરાળ સમા મોઢામાંથી નીકળી રહ્યા હતા.
"ક્યાં -ક્યાંથી આવી જાય છે! આળસુ, બેદરકાર. એક રસીદ સાચવી ન શકાય? મારુ ચાલે તો...."
'એમનું ચાલે તો કદાચ પેલા ગ્રાહકનું ખૂન પણ કરી નાખે.' મનના વિચારની અદલાબદલી હું ભૌતિકની ભયભીત આંખો જોડે કરી રહ્યો. એની આંખોએ સંપૂર્ણ સહમતી દર્શાવી. કેમ્પસના જે વિદ્યાર્થીઓ પંચાલ સાહેબને 'હિટલર' સમજતા એમને મતે તો આ સ્ટુડિયોના માલિક કદાચ 'યમરાજ' જ બની
રહે.
"૧૦ તારીખે, સાંજે ૪ વાગે ફોટા લઇ જજો. ૪ વાગે એટલે ૪ વાગે. સમજ્યા?"
આક્રમણ -સ્થળાન્તર ના છાંટાઓથી હું અને ભૌતિક માથેથી પગ સુધી ભીંજાઈ ગયા. કેમેરાને છાતીએ ચાંપી અમે દુમ દબાવતા એ સિંહની ગુફામાંથી હેમખેમ બહાર ધસી ગયા.
કોલેજમાં થોડા દિવસોની મહેનત અને પરસેવા જોડે અમારો પ્રવાસ અહેવાલ સરસ એવો તૈયાર થઇ ગયો. આખી ફાઈલ અત્યંત વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે તૈયાર થઇ ગઈ. ૧૫ તારીખે યોજાનારા વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત એ અહેવાલના વાંચન અને પઠન માટેની મારી અને ભૌતિકની તૈયારીઓ અત્યંત સજ્જ હતી. પંચાલ સાહેબ ની નજરોમાં એક અવિસ્મરિણય છાપ ઉપસાવવા અમે બન્ને અધીરા પણ હતા અને ઉત્સુક પણ. હવે ફક્ત એકજ કાર્ય બાકી હતું. અહેવાલને પ્રસંગોચિત તસવીરો જોડે સુશોભિત કરવાનું.
"૧૦ તારીખ, સાંજે ૪ વાગે, ૪ વાગે એટલે ૪ વાગે." સિંહની એ ગર્જના દરરોજ મને અને ભૌતિકને સ્વપ્નમાં પણ ડરાવતી. દુનિયા અહીંથી ત્યાં થઇ જાય પણ ૧૦ તારીખે, સાંજે ૪ વાગે, ૪ વાગે એટલે ૪ વાગે અમે બન્ને પુરા તનમન જોડે સિંહની ગુફામાં હાજર થઇ રહેશું, એવી પ્રતિજ્ઞા અમે બન્ને એ મનના ઊંડાણોમાં ઉતારી દીધી હતી.
આખરે ૧૦ તારીખ આવી જ પહોંચી. નિયત સમયે ભૌતિક બાઈક લઇ મને ઘરેથી લેવા આવી પહોંચ્યો. એના સમય પાલનથી હું એના પર અનન્ય ગર્વ અનુભવી રહ્યો.
"ચાલ, જલ્દી કર. રસીદ લીધી ને?"
બાઇકને કિક મારતા ભૌતિકે પૂછેલા પ્રશ્નથી હું સ્તબ્ધ થયો. જાણે દુશમન દેશે અચાનક કોઈ બૉમ્બ ફોડ્યો હોય, એ રીતે હું અવાક થઇ રહ્યો. મારી ચેતના અને સભાનતા ધીરે રહી મારો સાથ છોડી રહી હોય એ રીતે મારા શરીર અને મન ઢીલા પડી ગયા. ગુફામાં બેઠો સિંહ મારી ઉપર જાણે ગર્જના કરી રહ્યો હોય એ પ્રમાણે મારા હાથ પગ ઠંડા પડી રહ્યા.
