Hardik Brahmbhatt

Comedy

2.5  

Hardik Brahmbhatt

Comedy

મેં પણ રાખ્યું ગૌરી વ્રત...!

મેં પણ રાખ્યું ગૌરી વ્રત...!

10 mins
15.2K


નમસ્તે મિત્રો,

જાણું છું કે થોડો વધુ સમય લઇ લીધો આ વખતે નવી વાર્તા માટે પણ શું કરું આતો ખાલી શોખ ખાતર જ લખું છું. બાકી ફૂલ ટાઈમ ધંધો તો બીજો કંઇક છે એટલે ધંધાને પ્રાથમિકતા આપી.

પણ જે હોય એ... કાંઈ વાંધો નહિ.

હવે જરા થોભી જાઓ. જી હા...! જે પણ કાર્ય કરતા હોવ કે મગજમાં જે પણ બીજા વિચાર ચાલતા હોય એ એકાદ મિનિટ બંધ કરી દો. પણ આ વાંચવાનું ચાલુ રાખજો ખાલી.

હવે યાદ કરો તમારી સ્કૂલના દિવસોને... યાદ કરો એ સ્કૂલના સમયની દરેક વાતો.... કે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ આવી જાય... યાદ આવી?

કેવા મજાના દિવસો હતા ને એ...! કોઈના પણ સ્કૂલના દિવસો મજાના જ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા પણ દિવસો મજાના હતા.

એમાં પણ એક એવો કિસ્સો હતો કે જે આજે પણ હું યાદ કરું તો ખડખડાટ હસવા લાગું.

હમ્મ...! જો ધ્યાનથી યાદ કરું તો આ વાત છે ધોરણ ૭ની.

સ્કૂલમાં હું એક શાંત અને હોશિયાર છોકરો હતો - એવું લોકોને લાગતું.

એક આદર્શ વિદ્યાર્થીનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ હું હતો - આવું મારા શિક્ષકોને લાગતું.

જો આવો જ રહ્યો તો આગળ જઈને બહુ મોટું નામ કરશે. એવું મારા મમ્મી પપ્પાને લાગતું. પણ હા, વાસ્તવિકતાએ નહોતી. કહેવાનો મતલબ... તમે જાણો છો કે વાસ્તવિકતા શું છે. ખરું ને?

તો સ્કૂલ ટાઈમે પણ સ્વભાવ આવો જ હતો. મસ્તી મજાકને હસવું હસાવું એવું બધું. પણ ટીચર જ્યારે ભણાવે ત્યારે એક દમ શાંત... જાણે અનશન પર બેઠો હોય ને એમ કાંઈ પણ ચુ કે ચા ના હોય. નજર ટીચર તરફ જ હોય પછી ભલેને મન ક્યાંય કાશ્મીરની વાદિયોંમાં ખોવાયેલું હોય.

ટૂંકમાં, મારા આવા સ્વભાવને કારણે સ્કૂલ પ્રશાસનમાં બધાની જોડે આપણા સબંધ સારા હતા. નવી સાઇકલને લિસોટાના પડે એટલા માટે પટાવાળાને કહીને સાઇકલ હંમેશા પહેલી લાઈનમાં જ મુકાવું. સ્કૂલમાં ક્યાંય એકી-પાણીની રજા લઈને લોબીમાં રખડતો હોઉં અને પ્રિન્સિપાલ મને જોઈ જાય તો બોલાવીને મારા અભ્યાસ વિશે હાલ ચાલ પૂછે.

ટીચર્સ પણ સ્કૂલમાં કોઈ ફંકશન હોય કે ક્લાસમાં કોઈ ઈત્તર પ્રવૃત્તિનું આયોજન હોય તો એ દરેકમાં મને ઇન્વોલ્વ કરે અને લીડ કરવાનું કે. મને યાદ છે ધોરણ ૪થી ૭માં પી.ટી.નો ક્લાસ પણ હું જ લેતો.

રીશેષ ટાઈમમાં બધી વ્યવસ્થા કરવાથી લઇને ક્લાસ પતાવાના ધંટ વગાળવા સુધીની જવાબદારી મારા માથે હતી. ક્લાસમાં કોઈ છોકરાને વહેલા ઘરે જવાની રજા જોઈતી હોય તો બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે ટીચર મને પૂછે કે આને રજા આપું કે નહિ? આ નાટક તો નથી કરતો ને? એવું બધું.

બહુ થઇ ગયા પોતાના વખાણ...! હવે મુદ્દા ઉપર આવું.

ટૂંકમાં, પટાવાળાથી લઇને પ્રિન્સિપાલ સુધી બધા સારી રીતે ઓળખતા. ખાલી મને કોઈ નહોતું ઓળખતું તો એ હતા પ્રિન્સિપાલના પપ્પા... જી, હા. એમના પપ્પા...!

અમારા પ્રિન્સિપાલની બહુ ઉમર નહોતી. એ ૪૦ એક વર્ષના હશે. એમના ફાધર કદાચ રિટાયર્ડ હશે એટલે ટાઈમ જાય એના માટે થઇને સ્કૂલમાં બેસવા આવતા.

અમારી સ્કૂલનો મેઈન ગેટનો રસ્તો એ સ્કૂલના મેદાનમાં થઇને જતો અને આ પ્રિન્સિપાલના ફાધર ગેટની બાજુમાં જ એક ટેબલને ખુરશી નાખીને બેસતા.

એક મિનિટ....! આ પ્રિન્સિપાલના પપ્પા એ બહુ લાંબો શબ્દ થઇ જાય છે. તમને વાંચવા અને મને લખવામાં તકલીફના પડે એટલે હવે આપણે એને પ્રેમથી પિન્ટુ કહીશું...!

તો હા, સ્કૂલના ગેટ પાસે પિન્ટુ બેસી રહેતો અને સ્કૂલમાં થતી દરેક ગતિવિધિને બહુ બારીકાઇથી જોતો. પિન્ટુ દેખાવે શાંત અને આમ પણ બહુ જ શાંત હતો. કદાવર શરીર હતું અને માથે સફેદ વાળ જાણે હેર ફોલની ઉંમરમાં માથે સ્નોવ ફોલ થયો હોય એમ લાગે.

સ્કૂલમાં લગભગ કોઈ એ આ પિન્ટુને બોલતો જોયો નહોતો. કહેવાનો મતલબ કે સાંભળ્યો નહોતો. ભગવાન જાણે કે બોલી પણ શકતો હતો કે નહિ.

હવે થયું એવું કે ગૌરી પાર્વતી વ્રતનો સમય આવ્યો. હવે તમને ખબર જ હોય કે ગૌરી વ્રત કરવા વાળી બધી જ છોકરીઓને બપોરે રિશેષમાં એટલે કે ૩ વાગ્યા પછી રજા મળી જતી.

મારી બેન પણ મારી જોડે એક જ ક્લાસમાં હતી. હવે છોકરીઓને વહેલા ઘરે જવા મળે એમાં મને કાંઈ વાંધો નહોતો. પણ મારી બેન વહેલા ઘરે જાય એટલે એ લોકો બધા લંગડી રમતા અને ખારેકને મુક્તિને એવું ખાતા અને સ્કૂટી ચલાવતા. આખા વર્ષમાં આ એક એવો સમય હતો જેમાં મારા કાકા સ્કૂટી ચલાવા દેતા. મારી તકલીફ એક જ હતી કે મારે પણ સ્કૂટી ચલાવવી હતી અને હા થોડી ઘણી ખારેકને એવું ખાવું હતું.

કારણ કે આડા દિવસેના તો કોઈ મને સ્કૂટી ચલાવા દેતું કે ના કોઈ ખારેક ખાવા દેતું. એટલે બેનને શીખવાડવાના બહાને હું પણ હાથ અજમાવી દેતો અને સાથે સાથે એની ખારેક પણ હું ખાઈ જતો.

હવે મારી મૂળ તકલીફ એ હતી કે છોકરીઓને તો વ્રત છે એટલે એમને રજા મળે એમાં કોઈ નવાઈ નહિ પણ મારે કઈ રીતે રજા લેવી?

એક્ટિંગનો કીડો પહેલેથી જ હતો એટલે મેં એક પ્લાન બનાયો કે આજે સવારથી જ સ્કૂલમાં બીમાર હોવાનું નાટક કરવું. એટલે મેં સવારથી જ સાવ જાણે બીમાર હોઉં એ રીતે એક્ટિંગ કરવાની ચાલુ કરી. રિશેષ પહેલાના ૪ ક્લાસ હું ઊંઘ નહોતી આવતી તો પણ બેન્ચ પર માથું નાખીને સૂતો જ રહ્યો. ટીચર જ્યારે ક્લાસમાં એન્ટર થાય એટલે કોઈ એક ચમચો કહી દે કે હાર્દિકને પેટમાં દુખે છે એટલે સૂઈ ગયો છે. એટલે કોઈ મને ડિસ્ટર્બ કરતું નહિ.

૨ કલાક સુધી કાંઈ પણ બોલ્યા વગર બેન્ચ પર માથું રાખી પડી રહેવું ખરેખર બહુ અઘરું હતું પણ મને તો એના પરિણામમાં જ રસ હતો. આંખ બંધ કરીને હું તો સ્કૂટી ચલાવા ના સપના જોતો.

જોકે આવડતી નહોતી પણ સપનામાં તો જાણે જ્હોન અબ્રાહમ ધૂમ બાઈક ચલાવે એમ હું સ્કૂટી ચલાવતો અને સ્ટન્ટ પણ કરતો.

૪ ક્લાસ પત્યા. રિશેષ પડી. મારા ક્લાસ ટીચરે મને કહ્યું શું થાય છે? મેં એક સલાહકાર સાથે રાખેલો જે મારી બાજુમાં બેસતો.

એટલે એને કીધું કે હાર્દિકને સવારથી પેટમાં દુઃખાય છે. ટીચરે સલાહકારને કીધું કે જા આને પ્રિન્સિપાલ જોડે લઈજા અને ઘરે જવાનું કે. આ સાંભળતા જ મારા મનમાં આનંદ અને ઉમંગના ફણગા ફૂટવા લાગ્યા.

સલાહકારે મને ઉઠાડ્યો અને મને હાથ પકડીને પ્રિન્સિપાલ જોડે લઇ ગયો. રીશેષના સમયે પ્રિન્સિપાલ સ્કૂલના ગેટ પાસે પિન્ટુ જોડે ઉભા રહેતા. ખાલી ઉભા જ રહેતા. બાપ બેટો હોવા છતાં બંને એક બીજા જોડે વાત સુદ્ધા નહોતા કરતા. પ્રિન્સિપાલને જોઈને મેં મારું આખું વજન સલાહકાર ઉપર નાખી દીધું અને ઊંઘ માં ચાલતો હોય એમ નાટક કરતો કરતો પ્રિન્સિપાલ સામે ચાલવા લાગ્યો.

મારી આ સ્થિતિ જોઈને પ્રિન્સિપાલ ચિંતામાં મુકાયા. એમને પૂછ્યું કે હાર્દિક શું થયું? મેં ધીમેથી ઊંચું જોયુંને ધીમેથી બોલ્યો કે પેટમાં દુખે છે.

આ અત્યારે લખું છું ત્યારે ખબર પડી કે પેટના દુખાવાને મારી બેભાન અવસ્થાવાળી એકટિંગ સાથે શું લેવા દેવા? સાવ ગોગા જેવો...!

પ્રિન્સીપાલે કહ્યું એક કામ કર તું ઘરે જા. પટાવાળા ને મોકલું છું તને ઘરે મૂકી જશે. વટ તો જુઓ સાહેબનો... પટાવાળા ઘરે મુકવા આવે. હું અંદરથી ખુશ થયો મેં હા પાડતો હોય એ રીતે માથું ધુણાવ્યું.

હું વહેલા ઘરે ગયો. સ્કૂટી ચલાવવા મળી અને ખારેક પણ મળી. મારો પ્લાન સફળ રહ્યો.

બીજો દિવસ આવ્યો. હું મારા પ્લાન સાથે વળગી રહ્યો.

મને સૂતો જોઈને ક્લાસ ટીચરે મને ઘરે જ રહેવાની સલાહ આપી. ૪ ક્લાસ પત્યા. રીશેષ પડી. સલાહકાર મને ફરી પકડીને પ્રિન્સિપાલ જોડે લઇ જતો હતો. એવું લાગ્યું જાણે ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો હતો!

પ્રિન્સીપાલે મને કહ્યું કે તને હજુ મટ્યું નથી? મેં ના પાડતો હોય એ રીતે માથું ધુણાવ્યું. એમને ફરી પટાવાળાને બોલાવીને મને ઘરે મૂકી આવવા કહ્યું.

પિન્ટુ છેલ્લા ૨ દિવસથી ચાલતું આ આખું પિક્ચર જોઈ રહ્યો હતો. પણ રોજની જેમ એ મૌન હતો. મેં એની સાથે આંખ મીલાવાનું ટાળ્યું.

હું બીજે દિવસે પણ ઘરે ગયો.

મેં ફરી સ્કૂટી ચલાવી. હવે મારી બેન કંટાળી હતી કે મને ચલાવવા દે નહીં તો કાલે સ્કૂલમાં તારો ભાંડો ફોડી નાંખીશ. થોડા આંટા મારીને મેં એને ચલાવવા આપી કે ક્યાં વ્રતના દિવસોમાં પાપ કરવો.

મારી ખુશીનો પાર નહોતો. એકટિંગ અને પ્લાનની સફળતા મારી આંખે વળગી ગઈ હતી. એવું લાગ્યું જાણે મેં પણ જયા પાર્વતીનું વ્રત કર્યું છે અને પાર્વતી દેવી સાક્ષાત ખાલી મારી પર જ કૃપા વરસાવી રહ્યા છે.

૩ જો દિવસ આવ્યો. એ શુક્રવાર હતો. જો આજે પણ વહેલો ઘરે જતો રહું તો શનિ ને રવિ આમેય રજા હતી.

હું મારા પ્લાન સાથે વળગી રહ્યો પણ આજે મેં પેટમાં દુખાવાની સાથે મારી એકટિંગની ઇન્ટેન્સિટી થોડી વધારી.

સ્કૂલમાં મારી આવી હાલતને જોતાં ટીચર અને પ્રિન્સિપાલ પહેલા જ પિરિયડમાં ક્લાસમાં મારી જોડે આવી ગયા અને કીધું કે તબિયત સારી ન હોય હાર્દિક તો શું કામ આવે છે અને હેરાન થાય છે?

મેં કહ્યું કે સર હું સ્કૂલના દિવસ નથી પાડવા માંગતો. તમે ચિંતા ના કરો મને સારું થઇ જશે. મારો જવાબ સાંભળીને ટીચર અને પ્રિન્સિપાલ અંદરથી મારી કદર કરી ગયા. એવું મને લાગ્યું હો..!

મારો ગર્વથી તરબરોડ એવો જવાબ સાંભળીને પ્રિન્સીપાલે આજે વહેલા ઘરે જવાની કોઈ વાત કરી નહિ એટલે હું મુંજાવાયો. વધુ પડતા જ સારા ડાયલોગ્સના કારણે મારો પ્લાન ફેલ થતો હોય એમ મને લાગ્યું.

એટલે પ્રિન્સિપાલની હાજરીમાં હું અલગ અલગ અવાજ કાઢવા લાગ્યો ને કૂતરાને વાઈ આવી હોય એમ આગો પાછો આળોટવા લાગ્યો કે કેમ કરીને સર આજે રીશેષમાં ઘરે જવાની વાત કરે છે કે કેમ...!

હું તો જબરદસ્ત કેરેક્ટરમાં ઘૂસેલો હતો એટલે મારી કન્ડિશન જોઈને પ્રિન્સીપાલે ફરી ચિંતામાં મુકાયા. મને રીશેષ પહેલા જ ઘરે જવાની સલાહ આપી. મારા સલાહકારને એમને મને સ્કૂલના ગેટ સુધી મુકવા જવા કહ્યું અને ફટાફટ પટાવાળાને પણ મને ઘરે મુકવા જવા કહેવાયું.

ઓસ્કાર વિનિંગ પર્ફોમન્સ હતું મારું એ વખતે. કોઈ ડિરેક્ટર જોઈ જાત તો તારે જમીન પર જેવા રોલમાં કાસ્ટ કરી દેત.

સલાહકર મને સ્કૂલના ગેટ સુધી મુકવા આવ્યો. ગેટ પાસે દરરોજની જેમ પેલો પિન્ટુ એકલો બેઠો હતો એટલે મેં મારો એકટિંગ મોડ ચાલુ જ રાખ્યો. સલાહકાર મને મૂકીને પાછો જતો રહ્યો અને હવે હું પટાવાળાની વાટે ગેટ પાસે ઉભો રહ્યો.

વિકટ પરિસ્થિતિનું નિર્માણ જેને અંગ્રેજીમાં ઓકવર્ડ મોમેન્ટ પણ કહેવાય એ આવી.

હું અને પિન્ટુ એકલા અને એ પણ આમને સામાને.

મને ખબર છે કે પિન્ટુ મારી સામું જ જોઈ રહ્યો હતો પણ હું એને ટાળવા માટે આડી અવળી નજર ફેરવતો હતો. પણ ક્યાં સુધી?

મારી નજર પિન્ટુની નજર ને મળી ગઈ.

એ મારી સામું એ રીતે જોતો હતો જાણે કે મારું પેટમાં દુખાવાનું કારણ એ પોતે હોય.

એને મૌન તોડ્યું અને મને પૂછ્યું. આજે પણ પેટમાં દુખે છે? પહેલીવાર એને બોલતા જોઈને હું બગવાયો.

મેં ધીમા અવાજે કીધું, "હા..!"

"બહુ દુઃખાય છે બકા?" પિન્ટુ જાણે ફ્રેન્ક થતો હોય એમ બોલ્યો.

મેં કીધું હા.. - એનું સારું વર્તન જોઈને હું થોડો હળવો પડ્યો અને પટાવાળો આવે ત્યાં સુધી ટાઈમ પાસ કરવા હું પણ થોડો ફ્રેન્ક થયો. એટલે મેં વધુમાં પેટમાં દુખવાનું કારણ રજુ કર્યું.

મેં કહ્યું કે મંગળવાર ની રાતે બનાવેલા ઢોકળા મેં છેક બુધવારે સવારે ખાધા એટલે પેટમાં થોડું વાયુ જેવું થઇ ગયું છે.

એમને મારી દલીલ સાંભળી.

પિન ડ્રોપ સાઇલન્સ...! પિન્ટુ મારી સામે જ જોઈ રહ્યો અને હું પણ એની સામે. એનો લુક એવો હતો જાણે કે મારો જવાબ સહેજ પણ કન્વિન્સિંગ ન હોય.

એને મૌન તોડ્યું અને બોલ્યો, "તું જાજરૂ જઈ આવ..!!"

હું ભડક્યો.. મેં કીધું શું?

"સંડાસ જઈ આય જા..." એને ઊંચા અને ધમકી ભર્યા અવાજે કીધું.

હું ડરી ગયો. મોઢામાંથી અવાજ ન નીકળે.

શું બોલું? ફરી પિન ડ્રોપ સાઇલન્સ... મને લાગ્યું મારા જવાબની રાહ જોઈ રહ્યા છ

એટલે મેં ધીમા અવાજે એમના પ્રશ્નનો ઉત્તર આપ્યો, "નથી આવી અત્યારે... ઘરે જઈ ને જતો આવીશ... પ્રિન્સીપાલે મને ઘરે જવાનું કીધું છે."

પિન્ટુ બગડ્યો...

"સાલા નોનડિયા...! બે દા'ડાથી તારા ધતીંગો જોઈ રહ્યો છું. તારા નાટક મને બધા ખબર પડે છે. છાનોમાનો જાજરૂ જઈ આય અને ભણવાનું કર નહીતો ચોબડું વખોડી કાઢે અમણાં તારું હા."

ઓસ્કારના તૂટીને ટુકડે ટુકડા થઇ ગયા.

પટાવાળો ખરા ટાઈમે આવ્યો. મને કહે, "ગેટની બહાર ઉભો રે.. હું સ્કૂટર લઇ ને આવું."

પિન્ટુએ પટાવાળાને લીધો, "ક્યાંય નથી જવાનું એને. જા એને પાછો ક્લાસમાં મૂકી આવ."

પટાવાળાએ ગુગલી નાખીને મને બચવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો, "સાહેબ, જવા દો આને. બે દિવસથી બીમાર છે બિચારો. પ્રિન્સિપાલ સાહેબે મને આને ઘરે મૂકવા જવાનું કહ્યું છે."

પિન્ટુએ સિક્સ મારી - "એને કે જે કે એના બાપાએ ના પાડી છે. જા લઈજા પાછો આને ક્લાસમાં."

પટાવાળો ચૂપ થઇ ગયો. મારો હાથ પકડીને ક્લાસ રૂમમાં લઇ જવા લાગ્યો.

પ્લાન ફેલ...!

પટાવાળો મને પકડીને ક્લાસમાં લઇ જતો હતો થોડા આગળ લોબીમાં જઈને હું ઉભો રહી ગયો. મેં પટાવાળાના હાથમાંથી મારો હાથ ઝાટકો મારીને ખેંચી લીધો.

મેં કીધું કાકા તમે જાઓ હવે. હું આવું થોડીવારમાં.

"કેમ ક્યાં જાય છે?" - પટાવાળા એ પૂછ્યું?

પિન ડ્રોપ સાઇલન્સ...! મેં એની આંખોમાં આંખ મીલાવી અને બહુ જ સાદગી પૂર્વક એમની માન મર્યાદાને ઠેસ ન પહોંચે એ રીતે ઉત્તર આપ્યો. "કાકા સંડાસ જાઉં છું ! આવવું છે?"


Rate this content
Log in

Similar gujarati story from Comedy