છેલ્લી ચોકી
છેલ્લી ચોકી
'ધાંય.....'
સનનન.. કરતી ગોળી કાનપટ્ટીની નીચેથી પસાર થઈ ગઈ. દુશ્મને નિશાન સાધવામાં ભૂલ કરી હતી યા સામે કોઈ કાચો નિશાનેબાજ હતો યા કોઈ નવો સવો ભરતી થયેલ સૈનિક !
કારણ જે હોય એ, પણ હવે હકીકત એ હતી કે દુશ્મન દેશનો સૈનિક નિશાન લેવામાં કાચો પડ્યો હતો અને જોસેફ બચી ગયો. મોત સાથે મુલાકાત થતાં થતાં રહી ગઈ હતી.
'જો હું મરી ગયો હોત તો !' એટલું વિચારતાં જ જોસેફના કપાળ પર પ્રસ્વેદ ફૂટી નીકળ્યો.
જોસેફની આંખ સામે એનાં બુઢા મા-બાપ, વહાલસોયી પત્ની અને એક માસૂમ બાળકી, ભાઈ અને તેનું કુટુંબ બધા ચહેરા એક સાથે તરવરી ઉઠયા. એ ચહેરાઓ જે એના પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા, વર્ષોથી. એણે પોતાના પાકિટમાંથી એક તસ્વીર કાઢી. તસવીરની અંદર દેખાતા બધા ચહેરાઓને થોડીવાર એ નિહાળી રહ્યો અને પછી એક હળવી ચુમ્મી કરીને ફોટાને પાછો પાકિટમાં સેરવી દીધો.
જોસેફને રહી રહીને ખીજ ચઢી રહી હતી !
કોના પર ?
સમય પર ? સંજોગો પર ? સરકાર પર ? ખુદ પર ?
ખબર નહીં.
જોસેફે સામેની દિશામાં ઝીણી નજરે જોયું પણ કોઈ હિલચાલ કળાઈ નહીં. દુશ્મન કદાચ સંતાઈ ગયો હશે, હમણાં નીકળશે. જેવો દેખાય કે એનો ખેલ ખલાસ. પોતાની અચૂક નિશાનેબાજી પર પોરસતા જોસેફે વધુ મજબૂતાઈથી ગન પકડી.
'સત્તર કલાકથી સામસામે ખેલાતા ભીષણ ગોળીબારમાં બંને પક્ષે ભયંકર ખુવારી વેઠી હતી. સામેના લગભગ બધાં જ દુશ્મન સૈનિકો હણાઇ ગયા હતા. જોસેફના પક્ષે પણ ફક્ત જોસેફ જ જીવિત હતો ! જોસેફ છેલ્લા પાંચ કલાકથી એકલો જ ઝઝૂમતો હતો, અશક્તિ અને ભૂખ તરસ સાથે.મદદ માટે વધુ કુમક આવવાની હતી પણ એના કોઈ અણસાર દેખાતા ન હતા. આ છેલ્લી ચોકી હતી. છેલ્લા થોડાં કલાકોથી દુશ્મન તરફથી ક્યારેક ક્યારેક ગોળીબાર થતો હતો.જીત હાથવેંત દૂર હતી. આ છેલ્લી ચોકી જીતાઈ જાય એટલે આ વિસ્તારનો પૂરો કબજો પોતાના દેશના આધિપત્ય હેઠળ આવી જાય એમ હતું. એ સાથે જ ઘણીબધી શક્યતાઓના દ્વાર પણ ખુલી જાય એમ હતું, પોતાના કેટલાંક અંગત સપનાં પુરા થાય એમ હતું.' જોસેફનો ચહેરો વધુ દ્રઢ બન્યો. ગન નિશાન લેવાં ઉતાવળી થઈ.
લગભગ સો બસો મીટરનું અંતર હતું જોસેફ અને દુશ્મન દેશના સૈનિક વચ્ચે. કોઈ હિલચાલ ન દેખાતાં પાછો જોસેફના દિમાગ પર અસ્તવ્યસ્ત વિચારોએ કબજો લીધો.
'આ માનવજાત પણ ભેદી છે, રહસ્યમય છે, સ્વાર્થી છે. એક જ જમીનના પહેલાં અલગ અલગ ટુકડા પાડે છે. જુદા જુદા નામે ઓળખાવે છે. અને એક જમીની ટુકડાને બીજા જમીની ટુકડા સાથે લડાવે છે. પિંખાવે છે. સાથે બંને જમીની ટુકડા પર વસનારા પણ પિંખાઈ જાય છે. એક ટુકડા સાથે બીજા ટુકડાની સાથેની આ અંતહીન લડાઈની ફલશ્રુતિ શું ? અગણિત હત્યાઓનો અનંત ક્રૂરતમ ઇતિહાસ માત્ર કે બીજું કંઈ !' અવિરત વહેતા વિચારોની ગતિને બ્રેક મારીને જોસેફે ગન પર પકડ મજબૂત બનાવી.
સાથે જ જોસેફ થોડો વધુ આગળ વધ્યો. હજુ કોઈ હિલચાલ દેખાતી ન હતી. સિગરેટ ન પીવી એવી કડક ચેતવણી છતાં છુપાવીને લાવેલ સિગારેટ પીવાની અદમ્ય તલપ થતાં એણે સિગારેટ કાઢીને સળગાવી. ઊંડા કશ ખેંચતો જોસેફ પાછો વિચારોમાં ખોવાઈ ગયો. ધુમાડાના ગોટા સાથે એના સપનાં પણ ધુમાડો થઈને જાણે હવામાં ઓગળી રહ્યાં હતાં. જોસેફને ફરી ઘર યાદ આવી ગયું. એની આંખો અશ્રુઓથી તગતગી ઉઠી. એક સૈનિકનું રણમેદાનમાં રુદન આશ્ચર્યજનક કહેવાય, કદાચ.પરાણે બનાવેલ સૈનિકનું કદાચિત નહીં જ.
એને જુના દિવસો યાદ આવી ગયા જ્યારે સમગ્ર પ્રદેશને એક જ નામ હતું હતું. કોઈ ટુકડા ન હતા. ના ઉત્તર ના દક્ષિણ. પોતાની પત્ની, બેટી, મા બાપ, ભાઈ અને એનું કુટુંબ. સુખના દિવસો હતા. બંને ભાઈ ખેતી કરતા. જમીન વિશાળ હતી એક ભાગ નાનોભાઈ ખેડતો બીજો ભાગ મોટો ખેડતો. એક ગોઝારા દિવસે બંને ભાઈ વિખૂટાં પડી ગયા. મનથી નહીં પણ જુદી પાડી શકાય એવી તમામ ભૌતિક બાબતોથી. જમીનથી, દેશથી, ઓળખથી. નવા દેશોની સરહદ એમની જમીના ટુકડા કરી ગઈ. જે ભાઈ જ્યાં જમીન ખેડતો ત્યાંનો જ રહેવાસી થઈ ગયો એમ કહેવું ખોટું નથી કે કરી દેવામાં આવ્યો. બરજબરીથી. પેલી કહેવત જેમ ! સત્તા આગળ શાણપણ નકામું.
હવે નવનિર્માણ પામેલા બંને જમીની ટુકડાના ફોજદારો આપસમાં લડી રહ્યા હતા. એકબીજાની જમીન પચાવી પાડવા માટે. જે વાસ્તવમાં તો ત્યાં જ હતી જ્યાં હોવી જોઈતી હતી. એને કંઈ સમજાતું ન હતું. એને એટલું જ સમજાયું હતું કે સૈનિકો ખૂટી પડતા એના જેવા હજારો લોકોને બરજબરી સૈન્યમાં ભરતી કરીને સરહદે લડવા મોકલી દેવામાં આવ્યા હતા, કાચી પાકી ટ્રેનિંગ સાથે.
"હેન્ડ્સ અપ" વાતાવરણમાં સત્તાવાહી અજ્ઞાસુચક શબ્દો પડઘાઈ રહ્યા એ સાથે જ જોસેફની વિચારમાળા તૂટી. પોતે ઘેરાઈ ગયો હતો. સામે જ યમદૂત રાઇફલ તાણીને એની સામે ઉભો હતો. ફરી પરિવાર યાદ આવી ગયું. એક પળ માટે જોસેફ ખળભળી ઉઠ્યો. સામે મોત ઊભેલું જોઈને નહીં પણ પોતાની તરફ રાઇફલ તાકીને ઉભા રહેલા યમદૂતનો અવાજ સાંભળીને.
"માર્ટિન!" સહસા એના મ્હોંએથી શબ્દો સરી પડ્યા. એ સાથે જ જોસેફે પહેલું કામ પોતાની બુકાની છોડવાનું કર્યું.
યમદૂતના હાથમાંથી રાઇફલ પડી ગઈ. બંને સગા ભાઈ ભેટી પડ્યા. ક્યાંય સુધી રડતા રહ્યા.
અચાનક બંનેના મ્હોંએથી એક કારમી ચીસ નીકળી પડી. બંનેના દેહ ગોળીઓથી ચારણી બનતા ગયા. જોસેફે જોયું કે પોતાની કુમક મદદ માટે આવી પહોંચી હતી પણ એમના પર જ ગોળીઓ વરસાવી રહી હતી. આંખમાં આશ્ચર્ય સાથે એની આંખો ફાટેલી જ રહી ગઈ. જોસેફ મરી ગયો, ભાઈચારો પણ.
બીજી તરફ કુમક લઈને આવનાર સાર્જન્ટ વોકીટકી પર હેડ ઓફિસર સાથે વાતચીત કરી રહ્યો.
'સર... ગદ્દાર જોસેફને દુશ્મન દેશના સૈનિક સાથે ગળે મળતા જોવામાં આવ્યો હોવાથી ત્યાં જ બંનેને પુરા કરી દેવામાં આવ્યા છે.'
'શાબ્બાશ' સામેથી અવાજ રેલાઈ રહ્યો. આપણે આખરી ચોકી પણ જીતી લીધી!'