"રસીદ તો તારી જોડે હતી."
મારા ઉત્તર થી બાઈકનું ગિયર બંધ કરી, ભૌતિકની ભયભીત આંખો ક્રોધ જોડે મને તાકી રહી.
"રસીદ ક્યાં ગઈ?"
"ખોવાઈ ગઈ?"
"યાદ નથી."
"હવે?"
પ્રવાસ નો અહેવાલ તૈયાર કરવાની ઉતાવળ અને વ્યસ્તતામાં એક નાની બેદરકારી થઇ ગઈ. રસીદ અમારાથી ખોવાઈ ગઈ. પણ એ નાની બેદરકારી અમારા ભવિષ્ય માટે કેટલી મોટી મુશ્કેલી લઇ આવી રહી હતી, એ વિચારે જ અમારા ચ્હેરા ઉપર પરસેવો બાઝી ગયો.
એક તરફ 'હિટલર' પંચાલ સાહેબ તો બીજી તરફ સ્ટુડીઓના 'યમરાજ'નો ચ્હેરો અમને દેખાઈ રહ્યો. 'ઇધર પે ખડ્ડા ઉધર પે ખાઈ' માફક મારી અને ભૌતિકની આત્મા સુડી વચ્ચે સોપારી જેવી લટકી રહી હતી.
આગળ શું કરવું કઈ સૂઝી રહ્યું ન હતું. પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન પુછાઈ ત્યારે વિદ્યાર્થીના ચ્હેરા ઉપર ઉપસી આવતા હાવભાવ જેવાજ હાવભાવ અમારા બન્નેના ચ્હેરા ઉપર ડોકાઈ રહ્યા હતા.
ભૌતિકને ખભે હાથ મૂકી કેટલીક સૂચનાઓ આપી આખરે જંગ ઉપર ઉપડેલા સૈનિક સમા અમે ધીર ગંભીર ફોટો સ્ટુડિયો તરફ ઉપડ્યા. બન્નેના હય્યાઓની પૃષ્ઠભૂમિમાં એકસમાન શબ્દો ગુંજી રહ્યા.
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હે,
દેખના હે ઝોર કિતના બાઝુએ કાતિલમેં હે."
ગુફામાં પ્રવેશ થયો, ૧૦ તારીખે, અને ૪ વાગે એટલે ૪ વાગે. સિંહની નજર સમાચારપત્ર માં ઊંડી ઉતરી હતી. થોડા સમય પહેલા સરફરોશીનું ગીત ગણગણી રહેલું અમારું હ્નદય સિંહને જોતાંજ ઉંદર સમું ધ્રુજી રહ્યું. હિમ્મત ભેગી કરતા હું ગળાને ખંખેરી રહ્યો .
"સર ફોટા...."
સમાચારપત્ર માંથી નજર ઉપર ઉઠાવ્યા વિનાજ સિંહનો પંજો આગળ આવ્યો .
"રસીદ."
"રસીદ તો નથી જે ઉખાડવું હોય એ ઉખાડી લો. પણ અમારા ફોટા આપો. હમણાં ને હમણાંજ નહીંતર ..." મને થયું કે આમ જ કહી દઉં. પણ મનનું ધાર્યું કરવાં કલેજું જોઈએ. અને મારું કલેજું તો પેલી મગર અને વાંદરાની વાર્તા જેમ હું સ્ટુડિયોની બહાર જ છોડી આવ્યો હતો.
પંજાને રસીદનો સ્પર્શ ન મળવાથી અને સામે છેડેથી એક પણ શબ્દ પરત ન આવવાથી સમાચારપત્રમાં ઊંડે ઉતરેલી આંખો નાક ઉપર લટકી રહેલ ચશ્માંમાંથી માર્ગ કાઢતી મારી આંખો ઉપર આવી પહોંચી અને ફરીથી એજ શબ્દ પુનરાવર્તિત થયો જે મને અને ભૌતિકને સાંભળવો જ ન હતો .
"રસીદ."
મૃત્યુ મારી આંખો સામે આવી ઉભું હતું. જીવન બચાવવાના મરણીયા પ્રયાસ રૂપે મારી નજર ભૌતિક ઉપર મંડાઈ .
"રસીદ તો તારી પાસે હતી."
મારા ગળા પરની તલવાર એના ગળા પર આવતા દોસ્તીમાં વિશ્વાસઘાત ખાયેલી ભૌતિકની દ્રષ્ટિ અવિશ્વાસ અને શોકથી મને તાકી રહી.
"યાદ કર, સ્ટુડિયોમાંથી બહાર નીકળતાંજ, બાઈક સ્ટાર્ટ કરવા પહેલાજ ફરીથી મેં તારા હાથમાં થમાવી હતી."
ભૌતિકની અભિનય ક્ષમતાએ મને ચોંકાવ્યો. અભિનયની સ્પર્ધામાં હું પણ કૂદી પડ્યો. હવે એને છોડુંજ નહીં ને! એક મિનિટ થોભ હું પણ બતાઉં છું.
"હા, પણ જયારે આપણે કોલેજ પહોંચ્યા હતા ત્યારે પંચાલ સાહેબને રસીદ હાથોહાથ સોંપી હતી ત્યારે એમણે એ રસીદ તારા હાથમાં થમાવી હતી અને તને સાચવવા કહ્યું હતું. યાદ છે?"
ભૌતિક સામે બદલો લઇ લીધો હોય એવા ગર્વના ભાવ જોડે હું પડકારયુક્ત આંખોથી એને નિહાળી રહ્યો. એનો પારો પણ છટક્યો હતો. એની ચિડ વાળી નજર મારી આંખોને મૌન રહેંસી રહી હતી. જાણે ચીખી રહી હતી, થોભ બેટા. બતાઉં છું તને પણ.
"હા, પછી એ રસીદ સાચવીને મેં અહેવાલની ફાઇલમાંજ ગોઠવી હતી. પણ હમણાં તારા ઘરેથી નીકળતા સમયે ફરીથી તને સાચવીને સોંપી હતી. મારી સામે તેં એને તારા ખિસ્સામાં સરકાવી હતી."
ભૌતિકની આંખો મારી મશ્કરી ઉડાવી રહી હતી. મને લાગ્યું મારા હાથેજ આજે એનું ખૂન થવાનું હતું. મારી જાતને નિયંત્રણમાં રાખતાં હું અન્ય એક તીર છોડી રહ્યો.
"હા, મને સ્પષ્ટ યાદ છે. પણ સ્ટુડિયોની બહાર પાર્કિંગમાં ફરીથી તેં રસીદ માંગી હતી. એકવાર તપાસવા. તારીખ અને સમય ઉપર તેજ તો આખરી દ્રષ્ટિ ફેરવી હતી. ૧૦ તારીખ. ૪ વાગે એટલે ૪ વાગે."
ભૌતિકનું શરીર મારા તરફ થોડું આગળ આવ્યું અને હું પણ પ્રતિક્રિયા આપતો એના તરફ સહેજ ધસ્યો. સ્ટુડિયોનો સ્ટાફ નૌટંકીની મજા બરાબર માણી રહ્યો હતો. કાઉન્ટર ઉપર સિંહનો ચસ્મો અવાજ કરતો પટકાયો. જાણે ન્યાયાધીશનો હથોડો પછડાઈને ગાજી રહ્યો .
' ઓર્ડર ...ઓર્ડર ...'
અદાલતમાં સામસામે ઉભેલા બે આરોપીઓ જેવા અમારા ચ્હેરા ન્યાયાધીશને તાકી રહ્યા. ઝીણી અનુભવી દ્રષ્ટિ આછી લાલચોળ થઇ. સાક્ષાત ' યમરાજ ' ના દર્શન. ફાંસીનો માંચડો આંખો સામે ઉભો થઇ રહ્યો. એક ક્ષણ માટે બે શિંગડાંવાળું માથું મને પૂછી રહ્યું :
'કોઈ આખરી ઈચ્છા?'
