Bharat M. Chaklashiya

Drama Romance

2.0  

Bharat M. Chaklashiya

Drama Romance

દિલની દોલત

દિલની દોલત

14 mins
545


 

પમરાટ અને પવન..ફુલોમાંથી પ્રસરતા પમરાટને પોતાની પાંખમાં ઉપાડીને અખાય ઉપવનને મઘમઘતું કરીને વહી જતો પવન.

 ફુલના બગીચા જેવા માહોલમાં જન્મેલી નાજુક અને નમણી પમરાટ એની સખીઓ સાથે બગીચામાં રમ્યા કરતી.દોલતસિંહ ના ભવ્ય મહેલની ફરતે મઘમઘતા બગીચામાં ખીલેલા ફૂલો સાથે જ રમતું આ પમરાટ નામનું પુષ્પ દોલતસિંહના દિલની દોલત હતી.

એમના કાળજાના કટકાને તસુભાર પણ તકલીફ ન પડે એ માટેની તમામ સગવડ દોલતસિંહના ઘરમાં હાજર હતી.

 દસ વર્ષની પમરાટને સ્કૂલે લેવા અને મુકવા સ્પેશિયલ કાર લઈને હસમુખો ડ્રાઈવર હસમુખ સમયસર આવી જતો. પમરાટની મમ્મી પુષ્પાદેવી પમરાટની સ્કૂલબેગ તૈયાર કરીને દરરોજ અવનવી વાનગી ભરેલું લૉન્ચબોક્ષ અને ડોનાલ્ડ ડકના સ્ટીકરવાળી વોટરબેગ પણ સ્કૂલબેગમાં મૂકી આપતી. સ્કૂલે જતી વેળાએ હસમુખ ગાડીમાં એને કેટલીય વાર્તાઓ કહેતો. ક્યારેક સરસ મજાના બાળગીતો વગાડતો.


 દોલતસિંહની ગણના શહેરના મુખ્ય દસ માલતુજારોમાં થતી. અનેક પ્રકારના એમના બિઝનેસ હતા અને ચારેય દિશામાંથી દોલત, દોલતસિંહના મહેલમાં દોડી આવતી.

 પમરાટ ધીમે ધીમે મોટી થવા લાગી. દોલતસિંહ માતૃભાષાનેમાં જેટલો પ્રેમ કરતા એટલે મોંઘમાં મોંઘી અંગ્રેજી શાળા શરૂ કરી શકે એવા હોવા છતાં સરકારી શાળામાં પમરાટને ભણવા મોકલી હતી.અને પોતાના ખર્ચે સરકારી શાળાને ખાનગી શાળા કરતા ચડે એવી બનાવી હતી. દરેક રૂમમાં સારામાં સારી બેન્ચ, બ્લેકબોર્ડ, પંખા અને મેદાનમાં રમતગમતના તમામ સાધનો એમણે વસાવી આપ્યા હતા. શાળામાં થતા શિક્ષણકાર્ય પર નજર રાખવા એક અભ્યાસું શિક્ષણવીદ્દની એમણે નિમણૂક પણ કરી હતી.

આ સ્કૂલના આચાર્યથી માંડીને પટ્ટાવાળાએ પણ સમય કરતાં પંદર મિનિટ વહેલું આવી જવું પડતું.દરેક શિક્ષક મન દઈને પુરી પ્રામાણિકતાથી બાળકોને ભણાવતો અને બધી જ પરિક્ષાઓના પરિણામ દોલતસિંહ સમક્ષ રજુ કરવામાં આવતા. ઉત્તમ શિક્ષણકાર્ય કરનાર શિક્ષક અને ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવતું અને ઇનામ આપવામાં આવતા..

 એ સ્કૂલ સરકારી હોવા છતાં માત્ર બાલમંદીરમાં જ પ્રવેશ મળતો. ધોરણ એક થી બાર સુધીમાં જો કોઈ જગ્યા થઈ હોય તો એ જગ્યા પર એડમિશન લેવા ધસારો થતો અને પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી. એ પરીક્ષામાં સૌથી વધુ ગુણ લાવનાર બાળકો જ પ્રવેશ મેળવી શકતા.


આ સિવાય કોઈપણ રીતે આ શાળામાં પ્રવેશ મેળવી શકાતો નહીં. ખુદ દોલતસિંહ ક્યારેય કોઈની ભલામણ કરતા નહીં..અને કોઈની લાગવગ ચાલતી નહીં.

આવી શાળામાં બધા જ નિયમો કડક જ હોય અને એનું ચુસ્તપણે પાલન થતું જ હોય એ કંઈ કહેવાની વાત નથી.

પમરાટ ભણવામાં અને વ્યવહારમાં ખૂબ જ હોંશીયાર હતી. પવન પણ પમરાટના કલાસમાં જ ભણતો અને દોલતસિંહ જેવા જ એક બીજા દોલતમંદ અને રાજકીય આગેવાન રામસિંહનો એકનો એક ફરજંદ હતો.પૂરેપૂરા તોફાની પવનને ક્યારેય મંદ મંદ ફરકવું ગમતું નહીં.એ સુસવાટા ભેર ફૂંકાતો.


 ભણવામાં નંબર વન ઉપર પહેલેથી જ એનો હક રહ્યો હતો. ખેલકુદમાં એને પાછળ રાખે એવું કોઈ એડમિશન હજી થયું નહોતું.દોડ હોય કે દિમાગનું દહીં કરનારી ચેસ હોય,કબ્બડી હોય કે ક્રિકેટ હોય..ફૂટબોલ હોય કે વોલીબોલ..પવનની સાથે દોટ મૂકી શકે એવો વિદ્યાર્થી બીજો કોઈ નહોતો. દરવર્ષે દરેક પ્રકારના ઇનામ વિતરણમાં પહેલું ઇનામ લેવા ઉભો થનાર માત્ર અને માત્ર પવન જ હતો.

 પમરાટને જ્યારથી સમજણ આવી ત્યારથી એ પવનને પાછળ રાખવા એની પાછળ પડી હતી.


પણ પવન તો સૂસવાટાભેર વાતો..અને પમરાટ એને પકડી શકતી નહીં. સ્ટેજ ઉપરથી પ્રથમ ઇનામ લઈને નીચે ઉતરતા પવનને જોઈને, ઇનામ આપવા બિરાજેલા દોલતસિંહની બાજુમાં જ બેઠેલા રામસિંહ મૂછોને વળ ચડાવતા..એ જોઈને દોલતસિંહ તો એમની પીઠ ઉપર ધન્યવાદનો ધબ્બો પુરા જોરથી મારીને ખુશી વ્યક્ત કરતા..અને રામસિંહનો વટ દોલતસિંહની દિલાવરીમાં વહી જતો.બન્ને લંગોટિયા દોસ્તો હતા અને એ દોસ્તીને રિસ્તેદારીમાં બદલવાના એકબીજાને વચન પણ આપી ચુક્યા હતા.

 પવન અને પમરાટ અગિયારમા ધોરણમાં પહોંચ્યાં ત્યારે સાયન્સ પ્રવાહની પ્રવેશ પરીક્ષા આપીને સમીર સોનાણી સૌથી વધુ માર્ક્સ સાથે પ્રવેશ પામ્યો. સ્કૂલના વાતાવરણમાં પવનની હેરફેર જોઈને એ સમજી ગયો કે એની હરીફાઈ કોની જોડે છે..કલાસમાં ફિજીકસના અઘરા ઈકવેશન અંગે સાહેબ દ્વારા ટ્વીષ્ટ કરીને કરીને પૂછાયેલા સવાલનો જવાબ દેવા ઊંચી થયેલી આંગળીઓમાં એક આંગળી સમીરની પણ રહેતી.


પહેલા પવન ઉત્તર આપતો, પણ એના ઉત્તરથી સરને સંતોષ ન થતા પમરાટ પોતાની આંગળી નીચે મૂકી દેતી. પણ સમીરની ઉંચી રહેલી આંગળી એને ઉત્તર આપવા ઉભો કરતી ત્યારે એનો ઉત્તર સાંભળીને સાહેબ થોડીવાર એની સામે ને સામે જોઈ રહેતા..કલાસમાં પીન ડ્રોપ સાયલન્સ થઈ જતું અને એક ક્ષણ પછી એબસોલ્યુટલી રાઈટ આન્સર..કહીને સાહેબ સમીરને વેરીગુડ માય બોય કહીને નવાજતા. આવું વારંવાર બનવા લાગ્યું ત્યારે પવનના પેટનું પાણી હલીને છલી જવા લાગ્યું. દસમા ધોરણમાં હાઈએસ્ટ રેન્ક સાથેનું પ્રથમ સ્થાન એને ડગમગતું લાગ્યું.

અને યુવાનીના ઉંબરે આવી પહોંચેલા પવને એ પણ નોંધ્યું કે પોતાની જ ધારી લીધેલી પમરાટ સમીરને ચોરીછુપીથી જોયા કરે છે, અને એની સમીરને જોવાની પમરાટની એ નજરને ઓળખવાની બુદ્ધિ તો એને આવી જ ગઈ હતી.

 અગિયારમા ધોરણના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભની જાહેરાત થઈ ત્યાં સુધી તો પ્રથમ ઇનામનો હકદાર એ પોતાને જ ગણતો હતો. એક બે સવાલના જવાબ આવડી જવાથી કંઈ પવનને પાછળ રાખી શકાય ?

 ઇનામ વિતરણ સમારંભ દર વર્ષની જેમ શાળાના સભાખડમાં યોજાયો હતો. સ્ટેજ પર શહેરના નામાંકિત આગેવાનો અને દાતાશ્રીઓ બિરાજમાન હતા. અગિયારમા ધોરણનું પ્રથમ ઇનામ અગિયાર હજાર રૂપિયા અને સૌથી મોટો શિલ્ડ જોઈને પવન પોતે મનમાં મલકાઈ રહ્યો હતો.

 એક પછી એક ધોરણોના પ્રથમ ત્રણ ક્રમકના વિદ્યાર્થીઓ પોતાનું ઇનામ મેળવીને સ્ટેજ પરથી તાળીઓના ગગડાટ વચ્ચે ઉતરી રહ્યા હતા..પમરાટ અને પવન ખૂબ આતુરતાથી પોતાના વારાની વાટ જોઈ રહ્યા હતા..

 ધોરણ અગિયારમાં સૌ પ્રથમ ત્રીજો નંબર એનાઉન્સ થયો. દર વર્ષની જેમ જ ત્રીજા નંબરે આવેલી પૃથ્વી પનારા ઇનામ લેવા સ્ટેજ પર ગઈ અને ત્યારબાદ બીજા નંબરે પમરાટ દોલતસિંહ જાદવનું નામ બોલાયું..તાળીઓના ગડગડાટથી સભાખંડ ગુંજી રહ્યો અને ત્યારબાદ પ્રથમ નંબરની જાહેરાતમાં એનઉન્સરની આંખો સાથે મોં પણ, થોડીવાર નવાઈથી ખુલ્લું જ રહી ગયું.પ્રથમ ઇનામ લેવા પવનસિંહ વાળા પોતાની જગ્યાએથી ઉભો થઈને સ્ટેજ તરફ આગળ પણ વધી ગયો.. દોલતસિંહે બાજુમાં બેઠેલા રામસિંહના બરડે ધન્યવાદનો ધબ્બો મારવા હાથ ઊંચો કર્યો પણ પ્રથમ નંબરે પવનને બદલે સમીર સોનાણીનું નામ બોલાતા જ સભાખંડમાં પવન જાણે કે થંભી ગયો..દોલતસિંહનો હાથ રામસિંહના બરડાં પર હવામાં જ તોળાઈ રહ્યો..રામસિંહની મુછે વળ ચડાવવા જઈ રહેલો એમનો હાથ અધવચ્ચે જ રોકાઈ ગયો અને પવન સ્ટેજના પ્રથમ પગથિયે પૂતળું બનીને ઉભો રહી ગયો.

સભાખંડની છેલ્લી લાઈનમાં બેઠેલો સમીર સોનાણી પોતાની જગ્યાએથી ઉભો થઈને મક્કમ ચાલે સ્ટેજ તરફ ડગલાં ભરવા લાગ્યો. સ્ટેજ પર બેઠેલા મહેમાનો અને સભાખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પવનને ઉભો રાખી દેનાર આ નવા વિદ્યાર્થીને જોઈ રહ્યા.


"જો કે સમીરનો અર્થ પણ પવન જ થાય છે..મંદ મંદ વાતા વાયુને સમીર કહેવાય અને પુરજોશમાં ફૂંકાતી હવાને પવન કહેવાય, પવન ઉપવનની ખુશ્બૂને, પુષ્પોના પમરાટને ઉડાડી મૂકે છે જ્યારે સમીર સુગંધને પ્રસરાવે છે.ધોરણ અગિયાર સાયન્સમાં આવો જ એક સમીર કે જે હોનહાર અને ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી છે..અને પવનનું સ્થાન સમીરે લઈ લીધું છે..

પવન, હવે તારે તો જોર કરવું જ પડશે.. દર વર્ષે પ્રથમ ક્રમે રહેતો પવન ચોથા ક્રમે ચાલ્યો ગયો છે..અને નંબર વન પર નયા નામ આયા હે..સમીર..સમીર સોનાણી. પ્રથમ નંબરનું ઇનામ સમીરને આપવા માટે આપણા માનવંતા મહેમાનશ્રી..દોલતસિંહસાહેબને હું વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે સમીરને ઇનામ આપીને નવાજશે.

આપણે સૌ તાળીઓના ગડગડાટ થી સમીરની આ સફરની શરૂઆત ને લીલી ઝંડી આપીએ "


 ઉદ્દઘોષક, ગુજરાતી વિષયના શિક્ષક હતા.પોતાની ભાષા સમૃદ્ધિ બતાવી રહેલા રતિલાલ રાજગોર જાણતા નહોતાં કે એમના દ્વારા અપાયેલી સમીરની આ વ્યાખ્યાનું પરિણામ કંઈક ઓર જ આવવાનું છે.. એમના શબ્દો કોઈના હૈયા સોંસરવા ઉતરીને એ હૈયાને હેમનું બનાવી રહ્યા છે અને કોઈને હૈયામાં હળાહળ ઝેર પેદા કરી રહ્યા છે.

   ઘડીભર સ્તબ્ધ થઈ ગયેલો સભાખંડ, રતીલાલના તાળી આદેશથી મૂળ રંગમાં આવી ગયો.

તાળીઓના અવિરત ધ્વનિ વચ્ચે અગિયાર હજારનું કવર અને ટ્રોફી લઈને સ્ટેજના પગથિયાં ઉતરી રહેલા સમીરની નજર પમરાટની નજર સાથે ટકરાઈ..અને એ નજરમાં રહેલી પોતાની છબી એ પળવાર જોઈ રહ્યો..એ સાથે જ પમરાટના નાજુક હોઠો વાંકાયા અને હેમના બનેલા એના હૈયામાંથી ફૂટી નીકળેલા હેતથી મઢેલું સ્મિત એના હોઠના ધનુષ્યમાંથી તીર બનીને છૂટ્યું..

 સમીરે એ સ્મિત જીલ્યું..એ સ્મિતમાં ભરેલો પ્રેમ એના દિલના દરવાજા ખોલીને અંદર ઉતરી ગયો. એક પળમાં પરસ્પરના પ્રેમનો સ્વીકાર થયો..સમીરે પણ એ સ્મિત જમા કરીને એની રસીદ જેવું મીઠું સ્મિત પમરાટને આપી દીધું..પવન, આ પળભરની ઘટના જોઈને ઘુમરીએ ચડ્યો.

સમીરના મિત્રોએ સભાખંડના રવેશમાં દોડીને એને ઉંચકી લીધો..શિલ્ડને એક હાથે હવામાં ઊંચો કરીને સમીરે ફરીને પમરાટ સામે જોયું..પમરાટે હાથના અંગુઠા વડે થમ્સઅપની સંજ્ઞા કરી..અને તરત જ ગુસ્સાથી સળગતી આંખે પોતાને ઘુરકી રહેલા પવન સામે જોયું..એની નજરના તાપથી પમરાટ જરાય ડરી નહી..પણ એજ હાથના અંગુઠાને નીચે નમાવીને પવનને ટાં.. ઈ.. ટાં.. ઇ.. ફી..સ..નો સંકેત કર્યો..

 એ જોઈને પવન વાવાઝોડું થઈ ગયો..પણ એ વાવાઝોડું અત્યારે તો ફૂંકાઈ શકે એમ નહોતું..

 પવનના દિલમાં પમરાટને પામવાના અરમાન ઘડાયા હતા.સોળ વર્ષની ઉંમરે થતા વિજાતીય આકર્ષણોને પ્રેમ સમજીને આવા તરુણો પોતાની કારકિર્દીનું સત્યાનાશ કરી મૂકતા હોય છે..પવનને પણ એવો જ પ્રેમ કચ્ચી કલી જેવી પમરાટ પ્રત્યે પેદા થયો હતો.

મેથ્સના સાઈન અને કોસ થીટા, ફિજીકસની ચાકગતી અને કેમેસ્ટ્રીના કેમિક્લો એના દિમાગમાં કેમિકલ લોચા ઉતપન્ન કરવા લાગ્યા. બ્લેકબોર્ડમાં લખતા અને ભૂંસાતા અક્ષરોમાં, નોટબુકમાં અને ટેક્સ્ટ બુકમાં, કોમ્પ્યુટર સ્ક્રીનમાં, પ્રેક્ટિકલ લેબમાં બધે જ પમરાટ પ્રસરવા લાગી. બારમાં ધોરણની આંતરિક કસોટીઓમાં એ પાછળ પડવા લાગ્યો,પવનની દિશા જ એકાએક ફરી ગઈ.

  બારમાં ધોરણના અતિશય ગહન અભ્યાસમાં એક વરસ જોતજોતામાં વીતી ગયું. પવન પણ વાવાઝોડું બનીને લાગી પડ્યો હતો..સમીર સાથે દોસ્તી કરવી કે દુશ્મની એ એને સમજાતું નહોતું.. નંબર વનનું સ્થાન અને પોતાની પ્રાણપ્યારી પમરાટ બેઉંને સમીર લઈ ન જાય એ માટે એ બમણા જોરથી મહેનત કરવા લાગ્યો.પણ પમરાટના દિલની ધરતીમાં વવાઈ ગયેલા સમીરને પ્રેમના બીજ અંકુરિત થતા એ રોકી ન શક્યો..અવારનવાર કલાસમાં અઘરા દાખલાને ઉકેલવામાં એ પાછો પડવા લાગ્યો અને સમીર સફળ થવા લાગ્યો અને તેજ તરાર્ર પવન ઘુંચવાઈ જવા લાગ્યો.પમરાટ અઘરો દાખલો લઈને પવનને સોલ્વ કરવા આપે. પવન બધા જ સૂત્રો લગાડીને આઠ દસ પેઇઝમાં એ દાખલાને પહોળો કરી નાખે તોય જવાબ ન આવે..પછી અંતે થાકીને કહે..કાલે ગણી દઈશ..

પમરાટ એ દાખલાની રકમ લખીને સમીરને નોટબુક આપે. પાછળની બેન્ચમાં બેઠેલો સમીર પાંચ જ મિનિટમાં અડધા જ પેઇઝમાં એનો ઉકેલ લાવીને નોટ પાછી આપે.

પવન એ નોટ જોવા માંગે.અને સમીરે લગાડેલું સૂત્ર સાલું મને કેમ ન સુજ્યું એમ વિચારીને માથું ખજવાળે..પણ એ પેઇઝના છેડે ગુલાબી અક્ષરે p અને એની બાજુમાં જ p ને વીંટળાઈને પડેલો S એને ન દેખાય..!


 બારમાં ધોરણનું વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં તો સમીર અને પમરાટ એકબીજાના ગાઢ મિત્રો બની ગયા.અને એમની એ મૈત્રી ખૂબ જ મીઠી બનવા લાગી.

 સમીરે, પવન તરફ પણ મિત્રતાનો હાથ લંબાવ્યો. પણ પોતાનું સ્થાન ઝૂંટવી જનાર સમીર એનાથી સહેવાતો ન્હોતો.એટલે પવને એને હેરાન કરવાનું શરૂ કર્યું.

 સમીર અને પમરાટને સબંધોને આગળ વધતા અટકાવવા માટે સમીરને પરેશાન કરવામાં કંઈ જ બાકી રાખ્યું નહીં.

હોસ્ટેલમાં રહેતા સમીરને દોસ્તો પાસે માર મરાવવો, સાઈકલમાંથી હવા કાઢી નાખવી, એની બુક્સ ગુમ કરી દેવી વગરે અનેક પ્રકારે પવને સમીરને સતાવ્યો તોય એ એકધારી ગતીથી આગળ વધતો જતો હતો. પવનના અનેક પેંતરા ન તો અભ્યાસમાં એને રોકી શક્યા કે ન તો પમરાટ પ્રત્યેના પ્રયણમાં રોકી શક્યા.એની આ વિલનગીરીને કારણે પમરાટ વધુ ને વધુ સમીર તરફ ઢળવા લાગી.

બારમાં ધોરણનું પરિણામ આવ્યું.

સમીર અને પમરાટ પ્રથમ અને દ્વિતીય નંબરે આવીને મેડિકલ કોલેજમાં દાખલ થયા.ત્રીજા નંબરે પાસ થયેલા પવનને હવે પમરાટ વગર ભણવું ખૂબ મુશ્કેલ લાગ્યું.. અને એણે ભણવાનું છોડીને પિતાનો ધંધો સંભાળ્યો.


  મેડિકલ કોલેજમાં ભણતા ભણતા સમીર અને પમરાટનો પ્રેમ પુખ્ત બન્યો. બન્નેએ અભ્યાસ અને કારકિર્દીને પ્રાથમિકતા આપી અને ખૂબ મન લગાવીને ભણ્યા.

બન્ને ડોકટર થઈને એક જ હોસ્પિટલમાં સેવા આપવા લાગ્યા.

 પવન પણ ધંધામાં ખૂબ જ પ્રગતિ કરવા લાગ્યો. એના દિલમાં પમરાટ

નું સ્થાન હજુ એવું ને એવું જ હતું પણ પમરાટ હવે એની પાંખમાં ક્યારેય આવવાની નહોતી એ વાત એ સમજી ગયો હતો.

 રામસિંહ અને દોલતસિંહ લંગોટિયા યાર હતા. બન્નેના બાળકો હવે યુવાન થઈ ગયા હતા. એટલે હવે યારીને સહિયારી કરવા બન્ને તૈયાર હતા.

 દોસ્તીને રિસ્તેદારીમાં ફેરવવા માટેની પહેલ પણ દોલતસિંહે કરી.

પોતાના કાળજાના ટુકડા જેવી પમરાટ માટે પવનનું માગું નાખ્યું.

"અરે દોસ્ત..તને ના પાડવાની જ ન હોય..પણ તારી દીકરી ડોકટર છે અને મારો પવન તો રહ્યો બિઝનેસમેન..બન્ને એજબીજાને પસંદ કરતાં હોય તો મને વાંધો નથી.. નહિતર આપણે બાળકોનું જીવન બગાડવું નથી.."રામસિંહે કહ્યું.

"અરે બન્ને સાથે જ તો મોટા થયા છે..સાથે જ બારમાં ધોરણ સુધી ભણ્યા છે..એટલે પાક્કા મિત્રો તો છે જ..હવે એ મૈત્રીને આપણે પ્રેમમાં ફેરવી નાખીએ..આપણાં બાળકો આપણી મર્યાદા સમજતા હોય એટલે આડું અવળું પહેલું ન ભરે..મને વિશ્વાસ છે.." દરેક બાપને હોય એવો જ વિશ્વાસ દોલતસિંહના અવાજથી ટપકી રહ્યો.

 જ્યારે આ વાતની ખબર પવનને પડી ત્યારે, પહેલા તો એ ખુશીથી ઝૂમી ઉઠ્યો.રણમાં ભુલા પડેલા તરસ્યા મુસાફરને મીઠા પાણીનો વીરડો મળી જાય એટલી ખુશી તેને થઈ આવી.પણ બીજી જ પળે  પમરાટનું ફેસબુક એકાઉન્ટ એને યાદ આવ્યું. એની સ્ટોરી અને ફોટોઝમાં સમીર સાથેના અગણિત ફોટા હતા..ક્યારેક વોટ્સએપમાં એ પમરાટને ગુડ મોર્નીગ કે ગુડ નાઈટના મેસેજ મોકલતો.ક્યારેક કોઈ સારી કલીપ કે સારો કવોટ પમરાટને સેન્ડ કરતો. પણ પમરાટ એના તદ્દન ફિક્કા રીપ્લાય આપતી.

  કયારેક વળી hi પણ કરતો. પણ સામે છેડેથી કોઈ જ રીપ્લાય ન મળતા એના દિલમાં એ હાય ની લાય બળતી.

બારમાં ધોરણમાં સમીરને પરેશાન કરવાનું એ પરિણામ હતું.તંદુરસ્ત હરીફાઈમાં એ ટકી ન શક્યો એટલે  ગુંડાગીરી પર ઉતરી આવેલા પવન ને નફરત કરવા લાગી હતી પમરાટ !

 એ નફરત સહન ન થવાથી જ પવને પોતાની દિશા બદલી હતી.

અને ઘરમાંથી ખૂબ સમજાવવા છતાં એણે આગળ નહીં ભણવાનું જ નક્કી કર્યું હતું. કારણ કે જો ભણે તો પમરાટ સાથે જ ભણવું પડે અને પમરાટ હવે સમીર સાથે ભણતી હતી..

 મુગ્ધાવસ્થાના એ દિવસોમાં પવનથી એક બીજી પણ ભૂલ થઈ ગઈ હતી.મોબાઈલ અને ઈન્ટરનેટ

ના યુગની શરૂઆત હતી..ટીન એજર અને એ પણ ધનવાન પિતા ના ફરજંદો યુ ટ્યુબ અને ગૂગલમાં ન જોવાનું પણ જોવા લાગ્યા હતા. અને એકબીજાને આવી સેક્સી કલીપો ફોરવર્ડ પણ કરતા થઈ ગયા હતા.

પવને પણ આવી જ કોઈ કલીપ પમરાટને સેન્ડ કરી હતી.ત્યારબાદ જે થયું એ, એનાથી સહેવાયુ નહોતું.

પમરાટે ફોન કરીને એને એના ઘેર બોલાવ્યો હતો. પવન તો ખુશીથી ઝૂમી ઉઠ્યો.અને તરત જ પમરાટના ઘેર પહોંચી ગયો હતો.

પમરાટના સ્ટડીરૂમમાં એને ગમે ત્યારે જવા આવવાની છૂટ હતી.

પવન આવ્યો એટલે પમરાટે રૂમનો દરવાજો બંધ કરીને પવન કંઈ સમજે એ પહેલાં જ એને બન્ને ગાલ પર તમાચા ખેંચી કાઢ્યા હતા. અને "આઈ હેઇટ યુ પવન, તું આટલો હલકટ હઈશ એવી મને ખબર નહોતી.." કહીને એને દરવાજો ખોલી નાખ્યો હતો અને અંગારા વરસતી આંખોએ બોલી હતી.

"નાઉ ગેટ આઉટ ફ્રોમ માય હોમ એન્ડ માય લાઈફ અલ્સઓ..હવે જો ફરીને કંઈ પણ અટકચાળો કરીશ તો પપ્પાને કહી દઈશ..અને પપ્પા શુ કરશે એ તને કહેવાની જરૂર નથી.."

 પવને તે દિવસથી પમરાટની દિશામાં વહેવાનું બંધ જ કરી દીધું હતું.તેના આવા કૃત્યથી એને પારાવાર પસ્તાવો થયો હતો.પણ હવે જે થઈ ગયું એ ન થયા જેવું થવાનું નહોતું.વારંવાર પમરાટની માફી માગવા છતાં પમરાટે એને માફ કર્યો નહોતો.અને આખરે પવને અભ્યાસનો માર્ગ છોડી દીધો હતો..

 એ પમરાટ હવે પોતાને પતી તરીકે અપનાવશે..? પમરાટને પામવાના અભરખા લઈને પવન ઠંડી હવા બની ગયો.

  વાત જ્યારે પમરાટ પાસે પહોંચી ત્યારે એના ગુસ્સાનો પાર રહ્યો નહીં. જે પવનને ભારોભાર નફરત કરતી હતી એની જ સાથે એના પિતા એનું જીવન જોડવા જઈ રહ્યાં હતાં. પમરાટ જાણતી હતી કે કદી પિતાને,પોતાના દિલની વાત તે કહી નહીં શકે.


  પોતાના ખાનદાન સિવાય અન્ય જ્ઞાતિમાં દીકરી દેવાની વાત જ વખ ઘોળવા સમાન હતી.વળી રામસિંહ,દોલતસિંહના બાળપણ

ના ભેરું હતા. એટલે આ સગાઈ વિરુદ્ધ એકપણ હરફ ઉચ્ચારવા ની હામ પમરાટમાં નહોતી.સમીરને દિલોજાનથી ચાહવા છતાં હવે એ સમીરની થઈ શકે એમ નહોતું.

"પમરાટ, હું તારા પિતાજીને મળું, આપણા પ્રેમની વાત કરીને તારો હાથ માગું.."સમીરે પમરાટની લટ રમાડતાં કહ્યું.

"તો તું જીવતો પાછો નહીં આવ..

મારા બાપુને હું ન ઓળખું ?ભાગી

જઈને હું મારા બાપુને સમાજમાં નીચું જોવડાવવા નથી માંગતી."

પમરાટે રડમસ અવાજે કહ્યું.

 "ના.આપણે ભાગવું નથી.પણ એકવાર આપણી વાત તો કરીએ

આપણી જ્ઞાતિ હવે અલગ ન કહેવાય..આપણે બન્ને ડોકટર છીએ..એટલે આપણી જ્ઞાતિ ડોક્ટરની જાત કહેવાય.." સમીરે કહ્યું.

"એ બધું આપણે સમજીએ છીએ,મારા બાપુ નહીં સમજે..હવે સમીર એક જ રસ્તો બચ્યો છે, હું લગ્ન કરવાની સાફ ના જ પાડી દઈશ..મારે એ હરામખોર પવનિયા જોડે મેરેજ કરીને જીવતે જીવ મરવું નથી..આપણે લિવ ઇનમાં રહીશું..જો તું ઈચ્છે તો.."

"તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા છે..તું જેમ કહે એમ કરવા હું તૈયાર છું..બસ મને છોડીને ન જતી." એમ કહી સમીરે પમરાટને બાહોમાં લઈને સુમધુર ચુંબન કર્યું.

     * * *      * * *


દોલતસિંહને જ્યારે પમરાટની માં એ જણાવ્યું કે પમરાટ લગ્ન કરવાની ના પાડે છે ત્યારે એમને ખૂબ જ અચરજ થયું. કારણ પૂછતાં જાણવા મળ્યું કે હજુ એને ભણવું છે..સર્જન થવું છે..ફોરેન જવું છે.

"પણ એતો લગ્ન પછી પણ થાયને,

રામસિંહ અને પવન ક્યાં ના પાડે એવા છે..હવે એની ઉંમર થઈ ગઈ છે.. પછી પવનને ક્યાં સુધી રાહ જોવડવાય..? બે વરસ ભણવું હોય તો ક્યાં નથી ભણાતું..?"

દોલતસિંહે વિચાર્યું.અને એ માટે રામસિંહને પણ વાત કરી જોઈ.

રામસિંહે કહ્યું , "પમરાટ તારી એકલાની જ થોડી દીકરી છે..એ મારી પણ દીકરી જ છે ને દોલત..

એકવાર તું એને પૂછી તો જો કે પવન સાથે પરણવાની એની ઈચ્છા તો છે ને ! એ ડોકટર છે અને આપણો પવન રહ્યો ધંધાદારી.."

"અરે, દોસ્ત એ શું બોલ્યો ? મારી દીકરી કદી મારી ઈચ્છા વિરુદ્ધ ન જાય..તું એ બાબતમાં નિશ્ચિંત રહે એ પરણશે તો પવનને જ" દોલતસિંહે કહ્યું.

" તારી ઈચ્છા ભલે હોય, પણ તારે નથી પરણવાનું..એની જિંદગીનો સવાલ છે..એકવાર હું એને પૂછવા માંગુ છું.."રામસિંહે કહ્યું.

"ભલે..જેવી તારી મરજી." કહીને દોલતસિંહે પમરાટને કૉલ કર્યો.

સ્ક્રીન પર બાપુનો વાત્સલ્ય મઢેલો ચહેરો જોઈને પળભર પમરાટના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ.

પણ બીજી જ પળે સગાઈની વાત કરવાની હશે એ ખ્યાલ આવતા જ એ ખુશી વરાળ બનીને ઉડી ગઈ.

"હેલો, પપ્પા.."

"કેમ છે મારી દીકરીને,રામ અંકલ તારી જોડે વાત કરવા માંગે છે..લે હું એમને આપું છું." કહીને એમણે ફોન રામસિંહને આપ્યો.

"હેલો.. બેટા પમરાટ..કેવું ચાલે છે તારું ભણવાનું..? અને કેમ છો તું ? તારા બાપુએ કહ્યું કે તું હજુ આગળ ભણવાની છો.."રામસિંહે પૂછ્યું.

"હા..હજુ મારે એમ.એસ. કરવાની ઈચ્છા છે..જો તમે હા પાડો તો.."

પમરાટે કહ્યું.

"અરે બેટા, તારે જેટલું ભણવું હોય એટલું ભણ..પણ મારે એક વાત તને પૂછવી છે.."

"જી..પૂછો અંકલ"

"તું અને પવન, આ સબંધથી ખુશ છો ને ? કારણ કે તું એક ડોકટર છો..અને પવન તો આગળ ભણ્યો જ નહીં.."

"...''

"કેમ કંઈ જવાબ ન આપ્યો બેટા.."

રામસિંહે દોલતસિંહ સામે જોઇને કહ્યું.

"હેલો.." પમરાટનો પ્રત્યુતર ન મળતા રામસિંહે ફરીવાર પૂછ્યું.

પણ સામે છેડેથી પમરાટનું ડૂસકું સંભળાયું. એટલે રામસિંહ ચોંક્યા.


એમણે ફોન કાપીને દોલતસિંહને આપતા કહ્યું

"દોસ્ત, દીકરીના મનની વાત જાણ્યા વગર આપણી હકુમત એના જીવન ઉપર ચલાવવાનો આપણને કોઈ જ અધિકાર નથી.. એ આપણા કાળજાનો ટુકડો છે,આપણી દોલત નથી..એની જ્યાં ઈચ્છા હોય ત્યાં જ પરણાવ, પવનને તો કોઈપણ સારી છોકરી મળી જશે..પણ આવો અનર્થ કરીને, દીકરીના જીવતરમાં આગ ચાંપીને આપણને આપણી મૂંછ ઊંચી રાખવાનો કોઈ અધિકાર નથી..જા, દોલત એને પૂછ એ કોને પરણવા માંગે છે,અને જો કોઈ બીજી નાત હોય અને ડોકટર જ હોય તો તું ના ન પાડતો.."

રામસિંહની વાત સાંભળીને દોલતસિંહ ડોળા કાઢીને બોલ્યા

"એકવાતનો જવાબ આપ રામ, જો પમરાટ તારી ખુદની દીકરી હોત તો શું તું એને બીજી નાતમાં, એની ઈચ્છા પડે ત્યાં પરણાવેત ખરો..?"

"તેં સાંભળ્યું નહીં દોલું.. પમરાટ મારી જ દીકરી છે..તારી ઈજ્જત અને મારી ઈજ્જત જુદી નથી,રહી વાત મારી દીકરીની..તો સાંભળી લે

મારી દીકરી જો ડોકટર હોય તો હું એને કોઈ બિઝનેસમેન સાથે એની ઈચ્છા વિરુદ્ધ તો ન જ પરણાવું..

બીજી વાત..પમરાટને જ્યાં પરણવું હશે ત્યાં એને એનો આ રામસિંહ કાકો જ પરણાવશે.."

રામસિંહનો હુંકાર સાંભળીને દોલતસિંહ એમને ભેટી પડ્યા.

"દોસ્ત,મને તો બધી જ ખબર છે.પમરાટ એની સાથે નોકરી કરતા ડો. સમીર સાથે પરણવા માંગે છે,અને મારી પણ એજ ઈચ્છા હતી,પણ તને જબાન આપી હતી. એટલે હું લાચાર હતો.પણ આજ તેં મારા પરથી ભાર હટાવી લીધો"

 પવન પણ માની ગયો. કારણ કે એના દિલમાં પમરાટ પ્રત્યે સાચો પ્રેમ ઊગી નીકળ્યો હતો.અને સાચો પ્રેમ ત્યાગ માગે છે એમ એ સમજી ચુક્યો હતો.

પમરાટનું જીવન સમીરના સથવારે મઘમઘતું થઈ ગયું.

  


Rate this content
Log in

Similar gujarati story from Drama