Bharat M. Chaklashiya

Comedy Action Crime

3  

Bharat M. Chaklashiya

Comedy Action Crime

માથાભારે નાથો 23

માથાભારે નાથો 23

17 mins
630


સાંજે પાંચ વાગ્યે નરશી, સંઘવી ટાવરના બારમાં માળે સંઘવી શેઠની ઓફિસ બહાર વેઇટિંગમાં બેઠો હતો. સવજી તાજે જે હીરા એને બતાવ્યા હતા એ સંઘવી શેઠ પાસે ક્યાંથી આવ્યા એ એને જાણવું હતું. ચોક્કસ એ હીરા એના પોતાના જ હતા એમાં એને બેમત નહોતા. નરશી માધા ખૂબ જ ઉંચા દરજ્જાનો હીરા પારખું હતો. એકવાર જોયેલા માણસનો ચહેરો યાદ રહી જાય એમ જ એને પોતાના હીરા યાદ રહેતા. આવી ક્ષમતા ભાગ્યે જ કોઈને હોય. લોકો એની આ ક્ષમતા વિશે શંકા કરતા, પણ જે લોકોને નરશીનો જાત અનુભવ હતો એ લોકોએ નરશીની આ ક્ષમતા સ્વીકારી હતી.

 

મહિધરપુરા માર્કેટમાં અકસ્માતને કારણે નરશીએ રાઘવ પાસેથી તફડાવેલો ઊંચી કિંમતનો માલ ગુમાવ્યો હતો. અને રામાં ભરવાડને રાઘવાના બે નપાવટ દોસ્તો ભેટી ગયા એ બાબતનો એને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. હોસ્પિટલમાં મળવા આવેલા નાથા અને મગનને અહીં મુંબઈમાં રાઘવ સાથે જોઈને આ આખી ટોળકી હીરા ચોરવાનો જ ધંધો કરતી હોવી જોઈએ એમ તે સમજ્યો હતો.

 

બપોરે એ લોકો સાથે હોટલમાં જે માથાકૂટ થઈ એના વિચાર કરતો હતો ત્યાં જ સંઘવી શેઠના માણસે એને અંદર જવાનું કહ્યું. સંઘવી શેઠની વિશાળ ચેમ્બરનો કાચનો દરવાજો ખોલીને એણે સંઘવી શેઠ તરફ જોયું.

"આવ આવ નરશી, તારે બહાર રાહ જોવી પડી એ બદલ સોરી, પણ શું છે કે હમણાં કામ ઘણું રહે છે એટલે..હો ભાઈ.."સંઘવીશેઠ ખૂબ જ વિવેકશીલ હતા.

"અરે એમાં શું થઈ ગયું શેઠ, આપ જેવા મોટા લોકો અમને નામથી ઓળખે છે એ જ અમારા અહો ભાગ્ય છે..તમારા છાંયડે જ અમે લોકો સુખી છીએ.." નરશીએ શેઠ સામે બેઠક લેતા કહ્યું.

"શુ લઈશ..ગરમ કે ઠંડુ ?" સંઘવી શેઠે નરશીને એક નજરમાં આવરી લેતા કહ્યું.

"કંઈપણ ચાલશે.." નરશીએ કહ્યું.

 

શેઠે ઇન્ટરકોમ પર આઈસ્ક્રીમ લાવવાની સૂચના આપીને પૂછ્યું.

"બોલ નરશી, શું કામ હતું ભાઈ ? કેવું ચાલે છે તારું કામકાજ ? તારા સમાચાર મેં સાંભળ્યા હતા. હવે કેમ છે તબિયત ? અને ગાંડા, એવી રીતે માલનું પાકીટ હેન્ડલમાં રખાય ખરું ? તારી જેવો બાહોશ માણસ એવી ભૂલ કરી બેઠો એ જ મને તો નવાઈની વાત લાગી હતી.."

 

નરશી અહોભાવથી શેઠને જોઈ રહ્યો.આ માણસ શા માટે આટલો આગળ છે એ એને હવે સમજાઈ રહ્યું હતું. પોતાની જેવા હજારો લોકો આ વ્યવસાયમાં સંકળાયેલા હોવા છતાં એમને મારા વિશે બધી જ ખબર છે, અને એક મોટો ભાઈ નાના ભાઈને શિખામણ આપે એમ પ્રેમથી વાત કરી રહ્યા છે..!

 

"ભૂલ થઈ ગઈ શેઠ..અને એ ભૂલ મને ખુબ જ મોંઘી પણ પડી. હું આપને એ માટે જ મળવા આવ્યો છું. મહિધરપુરા માર્કેટમાં મારું જે પાકીટ ગુમ થયું એમાં જે માલ હતો એ માલ મેં આપની કંપનીના દલાલ પાસે જોયો હતો. મારે એ જાણવું છે કે આજે સવજી તાજ નામનો દલાલ જે માલ માર્કેટમાં મને બતાવવા આવ્યો હતો એ માલ તમારી પાસે ક્યાંથી આવ્યો ?''

 

સંઘવીશેઠ નરશીને એક પળ માટે જોઈ રહ્યાં. પછી હસીને બોલ્યા.