મારી કલ્પનાના દ્રશ્યને પ્રતિક્રિયા આપતું મારુ શરીર અચાનક ઢીલું પડ્યું. વાસ્તવમાં બે હાથો 'યમરાજ 'સામે જોડાઈ રહ્યા. અવાજ ગળગળો થઇ ગયો.આંખો આછી આછી ભીની થઇ.
"સર પ્લીઝ, ૧૫ તારીખે કોલેજનો વાર્ષિક કાર્યક્રમ છે. ફોટો વિના અહેવાલ તૈયાર ન થશે. "
મારા અભિનયથી પ્રેરાતો ભૌતિક પણ ઉચ્ચ કક્ષાની અભિનય ક્ષમતાનું દર્શન કરાવી રહ્યો. બે જોડેલા હાથો કરગરી રહ્યા.
"સર, અમારી કોલેજ, અમારા સાહેબની આબરૂનો પ્રશ્ન છે. જો ફોટા નહીં મળ્યા તો ..."
ભૌતિકની ઓવરઍક્ટિંગ આંસુ બની ટપકવા લાગી.
વધારે પડતા અભિનયથી સિંહનું મગજ ભમરાયું હતું.એના સંકોચાયેલા આંખોના ભવા અને લાલ આંખોમાંથી ટપકતું લોહી નિહાળી મને ખરેખર ભૌતિક પર ઘૃણા છૂટી. ગુસ્સાથી હું એને એકીટશે તાકી રહ્યો. આટલી મહેનત છતાં કોઈ ફળ ન મળતા એ સાચેજ રડમસ થઇ રહ્યો. અભિનય હવે વાસ્તવિકતામાં બદલાઈ રહ્યો.
ફોટો મળવાની આશ છોડી, હથિયાર નાખતા અમે બન્ને લટકેલા મોઢે પીઠ ફેરવી બહાર તરફનો માર્ગ પકડી રહ્યા.
અચાનકજ આખો સ્ટુડિયો ખડખડાટ રાક્ષસી હાસ્યથી ગુંજી રહ્યો. સ્ટુડિયોનો સ્ટાફ પણ અવાક બની માલિકને તાકી રહ્યો. વધારે પડતા ક્રોધથી હાઈ બ્લડ પ્રેસર થાય એવું સાંભળ્યું હતું. પણ વધારે પડતા ક્રોધથી શું મગજ સંતોલન પણ ગુમાવી શકે? અમારી એક ભૂલે કોઈ સ્વસ્થ વ્યક્તિનું મગજ અસંતુલિત કરી મૂક્યું? હું અને ભૌતિક ડરીને એકમેકને તાકવા લાગ્યા. સિંહે હસતા હસતા હાથ વડે ઈશારો કરી અમને નજીક બોલાવ્યા. પણ અમારા પગ ભયથી થીજી ગયા હોય એમ એક પણ ડગલું આગળ વધવા તૈયાર ન હતા. ભૌતિકનો હાથ મારા ખભે વીંટળાયો. મિત્રતાની હૂંફથી હય્યામાં થોડી હિમ્મત ભેગી થઇ. પરિસ્થિતિનો સામનો એકીસાથે કરવા અમારા કદમ ધીરે ધીરે કાઉન્ટર ભણી ઉપડ્યા. હસતા હસતા હાંફી ગયેલા અને ઉધરસ ખાતા શરીરે ડ્રોવરમાંથી અમારા ફોટાનું કવર કાઢી કાઉન્ટર ઉપર મૂક્યું. હું અને ભૌતિક વિસ્મયથી એકમેકને નિહાળી રહ્યા. રાક્ષસી હાસ્ય હજી યથાવત હતું. એમાંથી રસ્તો કાઢતો સ્વર બહાર નીકળ્યો.
