Bharat M. Chaklashiya

Comedy

3  

Bharat M. Chaklashiya

Comedy

માથાભારે નાથો -૨૭

માથાભારે નાથો -૨૭

17 mins
491


મગનની સામે જ બેસીને ઘાટ કરતો બેઠી દડીનો ભીમજી એના ચહેરા કરતા મોટી મૂછ રાખતો. લેથ સુધી પહોંચવા એને બે પાટલાં મૂકીને ઉપર બેસવું પડતું. માથામાં સારી પટ તેલ નાખીને એ ઊભા વાળ ઓળતો. એના ગાલ ફૂલેલા હતા. એક હીરાનો ઘાટ પતે એટલે ખોંખારો ખાઈને એ ભીમજી, પોતાની મૂછને વળ ચડાવતો. મગન એની સામું ન જુએ તો ફરીવાર ખોંખારો ખાતો. મગન ઘાટ કરતાં કરતાં એની સામે જુએ એટલે એ તરતજ આંખ મારીને ફરી મૂછને વળ ચડાવતો. કોણ જાણે એને મગનની સાથેજ આવું કરવું ગમતું. એને મજા આવતી. એને હતું કે મગન ગુસ્સે થશે. પણ મગન તો હસી પડતો. આખા દિવસના દસથી પંદર હીરાનો ઘાટ ભીમજી કરતો એને દર વખતે ખોંખારો ખાઈને મગન સામે આંખ મારતો.

"મારી જગ્યાએ નાથો હોત ને. . . તો સાલ્લા બાંઠીયા તને આ ટેવ જરૂર ભુલાવી દેત. "

બીજા કારીગરોને પણ ભીમજીની આ હરકત ગમતી નહોતી. પણ એ સારો કારીગર હતો એટલે કોઈ કંઈ કહેતું નહીં. કારીગરોમાં એવું હોય કે કોઈને મળવા એનો કોઈ સગો કે મિત્ર આવી ચડે તો ચા પાણી અને પાનમાવા લેવા શિખાઉ કારીગરોને જવું પડતું. અથવા જે નવો અને ઉંમરમાં નાનો હોય એને આ સેવા આપવી પડતી. ભીમજીને મળવા એક દિવસ એના બે દોસ્તો આવ્યાં. બન્ને આવીને પાટલા નાખીને ભીમજીની આજુબાજુ ગોઠવાયા. એટલે ભીમજીએ ઘાટ કરવાનો ડંડો લાંબો કરીને મગનને અડાડયો અને પાણી ભરી આપવા કહ્યું.

મગન થોડીવાર એને જોઈ રહ્યો એટલે ભીમજીએ મૂછને વળ ચડાવીને આંખો કાઢી. દરવખતે હસી દેતો મગન હવે ગુસ્સે થયો. પણ કોઈના મહેમાનની હાજરીમાં એનું અપમાન કરવું મગનને ઠીક ન લાગ્યું. એટલે ઉભો થઈને પાણી ભરી આવ્યો.

"ત્રણ કટિંગ લેતો આવ્ય." મગને પેલા બન્નેને અને ભીમજીને પાણી પાયું એટલે ભીમજીએ નવો હુકમ આપ્યો. પણ હવે પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું હતું. મગન કઈ બોલ્યો નહીં અને ચા લેવા જવાને બદલે પોતાની જગ્યાએ બેસી ગયો. એ જોઈને ભીમજી ગુસ્સે થયો.

"અલ્યા. . ચા લેવા કેમ નો જ્યો. . કેમ કંઈ વિચાર તો નથી ફર્યોને. . હું ભીમજી મૂછ. . છાનોમાનો ચા લીઆવ."

"અને નો જવ તો. . . ?"મગને પોતાનું કામ શરૂ રાખતા કહ્યું.

"જાવું જ પડે. . કારખાનાનો નિયમ સે. . નાનો હોય ઇ જાય. . કાં શિખાઉ હોય ઈ જાય. . આંય કોઈ શિખાઉ નથી. . એટલે તારેજ જાવું પડે હમજ્યો. . !"

"હું એવા કોઈ નિયમમાં માનતો નથી. તમે ઉંમરમાં મારાથી મોટા છો એટલે વિવેક રાખું છું. . તમારી મુછથી બીતો નથી. . " મગને,ભીમજીની સામે જોયા વગર પોતાના હીરાને ઘાટ કરતાં કરતા કહ્યું.

ભીમજીથી આ સહન ન થયું. ઘાટ કરતાં મગનને એણે ડંડાનો ગોદો મારીને જોરથી કહ્યું, "જાય છે કે નહીં ?" મગન એનો ડંડો ખેંચીને ઉભો થયો. ભીમજી કાંઈ સમજે એ પહેલાં મગન વિફર્યો હતો. ડંડો ઉંચો કરીને ભીમજીના માથામાં ઘા કર્યો પણ ભીમજીએ એના હાથ આડા રાખ્યા. ભીમજી કાંઈ કરે એ પહેલાં બીજા કારીગરો ઉભા થઇ ગયા. ભીમજી અને મગનને તેઓ વધુ લડી ન પડે એ માટે બન્ને ને પકડી લીધા. કારણ કે કારખાનામાં આવી મારામારી જીવલેણ સાબિત થતી હોય છે. ગરમ કટોરાની સગડીઓ અને વીજળીથી ચાલતા લેથ મશીનથી ભંયકર ઇજા થતી હોય છે.

"તું બા'ર નીકળ. . આજ જોઈ લવ તને. . " ભીમજીએ, મગનના હાથમાંથી ડંડો ખેંચતા કહ્યું. એના બે દોસ્તોએ પણ મગન બહાર નીકળે એટલે ખોખરો કરવાનું વચન આપ્યું.

"હાલને અત્યારે જ. . પછી મનની મનમાં રહી જશે. . " કહી મગન બહાર જવા લાગ્યો. કારીગરોએ ફરી એને સમજાવ્યો અને બેસાડ્યો.

"હવે પછી ખોંખારો ખાઈને મૂછને વળ ચડાવીને મારી સામે આંખ મારીશ તો આ ગરમ કટોરું તારી આંખમાં જ ખોસી દઈશ. . જ્યાં સુધી હું બોલતો નથી ત્યાં સુધી જ સારો છું. . તું મારા કરતાં ઉંમરમાં મોટો છો એટલે માન રાખતો'તો. હું કોઈના બાપનો ગુલામ નથી હમજ્યો ? પ્રેમથી કીધું હોત તો તારી ચા અને નાસ્તો પણ લઈ આવત. . પણ તેં હુકમ કર્યો. . હવે જો હાથપગ સાજા રાખવા હોય તો ઘર ભેગીનો થઈ જાજે. અને ભંગાવવા જ હોય તો હજી બીજા બે ચારને બોલાવી લેજે. તું હજુ મને ઓળખતો નથી. કારખાનું છૂટે એટલે બતાવી દઉં તને. . સાલ્લા ભીમલા. . " મગને ડોળા કાઢીને ભીમજીને કહ્યું.

ભીમજી અને એના દોસ્તો મગનનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને ઘીસ ખાઈ ગયા. મગન સાથે પંગો લેવા બદલ હવે ભીમજીને બીક લાગતી હતી. છતાં એ બોલ્યો, "હાંજે જોઈ લેવી. . કોના ટાંટિયા ભાંગે છે ઇ. . બાકી તને હવે મુકવાનો તો નથી જ. . " 

ઓફિસમાંથી મેનેજર આ બધું જોઈ રહ્યો હતો. એણે તરત જ વિરજીશેઠને જાણ કરી. વિરજીશેઠે ભીમજીને ઓફિસમાં બોલાવીને ખખડાવ્યો.

"જો ભીમા, તું તારી સામે કોઈને બેસવા નથી દેતો, તું કારીગર સારો છો એટલે તને વધુ કાંઈ કહેતો નથી. પણ એ છોકરાને તું હજી ઓળખતો નથી. એને પોલીસ ખાતામાં કંઈક સારી એવી ઓળખાણ છે, રામાં ભરવાડને પૂછી જોજે એટલે તને ખબર પડી જશે, નકામો લેવા દેવા વગરનો રખડી પડીશ."

ભીમજી છાનોમાનો આવીને બેસી ગયો. મગને એની સામે ડોળા કાઢ્યા. પણ એ નજર નીચી કરીને બેસી ગયો. રામ ભરવાડનું નામ સાંભળીને ભીમજીને ભીંસ પડી ગઈ હતી.

* * *

જોતારામે લખાવેલી સાદી ફરિયાદ સાંભળીને રામો ખીજાયો.

"અરે. . જોતારામ અમે કંઈ તને મારવા ભેગા નો'તા થિયા. ઈ તો હું પડી ગ્યો'તો અને આ બધા હમજયા કે કોકે મને માર્યો. અટલે ઇ બધા લાકડીયું લઈને ભેગા થ્યા'તા. તેં કાંઈ કાળુ ધોળું થોડું કર્યું સે તને મારવી ? ભલા માણહ ફરિયાદ પાસી લઈ લે ભલો થઈને. આપડે ન્યા ફળીયામાં ભેગું રે'વાનું સ. . "

રામાની અને "હાલો અલ્યા" ગેંગની વાત સાંભળીને જોતારામની ગેરસમજ દૂર થઈ. અને એણે ફરિયાદ પાછી ખેંચી.

"હાલો અલ્યા" ગેંગ તો છૂટી ગઈ પણ જોતારામની હાટડી પછી ક્યારેય ખુલીજ નહીં. ભરવાડ ફળીયાએ એનો બહિષ્કાર કર્યો. અને જોઈતારામ ને મારવાડણ આવે એ પહેલા જ ઉચાળા ભરવા પડ્યાં. થોડા દિવસો પછી રામો મોહનનગરના નાકે બુલેટ લઈને બીતો બીતો ઉભો રહ્યો. બેઠી દડીનો ભીમજી કરખાનેથી છુટયો ત્યારે એણે રામાને બુલેટ ઉપર બેસીને માવો ચાવતો જોયો. મગન સાથે માથાકૂટ થઈ પછી અઠવાડીયાથી રામાની વાટ, એ જોતો હતો. રામાંને જોઈને એની આંખમાં ચમક આવી. અને એ રામાં પાસે આવીને ઉભો રહ્યો.

"કેમ સો. . રામાભાઈ ચ્યાં ગુમ થઈ જ્યાં'તા. હું કેદુનો તમારી વાટ જોવ સુ. . "

"બોલ્યને ભીમા, શું કામ સે ? માલ બાલ લાવ્યો છો ?" રામાએ અડધો માવો એને આપતા કહ્યું.

બરાબર એ જ વખતે મગન પણ ત્યાંથી નીકળ્યો. રામાએ મગનને જોયો એટલે એ બુલેટ ઉપરથી નીચે ઉતરી ગયો.

"આવો આવો સાબ. . ચા પીસો ?" રામાએ મગનને બોલાવીને કહ્યું.

મગનને ભીમાને, રામાં સાથે ઉભેલો જોઈને કહ્યું,"મારે ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે એટલે હું વિરજી ઠૂંમરને ત્યાં કામ શીખું છું. અમારે બધું શીખવું પડે છે આ ભીમો તારો ભાઈબંધ છે ?"

''હેં. . . ? ના ના. . એ તો કારીગર છે. હું આયાં બેઠો હોવ અટલે ઓળખે. બાકી મારે એની હારે કાંઈ લેવા દેવા નથ. "હાલ્ય અય. . તું હાલતીનો થા. . " કહીને રામાએ ભીમાને જવાનો ઈશારો કર્યો. મગન સામે મિયાંની મીંદડી થઈ ગયેલા રામાને જોઈને ભીમજીની ભીંસ વધી ગઈ.

"આ સાલ્લો હીરા ચોરતો હોવાનો મને વે'મ પડે છે."

મગને ગપ્પુ ઠોકયું. પણ એ વખતે મગનને પણ ખબર નહોતી કે ભીમજી ખરેખર હીરા ચોરીને રામાને આપતો હતો. અને એ હીરા નરશીને વેચવામાં આવતા હતા. રામાને મગનની વાત સાંભળીને પેટમાં ફાળ પડી.

"ખબર નથી સાબ. . કારીગરનું કાંઈ નક્કી નહીં. સારા અને વિશ્વાસુ માણસોજ હવે ચ્યાં રિયા સે. સા પીવી સે ને. . ?"

મગને ચા પીવાની ના પાડી. અને એ પણ ચાલતો થયો. "આ રામલો જાણી જશે કે હું ક્રાઈમ બ્રાન્ચમાં નથી ત્યારે સાલી માથાકૂટ થશે. આજ આ ભીમલો મારી પોલ ખોલી નાખેત. પણ મને સારું સુજી આવ્યું. " એમ કહી રચના સોસાયટી તરફ જતી રીક્ષામાં એ બેઠો.

કંચન ખૂબ સરસ રસોઈ બનાવતી. રમેશ અને નાથો હજુ આવ્યા નહોતા. જેન્તી એની ઘરવાળીને ટૂંક સમયમાં તેડી લાવવાનો હતો. એટલે આ રૂમ પણ ખાલી કરવાની હતી. મગન હાથપગ ધોઈને નાથાની રાહ જોઇને બેઠો હતો. એ વખતે મકાનમાલિક છગનલાલની પત્ની બહારથી આવીને ઉપર એના ઘરમાં જઇ રહી હતી. મગનને એકલો જોઈને એ ત્રણ પગથિયાં પાછા ઉતરીને મગનની રૂમમાં આવી.

"કેમ સે. . મગનભાઈ. મારે તમને કે'દુની એક વાત કે'વી સે. પણ તમેં એકલા હો નઈ." ઊંચી અને એકવડીયા બાંધાની શાંતા બારણામાં ઉભી રહી. મગનને નવાઈ લાગી. આ શાંતાને વળી શું કહેવું હશે ? એને વિચારતો જોઈને શાંતાએ કહ્યું.

"આ માળીયા ઉપર ઓલી શૂટકેસ તમારી જ સે ને ?" શાંતાએ મગનની ફટીચર બેગ બતાવીને કહ્યું.

"એ સૂટકેસ એક દી સાંજે એક ભાઈ વિખતાં'તા. હું ઇમને ઓળખતી નથી. હું નીચે દૂધ લેવા ઉતરતી'તી. દાદરના જાળીયામાંથી મારી નજર ગઈ તો એ ભાઈ તમારી સૂટકેશમાંથી પૈસા લઈને ખિસ્સામાં મુકતા'તા. બારણું અંદરથી બંધ હતું તે મને થયું કે કોક તમારો ભાઈબંધ હશે. લગભગ ઇ આ રમેશ માસ્તરનો ભઈબંધ સે. આ પેલા પણ ઈને મેં એક બે વાર આયાં જોયો'તો. હું ભલે ઉપર પડી હોવ પણ મારી આંખ્યું ચારે કોર ફરતી હોય હો. કોણ આવ્યું ને કોણ ગ્યું ઈ બધી ખબર રાખવી પડે. આજ તમને એકલા ભાળીન મને થિયું કે લાવ્યને વાત કરું. લ્યો હાલો મારે'ય મોડું થાય સે. " કહીને શાંતા દાદર ચડી ગઈ. પણ મગનના માંડ શાંત થયેલા મનના જળમાં પથરો ફેંકતી ગઈ !

"મારી બેગમાંથી નરશી માધાનું પાકીટ અને દસ હજાર રૂપિયા રોકડા લઈ જનારો. માસ્તરનો મિત્ર એટલે રાધવો. મુંબઈ જઈને એ હીરા એણે વેચ્યા હોય. રમેશને પૈસા મોકલે છે. રમેશે બાઈક લીઘું. . મુંબઈમાં એ રાધવો મારા પૈસાથી જલસા કરે છે. ચોર સાલ્લો. . !" મગનના ગુસ્સાનો પાર રહ્યો નહીં. આતુરતાથી એ રમેશ અને નાથાની રાહ જોઈ રહ્યો. અવિશ્વાસ અને શંકા ગમે તેવી દોસ્તીને ખતમ કરી નાખવા માટે પૂરતા હોય છે. શાંતાએ મગનની શાંતિ હણી નાખી હતી. એનું કેવું પરિણામ આવશે એ મગન જાણતો નહોતો.  

* * *

 નરેશ,નાથાને બાબુકાકાની દુકાને બેસાડીને નરશીની ઓફિસે પેકેટ બતાવવા ગયો હતો. નરશી ઘણીવાર નરેશ પાસેથી માલ લેતો. નરેશ રાઘવનો દોસ્ત છે એની ખબર હોવા છતાં એને નરેશ સાથે કોઈ વાંધો ન્હોતો. કારણ કે નરેશની પ્રામાણિકતા પર એને ભરોસો હતો. નરશી કોઈની પણ સાથે કામ પાડતો ત્યારે પોતાની રીતે પરીક્ષા લેતો. નરેશ , નરશીની પરીક્ષામાં સો માંથી સો માર્ક લાવ્યો હતો !

 નરશીએ પહેલીવાર નરેશને એક પેકેટ વેચવા આપ્યું હતું. એ એવો બોગસ માલ હતો કે બજારમાં એવો હલકો માલ કોઈ જુએ પણ નહીં.

પોતાના ખાસ મિત્રને નરશીએ નરેશ પાસેથી માલ કિંમત કરતા ખૂબ ઊંચા ભાવે મંગાવ્યો હતો. નરેશ, અપ્રમાણિક હોત તો નરશીને એના ભાવ મુજબ થતી રકમ આપીને બાકીનો નફો ખિસ્સામાં નાખીને જરૂર ગાળીયું કર્યું હોત. પણ નરેશે પૂરેપૂરો નફો નરશીને આપી દીધો હતો. ત્યાર પછી નરશીએ સારા હીરાનું એક પકેટ નરેશને આપીને બીજી પરીક્ષા લીધી હતી. સ્વાભાવિક રીતે જ નરેશે,ફરીવાર નરશીના મિત્રને જ માલ બતાવીને કહ્યું, "લો શેઠ, આ વખતે સારો માલ લાવ્યો છું, ગઈ વખતે સાવ હલકા માલની તમે સારી ઓફર કરી'તી એટલે એ રફમાં તમારે આંકડા નો થ્યા હોય."

"હા,યાર ઈ રફમાં તો હું ઠોકાઈ ગ્યો છું, એમ કર્યને આ તૈયાર હીરામાં થોડાક હીરા હું બદલાવી લઉં. . આપડો બેયનો ભાગ. . બોલ દલાલી કરતા ડબલ મળશે. . છે વિચાર ?"

નરેશે તરતજ એ પેકેટ એ પાર્ટીના હાથમાંથી લઈ લેતા કહ્યું હતું, "હું દલાલ છું, જેણે મારી ઉપર વિશ્વાસ રાખીને લાખો રૂપિયાના હીરા હાથમાં આપી દીધા હોય એનો વિશ્વાસઘાત નહીં કરું. એવી દગાખોરી મારા દિલમાં નથી. ડબલ શું પાંચ ગણી દલાલી આપો તો પણ હું એ નહીં કરું. કણબીનો દીકરો છું, મહેનત કરીને જ લઈશ અને ભાગ્યમાં ઓછું મળશે તોય અનીતિનો એક રૂપિયો'ય હું ક્યારેય નહીં લઉં હમજયા ? અને આજ પછી તમારી ઓફિસેમાં માલ બતાવવા આવે ઈ બીજો." નરેશ ગુસ્સે થઈને ચાલવા લાગ્યો.

"શાબાશ દીકરા શાબાશ. તું પાસ થઈ ગ્યો. નરશીએ મને તારી પરીક્ષા લેવાનું કીધું'તું. જા હવે વેચ નરશીનો માલ,અને આલે મારુ પણ એક પેકેટ લેતો જા. આજથી તું મારો પણ દલાલ. . !" ત્યારબાદ નરશીએ દલાલીમાં નામ કાઢ્યું હતું.

નરેશે બતાવેલું પેકેટ જોઈને નરશી ખુશ થઈ ગયો. નરેશે ૭૫ હજારમાં ડીલ ફાઇનલ કરી. પેમેન્ટ અડધું રોકડું અને અડધું મહિના પછી એમ નક્કી કરીને સાડા સાડત્રીસ હજાર રોકડા લઈને નરેશ બાબુકાકાની દુકાને આવ્યો ત્યારે નાથો બાબુકાકા જોડે વાતોએ વળગ્યો હતો.  નરેશે નાથાને રૂપિયા આપીને કહ્યું, "અડધુ પેમેન્ટ મહિના પછી આવશે. હું રાઘવ જોડે વાત કરી લઈશ, મારી દલાલી આમ તો અડધી આપી દેવાની હોય, પણ તું નવો છે એટલે દલાલીમાં તને ભાગ આપીશ. મહિના પછી આપણે હિસાબ કરી લેશું. ત્યાં સુધીમાં બીજો કોઈ માલ તારી પાસે આવે તેમ હોય તો કે'જે. અને નરશી સાથે આપણે કંઈ માથાકૂટ કરવાની નથી. . તો ચાલ હું હવે જાઉં. . મારે બીજું કામ છે. " કહીને નરેશ જતો રહ્યો.

 નાથાએ સાડા સાડત્રીસ હજાર ખિસ્સામાં નાખ્યા એટલે બાબુકાકા બોલ્યા,

"અલ્યા એમ પેન્ટના ખીસામાં પૈસાનો નખાય. પેન્ટમાં આગળ નાની ખીસી નથી ?"

નાથાએ કમરના આગળના ભાગમાંથી પેન્ટ પહોળું કરીને જોયું તો ત્યાં ઉભું પોકેટ હતું. એ સમયમાં સદા પેન્ટમાં દરજી આવું નાનું પોકેટ દરેક ગ્રાહકના પેન્ટમાં વગર કીધે સીવી નાંખતો.

 નાથાએ બાબુકાકાનો આભાર માનીને પૈસા એ પોકેટમાં મુક્યાં અને રીક્ષા પકડી.

સાંજે રમેશ અને નાથો રૂમ પર આવ્યા ત્યારે મગનનો ચહેરો જોઈને નાથાએ કહ્યું,"કેમ મગના. . આજ લાઈટુ ઓફ છે ? તબિયત તો સારી છે ને ! ચાલ જમી લઈએ. . "

"મેં જમી લીધું છે. તમે બેય જમીને આવો. પછી કહું કે કેમ લાઈટુ ઓફ છે. . " 

આવું ક્યારેય બનતું નહોતું. ત્રણેય મિત્રો સાંજે તો સાથે જ જમતા. પણ મગને આજ પહેલા જમી લીધું હતું. એનો બગડેલો મૂડ જોઈને કંચને પણ પૂછ્યું હતું. પણ મગને હસીને "એ તો અમથું. '' કહીને પોતાના દિલમાં ઉઠેલું તોફાન છુપાવ્યું હતું.

"અરે પણ થયું છે શું ? કેમ આમ વાત કરે છે ? અને અમારી પેલા કેમ ગળશી લીધું ?" નાથાએ મગનની બાજુમાં બેસીને કહ્યું.

"નાથા તું અને રમલો બેય જાવ,પેલા જમી લ્યો. આજ મારું મન ઠેકાણે નથી. પછી તમને કવ છું. . "

"ભલા માણસ, હું નાથો. . તારો ભઈબંધ ! તારું મન ઠેકાણે નો હોય તો મને ગળે કોળિયો ઉતરે ? તું પેલા વાત કર. પછી જ અમે જમીશું. બોલ ક્યાં દુઃખે છે ?"

મગન રમેશ સામે થોડીવાર ગુસ્સાથી તાકી રહ્યો. એટલે

રમેશ બોલ્યો, "કેમ, મીંદડાની જેમ તાકી રિયો છો. . ? જે હોય ઈ બોલ્ય ને. . !" ત્યાં જ કંચન બોલાવવા આવી, "એ લાટ સાયેબો, જમવા પધારોને બાપા. . મને તો છૂટી કરો ભૈશાબ. અને આજ મગનભઇએ ચીમ વેલું ઝાપટી લીધું. . મઝા નથી કે હું ?"

 "ના ના ભાભી, એવું કંઈ નથી. આવે જ છે આ લોકો. "

કાંતા ગઇ એટલે મગને નાથાને કહ્યું, "જાવ, બેય જમી લ્યો. મેં જમી લીધું છે, જમ્યા પહેલા કહીશ તો તમે એકેય જમી નહીં શકો. જાવ બેય અહીંથી." કહીને મગન આડું જોઈ ગયો.

"જો એમ જ હોય તો તો પેલા તું વાત કર. ભલે નો જમી શકીએ તો નહીં જમીએ. તેં તો જમી લીઘુંને ? દરરોજ સાથે જમવાનો નિયમ તેં તોડી નાખ્યો. બોલ મગના શું છે ? તું નહીં કહે ત્યાં સુધી અમે નહીં જમીએ. તું શું હમજેશ તારા મનમાં ?" નાથો પણ ગુસ્સે થયો. રમેશ પણ બેસી પડયો.

"તો સાંભળ. . મારી શૂટકેશમાંથી જે માલ ગુમ થ્યો'તો. . એ કોણે ચોર્યો છે એ મને ખબર પડી ગઇ છે. . અને નાથા દુઃખ તો એ વાતનું છે કે આ રમલાને બધી પેલેથીજ ખબર હતી."

રૂમમાં છન્નાટો છવાઈ ગયો. નાથાએ રમેશ સામે જોયું. "રમેશ,મગન કે છે ઈ સાચું છે ?"

"મને ખબર્ય હોય તો હું તમને કીધા વગર રહું ? મારી ઉપર આટલોજ ભરોસો છે મગના તને ? તું કે ઈના સમ હું ખાવા તૈયાર છું જો મને ખબર્ય હોય તો. પ્લીઝ મગન બે ચાર ગાળો દઈ દે. તોય મનનો ભરાય તો બે ચાર ઝાપટ મારી લે. પણ મારી દોસ્તી ઉપર ઘા નો કરીશ." કહીને રમેશ રડવા જેવો થઈ ગયો.

"પૈસા. . . નાથીયા પૈસા, પૈસા કોને વ્હાલા નથી લાગતા ? દોલત મળતી હોય તો દોસ્તી વેચી દેવામાં શું વાંધો હેં ! સમ બમમાં હું માનતો નથી. હવે તારા મોઢે જ તું કહી દે એટલે તારી દોસ્તી અમે જોઈ લેવી. ."

"મગન, પ્લીઝ આવું ન બોલ. . મને કાંઈ જ ખબર નથી. "રમેશ હવે રડી પડ્યો.

"એવા પલપલિયા પાડવાનું રેવા દે અને નાથા તારે જાણવુંજ છે ને. . તો સાંભળ. . મારી બેગમાંથી નરશી માધાનો માલ અને દસ હજાર નાથીયા દસ હજાર રોકડા આ આ રમલાનો મિત્ર પેલો હરામખોર રાધવો ઠોકી ગ્યો છે. અને આ મારો દોસ્ત હોવાનો દાવો કરતો રમલો એનો ભાગીદાર છે. ચોરનો ભાઈ ઘંટીચોર. હીરો હોન્ડા. . બુટ, મોંઘા કપડાં. . અને આપણને પાછા મુંબઈમાં ફેરવ્યા. મારા જ પૈસે મને જલસા કરાવ્યા. જોયુને એકલો ફ્લેટ ભાડે રાખીને રહે છે મુંબઈમાં આંય આપડે ત્રણ થઈને આ ઘોલકીનું ભાડું નથી ભરી શકતાં. આપણને સાઈકલનો વેંત નથી. ને આ જો મારો દોસ્ત બાઇક ફેરવે છે.ચોરટો સાલો. રમલા ધિક્કાર છે તારી જાતને. તું શું છોકરા ભણાવીશ. તું જ ચોરટો છો. કૂવામાં હોય એવુંજ અવેડામાં આવે. મૂકી દે તારી આ નોકરી. મુંબઈ જતો રે. તારા ચોર અને હરામખોર દોસ્ત પાંહે. બેય મુંબઈમાં ચોરીયું કરજો. હીરા ચોરજો માલ ચોરજો. રૂપિયા ચોરજો. લાખોપતી અને કરોડોપતી બનજો. પણ કોઈ દિવસ કોઈ દોસ્તની દોલતનો ચોરતા. જા તારું આ કાળુ મોઢું લઈને મુંબઈ જતો રે."

મગનના આ આક્ષેપ રમેશથી સહન ન થયા. એ ઉભો થયો અને મગન પાસે આવ્યો. મગન હજુ પણ કંઈક બોલવા જતો હતો ત્યાં જ રમેશે એના ગાલ ઉપર બે તમાચા ખેંચી કાઢ્યા. નાથો કંઈ સમજે એ પહેલાં જ રમેશે હાથ ઉપાડી લીધો.  

"હું કહું છું કે મને નથી ખબર તોય જેમ આવે એમ બકયા કરે છ ? હું તારી હાર્યે દગો કરીશ ? હું ?" રમેશે રડતાં રડતાં રાડ પાડી. મગન પણ ખૂબ ગુસ્સે ભરાયો હતો. એણે રમેશને બેઠા બેઠા પાટું માર્યું. રમેશ ફંગોળાઈને દરવાજા સાથે ભટકાયો.

"હા, હા તું જ ! તું અને તારો ભાઈબન રાધવો. સાલ્લો કોકના હીરા ચોરીને લાવે. અને તું એ હીરા અહીં સંતાડ બેય ભાગીદાર. એક ચોરટો અને બીજો માલ સંઘરવાવાળો." મગન રમેશને મારવા ઉભો થયો.

 આ ધમાલ સાંભળીને કાંતા દોડી. ઉપરથી મકાનમાલિક છગનલાલ અને શાંતા પણ ઉતરી આવ્યા. અને એ જ વખતે જેન્તી પણ આવી ચડ્યો.

 આ બધાને જોઈને નાથાએ હસીને કહ્યું, "અરે એ તો આખલા મસ્તીએ ચડ્યા છે. જાવ જાવ. " 

પછી મગન તરફ ફરીને કહ્યું, "નાટક બંધ કર. પછી વાત કરીએ. . "

મગન પણ ભવાડો થવાની બીકે ચૂપ થઈ ગયો. છતાં છગનલાલ વાત કળી ગયા.

"તમે લોકો સીધી રીતે રે'વુ હોય તો રેજો. નકર રૂમ ખાલી કરી નાખો. મને આવા બખાળા બિલકુલ પસંદ નથી. મેં અખલાને કુસ્તી કરવા મકાન નથી બાંધ્યું. અને શેની હીરા ચોરવાની અને સંઘરવાની વાત છે ? તમે હીરા ચોરો છો ? એકને માસ્તર અને બે જણને કોલેજીયન જાણીને રે'વા દઉં છું. પણ જો હીરા ઘંહવાના હોય તો હાલતીના થઇ જજો."

''ઈમ નો કે'વાય બસાડા સારા છોકરાવ છે. તમેં હાલો ઉપર. . " શાંતાએ ગુસ્સે થયેલા છગનલાલનો હાથ ખેંચીને કહ્યું.

"અમથું પણ હવે આ જેન્તીના વહુને તેડી લાવવાની છે. એટલે ભાઈ માસ્તર, જેમ બને એમ જલ્દી રૂમ ખાલી કરી નાખજો. અને મેં તમને એકલાનેજ રહેવાની છૂટ આપી'તી. તમારે આ બે જણનું વધારાનું ભાડું પણ આપવું પડશે. નકર ડિપોઝીટમાંથી કાપી લઈશ. કાલથી આ બેયને કેજો બીજે વ્યવસ્થા કરી લે." છગનલાલ છગ્ગો મારીને દાદર ચડી ગયા. નાથો,મગન અને રમેશ લૂંટાઈ ગયેલા મુસાફરોની જેમ એકબીજા સામે જોઈ રહયા.

"હવે ગલસવા ગુડાવું સે કે હજી કુસ્તી બાકી સે ? કવ સુ કે પેલા ખાવા ગુડાવ તો મારું તો કામ પતે. પછી આખી રાત્ય બાધજો. કોણ ના પાડે સે. " કાંતાએ પણ કકળાટ કર્યો 

"મારે નથી જમવાનું. તું જા નાથીયા. મને તો બહુ સારું ભોજન મળી ગયું છે. " રમેશ એમ કહીને એના ચપ્પલ પહેરીને બહાર જતો રહ્યો. નાથાએ મગન સામે જોયું. મગનની આંખોમાંથી આંસુ વહી રહયા હતા. દોસ્તી તૂટે તો પણ દિલ તૂટી જતું હશે ! મગનનું દિલ તૂટી ગયું હતું.

"ભાભી, ડખો થઈ ગ્યો છે. હવે મને'ય કોળિયો ગળે નહીં ઉતરે. "કહીને નાથો પણ રમેશની પાછળ ચાલ્યો ગયો.

"એમ અનાજનું અપમાન નો કરાય. રાંધેલા ધાન રખડી પડે તો અન્નદેવતા રાજી નો રેય.જાવ નાથાભાઈ, રમેશભાઈને મનાવીને લિયાવો. હું શાક ગરમ કરી દઉં છું." કાંતાએ નાથાને રોકીને કહ્યું. નાથાએ માથું ધુણાવીને હા પાડી.

અત્યાર સુધી ચૂપ ઉભેલા જેન્તીએ તેના પલંગ ઉપર બેસીને મગનને પૂછ્યું, "યાર આમ બાધી પડાય ? આવા દોસ્તાર હોય ?''

"દોસ્તાર આવા નો હોય. . જેન્તી. . આની કરતા દુશ્મન સારા. સાલી ખબર તો રહે કે આ દુશ્મન છે તો સાચવીને રહીએ. આ તો પીઠ પાછળ ઘા કરનારા." મગને મોઢું લૂછતાં કહ્યું.

"તમારી કંયક ભૂલ થાય સે. માસ્તર એવો માણહા નથી. તમે ભલે ગમે ઇમ કયો પણ ઈ કોઈ દી તમારી હાર્યે ખોટું નો કરે. મને ખબર છે મગનભાઈ. મેં ઈને તમારા ખિસ્સામાં છાનામાના રૂપિયા મુકતા જોયો સે.. હું ભાળી ગ્યો તો કેય સે કે મારો દોસ્ત છે, મરી જાશે પણ માંગશે નહીં એટલે. "

એની વાત સાંભળીને મગન વિચારમાં પડી ગયો. "જાવ યાર. . એને મનાવી લ્યો. એની જેવો દોસ્ત દીવો લઈને ગોતશો તોય નહીં જડે. અને તમારો માલ કોણ ચોરી ગ્યું એની ઈ બસાડાને ખરેખર કાંઈ ખબર નથી. મને માસ્તરે ઘણીવાર કીધું'તું કે જેન્તી, તું તપાસ કર. મારા ગરીબડા ભાઈબનને લૂંટનારો કોણ હશે. ? જે દી મારા હાથમાં આવશે તે દી હું ઈને જીવતો નહીં છોડું.

"તું સાચું કે છ ? ખરેખર રમલો એવી વાત કરતો'તો ?" મગનને હવે પસ્તાવો થતો હતો. ઘણીવાર રાત્રે ખાલી થઈ ગયેલા પાકિટમાં બીજા દિવસે પચાસ કે સો રૂપિયાની નોટ ક્યાંકથી આવી જતી હતી. આ બાબતમાં એણે એક બે વાર રમેશને કહેલું પણ ખરું, "રમલા મારા પાકિટમાં કોક પૈસા મૂકી દે છે. . . તું તો નથી મુકતોને !"

"અલ્યા મારા બાપાને ક્યાં ધના મિલ હાલે છે. . અને પૈસા આવે છે ને ! જતા રે'તા હોય તો ઉપાધિ. . વાપર્ય ને તું તારે. !"

મગનને એ શબ્દો યાદ આવ્યા. એ ઉઠ્યો અને પેલા બન્નેને શોધવા બહાર નીકળ્યો. નાથો રમેશને સમજાવીને પાછો લાવી રહ્યો હતો. શેરીમાં એ બન્ને ને આવતા જોઈને મગન ઉભો રહ્યો. પેલા બેઉ પાસે આવ્યા એટલે મગને કહ્યું,

"એટલે જ કીધું'તું. પેલા ખાઈ લ્યો. વાત સાંભળીને રોડે ચડ્યા. હાલો આમ ખાઈ લ્યો બેય. . . "

"તું જા ને ભાઈ. . તને જ્યારે હોય ત્યારે હુમલા આવે છે. જાણે બાપનો માલ ચોરાયો હોય એમ ભૂંરાટો થાશ તે ! તને હજાર વખત કીધું છે કે જે તારું ન્હોતું એ તને છોડીને જેનું હતું એની પાસે જતું રહ્યું ઈમ માની લે."

"હા, ભઈ હા, તમે બેય જમી લ્યો પછી આપણે પાન ખાવા જઈએ. . "

"મારે તારું પાન નથી ખાવું. તું જા અહીંથી. તારી શૂટકેસ સંભાળ કોક ગાભા ચોરી જાહે. " રમેશે કહ્યું.

મગને એનો હાથ પકડીને મરડ્યો. નાથાએ મગનનો હાથ પકડ્યો.

"તારી જાતના. . "કહીને મગન રમેશને હળવેથી પીઠમાં ગડદો મારીને હસ્યો. એ જોઇ નાથાએ મગનને જોરથી ગડદો માર્યો. ત્રણેય હસી પડ્યા. અને કાંતાની રૂમમાં આવ્યા. એ ત્રણેયને સાથે જોઈને કાંતાએ કહ્યું, "ઘડીકમાં બાધી પડે ને ઘડીકમાં ભેગા થઈ જાય. નાના છોકરા જેવા સવો. હાંઢિયાને મીઠું દે ઇવડા થ્યા તોય બુધ્ધિ નો આવી. "

એ સાંભળી ત્રણેય ખખડી પડ્યા. એટલે કાંતા ફરી ગુસ્સે થઈ. "દાંતડા કાઢ્યા વગર ગળસવા બેહોને બાપા. નકર છગનકાકાની ઘોડ્યે  હું 'ય કાલથી સુટા કરી દેશ. . "

"મને એકલા એકલા બહુ ન્હોતું ભાવ્યું. લાવો હું ફરીન બેહી જવ." કહી મગન પણ નાથા અને રમેશ સાથે જમવા બેઠો.

"જમીને ગલ્લે પાન ખાવા જઈએ ત્યારે આ વાતનો નિવેડો લાવવોજ પડશે. . "

હજુ પણ મગનના મનમાંથી એ વાત હટતી નહોતી.  પણ એ વાતનો ફોડ પાડવા જતા આવનારા પરિણામની મગનને ખબર નહોતી.

(ક્રમશ:)


મિત્રો, આપને નાથાની આ વાર્તા જો ખરેખર ગમતી હોય તો આપના મિત્ર વર્તુળમાં આ નોવેલ શેર કરવા વિનંતી છે. લેખકોને લખવા બદલ કોઈ જ વળતર મળતું નથી. એટલે વધુને વધુ વાચક મિત્રો મારી વાર્તા વાંચીને ખુશ થાય. . વાચકો હસી પડે. . પોતાના જીવનની ઘટમાળમાં અનુભવાતો મુંજારો પળ બે પળ દૂર થઈ જાય તો મને મારી આ મહેનત સાર્થક લાગશે. આપ સૌનો પ્રેમ એ મારે મન પૈસા જ પૈસા છે. . પણ મારી એક જ અપેક્ષા છે કે શક્ય હોય એટલે વધુ વાચકો સુધી મારી હાસ્યવાર્તાઓ પહોંચે !

આશા રાખું છું કે આપ જરૂર આપના ગ્રુપમાં આ નોવેલ શેર કરશો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy