ભૂલ કોની ?
ભૂલ કોની ?
ડૉ.સંદીપ ઠક્કરની કેબિનમાંથી રડમસ થઈને જુનિયર ડૉકટર નેહા બહાર આવી. થોડીવાર પછી બે સિનિયર ડૉકટરો ગંભીર ચહેરે બહાર આવ્યા. શહેરની સૌથી મોટી અને ખ્યાતનામ આદર્શ હોસ્પિટલમાં આજે મામલો થોડો બીચકયો હતો. હોસ્પિટલના એક વોર્ડમાં રોકકળ ચાલી રહી હતી ને બીજી બાજુ ગેટની બહાર ટોળું આક્રોશ વ્યક્ત કરી રહ્યું હતું. હોસ્પિટલનો સ્ટાફ અને મેનેજમેન્ટ પોતાની ઈમેજ બગડવાની બીકે મામલો થાળે પાડવાની કોશિશમાં લાગેલા હતા. માહોલ એટલો તંગ થઈ ગયો હતો કે પોલીસ બોલાવવાની નોબત આવી ગઈ.
નેહા મધ્યમ પરિવારની યુવતી..એના માતાપિતાનું એકમાત્ર સંતાન..ખૂબ લાડકોડમાં ઉછરેલી..નીડર અને નિખાલસતાના ગુણ તો એનામાં વારસાગત જ પડેલા. સમજુ ને સહિષ્ણુ પણ એટલી જ. બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી એટલે પિતાની ઈચ્છા એને ડૉક્ટર બનાવવાની હતી. માબાપની પેટે પાટા બાંધીને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઈચ્છા જોઈને એણે પોતે પણ ડૉકટર બનવા ખૂબ મહેનત કરી. આ વર્ષ એનું મેડીકલનું છેલ્લું વર્ષ હતું. શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં એની ઈંટર્નશીપ ચાલતી હતી. સારો એવો અનુભવ થઈ જાય તો પોતાનું દવાખાનું ખોલી શકાય એવી એની ગણતરી.
આઈ.સી.યુ.ના એક કટોકટીભર્યા કેસમાં ફરજ બજાવતા સિનિયર ડૉ.વ્યાસના હાથ નીચે જુનિયર તરીકે નેહાની ડ્યુટી હતી. ડૉ. વ્યાસ આમ તો કામ અંગે બાહોશ પરંતુ એક વાર એમનાથી ભૂલમાં પેશન્ટને દવાનો ઓવરડોઝ અપાઈ ગયો. ડૉ નેહાના ધ્યાનમાં આવતા એણે તરત જ ડૉ. વ્યાસને જાણ કરી પણ પોતાના જેવા મશહૂર ડૉક્ટરને એક સામાન્ય જુનિયર ભૂલ બતાવે એ વાત એમને પચી નહીં અને એમની આવી બેદરકારીના લીધે એ પેશન્ટનું મૃત્યું થયું. આ બનાવથી ડૉ.નેહા અંદરથી હચમચી ગઈ.
ડૉ.નેહાએ આ બનાવની મેનેજમેન્ટથી લઈને ટ્રસ્ટી સુધ્ધાંને વાત કરી જોઈ. પણ વગદાર હોવાના લીધે ડૉ.વ્યાસની ભૂલ દરેકે છુપાવી..એટલું જ નહીં પણ દોષનો ટોપલો નેહા ઉપર જ ઢોળવામાં આવ્યો.
"જો નેહા ! મોટી હોસ્પિટલમાં આવી ભૂલો તો સામાન્ય ગણાય. એમાં આટલો હોબાળો મચાવવાની શું જરૂર છે ?" હોસ્પિટલના સંચાલક ડૉ. સંદીપ ઠક્કરે નેહાને પોતાની કેબિનમાં બોલાવીને સમજાવતા કહ્યું.
"પણ સર..એના લીધે એ ગરીબ દર્દીનો જીવ ગયો..એની પાછળ એના નાના બાળકો પણ છે એનું શું ?.." નેહા ચિંતિત સ્વરે બોલી.
"એની ચિંતા તું શું કામ કરે છે..આટલી બધી ઈમોશનલ થઈશ તો ડૉક્ટર બનીને કમાઈશ શું ?" ડૉ સંદીપે પ્રેક્ટિકલ થઈને કહ્યું.
"સર..સર.." હજી તો નેહા કાંઈ બોલવા જાય એ પહેલાં એની વાત કાપતાં ડૉ સંદીપ બોલ્યા;
"આમ પણ આ વર્ષ તારી ઈંટર્નશીપનું છેલ્લું વર્ષ છે..જો કશી ગરબડ થશે તો ડોક્ટર બનવાની તારી બધી મહેનત પર પાણી ફેરવાઈ જશે..વિચારી લે..હજી સમય છે ..તારી ભૂલ કબૂલીને માફી માંગી લે..અમે બધું ઠંડુ પાડી દેશું.."
પળવાર તો એણે ડૉકટરી છોડવાનો વિચાર સુધ્ધાં કરી લીધો પણ પોતાનું ડૉકટર બનવાનું સપનું રોળાઈ જશે તો માબાપની જીવનભરની મહેનત એળે જશે એમ વિચારી નેહાની આંખો ભરાઈ આવી.
મેનેજમેન્ટે ગમે તેમ કરીને મામલો ઠંડો પાડ્યો અને નેહાને નિર્ણય કરવા માટે પાંચ દિવસનો સમય આપ્યો. એક પછી એક દિવસ બોજભર્યો વીતવા લાગ્યો. એના સુખચેન હરામ થઈ ગયા. એક તરફ પોતાની સચ્ચાઈ અને બીજી તરફ ખોટો આરોપ અને બદનામી. પોતે ન કરેલા કૃત્યની માફી માંગે તો બધું સરખું થઈ તો જાય પણ નૈતિકતા પર લાંછન લાગે તો ! હવે શું નિર્ણય લેવો એ એને સૂઝી નહોતું રહ્યું. સાથીદારો પણ એને અવાજ ઉઠાવવાથી રોકી રહ્યા હતા.
આમ ને આમ ચાર દિવસ વીતી ગયા ને છેલ્લો દિવસ આવી ગયો. અચાનક એમ્બ્યુલન્સ હોસ્પિટલના પટાંગણમાં ઊભી રહી ગઈ. ઈમરજન્સી કેસ હતો. હોસ્પિટલનો સ્ટાફ દોડાદોડી કરવા લાગ્યો. બીજા ડૉક્ટરો વ્યસ્ત હતા એથી ફરીથી ડૉ.વ્યાસને કેસ સોંપાયો. હાર્ટએટેકનું પેશન્ટ હતું ને સમય ખૂબ ઓછો હતો. ડૉ.વ્યાસે ઈન્જેક્શન તૈયાર કર્યું ને આપવા જતા હતા ત્યાં નેહા દોડી આવી.
"સર..આ ઈન્જેક્શન એમને માટે યોગ્ય નથી..આ જુઓ એમની મેડિકલ હિસ્ટ્રી.." ડૉ. નેહાએ ફાઈલ પકડાવતાં ડૉ. વ્યાસને કહ્યું. પણ ડૉ.વ્યાસે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ને ઈન્જેક્શન આપી દીધું. થોડીવારમાં તો દર્દીનું એ વૃદ્ધ શરીર જવાબ દઈ ગયું. ફરીથી કેસ ફેલ.
ડૉ.નેહા ઉતાવળે પગલે ડૉ.સંદીપની કેબિનમાં દોડી ગઈ ને બધી વાત કરી.
"તને કેટલી વાર કહ્યું..આ બધું તો ચાલ્યા કરે..લાગે છે કે તને હવે સસ્પેન્ડ કરવી પડશે.." ડૉ.સંદીપે નેહાને ધમકાવી.
ત્યાં તો નર્સ ડૉ.સંદીપને બોલાવવા આવી.
"સર ! પેલાં પેશન્ટના સગાં તમને બોલાવે છે..તમારાં કોઈક ઓળખીતા લાગે છે.."
ડૉ. સંદીપે ત્યાં જઈને જોયું તો એમના પગ તળેથી જમીન સરકી ગઈ. એ વૃદ્ધ દર્દી બીજું કોઈ નહીં પણ પોતાના જ પિતાજી હતા. હૃદયરોગનો હુમલો આવતા, ડૉ.સંદીપનો તાત્કાલિક સંપર્ક ન થતાં ઘરના સભ્યો એમની જ હોસ્પિટલમાં લઈને આવેલાં..ડૉ.સંદીપની આંખમાં આવેલાં આંસું કહી રહ્યા હતા..આખરે ભૂલ કોની ?