"સહી "
મને નિર્દેશ થયેલા પુસ્તકમાં ડિલિવરી પ્રાપ્ત કરવાની તારીખ અને સહી કરી રહેલા મારા હાથમાં ખુશી અને ભયની સંમિશ્રિત ધ્રુજારી હતી. ભૌતિકતો સ્તબ્ધ મૂર્તિ સમો હસતા સિંહને તાકી રહ્યો હતો. સ્ટુડિયોનો સ્ટાફ દંગ બની બધોજ વ્યવહાર નિહાળી રહ્યો હતો. આજે નિયમો સાથે આવી ઢીલ? ફોટા હાથમાં આવતા જ અમે બન્ને દુમ દબાવી ભાગ્યાજ કે પાછળથી ગર્જના સંભળાઈ .
" ઉભા રહો. "
જેલમાંથી છૂટી ગયેલા કેદી ફરી જેલમાં પુરાય જાય એવી ભાવનાઓ જોડે અમે ફરી પાછળ તરફ ફર્યા.
"રસીદ તો લેતા જાઓ."
પોતાના હાથમાંની રસીદ ઉપર 'ડિલિવર્ડ' નો થપ્પો લગાવી એમણે રસીદ આગળ ધરી.
પોતાના હાસ્યને ફરીથી આરંભતા દંગ સ્ટાફ તરફ વ્યંગયુક્ત દ્રષ્ટિ ફેંકતા એ રાક્ષસી ગર્જનાવાળા અવાજમાં બધાને જણાવી રહ્યા,
"એ દિવસે રસીદ તો અહીં જ બન્ને કાઉન્ટર ઉપર જ ભૂલી, છોડીને જતા રહ્યા હતા ....."
કાપે તો લોહી ન નીકળે એવી શરમ જનક પરિસ્થિતિમાં અમારી આબરૂના કાંકરા ઉડી ગયા. સ્ટુડિયોની બહાર પાર્કિંગ ઉપર દુમ દબાવી ભાગતા પહોંચ્યા અને હળવા થઇ મન મૂકીને હસ્યાં. સ્ટુડિયોમાંથી 'યમરાજ' અને એના સ્ટાફના ખડખડાટ હાસ્ય નો પડઘો પાર્કિંગ સુધી ગુંજી રહ્યો હતો.
એ દિવસે એક કહેવતનો અર્થ સારી પેઠે સમજાયો :
' એક જૂઠ છૂપાવવા ......'
હું આગળનું વાક્ય પૂરું કરું એ પહેલાજ ધ્યાનથી આખી વાત સાંભળી રહેલ મારા બી.એડ. ના વિદ્યાર્થીઓ ખડખડાટ હસતા એકીસાથે બોલી ઉઠ્યા :
'...........સો જૂઠનો સહારો.'
રીસેસ માટેની એલાર્મ ગુંજી અને અમે હસતા હસતા વિખેરાયા. વર્ગના બોર્ડ ઉપર મારા અક્ષરે લખેલું મથાળું રંગીન ચોકથી ચમકી રહ્યું હતું.
' જીવન વ્યવહાર અને સાહિત્યમાં કહેવતોનો ફાળો .'
વર્ગમાંથી બહાર નીકળતાંજ ખિસ્સામાં મોબાઈલ વાઈબ્રેટ થયો. મોબાઈલની સ્ક્રીન ઉપર ઉપસી આવેલા નામથીજ મન પ્રસન્ન થઇ ખીલી ઉઠ્યું. તરતજ કોલ રીસીવ કર્યો .
"એ ભૌતિકયા તું તો સો વર્ષ જીવવાનો ....."
શહેરની અન્ય બી.એડ. કોલેજમાંથી આવેલા કોલ થકી પ્રોફેસર ભૌતિક જોડે હું થોડી ક્ષણો માટે ફરીથી ભૂતકાળની સુવર્ણ ક્ષણોમાં સરી પડ્યો ..