"જો ભાઈ નરશી, ખોટું ન લગાડતો પણ તું એક ઇન્સ્પેકરની જેમ મને સવાલ કરી રહ્યો છો. મારી આ ઓફિસમાં તને મેં મુલાકાત આપી છે એટલે તું એમ ન સમજીશ કે તારા કોઈપણ સવાલના હું જવાબ આપીશ. મારી આ કંપનીમાં હજારો લોકો રોજ આવે અને રોજ જાય છે. અનેક દલાલો મારા નામે બજારમાં પડીકાં ફેરવતા હોય છે. જોકે માલ કઈ પાર્ટીનો છે એવું કોઈ પૂછતું નથી. તેમ છતાં તેં જે દલાલનું નામ આપ્યું અને એની પાસે જે માલ હતો એ મારીજ કંપનીનો છે એની તારી પાસે કોઈ સાબિતી છે ? આ પૂછવા તું મારી પાસે આવ્યો છો ? તો પછી, ભાઈ નરશી તેં મારો સમય બગાડ્યો છે. તને ખબર તો છે ને કે તું ક્યાં બેઠો છો ? મારી કંપની ડિટીસી સાઈટ હોલ્ડર છે, એ તું નથી જાણતો ? "

 

"અરે શેઠ,મારો કહેવાનો અર્થ એ નથી. આપને હું પોલીસની જેમ પૂછી શકું એવી મારી કોઈ હેસિયત પણ નથી. પણ માર જ હીરા એ પેકેટમાં મેં જોયા એટલે."

 

 નરશી આગળ બોલે એ પહેલાં શેઠનો માણસ આઈસ્ક્રીમનો એક કપ મૂકી ગયો.

"નરશી, આઈસ્ક્રીમ ખાઈ લે. અને બીજું કંઈ કામ હોય તો કહે. બીજા લોકો રાહ જોઈ રહ્યા છે...." સંઘવી શેઠે અણગમાથી કહ્યું. નરશીની હાલત કાપો તો લોહી પણ ન નીકળે એવી થઈ ગઈ. પોતાના હીરાની શોધમાં એ બજારના નિયમો સાવ ભૂલીજ ગયો હતો. અને સંઘવી શેઠની નારાજગી વ્હોરી બેઠો હતો. એક વખત જેના નામ પર ચોકડી લાગે એ વ્યક્તિને કદી પણ સંઘવી બ્રધર્સમાં એન્ટ્રી મળતી નહીં. અને સંઘવી બ્રધર્સના દલાલોને આવા લોકોને માલ નહી બતાવવાની કડક સૂચના પણ આપવામાં આપી દેવતી. નરશીને પોતાના નામ પર ચોકડી મુકાઈ જવાનો ડર લાગ્યો. કપમાં રહેલો આઈસક્રીમ ઓગળી જવા લાગ્યો.એણે નિરાશ થઈને શેઠ સામે જોયું.

 

"મારી ભૂલ બદલ મને માફ કરો. હાલ હું ખૂબ નુકશાનીમાં હોવાથી મારાથી આપની સાથે આવી વાત થઈ ગઈ છે. મહેરબાની કરીને મને બ્લેકલીસ્ટ કરતા નહીં."

"કોઈ વાંધો નહીં, નરશી. તને તારી ભૂલનો અહેસાસ થયો એ સારી વાત છે, અમે આટલી નાની વાતમાં કોઈને બ્લેકલીસ્ટ નથી કરતા. પણ મને આવી રીતે વાત કરવાવાળા લોકો પસંદ નથી." કહીને શેઠે કોઈને ફોન જોડ્યો. નરશીને અમેરિકન ડ્રાયફ્રુટનો એ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ કડવો લાગી રહ્યો હતો. માંડ માંડ એણે એ પૂરો કર્યો. અને ઉભો થઈને રજા માંગી.

 

શેઠે હાથ ઊંચો કરીને, ફોનમાં વાત કરતાં કરતાં જ નરશીને વિદાય કર્યો. અને તેની પીઠ ઉપર એક તુચ્છકાર ફેંક્યો. શેઠની ચેમ્બરમાંથી બહાર નીકળેલા નરશીના ચહેરા પર દિવસ આથમી ગયો હોય એવી નિરાશાનું અંધારું છવાયું હતું. આજે એણે એક સારી કંપનીનો વિશ્વાસ ગુમાવ્યો હતો. જ્યારથી રાઘવ પાસેથી એ હીરા એણે તફડાવ્યા હતા ત્યારથી એક પછી એક ભૂલો એ કરી રહ્યો હતો અને નુકશાની વેઠી રહ્યો હતો.

"રાઘવાના એ હીરા જ બૂંધિયાળ છે. માય ગિયું..હવે એ હીરા પાછળ સમય બગાડવો નથી."એમ બબડી ને એ લિફ્ટ તરફ ચાલવા લાગ્યો. પણ એ વખતે એને યાદ આવ્યું કે સવજી તાજ પાસેથી બપોરે જ એ માલ એણે રોકડેથી ખરીદ્યો હતો. અને એનું પેમેન્ટ કરવા રમણ પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેનું સુરત જઈને એને આંગડિયું કરવાનું હતું. ઝડપથી એ બજારમાં રમણની ઓફિસે પહોંચ્યો. 

 

"અરે..રમણ, પેલા સવજીને પેમેન્ટ કરતો નહીં. મારે હવે એ હીરા નથી લેવા.."કહીને એ બેઠો. રમણ પણ એની સામે તાકી રહ્યો.

"અલ્યા તું પાગલ તો નથી થ્યોને.. સવારનો પેલાની પાછળ પડી ગ્યો'તો. લાવ લાવ ને લાવ..કોના હીરા છે. ક્યાંથી તું લાવ્યો છો, તારો ભાવ બોલ..હજી હોય એટલો લઈ આવ્ય..અને હવે નથી લેવો. નરશી, આ કંઈ નાના છોકરાનો સંતાકુકડીનો ખેલ નથી. કે એમ ચાલે કે હવે મારે નથી રમવું. હંકન હું હવે દાવ નહીં દવ. મારી બા બોલાવે છે. તારો ડોહો એ સવલો રોકડા સાડા તેર લાખ ગણીને હજી અત્યારે જ, તું આવ્યો એ પહેલાં લગભગ દસ મિનિટે ગયો.. સાડા અગિયારનો માલ તેં સાડા તેરમા લીધો..પેમેન્ટ પણ થઈ ગ્યું..

હવે મારી બા બોલાવેછે...હંકન હું દાવ નઈ દવ.."

"પેમેન્ટ તેં કરી નાખ્યું ? આપણે તો દસ લાખની જ વાત હતી.."

"ડોફા..તે જે પેકેટ જોયું હતું એનું વજન કેટલું હતું એ તો તને ખબર છે ને. અને ભાવ તો સવલાએ કીધો જ હતો. બધું નક્કી કરીને તું સંઘવી પાસે એ માલ બતાવવા તો ગ્યો'તો. કેમ બધું ઠેકાણે તો છે ને ? પછી બે ત્રણ લાખ માટે મારે તને ના થોડી પડાય ?એટલે મેં પેમેન્ટ કરી દીધું."

 

રમણે ખિજાઈને કહ્યું ત્યારે એને યાદ આવ્યું કે સવજી પાસેથી જે માલ લીધેલો એ પેકેટ તો સાથે જ હતું. અને સંઘવીને બતાવવાનું હતું. પણ ત્યાં જે થયું એ સાવ જુદું જ થયું હતું. 

 

નરશી માથે હાથ મૂકીને રડવા જેવો થઈ ગયો. એણે જીદ કરીને ખરીદેલો માલ સવજી તાજે ખૂબ ઊંચી કિંમતે એને પધરાવ્યો હતો. કોઈ હજામ, દાઝે ભરાઈને કોઈને બુઠ્ઠા અસ્ત્રાથી મૂંડીને એનુ માથું લોહીલુહાણ કરી મૂકે એમ જ સવજી તાજે નરશીને મૂંડી નાખ્યો હતો. અને જે અસ્ત્રાથી એણે નરશીને મુંડયો હતો એ અસ્ત્રો રાઘવનો હતો. સંઘવી બ્રધર્સની નવમા માળની ઓફિસમાં રાઘવ અને તાજ, ચાની ચૂસકીઓ મારતાં મારતાં નરશીને મુંડવાનો આનંદ લઈ રહ્યા હતા. અને એકબીજાને તાળી આપીને હસી રહ્યા હતા. પેન્ટની ખીસીમાં પડેલા એ માલનો ભાર હવે નરશીને લાગવા લાગ્યો હતો. એક વધુ નુકશાન એના માથા પર તોળાઈ રહ્યું હતું.

"તું સુરતથી આંગડીયું મંગાવી લે. નરશી..મારે આજ એક પેમેન્ટ કરવું પડે એમ છે. મને હમણાં જ યાદ આવ્યું." રમણે નુકશાન કરવા જઈ રહેલા નરશીને ઉછીના રૂપિયા આપવામાં જોખમ લાગતા પોતાના પૈસા તરત જ પાછા માંગ્યા. હીરા બજારનો આ નિયમ છે. ડૂબતાને બચાવવા અહીં કોઈ ઉભું રહેતું નથી. દોસ્તી,ભાઈચારો કે બીજા કોઈ સગપણ અહીં સિંગના ફોતરાંની જેમ ફૂંક મારતા જ ઉડી જાય છે. રમણની વાત સાંભળીને નરશીએ સુરત પોતાની ઓફિસમાં ફોન કરીને પેમેન્ટ મંગાવી લીધું. અમે ભારે હૃદયે ત્યાંથી ચાલતો થયો. રમણે પણ એને રોક્યો નહીં. 

* * * 

રવજી ઠુંમર બરાબર નવ વાગ્યે ટેક્ષી કરીને મીરાં રોડ પર સાવન પ્લાઝમા પહોંચ્યો હતો. નાની ઉંમરે મુંબઈમાં એકલા ફ્લેટ ભાડે રાખીને રહેતા રાઘવથી એ પ્રભાવિત થયો હતો. એને ધંધામાં રાઘવ જેવા કાબેલ અને નાથા-મગન જેવા ડેરિંગવાળા માણસોની જરૂર હતી. રામાં ભરવાડ જેવા લબાડ લોકો પ્રત્યે રવજીને પારાવાર નફરત હતી.આવા લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લાગેલી ઉધઈ જેવા હતા એમ એ માનતો હતો.


લિફ્ટમાંથી નીકળીને રવજીએ ડોરબેલની સ્વીચ દબાવી. મગનની કંપની હજુ પિકચર જોઈને આવી નહોતી. એ લોકો પિક્ચરમાંથી સીધા જ કોઈ સારી હોટલમાં જમીને જ આવવાના હોવાથી રાઘવ પણ જમીને ફ્લેટ પર આવી ગયો હતો.

કિ હોલમાંથી રવજીને જોઈને રાઘવે દરવાજો ખોલ્યો અને રવજીને આવકાર આપ્યો. હોલમાં રાખેલા એસોર્ટ ટેબલ પાસે ખુરશી

પર રવજી બેઠો. રાઘવે પાણીનો ગ્લાસ આપતા કહ્યું, "મારા મિત્રોને આવતા વાર લાગશે. ત્યાં સુધી આપણે થોડી ધંધાની વાતો કરીએ. તમે કેવો માલ બનાવો છો એ કહો. એટલે હું તમને રફ બતાવું. ગમે તો આપણે વેપાર કરીએ. સેમ્પલ પૂરતો માલ હું અહીં મારા ફ્લેટમાં જ રાખું છું. તમે કૉલીટી જોઈ લો, કોન્ટીટી પછી કેજો."


રાઘવે કેટલાક પેકેટ કાઢીને ટેબલ પરની લાઈટો ચાલુ કરી. રવજી, આઇગ્લાસ ખિસ્સામાંથી કાઢીને એ પેકેટ્સનો માલ જોવા લાગ્યો. અલગ અલગ ચાર પાંચ પેકેટ જોઈને એણે રાઘવને કહ્યું, "આવી વેરાયટી કેટલી છે તારી પાસે ? જો કે હું કલર બનાવતો નથી, પણ આ હીરા મને ગમ્યા છે. કેરેટનો ભાવ બોલ. આપણે ડાયરેક્ટ છીએ તેથી દલાલીનો પ્રશ્ન નથી." 


રવજીએ સીધો તું કરો કર્યો એ રાઘવને ગમ્યું. તુંકારમાં એક પ્રકારે આત્મીયતાનો ભાવ હોય છે. રવજી જેવો હીરા ઉધોગનો ખેલાડી પોતાની સાથે આત્મીયતા કેળવવા ઈચ્છતો હોય એ રાઘવ માટે ખૂબ જ અગત્યનું હતું.


"તમારે કયો માલ કેટલો જોઈએ છે ?'' રાઘવે પેકેટ્સ ટેબલમાં મુકતા કહ્યું. એટલે રવજી હસી પડ્યો.

"તું તો એવી રીતે વાત કરે છે કે તારી પાસે જાણે હીરાની ખાણ હોય. મારે જેટલો જોવે એટલો માલ તો સાઈટ હોલ્ડર જ આપી શકે.."

"તમે તમતમારે કોન્ટીટી બોલોને. હું ભલે સાઈટ હોલ્ડર નથી, પણ માલ તમને મળી જશે." રાઘવે સિરિયસ થઈને કહ્યું.


રવજી ઘડીભર એની સામે જોઈ રહ્યો. રાઘવે જે માલ બતાવ્યો હતો એવો માલ સુરતની માર્કેટમાં કોઈ બતાવી શકે તેમ નહોતું. ઘણા સારા નંગ એણે રાઘવના પેકેટમાં જોયા હતા.

"જાડું છે એ બસો કેરેટ હોય તો કેજે, દસ ટકા આઉટ, અને મહિના પછી પૈસા." રવજીએ કહ્યું.

"નો ચાલે. એક પણ હીરો આઉટ નહીં. અને પેમેન્ટ રોકડું હોય તો બસ્સો નહીં પાનસો કેરેટ આપું. કેરેટનો ભાવ પાંચ હજાર."

"પેમેન્ટ કેટલુ થાય ઈ ખબર છે ? માળો, તું'ય ઠીક લાગે છે. રોકડાનો ક્યાંય ધારો નથી. બાકીમાં જ વેચવો પડે. અને મહિનો તો હું કહું છું પણ આવો માલ ત્રણથી છ મહિના બાકીમાં મળે અને એ પણ વીસથી પચ્ચી ટકા આઉટ કરીને. દહ લાખ કોઈ ભેગા લઈને થોડું ફરતું હોય ?"

"કાંઈ વાંધો નહીં. મારે એક હજાર કેરેટ આવો માલ જોવે છે. હું પંદર દિવસમાં પૈસા આપીશ. બોલો છે તમારી પાસે ? તમારી જેવા લોકો માલ જોઈને, કેટલા આંકડા થાય ઇ પણ જાણી જતા હોય અને તોય મનફાવે એમ માંગે. આપડા ભાયુંનો વાંધો જ આ છે ! એટલે જ મને સુરત ધંધો કરવાની ઈચ્છા નથી થતી. આજકાલ કોઈનો વિશ્વાસ કર્યા જેવું નથી. બાકી આ માલમાં તમે ધાર્યું ન હોય એવા આંકડા થાય બોલો. તમને રસ ન હોય તો કંઈ વાંધો નહીં, બાકી તમે મને યાદ જરૂર કરશો.."


રવજી હસી પડ્યો. રાઘવની વાત એકદમ સાચી હતી. આ ભાવમાં આ માલ કંઈ મોંઘો ન્હોતો. છતાં એને લેવો ન્હોતો. રાઘવ અને એના દોસ્તો વિશે એને પહેલા બધું જાણવું હતું. એણે વાત ફેરવતા કહ્યું, "તારી વાત સાચી છે,રાઘવ. પણ મેં ખરીદી કરી લીધી છે. જરૂર હશે તો હું તને જરૂર યાદ કરીશ. હું નરશી માધા વિશે વાત કરવા આવ્યો છું. એ હરામખોર મારા કારખાનાના કારીગરને વધુ બાકી આપીને લઈ જાય છે.અને રામો ભરવાડ એનો સાગરીત, મોહનની બરોડા પ્રિસ્ટેજમાં મારા કારખાના બહાર ઉભો રહીને મારા કારખાના માંથી હીરા ચોરાવે છે. તમે લોકો બપોરે નરશી હારે માથાકૂટ કરતા હતા એટલે મને થયું કે..."


એને અટકાવીને રાઘવે કહ્યું, "જો રવજીભાઈ રામાં ભરવાડ જેવા બળધિયા હારે અમે બથોડા લઈ શકીએ નહીં. તમે પોલીસને પાંચ પચ્ચીસ હજાર આપીને એને ફિટ કરાવી દયો. એમાં કંઈ મોટી વાત નથી. અને નરશી માધા બે વરસમાં ગોત્યો'ય જડે તો મને કે'જો. અમે લોકો કોઈપણ જાતની બબાલમાં પડવા માંગતા નથી. તમે જો ધંધાની વાત કરવાના હોય તો બોલો..." 


રવજી કંઈ બોલે એ પહેલાં ડોર બેલ વાગ્યો. રાઘવે જઈને દરવાજો ખોલ્યો.નાથો, મગન અને રમેશ અંદર આવ્યા. રવજીને જોઈને નાથો બોલ્યો.."તો તમે પધાર્યા છો એમને ! બોલો બોલો શું સેવા કરવાની છે અમારે ?"


ત્રણેય બેઠાં.એટલે રવજીએ નાથા અને મગનને ધંધામાં રસ હોય તો પોતાને જરૂર હોવાની વાત કરી. મગને સુરત આવીને મળવાનું કહ્યું. થોડીવારે આડી અવળી વાતો કરીને રવજી ચાલ્યો ગયો.


"આપણા જેવા અજાણ્યા સાથે આ માણસ ધંધો કરવા કેમ તૈયાર થયો ? મને ઇ જ હમજાતુ નથી.." 

નાથાએ કહ્યું. રાઘવે એને રવજીએ કરેલી વાત કરીને કહ્યું, "રામાં ભરવાડ જેવા લઠ્ઠ અને લબાડ માણસો સામેં આપણને આડા દેવા માંગે છે. નરશી માધા હારે એની ધંધાની હરીફાઈ છે એટલે આપણો ઉપયોગ કરવા માંગે છે, પણ આપણે કંઈ થોડા સાધન છીએ તે આપણો કોઈ ઉપયોગ કરી જાય ? હાલો હવે ઘોંટો.. કાલ આપણે મુંબઈનું દર્શન કરવા જવાનું છે.આઠ વાગ્યે બધા તૈયાર થઈ જજો." કહીને રાઘવે પથારી કરવા માંડી.


"રાઘવ,તને ખબર છે ? નરશીના હીરાનું પાકીટ મને મળ્યું હતું. એમાં દસ હજાર રૂપિયા રોકડા અને હીરાના પડીકાં હતા. પણ અમારી રૂમમાંથી કોક લઈ ગ્યું.. એ રાતે મને ઊંઘ નહોતી આવતી એટલે હું ધાબા પર આંટો મારવા ગ્યો'તો, રાત્રે એક ચોર અમારી રૂમમાં આંટો મારી ગયો.અને આ નાથિયું જાગતું હતું. પણ ઈને ઈમ કે હું છું..પછી એ ચોર મારી પાછળ અગાસીમાં પણ આવ્યો હતો. મેં એને જોયો અને કોણ છે એમ રાડ પાડીને ઇની પાછળ દોડ્યો. પણ સાલો ક્યાં અલોપ થઈ ગ્યો ઇ ખબર જ ન પડી.."મગનને ફરી એ બધું યાદ આવતા એ નિરાશ થઈ ગયો. એની વાત સાંભળીને રાઘવ ચમક્યો.


તેને એ સાંજ યાદ આવી. જ્યારે એ રમેશની રૂમમાં જઈને મગનની સૂટકેશમાંથી એ પડીકું લઈ અવ્યો હતો. આજે એ જે ટ્રેક પર દોડતો હતો એનું બળ એ પેકેટમાંથી મળ્યું હતું. જેનો ખરેખરો હકદાર મગન હતો. પણ અત્યારે આ વાત એને કરવાનો યોગ્ય સમય કદાચ નહોતો. રાઘવે મનોમન નક્કી કર્યું કે મગનને એનો હિસ્સો હું જરૂર આપીશ. 


 મગને રાઘવને ફરી કહ્યું, "જો એ પાકીટના હીરા મારી પાસે હોત તો તને બતાવેંત. અને તારા આ સંઘવી શેઠ કદાચ એની સારી એવી રકમ આપી દેત. કદાચ હું એ હીરા આ નરશીને પાછા આપવાનું પણ વિચારતો હતો, ખરેખર તો આપણે એ હીરા એને આપી દેવાની જરૂર હતી. આપણે આપણો સ્વાર્થ જોયો એટલે એ માલ આપણા હાથમાં પણ ન રહ્યો એને કોક ચોર ઠોકી ગ્યો, કદાચ એના નસીબ જોર કરતા હશે બીજું શું એક રીતે હું નરશીનો ગુનેગાર કહેવાઉં." મગને નિઃશ્વાસ નાખીને વાક્ય પૂરું કર્યું.


"તું હવે તારી ફિલોસોફી બંધ કર.. જ્યારે હોય ત્યારે સમળવા મંડી પડેશ તે..જે થવાનું હતું એ થઈ ગ્યું. કાયમ એ વાતના રોદણાં રોયા કરવાથી જે થયું છે એ ન થયા બરાબર થવાનું નથી. એટલે હવે હું તને છેલ્લીવાર કહી દવ છું મગના કે મારી આગળ હવે પછી પડીકાની પોક મુકતો નહીં. નકર હું આ રમલાને વેચી નાખીશ."નાથાએ કહ્યું.


રમેશ આ સાંભળી ખીજાયો. "તારી જાતના..મને શું કામ વેચવો છે..તને શું તારા બાપાએ બિયારણનો રાખ્યો છે ? હાલી જ નીકળ્યો છો..મગનો અને તું બેય માય જાવ. મારા હાળા એક તો મફતમાં મારી રૂમ પચાવી પાડી છે અને હવે મને પણ વેચી નાખો" કહીને એ નાથાને મારવા દોડ્યો.નાથાએ એનો હાથ પકડીને મરડ્યો. એટલે રમેશે એને પાટું માર્યું. નાથો મગન ઉપર પડ્યો અને મગને નાથાનું ગળું પકડીને બગલમાં દબાવી દીધો. એ જોઈને રમેશે નાથાના બરડામાં બે ઘુસ્તા ઠોકી લીધા. રાઘવ આ ત્રણેયની મસ્તી જોઈને હસી પડ્યો.


આખરે બધા છુટા પડીને સુઈ ગયા.બીજા દિવસે બોમ્બે દર્શનની બસમાં આખો દિવસ ચારેય મિત્રો ફર્યા. હેગિંગ ગાર્ડન, બુટહાઉસ અને જુહુ ચોપાટી પર ખૂબ મસ્તી કરીને સાંજે હોટલમાં ભરપેટ જમીને પાછા આવ્યા ત્યારે નાથો ખૂબ જ ખુશ હતો.


"રાઘવા..તું હાળા કોકના કાટલા કરી કરીને સારું કમાયો છો. હવે અમારું પણ ગોઠવ તો હું અને આ મગનો બેય લબડતા બંધ થવી. આ રમલો તો છોકરા ભણાવ્યા કરશે, આપણે કંઇક ધંધો તો કરવો પડશે ને ! ક્યાં સુધી બાપાના રોટલા તોડતા રે'શુ.." નાથાએ કહ્યું.

"અહીં રોકાઈ જવું હોય તો રોકાઈ જાવ. દલાલી કરતા હું શીખવાડી દઈશ. બોલો વિચાર હોય તો.." રાઘવે કહ્યું.

"વિચારવા જેવું ખરું, અમારે હવે બે વરસ ભણી લેવુ છે. પછી જો નોકરી ન મળે તો આવી જશું.." મગને કહ્યું.

"હવે ભણીને કોને નોકરો મળવાનો છે,લાગી જવાય. હું તો આ રમેશને પણ કહું છું. છોકરા ભણાવ્યે ભેગું નહી થાય. અહીં માર્કેટમાં અભણ લોકો પેલો સવજી જોયો'તો..? એના જેવા મહિને પચ્ચીસ પચાસ હજારની દલાલી કરી નાખે છે.." રાઘવે કહ્યું.


"સારું જોશું પછી..તું ક્યાં ભાગી જવાનો છો.. કહીને બધા સુતા. બીજા દિવસે મગન,નાથો અને રમેશ સુરત આવવા ટ્રેનમાં બેઠા.

***


ચમેલી કાંટાવાળા ઘણા દિવસથી મગનની રાહ જોતી હતી. ઘણા દિવસ સુધી નાથો અને મગન કોલેજ આવ્યા ન્હોતા એટલે એ ખૂબ અકળાઈ હતી. ભણવામાં પણ એનું મન બહુ લાગતું નહોતું. તારિણી દેસાઈએ એક બે વાર એને ટોકી હતી.

"જો બેટા..એમ.કોમ. કર્યા પછી સારી જોબ મળી જાય તો તારી જિંદગી બની જશે. કોઈની ઉપર નિર્ભર ન રહેવું પડે. આ પ્રેમ બ્રેમમાં કંઈ લેવાનું નથી. આ દુનિયામાં ક્યાંય પ્રેમ હોતો જ નથી. ખાલી ખોટા વહેમ હોય છે. લોકો તમારો માત્ર ફાયદો ઉઠાવે છે. તારા જેવી ભોળી છોકરીઓને ફસાવી જનારા પણ ઘણા હોય છે. એટલે ફાંફા માર્યા વગર ભણવામાં જ ધ્યાન આપ."


છતાં એને ચેન પડતું નહોતું. રોજ એ નાથા અને મગન સાથે કેન્ટીન અને પાર્કિંગમાં બેસતી. બન્નેનો સ્વભાવ એને ખૂબ અનુકૂળ આવી ગયો હતો. તારીણી દેસાઈને નાથા અને મગને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાવી ત્યારથી એને આ બન્ને પ્રત્યે વધુ લાગણી થઈ હતી.  તારીણી દેસાઈ પણ હવે મગનને નફરત નહોતી કરતી.  મુંબઈથી આવ્યા પછી મંગળવારે નાથો અને મગન દેખાયા ત્યારે એ ખૂબ રાજી થઈ ગઈ.


"ટમે લોકો કેમ આવટા ની હટા..? ભનવાનું છે કે ની ? આમ કોલેજમાં ની આવો તો કેમનું ચાલહે ?" ચમેલીએ એકી શ્વાસે મગન અને નાથાનું સ્વાગત કર્યું.

"પણ અમે આવઈ કે નો આવઈ. તું તો આવતી'તી ને..? અમારે તો ભણવું હોય તો ભણશું નકર હીરા ઘહીં ખાશું..પણ તું શું ઘહીંશ ?" નાથાએ જવાબ વાળ્યો.

"નાથા..એમ કોઈ યુવાન કન્યાના અરમાનો પર પાણી ન ફેરવીએ. એને બિચારીને આપણી ચિંતા છે, એના કોમળ દિલની ગહેરાઈઓમાં પ્રેમના પડઘા પડી રહ્યા છે. અને એ પડઘાઓનું સંગીત એના મનોભાવો માં ડોકાઈ રહ્યું છે. નાથા તું એ સંગીત સાંભળવા માટે જરૂરી શ્રવણેન્દ્રિય ધારક જાતક નથી.તેથી તને એ નહીં સંભળાય. એના ઋજુ હૃદયના મંદિરે બિરાજે એવા આરાધ્ય દેવનો એ બેસબરી થી ઇન્તજાર કરી રહી છે. એવામાં તું એના આ વ્યોમવિહાર પર કુઠારાઘાત ન કર.."


નાથો અને ચમેલી, મગનને ખુલ્લા મોં એ તાકી રહ્યા. મગનની વાતમાં એ બન્નેમાંથી એકેયને એક શબ્દ પણ સમજાયો નહીં. નાથાને મગનની આ ટેવ જરાય પસંદ નહોતી, પણ ચમેલીને ખૂબ પસંદ હતી.

"ટું આવું બઢઢું કાંઠી બોલે છે. મને એમાં વઢું ખબડ ટોની પડટી છે પન બો ગમટું છે.." ચમેલીએ કહ્યું.

 "તને બુદ્ધિ હોય તો હમજ પડે ને, તારામાં અક્કલનો છાંટો પણ બળ્યો નથી,આ મગનો સાવ લુખેશ છે અને તું સાવ મુરખેશ છો. જ્યારે હોય ત્યારે ઇ આવા ફકરાઓ છોડીને તને ઈમ્પ્રેસ કરી નાખે છે અને તું બરફનો ગાંગડો ઓગળે એમ ઓગળી જાશ.."

નાથો ચમેલીને ધમકાવીને ચાલતો થયો. અને સામેની સાઈડ પરના બાંકડે જઈને બેઠો. ચમેલી મગન સામે જોઈને મરક મરક થઈ રહી હતી.


"એ નિષ્ઠુર અને વજ્રઘાતી ઇન્સાન આપણી કોમળ ભાવનાઓને શું સમજી શકે. મને એના આ જડ વ્યક્તિત્વ પર દયા આવે છે. આમ તો એ મારો પરમ મિત્ર છે પણ એ આ પ્રેમપથની કેડીઓથી સાવ અજાણ છે અને પ્રેમવિહીન દુનિયાની પથરાળ અને વેરાનભૂમિમાં અથડાતો કૂટાતો અહીં તંહી ભટકતો ફરી રહ્યો છે. જ્યારે કોઈ મનોહર કન્યાના નયનમાંથી કોઈ પ્રેમબાણ વછૂટીને એની પાષાણ શી ભૂમિને ભેદશે ત્યારે એના અનેક પડળો ક્ષણમાં કડડભૂસ થઈને ભાંગી પડશે અને એક પ્રેમની પવિત્ર ગંગાની સરવાણી મારા આ મિત્રના વજ્ર જેવી છાતીમાંથી અવિરત વહેવા લાગશે, માટે હે મુજ સંગ સેવવા અતિ ઉન્નમત થયેલી હસ્તીની, તું ચિંતામુક્ત થઈ જા..." મગને આંખો પટપટાવીને પૂરું કર્યું.


"વાહ વાહ..બો સડ્સ." ચમેલીએ  સમજ્યા વગર તાળીઓ પાડી.

"શું સરસ તારા બાપનું કપાળ, સાલી જાડી, હરામ બરોબર જો એક અક્ષરની'ય હમજણ પડી હોય તો..અને પાછી તાળીઓ પાડે છે.." દૂર જઈને બાંકડે બેઠેલા નાથા એ કકળાટ કર્યો.

 

એવામાં તારીણી દેસાઈ ત્યાંથી પસાર થયા. ચમેલી અને મગન જે ઝાડ નીચે ઉભા હતા ત્યાંથી નાથો દૂર જઈને બેઠો હતો એટલે એ સમજ્યા કે નાથાએ, ચમેલી અને મગનને એકાંત પૂરું પાડ્યું છે.તેથી તેમને ગુસ્સો આવ્યો.

"તું કેમ દૂર જઈને બેઠો છો ?આમ આ બેઉ એકલા અહીં ઉભા રહે તે મને પસંદ નથી. તારે તારા મિત્રને એકલો ન મુકવો જોઈએ.."એમણેનાથાને કહ્યું.

"મેડમજી..એ મગનાનો બફાટ મારાથી સહન થતો નથી..અને મારે મને પસંદ આવે એમ કરવાનું છે. તમે કંઈ મારી કોલેજની ફી નથી ભરી દીધી કે હું તમને પસંદ હોય ત્યાં ઉભો રહું અને ત્યાં બેસી રહું. અને એને મેં એકલો મુક્યો છે તે ઓલી કાંઈ સાવજ દિપડો નથી તે મગનાને ફાડી ખાશે..! અને ફાડી ખાય તોય મારા બાપાનું કાંઈ જાતું નથી હમજયા ?" નાથાએ ઉભા થઈને ચોપડાવ્યું.


તારીણી બહેન, નાથનો જવાબ સાંભળીને ગુસ્સે થયા. પણ એમનો ગુસ્સો નાથાને બદલે ચમેલી ઉપર ડાયવર્ટ થયો..

"ઓ નાદાન છોકરી, તું અહીં ભણવા આવે છે કે છોકરાઓ જોડે મોજ મસ્તી કરવા. ચાલી જા અહીંથી. જા જઈને ક્લાસમાં બેસ.

કેટલીવાર સમજાવી કે ભણવામાં ધ્યાન આપ, પણ સમજતી જ નથી.."  


ચમેલી પણ વારંવારના સમજણના હુમલાઓથી ત્રસ્ત થઈ ગઈ હતી.એક તો કેટલા'ય દિવસ પછી એનો મનગમતો મગન એને મળ્યો હતો.એના મિલનમાં કોઈ મસોતું   ફેરવે એ એને બિલકુલ રાસ આવે એવી વાત નહોતી. એટલે એ પણ ભડકી, "ટમે કંઈ માડી મમ્મીની મલે.. મેં કઈ ખડાબ કામની કડતી છું. ફ્રેન્ડ સાઠે વાટ બીની કડવાની માડે ? મેં તમાડી કમ્પ્લેન ડીન સડને અને માડા ડેડીને કડવા." એમ કહીને એ રડવા લાગી. 


મામલો વધુ પડતો સિરિયસ થવા લાગ્યો. તારીણી દેસાઈને ડીન રસિકલાલ અને ચમેલીનો બાપ, તે દિવસે ગાર્ડનમાં મળેલો ચંપક યાદ આવ્યો. અને એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.


"સોરી, બેટા.. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મારો ઈરાદો તને નારાજ કરવાનો બિલકુલ નહોતો. ચાલ મારી સાથે.આપણે કલાસમાં જઈએ." પછી મગન સામે જોઇને ઉમેર્યું, "તમે લોકો પણ ચાલોને..લેક્ચરનો સમય થઈ ગયો છે.." કહીને એ ચાલતા થયા.

"વાઇડીની..આપણને ભાળીને જ ભુરાંટી થાય છે..વાંઢી હાળી.."


નાથો બબડયો. મગનનને પણ બે શબ્દો સંભળાવવાનું મન થયું હતું પણ તારીણી મેડમ ચાલતા થઈ ગયા હતા.

"હવનમાં હાડકાં નાખવાવાળા લોકો પહેલા પણ હતા અને આજે પણ છે. ચાલ હવે એવી નાની નાની વાતમાં રડાય નહીં.." કહીને મગન કલાસ તરફ ચાલવા લાગ્યો. ચમેલી અને નાથો પણ ચાલ્યા. કલાસમાં વિદ્યાર્થીઓ આવી ગયા હતા. મગન અને નાથો પોતાની ફેવરિટ છેલ્લી બેન્ચ પર જઈને બેઠા. અને ચમેલી એની ફ્રેન્ડ કોમલ જરીવાલા પાસે જઈને બેઠી.

તારીણી દેસાઈએ મગન અને નાથા સામે એક નજર નાખીને લેક્ચર શરૂ કર્યું.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Comedy