Hardik Brahmbhatt

Comedy Inspirational

5.0  

Hardik Brahmbhatt

Comedy Inspirational

ને બોસ પૈસા પડી ગયા

ને બોસ પૈસા પડી ગયા

6 mins
7.6K


રોજિંદા સવારની જેમ એ પણ એક તાજગી ભરી સવાર હતી અને રોજની જેમ આજે પણ હું ઓફીએ થોડો મોડો પહોંચ્યો.

રોજના નિયમ મુજબ પિઝા આઉટલેટની સામે બાઈક પાર્ક કર્યું.

પિઝા આઉટલેટનું ભવ્ય અને ઊંચુ શટર બરાબર ૧૧ વાગે ખુલે પણ જયારે શટર બંધ હોય ત્યારે પણ એ બંધ શટરનો મહિમા અકબંધ રહેતો. કારણ હતું એની પર રહેલી એરટેલની જાહેરાત. બંધ શટર માં એરટેલની જાહેરાતની એ બોયકટ હેર વાળી છોકરી જાણે શટર માંથી ઉભરીને બહાર આવતી હોય એમ લાગે.

રસ્તે ચાલતો દરેક છોકરો હોય કે પુરુષ એમને એક વાર તો પોતાની સામે જોવા માટે મજબુર કરીદે એટલું મોહક એનું સ્મિત અને એમાં પણ રિસેન્ટલી તાર બંધાવીને એક દમ હરોળમાં બેસાડેલા એના દાંત જાણે કોઈ સરકારી શાળાના છોકરાઓ સફેદ શર્ટ પહેરીને ખોખો રમવા બેઠા હોય એમ લાગે.

રોજની જેમ આજે પણ હું એની સામે જોવા માટે મજબુર થયો. મેં બાઈકને લોક માર્યું. મારા બાઈકમાં અરીસાના અભાવને કારણે બાજુ પડેલી એકટીવાના અરીસામાં જોઈને હું મારા વાળ સરખા કરવા લાગ્યો. શેમ્પુ કરવાના લીધે કોરા રાખેલા મારા વાળ કબૂતરે અડધા બનાવીને છોડેલા માળાની યાદ અપાવતા હતા. અરીસામાં જોઈને હાથેથી માળા રપી મારા વાળના એક એક તણખલાને સરખું કરતો જ હતો કે પિઝા આઉટલેટની બાજુની ગલીમાંથી આવતી એક છોકરી એ મને ડિસ્ટ્રેક્ટ કર્યો.

બ્લુ કલરની ટી-શર્ટ સાથે ક્રીમ કલરનું પેન્ટ, અને એમાંયે ઈન-શર્ટ કરેલું. સાથે જ માથે પહેરેલી ટોપી મને વેસ્ટર્ન કન્ટ્રીસની લેડી પોલીસની યાદ અપાવતી હતી. ગેટઅપ જોતા એ મને કોઈ મોબાઇલ બ્રાન્ડની સેલ્સ વુમન લાગી.

પિઝા આઉટલેટના એ વિશાળ શટરને ખોલવા કરવા માટે એક હાઇડ્રોલિક સિસ્ટમ લગાવેલી હતી. જેમાં એક પૈડાં જેવું ચક્ર અને એને ગોળ ફેરવવા માટે નો હાથો !

ચરખા જેવું જ સમજી લો ને. આટલું વિશાળ શટર ખોલવા આવા ચરખાના હૅન્ડલ પર કોઈ અનુભવી કારીગરનો હાથ પડે એ સહજ હતું.

અલબત્ત, મેં અહીં જે જોયું એ મારા વિચારોથી તદ્દન વિપરીત હતું.

પેલી સેલ્સ વુમન જેવી લગતી છોકરી કે જેની ઉમર વીસ એક વરસની હશે એના કોમળ જેવા કુમળા હાથ પેલા ચકેડાના હેન્ડલ પર પડ્યા. એને ચકેડાનું હેન્ડલ ફેરવવાનું ચાલુ કર્યું અને જોત જોતા માં એ વિશાળ શટર એક પડદાની માફક ખુલી ગયું. આ આખું દ્રશ્ય મારા માટે મહિલા શશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ હતું.

અત્યંત ચકોર અને ચંચળ એવી આ છોકરીના લલાટ પર થી બુદ્ધિમતા ટપકતી હોવાનો મને ભાસ થયો. ફ્રેમલેસ ચશ્મા જાણે એના કાન પાસે પગ લાંબા કરીને આરામ ફરમાવતા હતા. નાકની નાની એવી ચુની પણ એની સુંદરતામાં ભાગ ભજવી રહી હતી.

હું ખોટો હતો !

પહેલી નજરે સેલ્સ વુમન લાગેલી એ છોકરી બીજી કોઈ નહિ પણ પિઝા આઉટલેટમાં કામ કરતી એક કર્મચારી હતી.

વાળ સરખા કરીને બાજુમાંથી નીકળતા મેં એના વિશે આટલું અવલોકન કર્યું. આ અવલોકનનું તારણ એ આવ્યું કે મને રીયલાઈઝ થયું કે મારે પિઝા ખાધે ઘણો ટાઈમ થઇ ગયો, જેથી આજે બપોરે ૧ વાગે ભોજનમાં પિઝા આરોગવા જોઈએ.

ઓફિસ પહોંચીને મેં માત્ર જોવાના ઉદ્દેશથી મારુ ટિફિન ખોલ્યું. એના સૌથી ઉપરના ડબ્બા માં રાખેલું તુવેર ટોઠાનું શાક જાણે મારાથી રિસાઈ ગયું હોય એમ લાગ્યું. બીજા ડબ્બામાં રાખેલી ચાર રોટલીઓ તો હણાયેલા ભાવથી મને જોવા લાગી. નાના ડબ્બામાં રાખેલા પાપડે તો જાણે અબોલા ના લીધા હોય ! એમ વાત કરવાનું ટાળ્યું. પહેલા જયારે પાપડ ડબ્બામાંથી બહાર કાઢતો તો કીચુડ કીચુડ અવાજ કરતો પણ આજે એ અવાજ પણ ના આવ્યો.

અલગથી નાની બોટલમાં આવેલી છાશ મને આ બધામાં સૌથી નિશ્વાર્થ લાગી. હા એ વાત અલગ છે કે, પહેલા જયારે જોઈ ત્યારે માથે પાણી ચડાવીને ગુસ્સા માં બેઠી હતી પણ પછી બોટલ હલાવતા વેંત જ જેવી ઘરેથી ભરેલી બિલકુલ એવી થઇ ગઈ.

એ જ કલર... એ જ પ્રમાણ... અને બોટલમાંથી બહાર આવાનો એ જ જુસ્સો...!!!

જેવા સાથે તેવાની નીતિ અહીં એપ્લાય કરવી મને યોગ્ય લાગી. એટલે છાશ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કર્યા વિના હું એ પી ગયો અને બાકીનું એઝ ઈટ ઇઝ પાછું મૂકી દીધું.

ઓફિસમાં એક વાગ્યાની રાહ જોવામાં મેં છેલ્લી દસ મિનિટમાં પંદર વાર ઘડિયાળના કાંટાને એક પોલીસની માફક ટ્રેક કર્યા. કાશ આજે બાર પહેલા એક વાગી જાય એવું થયું, પણ રાહ જોવા માં એ મજા હતી. આની પાછળ નું કારણ તન અને મનને ખુશી આપનારું હતું. પિઝા તનને ખુશી આપશે અને પિઝા વાળી મનને..!!

બરોબર એકમાં પાંચ બાકી હતી ને હું નીચે આઉટલેટ માં જવા નીકળ્યો.

આઉટલેટમાં પહેલા પણ ઘણી વાર હું આવેલો. પણ એ આટલું સુંદર ક્યારેય નહોતું. પહેલા બહુ જ ખરાબ રીતે અરેન્જ કરેલા ચેર એન્ડ ટેબલ આજે સુવ્યવસ્થિત રીતે જાણે મારુ સ્વાગત કરતા હોય એવું મને લાગ્યું. કાલે જે જગ્યા બહુ જ કનઝસ્ટેડ અને ભીડ વાળી હતી આજે એ જ જગ્યા ભવ્ય એવા તરણેતરના મેળા સમાન લાગી. કાચની દીવાલોમાંથી આવતો સૂર્ય નો તપાવી દેનારો તડકો હવે મને હૂંફ આપનારી હવા જેવો લાગ્યો.

આ બધું કેમ થયું...? શું કારણ હતું...? કદાચ તમે એ વધુ સારી રીતે જાણો છો.

કારણ મારી સામે હાજર હતું અને કસ્ટમરનો ઓર્ડર લઇ રહ્યું હતું.

હું પણ લાઈનમાં ઉભો રહ્યો..!! મારો વારો આવે એની રાહ જોવા લાગ્યો. હજુ હું થોડો દૂર હતો. એ શું બોલી રહી હતી એ તો નહોતું સંભળાતું પણ એની બોલવાની છટા ઘણી આકર્ષક હતી.

(આવો જરા ફ્લેશબેક માં જઈએ...)

"લાઈન માં ઉભા ઉભા એનો અવાજ સાંભળવાનો અત્યારે હું પ્રયત્ન કરી રહ્યો છું. અહીં બહુ જ ભીડ અને ઘોંઘાટ છે. તેમ છતાં મને એનો ઝીણો સરખો અવાજ સંભળાઈ રહ્યો છે... જે મારા માટે તરસ્યાને જળ સમાન છે. એના મોઢેથી નીકળતા એ શબ્દો... અને ... ગુડ આફ્ટરનૂનની શુભેચ્છા સાથે જ કસ્ટમરને આવકારવાની એની અદા... સૌથી અલગ..!! અને ધીમો.... ધીમો... ઝરણાના ધોધ ની જેમ મારા કાન માં પડતો એનો અવાજ......આય હાય....!!

એક એક શબ્દ મધપૂડામાંથી જરતા મધ જેવો...!! એટલો જ મધુર.....એટલો જ મીઠો...!!! વાહ..!! "

(હવે પાછા આવી જઈએ..?? સરસ..!!)

આવા સંજોગમાં શું ઓર્ડર કરવું એ હવે મારા માટે ગૌણ વસ્તુ બની ગઈ હતી. અને એ સ્વાભાવિક જ છે. એટલે આમાં કાંઈ કરવાનું થાતું નહોતું.

મારો નંબર આવ્યો. હું સહેજ બગવાયો. (બગવાયો: શું કરવું શું ના કરવું કાંઈ જ ખબર ના પડવી)

એ મારા સામે હતી. પહેલી વાર. અને એ હવે બોલવા જઈ રહી હતી કંઈક...

એના અંતર મનમાંથી નીકળેલો એ અવાજ મારા કાનથી મારા હૃદય સુધી પહોંચ્યો...એ બોલી...

"બોટ ભૂંડિયું લાઈક તો હેવ સલ ? (મતલબ કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ સર...???)

ભૂંડિયું લાઈક તું હેવ મેક્સિકન પિઝા ? ઈતકે થાત તીજ લીજીયે...આપકે લિએ અચ્છા લહેંગા સલ.  

ઈતકે થાત કોક લીજીએ..આપકે લિએ અચ્છા લહેંગા સલ. તયાં આપ લાવા તેત લેના પસંદ તરેંગે સલ..??? "  

એના અંતર મનનો આ અવાજ સાંભળતા જ હવે મારા અંતર મનમાંથી એક જ અવાજ નીકળ્યો..!!

"વન સ્મોલ સાઈઝ મેક્સિકન પિઝા એન્ડ વન કોક... થેન્ક્સ..!" મેં સ્મિત સાથે કહ્યું.

પિઝા અને કોક લઈને હું એક કોર્નર પરના ટેબલે બેઠો. મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. પહેલા કરેલી સ્ત્રી શશ્ક્તિકરણની વાત એ માત્ર હવામાં જ હતી પણ કેશ કાઉન્ટર પરના મારા અનુભવે મને મારા ઘણા પ્રશ્નો ના જવાબ આપી દીધા.

એનું સાહસ, એની કામ પ્રત્યેની લગન અને મુશ્કેલીને દૂર મૂકી ને જીવનમાં સતત આગળ વધતા રહેવાનો આત્મવિશ્વાસ...

આ ઘટના એ મને પ્રોબ્લમ્સને જોવા નો અને સોલ્વ કરવાનો એક અલગ દ્રષ્ટિકોણ આપ્યો. આઈ હોપ કે તમને પણ મળ્યો હશે.

"પ્રોબ્લેમ્સથી કદીના ભાગો. તમારી અંદર જુઓ. તમારી વિકનેસ જ તમારો સ્ટ્રોંગ પોઇન્ટ બનીને બહાર આવશે અને મારા જેવા દરેક વ્યક્તિ એ માનવા મજબુર અને મોટીવેટ કરશે."

એ પિઝઝો તો મેં ખાધો...અને સાચું કહું ને તો બોસ....પૈસા પડી ગયા. પણ તમે સમજો છો એના નહિ, ખાલી પિઝાના જ !

આજે પણ મારુ રૂટિન એ જ છે. એ જ રોજિંદી સવાર, એ જ બાઈક, એ જ પાર્કિંગ.

જો શટર બંધ હોય તો જાહેરાત વાળી છોકરીને જોવા મજબૂર થાઉં છું...

અને ખુલ્લું હોય તો નિખાલસ પૂર્વક જીવવા વાળી છોકરીને જોઈ મોટીવેટ થાઉં છું...


Rate this content
Log in

Similar gujarati story from Comedy