Hardik Brahmbhatt

Comedy Others

3  

Hardik Brahmbhatt

Comedy Others

ને છેલ્લે મહુરત સચવાયું

ને છેલ્લે મહુરત સચવાયું

6 mins
7.6K


માણસના બધા દિવસો સરખા નથી હોતા. કાલ સુધી આવું સાંભળ્યુંતું પણ આજે અનુભવ્યું. આમ તો દરેક માણસને એના રોજના જીવનમાં કંઇકને કંઇક પ્રસંગો બનતા જ હોય છે. હવે તેમાંથી શુ અનુભવવું અને શુ ના અનુભવવું (અહીં તમે હસી શકો ) એ આપણી ઉપર છે. આજે એવા જ એક અનુભવ ની વાત કરવાનો છું.

અખાત્રીજનો એ દિવસ અને છેલ્લા એક મહિનાથી બુક કરાવેલા બુલેટ બાઈકની જોવાતી રાહ. આમ તો આજ દિન સુધી આપણો રેકોર્ડ રહ્યો છે સાહેબ કે જે ખરીદયુ એ સેકન્ડ હેન્ડ જ ખરીદ્યું છે. એ ચાહે બોડી રિટચ કરાવેલી એવી પહેલી ધોળીકાર ફ્રંટી હોય કે પછી ચોળાફળીવાળા જોડેથી ૯૫૦ રૂપિયામાં વિથ ૧ GB મેમોરી કાર્ડ સાથે લીધેલો મોબાઈલ નોકિયા ૨૬૧૦ હોય.

આને મારો શોખ કહો કે મજબૂરી પણ આજે એ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો હતો. કારણ કે હું બુલેટ એકદમ પેટી પેક લેવાનો હતો.

ક્હેવાય છે કે ૧૧:૩૯નું મહુરત એ કાયમ વિજયી મહુરત હોય છે અને એ સમયે જે કરો એ સારું જ કેવાય એવું મને મારા એક ખાસ મિત્ર કલ્પિતભાઈ એ કીધેલું (એમના વિશે ફરી ક્યારેક વાત કરીશ). એટલે આપડે તો એ વાતને ધ્યાનમાં લઈને બાઈક લેવા જવાનું નક્કી કર્યું.

હું મારા મિત્રો કલ્પિતભાઈ (કપ્પુ ભાઈ), અલ્પેશ ભાઈ (અપ્પુ ભાઈ) અને ધ્રુવ (લાડકું નામ મલિક) એમ અમે ચારે જણા બાઈક લેવા માટે નીકળ્યા. નિર્ધારિત સમયે અમે શૉ રૂમ પહોંચ્યા. ડિલિવરી આપવાવાળી બાઈક્સ પહેલેથી જ બહાર પડી હતી. અને એમાં હતું મારુ ધોળા કલરનું થન્ડરબર્ડ ૩૫૦X.. જી ...હા.....થન્ડરબર્ડ ૩૫૦X..!! ઇટ્સ સેલ્ફી ટાઈમ :-)

બહાર પડેલું બાઈક જોઈને હું તો એના વિચારોમાં ખોવાઈ ગયો. કેમ કે આટલા વર્ષો પછી તમને તમારી ડ્રિમ બાઈક મળવા જઈ રહી હોય અને એ તમારી સામે હોય તો મંત્ર મુગ્ધ થઇ જવું એ કોઈ પણ માટે સહજ હોય. પણ મારા માટે નહોતું. કેમ કે મારા વિચારો એક અલગાવવાદી (જે આખા ગામથી અલગ ચાલતો હોય)ને સમર્થન આપે એટલા અલગ હતા.

મારા વિચાર હતા: "એક લાખ ને ઈઠ્યોતેર હજાર ઓન રોડ પ્રાઇસ... પ્લસ મારા ઈન્સુરન્સની માહિતી અને પ્રોસેસની જાણકારીના અભાવને કારણે એક પ્લસ બે એમ ત્રણ વર્ષના કરેલા વીમા કરારના એકસઠ સો..... વળી પાછો મનગમતો નંબર વિશે પૂછતાં ઘા ભેગો ઘસરકો સમજીને પાડેલી હા અને એના પાછા પંદરસો એક્સ્ટ્રા.... એમ થઇ ને કુલ બાઈકનો ખર્ચો એક લાખને પંચ્યાસી હજાર !".   

માર્ચ એન્ડમાં જે રીતે એકાઉન્ટ લખવા વાળો ગણતરી મારે એવી ગણતરી મારા મગજ માં ચાલી રહી હતી. જેમ ઘીથી લથપથ એવી એક દમ ઢીલી ખીચડીમાં કાંકરો આવેને ખાવાની જે મજા બગડે એ જ રીતે એક કર્કશ અવાજે મારી મજા બગાડી દીધી.

"એ બારોટયા, અંદર આય..!!"

ગુજરાતના કોકિલકંઠ એવા દિવાળીબેન ભીલ પણ જો આજે જીવતા હોત તો આ અવાજવાળા ને છુટ્ટો ઢેખારો(પથરો) મારત.

આ અવાજ હતો ધ્રુવ ઉર્ફે મલિકભાઈનો. મલિક ભાઈ વિશે શું કહું ? એક સમયે સારો એવો કવિ સૌરાષ્ટ્રના સોરઠની વાતો કરતા થાકે પણ હું મલિકભાઈના ગુણગાન ગાતા થાકું નહિ !  

જોજામવંતું શરીર જેનું, અલબેલી જેની માયા..

દોઢ કિલોનું ડેરિંગ એનું, ને પચ્ચાસ કિલોની કાયા..!!

મહિનો થાય તો દિવસોમાં કરતો, એ ગવર્મેન્ટના કામ,

આધારકાર્ડ લિંક હોય કે ગેસ સબસીડી, એ લેતો નહોતો કોઈ દામ..!!

કામ કમ્પલેટ કરતો એ, કામ જે તમે ઈચ્છો..

અજય દેવગણ જેવી ચાલ એની, ને ખભો ડાભેથી સહેજ નીચો..!!  

જાન, જીગર ને જાંગીયો આપે જે, મને એનું અભિમાન...

વેગનાર લઈને દુનિયા ફરતો, મલિકભાઈ એનું નામ..!!

મલિકની બુમે મારી ગણતરીની તપસ્યાનો ભંગ કર્યો ને હું શૉ રૂમમાં પ્રવેશ્યો. શૉ રૂમમાં ભીડ હતી એટલે અમે લોકો એક ખૂણામાં પડેલા સોફા પર જઈને બેઠા. એ સમયની સ્થિતિ જાણે છોકરી જોવા ગયા હોયને સોફા પર બેઠા બેઠા આપણું મગજ જેમ છોકરીના ઘરના બેઠક રૂમને જેટલી બારીકાઇ થી ઓબસર્વ કરતુ હોય એમ અમે બધા શૉ રૂમને ઓબસર્વ કરવા લાગ્યા.

મલિક માટે આ અનુભવ તદ્દન નવો હતો. એ ગુજારીશના હ્રિતિક રોશનની જેમ વ્હીલ ચેર જેવા એક સેપરેટ સોફા પર સુન મૂન બેઠો હતો.

છોકરી જોવા જઈએ તો જેમ સુંદર છોકરી પાણીની ટ્રે લઈને પાણી આપવા આવે તેનાથી તદ્દન વિરુદ્ધ એક આધેડ વયના બેન જેમને રોયલ એન્ફિલ્ડ તરફથી નિર્ધારિત કરેલા યુનિફોર્મથી સુસજ્જ એવી બ્લુ કલર સાડી પહેરી હતી. એ પાણીની ટ્રે લઇ ને આવ્યા...!! એ સમયે એ બહેન અમને રોયલ બ્લુ કલરના કલાસિંક ૩૫૦ બુલેટની યાદ અપાવતા હતા. અલબત્ત શૉ રૂમનો દરેક કર્મચારી બુલેટના અલગ અલગ મોડેલ જેવો લાગતો હતો.

મારુ નામ બોલાયું. એક પર્સનલ ફાઇનાન્સ કંપનીનો એજેન્ટ લોનની પ્રોસેસ માટે મને બોલાવી ગયો. મેં ડોક્યુમેન્ટ સબમિટ કર્યાં અને પછી શરુ થઇ ઑટોગ્રાફ આપવાની એક લાંબી સફર...!

હું જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનો સ્ટાર હોઉં અને એ ઑટોગ્રાફ માંગતો હોય એમ લોન પપેર્સ પર સહીઓ કરવા લાગ્યો. સહી કરવાની ના પાડતા જાણે લોન મેનેજરે કોઈ સજાના આપી હોય, એવું લાગ્યું. આશરે ઇઠોતેર જેટલી સહીઓ કરી. લોનની પ્રોસેસ પુરી થઇ.

શૉરૂમનો એક માણસ આવીને મને કોમ્પલીમેટ્રી હેલ્મેટ આપી ગયો. કોમ્પલીમેટ્રીમાં કદી ચોઈસના હોય એટલે મને એ હેલ્મેટ ના ગમ્યું. મેં બીજા હેલ્મેટની માંગણી કરી. શૉરૂમ નો માણસ જાણે અલગ રાજ્ય ની માંગ કરી હોય એ રીતે જોવા લાગ્યો અને બોલ્યા વગર જતો રહ્યો. એની ખામોશીને હા સમજીને હું પણ એની પાછળ ગયો અને બીજા હેલ્મેટ જોવા લાગ્યો.

બીજી બાજુ અમારા ગ્રુપમાં સૌથી વડીલ એવા અપ્પુ ભાઈની નજર રોયલ એન્ફિલ્ડની ટી શર્ટ પર પડી. એમને નવું નવું જીમ જોઈન કરેલું. કોણ જાણે એ દિવસે એમને બાઈસેપ્સ માર્યા હશે તે એક ઑફ ઓરેન્જ કલરનું હાલ્ફ સ્લીવનું ટી-શર્ટ એમની આંખમાં વળગ્યું.

અમુક સમયે એવું થાય કે જેમ અરેન્જ મેરે માં મેરેજ પછી પત્ની ગમવા લાગે. એમ ટી-શર્ટમાં પણ ના ગમતો કલર પહેર્યા પછી ગમવા લાગે. ૪૫% ડિસ્કાઉન્ટ સાથે એ ટી-શર્ટ એમને ૭૦૦ માં પડી. જોકે પૈસા અપ્પુ ભાઈ એ જ આપ્યા તેમ છતાં મારા એકાઉન્ટન્ટ જેવા મગજે એની પણ ગણતરી મારી.

"એક લાખ પંચ્યાસી હજાર ને સાતસો..!!! "

બીજી બાજુ મેં પણ બીજા કોઈ માંગે તો એમને માથે થાય નહિ એવા તદ્દન નિર્દોષ ભાવ સાથે લાર્જ સાઈઝનું મસ મોટું હેલ્મેટ પસંદ કર્યું. અમે સામાન અને બાઈકની કી લઈને બહાર ગયા.

હવે એ સમય આવી ગયો હતો. મારા અને મારા ડ્રીમ બાઈકની વચ્ચે હવે માત્ર દસેક ફૂટ નું અંતર બાકી હતું.

હું અધીરાઈથી મારા બુલેટ તરફ વધી રહ્યો હતો અને મારા ૧૮ વર્ષ જુના સ્પ્લેન્ડર બાઈકનું એકએક વર્ષ જાણે પાવરપોઈન્ટની સ્લાઈડ એફ-૫ કરીને જોતો હોય એમ મારી આંખ સામેથી જઈ રહ્યું હતું અને એમાં એક નવી સ્લાઈડ એડ થવા જઈ રહી હતી.

એવામાં અચાનક... મલિક એની ભાવનાઓ પરનો કાબુ ગુમાવી બેઠો.

જોકે અવાર નવાર કાબુ ગુમાવતો જ હોય છે જે અમારા માટે સહજ હતું. પણ આ વખતે તો જાણે બે દી'થી ભૂખ્યું ભેંસનું પાડું એની માંને જોઈ ને જેમ એની માં તરફ દોટ મેલે, બરાબર એ જ રીતે મલિકે કી લઈને બુલેટની તરફ દોટ મૂકી.

લાજ શરમ નેવે મૂકી હોય એ રીતે મલિકે બાઈકનો સેલ મારી દીધો અને બાઈક ચાલુ થયું.

ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક..ઢુક....!ને સમય હતો બરાબર ૧૧:૩૯નો અને અનાયાસે અમારું મહુરત સચવાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy