Ankita Soni

Drama Fantasy

4  

Ankita Soni

Drama Fantasy

ચોરી

ચોરી

2 mins
248


લાકડીના ટેકે એક પગે ખોડંગાતી ચાલે વીરુદાદા ડેલામાંથી નીકળે ત્યારે સામે મળતાં ગામના લોકો અદબથી એમનું અભિવાદન કરતાં. ગામ નાનું પણ સંપીલું બહુ. ક્યારેય કોઈ કોઈને ઝગડો ના થાય અને થાય તોય વાત આગળ વધે પણ નહીં. 

ગામના અત્યંત આદરપાત્ર વડીલ એટલે વીરુદાદા. વર્ષો પહેલા લશ્કરમાં ભરતી થયેલા. ને યુદ્ધમાં કેટલાય દુશ્મનોના ઢીમ ઢાળી ચૂકેલા. પગમાં વાગેલી ગોળી અને એના લીધે લડખડાતી એમની ચાલ એ એમની બહાદુરીની નિશાની. સરકારે નિવૃત્ત જાહેર કર્યા પછી ખેતીકામમાં એ જોતરાયેલા પણ સૈનિકનો પોશાક પહેરવો છોડી શક્યા નહી. 

વીરુદાદાના ઘરમાં હવે તો શહીદ થયેલા દીકરાની દીકરી નીલમ સિવાય કોઈ બચ્યું નહોતું. ઘેઘૂરા વડલાની છત્રછાયામાં વેલ પાંગરે એમ દાદાની ઓથે દીકરી મોટી થઈ રહી હતી. બીજા કોઈ ખાસ સગાંવહાલાં પણ નહોતાં. એટલે વિશાળ હવેલી જેવા ડેલાના એક હિસ્સામાં દાદા અને દીકરી રહેતા તથા બીજા હિસ્સાને જરૂરિયાતવાળા લોકોને ભાડે અપાતો. 

એક વાર ગામના ખાધેપીધ સુખી એવા કુટુંબમાં દીકરીના લગ્નપ્રસંગે ચોરી થઈ. મહેમાનોની અવરજવર અને લગ્નની ધમાલમાં કરિયાવરના દાગીના કોઈ ઉઠાવી ગયું. એના કારણે લીધેલા લગ્ન પણ અટકાવવા પડ્યા. મધ્યમવર્ગી પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું. ઓછું હોય એમ ગામમાં બીજા બે ઘેર પણ તાળાં તૂટ્યા. ગામ પર ચોરોની નજર બગડી હોવાનું જાણતાં લોકો હવે ચેતી ગયા. સૌ પોતપોતાના ઘરે હથિયારો રાખતા થયાં. યુવાનીયાઓ તો ચોરોનું કાસળ કાઢી જ નાખવા તલપાપડ બન્યાં.

જેશીંગદાદાના ઘરે જનોઈના પ્રસંગે ચોરોએ ફરી દાવ અજમાવ્યો. સારા સારા કપડાં પહેરીને મામેરિયા ભેગા ભળી ગયાં. એ તો સારું થયું કે ઘરની બાઈએ સમયસર બધું ઠેકાણે પાડી દીધું એટલે ખાસ ફાવ્યા નહીં. પણ જેશીંગદાદાએ મહેમાન સમજી એમની મહેમાનગતિ કરી. સૂવાની વ્યવસ્થા વીરુદાદાના ડેલામાં કરી. રાતવરતે ખાતર પાડીશું એમ નક્કી કરી ચોરોએ પણ આતિથ્ય સ્વીકાર્યું.

વીરુદાદાનો ભવ્ય ડેલો જોઈને એમની સમૃદ્ધિનો અંદાજો લગાવતા ચોરોને તો એક કાંકરે બે પક્ષી મરતા હોય એવું લાગ્યું. રાતે વીરુદાદા મહેમાનોને ધાબળા આપવા જતા'તા ને દીકરી નીલમે એમને ઓરડે બોલાવ્યા. દીકરી સાથે કશીક મસલત કરીને મહેમાનો પાસે આવ્યા.

"મે'માન ! અમારે ત્યાં પહેલવહેલાં આવ્યા છો તો ગળ્યું મોંઢું તો કરવું જ પડશે. ." વીરુદાદાએ આગ્રહપૂર્વક મીઠાઈ ધરતાં કહ્યું.

મહેમાનોએ ના-ના કરતાં ખૂબ મીઠાઈ આરોગી. અને ક્યારે નિદ્રાધીન થયા એની ખબર જ ન પડી. સવારે જાગ્યા ત્યારે બીજી મહેમાનગતિની તૈયારી હતી. હવાલાતમાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama